Daily Archives: ઓગસ્ટ 1, 2010

નર્કારોહણ-૭

નર્કારોહણ-૭

આજે નરકમાં સાતમો દિવસ હતો. એક પછી એક મહાનુભવોના ઇન્ટરવ્યૂ લેવાય રહ્યા હતા. એના અહેવાલ ધરતી ઉપર મોકલાઈ રહ્યા હતા. મિત્રોની ફરમાયશ વધતી જતી. આને મળો પેલાં ને મળો. હરતા ફરતા જે કોઈ ઝપટે ચડી જાય તેને પકડી લેતા. ત્યાં એક વૃદ્ધ સફેદ દાઢી વાળા લગભગ છ ફૂટયા પડછંદ વ્યક્તિને જોઈ. મેં રશ્મીભાઈને પૂછ્યું કે  આ પેલાં મુકેશ ખન્ના જેવા વડીલ દેખાય તે કોણ છે? રશ્મીભાઈ કહે આ તો પેલાં ભીષ્મ પિતામહ છે. ચાલો ચાલો મળીયે એમને. અમે તો ગયા વૃદ્ધ વડીલને નમન કરવામાં શું વાંધો? ભીષ્મ પિતામહ અમને ઓળખી ગયા. લગભગ દરેકને ખબર પડી ગઈ છે કે અમે નવા સવા પત્રકાર, કોર્સ કર્યા વગરના અહીં ઘૂસણ મારી છે.

‘નમસ્કાર પિતામહ, આપ અહીં?’ મેં કહ્યું.

‘અરે વત્સ, અમે અનુશાસન પર્વ મહાભારતમાં છે તેમાં જણાવેલું યુધિષ્ઠિરને થોડું માંસાહાર વિષે એની યુ ટ્યૂબ ઉપર જાહેરાત થઈ ગઈ છે માટે અમારી પણ પ્રેસિડન્ટ સ્વામીએ અહીં બદલી કરી નાખી છે.’ પિતામહ બોલ્યા.

‘પિતામહ, સમજ ના પડી એમાં જરા વિગતથી કહેવાની કૃપા કરશો?’ મેં કહ્યું.

‘વત્સ, હવે ભારતમાં શાકાહારનો વાયરો ચાલ્યો છે. એટલે માંસાહારીઓ અમે પુરાણ પાત્રો માંસાહારી હતા એવું સાબિત કરવા અમારા બોલેલા વાક્યો શ્લોકોને યુ ટ્યૂબ ઉપર જણાવી ને માંસાહાર શ્રેષ્ઠ છે તેવું સાબિત કર્યા કરે છે.’

‘પિતામહ, હવે સમજ પડી. પણ આપે એવું શું કહેલું યુધિષ્ઠિર ને?’ મેં જિજ્ઞાસા દર્શાવી.

‘વત્સ, અમે બાણશય્યા ઉપર હતા. શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને અમારી પાસેથી જ્ઞાન લેવા સમજાવેલો, કે ડોસો ચાર પાંચ પેઢીથી ખસ્યો નથી. દિવાળીઓ બધા કરતા વધારે જોયેલી છે, એટલે એની અનુભવ વાણી જાણી લો જરા. એટલે તે નાદાન મને પૂછતો હતો કે મૃત પિતૃઓ ને શું તર્પણ કરીએ તો તૃપ્ત રહે અને કેટલો સમય તૃપ્ત રહે જેથી અહીં લોકોને મર્યા પછી હેરાન ના કરે.’

‘પિતામહ, એમ વાત છે. અહીં અમારા બ્લોગ જગતમાં પણ એક જ્ઞાતા બહેનશ્રી અનુભવ વાણી લખતા હોય છે. તો આપે કાપુરુષને શું ઉત્તર આપેલો?’

‘વત્સ, અમે કહેલું કે પિતૃઓને શ્રાદ્ધ વખતે જવ તલ અને ફલાહાર તર્પણ કરો તો એક મહિનો તૃપ્ત રહે, પછી હેરાનગતિ ચાલુ. માછલી આપો તો બે મહિના, હરણ પાંચ મહિના, કોઈ પક્ષી ધરાવો તો ૭ મહિના, ભેંસ ચાલે ૧૧ મહિના, મોટો આખલો  ૧૨ વર્ષ અને લાલ બકરો અને ગેંડો ધરાવો તો કાયમની શાંતિ. આમાં કદાચ થોડો ફેરફાર હશે. કારણ બહુ વર્ષ થઈ ગયા આ વાત કરે, હવે અમારી યાદ શક્તિ પણ કમજોર થઈ ગઈ છે.’ પિતામહે લાંબું ચલાવ્યું.

‘પિતામહ, આ શાકાહાર અને માંસાહાર વિષે કોણ શ્રેષ્ઠ એનો બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે, આપની અનુભવ વાણી શું કહે છે?’ મેં સવાલ કર્યો.

‘વત્સ, કુદરતે સજીવોની આખી એક ફૂડ ચેનલ ઊભી કરી છે. હર્બીવોરસ પ્રાણીઓ છે જેવાં કે ગાય, ભેંસ, બકરા ઘેંટા અને પાન્ડા જેવા રીંછ વનસ્પતિ ખાય. એમને સીધા ખાવા માટે કાર્નીવોરસ પ્રાણીઓ બનાવ્યા જેવા કે વાઘ સિંહ, પોલર રીંછ, ગરુડ જેવા પક્ષીઓ જે ફક્ત માંસ જ ખાય. અને ઓમનીવોરસ એટલે બધું ઝાપટી જનારા સજીવો ફળફળાદિ, વનસ્પતિ અને બીજા પ્રાણીઓ કે પક્ષીઓ બધું એમનો ખોરાક. એમાં માણસો, રીંછ, વાંદરા બીજા અનેક આવી જાય. આમાં કોઈ હિંસા નથી કે કોઈ પાપ નથી. ઊલટાનું વાઘ ઘાસ ખાય તો કુદરત નો ગુનેગાર બને. અને ગાય જો માંસ ખાય તો તે કુદરત ઉપર ક્રાઇમ કહેવાય. એમ માણસ પણ એકલી શાકભાજી કે એકલું માંસ ખાય તો ક્રાઇમ ઓન નેચર.’ પિતામહે નાનકડું ભાષણ આપ્યું.

