ભાષાની સરળતા…

ભાષાની સરળતા…

ઘણા બધા મિત્રો લખે છે કે તમારી ભાષા સરળ છે.  તમારી શૈલી સરળ છે.  જો કે મને મારી શૈલી કેવી છે તે ખબર જ ના હતી. અને હોય પણ નહિ. પણ મિત્રો અભિપ્રાય આપે ત્યારે લાગે કે ચાલો હવે જાણવા મળ્યું કે બધું  ઠીક ઠીક ચાલે જાય છે. પણ વધુ પડતાં વખાણ થયા કે બહુ સરળ શબ્દોમાં લખો છો ત્યારે થયું કે કોઈને પુછવા દે. એક પરમ મિત્રને પૂછ્યું કે ભાઈ મારી શૈલી લોકો કહે છે સરળ છે આપ પણ મારો બ્લોગ વાચો છો અને આપ પણ કાયમ કહો છો કે સરળ છે શૈલી મારી, તો જણાવો કે હું કેવું ખરેખર લખું છું?

મિત્ર કહે તમારા શબ્દો બહુ સીધા સાદા સરળ હોય છે. મેં કહ્યું સાચું કહો છાતી ઉપર હાથ મુકીને. તો કહે આમ તો બધું સારું લખો છો પણ જરા ભાષાનું જ્ઞાન ઓછું હોય તેવું લાગે.

હું તો ચમક્યો. એક મિત્રનો બ્લોગ યાદ રહ્યો નથી, પણ એમના બ્લોગમાં મેં કોમેન્ટ આપેલી જવાબમાં એમણે લખેલું કે મારું શબ્દભંડોળ સમૃદ્ધ છે. આ તો ઊંધું થયું. મારું એ વખતે ચડેલું લોહી આજે સડસડાટ ઉતરી ગયું.

મેં એ મિત્રને કહ્યું કે આપ ઉપાલંભ સારો મારો છો. તો મને પૂછે કે ઉપાલંભ એટલે શું?

મેં કહ્યું હટાક્ષ. મને કહે કટાક્ષ સાભળ્યું છે પણ હટાક્ષ નથી સાભળ્યું.

મેં પૂછ્યું કે ગઝલ ખબર છે? કહે હા ! તો હઝલ ખબર છે? હા થોડી થોડી !

બસ તો ગઝલ ને હઝલ જેવું કટાક્ષ અને હટાક્ષ.

પણ સવાલ પાછો આવ્યો કે ઉપાલંભ એટલે? મેં કહ્યું કટાક્ષ સમજો ચાલશે.

મારા એક બીજા સગા અહી નજીકમાં રહે છે, તે  ભાષાના નિષ્ણાત માને છે પોતાને. મેં એમને થોડા આર્ટીકલ પ્રિન્ટ કરી ને આપેલા. મેં કહેલું કે બહુ વર્ષ થઇ ગયા છે માટે જોડણીની ભૂલો હશે, જરા સુધારજો મારે બુક છપાવવી છે. મને થોડા દિવસ પછી કહે જોડણી તો અસંખ્ય ભૂલો છે, અને વાક્ય રચનામાં પણ ભૂલો છે. મેં કહ્યું કે જોડણીની ભૂલો હોય તે વાત સાચી પણ વાક્ય રચનાની ભૂલો જરા બતાવજો. મને કહે તમે એક જગ્યા લખ્યું છે કે
“આ છે તમારા બ્રહ્મચર્યના ફાયદા !” એને બદલે એવું હોવું જોઈએ કે,
“આ તમારા બ્રહ્મચર્યના ફાયદા છે !”
આ વાક્ય મેં  બિપાશા બસુના ઉન્નત પયોધર જોઈ  ઘાયલ થઇને કોઈએ એના ઉપર ભીડનો લાભ લઇને હાથ ફેરવી લીધેલો તેના સંદર્ભમાં લખેલું. કે ભાઈ સપ્રેસ્ડ કામરસ આવા અસભ્ય કામ કરાવે છે.

મેં એ ભાઈ ને જણાવ્યું કે, આ તો મારી આગવી શૈલી છે. વાક્યની પાછળ કે અંતમાં ‘છે’ બધા લખે, પણ અંતના બદલે વચમાં ‘છે’ ખાલી  લખે છે  એક માત્ર ભુપેન્દ્રસિંહ જ. જુઓ અહી પણ ‘છે’ વચ્ચે જ લખાઈ ગયો છે, આદત જો પડી છે.

