ભાષાની સરળતા…

ભાષાની સરળતા…

ઘણા બધા મિત્રો લખે છે કે તમારી ભાષા સરળ છે.  તમારી શૈલી સરળ છે.  જો કે મને મારી શૈલી કેવી છે તે ખબર જ ના હતી. અને હોય પણ નહિ. પણ મિત્રો અભિપ્રાય આપે ત્યારે લાગે કે ચાલો હવે જાણવા મળ્યું કે બધું  ઠીક ઠીક ચાલે જાય છે. પણ વધુ પડતાં વખાણ થયા કે બહુ સરળ શબ્દોમાં લખો છો ત્યારે થયું કે કોઈને પુછવા દે. એક પરમ મિત્રને પૂછ્યું કે ભાઈ મારી શૈલી લોકો કહે છે સરળ છે આપ પણ મારો બ્લોગ વાચો છો અને આપ પણ કાયમ કહો છો કે સરળ છે શૈલી મારી, તો જણાવો કે હું કેવું ખરેખર લખું છું?

મિત્ર કહે તમારા શબ્દો બહુ સીધા સાદા સરળ હોય છે. મેં કહ્યું સાચું કહો છાતી ઉપર હાથ મુકીને. તો કહે આમ તો બધું સારું લખો છો પણ જરા ભાષાનું જ્ઞાન ઓછું હોય તેવું લાગે.

હું તો ચમક્યો. એક મિત્રનો બ્લોગ યાદ રહ્યો નથી, પણ એમના બ્લોગમાં મેં કોમેન્ટ આપેલી જવાબમાં એમણે લખેલું કે મારું શબ્દભંડોળ સમૃદ્ધ છે. આ તો ઊંધું થયું. મારું એ વખતે ચડેલું લોહી આજે સડસડાટ ઉતરી ગયું.

મેં એ મિત્રને કહ્યું કે આપ ઉપાલંભ સારો મારો છો. તો મને પૂછે કે ઉપાલંભ એટલે શું?

મેં કહ્યું હટાક્ષ. મને કહે કટાક્ષ સાભળ્યું છે પણ હટાક્ષ નથી સાભળ્યું.

મેં પૂછ્યું કે ગઝલ ખબર છે? કહે હા ! તો હઝલ ખબર છે? હા થોડી થોડી !

બસ તો ગઝલ ને હઝલ જેવું કટાક્ષ અને હટાક્ષ.

પણ સવાલ પાછો આવ્યો કે ઉપાલંભ એટલે? મેં કહ્યું કટાક્ષ સમજો ચાલશે.

મારા એક બીજા સગા અહી નજીકમાં રહે છે, તે  ભાષાના નિષ્ણાત માને છે પોતાને. મેં એમને થોડા આર્ટીકલ પ્રિન્ટ કરી ને આપેલા. મેં કહેલું કે બહુ વર્ષ થઇ ગયા છે માટે જોડણીની ભૂલો હશે, જરા સુધારજો મારે બુક છપાવવી છે. મને થોડા દિવસ પછી કહે જોડણી તો અસંખ્ય ભૂલો છે, અને વાક્ય રચનામાં પણ ભૂલો છે. મેં કહ્યું કે જોડણીની ભૂલો હોય તે વાત સાચી પણ વાક્ય રચનાની ભૂલો જરા બતાવજો. મને કહે તમે એક જગ્યા લખ્યું છે કે
“આ છે તમારા બ્રહ્મચર્યના ફાયદા !” એને બદલે એવું હોવું જોઈએ કે,
“આ તમારા બ્રહ્મચર્યના ફાયદા છે !”
આ વાક્ય મેં  બિપાશા બસુના ઉન્નત પયોધર જોઈ  ઘાયલ થઇને કોઈએ એના ઉપર ભીડનો લાભ લઇને હાથ ફેરવી લીધેલો તેના સંદર્ભમાં લખેલું. કે ભાઈ સપ્રેસ્ડ કામરસ આવા અસભ્ય કામ કરાવે છે.

