નર્કારોહણ-૭

નર્કારોહણ-૭

આજે નરકમાં સાતમો દિવસ હતો. એક પછી એક મહાનુભવોના ઇન્ટરવ્યૂ લેવાય રહ્યા હતા. એના અહેવાલ ધરતી ઉપર મોકલાઈ રહ્યા હતા. મિત્રોની ફરમાયશ વધતી જતી. આને મળો પેલાં ને મળો. હરતા ફરતા જે કોઈ ઝપટે ચડી જાય તેને પકડી લેતા. ત્યાં એક વૃદ્ધ સફેદ દાઢી વાળા લગભગ છ ફૂટયા પડછંદ વ્યક્તિને જોઈ. મેં રશ્મીભાઈને પૂછ્યું કે  આ પેલાં મુકેશ ખન્ના જેવા વડીલ દેખાય તે કોણ છે? રશ્મીભાઈ કહે આ તો પેલાં ભીષ્મ પિતામહ છે. ચાલો ચાલો મળીયે એમને. અમે તો ગયા વૃદ્ધ વડીલને નમન કરવામાં શું વાંધો? ભીષ્મ પિતામહ અમને ઓળખી ગયા. લગભગ દરેકને ખબર પડી ગઈ છે કે અમે નવા સવા પત્રકાર, કોર્સ કર્યા વગરના અહીં ઘૂસણ મારી છે.

‘નમસ્કાર પિતામહ, આપ અહીં?’ મેં કહ્યું.

‘અરે વત્સ, અમે અનુશાસન પર્વ મહાભારતમાં છે તેમાં જણાવેલું યુધિષ્ઠિરને થોડું માંસાહાર વિષે એની યુ ટ્યૂબ ઉપર જાહેરાત થઈ ગઈ છે માટે અમારી પણ પ્રેસિડન્ટ સ્વામીએ અહીં બદલી કરી નાખી છે.’ પિતામહ બોલ્યા.

‘પિતામહ, સમજ ના પડી એમાં જરા વિગતથી કહેવાની કૃપા કરશો?’ મેં કહ્યું.

‘વત્સ, હવે ભારતમાં શાકાહારનો વાયરો ચાલ્યો છે. એટલે માંસાહારીઓ અમે પુરાણ પાત્રો માંસાહારી હતા એવું સાબિત કરવા અમારા બોલેલા વાક્યો શ્લોકોને યુ ટ્યૂબ ઉપર જણાવી ને માંસાહાર શ્રેષ્ઠ છે તેવું સાબિત કર્યા કરે છે.’

‘પિતામહ, હવે સમજ પડી. પણ આપે એવું શું કહેલું યુધિષ્ઠિર ને?’ મેં જિજ્ઞાસા દર્શાવી.

‘વત્સ, અમે બાણશય્યા ઉપર હતા. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને અમારી પાસેથી જ્ઞાન લેવા સમજાવેલો, કે ડોસો ચાર પાંચ પેઢીથી ખસ્યો નથી. દિવાળીઓ બધા કરતા વધારે જોયેલી છે, એટલે એની અનુભવ વાણી જાણી લો જરા. એટલે તે નાદાન મને પૂછતો હતો કે મૃત પિતૃઓ ને શું તર્પણ કરીએ તો તૃપ્ત રહે અને કેટલો સમય તૃપ્ત રહે જેથી અહીં લોકોને મર્યા પછી હેરાન ના કરે.’

‘પિતામહ, એમ વાત છે. અહીં અમારા બ્લોગ જગતમાં પણ એક જ્ઞાતા બહેનશ્રી અનુભવ વાણી લખતા હોય છે. તો આપે કાપુરુષને શું ઉત્તર આપેલો?’

‘વત્સ, અમે કહેલું કે પિતૃઓને શ્રાદ્ધ વખતે જવ તલ અને ફલાહાર તર્પણ કરો તો એક મહિનો તૃપ્ત રહે, પછી હેરાનગતિ ચાલુ. માછલી આપો તો બે મહિના, હરણ પાંચ મહિના, કોઈ પક્ષી ધરાવો તો ૭ મહિના, ભેંસ ચાલે ૧૧ મહિના, મોટો આખલો  ૧૨ વર્ષ અને લાલ બકરો અને ગેંડો ધરાવો તો કાયમની શાંતિ. આમાં કદાચ થોડો ફેરફાર હશે. કારણ બહુ વર્ષ થઈ ગયા આ વાત કરે, હવે અમારી યાદ શક્તિ પણ કમજોર થઈ ગઈ છે.’ પિતામહે લાંબું ચલાવ્યું.

