Monthly Archives: જૂન 2010

‘રાધાકૃષ્ણ’ મેનીયા..

આપણી તો સારી હોટ લાઈન ચાલુ થઇ ગઈ છે. રાઓલ મેસેન્જર ચાલુ કર્યું નથી ને ભગવાન શ્રી કૃષ્ણ હાજર. મિત્રો તમે પણ વિચારવાની બારીઓ ખોલી નાખો, તમારું એ કનેક્શન ચાલુ થઇ જશે પ્રભુ પાસે. પણ પછી મંદિરોનો અને ગુરુઓ તથા કહેવાતા સંપ્રદાયોનો બિજનેસ બંધ થઇ જશે. મેં પૂછ્યું,
‘ભગવાન! આ રાધાજીની સ્ટોરી શું છે ?’
‘અરે! તમારા કવિઓ ને શું કહેવું?’
‘કેમ ભગવાન આમાં કવિઓ ક્યાં વચ્ચે આવ્યા?’
‘વત્સ! ૧૨મી સદીમાં જયદેવ નામના કવીએ ગીત ગોવિંદ રચ્યું ને રાધા મેનીયા શરુ
થયો, એ પહેલા કોઈ ખાસ ગાંડપણ હતું નહિ.’
‘ભગવાન! થોડું ટૂંકમાં રાધાજી વિષે કહો ને.’
‘વત્સ! રાધા તો એક ગોપની વાઈફ હતી. હું તો સાવ બાળક હતો. આશરે ૧૧ વર્ષે તો મેં ગોકુલ જ છોડી દીધેલું. પછી કદી ત્યાં ગયેલો જ નહિ. તમેજ વિચારો કે આમાં રાધા અને મારી વચ્ચે શું હોય? કેવો પ્રેમ હોય? એક વાત્સલ્ય ભાવ માત્ર હતો. હું જરા તોફાની એટલે બધાને બહુ વહાલો લાગુ એટલુજ માત્ર હતું.’
‘પણ પ્રભુ, આપ ગોપીઓના વસ્ત્રો લઇ ને ઝાડ ઉપર ચડી ગયેલા, આપની દાનત સારી ના કહેવાય.’
‘વત્સ! આ પણ તમારા કવિઓનો સપ્રેસ્ડ કામરસ જ છે.’
‘એવું કેમ સમજ ના પડી.’
‘વત્સ! કામને દબાવો એટલે બધી જગ્યાએથી વહેવા માંડે. જીભમાંથી, આખોમાંથી, શબ્દોમાંથી, કાનમાંથી. હું તો સાવ બાળક હતો, મેડીકલ સાયન્સ ની રીતે વિચારો એક નાના બાળકનું ટેસ્ટાટોરીન(પુરુષ હાર્મોન) લેવલ કેટલું નીચું હોય અને  સ્ત્રીઓને નગ્ન જોવાની ઈચ્છા એનામાં કેટલી હોય? આતો કવિઓને સ્ત્રીઓ પ્રત્યે વધારે ખેચાણ હોય માટે એમની અતૃપ્ત ઈચ્છાઓ મારા નામે ચડાવી દીધી છે.’
‘પણ ભગવાન આપ એટલાથી અટકેલા નહિ, ગોપીઓ ગુપ્ત ભાગે હાથ ઢાંકી ને બહાર આવતી હતી ત્યારે આપે કહેલું કે હાથ માથે મુકીને બહાર આવો તો જ વસ્ત્રો આપું.’
‘વત્સ! કવિઓએ અને લેભાગુ ગુરુઓએ કેવું કેવું મારા નામે ચડાવી દીધું છે, એમના રોટલા, ઓટલા ને ગાદલાં શેકવા? તમેજ કહો આજની નવી પેઢીની વાત છોડો. તમને જ નાના હતા ત્યારે આવી બધી સમજ હતી ખરી?
‘નાં ભગવાન, અમારી પેઢીમાં નાના હતા ત્યારે સાંધા ની એ સમજ નહોતી. પણ આ ગાદલાં કેમ કહ્યું?’
‘અરે વત્સ! એમની ગુપ્ત ભાગો જોવાની વિકૃતિ એટલે માથે હાથ મુકાવી દીધો ગોપીઓના, અને એમને સ્ત્રીઓ ને ભોગવવાની બેલગામ વાસનાએ બધી રાસલીલાઓ મારા નામે ચડાવી દીધી, હવે હું કરતો હતો એમ જણાવી બધા જલસા કરે છે.’
‘તો પછી રાધા મેનીયા?’
‘હશે થોડા ઘણા સાચા ભક્તો, પણ પરણેલી સ્ત્રીઓ સાથે સબંધો રાખવાની એમની ઈચ્છાઓ પૂરી કરતા હશે. અરે! ઘણા સ્ત્રી સ્વભાવના પુરુષો ૧૯/૨૦ જેવા તો સ્ત્રીઓના કપડામાં સજ્જ થઇ મારી મૂર્તિઓ સાથે સુઈ પણ જાય છે. આવો પણ એક મેનીયા ભારતમાં છે. બસ પછી તો ભારતમાં તો વાઈરલ ઇન્ફેકશન જેવું છે રોગ ફેલાઈ જતા વાર જ ના લાગે તેમ રાધા મેનીયા ફેલાઈ ગયો છે.’
‘ભગવાન, આ મીરાં મેનીયા ઓછો થયો આપને?’
‘અરે વત્સ! આ મીરાં મેવાડથી વ્રજ થઇ ને ગુજરાત(દ્વારિકા) આવી ગઈ છે, હવે એની દાનત બગડી છે, એને હવે ડિસ્ટન્સ લવ નથી કરવો, પાસે રહેવું છે.’
‘ભગવાન બુરા ફસાયા, હા ! હ ! હ ! ! ‘
‘હસો ના હવે, મેં સુભદ્રાજીની સલાહ લીધી, તો ઉલટાનો ઠપકો મળ્યો.’
‘કેમ ભગવન? બહેન છે તમારા.’
‘વત્સ! એ તો બગડ્યા મારા ઉપર, આ કાનજીના મન કેમ છે અધીર? રાધા મળે તો મીરાં શોધે અને મીરાં મળે તો રાધા શોધે, જે છે એમાં શાંતિ થી જીવ.’
‘ઓહ! આવું બોલ્યા? મતલબ પુરુષ જાતની સાયકોલોજી એક વાક્યમાં કહી દીધી.’
‘વત્સ આ સાયકોલોજી ઈવોલ્યુશન ક્રમમાં લાખો વર્ષથી જીન્સમાં  મળેલી છે, એમાં આપણે શું કરીએ? એ તો રુકમણીના પડખે ભરાયા.’
‘ભગવાન, એ તો ચાલ્યા કરે.’
‘પણ વત્સ અમે તો સુભદ્રાજીને જણાવી દીધુકે અમે કદી રાધા કે મીરાં ને શોધવા ગયા નથી, એ ચપલાઓ  અમારી  પાછળ પડે તો અમારો શું વાંક? અમને ના વાગોવશો.’
       આટલું બોલતા તો ભગવાન સાથેનું નેટ કનેક્શન કટ થઇ ગયું. નેટ પ્રોબ્લેમ બધે જ સરખો છે.
નોંધ:-મિત્રો બ્લોગચાર્યના વાદે અને “અસર” હેઠળ અમે નવા પ્રયોગો કરવાનો ટ્રાય કરીએ છીએ, ના ગમે તો કેહેજો, અને ગમે તો પણ કહેજો.
Advertisements

કૃષ્ણને માથે મોરપંખ?