મેં એ ભાઈ ને જણાવ્યું કે, આ તો મારી આગવી શૈલી છે. વાક્યની પાછળ કે અંતમાં ‘છે’ બધા લખે, પણ અંતના બદલે વચમાં ‘છે’ ખાલી  લખે છે  એક માત્ર ભુપેન્દ્રસિંહ જ. જુઓ અહી પણ ‘છે’ વચ્ચે જ લખાઈ ગયો છે, આદત જો પડી છે.

જેમ કે કોઈ લેખમાં કારગીલ કંપની હરામજાદી છે એક નહિ સાડી સત્તરવાર હરામજાદી એવું વાંચવા મળે તો સમજી જવાનું કે શ્રી કાંતિ ભટ્ટનો જ લેખ છે.

મારા બીજા એક મિત્ર વૈજ્ઞાનિક છે. હમણાં ભારત ગયા હશે. તો કોઈએ એમને શ્રી ગુણવંત શાહની બુક્સ આપી હશે. મને ફોનમાં કહે આમાં તો ચાર વાર એક વાક્ય વાચું તો પણ સમજ પડતી નથી. મેં કહ્યું બધા નોટ કરી રાખવાના અને સમય મળે મને પૂછી લેજો. મને સમજાય તેવું તો લખે જ છે આપણા ગુણવંત શાહ. કહે કે મોહમદ માંકડનું સમજાઈ જાય છે આમનું નથી સમજાતું. મેં કહ્યું કે આમ તો શાહ સાહેબ સરળ ભાષામાં લખવાના હિમાયતી છે. કદાચ બીજા માટે. મને કહે એમના  એક આર્ટીકલમાં  વાચ્યું  કે રામ માનવતાના વિવેકચુડામણી છે તે ના સમજાયું.
મેં કહ્યું ચૂડો એટલે ખબર છે?
‘કઈક  બંગડી જેવું?’
‘મણી એટલે?’
‘હા ! એતો સમજ પડી સમથીંગ લાઈક જ્વેલ.’
‘અને વિવેક તો ખબર જ છે?’
‘હા ! સાચા ખોટાની સમજ.’
‘તો હવે સમજ પડી ગઈ?  સ્ત્રીના ચૂડલામાં એક મણી કેવો શોભતો હોય કે કીમતી હોય તેમ રામની સમજ બહુ સારી હતી.’
‘તો રામ સારા સમજદાર કે વિવેકી હતા એટલું કહ્યું હોત તો શું ખોટું હતું? જો કે હતાં તો નહિ, પણ  આ તો મગજનું દહીં થઇ જાય છે.’

ઘણીવાર હું આર્ટીકલ લખતો ત્યારે બાજુમાં બેઠેલા મારા દીકરાને કોઈ શબ્દનો અર્થ પૂછી લઉં છું. એને સમજ ના પડે તો બીજો સરળ શબ્દ શોધી ને પૂછું, એને સમજ પડી જાય તો તે શબ્દ વાપરવો સારો એવું લાગે. ખુબ અઘરો શબ્દો હોય તો એ મને કહેશે કે  એવો શબ્દ વાપરશો તો યંગ લોકોને નહિ સમજાય. અને દરેક લેખમાં ભારે શબ્દો વાપરી  શબ્દોના અર્થ લખશો તો લેખ, લેખ કરતા ડીક્ષનેરી વધારે લાગશે. પેલા જે મિત્રે મને ભાષા જ્ઞાન ઓછું તેવું કહેલું મને એમ કે એમનું ભાષા જ્ઞાન વધારે હશે. મને થયું મજાકમાં લાવ પરીક્ષા કરવા દે. એમને મેં પૂછ્યું કે હું એક વાક્ય કહું તેનો જરા અર્થ કહેશો ?
‘મેઘારંભે વિરહિણી દોડતી પાદ પંકમાં પખાળતી, પંક થી ખરડાતી જઈ બેઠી પ્રિયતમના અંકમાં.’
મને કહે,  ‘આમાં કોઈક દોડતું જાય છે અને ક્યાંક જઈને બેસી જાય છે એટલી જ સમજ પડી.
મેં મેઘારંભેનો અર્થ સમજાવ્યો તો કહે પહેલો વરસાદ કહો ને. વિરહિણીનો અર્થ જરા વિસ્તારથી સમજાવવો પડ્યો. તો કહે કોઈ miss  કરે તેવું ને? મેં કહ્યું ‘માર ગઈ તેરી જુદાઈ’ જેવો અનુભવ થતો હોય તેવી સ્ત્રી.