‘પિતામહ, આ શાકાહાર અને માંસાહાર વિષે કોણ શ્રેષ્ઠ એનો બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે, આપની અનુભવ વાણી શું કહે છે?’ મેં સવાલ કર્યો.

‘વત્સ, કુદરતે સજીવોની આખી એક ફૂડ ચેનલ ઊભી કરી છે. હર્બીવોરસ પ્રાણીઓ છે જેવાં કે ગાય, ભેંસ, બકરા ઘેંટા અને પાન્ડા જેવા રીંછ વનસ્પતિ ખાય. એમને સીધા ખાવા માટે કાર્નીવોરસ પ્રાણીઓ બનાવ્યા જેવા કે વાઘ સિંહ, પોલર રીંછ, ગરુડ જેવા પક્ષીઓ જે ફક્ત માંસ જ ખાય. અને ઓમનીવોરસ એટલે બધું ઝાપટી જનારા સજીવો ફળફળાદિ, વનસ્પતિ અને બીજા પ્રાણીઓ કે પક્ષીઓ બધું એમનો ખોરાક. એમાં માણસો, રીંછ, વાંદરા બીજા અનેક આવી જાય. આમાં કોઈ હિંસા નથી કે કોઈ પાપ નથી. ઊલટાનું વાઘ ઘાસ ખાય તો કુદરત નો ગુનેગાર બને. અને ગાય જો માંસ ખાય તો તે કુદરત ઉપર ક્રાઇમ કહેવાય. એમ માણસ પણ એકલી શાકભાજી કે એકલું માંસ ખાય તો ક્રાઇમ ઓન નેચર.’ પિતામહે નાનકડું ભાષણ આપ્યું.

‘પિતામહ, આ થિયરી હવે ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટો સમજાવે છે, પણ અહીં ભારતમાં કોઈ માને તેમ નથી. પણ આપે લગ્ન નહિ કરવાનું વચન કેમ આપ્યું અને પાળ્યું?’

‘વત્સ, શું કરવાનું? કામાંધ પિતાશ્રીઓ પુત્રોના બલિદાનો લેતા હોય છે, દશરથે રામનું લીધેલું તેમ અમે પણ બલિદાન આપેલું. હવે કોઈ દશરથ કે શાન્તનું પેદા ના થાજો ધરતી ઉપર એટલું પ્રભુ પાસે માંગીએ છીએ.’

‘પિતામહ, સાચી વાત છે. હજારો વર્ષથી ભારત આના લીધે દુખી થયા કર્યું છે, હવે No more દશરથ!! No more શાન્તનું! પણ પિતામહ, સ્ત્રીઓના કીડનેપીંગ કરેલા?’

‘વત્સ, અમારા ભાઈ માટે એવું કરવું પડેલું. એ જમાનામાં એ બધું સામાન્ય હતું.’

‘પિતામહ, હવે અહીં ધરતી પર વિવાદ ચાલે છે કે આપ નપુંસક હતા’

‘વત્સ, નો કૉમેન્ટ પ્લીઝ !’

‘પણ પિતામહ બીજા વારસદારોનું પણ એવું હતું શું?’

‘વત્સ, એમાં જૂઠ બોલી શકાય તેમ નથી, વ્યાસજીએ પુત્રદાન કરેલું અને કુંતીએ પણ એમ જ વારસદારો મેળવેલા. એમાં કોઈ પાપ ના ગણાય.’

‘પિતામહ, આપ દ્રૌપદીને સભામાં નગ્ન કરતી વખતે કેમ ના બોલ્યાં?’

‘વત્સ, અમે વૃદ્ધ થઈ ચૂક્યા હતા, સ્વભાવથી નરમ થઈ ચૂક્યા હતા. અને નાગાની પાંચ શેરી ભારે, અમારે બોલવું જોઈતું હતું. બીજું અમારું કોઈ સાંભળે તેમ હતું પણ નહિ. અમે દુર્યોધનનું અન્ન પણ ખાધેલું.’