કૃષ્ણ ને માથે મોરપંખ?
મારે હવે ભગવાન શ્રીકૃષ્ણ સાથે હોટ લાઈન થઇ ગઈ છે. જયારે કોઈ સવાલો ઉઠે ત્યારે ખબર નહિ રાત્રે ભગવાન સાથે મુલાકાત થઇ જાય છે. કોઈ વિનાતાર(વાયર લેસ) જોડાણ લાગી ગયું છે. ભગવાનને પણ કુરુક્ષેત્રમાં ફરવાનો મોહ લાગેલો છે, કેમ કે મહાભારતનું યુદ્ધ ત્યાં થયેલું. પણ એનો દોષ ઘણા શ્રીકૃષ્ણ માથે પણ નાખે છે. એ રોકી શક્યા હોત એમ માને છે.  હવે જે લોકો ખરા કારણભૂત હતા તેમને કોઈ દોષ  ના દે અને જે રોકી ના શક્યા તેને દોષ દેવો કેટલો ઉચિત? એટલે ભગવાન પણ હરિયાણામાં આવેલા કુરુક્ષેત્રની મુલાકાતે આવીને જૂની યાદો વાગોળતા હોય છે. અમારી તો દુનિયા જ થઇ ગયું છે કુરુક્ષેત્ર. મેં પૂછ્યું,
‘ભગવાન! આ આપને માથે મોરપિચ્છ જ શામાટે રાખતા હતા?’
‘બસ એમજ , મોરપંખ બહુ મનમોહક હોય છે માટે, દેખાવમાં સુંદર હોય છે.’
‘પણ મેં તો એક જગ્યાએ સાંભળ્યું કે મોર ખાલી પીંછા ફેલાવી નાચે અને એની આન્ખમાંથી આશું પડે તે ઢેલ પી ને ગર્ભવતી થાય, માટે મોર કામી નથી તેમ આપ પણ બ્રહ્મચારી ગણાવ માટે આપ  પણ કામી નથી માટે મોરપંખ રાખો છો.’
‘ના ભાઈ નાં! આતો કોઈ મુર્ખ કવિની કલ્પના લાગે છે.’
‘એવું કેમ?’
‘જુઓ પ્રાણી માત્રમાં બ્રહ્મ હોય તેવું સમજે તે બ્રહ્મચારી, એમાં કામ(sex) ને શું લેવા કે દેવા, અને કામરસ પણ ભગવાને જ બનાવેલ છે માટે તે પણ બ્રહ્મ જ છે.’
‘તો આપ એવા બ્રહ્મચારી હતા ખરું?’
‘હા! અને કોઈ પણ સજીવમાં નર અને માદાના મિલન વગર ગર્ભ ધારણ નાં થાય, આન્શુઓમાં સ્પર્મ ક્યાથી આવતા હશે?’
‘એ વાત સાચી! પણ ટેસ્ટ ટ્યુબ બેબીમાં ક્યા મિલનની જરૂર હોય છે?’
‘સાચી વાત પ્રત્યક્ષ મિલન ના હોય, પણ એકના સ્પર્મ અને બીજાનું અંડ તો હોય જ ને, અપરોક્ષ મિલન તો કહેવાય જ ને.’
‘તો ભગવાન મોર અને ઢેલ શારીરિક મિલન કરતા જ હશે ખરું  ને?’
‘ચોક્કસ કરેજ, પણ એક વાત છે જે મોરના પીંછામાં પેલા મનમોહક ચાંદલા વધારે હોય તેને જ ઢેલ મિલન કરવા દે ઓછા હોય તેને નહિ.’
‘એવું કેમ ભગવાન?’
‘ઈવોલ્યુશનનો નિયમ છે, નારીને બેસ્ટ પાર્ટનર પસંદ કરવાનો હક છે મોર એનું બેસ્ટ ઉદાહરણ છે.’
‘આ તો કોઈ બી.એડના વિદ્યાર્થી પાસે મોર નાચે ને ઢેલ આશું પીવે તેવું વાચેલું, એટલે મેં પૂછ્યું ભગવાન.’
‘હશે કોઈ મૂરખ, પણ આ ભારતના વિદ્યાર્થીઓને થયું છે શું?’
‘કેમ! ભગવાન?’
‘કોઈ સ્ત્રીઓના મોઢા ના જોનારા ગુરુની આગળ પાછળ ફર્યા જ કરતા હોય છે?’
‘ભગવાન, નારી નરકની ખાણ છે, એનો ફેસ જોઈ જાય તો લપસી જવાય ને નરકમાં જવાય માટે જોતા નહિ હોય ગુરુજી.’
‘અરે વત્સ! નારી તો કુદરતે ઘડેલી બેનમુન, સુંદરતમ પ્રતિમા છે, પ્રેમની ગંગા છે, એની ભળેલી મીઠાશ વગર તો દરિયો પણ અધુરો છે.’
‘તો પછી આ ગુરુજીનું શું માનવું?’
‘અરે વત્સ! નારીનો પ્રેમ પામ્યા વગરનો એ ગુરુ જીવતું નર્ક જ ભોગવી રહ્યો હશે, એ ભલેને નારીને નરકની ખાણ સમજતો.’
‘પણ ભગવાન આ દરિયો તો ખારો હોય છે એના અર્ક ને “મીઠું”કેમ કહેતા હશે?’
‘પ્રેમની ગંગાની મીઠાસ એમાં ભળેલી છે, એની ખારાશને ગુણકારી બનાવી દીધી છે, એનાથી બ્રેનનો વિકાસ થાય છે.’
‘એટલે મીઠું ખાવું જરૂરી છે એમ?’
‘હા! સપ્રમાણ આયોડીનવાળું ખાવું જોઈએ બ્રેનના વિકાસ માટે જરૂરી છે, પણ અતિ નહિ કરવાની.’
‘પણ પેલા યુવાનો વિષે શું કહેતા હતા?’
‘ભારતનું યુવાધન અવૈજ્ઞાનિક અભિગમવાળું ને મુર્ખ બની રહ્યું છે, માટે ભારતના ભવિષ્યની ચિંતા થાય છે.’
‘પણ ભગવન હવે આપણાં હાથની વાત નથી રહી શું કરીએ?’
‘સમજાવો લોકોને.’
‘ભગવાન ના સમજે  કોઈ ભારે ડીટરજન્ટથી બ્રેન ધોવાઈ રહ્યા છે, હું તો રોજ લખું છું એના વિષે.’
‘વત્સ! ભણેલા જ નાં સમજે તો અભણનો શું વાંક કાઢવાનો.’
      ઓચિંતા મારી આંખ ખુલી ગઈ એલાર્મ જો વાગેલું. મારે જોબ જવાનો સમય થઇ ગયેલો. ફરી પાછા ભગવાન આવશે તો આપ લોગન ને જણાવીશું શું વાતો થઇ તે….

पितृ देवो भव:

સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ
 पितृ देवो भव:
ફાધર ડે આવીને ગયો.પિતાશ્રીના ગુણગાન ગવાયા.થયું બધા ગાઈ લે પછી કશું લખીએ.એક ભક્તિ ભાવમાંથી બહાર આવી જાય તો સરખું વાચી શકે નહીતો ભક્તિભાવની અસર પડે વાંચવામાં પણ.માતાને તો ભગવાનની જગ્યા આપી દીધી છે,મેલ ડોમિનેન્ટ સમાજ આવ્યા પછી ભગવાનની જગ્યાએ  પિતાને બેસાડવાનું ચાલુ થયું છે.
      એક દીકરી જન્મે છે તો પિતા તરફ થી ‘X’ ક્રોમોજોમ મળે છે.એક દીકરો જન્મે છે તો પિતા તરફ થી ‘Y’ ક્રોમોજોમ મળે છે.એટલે પિતા વગર પણ જન્મ તો શક્ય જ નથી.માતા અને પિતા બંનેનું સહિયારું સાહસ છે સંતાન.બંનેનું સરખું જ યોગદાન છે.
     સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે ખુબ મહત્વનું પરિબળ છે,એની ઓળખના વિકાસ નું(Development of identity).એક નાના પુત્ર માટે પિતા એક idol છે.ડેડી બધું જ કરી શકે છે.પરમપિતા પરમાત્મા છે.પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે.પિતાની સ્વીકૃતિ જોઈએ છે.કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી.એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે.પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે.એકબીજાને  ઇગ્નોર કરે છે.પણ માનસિક રીતે જોડાતાં જાય છે.ત્રીસી ને ચાલીસી ના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે.ઘણા બલિદાનો આપ્યા છે.અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે.બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.
              હવે જરા ઇડિપસ ગ્રંથી(Oedipus complex) ની વાત કરી લઈએ.પુત્ર અઢી થી છ વર્ષનો થાય તે તબક્કામાં પિતા પ્રત્યે એક જેલસ એક ઈર્ષ્યાની ગ્રંથી બંધાય છે.કારણ અચાનક માતા તેને છોડીને પિતા જોડે જતી રહે છે,પિતાને પ્રેમ કરવા જાય છે.એ એના અચેતન મનમાં ઘુસી જાય છે કે કોઈ એનો હરીફ છે જે માતાના પ્રેમાં ભાગ પડાવે છે.માતા, પિતાની જરૂરિયાતો પૂરી કરવા જાય છે અને પછી પાછી આવતી રહે છે.જરૂરિયાતો એટલે એમના ખાવા પીવા કે કપડા શોધી આપવા કે બીજી કોઈ પણ ઘરેલું જરૂરિયાતો વખતે માતાને પિતા પાસે દોડી જવું પડે તે એના નાનકડા મનને મંજુર હોતું નથી.પણ મોટા ભાગે આ ગ્રંથી ધીમે ધીમે દુર થતી જાય છે,જો પિતા તરફ થી એને પૂર્ણ પ્રેમ મળતો હોય અને સલામતી મળતી હોય ત્યારે.એક પિતા એના નાનલા પુત્રને ખભે તેડીને ફરે છે તો આ કોમ્પ્લેક્સ દુર થતા શું વાર લાગે?પણ પિતા કઠોર હોય અને વાતે વાતે સજા કરતો હોય તો આ ગ્રંથીનું નિષ્કાસન થતું નથી,ને એવા બાળકો મોટા થઇને પિતાના દુશ્મન બની જાય છે.
               ગ્રીક દેવતા Oedipus એ એના પિતા Laiusને મારી નાખીને એની પોતાની માતા Jocasta સાથે લગ્ન કરેલા.એના ઉપરથી મનોવિજ્ઞાનના ભીષ્મ પિતા સીંગમંડ ફ્રોઈડે નામ આપેલું છે ઇડિપસ ગ્રંથી.આના નિવારણ માટે પુત્ર અને પિતા વચ્ચે સોલીડ મજબુત માનસિક સબંધો નું જોડાણ જોઈએ. અને ના હોય તો એવા પુત્રો માનસિક રોગોના શિકાર થાય છે.જેવાકે Neurosis ,pyromania ,Paedophillia ….Hysteria પણ થઇ શકે છે.નાના બાળકોની જાતીય સતામણી કરતા લોકોની આ ઇડિપસ ગ્રંથીનું બરોબર નિવારણ થયું હોતું નથી.
            જે નાના પુત્રો ને પારિવારિક સબંધોની ગરબડને લીધે અને ખાસ તો પિતા પુત્ર વચ્ચે મજબુત માનસિક જોડાણ  હોતા નથી તેથી  તેમની પુરુષ તરીકેની ઓળખ સંપૂર્ણ થઇ હોતી નથી,એવા છોકરાઓ મોટા થઇ ને હોમો સેકસુઆલીટી તરફ વધી જાય છે.પુત્રો ને માનસિક વિકૃતિઓ તરફ ધકેલવા ના હોય તો પિતાશ્રીઓ પુત્રોને પ્રેમ કરો.
                એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે.એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે.પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે.એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે.પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે.પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે.પિતા વગરની દીકરી એકલી અટૂલી છે.દીકરીઓને ટીનેજરમાં ખોટા પ્રેમના લફરાઓથી બચાવવી હોય તો પિતાશ્રીઓ તમારી દીકરીઓને મનભરીને વહાલ કરો.દીકરીઓને પ્રેમ કરવો નથી ને ખોટા પ્રેમના લફરે ચડે તો વાંક તમારો છે.
                   સંતાનો માતા પિતાનો આદર ના કરતા હોય,માનતા ના હોય,ઘૃણા કરતા હોય,સેવા ના કરતા હોય,ધ્યાન રાખતા ના હોય તો ક્યાંક ચૂક એમના ઉછેરમાં છે.આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે.એટલે માતા પિતાનો આદર કરો એવું કહેવા કરતા થોડો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો તેવું કહેવું બહેતર છે.ચાઈલ્ડ સાયકોલોજી દરેકે ભણવી જોઈએ.આપણે સંતાનોના અચેતન માઈન્ડ માં પ્રેમ ઠાંસીને ભર્યો હશે તો અનાદર કઈ રીતે કરશે?અને આપણે એમના અચેતન માઈન્ડમાં દ્વેષ અને ઘૃણા કે તિરસ્કાર જ ભરેલો હશે તો આદર કઈ રીતે મળશે?
                 સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ વકીલ હતા.થીયોસોફીસ્ટ હતા.એમની નાનકડી લાયબ્રેરીમાં અનેક સારા પુસ્તકો હતા.રાતે જાગીને પણ વાચતા રહેતા.સત્યના પ્રયોગો અમે એમાંથી જ વાંચેલા.સુધારાવાદી હતા.દહેજ અને ચાંલ્લા પ્રથાના વિરોધી હતા.એમના પરમ મિત્રો સ્વ.શ્રી છત્રસિંહજી રાઓલ,સ્વ.દેવીસિંહજી રાઓલ અને બીજા મિત્રો સાથે મળીને માણસા ભાયાત સમાજ નામના કેળવણી મંડળની સ્થાપના કરેલી.જે હજુ આજે પણ કેળવણી વિષયક પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે.વારસામાં સારા બ્રેન આપ્યા છે તે બદલ અમે બધા એમના વારસો એમના ખુબ ઋણી છીએ.એમનો પ્રેમાળ સ્વભાવ અને દીકરાઓને મિત્ર સમાન ગણવાની નીતિ એમની ખૂબી હતી.

પ્રેમ કહાની મેં,,,

આ પથ્થર ઉપર પાણી કોણ  છાંટી ગયું?
 હેત ભરેલું હૈયું અહીં કોણ ઠાલવી ગયું?
દિવસે તો અશ્રુ  વહી શકતા નથી અહીં,
પણ રાતે નીંદરમાં મને કોણ રડાવી ગયું?
રણમાં વસેલા આ સુકા તરુવર પર,
હેતની હેલી જાણે  કોણ વરસાવી ગયું?
પાનખરના બદલાતા રંગોની ભીડ મહી,
વળી અહીં કેસુડાંના રંગ કોણ છાંટી ગયું?
જીવનસાગરમાં પડ્યા એકલા અટુલા,
હૈયાનાં તાર આ કોણ ઝંકૃત કરી ગયું?
ન મળ્યા છીએ, કદી ના મળવાની આશછે,
મને કૃષ્ણ સમજી આ મીરાં કોણ બની ગયું?

