ભારતીય સંસ્કૃતિનો અડીખમ થાંભલો ને ઉધઈના રાફડા,

Ashmolean Museum, Oxford
Image by Martin Beek via Flickr

ભારતીય સંસ્કૃતિ નો અડીખમ  થાંભલો ને ઉધઈના રાફડા,

ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ. ચીનનો પણ લગભગ એટલો જ જુનો. ઘણી બધી લાંબી મજલ કાપીને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈના રાફડાઓ  વળગ્યા છે. જાત જાતનાં  રાફડાને ભાત ભાતના રાફડા. જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય. પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ. એમાય વળી શીશમનું હોય તો જરાય ના ગાંઠે.

અહી અમેરિકાના કેલીફોર્નીયામાં એક ઝાડ છે, ૫૦૦૦ વર્ષ જુનું. કદાચ કૃષ્ણની મોરલીના સુર એણે સાંભળ્યા હશે. કદાચ એણે મહાભારતના યુદ્ધમાં થયેલો વિનાશ જોયો હશે. કદાચ એણે દ્રૌપદીના હીબકા સાંભળ્યા હશે.

“મને આટલા બધા જણાંની વચ્ચે નગ્ન ના કરશો ! મને શરમ આવે છે ! !”

કદાચ એણે ભાર્ગવની માતાના પોકાર સાંભળ્યા હશે.
‘બેટા પરશુ પિતા ગુસ્સામાં ખોટી આજ્ઞા આપે તેને પાળવાના મોહમાં મારું માથું તારા નિર્દય પરશુ(ફરશી)થી ના વધેરીસ’.
‘નાં માં ના ભવિષ્યમાં ભારતવર્ષ માં કોઈ બેટો એના પિતાની આજ્ઞાની અવગણના ના કરવો જોઈએ, એનો જડબેસલાક દાખલો આજે મારે બેસાડવો છે, અને પિતાજી પાસે સંજીવની વિદ્યા છે હું કોઈ ઉપાયે એમને તને જીવતી કરવા રાજી કરી લઈશ’
‘બેટા ફીફા ખાંડવા રહેવા દે એવી કોઈ વિદ્યા નથી, ભવિષ્યમાં પણ મરેલાને સજીવન કરે એવી વિદ્યા તો મળવાની નથી, હા દવાઓ ખાઈ કદાચ જીવન લંબાવી શકાશે.’
પણ ભાર્ગવ માને? માતાની આજીજીઓ આ ઝાડે સાંભળી હશે. પરશુનો માથું વધેરતો ખટકો એણે સાંભળ્યો હશે. વિરુદ્ધ ગુણ આકર્ષે, એ ન્યાયે કદી યુદ્ધમાં ના જવા ટેવાયેલા બ્રાહ્મણોના આ સદાય ફરશી લઇ ક્ષત્રિયોના માથા વધેરતા મહા ભાર્ગવ પરશુરામ તમામ બ્રાહ્મણોના આદર્શ મહાપુરુષ બન્યા. ક્ષત્રિયોના અન્યાય સામે લડવું જોઈએ,  કેમ ના લડવું જોઈએ? જરૂર લડવું જોઈએ. પણ એક ક્ષત્રીયના પાપે તમામ ક્ષત્રિયો ઉપર વેર રાખવું એમાં મને તો કોઈ ગણિત સમજાતું નથી. અરે! ગર્ભવતી ક્ષત્રાણીઓના પેટ ચીરીને જન્મ પામવાની રાહ જોતા ક્ષત્રિયોને માર્યા. ચાલો ઠીક છે, પણ માતાની હત્યા? ને પિતા કદી ગેરવાજબી માંગણી કરી ના શકે એવું કેમ મનાય? ગેરવાજબી હતી માટે તો બીજા ભાઈઓએ ના માની.  પિતાની આજ્ઞાનું પાલન ના કરનાર ભાઈઓને પણ માર્યા. બ્રાહ્મણ મિત્રો કોઈ ખોટું ના લગાડતા. મહાત્માઓએ વિચારવાની બારીઓ, વિન્ડોઝ બંધ કરી દીધી છે. બારી બંધ કરવા  સંજીવની વિદ્યાનું તુત ઘુસાડી દીધું છે.
કોઈ ઉપાય જો સુજે વૈજ્ઞાનિકો ને એ ઝાડને સાંભળવાનો તો ગીતાના ઓરીજીનલ શ્લોક કહી બતાવે.
ભારતીય સંસ્કૃતિનો સ્થંભ એનાથી પણ જુનો. પણ ૨૫૦૦૦ કરતાય વધારે સંપ્રદાયોની ઉધઈ વળગી છે. અને રોજ નવી વળગતી જાય છે. મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે. અરે આ ઉધઈને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે. બુદ્ધ  ને મહાવીર કંટાળ્યા. ચાલો નવો થાંભલો રોપીએ. જાત જાતની કથાઓ ને ભાત ભાતના પુરાણોની ઉધઈ. બધા પુરાણો સાચા નથી, અથવા એમના નામે ચરી ખાવાનું ચાલે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી કથા શરુ. દરેક કથા પાછા વ્યાસજી ઉવાચ. એમાય પાછા સુતજી કહે મને વિષ્ણુજી એ કહેલી એ હવે તમને કહું છું. દરેક વ્રતનું પણ એમજ સમજવું.
કાલે જરા ધ્યાનથી સત્યનારાયણ કથા સાંભળી. રાજાનું અડધું શરીર રાજાએ કરવતથી કાપીને સત્યનારાયણ ભગવાનને આપ્યું. પછી અડધાનું શું કર્યું તે ના કહ્યું. અને આ અડધું શરીર ભગવાને શું કામ માગ્યું હશે? અડધું વળી શું કામમાં આવે? દરિદ્ર બ્રાહ્મણ દરેકમાં હોય. સાધુ વાણીયો ને લીલાવતીને કલાવતી. પ્રસાદ પડતો મુક્યો તો ખલાસ, ગયા જેલમાં. કથા કરી તો રાજાને ભગવાને ધમકી આપી કે તારો સત્યાનાશ કરી દઈશ સાધુ વાણિયાને છોડી દે. પુરાવે પોતે ને છોડાવવા પાછા ધમકી પણ પોતે જ આપે. કર્મનો નિયમ ગયો ભાડમાં.  ખાલી કથા કરાવો ને સર્વ પાપો કર્યા કરો. કોઈ બોધર ના કરે. પ્રસાદ ના ખાધો  તો દસ પુત્રો મરી ગયા. છેલ્લે પ્રસાદ વહેચાયો તો મેં કહ્યું ખાઈ લેવા દે ભાઈ મારે તો ત્રણ જ પુત્રો છે. બધા મરી જાય તો ઉપાધી થાય. વાઈફે પાછું બાળકો ના થાય તેનું ઓપરેશન કરાવી લીધું છે. અને હવે આ ઉંમરે બીજું બૈરું પણ ના મળે પુત્રો પેદા કરવા. પાછા કાયદા પહેલાના જેવા નથી. એક બૈરા ઉપર બીજું  બૈરું કરીએ તો પાછા સળિયા ગણવા પડે. એના કરતા સારો શીરો  બનાવ્યો છે, બેસ્ટ શીરા મેકર વાઈફે તો ખાઈ લેવાદે કોઈ ખોટું જોખમ નથી ખેડવું. મજાક કરું છું.
કેવી કેવી ઉધઈઓ? કોઈ વાર દશામાંનું પુર આવે, કોઈ વાર સંતોષી માતાનું. તો કોઈ વાર વૈભવ લક્ષ્મી. કોઈ વાર સાઈબાબાનું પુર આવે. હમણા સાઈબાબાનું ચાલી રહ્યું છે. પાછા મિત્રો કહેશે લોકોને આસ્થા હોય છે. કોઈ જીભ કાપીને મૂકી દે આવી આસ્થા? આવી આસ્થા વિરુદ્ધ પણ ના બોલાય? ધાર્મિક લાગણી દુભાઈ જાય. વાત વાતમાં ખોટું લાગી જાય.
લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા. સિકંદર જેવો પણ ઘૂંસ મારી ના શક્યો. બસ પ્રજાને જલસા થઇ ગયા. ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી. સુવર્ણ યુગ હતો. એજ સતયુગ લાગે છે. તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા. કવિતાઓ, મહાકાવ્યો રચાયા. પુરાણો રચાયા. પ્રજા ને છેતરવાનું શરુ થયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી ધંધા શરુ થયા. શંકરાચાર્ય આવ્યા. થોડા ફટકા ઉધઈ ખંખેરવા લગાવ્યા. પણ વહેલા જતા રહ્યા. એમના ચેલાઓએ નવી ઉધઈ બનાવી લીધી. નાના મોટા કોઈ કોઈ વચ્ચે ઉધઈ ને ખંખેરવા પ્રયત્નો કરે પણ જેટલો જુનો થાંભલો એટલી જૂની ઉધઈ. પાકી સિમેન્ટ જેવી. ખંખેરવા વાળો જ ઉકલી જાય. દયાનંદ સરસ્વતી આવ્યા, મોરબીના ટંકારા થી. સાલું આ કેવો ભગવાન એના પર ઉંદરડા ફરે ને હટાવી પણ શકતો નથી. ખુબ ડંડા માર્યા, સત્યાર્થ પ્રકાશ નામનો ઘણ માર્યો. પણ ઉધઈ મજબુત. એમને જ લાડવામાં ઝેર આપી દીધું. ખબર પડી તો માંડ્યા દંડ બેઠક કરવા, જે પસીનામાં ઝેર નીકળી જાય તેટલું ઓછું. પહેલાવાનો મોકલાતાં તો સ્વામીજી પણ પહેલવાન હતા. ઉચકીને ફેંકી દેતા. પણ કપટ આગળ લાચાર બન્યા. રસોયાને પૈસા  આપ્યા ને કહે ભાગી જા, મારો ભક્ત રાજા તને ફાંસીએ લટકાવી દેશે.
વિવેકાનંદ આવ્યા. ૧૦૦ યુવાનો આપો આખો સ્થંભ ઉધઈ વિહોણો કરી દઉં. ભારતનું કમનસીબ યુવાનીમા જ શંકરાચાર્યની જેમ સિધાવી ગયા. રામ મોહનરાય આવ્યા. એમણે પણ ડંડા ઝાપટ્યા, પણ સાલું જૂની ઉધઈ નવા સ્વરૂપ લઇ લે. એકલ દોકલની તતુડી કોણ સંભાળે. ગાંધીજીને થયું નવો પશ્ચિમનો થાંભલો સારો. પણ જુના સંસ્કાર આડે આવ્યા..જૈન રાજચંદ્રને ગુરુ માન્યાં. થોડી સાફસફાઈ શરુ કરી, હરીજન વાસમાં ફરવા લાગ્યા. ભગવી ધજાઓ બગડી. આ વાણીયો તો મંદિરો અભડાવસે. પણ પહેલા આઝાદીનું કામ કરીએ. ઉધઈ વિફરી ધરબી દીધી ગોળીઓ  છાતીમાં.  છેલ્લે ના મહાવીર યાદ આવ્યા ના જીસસ, યાદ આવ્યો હે!!રામ!!!અચેતન મનમાં રહેલા સંસ્કાર ના જાય તે આનું નામ.
ગુજરાતી વળી ઉધઈને સંસ્કૃતિ માને ને ગાંડા બહુ થાય. દરેક ને ગુજરાત બહુ ભાવે. અહી ધંધો સારો ચાલી જાય. કોઈ યુ.પી.થી આવે કોઈ હરિયાણા થી. કોઈ વળી વ્રજમાંથી આવે તો કોઈ વળી છપૈયા થી. ઘણા બધા સાક્ષરો પણ ગોદા મારી લે. પણ નવી પેદા થયેલી બહુ મોટા ગજાની ઉધઈના લપેટામાં આવી જાય. ઉધઈ ખોતરવા જાય ને ઉધઈમાં ઘુસતા જાય. પણ પાછો ઉધઈને ખોતરવાનો  સ્વભાવ, એટલે કલમનો ગોદો મારીલે કે “સાધુઓ તો પરણેલા જ સારા”.  એ.સી હોલોમાં ઉધઈઓ વિકસતી જાય. કરોડો રૂપિયા વપરાય. ગંગા મેલી થાય પણ કોઈનું ના ચાલે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાલા આવ્યા. ખુબ ડંડા મારે ચાલો અભિગમ બદલીએ, વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, પણ કોણ જાગે?