જેમ કે કોઈ લેખમાં કારગીલ કંપની હરામજાદી છે એક નહિ સાડી સત્તરવાર હરામજાદી એવું વાંચવા મળે તો સમજી જવાનું કે શ્રી કાંતિ ભટ્ટનો જ લેખ છે.

મારા બીજા એક મિત્ર વૈજ્ઞાનિક છે. હમણાં ભારત ગયા હશે. તો કોઈએ એમને શ્રી ગુણવંત શાહની બુક્સ આપી હશે. મને ફોનમાં કહે આમાં તો ચાર વાર એક વાક્ય વાચું તો પણ સમજ પડતી નથી. મેં કહ્યું બધા નોટ કરી રાખવાના અને સમય મળે મને પૂછી લેજો. મને સમજાય તેવું તો લખે જ છે આપણા ગુણવંત શાહ. કહે કે મોહમદ માંકડનું સમજાઈ જાય છે આમનું નથી સમજાતું. મેં કહ્યું કે આમ તો શાહ સાહેબ સરળ ભાષામાં લખવાના હિમાયતી છે. કદાચ બીજા માટે. મને કહે એમના  એક આર્ટીકલમાં  વાચ્યું  કે રામ માનવતાના વિવેકચુડામણી છે તે ના સમજાયું.
મેં કહ્યું ચૂડો એટલે ખબર છે?
‘કઈક  બંગડી જેવું?’
‘મણી એટલે?’
‘હા ! એતો સમજ પડી સમથીંગ લાઈક જ્વેલ.’
‘અને વિવેક તો ખબર જ છે?’
‘હા ! સાચા ખોટાની સમજ.’
‘તો હવે સમજ પડી ગઈ?  સ્ત્રીના ચૂડલામાં એક મણી કેવો શોભતો હોય કે કીમતી હોય તેમ રામની સમજ બહુ સારી હતી.’
‘તો રામ સારા સમજદાર કે વિવેકી હતા એટલું કહ્યું હોત તો શું ખોટું હતું? જો કે હતાં તો નહિ, પણ  આ તો મગજનું દહીં થઇ જાય છે.’

ઘણીવાર હું આર્ટીકલ લખતો ત્યારે બાજુમાં બેઠેલા મારા દીકરાને કોઈ શબ્દનો અર્થ પૂછી લઉં છું. એને સમજ ના પડે તો બીજો સરળ શબ્દ શોધી ને પૂછું, એને સમજ પડી જાય તો તે શબ્દ વાપરવો સારો એવું લાગે. ખુબ અઘરો શબ્દો હોય તો એ મને કહેશે કે  એવો શબ્દ વાપરશો તો યંગ લોકોને નહિ સમજાય. અને દરેક લેખમાં ભારે શબ્દો વાપરી  શબ્દોના અર્થ લખશો તો લેખ, લેખ કરતા ડીક્ષનેરી વધારે લાગશે. પેલા જે મિત્રે મને ભાષા જ્ઞાન ઓછું તેવું કહેલું મને એમ કે એમનું ભાષા જ્ઞાન વધારે હશે. મને થયું મજાકમાં લાવ પરીક્ષા કરવા દે. એમને મેં પૂછ્યું કે હું એક વાક્ય કહું તેનો જરા અર્થ કહેશો ?
‘મેઘારંભે વિરહિણી દોડતી પાદ પંકમાં પખાળતી, પંક થી ખરડાતી જઈ બેઠી પ્રિયતમના અંકમાં.’
મને કહે,  ‘આમાં કોઈક દોડતું જાય છે અને ક્યાંક જઈને બેસી જાય છે એટલી જ સમજ પડી.
મેં મેઘારંભેનો અર્થ સમજાવ્યો તો કહે પહેલો વરસાદ કહો ને. વિરહિણીનો અર્થ જરા વિસ્તારથી સમજાવવો પડ્યો. તો કહે કોઈ miss  કરે તેવું ને? મેં કહ્યું ‘માર ગઈ તેરી જુદાઈ’ જેવો અનુભવ થતો હોય તેવી સ્ત્રી.