‘તો પછી આપ યુદ્ધમાં તો કૂદી કૂદીને લડતા હતા. ત્યારે કમજોરી ક્યાં ગઈ હતી? એક વિકર્ણ વિરોધ કરી  સભા છોડી ગયો હતો. પણ આપ?’ મેં જરા ગુસ્સામાં કહ્યું.

‘વત્સ, વિકર્ણ બહાદુર હતો. મૂળ એક વાત એ છે કે જ્યારે તમે કોઈના રોટલા ખાધા હોય તેના આધારિત રહ્યા હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એની વિરુદ્ધ બોલી શકતા નથી. એક અહેસાન, પેટમાં પડેલું અન્ન બોલવા દેતું નથી. અહેસાનનો ભાર સાચું દેખાતું હોવા છતાં બોલવા દેતો નથી. માટે બને ત્યાં સુધી સ્વનિર્ભર રહેવું જ સારું. ઇમર્જન્સી વગર કોઈનું અન્ન ખાવું  નહિ.’

‘પિતામહ, આખી જીંદગી કામને દબાવ્યો તો એવું પણ બને કે અચેતન રૂપે સ્ત્રીને નગ્ન જોવાની ઈચ્છાએ બોલવા દીધા ના હોય.’

‘વત્સ, ગૂંચવી નાખ્યો તમે. મારે ફ્રોઈડ ની સલાહ લેવી પડશે. હાલ નો કૉમેન્ટ પ્લીઝ!

‘પિતામહ, ફ્રોઇડ તો બીજા ધર્મનો, એ કોઇ બીજા નર્ક કે સ્વર્ગમાં હશે. એવું કરો પેલાં ઓશો રજનીશ ક્યાંક ફરતા ફરતા આવી ચડે તો એમની પાસેથી ખુલાસો મળી જશે. એ બહુ મોટા મનોવૈજ્ઞાનીક હતા. અચેતન મનની દરેક કરામતના જાણકાર ખેલાડી હતા.’

‘વત્સ, પણ એ તો હાલ કયા ગ્રહની મુલાકાત કરતો હશે? લટારમારુ અહીં આવશે તો ચોક્કસ પૂછી લઇશ.’

હવે વધારે પૂછી ને વડીલને શરમ માં નાખવાનો કોઈ હેતુ હતો નહિ. રશ્મિ ભાઈ અને મેં ત્યાંથી ચાલતી પકડી. રશ્મિભાઈ ને મે કહ્યું કે આ એક મહાભારતનું પાત્ર આખી જીંદગી એકલતાની અસીમ વેદના વેઠીને રહ્યું. એક કામી પિતાની અયોગ્ય માંગ ને સંતોષવા જતા એક તો મોત આવે નહિ ને ખુબ લાંબી જીંદગી  જીવવી કેટલું અસહ્ય?????

14 thoughts on “નર્કારોહણ-૭”

 1. ભૂપેન્દ્રસિંહજી,

  કામાંધ પિતાશ્રીઓ પુત્રોના બલિદાનો લેતા હોય છે, દશરથે રામનું લીધેલું અને શાન્તનુએ ભીષ્મનુ. આજે પણ આ સિલસીલો થોડેઘણે અંશે ચાલુ જ છે. શું થાય લોહીમાં જ પ્રસરી ગયો હોય તો? અને આવા પિતાશ્રીઓને પોતાને જ ખબર હોય કે આપણે ખોટી રીતે દીકરાના બલિદાનો લીધા છે એમની જીંદગી નરક સમાન કરી છે. એમના જ અચેતન મનમાં ડર ઘૂસી ગયો હોય છે કે આખી જિંદગી દીકરા હેરાન થશે તો આપણને મનમાં કોસ્યા કરશે તો તેથી જ આવા પિતૃશ્રાદ્ધના નુસખા બતાવવા પડ્યા. એટલે પિતૃશ્રાદ્ધ કરવા પડે.