અરવિંદ કાકા(અરવિંદ અડલજા) બુમાબુમ કરે કે અલ્યા ગંદકી નાબુદીની કથાઓ કરો, મંદિરો માં પૈસા ના વેડફો, ઘોંઘાટ વિરુધની કથાઓ કરો. પણ કોણ સાંભળે. મને થયું અરવિંદ કાકાના અભિયાનમાં હું પણ તૂટી પડું. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચું કઈ રીતે? સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ ઉભો છે પણ નજીક જવું કઈ રીતે?

32 thoughts on “ભારતીય સંસ્કૃતિનો અડીખમ થાંભલો ને ઉધઈના રાફડા,”

  1. શ્રી ભુપેન્દ્રસિંહજી,
    શીરો ખાવામાં શરમ ન રાખવી !! પુણ્ય નહીં તો કાંઇ નહીં, શરીરમાં ગયે ગણ તો કરશે જ ને !! એક કહેવત છે “શીરા સારૂ શ્રાવક થયા”, આ આપણા જેવાઓ માટે જ છે !!
    ઉધઇઓ આમે બહુ હઠીલી હોય છે. પુરાણો કદાચ તે સમયે કોઇ ચોક્કસ ઉદ્દેશથી રચાયા હશે, મુખ્ય ઉદ્દેશ તો લોકોને ઉદાહરણ દ્વારા જ્ઞાન આપવાનો હશે. અત્યારે જેમ ટી.વી. સીરિયલો, વાર્તાઓ વગેરે હોય છે તેમ. પરંતુ વખત જતા તે ધર્મપુસ્તકો બની ગયા હોય શકે. કર્મકાંડોનું પણ તેમજ સમજવું, (આ બાબતે એક સુંદર બોધકથા પણ છે, જે થોડી લાંબી છે તેથી આપને મેઇલ કરીશ.) સમયાનુસાર જરૂરી સુધારાઓ ન થાય અને, સમજ્યા વગર, ફક્ત આગળ આમ થતું તેથી આપણે પણ આમ જ કરવું જોઇએ, ભલે હવે તેનો કોઇ અર્થ ન રહ્યો હોય, તેનું નામ પણ અંધશ્રદ્ધા. મને વ્યક્તિગત રીતે એક પણ કથાનો વિરોધ નથી (અને વિરોધ કે અવિરોધ કરવાની મારી હેસિયત પણ નથી !) પરંતુ એના એજ સાધુ વાણિયા અને ગરીબ બ્રાહ્મણને રાજાઓને બદલે કશુંક અત્યારે ઊપયોગી હોય તેવુ (જેમ કે ભ્રષ્ટાચાર, લાંચ, કામચોરી, ગંદકી વગેરેના વિરોધમાં) તેમાં પરિવર્તન કરવું જોઇએ, લોકોને પુણ્યની શાથે સમજણ પણ મળશે !
    પરંતુ તો પાછું લાગતા વળગતાઓનું પેટ નહીં ભરાયને ? અમારા એક જેઠાભાઇ કહે છે કે સાંઇબાબા તો સારી જીંદગી ફકીરીમાં ફર્યા તેવું વાંચ્યું છે, તો હવે સોનાના સિંહાસને કેમ કરીને બેસી શકશે ? આ કરતા તો આટલા ખર્ચે બે-ચાર દવાખાના કે શાળાઓ (જે ઓછા કે યોગ્ય ખર્ચે જનસામાન્યને સગવડ આપે) બાંધે તો કદાચ સાંઇબાબનો આત્મા બહુ રાજી થશે. પર વો દિન કહાં… મહાપુરૂષો અને મહાનગ્રંથોને ચમત્કારોમાં ખપાવવા કરતા તાર્કિક રીતે સમજવાનું રાખીએ તો મને લાગે છે અત્યારે છે તે કરતા પણ તેઓ વધુ સન્માનના અધિકારી લાગશે.
    અંતે આપે ઉલ્લેખેલ વૃક્ષ “જનરલ શેરમાન” હોય તેવું લાગે છે, વાંચકો તે વૃક્ષ વિશે વધુ જાણી શકે તે માટે અહીં તેની લિંક આપું છું. સરસ લેખ, આભાર
    http://en.wikipedia.org/wiki/General_Sherman_(tree) અને
    http://www.britannica.com/EBchecked/topic/228607/General-Sherman