પાદના અર્થમાં પહેલું તો નાક સીકોડાઈ ગયું. મેં કહ્યું સિમ્પલ છે એમાં કોઈ આદેશાત્મક વાસ મારે તેવું લેવાનું નથી. પાદ  પગ માટે વપરાય છે.  મેં પૂછ્યું,
‘પંકજ ખબર છે?’
‘એ તો આજના કોઈ પંકજ નામધારીને પણ ખબર નહિ હોય.’
‘ઓ કે,ચરણકમળ ખબર છે?’
‘સાવ સહેલું, કમળ જેવા પગ.’
‘ના, કાદવથી ખરડાયેલા પગ ને ચરણકમળ કહેવાય.’
‘એવું કેવી રીતે? આપણે તો કોઈ ગુરુજીને વંદન કરીએ ને પગમાં પડીએ તો એમના પગને માનથી ચરણકમળ કહીએ છીએ.’
‘જુઓ કમળ ફક્ત કાદવમાં ખીલે માટે આ કહેવાતા  કમળ જેવા ગુરુના પગ કાદવમાં છે તેથી એમના પગ યાને ચરણકમળ એટલે કાદવથી ખરડાયેલા પગ.’
‘સાચી વાત છે, આમેય લગભગ હાલના દરેક ગુરુના પગ કાદવથી જ ખરડાયેલા હોય છે.’
‘બસ તો આ પંક એટલે કાદવ, અને પંકજ એટલે કમળ.’
‘હવે સમજાયું, પહેલા વરસાદના કાદવમાં દોડતી જતી હતી, પણ એમાં અંક ગણિત ક્યા આવ્યું?’
મને થયું હવે ખેંચવામાં મજા નથી. મેં કહ્યું અંક એટલે ખોળો. મને કહે છી હાઈજીનનું કોઈ ભાન જ નહિ કાદવવાળા પગ લઈને ખોળાંમાં બેસી ગઈ?

હમણા અમારે મિત્રો વચ્ચે ચર્ચા ચાલેલી કે અમેરિકામાં ભારતીય છોકરાઓના પાર્થ નામ વધારે હોય છે. એક ભાઈ  કહે બધા પાર્થ ધનુષબાણ લઈને ફરશે તો ઓબામાંનું શું થશે? મેં કહ્યું આ મોટાભાગના પાર્થને ખબર નહિ હોય કે એમના નામનો અર્થ અર્જુન થાય છે.

અમારા સાલી સાહેબનાં ઘરે બધાના નામ ‘પ’થી શરુ થાય છે. પંકજ, પ્રજ્ઞા, પૃથ્વી અને પાર્થ. વળી પાછું પાર્થ? હું મજાકમાં કહેતો હોઉં છું કે પ્રજ્ઞાનો પાર્થ હાથમાં પંકજ લઇ પૃથ્વી ઉપર ફરે છે. આ પંકજ અને પ્રજ્ઞા પ્રેમ સમાધિમાં ઉતરે એના ફળ સ્વરૂપે પૃથ્વી અને પાર્થ આ જગતને નસીબ થયા છે.

ઘરમાં કોઈ રોજની ભાષામાં અલંકારિક શબ્દો વાપરાતું નથી. કે આજે પિતાશ્રી ઘણા પ્રકોપિત  થયેલા કે એમને બહુ મન્યુ ચડેલો. જો કે લખવામાં વપરાય તો સારું લાગે છે. પણ આજની પેઢીને અઘરા શબ્દોમાં જલ્દી સમજાય નહિ તો વાચવાનું જ છોડી દે તેવું પણ બની શકે. એટલે મેં પેલા મિત્ર ને જણાવ્યું કે હું લોકભોગ્ય ભાષામાં વધુ લખું છું જેથી જલ્દી ગળા સોંસરવી ઉતરી જાય કે બ્રેઈનમાં જઈને સીધી હૃદયમાં ઉતરી જાય. તો એમણે મને પૂછ્યું કે આ લોકભોગ્ય એટલે શું ????????