  એકવાર અમારા સગાને કોઇએ કહેલું કે તમને પિતૃદોષ છે તો તેની વિધિ કરાવો. ત્યારે મેં કહેલું કે જીવતા પિતૃઓ નડવાનું બંધ કરતા નથી અને મરેલા ક્યાંથી નડવાના હતા? માતાપિતા તેમના બાળકોને ભરપૂર પ્રેમ અને તેમના ભવિષ્ય ઘડતરમાં શક્ય ફાળો આપે અને તેમના બાળકો તેમને તેમના વૃદ્ધવસ્થાનો સહારો બને અને પ્રેમથી સાચવે તે જ સાચું પિતૃશ્રાદ્ધ.

  Like

 2. કૃષ્ણ અને ભીષ્મનો મહાભારત યુધ્ધ પહેલાનો સંવાદ હોય છે એમાં ભીષ્મ પુછે છે કે, જો મેં લગ્ન કર્યા હોત અને સંતતિ પ્રાપ્ત કરી હોત તો આ બધું નીવારી શકાયું હોત ને…
  કૃષ્ણ કહે છે કે, હા એવું થઈ શક્યું હોત, પણ તમે પ્રકૃતિની વિરુધ્ધ પડ્યા એટલે એમાંથી સંઘર્ષ જ ઉત્પન્ન થાય. વળી, હવે તમે ભૂલ સુધારે શકો એમ પણ નથી. એટલે આવું પરિણામ હવે અફર છે.

  Like

 3. મારે પૂછવું હતું પણ રહી ગયું. પ્રશ્ન હતો “આપને આગળ ઉલાળ ને પાછળ ધરાળ તો હતા નહિ છતાં દુર્યોધનનું અન્ન ખાવાની શી આવશ્યકતા હતી? વળી વૃદ્ધ વયે સન્યાસ કેમ ન લીધો?”

  Like

 4. શ્રી ભુપેન્દ્રસિંહભાઈ,
  ભીષ્મ પિતા સાથેની મુલાકાત સરસ રહી… હું મીતાબેનના વિચારો સાથે સહમત છુ કે જીવતા પિતૃઓને સ્નેહપૂર્વક સાચવવા એ જ સાચું પિતૃતર્પણ છે. રહી વાત કોઈનું અન્ન ખાઈ તેની કીમત ચુકવવાની તો મને યાદ છે કે જ્યારે મારી કોલેજ નાં પહેલા દિવસની પૂર્વ સંધ્યાએ મારા પપ્પાએ કહેલી વાત યાદ આવે છે કે બેટા દોસ્તો સાથે ફરવા કે રેસ્ટોરન્ટ માં જાય ત્યારે કોઈના પૈસે ખાવું નહિ . નહિતર તેની ન ગમતી વાતમાં ક્યારેય વિરોધ નહી કરી શકાય….!!! કેટલા સાચા હતા પપ્પા….

  Like

 5. શ્રી ભુપેન્દ્રસિંહજી,
  ભીષ્મ પિતામહ (જેમનું મુળ નામ દેવવ્રત અને ગાંગેય હતું), કે જેમણે બ્રહ્મચર્યનું અને હસ્તિનાપુરના સિંહાસનને વફાદાર રહેવાનું આકરૂં વ્રત લીધું તેથી ભીષ્મ કહેવાયા. જો કે તેમણે આ બંન્ને વ્રતો ઈમાનદારીપૂર્વક પાળી બતાવ્યા, પરંતુ તે કારણે તેમને ધર્મ-અધર્મની લપછપ પણ ત્યાજવી પડી. કદાચ તેઓ પોતાની પ્રતિજ્ઞા પ્રત્યે ખરા હૃદયથી વફાદાર, શબ્દશઃ વફાદાર રહ્યા, નહીંતો સ્વયં કૃષ્ણે પણ શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા કરી અને વ્યવહારીકતા સહઃ તેનો ભંગ પણ ન કર્યો ? કદાચ ભીષ્મ એટલે જ ભીષ્મ હતા કે તે વ્યવહારૂ ન હતા.
  કૌરવોનું અન્ન ખાવાને કારણે તેઓ કૌરવોનો વિરોધ નહીં કરી શક્યા હોય તે પણ વિચારવાયોગ્ય બાબત લાગી. આજે પણ આવી શરમાશરમીમાં ભ્રષ્ટાચારને મુંગેમોઢે જોઇ રહેતા ઘણા આદર્શ વ્યક્તિત્વો દેખાય જ છે ને ? (ભીષ્મના કથાનકમાંથી તો આપણા જાહેરજીવનના મહાપુરૂષોએ પણ ધડો લેવો જોઇએ કે કોનું ખાવું અને કોનું ન ખાવું !!)