    Like

    1. જે તે કથાઓ જેતે સમયે યોગ્ય હશે,પણ હવે એનો અર્થ નથી.હવે નવી કથાઓ થવી જોઈએ.જેઠાભાઈ ની વાત સાચી છે.આપે લખ્યું તેમ વૃક્ષની જાત તો એજ છે.પણ મેં જોએલું તે ૫૦૦૦ વર્ષ જુનું છે તેમ કહેવાયેલું.અને જીસસ જન્મ્યા ત્યારે ઓલરેડી ૩૦૦૦ વર્ષ નું હતું તેમ કહેવાયેલું.બીજું હવે શીરો બહુ ખાવા માં કોલેસ્ટ્રોલ વધી જવાનો ડર રહે છે.

      Like

  2. પરશુરામની માનસિક સંકુચિતતાને લીધે આપણે વિદ્યા ગુમાવી જે પાછળથી આક્રમકોની સામે વાપરી શકાઇ હોત. છતાં આપણે તેમને વિષ્ણુનો અવતાર માનીએ છીએ તે શ્રદ્ધાને કારણે.

    સૌથી વધુ દુરૂપયોગ શ્રધ્ધાની વિભાવના (કન્સેપ્ટ concept) નો થયો છે. ‘શ્રધ્ધા’ને નામે આપણે અનેક બેહુદી માન્યતાઓ (જેવી કે શીતળામા અને બળિયાબાપાની પૂજા) ને સ્વીકારી લઇએ છીએ. કારણ કે સાચી શ્રધ્ધા શું છે તે આપણે સમજ્યા જ નથી અને ગુરૂઓ રૂપી સ્થાપિત હિતોએ સમજવા દીધા જ નથી. ક્યાંક શ્રધ્ધા એટલે ઈશ્વર તરીકે પોતાની પૂજા કરાવવા માટે ગુરૂઓએ ઊભી કરેલી ભ્રમણા તો નથી ને? કે પછી ‘શ્રધ્ધા’ એટલે ઈશ્વરે આપેલી બુધ્ધિ ન વાપરવા માટેનું બહાનું માત્ર? શ્રધ્ધા અને ભક્તિભાવના રૂપાળા અંચળા હેઠળ આપણે ઘણા અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે. શ્રધ્ધાની સોહામણી જાળ પાથરીને આપણે એવા ‘ભક્તો’ ઉત્પન્ન કરીએ છીએ કે જેઓ અંતઃકરણપૂર્વક સ્વયંભૂ પ્રાર્થના કરવાને બદલે ધર્મગુરૂઓએ નિયંત્રિત કરેલા પૂર્વનિર્ધારિત સમયે, રીતે અને શબ્દોમાં યંત્રવત્ સામૂહિક પ્રાર્થના કરે છે. ભક્તિ એટલે પરમેશ્વર રૂપી પતિ પ્રત્યેની જીવાત્મા રૂપી પત્નીની ઉત્કટ લાગણી અને તે જાહેરમાં કે સમુહમાં નિયંત્રિત રીતે ન થઈ શકે તે સમજવામાં આપણી ગુરૂઓ પરની શ્રધ્ધા નડે છે. ગુરૂઓને પણ તે અનુકૂળ આવે છે.
    પહેલેથી જ આપણા મૂલ્યોમાં ખામી હતી તેથી તો ઉધઈ લાગી શકી.

    Like

  3. સર ,
    તમારા વિચારો ખુબ refined અને matured છે..હુ લગભગ બે મહિના થી વધારે સમય થી તમારો બ્લોગ વિઝિટ કરુ છુ.અને તમારા લખાણ અને વિચારો ઉત્તમ છે એમા બેમત નથી..ઘણા સમય થી કમેન્ટ કરવા માટે વિચારતો હતો .. હઈશો-હઈશો કે buck up માટે જો કમેન્ટ કરુ તો એનો અર્થ નથી..કેમકે , તમે ઘણા senior છો.અને તમારે આ પ્રકાર ના cheerings ની જરૂર ના હોય.

    મુદ્દે આવુ તો વ્યક્તિ પૂજા નો વિરોધ … આ બાબતે આપણે હિંદુઓ એ આપણા જ ધર્મ પર ગાળો વરસાવવામા ક્યાય પાછી પાની નથી કરી..જોકે તમારા લખાણો ની authenticity અને તમારા diligence અંગે કોઇ શંકા નથી..પણ જ્યારે હુ કે કોઇ પણ કોઇ બીજા ને blame કરુ ત્યારે એ માટે ઘણો પરિશ્રમ કરવો ઘટે.
    રા મ ,ક્રુષ્ણ ,જીસસ , મો.પયગંબર , નાનક , બધા વ્યક્તિઓ જ હતા..
    ઘણા સંપ્રદાયો એ ધર્મ ને હાનિ કરી હોય એ કબૂલ. પણ ઘણા સંપ્રદાયો વિવિધ રીતે સમાજ ને મદદરૂપ પણ રહ્યા છે.એ રીતે સિક્કા ની બીજી બાજુ પણ જોવી જ રહી..હિંદુઓ જ નહિ , મુસ્લિમો , ખ્રિસ્તિઓ , પારસીઓ , શીખો બધા જ થોડે ઘણે અંશે વ્યક્તિ પૂજા કરે છે.. હા , અતિ સર્વત્ર વર્જ્યેત ના ન્યાયે વધુ પડતુ તો “ગળપણ” પણ ડાયાબિટિસ કરે..

    વધુ સમય મળ્યે..
    ખાસ કે આપના વિચારોનો ઘણો પ્રશંસક છુ..ભૂલ-ચુક માફ કરશો..