I love you….કુછ ખટ્ટા કુછ મીઠ્ઠા…

ધ્રુવરાજસિંહ,
યુવરાજસિંહ
Harpalsinh
દક્ષાકુંવરબા

 

 

 

 

 

 

મને એક દિવસ ચાલુ જોબ પર મજાક કરવાનું મન થયું. એક મિત્રે ઘેર ફોન જોડ્યો હતો, કશું પૂછવું હશે. હું મજાકનાં  મૂડમાં હતો. મિત્ર હતા પ્રદીપ પટેલ, ઉંમર ૪૬ વર્ષ, બરોડાની બાજુના કોઈ ગામના હતા, અને ઘડીયાળી પોલ વડોદરામાં રહેતા હતા.
‘ઘેર ફોન કરો છો, વાઈફ ને?’
‘હા!’
‘તો I  love you કહેજો વાત પૂરી થાય એટલે.’
‘તો તો આખી રાત એને ઊંઘ જ નહિ આવે.’
‘કેમ એવું?’
‘૨૦ વર્ષ થયા, પહેલી વાર I love  you સાભળશે તો એને આખી રાત ઊંઘ નહિ આવે.’
બધા ખુબ હસ્યા. એ મિત્ર પણ ખુબ હસ્યાં. કહે મેં ૨૦ વર્ષમાં કદી આવું કહ્યું જ નથી. મેં પૂછ્યું કે તમારા વાઈફે તમને એવું કહ્યું છે? તો કહે નાં એણે પણ મને કદી કહ્યું નથી. પાછું મેં પૂછ્યું કે કોઈ ગર્લ ફ્રેન્ડને કહેલું ખરું? તો કહે હા. ગર્લ ફ્રેન્ડને તો ઘણી વાર કહેલું. પણ એ પત્ની નહિ બનેલી. કોઈ બીજાની પત્નીનું પદ શોભાવતી હશે.
બીજા એક ૫૫ વર્ષના મિત્ર હતા જ્યોતીન્દ્ર પટેલ. મૂળ ધર્મજના પણ અમદાવાદ મણીનગરમાં જ રહેલા હતા. એમને મેં  સવાલ કર્યો.
‘એ દાદા દોડકે! તમે કદી I love you તમારા વાઈફ ને કહ્યું છે ખરું?’ …ખુબ એનર્જેટિક છે માટે અમે દાદા દોડકે કહી માન આપીએ છીએ.
‘એમાં વળી શું કહેવાનું?’
‘કોક દિવસ તો કહ્યું હસે ને?’
‘નાં કોઈ દિવસ નહિ, બધા જોણે સે કે એ મારી બૈરી સ અને હું ઈનો ધણી સુ.’
‘તમેય ખરા છો ને?’
‘અલ્યા વળી એમાં હું, ઇ ન ખબર સ કે આ કદી ચો ય  જવાનો નથી, જશે તો પાસો જ આવવાનો સ, એ મને પ્રેમ કર સ ને હું ઈ ન  પ્રેમ કરું સુ, ઈ માં કેવાનું હું?’
વળી પાછા બધા ખુબ હસ્યાં. એક ભાઈ કહે આ ખોટો પૈસો બીજે ચાલવાનો નથી. પાછો જ આવશે એવી એમના વાઈફને ખબર હશે. એક નવો આવેલો ૨૩ વર્ષનો સચિન પટેલ છે. મેં એને પૂછ્યું કે,
‘સચિન કેટલા વર્ષ થયા લગ્ન કરે?’
‘બે વર્ષ’
‘અહી અમેરિકા આવ્યે કેટલો વખત થયો?’
‘પાચ મહિના જ થયા છે’.
‘તમે કદી વાઈફ ને I love you કહ્યું છે?’
‘કહ્યું છે ઘણી વાર, પણ અહીની વાઈફ અને લાઈફનો કોઈ ભરોસો  નહિ.’
‘અલ્યા એવું કેમ કહે છે?’
‘ભાઈ મારી વાઈફ તો અહી ૨૦ વર્ષ થી રહે છે, અહીની છોકરીઓનો શું ભરોસો?’ ક્યારે કાઢી મુકે શું ખબર પડે.
એટલું બધું હસ્યા કે બધાને પેટમાં દુખે તેવું થયું. આ સચિનને પોતાની પેથોલોજીકલ લેબ હતી. બીજા લોકો કહે શું તોડવા અહી આવ્યો હશે? ઝાડ(દેવાદાર અમેરિકા) પરથી લીલી નોટો તોડવા બીજું શું. બીજા પીયુષ પટેલ છે. ઉમર  ૪૦ થવા આવી છે. કહે મેં તો હજુ લગ્ન જ કર્યા નથી માટે મને એવું પૂછતાં જ નહિ. ગેરકાયદે અમેરિકામાં ઘુસ્યા છે. નથી ભારત જવાતું લગ્ન કરવા, જાય તો પાછું અવાય નહિ. ઉમર વધતી જાય છે. છોકરીઓ પસંદ આવતી નથી કે પછી છોકરીઓને એ પસંદ નથી આવતા.
બીજા સતીશ માસ્તર હતા ભરૂચ બાજુના. એ પણ લગભગ ૫૫ વર્ષના કહે આપણાં જમાનામાં કોણ એવું કહે? મેં કદી કહ્યું નથી. મેં કહ્યું માસ્તર કોક દિવસ તો કહેવું હતું. ચાલે યાર એમાં શું કહેવાનું? મિત્રો આ મજાકિયો ઈન્ટરવ્યું   થોડામાં ઘણું બધું કહી જાય છે. શું કહી જાય છે તે મિત્રો પ્રતિભાવ રૂપે કહેશે તેવી આશા છે.
શું પત્નીને I love you ના કહેવું જોઈએ? ગમે તેટલા વર્ષ થઇ ગયા હોય લગ્ન કર્યે હવે ના કહી શકાય એવું ખરું? છો ને આખી રાતનાં ઊંઘે એવું કહેવામાં શું વાંધો?
સારું થયું મને સામો કોઈએ સવાલ નાં કર્યો. છતાં  મિત્રો મારા ઘેર ના કહી દો તો કહું. છાનું રાખવાનું હો કે!!  મેં વાઈફ સાથે ઘણી બધી સ્ત્રીઓને એવું કહેલું છે અને સામેથી મને પણ ઘણી બધી સ્ત્રીઓએ એવું કહેલું છે. મારા લગ્ન થયેલા નહિ એ વખતની વાત છે.  ત્યારે મારી માનેલી ને ઘેર હું જતો ત્યારે મારા હાથમાં I love you લખીને એને બતાવતો. તો એ સ્કુલમાં ભણતી, એની ફૂટ પટ્ટી વડે મારા હાથમાં મારતી. હું હાથ પાછો લઉં જ નહિ. એ મીઠા ગુસ્સામાં માર્યા જ કરતી. પણ મારી ધીરજ અમાપ હતી. પછી એને પસ્તાવો થતો હશે. એના પ્રાયશ્ચિત રૂપે કે પછી આમની સહન શક્તિ(માર ખાવાની) સારી છે ભવિષ્યમાં વાંધો નહિ એવું  વિચારી  આજે એ મારા  ધર્મપત્ની છે. મારા ત્રણ ડેશિંગ દીકરાઓની માતા છે. ધ્રુવરાજસિંહ, યુવરાજસિંહ અને હરપાલસિંહના માતુશ્રી દક્ષાકુંવરબા એ આ ભુપેન્દ્રસિંહના અર્ધાંગીની છે. હહાહાહાહા!!!

