‘હળવું હાસ્ય(ભલાભાઈ)’

                     *                                 *ભગવાન વિશ્વકર્મા એ પૃથ્વી  ઉપર સજીવો ની રચના કરી.આ વિશ્વકર્મા એટલે બ્રહ્માજીને?અમારા વાડી વિસ્તાર માં એમનું એક મંદિર છે.ખાસ તો સુથાર ને કુંભાર ને એવી બધી કોમો એમને ઇષ્ટ દેવ માને છે.મતલબ કૈક રચના કરતા હોય,પછી ફર્નીચર બનાવતા હોય કે માટલા એ બધાના ભગવાન એટલે વિશ્વકર્મા.એમણે જયારે આ સજીવો રૂપી ફર્નીચર બનાવેલું ત્યારે એક રંધો કામ માં લીધેલો હશે.છેલ્લે માણસ બનાવી હાથ ધોઈ નાખ્યા.પેલા રંધા એ સારું એવું કામ કરેલું ને હવે કશું બાકી ના રહેતા,ભગવાન ને થયું ચાલો હવે આને કૈક રીવોર્ડ આપીએ.ભગવાને રંધાને મનુષ્ય યોનીમાં જન્મ લેવાનું વરદાન આપ્યું.ને એ રંધો અહી જન્મ્યો તે આમારા બચપણ ના મિત્ર જયેશભાઈ જોશી.ઉપર મનુષ્ય ની રચના વખતે બારીક છોલણ કામ કરેલું,તે અહી હવે લોકોના દિમાગ નું છોલણ કરવા અવતર્યા.
    
             * એમના બાપ દાદા ઓને પુનાના પેશ્વાઓએ કશુક આપ્યું હશે તે તેનું માન રાખવા તેમની અટક પેશ્વા જ રાખી લીધેલી.બહુ મોટું સંયુક્ત કુટુંબ.લગભગ ૫૦ નાનામોટા માણસો ભેગા રહે.આ પ્લાનેટ પર મારું જોયેલું છેલ્લું મોટું સંયુક્ત કુટુંબ હશે.જયેશ ના પિતાશ્રી જયેશ બે મહિનાનો હશે ને દિવંગત થયેલા.માતા પણ જલ્દી સિધાવી ગયેલા.મારા પિતાની ઓફીસ નીચે એના કાકાની કપરકાબી ની એક માત્ર વિજાપુરમાં રહેલી દુકાન.રોજ સવારે કાકા દુકાન ખોલવા જાય એટલે બાળ જયેશ ને સાથે જવાનું.શાકભાજી ની જથ્થાબંધ દુકાને થી એક મણ બટેટા લેવાના.૫૦ માણસો માટે રોજ મણ બટાકા નું શાક થાય.બાલ જયેશ એની ચડ્ડી કરતા મોટી થેલી ઊંચકીને ચાલવાના મહાપ્રયત્નો કરતો ઘેર જતો હોય.એના પિતા મારા પિતાના મિત્ર હતા,ને એના મોટા બેન મારા બેન ના મિત્ર હતા.એ ન્યાયે જયેશ આમારા ઘેર રોજ આવે.અમે એને ભલીયો કહેતા.આવે એટલે બોલવાનું શરુ,જાય ત્યારે બંધ થાય.મારા માતુશ્રી ને કામ કરવા લાગી જાય.રીંગણ સમારવા બેસી જાય.શાક વઘારી પણ નાખે. ભાખરી શેકવા લાગે.જમતી વખતે શાક ખૂટે તો ખબર પડે કે સમારતી વખતે જ અડધા રીંગણ તો કાચા જ ચાવી ગયો હોય.જોકે હવેના બીટી રીંગણ તો વઘારેલા પણ ભાવતા નથી.
              