30 thoughts on “ભાષાની સરળતા…”

 1. ભૂપેન્દ્રસિંહજી, ઘણીવાર લેખકની ઓળખ તેની ભાષાશૈલી હોય છે. આપની સરળ ભાષાશૈલી સરસ છે. અને આપના પરમ મિત્રનો આભાર કે જેમના દ્વારા આપનું વિશાળ ભાષાજ્ઞાન માણવા મળ્યું. ‘ઉપાલંભ’, ‘ વિવેકચૂડામણી’, ‘ચરણકમળ’ જેવાં શબ્દોના અર્થ વિશે જાણવા મળ્યું.
  એક મારા પતિના મિત્ર છે તેમનું નામ ભગવાનનું નામ હતું તેને લીધે લગ્ન પછી એમની પત્નીનું નામ બદલી નાખ્યું અને પછી બાળકોના નામ પણ ભગવાનના નામ પરથી રાખ્યાં અને જાતે જાતે પોતાના ધરને મંદિર ગણાવે. (જો કે ભગવાન જેવા કે એકપણ ગુણ જોવા મળે નહીં. બંને કપટથી ભરેલા નાના બાળકોમાં પણ એમના જ ગુણોનો વારસો ઉતરેલો)

  Like

 2. મીતાજી,
  મેં તો મજાક માં લેખ લખ્યો છે.નર્કારોહણ થી મિત્રો કંટાળી નાં જાય માટે વચ્ચે એકાદ લેખ જુદો હોય તો સારું.નામ તેવા ગુણ હોવા તો ખાસ અસંભવ છે.જુઓ ભૂપ એટલે રાજા અને રાજાઓ માં પણ ઇન્દ્ર એટલે ભુપેન્દ્ર અને પાછા સિંહ તો ખરાજ.હવે મારું રાજ્ય ક્યા સુધી છે તે હું જ જાણું છું.હા મિત્રો નાં હૃદય ઉપર રાજ્ય જરૂર કરીએ છીએ.આભાર

  Like

 3. Darbar saab, I like your articles,Nice combination of Osho, C.Bakshi &
  Charvak.I am In CA & practicing religious services more then 35 years.
  Although I agree with your thoughts & theory. Please keep it up.

  Sword owner darbar now become Pen owner…Good..very good

  Like

 4. ઘણા દિવસોથી તમારા બ્લોગની મૂલાકાત લેવાનું વિચારી રહ્યો હતો.એમતો ઘણી વખત નજર ફેરવીને ચાલ્યો જતો.તમારી ભાષા તો સરળ લાગે મને.જો કે મને ભાષા વિશે વધૂ જ્ઞાન નથી.મને તો વાક્ય રચના પણ ગોઠવતા આવડતી નથી.હા,ચાર-પાંચ કલાકનું ભાષણ સ્ટેજ પર આપી શકુ.તમેતો જે દિલમાં છે તે બધૂ બ્લોગ પર છાપી દિધૂ હોય તેવું લાગે છે.તમારૉ શૈલીમાં માત્ર પુસ્તક્યુ જ્ઞાન દેખાતુ નથી.જો કે હું કોઈ ભાષા વિષેશજ્ઞ નથી,પણ જે દિલ અને દિમાગમાં હોય તે બ્લોગ પર ઠપકારી મારુ છું. 😀

  Like

 5. તમારી ભાષા પરનું પ્રભુત્વ તમારા લેખમાં છલકાય છે અને તમે જે સરળતાથી તમારા મનની વાત લેખમાં રજુ કરો છો (કે તે દરેકના દિલમાં ઉતરી જાય) તે વખાણવા લાયક છે.

  Like

  1. હિરેનભાઈ,
   આભાર આપનો.મિત્રો ની સરાહના છે તો લખી શકાય છે.જેવું વિચારતો હોઉં તેવું લખું છું.

   Like

 6. “””””હટાક્ષ”””””
  બાપુ, હસવાનું પતે પછી કાં‘ક વિચાર કરીશ !
  ત્યાં હુધી તમને હળી કરી અને અમને ભેખડે ભરાઇ દેનાર આપના ’પરમ મિત્ર’નો આભાર !!

  Like

  1. શ્રી અશોકભાઈ,
   હસીલો!!!હળી કરનાર મિત્ર અને અમે ફોન ઉપર મજાક માં કરેલી વાતો હતી,મેં એને લેખ બનાવી દીધો.આભાર.

   Like

 7. પંકજ એટલે દેડકો પણ થઇ શકે ને? તે પણ કાદવમાં જ પેદા થાય છે ને!