રાણાજીએ વિષના પ્યાલા મોકલ્યા…..મીરાં…

            રાણાજીએ વિષના પ્યાલા મોકલ્યા…..મીરાં…
        મીરાં વિષે લખ્યા પછી એક પરમ મિત્રનો ગંભીર સવાલ કે    “વિરહ ની અસીમ વેદના વેઠતી એવી મહાન મીરાંબાઇઓ પ્રત્યે તો જગત આખું માન ધરાવે છે પરંતુ કોઇ વાંકગુના વિનાના તેના રાણાજીઓનું શું ??”
          થોડો ઈતિહાસ તપાસી લઈએ. મીરાંનાં પતિ દેવ રાણા ભોજ એમની ભરયુવાન વયે મીરાં સાથે લગ્નના થોડા દિવસોમાં જ બાબર સાથેના યુદ્ધમાં માર્યા ગયા  હતા. એ યુદ્ધ પછી જ મુઘલો ભારતમાં એસ્ટાબ્લીશ થઇ ગયા હતા. યુવરાજ ભોજને મીરાં પ્રત્યે કદી ફરિયાદ હોય તેવા કોઈ ઐતિહાસિક પુરાવા નથી. ગુલઝારે એમના મીરાં મુવીમાં ભોજનાં પાત્ર મોઢે મીરાં વધારે પડતી કૃષ્ણની ભક્તિ કરે છે ને એમને  અન્યાય થાય છે તેવું બતાવેલું પણ એ ગુલઝાર કવિની પોતાની કલ્પના છે. કદાચ પોતાનો અસંતોષ વર્ણવતા હશે. મીરાં તો પરણીને થોડા દિવસ માજ વિધવા થયેલા હતા. જે રાણા વિષના પ્યાલા મોકલતા હતા તે મીરાંનાં દિયર રાણા વિક્રમ હતા. જે રાણા સાંગા પછી ગાદીએ આવેલા, મેવાડનાં ચિતોડનાં રાજા બનેલા.
હજુ હમણા સુધી અમારે પણ રાજઘરાનામાં ફોઈબાને મળવા જવું હોય તો રજા વગર અંદર દોડીને જવાતું નહિ. ત્યારે ૫૦૦ વર્ષ પહેલા રાજઘરાનાને એમાય પાછા ભારતનાં શિરમોર એવા મેવાડનાં રાજઘરાનાની વિધવા વહુ ભગતડા ભેગી નાચતી કુદતી હોય તો સ્વાભાવિક છે કે રાજા વિક્રમ વિધવા ભાભી શ્રી એનો વિરોધ કરે જ. ઝેરનાં પ્યાલા મીરાંને ખબર પડી જતા કદાચ પીધા નહિ હોય, કે પછી વાણીનું ઝેર વિક્રામ રાણાએ આપ્યું હશે. અસલ ઝેર કરતા ક્યારેક વાણીનું ઝેર કાતિલ હોય છે. બાકી ઝેર તો શરીર ને મારે જ એ નિયમ બધાને સરખોજ લાગુ પડે જો એન્ટી વેનમ ના મળે તો…રાણાજીને મીરાં વિષે જે કવિતાઓ કે ભજનીયા છે એ એમના દિયર છે, પતિદેવ નહિ.
 
            
 મીરાંતો પ્રેમનો મહાસાગર છે. જેટલો ઉલેચીયે તેટલો વધ્યેજ જાય. તમે ઉલેચતા થાકો. કૃષ્ણ પ્રત્યે પ્રેમ દર્શાવવા જતા રાણા પ્રત્યે પ્રેમમાં ખોટ પડે તો એ મીરાં નાં કહેવાય. મીરાંનો પ્રેમ તો પૂર્ણ મીદમ છે. પૂર્ણ માંથી પૂર્ણ કાઢીએ તો પૂર્ણ જ બાકી રહે. પ્રેમ આપવાથી ખૂટે તો પ્રેમ શાનો?
  હવે જરા મારા લેખમાંથી….
ભારતમાં રૂઢીચુસ્ત સમાજનો ભોગ બનેલી કે નસીબનો ભોગ બનેલી હજારો સ્ત્રીઓ એવી હશે જેમને એમનો મનનો માણીગર ના મળ્યો હોય ને બીજાનું ઘર શોભાવતી હોય. અને એમના પતિદેવ  બાળકો અને બીજા કુટુંબીઓને પ્રમાણિકતાથી સાચવીને પ્રેમ કરીને પણ એમના માનેલા કૃષ્ણ ને મનોમન પ્રેમ કરતી હશે. એવી કેટલીય  સ્ત્રીઓ હશે જે એમના કૃષ્ણને પ્રેમ કરતી કરતી એક પલના  મિલન માટે   અનંત કાલ સુધી વાટ જોવા માટે તૈયાર હશે. કોઈને જરા સરખો અહેસાસ પણ થવા દેતી નહિ હોય કે એમના કૃષ્ણ મિલનની તરસ હજુ પૂરી થઇ નથી, ઘરમાં કોઈને અન્યાય ના થઇ જાય તેનું ધ્યાન રાખતી ઘરમાં જરી સરખો પણ અણસાર આવવા દેતી નહિ હોય કે તે એના કૃષ્ણની રાહ જુવે છે..
         આધુનિક મીરાંના આધુનિક રાણાને ખબર જ નાં પડે કે એની મીરાં કોઈ કૃષ્ણ પ્રેમ કરે છે. કારણ કે મીરાં કદી કોઈને અન્યાય કરેજ નહિ. એના રાણા પ્રત્યેના પ્રેમમાં કદી ઓટ આવેજ નહિ. પ્રેમમાં ખોટ કે ચૂક પડે તો મીરાં શાની કહેવાય? રાધાજી તો પરણેલા ને કૃષ્ણ થી મોટી ઉંમરના હતા. રાધાજીના પતિને ફરિયાદ હોય તેવું જાણ્યું નથી. જે આધુનિક રાણાને એમની મીરાંનાં પ્રેમમાં ખોટ જણાતી હોય તે વાંક વિનાના રાણાની મીરાં અધુરી છે, એને મીરાં કહેવાય જ નહિ.