    Like

    1. આપ બક અપ કહો તો અમને પણ શુર ચડે.ઘણા સંપ્રદાયોએ હાની કરી હોય સાથે સાથે સમાજ ને મદદ પણ કરી હોય.પણ મદદ ને બદલે હાની વધી જાય તો?માટે લખવું પડે છે.અમુક સંપ્રદાયો મંદિરો બનાવવા પાછળ પાગલ થયા છે.એટલી હોસ્પિટલ ને કોલેજ નથી બનાવી.એક ગુરુકુળ બનાવે સામે દસ મંદિરો ઠોકી બેસાડે.અને આ લોકો ના ગુરુકુળ એટલે પૈસા ભેગા કરવાનું સાધન માત્ર છે.અને ગુરુકુળો માં ભણતા નાના બાળકોના બ્રેન વોશ કરવાનું કામ વધારે છે.આ ઓછી બુદ્ધિના બાળકોને સન્યાસ ના રવાડે ચડાવી ભક્તો વધારવાનું મહા પાપ કરી રહ્યા છે.સિક્કા ની બીજી બાજુ પણ ખરાબ બનતી જાય ત્યારે તો લખવું પડેને?
      આપનો ખુબ આભાર ને અમુલ્ય પ્રતિભાવ નું અમે સ્વાગત કરીએ છીએ.અમારી ભૂલ થતી હોય તો પણ ધ્યાન દોરો એમાં કશું ખોટું નથી.

      Like

  4. સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ અને વિચારવાની બારીઓ બંધ કરી દીધી છે. ડર એવો ઇમોશનલ બેસાડી દે કે તમે આસ્થા વિરોધ અવાજ ઉઠાવી જ ના શકો. આ કેમ કે આવું કેમ? વૈજ્ઞાનિક રીતે કે લોજીકલી કશું જ વિચારવાનું જ નહીં. મારા એક સગામાં આ રીતે ધાર્મિક આયોજન કરેલું. જેઠાણીએ દેરાણીને આમંત્રણ આપ્યું તો દેરાણી કહે કે આવા નવા નવા પેદા થતા ભગવાને કે માતાજીમાં હું નથી માનતી એટલે હું નહીં આવું. તો જેઠાણીએ દેવી બની શ્રાપ આપ્યો કે મારી માતા આનો પરચો જરૂર આપશે. અને કાગને બેસવું ડાળને પડવું તે રીતે થોડા દિવસ પછી દેરાણીનો દીકરો કોઇ નાની માંદગીમાં મરી ગયો. દેરાણી તો ડૉક્ટર હતા કારણ ખબર હશે કે કેમ આવું થયું. પણ જેઠાણી તો બધાને કહે કે જોયું મારી માતામાં ન માનવાનું પરિણામ. આ રીતે ડર બેસાડે એટલે કોણ આવું જોખમ ઉઠાવે કે વિરોધ કરે. ક્યારેક હું આવો વિરોધ કરું તો મને મારા માતૃશ્રી આવા દાખલા આપે. આપણે પણ માનવું હોય તો માનીએ પણ વિરોધ કરવાની આવી કિંમત તો કેવી રીતે ચૂકવાય? કંઇ જ બીજું બહાનું બતાવી સામેલ ના થઇએ. આવી જડબેસલાક ઉધઇના રાફડા તોડવા જેમ ૭૦૦ ગુપ્ત રાજાઓએ સીમાડા સાચવ્યા તેમ હવે તો એક અબજથી વધારે લોકો માટે તો સાત લાખ લોકોની જરૂર પડે. એકલદોકલનું કામ નહીં.
    આજના અશોકભાઇના દલિતો, શોષિત અને પછાત વિષય ઉપરના લેખમાં છે કે તે રીતે રોગ મટાડવા માટે કડવી દવા આવશ્યક હોય છે. કોઇની લીટી નાની કરીને નહીં પરંતુ પોતાની લીટી મોટી કરીને આગળ આવવાનું છે.

    મોસ્ટ એક્સેલન્ટ આર્ટિકલ………..

    Like

    1. લગભગ ૭૦૦ વર્ષ ગુપ્ત રાજાઓએ સીમાડા સાચવ્યા એ રાજાઓ મહાન હતા,બળવાન હતા.ભારત નો એ સતયુગ સુવર્ણ યુગ હતો.એ શાંતિ માં મહાન સાહિત્ય રચાયું.પણ વધારે પડતી સલામતીએ પ્રજા ને આરામી,નિર્બળ ને કાયર બનાવી દીધી.ઈમોશનલ ડર બહુ બુરી ચીજ છે.એના સામે થવા માટે બહુ હિંમત જોઈએ.મેં તો શીરો મારા વાઈફે હમેશ ની જેમ સારો બનાવેલો માટે જ ખાઈ લીધેલો.જો નીચે પડેલો હોય તો હું અવશ્ય ગાર્બેજ માં ફેંકી દઉં.મારા દીકરા મજબુત છે.મેં કદી મેશ નું કાળું ટપકું પણ કરવા નથી દીધું.મેં તો મજાક માં બધું લખેલું.મારા અભણ માતુશ્રી હમેશા કહેતા કે “સતી શ્રાપ દે નહિ ને શંખણી ના શ્રાપ લાગે નહિ.”આવા શ્રાપ દેનાર પોતે જ ભિખારી હોય છે.આવા લોકોને તો મેં મારી ને કાઢી મુકેલા છે.એક વાર ચાણોદ ગયેલા.એક બાવાએ પૈસા માંગ્યા.વિવેક થી નહિ દાદાગીરી થી.મારી હતી ગઈ.મારો ગુસ્સો જોઈ પાછો પડી ગયો ને શ્રાપ દેવા લાગ્યો કે તારે મારી શક્તિ થી અહી પાછા આવવું પડશે.મેં નજીક બોલાવ્યો પણ ડરનો માર્યો આવ્યો નહિ.લાગ્યું કે માર પડશે.

      Like

    2. તમે બરાબર ઉદાહરણ આપ્યું છે. આ આખો મામલો આપણાં કેટલાય જોડાણો સાથે સંકળાયેલો છે. તે બધાં જોડાણો એક જ ઝાટકે તોડી શકવાની તાકાત આપણે કેળવી શકતા નથી. બધાં સ્વજનો પેલી જેઠાણી જેવી ભાષા કદાચ ન વાપરે અને મીઠી મધ જેવી ભાષા વાપરે પણ એમનો આડકતરી રીતે કહેવાનો મતલબ તો એ જ હોય છે!
      તમે તો સામેલ ન થવાની વાત કરો છો પણ અમે તો કહીએ છીએ કે: કમને પણ ક્યારેક કોઈ વિધિમાં સામેલ પણ થવું પડે છે!
      વળી કેટલીક વિધિઓ નિર્દોષ લાગતી હોય છે જેમાં છુપાયેલી અંધશ્રદ્ધા તરફ આપણને આંખ આડા કાન કરી લેવામાં જ ડહાપણ જણાય છે. અને એમાં રહેલા આનંદ, ઉત્સાહ, ઉમંગ, સંબધ,સ્નેહ , વહેવાર અને સ્વાર્થની સામે નમી જઈએ છીએ.
      રાઉલજીના લેખો મન પરનો કાટ ઉખેડવાના કામે લગાડી દે તેવા હોય છે.

      Like

  5. આ ઉધઈએ ખરેખર હેરાન પરેસાન કરી નાખેલ છે. આ ઉધઈની માતા મને લાગે છે કીલોમીટર દુર છે અને આપણે સૈનીકોનો ખોટો ખો કાઢીએ છીએ.

    ભારતીય સંસ્કૃતી એટલે સતી થવાનો રીવાજ, વીધવા તો લગ્ન કરી જ ન શકે, નાના બાળકોને દીક્ષા આપી દે અને ઉદાહરણ આપે શંકરાચાર્ય અને હેમચંદ્રાચાર્યનું, દલીતો ઉપર અત્યાચાર માટે મહાત્મા ફુલેનું લેખન વાંચવું જોઈએ.