              * રણછોડરાય ના મંદિર ના મહારાજ ને રેડીઓ રીપેર કરતા આવડે છે એવું કહી રેડીઓ બગાડીને આપ્યો તો બાવો પાછળ પડેલો મારવા માટે.હું બરોડા ભણતો હતો ને એક દિવસ આવી પહોચ્યો મારી રૂમ પર.મારા મનમાં એકબે દિવસ માં જતો રહેશે.પણ જવાનું નામ ના લે.પછી કહે હું તો બધું છોડીને આવી ગયો છું.અગિયારમું ધોરણ માંડ પાસ કર્યું હશે.અને કોઈ મરાઠી ની દુકાન માં રેડીય રીપેરીંગ માટે જવા લાગ્યો.વાતો એવી સફાઈ થી કરે કે એને બધુજ આવડે છે.રેડીય રીપેરીંગ ના બદલે બગાડવાનું કામ વધારે કરે.મારે ખાલી મારા પુરતું સીધું સમાન આવે એટલું મનીઓર્ડર ઘરે થી આવે.એમાં બે જણ નું કેમ નું પૂરું થાય?સામટી ભાખરીઓ વણી નાખે,એક પછી એક ચડ્વતો જાય ને ખાતો જાય.છેલ્લી ભાખરી ચડી જાય ને ખાવાનું પણ પૂરું.વાટકો ભરી અથાણું શાક ની જેમ ખાઈ જાય.બહુ રેડિયા બગાડ્યા તો પેલાએ કાઢી મુક્યો.
    
              *એમાં કોઈ બીજા રેડિયોવાળા ને ત્યાં લાગી ગયો.મને કહે હવે મારા જમવાની ચિંતા ના કરતો,જાણે મારા ઉપર ઉપકાર ના કરતો હોય!જેના ત્યાં કામ કરતો એની દીકરી એના પ્રેમ માં પડી ગયેલી.દેખાવે પાછો રૂપાળો,ને વાતો નો મહા ફેંકુ.પેલી છોકરી એને રોજ જમાડે.મને કહે જમવાની વ્યવસ્થા થઇ ગઈ છે.પેલીનો પ્રેમ એના માટે ફક્ત જમવાની વ્યવ્સ્થાજ હતો.મેં કહ્યું આતો ચીટીંગ કહેવાય.તો કહે ખાવા મફત માં મળતું હોય તો બે શબ્દો મીઠા બોલવામાં શું જાય છે?અને એક દિવસ મુંબઈ ભાગી ગયો.સ્ત્રીઓના હૃદય ની કદર પુરુષોને ખાસ હોતી નથી.
   
             * શું ગરબડ  કરી કે એને ઇસરોમાં નોકરી મળી ગઈ.હું સાક્ષી છુકે એણે રેડોયા રીપેર ના બદલે બગાડ્યા વધારે હશે,પણ ઇસરોમાં કયા સર્ટીફીકેટ થી નોકરી મળી હશે?મને ઈસરોના મેનેજમેન્ટ કે એચ.આર ઉપર શંકા જાય છે.હું પણ એની સાથે ઘણીવાર ઇસરોમાં જઈ આવેલો અમદાવાદ માં.હતો તો ટેકનીશીયન પણ જાણે બહુ મોટો વૈજ્ઞાનિક હોય તેવી જ વાતો કરે.પાછો બેંગ્લોર પણ જાય.જાણે બધી ઉપગ્રહો છોડવાની જવાબદારી એનીજ હોય.અબ્દુલ કલામ સાથે તો રોજ એની મીટીંગ હોય. જયારે કોઈ ઉપગ્રહ એપલ જેવા માં કંઈક ગરબડ થઇ છે ના સમાચાર વાંચું તો મને તરત શંકા જાય કે ભલીયાએ સોલ્ડરીંગ બરોબર નહિ કર્યું હોય.અમે એનું બીજું નામ રન્ધોજ પાડી દીધેલું.મારા વાઈફ તો કાયમ કહે ભલાભાઈ કેટલા છોડિયા પાડ્યા?ફોન કરીએ ત્યારે એવુજ કહે એરપોર્ટ થી ઘેર જાઉં છું.જતો હોય લાલબસ માં ઘેર,પણ એરપોર્ટ થી હાલ જ ઉતર્યો એવુજ કહે.ન્યુયોર્ક,પેરીસ,ફ્રેન્કફર્ટ એવા બેચાર નામ બોલી જાય.અજાણ્યો તો છેતરાઈ જ જાય.વાક્ય શરુ થાય એનું ‘You know’ થી ને પૂરું થાય “છે” થી.
    