  હા, તેઓએ આખું જીવન કામને દબાવ્યો તેથી તેમના અચેતન મનની સ્ત્રીને નગ્ન જોવાની ઇચ્છાએ તેમને વસ્ત્રાહરણ પ્રસંગે વિરોધ કરવા નહીં દીધા હોય તે વાત શાથે હું અસહમત છું ! ફરી એ જ કહીશ કે તેઓ અવ્યવહારૂ હશે, ત્યારના સમયના જે પણ કાયદાઓ હતા તેનું ચુસ્તપણે પાલન કરતા હશે (સવિનય કાનૂનભંગનો વિચાર તો બહુ મોડો આવ્યો !)

  મુળમાં તો મોહ એ મહાભારતનું ચાલકબળ છે. ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ તેમ દેવવ્રતના પિતૃમોહે તેમને આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરવા પ્રેર્યા હશે. બાકી તે દા‘ડે જ ડોસાને ઠમઠોરીને બેસાડી દીધા હોત તો આ મહાભારત ના થાત !!

  શ્રી રશ્મિકાન્તભાઇએ ન પુછેલા પ્રશ્નનો ઉત્તર પણ અહીં જ છે, ’પ્રતિજ્ઞા’. ભીષ્મ ફક્ત હસ્તિનાપુરને વફાદાર હતા, કોઇ વ્યક્તિવિશેષને નહીં. તેઓ હસ્તિનાપુરની ગાદીનું અન્ન ખાતા અને તે ગાદીનું રક્ષણ કરવા બંધાયેલા હતા તેથી સંન્યાસ પણ તેમને માટે શક્ય ન હતો. હા, તેઓ શબ્દાર્થમાં નહીં પણ તત્વાર્થમાં રક્ષણ સમજ્યા હોત તો ધર્મના પક્ષે રહી શકત. પરંતુ તેઓ ભીષ્મ હતા, કૃષ્ણ નહીં !! સુંદર આલેખન. આભાર.

  Like

  1. અચેતન એટલે જ ગુપ્ત ચિત્ત.અને એની કરામતો અને માયા બહુ અકળ છે ભાઈ.એને માટે મનોવિજ્ઞાન ભણવું પડે.એની લીલાઓ નો પાર જ નથી.મેં એના વિષે ખુબ અભ્યાસ કરેલો છે,પછી ભીષ્મ ઉપર વહેમાયો છું.એના માટે સિમ્પલ ગુજરાતી માં લખેલા ડો.મૃગેશ વૈષ્ણવ નાં પુસ્તકો રીફર કરી શકાય તો કરશો.વસાવવા જેવા પુસ્તકો છે.ભીષ્મ વિષે અહોભાવ આપને માનવા માટે પ્રેરતો નથી.હસ્તિનાપુર ની ગાદી બહુ મહત્વ ની નાં હોય આખો સમાજ મહત્વ નો હોય.ગાદી નાં હકદાર તો પાંડવો પણ હતા.ગાદી નું રક્ષણ તો પાંડવો ને ગાદી ઉપર બેસાડી ને પણ કરી શકાયું હોત ને?દ્રૌપદી નાં ચીર હરણ વખતે ક્યા ગાદી લુંટાઈ જતી હતી?એક વિકર્ણ પણ અન્ન ખાતો જ હતો.જેનું અન્ન ખાધું તેનું હિત તો જોયું નહિ.કે પછી હાથે કરી ને અન્ન ખવડાવનાર નો નાશ ઇચ્છતા હતા?સભા છોડી ને જઈ શકાયું હોત ને વિકર્ણ ની જેમ?વૃદ્ધ થઇ ને બેસી શું કામ રહ્યા?આજે પણ આપને કશું ખોટું થતું હોય અને આપને લાચાર હોઈએ રોકવા અસમર્થ હોઈએ તો ત્યાંથી જતા રહીએ છીએ.એ કેમ નાં જઈ શક્યા?એમાં અવ્યવહારુ શેના?ભીષ્મ ને વહેવાર શીખવવો પડે?એતો મહાજ્ઞાની હતા.અનુશાશન પર્વ માં કેટલું બધું જ્ઞાન આપ્યું છે?દેવવ્રત નો પિતૃમોહ પાંડવો નાં પક્ષે કેમ નાં હતો?એ શું એમના પૌત્રો નાં હતા?ગાદી નું રક્ષણ તો પાંડવો ને ગાદી આપી ને વધારે કરી શકાયું હોત.એ બધી બી.આર.ચોપરા ની કલ્પનાઓ છે.મહાભારત ૨૪ હજાર શ્લોકો નું જ છે.એમાં લાખ શ્લોકો આવી ગયા તેમાં કોઈ ભીષ્મ નાં ચાહકે આવી હમ્બગ ગાદી ફાદી ની આદર્શ ની વાતો ઘુસાડી દીધી લાગે છે.