    બ્રાહ્મણો રોજે રોજ સાવીત્રી બાઈ (મહાત્મા ફુલેની પત્ની) ઉપર મેલું, ગદું ફેકી કપડાં ખરાબ કરતા હતા અને તે પણ ઘણાં સમય સુધી.

    પુનાના બધા બ્રાહ્મણો આજની તારીખમાં પ્રાયશ્ચીત કરે તો પણ માફ ન કરી શકાય એવા અત્યાચાર આ બ્રાહ્મણોએ કરેલ છે.

    આ ઉધઈના રાફડાથી બચવું મુશ્કેલ છે.

    Like

    1. શ્રી વોરા સાહેબ,
      સતી થવાનો રીવાજ ભારત માં ના હતો.હુણ લોકોમાં આ રીવાજ હતો.નાના બાળકોને દીક્ષા આપવાનો રીવાજ પણ ના હતો.હુણ લોકો આવ્યા ને અહી રહી ગયા તેમાં આ રીવાજ ચાલુ થયેલો.જૈન અને બુદ્ધ ધર્મ ના વાદે નાના બાળકોને દીક્ષા આપવાનું શરુ થયું.એટલે જ કહું છું કે આ બધી ઉધાઈઓ છે.ફેંકી દો ઉખાડીને.અંગ્રેજો નો ઉપકાર કે સતી થવાનું કાયદા ને ધમકી થી બંધ કરાવ્યું.હવે કોઈ કાયદો કરવો જોઈએ કે નાના બાળકોને દીક્ષા ના અપાય.હવે સમજાવટ થી કોઈ માને તેમ નથી.કાયદો ને સખ્તાઈ જોઈએ.

      Like

  6. સરજી,આ ઉધઈએ તો દરેક વસ્તુઓને ખોખલી બનાવામાં કોઈ કસર બાકી રાખી નથી.અંધશ્રદ્ધાનો વિષય હોય અને અંધશ્રદ્ધાળુઓની લાગણી દુભાય એ તો સ્વભાવિક છે.હમણા ગુજરાતી ગૃપમાં ચર્ચા આ જ વિષય ઉપર થઈ રહી હતી.
    એક ભાઈએ ચર્ચામાં મૂકેલ પ્રશ્ન “ભારતીય સંસ્કૃતિ ના આધાર સ્થંભ ..શાસ્ત્ર ..મંદિર …સંત …”
    >-ચર્ચા દરમ્યાન એક ભાઈના કમેન્ટ પર ખૂબ જ હસુ આવેલુ.તેમણે કહ્યુ હતુ કે “પૃથ્વીની ઉત્પતિ ૐ શબ્દથી થઈ છે”
    ->મારા મિત્ર સતિષે સુરતમાં તારીખ ૯ મે ૨૦૧૦ના રોજ પ.પૂ ગિરિબાપુ (સાવરકુંડલાવાળા)ના સત્સંગ હેઠળ બેઠેલી ભાગવત કથાની એક ક્લિપ બતાવિ હતી.
    ->તેમનું પ્રવચન કઈક આવુ હતું “ૐ નમઃ શિવાય” એ દુનિયાનો મોટામાં મોટો મંત્ર છે.
    જે મનુષ્ય ‘ૐ નમઃ શિવાય’નું ઉચ્ચારણ નથી કરતો ,તે મનુષ્યનું જીવન વ્યર્થ છે.
    જે સંપ્રદાયમાં આ મંત્રનો મહિમાં નથી સમજાવામાં આવ્યો,તે સંપ્રદાયનો કોઈ અર્થ નથી”

    સંપ્રદાયિકહિંસાનો પાયો અહીં નખાય ગયો.

    ઉધઈનો શબ્દ પ્રયોગ ગમ્યો.

    Like

    1. રજની ભાઈ,
      દરેક ને પોતાનો મંત્ર મહાન લાગતો હોય છે.સ્વામી રામતીર્થ ભૂલતો ના હોઉં તો પંજાબ યુની ના ગણિત ના પ્રોફેસર.પછી સન્યાસી બન્યા.કાશીમાં ધાર્મિક સભા માં બોલવા ઉભા થયા.એ સમય ના શંકરાચાર્ય બોલ્યા તમને સંસ્કૃત આવડે છે?આ તો ગણિત ના ખાં હતા સંસ્કૃત ના આવડે.શંકરાચાર્યે વિરોધ કર્યો કે સંસ્કૃત ના આવડે તો બર્હ્મજ્ઞાન ની વાતો કરવાનો તમને અધિકાર નથી.ભાષા ને અને બર્હ્મજ્ઞાન ને શું લાગે વળગે?

      Like

  7. ઝરણાં કાંઠે વરુએ સસલાને કહ્યું “તું કેમ મારું પાણી બગાડે છે?”

    સસલાએ કહ્યું “પાણી તો તમારા તરફથી મારી તરફ આવે છે. એટલે મારા થકી તમારું પાણી કેવી રીતે બગડે?”

    વરુએ કહ્યું ” તેં મને એક વર્ષ પહેલાં ગાળ દીધેલી.”

    સસલાએ કહ્યું પણ હું તો છ માસનો જ છું. હું તમને એક વર્ષ પહેલાં ગાળ કઇ રીતે દઈ શકું?

    વરુએ કહ્યું “તેં નહીં તો તારા બાપે ગાળ દીધેલી.”
    ———————–
    સાવ આવું તો નહીં પણ થોડું ઘણું આવું તો ખરુંજ.

    ચીલા ચાલુ જ્ઞાતિપ્રથા મરવા પડી છે. હાલના જીવિત જન્મે બ્રાહ્મણોનો ક્ષત્રીયોને મારવામાં કોઈ રોલ ન હતો. કે હાલના જીવિત ક્ષત્રીયોનો દ્રૌપદીના ચીર ખેંચવામાં કોઈ રોલ ન હતો. કે નતો એકલવ્યનો અંગુઠો કાપવામાં.

    પણ રાજકારણીઓ ખાસ કરીને કોંગીજનો અને મીડીયા તેને જીવતી રાખવાના પ્રયત્નો કરે છે.

    ગામડાઓમાં જ્ઞાતિજનોને ઉશ્કેરીને ભેદભાવ ઉભો કરે છે. આ બધું વૉટ મેળવવા થાય છે. જો કોંગીએ વૉટ પોલીટીક્સ ન ચલાવ્યું હોત તો જુદી જુદી જ્ઞાતિના માણસો અને ધર્મ ના માણસો હળી મળીને ગામડામાં રહેતા હોત.

    હવે જેઓ વિદ્વદ્જનો છે તેઓએ ભૂતકાળને ચોળીને ચીકણો ન કરવો જોઇએ. ભૂતકાળનું શું સત્ય છે અને શું અસત્ય તે બધું વિવાદાસ્પદ છે. અને જે વિવાદાસ્પદ છે તેના આધારે જ્ઞાતિઓ વચ્ચે ભેદ સર્જતું વાતાવરણ ન બનાવવું જોઇએ. હવે તો આંતરજ્ઞાતીય લગ્નો બહુ સામાન્ય થઇ ગયાં છે.