  ગુરુઓના ચરણ કાદવમાં હોય છે તે અવલોકન ગમ્યું.

  ‘પાર્થ’નો અર્જુન થાય છે એમ કહીએ તો પૂછશે કે ‘અર્જુન’ એટલે શું?

  નામ પ્રમાણે ગુણ હોતા નથી તેનો એક દાખલો America’s Most Wanted show પર આવેલો. કોઈ ઉત્સાહી સ્પેનીશ યુગલે તેમના પુત્રનું નામ ‘ગાંધી’ રાખેલું, તેણે પૈસા ખાતર ચાર જણાના નિર્દય રીતે ખૂન કરી નાખેલા.

  Like

  1. રશ્મીભાઈ,
   આપણે સંજય ગાંધી સમજી લેવાનું.હવે સ્પેનીશ લોકો કાંદા લસણ ખાતા બંધ થઇ જવાના છે ટૂંક સમય માં.કોઈ મુકુન્દ્સ્વરૂપ મહારાજ શાંતા ડોમીન્ગો માં સ્પેનીશ લોકો ને ધર્મ ના રાહે ચડાવી રહ્યા છે.

   Like

  2. રશ્મિકાંતભાઈ, દેડકો ખાબોચિયું કે તળાવમાં ઈંડા મુકે છે જે પાણી પર તરતા હોય છે, જ્યારે કમળનું બીજ તળાવના તળિયે કાદવમાં હોય છે. એટલે, “પંકજ”નો અર્થ કમળ જ કરી શકાય.

   Like

 8. ભુપેન્દ્રસિંહ્જી..ખુબ જ મજા પડી આપ નસીબદાર આપને સરળ રસાળ મધુર શૈલી મળી..આ શૈલી કોણ ?

  Like

 9. દાદા,

  (દાદા એટલે મરાઠી અને બંગાળીમાં મોટા ભાં હો !! અવળુ ના લેતા કોઈ..)

  સાચ્ચુ કહો દાદા, આપ જમવામાં શુ શું જમો છો?? (મજાક કરુ છુ) આપની જેવુ લખી જ શકાતુ નથી. આ લેખમાં શબ્દે શબ્દે, અને નર્કારોહણના પાંચેય અધ્યાયોમાં હ્સવાની મજા પડી જ હતી, પણ જે મારે કહેવુ હોય એ આપ જ કહી દો છો એટલે વધારે ઉમેરવુ જ નથી પડતુ….

  રંગ છે બાપુ, આપની કલમને…. કલમને પણ આપે તલવાર કરી જાણી……આપના જેવા તલવારીયા રાજપુત ઓછા જોય છે…… આપનુ પુસ્તક છપાઈ જાય તો એના હેડિંગ નીચે નાના અક્ષરોમાં કૌંસ બનાવીને “(બાપુ રાઓલ રાજપુતની તલવાર)” એવુ લખાશે તો વધુ રંગ આવશે……

  Like

  1. રાજેશભાઈ,
   અમારે રાજપૂત માં મોટાભાઈ ને દાદા ભાઈ જ કહેતા હોય છે.અને આમેય મારા ભત્રીજાઓ અને ભત્રીજીઓ ના સંતાનો નો દાદો તો ક્યારનોય બની ચુકે લો છું.દીકરાઓ નાં સંતાનો દાદાસા કહે અને દીકરીઓના સંતાનો નાનાંસા કહે છે.ખરેખર તો મેં સાતેક મહિના થી જ લખવાનું શરુ કરેલ છે.કોઈ સિદ્ધહસ્ત લેખક નથી.આપનો ખુબ આભાર.

   Like

 10. તમારા બ્લોગ પર વારંવાર આવવાનું થાય છે અને તમારા વિચારોના અનેકરૂપ પણ જોવા મળે છે, કોઈ સમયે એમ પણ લાગે છેકે વિષય – વસ્તુને છોડી અને અન્ય વાત પર આવી જાવ છો, પરંતુ તે મારી સમજણ હોઈ શકે? કારણ લખનારને જ પોતાની રચનાનો પૂરો ખ્યાલ હોય છે, બાકી તો સૌ પોત પોતાનાં રીતે તેને મુલવે છે., અને પોતાનાં વિચારો વ્યક્ત કરવા મથામણ કરતાં હોય છે. હા, એટલું જરૂર કર મૌલિકતાનો પૂરો લાભ લેવા હમેશ તમારી કોશિશ છે અને જે ખરેખર પ્રશંસનીય છે.