પાદના અર્થમાં પહેલું તો નાક સીકોડાઈ ગયું. મેં કહ્યું સિમ્પલ છે એમાં કોઈ આદેશાત્મક વાસ મારે તેવું લેવાનું નથી. પાદ  પગ માટે વપરાય છે.  મેં પૂછ્યું,
‘પંકજ ખબર છે?’
‘એ તો આજના કોઈ પંકજ નામધારીને પણ ખબર નહિ હોય.’
‘ઓ કે,ચરણકમળ ખબર છે?’
‘સાવ સહેલું, કમળ જેવા પગ.’
‘ના, કાદવથી ખરડાયેલા પગ ને ચરણકમળ કહેવાય.’
‘એવું કેવી રીતે? આપણે તો કોઈ ગુરુજીને વંદન કરીએ ને પગમાં પડીએ તો એમના પગને માનથી ચરણકમળ કહીએ છીએ.’
‘જુઓ કમળ ફક્ત કાદવમાં ખીલે માટે આ કહેવાતા  કમળ જેવા ગુરુના પગ કાદવમાં છે તેથી એમના પગ યાને ચરણકમળ એટલે કાદવથી ખરડાયેલા પગ.’
‘સાચી વાત છે, આમેય લગભગ હાલના દરેક ગુરુના પગ કાદવથી જ ખરડાયેલા હોય છે.’
‘બસ તો આ પંક એટલે કાદવ, અને પંકજ એટલે કમળ.’
‘હવે સમજાયું, પહેલા વરસાદના કાદવમાં દોડતી જતી હતી, પણ એમાં અંક ગણિત ક્યા આવ્યું?’
મને થયું હવે ખેંચવામાં મજા નથી. મેં કહ્યું અંક એટલે ખોળો. મને કહે છી હાઈજીનનું કોઈ ભાન જ નહિ કાદવવાળા પગ લઈને ખોળાંમાં બેસી ગઈ?

હમણા અમારે મિત્રો વચ્ચે ચર્ચા ચાલેલી કે અમેરિકામાં ભારતીય છોકરાઓના પાર્થ નામ વધારે હોય છે. એક ભાઈ  કહે બધા પાર્થ ધનુષબાણ લઈને ફરશે તો ઓબામાંનું શું થશે? મેં કહ્યું આ મોટાભાગના પાર્થને ખબર નહિ હોય કે એમના નામનો અર્થ અર્જુન થાય છે.

અમારા સાલી સાહેબનાં ઘરે બધાના નામ ‘પ’થી શરુ થાય છે. પંકજ, પ્રજ્ઞા, પૃથ્વી અને પાર્થ. વળી પાછું પાર્થ? હું મજાકમાં કહેતો હોઉં છું કે પ્રજ્ઞાનો પાર્થ હાથમાં પંકજ લઇ પૃથ્વી ઉપર ફરે છે. આ પંકજ અને પ્રજ્ઞા પ્રેમ સમાધિમાં ઉતરે એના ફળ સ્વરૂપે પૃથ્વી અને પાર્થ આ જગતને નસીબ થયા છે.

ઘરમાં કોઈ રોજની ભાષામાં અલંકારિક શબ્દો વાપરાતું નથી. કે આજે પિતાશ્રી ઘણા પ્રકોપિત  થયેલા કે એમને બહુ મન્યુ ચડેલો. જો કે લખવામાં વપરાય તો સારું લાગે છે. પણ આજની પેઢીને અઘરા શબ્દોમાં જલ્દી સમજાય નહિ તો વાચવાનું જ છોડી દે તેવું પણ બની શકે. એટલે મેં પેલા મિત્ર ને જણાવ્યું કે હું લોકભોગ્ય ભાષામાં વધુ લખું છું જેથી જલ્દી ગળા સોંસરવી ઉતરી જાય કે બ્રેઈનમાં જઈને સીધી હૃદયમાં ઉતરી જાય. તો એમણે મને પૂછ્યું કે આ લોકભોગ્ય એટલે શું ????????