           * બેંગ્લોર ઇસરોમાં જાય એટલે બાજુમાં એન.એ એલ માં મારા મોટાભાઈ ના ત્યાં પણ અચૂક જાય.મોટાભાઈ ખુદ વૈજ્ઞાનિક અને ડેપ્યુટી ડાયરેક્ટર પણ એમની સામે પણ છોલવા બેસી જાય.છોલાય કોની સામે?અજ્ઞાની હોય તેની સામે.આપણ ઘેર આવે તો સામેથીજ કહીદે એને શું ખાવું છે.પણ એના ઘેર જો ગયા હોઈએ એના અતિઆગ્રહ થી તો પણ ધણી વહુ  એટલું બધું ઝગડે કે તમે તરત જ ત્યાંથી ભાગી છૂટો.પછી ભૈલાએ ટીવી રીપેરીંગ ચાલુ કર્યું હતું.એક દિવસ મને ડો પટવા જે અમદાવાદ માં જાણીતા ઓર્થોપેડિક હતા તેમના ઘેર ટીવી રીપેર માટે લઇ ગયો.ડોળ બહુ મોટો કરે.સ્ક્રીન સામે મોટો અરીસો મુક્યો ને પાછળ બેસી ચાલુ કર્યું રીપેરીંગ.નાનું સ્ક્રુ ડ્રાઈવર લઇ કલાક સુધી મથ્યો હશે.પછી સ્પેર પાર્ટ લાવવો પડશે એવું બહાનું કાઢી ત્યાંથી ભાગ્યાં.મેં કહ્યું તું યાર માર ખવડાવે તેવો છે.હું અમેરિકા આવ્યા પછી થોડા દિવસ લીકર સ્ટોર માં જોબ કરતો હતો,એવું જાણ્યાં પછી  પોતે રોજ અમરિકા ફરે છે તેવું બતાવવા ફોન કરે ને પહેલું પૂછે ‘કરોના’શું ભાવ રાખ્યો છે?’કુર્સ લાઈટ’ શું ભાવે વેચો છો?હેનીકેન સિક્સ પેક કેટલામાં પડે? આ બધી અહીની બીયર ના નામ છે.હવે એને લાગ્યું છે કે હું અહીંથી એને બહુ કામ લાગુ તેવો નથી એટલે કોન્ટેક્ટ રાખતો નથી.     

17 thoughts on “‘હળવું હાસ્ય(ભલાભાઈ)’”

  1. યુ. પી. અને બીહારમાં ઘણી એવી પ્રોષિતભર્તુકાઓ રહે છે જેમના પતિઓ અમદાવાદ અને કદાચ બીજા શહેરોમાં પણ ફેલાએલા છે. રંધાભાઈ તો કદાચ રેડીયો જ બગાડતા. પણ આ લોકો તો દરેક કામ કરે છે. જેવાકે કલર કામ, વૉર્નીશ-પૉલીસ, ઇલેક્ટ્રીક બોર્ડ અને વાયર ફીટીંગ, પીઓપી જેવા અનેક કામ.
    બે ત્રણ ડઝન લોકોના બે ત્રણ ડઝન કામ બગાડી, બગાડેલા કામના જે કંઈ પૈસા કકળાટ કરવાથી મળે તે સ્વિકારી, અંતે સઘળા કામ શીખી જાય છે. દાદ દેવી પડે. ઑફકોર્સ શીખી ગયા પછી.