મીરાં જેવી સ્ત્રીઓ આજે હોય ખરી?’શ્રી કૃષ્ણ ની નજરે,,,,

                             આપણે દિવસે જેના બહુ વિચારો કરતા હોઈએ તેના રાતે સ્વપ્નો આવે.મારે પણ એવું થયું.સંભવામિ યુગે યુગે લેખ લખ્યા પછી મને પણ એક દિવસ રાતે શ્રો કૃષ્ણજી ભટકાઈ ગયા.
‘અરે!આ શું ભગવાન,આ શું શરીરે વીંટાળ્યું છે?
‘વત્સ! વસ્ત્ર છે.’
‘પણ અમે તો આપને રેશમના પીળા પીતાંબર ને જરિયન જામા માં જોયા છે મંદિરોમાં,અને ટીવી કે ફિલ્મોમાં.’
‘બાપુ એ બધી ખોટી વાતો છે.એ જમાના માં ક્યાં રેશમ હતું?ને મિલો પણ ક્યા હતી?’
‘અમને બાપુ નાં કહો.આપ તો મહાક્ષત્રીય છો.’
‘ભાઈ અમને તો કોઈ ક્ષત્રીય ગણતું જ  નહોતું.બધા ગોવાળિયો એટલે રબારી કે ભરવાડ જેવો ગણાતા હતા.ઘણા તો અમારી પાસે પણ નાં બેસતા.
‘પણ ભગવાન આતો કયા કાપડ નું વસ્ત્ર છે?’
‘અરે બાપુ!કંતાન છે,શણ માંથી બને તે’.અમારા સમય માં લક્ઝરી કહેવાય.બાકી લોકો હરણ ના ચામડા વીંટાળે’.
‘તો પછી ભગવાન!રેશમના વસ્ત્રો હતાજ નહિ?’
‘નાં બાપુ!ચીન માં બનતા એવી લોકવાયકા સાંભળેલી,પણ આવડો મોટો હિમાલય ઓળંગી કોણ લેવા જાય?’
‘ ભગવાન!આ દ્રૌપદીને ૯૯૯ સાડીઓ આપે પહેરાવેલી એવું અમે તો જોઈએ છીએ’.
‘ખોટી વાત છે,એ વખતે સુરત કે અમદાવાદ ક્યાં હતા?’ ભાઈ અમે જાણ્યું કે હરામીઓ અમારી માનેલી બેન ને નગ્ન કરવા બેઠા છે,ને પેલા બુઢીયાઓ કશું બોલતા નથી કે અમે દોડ્યા ને અમારું કંતાન વસ્ત્ર ઓઢાડેલું.અમે આમ તો મહાન પ્રેમી તરીકે પન્કાઈએ પણ અમારો ગુસ્સો પણ પ્રચંડ હતો.બધા ગભરાઈ જતા.અમારું મિસાઈલ સુદર્શન પરસેવા ની ગન્ધે ગન્ધે પાછળ પડતું ને ભલ ભલાને હણી નાખતું. માટે બધા ડરી ગયેલા.અને દ્રૌપદી ને છોડી દીધેલ.
‘એમ વાત છે ભગવાન,અહી તો બધા જુદું જ બતાવે છે.ખેર ભગવાન મીરાં ને ઓળખો ખરા?’
‘ના કેમ ઓળખું?મારે સુવાનો સમય થાય ને એના ભજનીયા શરુ થાય.’
‘કેમ એવું?’
‘નાં સમજ્યા?ટાઈમ ડીફરન્સ,તમારે સવાર પડે ભારત માં અને અમારે અહી રાત હોય’.મીરાં હાઈ ફ્રિકવન્સી વાપરી ભજનીયા એવા ગાય કે અમને ઊંઘ નાં આવે.
‘પણ ભગવાન,આપને ખુબ પ્રેમ કરતી હતી,તમે હાજર નહોતા છતાં.’
‘પાગલ નહીતો,પણ આ સ્ત્રીઓના મન તમે કે હું કળી નાં શકીએ.’
‘કેમ એવું ભગવાન?’
‘જુઓ હું તો મૃત્યુ પામ્યે ૫૦૦૦ વર્ષ થઇ ગયેલા,છતાં એ મને પ્રેમ કરતી હતી,એ હજુયે આજે મને જ સમજાતું નથી.’
‘તો પછી આપને એના માટે માન કે પ્રેમ નહોતો?’
‘ભાઈ જયારે કોઈ આપણ ને જોયા વગર જ અતિ પ્રેમ કરે તો મનમાં તો ખુબ સારું લાગે,કે ભાઈ આપણાં માં કશું ક દમ જેવું છે કે હજુય લોકો પ્રેમ કરે છે,માટે માન હતું ને પ્રેમ પણ ખુબ હતો.’
‘તો પછી એના ભજનીયા થી કંટાળી જતા એમને?’
‘ખાલી ઊંઘ ના મળે એટલા પુરતું,બાકી ખુબ ગમે કેમ કે એમાં અમારા વખાણ જ હોય તો કોને નાં ગમે?’
‘તો પછી આપ એના વિષે બે શબ્દો કહોને,અમે બ્લોગ માં લખીને જણાવીશું.’અમારો બ્લોગ પણ લોકો બહુ વાંચે છે,એ બહાને આપના મીરાં વિશેના અહોભાવ ની જાણ થશે.’
‘તો તો ચોક્કસ કહીશું,અમે મીરાં વિષે એક જોડકણું બનાવ્યું છે.’
‘ભગવાન!શું વાત છે,આપ તો કવિ બની ગયા.’
‘ના બાપુ ના,કવિ શાના?ભલે સૌથી વધારે કવિતાઓ અમારા વિષે કવિઓએ ને ભક્તોએ રચી હોય પણ અમને એ “છંદ” નાં પોસાય.’
‘તો પછી મીરાં ભાગ્યશાળી કે આપે એક કવિતા બનાવી છે.’
‘સાચી વાત,પણ મને કવિતા નાં આવડે,પણ જોડકણાં જેવું છે.’
‘તો ભગવાન,જલ્દી  કહો,મારે જાગવાનો સમય થયો છે પછી રહી જશે.’
  ભગવાન શ્રી કૃષ્ણ જી મીરાં માટે ગાવા લાગ્યા.
મીરાં તો મારા દિલ ની રાણી,રાણી શું એતો મહારાણી,
સપનાઓ માં સુગંધ દેતી ઘેન દેતી રાત રાણી.
આકાશે થી નીચે ઉતરી  ઉમંગ  દેતી પરી રાણી,
વિચારોના વૃંદાવન ના વડલા ની વેલ રાણી.
નિરાશા માં આશા દેતી કંઠે શોભતી લતા રાણી.
દ્વારિકા નાં કૃષ્ણ ની વાટ જોતી રાધા રાણી,
મન આંગણ માં ચી ચી કરતી ચકાભાઇ ની ચકી રાણી.
ખેતર ખોળે રમતી કુદતી  કલબલ કરતી કાબર રાણી,
ટહુકે હૃદય માં કુહું!કુહુ! જાણે મીરાં કોયલ રાણી,
પૂનમ રાતે પ્રેમ ની તરસે  ચીખતી એતો  ચાતક રાણી.
મન બાગ માં આંબા ડાળે  ઝૂલણાં  ઝૂલતી  મેના રાણી,
વિચારો માં સદાય  ચહેકતી આ તો મારી  બુલબુલ રાણી.
કુરુક્ષેત્ર માં પીયુ!પીયુ!ગહેકતી મીરાં મારી ઢેલ રાણી,
મીરાં તો મારા દિલ ની રાણી,રાણી શું એતો મહારાણી.
   ભગવાન તો ઈમોશનલ થઇ ગયા હતા.મેં પૂછ્યું
ભગવાન આ કુરુક્ષેત્ર તો મારા બ્લોગ નું નામ છે.તો કહે મને શું ખબર હું તો મારા કુરુક્ષેત્ર ની વાત કરું છું.કોઈ વાર ત્યાં નજર મારી લઉં છું.મરાઠા ને મુસલમાનો લડ્યા પછી ત્યાં કોઈ મોટી લડાઈ થઇ નથી.હવે ત્યાં ની વનરાજી માં મોર અને ઢેલ ગહેકતા હોય છે.એ યાદ આવી ગયું હતું.અને મનેય ખબર છે કે આ કોઈ બાળગીત જેવું નાદાન જોડકણું છે.મેં કહ્યું નાં ભગવાન ભલે સાહિત્ય ની દ્રષ્ટીએ એનું મુલ્ય ના હોય પણ ભાવનાત્મક રીતે અમુલ્ય છે. મેં પૂછ્યું
‘ભગવાન મીરાં જેવી સ્ત્રીઓ આજે હોય ખરી?’
‘હા!કેમ ના હોય?’ભારત માં રૂઢીચુસ્ત સમાજ નો ભોગ બનેલી કે નસીબ નો ભોગ બનેલી હજારો સ્ત્રીઓ એવી હશે જેમને એમનો મનનો માણીગર ના મળ્યો હોય ને બીજાનું ઘર શોભાવતી હોય.અને એમના પતિદેવ  બાળકો અને બીજા કુટુંબીઓને પ્રમાણિકતા થી સાચવીને પ્રેમ કરીને પણ એમના માનેલા કૃષ્ણ ને મનોમન પ્રેમ કરતી હશે.એવી કેટલીય  સ્ત્રીઓ હશે જે એમના કૃષ્ણ ને પ્રેમ કરતી કરતી એક પલ ના  મિલન માટે   અનંત કાલ સુધી વાટ જોવા માટે તૈયાર હશે.કોઈને જરા સરખો અહેસાસ પણ થવા દેતી નહિ હોય કે એમના કૃષ્ણ મિલન ની તરસ હજુ પૂરી થઇ નથી,ઘર માં કોઈને અન્યાય ના થઇ જાય તેનું ધ્યાન રાખતી ઘર માં જરી સરખો પણ અણસાર આવવા દેતી નહિ હોય કે તે એના કૃષ્ણ ની રાહ જુવે છે.જન્મો જન્મ વાટ જોવાની એમની તૈયારી મને તો સમજ માં નથી આવતી.વિરહ ની અસીમ વેદના વેઠતી એવી મહાન સ્ત્રીઓ માટે ભાઈ મને તો ખુબ માન છે.માટે મારી ઈચ્છા છે કે આવી કોઈ આધુનિક  ગ્રેટ મીરાં  ને આ લેખ સમર્પિત કરો તો સારું.મેં કહ્યું ભગવાન આપની આજ્ઞા શિરોધાર્ય.તો મિત્રો મારો આ લેખ આવી કોઈ આધુનિક ગ્રેટ  મીરાં ને  હું સમર્પિત કરું છું.

પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ

પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ
 દીકરીઓ વિષે સહુ કોઈ લખે છે. ભલે મારે દીકરી નાં હોય, પણ હું કેમ નાં લખું દીકરીઓ વિષે?મારી કેટલી બધી ભત્રીજીઓ મને કહે છે કે કાકા અમે તમારી દીકરીઓ જ છીએ ને ? મોટાભાઈના દીકરી ભાગ્યે જ બોલે. નાનપણથી જ ખાસ ના બોલે. મને ઘણી વાર એવું થાય કે આ દીકરી ને જિહ્વા નથી કે શું?આજોલ પાસે સંસ્કાર તીર્થમાં ભણવા મુકેલા. મને થાય કે  આ દીકરી કદી કોઈ ની સામે બોલતી નથી ને સહ વિદ્યાર્થીનીઓ હેરાન કરશે. કોઈ વિચિત્ર શિક્ષક કે શિક્ષિકા તકલીફ આપશે, તો પણ કદી નહિ બોલે. કદી કોઈ ની આગળ ફરિયાદ નહિ કરે. ઘણી વાર ભાઈ ઉપર ગુસ્સો આવે આવો નિર્ણય શું કામ લીધો હશે? સત્ર શરુ થાય એટલે માણસા મૂકી ને જતા રહે. આગળ સંસ્કારતીર્થમાં મૂકી આવવાની જવાબદારી મારી. આજોલ ઉતરી ચાલતા ચાલતા જવાનું. યાદ નથી પણ બેચાર કિલોમીટર હશે. રસ્તામાં વારંવાર કહ્યા કરું કે કોઈ પણ તકલીફ હોય તો મને કહેવાનું. પણ ચુપ જ રહે. ખાલી હા કાકા ! હા કાકા !એમ કહ્યા કરે. પાછો સત્ર પૂરું થાય કે લેવા જાઉં. પાછો પૂછ્યા કરું કે કોઈ હેરાન તો નથી કરતુ ને? પણ નાં કાકા ! એવો જવાબ મળ્યા કરે. મને થાય કે આ પરણી ને સાસરે જશે તો ગમેતેટલા દુખડા પડશે કદી ફરિયાદ નહિ કરે.

એમના લગ્ન સમય ની વાત છે. જાન આવવાની બેત્રણ કલાકની જ વાર હતી ને એમના પિતાશ્રી એટલે અમારા મોટાભાઈશ્રી ને કોઈ કારણવશ હાર્ટ એટેકનો હુમલો આવ્યો. આ દુખદ સમાચાર ભાભીશ્રી ને જણાવવાની કપરી જવાબદારી મારે ભાગે આવી હતી. એક વાર તો ઢગલો થઇ ને બેસી પડ્યા. પણ મૂળ હિંમતવાળો સ્વભાવ, અમે બીજા ત્રણ ભાઈઓ તો પડખે હતા જ, અમારા ભાભીશ્રી એ વિધિ વિધાનની જવાબદારી સફળતા પૂર્વક પાર પાડી અને જાન તથા મહેમાનો વિગેરેની બીજી જવાબદારીઓ અમે બધાએ પૂરી કરી. આ દીકરીના દિલ ઉપર શું વીત્યું હશે? ખરા ટાણે પિતા હોસ્પિટલમાં, થોડું લાગણીયો ઉપર કાબુ રાખ્યો હોત પિતાશ્રીએ તો? જીવનના એક અતિ મહત્વના દિવસે વિદાય વેળાએ હોસ્પિટલની મુલાકાત લઈને વિદાય થવું કેટલું અઘરું લાગ્યું હશે? વિદાય વેળાંએ જાણે એમની રડતી આંખો અને મુક હોઠ બોલતા હતા કે  ‘કાકા ! ! ઓ કાકા મારા પપ્પાને સંભાળજો !!’ આ લખતા પણ મારી આંખોમાં આંશુ ધસી આવે છે.

પણ અત્યારે તો એક દીકરી ને એક દીકરાની માતા બની ચુકી છે. એમના પતિદેવે એક નાનું સરખું સામ્રાજય જ વસાવી લીધું છે, એના સમ્રાજ્ઞી છે. હવે તો જુઓ તો  ઠસ્સાદાર લાગે. કોઈ એમની સામે બોલી  ન શકે. કેટલું  બધું પરિવર્તન?  માતાને અને પિતાને બંને ને દીકરો બની સાચવે છે.