   Like

 6. ‘પિતામહ, હવે અહીં ધરતી પર વિવાદ ચાલે છે કે આપ નપુંસક હતા’
  ‘વત્સ, નો કોમેન્ટ પ્લીઝ!!’ 🙂

  માંસાહાર વિશે બાબા રામદેવનો વિચાર જોરદાર છે.તેઓ તો દરેક યોગ શિબિરમાં કહે છે કે માંસાહાર કરવાથી બુદ્ધી ભ્રષ્ટ થાય છે તથા આયુષ્ય ટૂંકુ થાય છે.એનો અર્થ થયો કે સચિન તેન્દુલકરની બુદ્ધી ભ્રષ્ટ છે.(સચિન માત્ર ઉદાહરણ) .સચિન તેન્દુલકરને ચિકન ખૂબ જ પ્રિય છે.તથા નાશામાં કામ કરતા ઘણા વૈજ્ઞાનિકો માંસાહાર કરે છે.તેઓની બુદ્ધી પ્રણ ભ્રષ્ટ છે ? બસ માત્ર બાબા રામદેવની બુદ્ધી જ સમૃદ્ધ છે ? 😉

  Like

  1. રાજાની ભાઈ,
   હું કોઈ માંસાહાર ની તરફેણ કરતો નથી,પણ માંસાહાર કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય તે સામે મને ખુબ વાંધો છે.શ્રી કાંતિ ભટ્ટે પણ એકવાર દિવ્યભાસ્કર માં લખેલું કે ગાજર મુલા થી બુદ્ધિ તેજ થાય અને માંસાહાર થી બગડે.એમાં મેં પ્રતિભાવ આપેલો એક લેખ જેટલો જે ઓનલાઈન દિવ્યભાસ્કર માં ખુબ ચગેલું.રવીન્દ્રનાથ ટાગોર ફીશ કાયમ ખાતા.દલાઈલામા માંસ અને સી ફૂડ ખાય છે.લગભગ બધા ગુજરાતીઓ સિવાય ના વૈજ્ઞાનિકો માંસ ખાય છે,તેમાં ગુજરાતી વૈજ્ઞાનિકો કેટલા?ભારત માં પણ ગુજરાતીઓ અને જૈનો સિવાય બધે જ માંસ ખવાય છે.ગુજરાત ના સોલંકી રાજાઓ જૈન ધર્મ ના તરફેણ માં હતા એટલે ધીરે ધીરે ગુજરાત માંસાહાર થી વિમુખ થવા લાગ્યું.અને મને ચોક્કસ ખ્યાલ છે કે આપ પણ માંસાહારી નથી.મારા તે લેખ ની link મુકું છું અહી તે વાચી લેશો. http://brsinh.blogspot.com/2009/10/blog-post_28.html

   Like

   1. I am a vegetarian; but if you drink milk, and if you eat honey; you have no right to oppose non-veg food! Gandhi said that “There is no difference between milk and egg”! (Our society made him to apologize for his statement though! 😦 ) If you visit any stable (“Tabelaa”) in india; I bet you, you will be in favor of non-veg!!! Free range eggs and meat are better than Indian cow milk! Thank you!

    Like

 7. ગાંધીજી પણ શાકાહારી હતા. હિટલર પણ શાકાહારી હતો.
  દલાઈ લામા શાકાહારી નથી. ચંગેઝ ખાન પણ નહોતો.
  અર્થાત શાકાહારને અને સદ્બુદ્ધિને કોઈ સંબંધ નથી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s