    Like

    1. શ્રી દવે સાહેબ,
      આ પ્રોષિતભર્તુંકાઓ જેવા અઘરા શબ્દો ક્યાંથી ખોળી લાવો છો?એનું જરા વિશ્લેષણ કરવા વિનંતી છે.આ રાંધા ભાઈ હમણા આરામ પર છે.એટલે વી આર એસ લઇ ને બેઠા છે.ખુબ આભાર આપનો.

      Like

  2. ISRO (SPACE APPLICATION CENTRE) માં central govenrment unit હોવાને કારણે એચ.આર. પણ મજબૂર હોય છે employ માટેના અનામત ક્વોટાના કાયદાને કારણે અને બીજું એ કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ અને સ્પેર પાર્ટસ સોલ્ડરિંગ અને એસેમ્બલિંગ માટે આવા એસ.એસ.સી. પાસ અને સોલ્ડરિંગ અને એસેમ્બલિંગ આવડતું હોય તેવા સ્ટાફની જરૂર હોય છે. તે માટે માત્ર આવડત અને તેના અનુભવનું સર્ટીફિકેટ હોય તો નોકરી મળી જાય. ઘણીવાર તેઓને જોબવર્ક એટલેકે છ મહિના-બાર મહિના માટે એટલેકે કામ હોય તેટલા સમય માટે પણ રાખતા હોય છે પછી છૂટા કરી દેવાય. આ લોકોને સ્પેર પાર્ટસ રી-એસેમ્બલ માટે બેંગ્લોર, થુમ્બા કે હરિકોટા જવું પડે. પરંતુ આ લોકોને air fair ના મળે. ટ્રેનભાડું મળે. Officerને જ airfair મળે.

    ISROમાં લગભગ ૩૦૦૦થી વધારે સ્ટાફ છે. આવા થોડા લોકો બહાર છોલતા હોય કે ISRO તો એમનાથી જ ચાલતું હોય છે. ‘સકટનો ભાર જેમ શ્વાન તાણે’ એ રીતે.

    ISROમાં officerના હોદ્દાના ગ્રેડ હોય છે. તે ગ્રેડ પરથી ખબર પડી જાય કે કોણ કેટલી ઊંચી પોસ્ટ પર છે. આ જયેશભાઇ તો ત્યાંના કર્મચારી છે પરંતું ઘણીવાર જેમના પતિ ISROમાં હોય તેમની પત્નીઓ પણ આવી ઊંચી ઊંચી છોલતી હોય છે. અમારે ત્યાં મારા પતિની ISROમાં સાથે નોકરી કરતાં એક ભાઇની પત્ની આવી રીતે આજુબાજુની સ્ત્રીઓ સામે એવી વાતો કરે કે તેમના પતિ જ બધું સંચાલન કરતા હશે. અને તેમના વગર બધું જ ઠપ્પ થઇ જશે. શરૂઆતમાં ઘણીવાર તો તે મારી સામે આવી વાત કરે ત્યારે મને ખૂબ આશ્ચર્ય થતું કે આને એટલી પણ ખબર નથી કે મારા પતિ તો ખૂબ જ ઊંચી પોસ્ટ પર છે. તેના પતિ ડિપ્લોમા કરીને નીચી પોસ્ટથી જોઇન થયેલા હતા. અને નોકરી પણ થોડા વર્ષોની હતી. સસરાના પૈસાથી મકાન લઇને અમારા પાડોશી બનેલા. અને આવું તો સ્ટાફ કોલોનીમાં ખૂબ જ થતું હોય છે. પતિઓ કરતાં તેમની પત્નીઓ પોતાના પતિની પોસ્ટનું અભિમાન કરતી હોય.અમને તો જાણતા હોવા છતાં આવા ઘણા અનુભવો થતા હોય છેઅમે પણ તમારી જેમ હળવું હાસ્ય માણી લઇએ.