બીજા મોટાભાઈના દીકરી. બેંગલોરમાં રહેલા ભણેલા ગણેલા પણ ત્યાં. અંગ્રેજી બોલે ફડફડાટ. કન્નડ બોલે કડકડાટ ને  ગુજરાતી બોલે ભડ ભડાટ. નાના ઢીંગલી જેવડા  હતા. મને ઊંધા સુઈ જવાની આદત. ઉપર ઘોડો કરી ને બેસી જાય. એમના મમ્મી  લડે કાકા ને સુવા દે. પણ હું ના પાડું કે બેસવા દો. રમવા દો. એક વાર બરડામાં ભીનું ભીનું લાગ્યું. મને થયું આ શું થયું? કેમ ભીનું લાગ્યું, ઠંડુ લાગ્યું? જોયું તો ઢીંગલી લાળરસ ટપકાવતા ને થપ થપાવી ને આનંદ  લેતા. ઓત્તારીની ! આવું કરવાનું કે જાય ભાગ્યા. આખો દિવસ કાકા ! કાકા ! કરી ને પાછળ પાછળ ફર્યા કરે. હું તો તેડી તેડી ને રમાડતા થાકું નહિ. એકાદ વર્ષ સંજોગોવશાત માણસા રહ્યા  હતા. મારી સાથે ખેતરમાં આવે. સાવ નાની ઢીંગલી, બહુ વહાલી લાગે. કદી ખેતરમાં ફરેલા નહિ. સેન્ડલમાં કશું ભરાય છે, એવું કહ્યા કરે. મને સમજ નાં પડે, કારણ કન્નડ શબ્દ વાપરે. મન્નુ કે એવો કોઈ શબ્દ હતો. હું શું ? શું ? એમ પૂછ્યા કરું. એટલે એમની નાનકડી આંખોમાં મીઠો છણકો દેખાય. આ કાકો સમજતો કેમ નહિ હોય? પછી ખબર પડી કે સેન્ડલમાં રેતી ભરાઈ જતી હતી. બપોરે તો કાકા જોડે જ ગળે વળગી ને સુઈ જવાનું. રાતે પણ મમ્મી જોડે થી ભાગીને ક્યારે કાકા જોડે આવી સુઈ જાય ખબર નાં પડે. બેંગ્લોર થી આવે એટલે કાકા ને ગળે વળગી પડે. કાયમનો નિયમ. લગ્ન થયા કે બાપ દીકરીએ તો વિદાય ટાણે મળતી વખતે  નહિ રડવાનું નક્કી કરેલું. બાપ તો મક્કમ હતા. અંદર થી રડતા હશે, પણ બહાર થી હોઠ ભીડી ને ના રડવાનો અભિનય કરતા હતા. મંડપમાં ગીત પણ કન્યા વિદાય નું કરુણ રસ ફેલાવતું વાગતું હતું. મુજ પથ્થરની આંખોમાં થી પાણી  ટપકવા માંડ્યું, ભાઈ આપણે તો રડી પડ્યા. રડતા જાય ને કહેતા જાય.
‘કાકા નહિ રડવાનું.’
‘ઓ  દીકરી ! ! આજે તો રડવા દે ! પછી કદી નહિ રડું.’
મારા અતિ વહાલા પિતાશ્રીના મૃત્યુ સમયે પણ હું નહિ રડેલો . બરોડા આવે એટલે નિયમ પ્રમાણે ગળે વળગવાનું. દિલ બાગ બાગ થઇ જાય. ને જતી વખતે પણ ગળે વળગવાનું દિલના ચૂરે ચુરા થઇ જાય. પણ એક વાર નિયમ તુટ્યો. દીકરી પોતે એમની નાનલી દીકરી તેડીને આવ્યા. મેં  તો દોડીને નાનલી મારી દીકરીની કોપી ને લઇ લીધા ને રમાડવા લાગ્યો.
કાકા ! ! આ કેવું? દીકરીની દીકરી આવી એટલે મૂળ દીકરીને ભૂલી ગયાં ને?
ઓ ! દીકરા બહુ મોટી ભૂલ થઇ ગયી.
ગળે વળગાડ્યા ત્યારે શાંતિ થઇ. આજે તો એમનો સંસાર વસાવી ને બેસી ગયા છે. પણ અતીતના ઊંડાણમાંથી કોઈ વાર સાદ સંભળાય છે.
 કાકા !  ઓ કાકા ! જુઓને આ સેન્ડલમાં રેતી ભરાઈ ગઈ છે.
ઝબકીને જાગી જાઉં છું. પથ્થરમાંથી ટપકેલા પાણી થી ઓશીકું ભીંજાયા નો અહેસાસ થાય છે.
       * મારા પિતરાઈના દીકરી બરોડા  એમના ફોઈના ત્યાં નાના હતા ને આવેલા. તે હું પણ બરોડા હોવાથી મારા ઘેર લઇ આવેલો. મારા છોકરાઓને છૂંદો ને રોટલી બહુ ભાવે. મારો નાનો દીકરો એમને નાસ્તો કરવા બોલાવે , જીજા ચાલો છૂંદો ને રોટલી ખાવા. આજે પણ ફોન કરું તો પૂછું કે છૂંદો ને રોટલી ખાધા? તરત સમજી જાય કે કાકાનો ફોન છે. હસી પડે હા કાકા ખાધા ! મને કાયમ સ્વીટેસ્ટ અંકલ કહે. માણસા મારા ઘરનું કોઈ રહે નહિ. હું વર્ષ માં બેત્રણ વાર જાઉં. સાફસફાઈ કરાવું. કોઈ લગ્ન પ્રસંગ હોય તો હાજરી અપાઈ જાય. બપોરે મારા કઝન એમના ઘેર આવે એટલે મારું જમવાનું એમની સાથે જ હોય. આ દીકરી નાના હતા ત્યારથી બોલાવા આવે.
‘કાકા જમવા ચાલો, પપ્પા રાહ જુવે છે.’
થોડી વાર લાગે જતા તો પાછા આવે. કાકા જમવા ચાલો. ડાઈનીગ  ટેબલ પાસે જ ઉભા હોય. કાકા લો ખવાશે, ખવાશે કહી પેટ ફાટી જાય તેટલું પીરસ્યાં કરે. એમના પપ્પા  સામે કંઈક ભૂલાય જતું હોય તેમ જોયા કરે. પપ્પા  એમને એક કોળીયો ખવડાવે ત્યારે ખુશ થાય. કાયમનો નિયમ. પપ્પાના હાથનો એક કોળીયો ભરવાનો. મારા જોયેલા સૌથી સુંદર દ્રશ્યોમાનું એક આ દ્રશ્ય. પપ્પા ના હાથ નો કાયમ એક કોળીયો ભરતી આ દીકરી. આખું ગામ ને નગરપાલિકા એકલા હાથે ધ્રુજાવતા એમના પપ્પા  આ દીકરી આગળ મીણ જેવા થઇ જાય.  એમના લગ્ન સમયે હું તો અહીંથી જઈ નહોતો શક્યો. લગ્ન પછી ફોન પર પૂછેલું કે
‘વિદાય વેળાએ પપ્પા બહુ રડ્યા હશે નહિ?’ તો કહે
‘કાકા તમને કેવી રીતે ખબર પડી?’
અરે ભાઈ ! ભલે મારે દીકરી ના હોય પણ હૃદય તો દીકરીના બાપ નું ધરાવું છું. પછી કહે કાકા પપ્પા  બહુ રડેલા એક કોળીયો  પણ ખાધેલો  નહિ. મને ખબર હતી. ગામમાં કોઈ ચુ કે ચા કરી ના શકે એવો આ મારો ભાઈ અંદરથી સાવ મીણ જેવો છે. વિચારતા હશે કે હવે ડાઈનીંગ ટેબલ પાસે કોળીયો ખાવા કોણ ઉભું રહેશે? અને એક કોળીયો ભરાવ્યા વગર  ગળે કોળીયો કઈ રીતે ઉતરશે? પપ્પા હવે છોડો ને કહી ઉગ્રતા ઠંડી કોણ પાડશે? પહાડ જેવો બાપ દીકરીની વિદાય વેળાએ ભાગી પડ્યો. નાના બાળક ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડ્યો. છાના રાખવા જવા ની પણ કોઈ ની હિંમત નાં ચાલે. હજુય ઘરમાં પેસતા જ નિયમ પ્રમાણે પ્રથમ  દીકરીના નામનો સાદ પડાઈ જતો હશે. સાસરે રહેલી દીકરી ને વ્યથિત બાપનો સાદ અવશ્ય સંભળાતો હશે. એનો અહેસાસ થતો હશે કે પપ્પાને મને કોળીયો ભરાવ્યા વગર ખાવાનું ગળે નહિ ઉતરતું હોય. મને પણ અતીતના અતલ અંધકારમાંથી ઘેરો સાદ સંભળાય છે
‘કાકા જમવા ચાલો પપ્પા તમારી રાહ જુવે છે.’ આંખ ના ખૂણા ભીના થઇ જાય છે.
        * ભાઈ હવે લખવાની ત્રેવડ રહી નથી અત્યાર સુધી લખેલા લેખ  બધા એક ઝાટકે લખેલા છે. કોઈ બ્રેક વગર. પણ આ  આર્ટીકલ લખતા ભારે પડી ગયું છે. બીજી મારી દીકરીઓ વિષે લખવાનું હવે ગજું રહ્યું નથી. મારું  સૌથી અપ્રિય ગીત હોય તો ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ તે છે. આ બધી દીકરીઓ પારકી થાપણ નથી, વસ્તુઓ કે ફિક્સ્ડ ડીપોઝીટ નથી. આતો હૃદયના ટુકડા છે. મને હજુય એમના સાદ સંભળાય છે. આ તો મારા અસ્તિત્વના અંશ છે. દીકરી ને ગાય દોરે ત્યાં જાય? દીકરીઓ શું પશુ છે? એનિમલ છે? મુરખો! એક સ્ત્રી માતા બને છે ત્યારે પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. અને એક પુરુષ જયારે દીકરીનો પિતા  બને છે ત્યારે એનું પિતૃત્વ પૂર્ણ થાય છે.
આ બધી દીકરીઓ એમના નાનકડા સામ્રાજ્યની મહારાણીઓ છે. એમનું માન સન્માન છે. એમનું પોતાનું એક અસ્તિત્વ છે. કોઈ એમની સામે આંખ  ઉંચી કરી ને જોઈ શકે તેમ નથી. ગમે તેવાને ભૂ પાઈ દે તેવી છે. દીકરાઓ કરતા સવાઈ છે. પારકા ને પોતાના કરવાનું મને આ દીકરીઓએ જ શીખવાડ્યું છે.  નિર્મળ પ્રેમના ઝરણા જેવી આ મારી દીકરીઓ માટે અમને ખુબ ગર્વ છે.