  અભિનંદન

  das.desais.net

  Like

  1. શ્રી અશોકભાઈ,
   ખુબ આભાર આપનો.કોઈ વાર એવું બનતું પણ હશે કે મેલ વિષય છોડી અન્યત્ર વળી જવાય.મેં તો હમણા સાતેક મહિના થી જ લખવાનું શરુ કર્યું છે,કોઈ સિદ્ધહસ્ત લેખક તો છું નહિ.ઘણી બધી ભૂલો હશે.ધ્યાન દોરવા બદલ આભાર.આવી રીતે શીખતા જઈશું.

   Like

 11. જો ગુણવંતશાહ નું લખાણ સમજાતું નથી. એક ગુજરાત સમાચારવાળા અને એક દિવ્યભાસ્કર વાળા. એકને લીધે મેં ૧૯૫૨થી બંધાવેલું ગુજરાત સમાચાર બંધ કર્યું અને બીજાને કારણે મેં દિવ્યભાસ્કર ચાલુ કર્યું. પણ જો તેમનું લખાણ ન સમજાતું હોય તો પ્રકાશભાઈ શાહ નું લખાણ વાંચવાનો પ્રયત્ન પછીના તબક્કે કરવો. પ્રકાશભાઈનું લખાણ વાંચવા માટે સ્મશાનવત શાંતિ, કંફર્ટેબલ ખુરસી અને ટેબલ, કોરોકાગળ અને પેનસીલ અને રબર જોઇએ. મને બહુ મજા પડે છે.

  વિવેકચુડામણી નો અર્થ કરવાની રીત જોઈને મને કોઈએક ટીવી સીરીયલ ના હંસાબેન વાળા પ્રફુલભાઈ યાદ આવી ગયા.

  કોઇ કુટુંબીઓ પોતાના કુટુંબમાં “પ” થી નામ રાખે તો ઉત્તરભારતમાં અને બિહારમાં નામનો પ્રારંભ રામ થી કરે.
  રામશંકર, રામનરેશ, રામનાથ, રામખિલાવન, રામસુલાવન, રામપીલાવન,
  ક્યાંક વળી નામનો અંત રામથી લાવે છે.

  Like

  1. દવે સાબ,
   એ ભાઈ ગુણવંત શાહ નાં લખેલા શબ્દો ના અર્થ પુછવા કાયમ મને ફોન કરતા હોય છે માટે આ લેખ લખવાનું મન થયેલું.રામસુલાવન,રામ પીલાવન??મજા આવી.આભાર.

   Like

 12. પ્રિય શ્રીરાઓલસાહેબ,

  આપે સાવ રમતિયાળ ઢબે, આજના `ગુજ્લીંશ` (ગુજરાતી+ ઈંગ્લીશ) માં વાતચીત કરતા, સમજતા અને સમગ્ર ગુજરાતમાં, ગુજરાતી ભાષાના, મુકાબલે અંગ્રેજી ભાષાની શાળાઓના વધતા ક્રેઝને કારણે,આ યુવાઓને, ભવિષ્યમાં, કનડનારા, એક ગંભીર પ્રશ્ન સામે, આંગળીં ચિંધ્યાનું પૂન્ય કર્યું છે.

  સાંપ્રત પ્રવાહમાં, આવનારા, બે દાયકા પછી, કદાચ સરળ, `ગુજ્લીંશ` ભાષામાં, લખેલા લખાણજ, વંચાવાને યોગ્ય ગણાશે, કારણકે, વાચક યુવા વર્ગની, સમજશક્તિનું સ્તર બદલાઈ ગયું હશે.

  આમેય, જ્યાં ચઢાણ ઉંચા હોય ત્યાંથી માનવી પસાર થવાને બદલે, તળેટીનો લાંબો પણ, સપાટ રસ્તો વધારે પસંદ કરે..!!

  આપે, માત્ર એક લેખ નથી ઠોક્યો, ગુજરાતી માતૃભાષાને, મૃતપ્રાય થતી, બચાવવાની જડીબુટ્ટી બતાવી છે.