    Like

    1. બેના,
      આપની વાત સાચી છે.જોકે ઈસરો પર હું કોઈ આક્ષેપ ના કરી શકું એતો મજાક નો એક ભાગ હતું.પણ વાત એવી થાય કે એપલ ઉપગ્રહો તો એ જાતેજ ઓર્બીટ માં જઈ ને મૂકી આવ્યો ના હોય.ખુબ આભાર આપનો.

      Like

      1. સાચી વાત છે ઈસરોનું મેનેજમેન્ટ ખૂબ જ સરાહનીય છે. અમેરિકાના નાસાની સમકક્ષ ઈસરો છે. બીજું એ કે ઈસરોમાં કોઇ જાતની ભલામણ કે ઓળખાણ પણ ના ચાલે. તમારે તમારા પરફોર્મન્સ ઉપર જ બધું મેળવવાનું હોય છે. અને આટલી મોટી સંસ્થા હોય એટલે નીચલા લેવલના સ્ટાફની પણ જરૂર રહે. દા.ત. ઈસરોમાં ગાર્ડનિંગ માટે જ માત્ર ૧૦૦થી વધુ માળી કામ કરે છે. આવા તો ઇલેક્ટ્રીશિયન, કન્શટ્ર્ક્શન, નાનાં મોટાં રીપેરિંગના કામ કરતાં લોકો પણ આમ તો કહેવાય ઈસરોના જ કર્મચારી. આ લોકોનું મેનેજમેન્ટ અને ટૉપ લેવલના સાયન્ટિસ્ટોના મેનેજમેન્ટ અલગ રીતે થતાં હોય. અને મેં તો આ અમદાવાદના ઈસરોના સ્ટાફની વાત કરી. બેંગ્લ્રોર અને શ્રી હરોકોટા અને થુમ્બાનો સ્ટાફ અલગ.તમારા આ જયેશભાઇને મારા પતિ નામથી નહીં પણ ફેસથી ઓળખતા હશે.

        Like

  3. તમારા જયેશભાઈ જોશી ગુજરાતી કવિ લાભશંકર્નો લઘરો, સિતાંશુભાઈનો મગન થી
    માંડીને પોલિશ કવિ હેર્બર્ટનો શ્રિમાન કોગ્નિતો જેવા અનેક ચરિત્રો યાદ કરાવે છે, જે પોતે હાસ્યાસ્પદ છે અને જેનાથી અનેક લોકો હાસ્યાસ્પદ લાગે છે, બને છે.તમારા જયેશભાઈ જોશી તેમાં ઉમેરો છે…

    Like

    1. શ્રી હિમાંશુભાઈ,
      આ જયેશ નામનો ભલીયો જો વાચસે આ બધું તો પ્લેન માં બેસી ને ચોક્કસ મને મારવા આવશે.આભાર આપનો

      Like

  4. શ્રી દવેએ પ્રોષિતભર્તુકાઓ – કાગડા પાસે ઈંડાં સેવડાવતી કોયલો – જેવા પરોપજીવી રંધાઓની વાત વાંચીને શાહબુદ્દીનનો વનેચંદ યાદ આવી ગયો !

    તમારી આ શૈલી, મને લાગે છે કે નેટજગત પર જામશે. હું આશા રાખું કે તમારી કલમ અવિરત વહે.

    Like

    1. શ્રી જુગલભાઈ,
      જોયું પ્રતિભાવો માં નવા શબ્દો પણ જાણવા મળે.પ્રતિભાવોમાં એક આખા લેખ જેટલી સામગ્રી આવતી હોય છે.સીધીસાદી શૈલી જામશે તેવા આપના આશીર્વાદ બદલ આભાર.

      Like

  5. પ્રોષિતભર્તુકા એટલે જે નો ધણી (પતિ) બહારગામ ગયો છે તે સ્ત્રી. અને તેનું બહુવચન પ્રોષિતભર્તુકાઓ એટલે જેના પતિ બહારગામ ગયા હોય તેવી સ્ત્રીઓ. અને આવી સ્ત્રીઓના પતિઓ એટલે કે પોતાના દેશમાં (યુપી, બિહાર વિગેરે) પત્નીને રાખીને અહી વ્યવસાય માટે આવતા પુરુષો. એટલે કે છડે છડા રહેતા ભૈયાજીઓ.