    હા પણ કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે “ચાતુરવર્ણં મયા સૃષ્ટં ગુણકર્મ વિભાગસઃ” એટલે માણસો પોતાની પ્રકૃતિ પ્રમાણે વ્યવસાય કરે છે અને વ્યવસાય પ્રમાણે તેની જ્ઞાતિ થાય છે અને પછી તે તે પ્રમાણે વર્તે છે. આ કઈ જ્ઞાતિઓ છે? ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, સરકારી અધિકારીઓ, મજુરો, મેનેજરો, વિગેરે અર્વાચિન જ્ઞાતિઓ છે. અને વેદકાળની જેમ વ્યવસાય બદલવાનો સૌને અધિકાર છે. કોણ ક્યાં સ્વિકારાશે અને સફળ થશે તે જ્યોતિષીઓ પણ જાણતા નથી.

    Like

    1. શ્રી શિરીષ ભાઈ,
      ભૂતકાળ ના અસત્યો ની અસર હજુ આપણાં ઉપર વર્તાય છે.માટે આવું બધું લખવું પડે છે.આપનાં પ્રતિભાવો ની અમે કદર કરીએ છીએ.આપની વાતો સાચી છે.આપની પ્રેરણા થી અમને લખવાનું બળ મળે છે.

      Like

  8. ભૂપેન્દ્રસિંહ, નામથી આપણે બંને સરખાં છીએ અને હું પણ આ બધી ઉંધઇ અને રાફડા વિરુદ્ધ વિચારોને રવાડે ચડેલો અને લોકોને ખૂબ સમજાવતો કે રાફડા હટાવો અને બહાર આવો. પણ કોઇ માને જ નહીં વધારે ને વધારે રાફડામાં અટવાયા કરે. એક છોડીને બીજો અને ત્રીજો એમ બદલ્યા કરે પણ રાફડો હટાવવાની હિંમત ના કરે. અને ઉપરથી ઘણાં તો મને સલાહો આપે, મને જોઇને રસ્તો જ બદલી નાખે. બોલાવવાનું તો પસંદ જ ના કરે. આપણે રહ્યા વૈજ્ઞાનિક, રીસર્ચમાં ખૂંપેલા હોઇએ આપણી સુંદર પત્નીને પણ પૂરતો સમય ના આપી શકતા હોઇએ. સામન્ય વ્યક્તિને બેંકમાંથી બે-પાંચ લાખની લોન મેળવવા કેટલા પ્રૂફ આપવા પડે. અને આ સંપ્રદાયોવાળાને જલસા કોઇ પણ પ્રૂફ વિના દાનના ઢગલા આવ્યા કરે. સુંદર સ્ત્રીઓના સત્સંગનો લાભ.કોઇ કાર્યબોજ નહીં હું તો કહું છું અહીં આવી જાઓ ૨૫૦૦૦ સંપ્રદાયોમાં ૨૫૦૦૧મો આપણો સંપ્રદાય ચાલુ કરી દઇએ.જલસા કરશું. ખોટી મહેનત રહેવા દો. કોઇના રાફડા-ઉંધઇઓ હટવાની નથી.

    Like

    1. શ્રી ભુપેન્દ્ર ભાઈ,
      આપની વાત સાચી છે.ભલ ભલા ઉખડી ગયા આ ઉધઈ સાફ કરતા કરતા.આપના જેવા અનુભવ મને પણ થાય છે,હું જાણે નર્ક માં જવાનો હોઉં તેમ જુવે.એક લાલ ટપકા ધારી કહે સારું છે કે તમારા જેવાઓને લીધે અમને શાક ભાજી સસ્તા મળે છે,મેં કહ્યું એનું પુણ્ય અમને મળશે.મને કહે બધા નરક માં જવાના મેં કહ્યું નરક માં રામ અને સીતા અને કૃષ્ણ જોડે વાતો કરીશું.સીતા ને પૂછીશું કે રામે ત્યાગ કર્યો ત્યારે આપ શું ફિલ કરી રહ્યા હતા?દ્રૌપદી ને પૂછીશું કે સભામાં દુશાશન ચીર ખેંચી રહ્યો હતો ત્યારે આપ ને શું લાગણી થતી હતી?અહીના ટીવી પત્રકારો જેવા મુર્ખ સવાલો કરી બધાને હસાવીશું.રવીન્દ્ર નાથ ને પૂછીશું કે ગાંધીજી ની બાજુ માં બેસી માછલા ખાતા, ગાંધીજી એમના નાકે રૂમાલ અવશ્ય લગાવતા હશે કેમ?

      Like

      1. ભૂપેન્દ્રસિંહજી, આ તો મારો આક્રોશ હતો. મારી સાથે સાયન્ટિસ્ટ તરીકે રહી ચૂકેલા મિત્રએ આજથી ૨૦ વર્ષ પહેલાં આવા લાલ ટપકાંવાળાંમાં સેવા આપવા સાયન્ટિસ્ટ તરીકેની નોકરી છોડી દીધેલી. હમણાં તેમના વિશે વાંચ્યું તેમાં તેમણે સાયન્ટિસ્ટની નોકરી છોડી અને સેવાને પંથે જઇ ભવ્ય મંદિરોની કમાણી માટે એમણે તેમના ટેક્નોલોજીના જ્ઞાનનો ઉપયોગ કર્યો. અને આવા કાર્યને જાણે કે ઉચ્ચ સિધ્ધિ માનવામાં આવે. ત્યારે થાય કે દેશને સાયન્ટિસ્ટ કરતાં સાધુની જરૂર વધારે છે? શું આવી ટેકનોલોજીનું જ્ઞાન મંદિરો માટે વપરાય તેના ગુણગાના ગાવાં જોઇએ કે શરમ અનુભવવી જોઇએ? આપ કે હું તો સ્વર્ગમાં હોઇશું. અરે, આપણે તો અહીંયા જ સ્વર્ગમાં છીએ. સ્ત્યને સ્વીકરીએ છીએ. ખોટાં આડંબર કે દંભમાં નહીં જીવીને. આપણે કર્મના સિદ્ધાંતને માનીએ છીએ. કર્મહીન થઇને ભગવાનના નામે ભોગ ભોગવવામાં નથી માનતા.

        Like

        1. શ્રી ભુપેન્દ્રભાઈ,
          આપનો આભારી કે આપ જેવા વૈજ્ઞાનિક અમારો બ્લોગ વાચે છે.આપના મિત્ર વૈજ્ઞાનિક ખરા ખાલી ડીગ્રી પુરતા એમનો અભિગમ અવૈજ્ઞાનિક,એટલે આવું થાય.મારા મોટા ભાઈ શ્રી પણ બેંગ્લોરમાં એન.એ.એલ માં વૈજ્ઞાનિક હતા.આમારા બ્લોગ ના એક વિદ્વાન સુજ્ઞ વાચક ની અટક પણ આપની જેમ છે.આપનો આક્રોશ વ્યાજબી હતો.અમે તરત સમજી ગયા હતા.હવે આપના વિદ્વતા પૂર્વક ના પ્રતિભાવો ની રાહ જોઈશું.હવે એ પંથ માં કોઈ ડોક્ટર સ્વામી બીજા નંબરે છે.મેડીકલ સાયંસ ગયું ભાડ માં.