  અભિનંદન.

  માર્કંડ દવે.

  Like

  1. શ્રી માર્કંડભાઈ,
   મૂળ વાત એ છે કે આજે વાંચન નું મહત્વ ઓછું થઇ ગયું છે.એટલે ઘર માં જે ગુજરાતી બોલાય તેટલું જ સમજાય છે.વધારાનું ફાવે નહિ.અમે અહી ઈંગ્લીશ આલ્ફાબેટ માં ગુજરાતી લખતા મિત્રો ને નાં ગમે છતાં સલાહ આપીએ છીએ અને ગુગલ ઈન્ડીક વિષે જણાવીએ છીએ કે ગુજરાતી માં લખો.વિશાલ મોણપરા નું પેડ પણ સારું છે.વાંચે ગુજરાત આંદોલન ખાસ વેગ પકડવું જોઈએ તો ગુજરાતી બચાવો અંદોલન ની જરૂર નહિ પડે.

   Like

 13. ભુપેન્દ્રભાઈ આપે તો સાવ હળવી શૈલી માં સાચી વાત કરી …… ‘આજની પેઢીને અઘરા શબ્દોમાં જલ્દી સમજાય નહિ તો
  વાચવાનું જ છોડી દે તેવું પણ બની શકે’ માટેજ ….. નહિ મામા કરતા કાણો મામો સારો ”
  તેથીજ ગુજરાતી સાવ નાં વાંચે તે કરતા સમજાય તેવું સરળ વાંચે તો પણ સારું , અને પોતાની
  માતૃભાષા પ્રત્યે નો લગાવ અને ચાહ તો ઘરના વાતાવરણ ઉપર નિર્ભર કરે છે……
  અને શ્રી મકરન્દભાઈ ના કહેવા મુજબ ‘આજના `ગુજ્લીંશ` (ગુજરાતી+ ઈંગ્લીશ) માં વાતચીત કરતા,
  સમજતા અને સમગ્ર ગુજરાતમાં, ગુજરાતી ભાષાના, મુકાબલે અંગ્રેજી ભાષાની શાળાઓના વધતા ક્રેઝને …..’
  પરંતુ સાચું કહીએ તો ઈંગ્લીશ ભાષા એ ક્રેઝ નથી પરંતુ આજ ની જરૂરીઆત છે .

  બાકી સાચું કહું તો ….. `ગુજ્લીંશ` ચાબખા ના ડર થી મેં પણ આજે ગુજરાતી માં કોમેન્ટ લખી છે. 🙂

  Like

  1. પારૂબેન
   અંગ્રેજી હવે ગ્લોબલ ભાષા છે માટે એના વગર ચાલવાનું નથી.છતાં ગુજરાતી પણ બોલી શકાય છે.એક સાથે અનેક ભાષાઓ કેમ શીખી ના શકાય?ચાલો એ બહાને આજે ગુજરાતી માં કોમેન્ટ વાચવા મળી.હવે નક્કી ગુજરાતીમાં ને?

   Like

 14. dear Bhupendrabhai…..sau pratham abhinandaan…..fakat seven months and then to Sidhh-hasta…….
  Gujenglish j aaj kaal chale che…..
  lekh ghano j sunder ane aap bhale aapni lekhan shailey ne naa vakhano paan aamo tevi Gustagi nahi kariye…..
  appe kahyu gujaratima lakhvanu paan aamone jara difficult karan pake kanthe ghada no bahryae..!!!!
  bass avu ne aavu j lakhata rahesho tevi apeksha saha
  Sanatbhai Dave

  Like

 15. અત્યાર સુધી તો તમારા , દોરા, ધાગા, અંધ શ્રધ્ધા, ધર્મ અને લબાડી બાવા સાધુઓના ધતીંગ ઉપરના લેખોજ વાંચ્યાં છે, આજે તમારો આ હાસ્ય લેખ વાંચ્યો, ભદ્રંભદ્ર વાંચતાં હસી હસીને પેટ દુઃખી જતું તેવું તમારા આ લેખમાં થયું, પણ તમારો લેખ બહુ ટુંકો છે, હજી આગળ ચલાવતા રહોને, બધાને બહુ મજા પડશે, મોજથી વાંચશે…
  બહુ સુંદર લેખ છે…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s