    કદાચ હું ચોથીમાં (એટલે કે આઠમીમાં) હતો ત્યારે એક “જક્ષીણી” નામનો, એક જાણીતા લેખકનો પાઠ આવતો હતો. જેમાં આ શબ્દનો ઉલ્લેખ હતો. અને તેનાથી ઉલ્ટો શબ્દ પરદેશ ગયેલી (ખાસ કરીને પીયરે ગયેલી) સ્ત્રી નો પતિ. એટલે કે પ્રોષિતપત્નિક.

    લેખકે જણાવેલ કે પ્રોષિતભર્તુકાઓ વિષે ઘણુ સાહિત્ય સર્જેલું છે. પણ પ્રોષિતપત્નિક વિષે કશું લખાયું જ નથી.

    પણ મને લાગે છે કે પ્રોષિતભર્તુકાના પતિઓ વિષે ઘણું લખાય છે.

    Like

  6. પ્રોષિતભર્તૃકા શબ્દ મેં ભૂલથી ભર્તુકા એમ લખેલો, તે ભૂલ હતી.

    બીજી ભૂલ અર્થની પણ હતી. શ્રી દવેએ લખ્યું છે તેમ પ્રોષિતભર્તૃકા એટલે વિદેશ ગયો છે જેનો પતિ તેવી સ્ત્રી. મેં ભૂલથી એને પરોપજીવી કહી હતી. જોકે કાગડીને છેતરીને પોતાનાં ઈંડાં સેવડાવતી કોયલ/કાગડી માટે પણ ક્યાંક તે પ્રયોજાયાનું યાદ છે…કદાચ મારી સમજફેર પણ હોય…

    પતિ વિદેશ ગયો તેથી બીજાથી પળાવાતી/રક્ષાતી એવો ભળતો અર્થ બેસી ગયો લાગે છે…આટલી વિગત ક્ષમાપ્રાર્થના સાથે.

    પ્રોષિતભર્તૃકા અને પ્રોષિતપતિકા શબ્દ પણ છે એટલું જ નહીં પત્ની જેની વિદેશ ગઈ હોય તેને માટેય કોશમાં શબ્દ છે – પ્રોષિતપત્નીક !!

    જક્ષણી નવલિકામાં આ શબ્દ આવ્યો છે. વાર્તા સહુએ વાંચવા જેવી છે. શ્રી રા.વિ. પાઠકની (અને ગુજરાતીની પણ) ઉત્તમ વાર્તાઓમાંની એ એક છે.

    Like

    1. આપે લખેલી જોડણી સાચી છે. મેં જ ખોટી જોડણી કરેલી. પ્રોષિતભર્તૃકા જ ખરો શબ્દ છે.
      કારણ કે સંસ્કૃતમાં ભર્તૃ શબ્દ છે.
      કોયલ અને કાગડાની વાત પણ રમૂજમાં ભૈયાજીઓને કહેવામાં આવે છે.
      અભિવ્યક્તિ માટે આભાર

      Like

      1. વાહ ! અહીં હું બાપુને તેમના સુંદર લેખ વિશે કશું કહેવા નહીં પરંતુ માન. જુગલકિશોરભાઇ અને શિરિષભાઇને આભાર પ્રક્ટ કરવા માંગુ છું !! ’પ્રોષિતભર્તૃકા’ અને જક્ષણીને તો ભણતા ત્યારથી ઓળખું છું ! પરંતુ આ સંદર્ભે અન્ય નવા શબ્દો આજે પ્રથમ વખત જાણવા અને આટલી રસાળ શૈલીમાં માણવા મળ્યા. આને કહેવાય જ્ઞાનની વાતુ !! આપ વડિલોનો ખુબ આભાર.

        Like

Leave a comment