          Like

  9. ભાઈશ્રી,

    સૌપ્રથમ આપની માફી ચાહું છું કે આપનો લેખ આપની જાણ વિના અમે અમારા બ્લોગ માં કોપી -પેસ્ટ કરેલ,
    આપના ઉપરોક્ત લેખ આજના સમય ને અનુરૂપ અને વાસ્તવિકતાથી ઘણોજ નજીક અને ચોટદાર હોઈ અમને આશા છે કે આપણા આ સમાજ માં ક્યારેક પણ જાગૃતિ આવશે જ. આવા લેખ દ્વારા પણ લોક જાગૃતિ જરૂરી છે. શાસ્ત્રો કે પુરાણો ને દરેક પોતાની રીતે મુલવે છે તે વિષય માટે કશુજ કેહવુ મને લાગે છે કે તેની યોગ્યતા હોવી કે તે કેળવવી જરૂરી છે, હા, કદાચ મારા મતે આપણા આજના કથાકાર કે શાસ્ત્રકાર તે જાણતા જ હસે!? પરંતુ તે પોતાની રોજી – રોટી ચલાવવા અને લોકોને પસંદ શું છે તે જાણી અને તે રીતે પોતાની દુકાન ચલાવતા હોઈ છે., જે તેની અર્થઉપાર્જન ની રીત હોઈ શકે!? કારણ …..
    જ્યારે આપણી કોઈ જ રજૂઆતની અન્ય પર અસર જોવા ના મળે ત્યારે આપણે -આપણી રજુઆતમાં શું ખામી છે તે તપાસવી જોઈએ., મોટે ભાગે આપણી પાસે સારા વિચાર કદાચ હોઈ શકે પરંતુ તે માટે નું આચરણ ન હોવાથી જે તે રજુઆત ની અસર આપણને જોવા મળતી નથી હોતી તેવું મને લાગે છે.

    Like

    1. આચરણ અંદર થી ના આવે તો નકામું.અંદર થી જાગૃતિ આવે તો ઓટોમેટીક આચરણ બદલાઈ જાય.બાકી સદાચાર ના શ્લોકો નો કોઈ અર્થ નથી.આપનો હેતુ સારો હશે માટે મને કોઈ ફરિયાદ નથી.અહી કુરુક્ષેત્ર પર આવતા રહેશો ને પ્રતિભાવો આપતા રહેશો.

      Like

  10. શ્રી અશોકકુમાર કહે છે કે “તે વિષય માટે કશુજ કેહવુ મને લાગે છે કે તેની યોગ્યતા હોવી કે તે કેળવવી જરૂરી છે.”
    ગુરુઓ અને કથાકારોએ આપણને આમ જ દબાયેલા રાખ્યા છે. આપણે સૌને ઈશ્વરે સામાન્ય બુદ્ધિ આપી છે તે આપણી યોગ્યતા છે. તેનો ઉપયોગ ન કરવો તે ઈશ્વરનું અપમાન છે.

    Like

  11. “લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા.સિકંદર જેવો પણ ઘૂંસ માંરી ના શક્યો.બસ પ્રજાને જલસા થઇ ગયા.ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી.સુવર્ણ યુગ હતો.એજ સતયુગ લાગે છે.તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા.કવિતાઓ,મહાકાવ્યો રચાયા.પુરાણો રચાયા.”

    આ બાબતે હું કહીશ કે વેદ અને મહાભારત/રામાયણ ચોક્કસપણે 6000થી5000 વર્ષ પુર્વેના ગાળામાં લખાયા છે. આ સાહિત્યમાં જે ખગોળીય ઘટનાઓ છે અને ભૌગોલિક માહિતી છે એ પરથી આપણે ચોક્કસ સમય કમ્પ્યુટરની મદદથી શોધી શકીએ છીએ! હવે, જો એવું માનીએ કે 2500 વર્ષ પુર્વે લખાયેલા સાહિત્યમાં જુની ખગોળીય ઘટના મુકી દેવામાં આવી છે, તો બે શક્યતાઓ જણાય છે: 1) પોતાના કરતા 3000-4000 વર્ષ પુરાણી ઘટનાને લોકોએ પેઢી દર પેઢી યાદ કરીને સાચવી રાખી અને એ વખતની ભૌગોલિક માહિતી પણ જાળવી રાખી. લોકોની પેઢી દર પેઢી વારસો યાદ રાખવાની શક્તિને દાદ! 2) લખનાર એટલા બુધ્ધિશાળી હતાં કે સાહિત્યની પૌરાણિક્તા સીધ્ધ કરવા હજારો વર્ષ જુની ખગોળિય ઘટના કે ભૌગોલિક સ્થિતીનો તાગ મેળવી શક્યા!

    આ બન્ને શક્યતાઓ માની નથી શકાતી, કારણ કે એ સમયમાં લખાયેલા બીજા સાહિત્યની શૈલી અને સમાજજીવન/ભૌગિલીક્તા સાથે મેળ નથી બેસતો! એટલે, એવું માનવુ જ યોગ્ય છે કે વેદ અને મહાભારત/રામાયણની રચના 5-6હજાર વર્ષ પુરાણી છે!

    Like

    1. આપની વાત સાચી લાગે છે.મેં ખાલી શક્યતા દર્શાવેલી.જોકે ભોજ પત્ર પર લખવાનું તે સમયે કદાચ શરુ થયું હોય.પણ એક વાત ચોક્કસ છે કે જયારે લખવાની પ્રિન્ટીંગ વિદ્યા ના હતી ત્યારે કંઠસ્થ રાખીને વેદિક સાહિત્ય સાચવી રાખવાનું મહાન કાર્ય આ લોકે કરેલું છે.એક ની એક વાત રોજ રાત્વામાં આવે તો બ્રેન માં જડાઈ જાય.સબ કોન્શિયસ માં એવી સજ્જડ રીતે ઘુસી જાય કે અંકાઈ જાય કે કદી ના ભૂલાય.આ બ્રેન ની કરામત નો ખુબ ઉપયોગ કરીને રોજ નિત્ય પાઠ કરીને બધું સાહિત્ય પેઢી દર પેઢી સાચવી રાખેલું છે.પાછું વૈદિક સંસ્કૃત પણ થોડું અલગ પડે છે.માટે વેદો તો જુના જ છે.પણ કંઠસ્થ રાખવામાં એક બીજી વાત એ થાય કે પેઢી દર પેઢી એમાં ઉમેરણ પણ થતું જાય.હજારો વર્ષ સુધી સાહિત્ય જડબેસલાક યાદ રાખેલું છે તે પણ એટલુજ સાચું છે.અને તે કામ ફક્ત બ્રાહ્મણો એ કરેલું છે.હવે જયારે પ્રિન્ટીંગ અને પછી હવે કોમ્પુટર આવી ગયા છે ત્યારે યાદ રાખવાની કળા વિસરાતી જાય છે.માટે આપને એમાં ખાસ વજૂદ ના લાગે.પણ મને પોતાને કોઈ પણ અર્થ ની ખબર વગર ગીતા ના પ્રથમ બે અધ્યાય આખાને આખા મોઢે હતા.ઊંઘ માંથી ઉઠાડો તો પણ બોલી શકતો.ઘર માં રીવાજ પડેલો કે રોજ બે અધાય વાચવા.એમાં ગોખણ પટ્ટી સ્પેશિયલ નહિ કરેલી,પણ રોજ ના પઠન થી યાદ રહી ગયેલા.એટલે ઘણા ને આખી ગીતા મોઢે હોય છે.આજે કોઈને એક ઘડીયો આંક મોઢે હોતા નથી.મારા પિતા ને દોઢા ને સવાયા,પોણા કઈ કેટલાય અંક મોઢે હતા.એ પોતે પલ માં આખા મહિના ના દૂધ નો કે બીજો કોઈ હિસાબ બે ચાર અંક બોલી ને કરી દેતા.એમાં આના પાઈનો પણ ફેર ના પડે.કેલ્ક્યુરેટર અને કોમ્પુટર થી સામાન્ય ગણિત માં લોકો પાંગળા બની ગયા છે.પણ એના અગણિત ફાયદા ઓ છે માટે માટે ઘણા બધા લાભ માટે થોડું જતું કરવું હિતાવહ છે.આપના અમુલ્ય પ્રતિભાવો નું હમેશા સ્વાગત છે.