‘પિતામહ, આ થિયરી હવે ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટો સમજાવે છે, પણ અહીં ભારતમાં કોઈ માને તેમ નથી. પણ આપે લગ્ન નહિ કરવાનું વચન કેમ આપ્યું અને પાળ્યું?’

‘વત્સ, શું કરવાનું? કામાંધ પિતાશ્રીઓ પુત્રોના બલિદાનો લેતા હોય છે, દશરથે રામનું લીધેલું તેમ અમે પણ બલિદાન આપેલું. હવે કોઈ દશરથ કે શાન્તનું પેદા ના થાજો ધરતી ઉપર એટલું પ્રભુ પાસે માંગીએ છીએ.’

‘પિતામહ, સાચી વાત છે. હજારો વર્ષથી ભારત આના લીધે દુખી થયા કર્યું છે, હવે No more દશરથ!! No more શાન્તનું! પણ પિતામહ, સ્ત્રીઓના કીડનેપીંગ કરેલા?’

‘વત્સ, અમારા ભાઈ માટે એવું કરવું પડેલું. એ જમાનામાં એ બધું સામાન્ય હતું.’

‘પિતામહ, હવે અહીં ધરતી પર વિવાદ ચાલે છે કે આપ નપુંસક હતા’

‘વત્સ, નો કૉમેન્ટ પ્લીઝ !’

‘પણ પિતામહ બીજા વારસદારોનું પણ એવું હતું શું?’

‘વત્સ, એમાં જૂઠ બોલી શકાય તેમ નથી, વ્યાસજીએ પુત્રદાન કરેલું અને કુંતીએ પણ એમ જ વારસદારો મેળવેલા. એમાં કોઈ પાપ ના ગણાય.’

‘પિતામહ, આપ દ્રૌપદીને સભામાં નગ્ન કરતી વખતે કેમ ના બોલ્યાં?’

‘વત્સ, અમે વૃદ્ધ થઈ ચૂક્યા હતા, સ્વભાવથી નરમ થઈ ચૂક્યા હતા. અને નાગાની પાંચ શેરી ભારે, અમારે બોલવું જોઈતું હતું. બીજું અમારું કોઈ સાંભળે તેમ હતું પણ નહિ. અમે દુર્યોધનનું અન્ન પણ ખાધેલું.’

‘તો પછી આપ યુદ્ધમાં તો કૂદી કૂદીને લડતા હતા. ત્યારે કમજોરી ક્યાં ગઈ હતી? એક વિકર્ણ વિરોધ કરી  સભા છોડી ગયો હતો. પણ આપ?’ મેં જરા ગુસ્સામાં કહ્યું.

‘વત્સ, વિકર્ણ બહાદુર હતો. મૂળ એક વાત એ છે કે જ્યારે તમે કોઈના રોટલા ખાધા હોય તેના આધારિત રહ્યા હોય ત્યારે મનોવૈજ્ઞાનિક રીતે એની વિરુદ્ધ બોલી શકતા નથી. એક અહેસાન, પેટમાં પડેલું અન્ન બોલવા દેતું નથી. અહેસાનનો ભાર સાચું દેખાતું હોવા છતાં બોલવા દેતો નથી. માટે બને ત્યાં સુધી સ્વનિર્ભર રહેવું જ સારું. ઇમર્જન્સી વગર કોઈનું અન્ન ખાવું  નહિ.’

‘પિતામહ, આખી જીંદગી કામને દબાવ્યો તો એવું પણ બને કે અચેતન રૂપે સ્ત્રીને નગ્ન જોવાની ઈચ્છાએ બોલવા દીધા ના હોય.’

‘વત્સ, ગૂંચવી નાખ્યો તમે. મારે ફ્રોઈડ ની સલાહ લેવી પડશે. હાલ નો કૉમેન્ટ પ્લીઝ!

‘પિતામહ, ફ્રોઇડ તો બીજા ધર્મનો, એ કોઇ બીજા નર્ક કે સ્વર્ગમાં હશે. એવું કરો પેલાં ઓશો રજનીશ ક્યાંક ફરતા ફરતા આવી ચડે તો એમની પાસેથી ખુલાસો મળી જશે. એ બહુ મોટા મનોવૈજ્ઞાનીક હતા. અચેતન મનની દરેક કરામતના જાણકાર ખેલાડી હતા.’

‘વત્સ, પણ એ તો હાલ કયા ગ્રહની મુલાકાત કરતો હશે? લટારમારુ અહીં આવશે તો ચોક્કસ પૂછી લઇશ.’

હવે વધારે પૂછી ને વડીલને શરમ માં નાખવાનો કોઈ હેતુ હતો નહિ. રશ્મિ ભાઈ અને મેં ત્યાંથી ચાલતી પકડી. રશ્મિભાઈ ને મે કહ્યું કે આ એક મહાભારતનું પાત્ર આખી જીંદગી એકલતાની અસીમ વેદના વેઠીને રહ્યું. એક કામી પિતાની અયોગ્ય માંગ ને સંતોષવા જતા એક તો મોત આવે નહિ ને ખુબ લાંબી જીંદગી  જીવવી કેટલું અસહ્ય?????

Advertisements