      Like

  12. પ્રજા જયારે ભૂતકાળને યાદ નથી રાખતી ત્યારે તેના કપાળે ભૂતકાળનું પુનરાવર્તન લખાયેલું હોય છે અને જયારે એકતા થતી નથી ત્યારે તમારે સહન કરવુજ પડે છે અને તમાર હરીફ તમને પાડીજ દે છે. એકતા હોવી જોઈયે તેમ તો સૌ ક્હે છે પણ તે માટે કેટલા તેયાર થશે તે યક્ષ પશ્ન છે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક વખત એકતાએ કેવું કામ કરેલું તે માટે હવે વાચો……………….
    “એકતાના અભૂતપૂર્વ દાખલા માટે આપણે ૧૦૩૧ માં થયેલી બેટલ ઓફ બહારેચી ને યાદ કરવી જરૂરી છે. જેમાં મહમુદ ગઝનવીના ભત્રીજા મસુદે ૧૦૩૧માં ઇસ્લામના ફેલાવા માટે કોઈ પણ દેખીતા કારણ સિવાય ૧૨૦૦૦૦ સૈનિકો જેમાં ૫૦૦૦૦ ઘોડેસવારો હતા તે સાથે ભારત ઉપર ચડી આવ્યો..રાજા આનંદ પાલ સાહી અને સિયાલકોટના રાજા રાય અર્જુને તેને પડકાર્યો પણ જબરજસ્ત મુસ્લિમ લશ્કર સામે તેઓ હારી ગયા ત્યાર પછી ગુજરાત તથા માંળવા તરફ આગળ વધ્યો ત્યા રાજા મહિપાલ તોમરે તેની સામે લડાય કરી પણ તે હારી જતા મસુદે ઉત્તર ના પ્રદેશો જીતીને લખનૌ પાસેના બહરેચી ગામમાં ૧૦૩૩ સુધી સ્થાઈ થયો. એ સમયે ઉત્તર ભારતના ૧૭ રજપૂત રાજાઓ એક થયા જે ભારતના ઇતિહાસનું સૌથી મોટું લશ્કરી જોડાણ હતું .રાજા સુખદેવ આ બધાના ઉપરી તરીખે નિમાયા હતા.આ બધાએ ૧૪ મી જુન ૧૦૩૩ ની અંતિમ લડાય ને માટે ચેસ ગેમ ખેલી જે હિંદુ રાજાઓના ઇતિહાસમાં અજોડ હતી. લડાયના નિયમોનું પાલન કરી ને મસુદને કહેવામાં આવ્યું કે આ જમીન હિન્દુઓની છે માટે તેને ખાલી કરીને જતા રહેવું પણ મસુદે તેમ કરવાની ના પાડી. શનિવાર તા: ૧૩-૬-૧૦૩૩ ની સવારે રાજપૂત રાજાઓના તમામ લશ્કરે મસુદ સહિતની તેની સેના ફરતી કિલ્લેબંધી કરી નાખી. કલાકો ના કલાકો સુધી આ ભયંકર લડાય ચાલી. આ લડાયનું સ્થળ હાલના બહેરીચ-ગોંડા રોડ થી ૮ કી મી. દુર ચિતુરા તળાવ ની આસપાસનો કોઈ વિસ્તાર હતું. આ લડાય ૧૪-૬-૧૦૩૩ રવિવારના રોજ પૂરી થઈ અને તેમાં રાજા સુખદેવની જીત થઈ. મસુદ અને તેનું લશ્કર ખરાબ રીતે હારી ગયું. રવિવાર તા; ૧૪-૬-૧૦૩૩ ની સાંજે મસુદને પકડી લેવામાં આવ્યો અને ત્યાને ત્યાજ તેનું મસ્તક ઉડાવી દેવાયું .૧૨૦૦૦૦ ના મસૂદના લશ્કરમાંથી એક પણ ને જીવતો જવા દેવામાં નહોતો આવ્યો. અને મસુદ અને તેના લશ્કરનું શું થયું તેની ખબર ગજની (અરબસ્તાન) માં કયારેય પડી નહી કારણકે સમાચાર પહોચાડવા કોઈ જીવતો રહ્યો નહોતો. ભારતના ઇતિહાસનું હિંદુ રાજાઓનું આ એક અદભુદ લશ્કરી જોડાણ હતું જેના કારણે રાજપૂતોને વિજય મળ્યો પણ ત્યાર પછી હિંદુ રાજાઓમાં કે પ્રજામાં આવી એકતા ફરીને ક્યારેય જોવામાં આવી નથી. આ લડાયની અસર એટલી હતી કે ત્યાર પછીના ૧૬૦ વરસ સુધી કોઈ આક્ર્મણખોરો ભારતમાં આવી શકયા નહી (http://en.wikipedia.org/wiki/Raja_Sukhdeo) એકતા શું કરી શકે છે તેનો આ માત્ર દાખલો છે પણ આ બનાવને આજના સમયના સન્દર્ભમાં જોવાની જરૂર નથી. હવે તો ભારતમાં લોકશાહી છે અને તેથી સહુ કોઈ નાગરિકો લોકશાહી અધિકારો ભોગવે છે અને સુખી છે પણ કહેવાનું તાત્પર્ય એ છે કે માણસે ક્યારેય ભૂતકાળને ભૂલવો નહી જોઈએ. અને જેઓ ભૂતકાળને ભુલે છે તેમના કપાળે તેનું પુનરાવર્તન લખાયેલ હોય છે. અને સહુ જાણે છે કે સમયે સમયે ઈતિહાસ પુનરાવર્તન પામે છે.”

    Like

    1. તમારી વાત સાચી છે. ભૂતકાળને ભૂલી તો ન જ જવાય. જે તે ભૂતકાળની વસ્તુ અત્યારે પણ લાગુ પડતી હોય તો તો તેને ભૂલાય જ કેમ? જે પાર્ટીએ ૬૦વર્ષથી “ગરીબી હઠાવવાના નારાઓ ઉપર અને વોટબેન્ક પોલીટીક્સમાં લોકોમાં ભેદ ઉભા કરીને તેમજ હિમાલયની ભૂલો કરીને જીતતી આવતીહોય ત્યારે પણ જો આપણે વિરોધની પ્રાથમિકતાઓ ન સમજી શકતા હોઈએ તો આપણે ભૂતકાળને ભૂલ્યો જ કહેવાય. આપણે પૃથ્વીરાજ ચૌહાણ કરતાં કૌટીલ્યની વધારે જરુર છે. જેનું ચરિત્ર જાણ્યું હોય તેને કદી માફ ન કરી શકાય. પૃથ્વીરાજ ચૌહાણે ઘોરીને માફ કર્યો તો તે માફી ભૂલીને બીજીવાર ચડી આવ્યો. અને તેણે પૃથ્વીરાજને માફ ન કર્યો. જો પૃથ્વીરાજ, ચાણક્ય હોત તો તે પહેલી વખતે જ ઘોરીને હાથીના પગ નીચે કચરાવી દેત.

      જુઓ, ચાણક્યે શું કરેલ. સેલ્યુકસને હરાવીને તેણે પોરસના ભત્રીજાને દુશ્મનને મદદ કરવા બદલ હાથીના પગનીચે કચરાવી દીધેલ. તે વખતે તેણે એ ન જોયું કે આ મહાન પોરસ કે જેણે સિકંદરને ઘાયલ કરીને સંધિકરવાની ફરજ પાડેલ તેનો ભત્રીજો છે માટે દયાભાવ રાખી છોડી દો.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s