નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?

         નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?
* અમારા  સાંધાશુલનિવારણ કેન્દ્રમાં એક શોભા નામના તામિલ બહેન કામ કરે છે. એમને આપણી ગુજરાતી વસ્તીએ ગુજરાતી બોલતા કરી દીધા છે. આ મદ્રાસી બહેનનાં  મનમાં એવું ભરાઈ ગયું છે કે ગુજરાતીમાં દરેક વાક્ય ના અંતે ‘છે’ આવવું જોઈએ. મારે એપોઇન્ટમેંટ પ્રમાણે જતા થોડું પણ મોડું થાય તો એમનો ફોન આવે ‘ભુપેન્દ્રજી તમે હમણા આવવાના નથી છે?’ હું પણ એવાજ ટોનમાં જવાબ આપું ‘અમે હમણા કાર ચલાવી  રહ્યા છે, થોડી વારમાં ત્યાં પહોચી જવાના છે.’ ત્યાં ગયા પછી હું અને થેરાપીસ્ટ પૂર્વી બહેન એમની મજાક ઉડાવીએ કે દરેક વાક્યના અંતે ‘છે’ વાપરવાની જરૂર નથી છે. મને કહે હવે અમે તમને શુદ્ધ અંગ્રેજીમાં ફોન પર વાત કરીશું. મેં કહ્યું તો અમે પણ શુદ્ધ ગુજરાતીમાં ફોન કટ કરી નાખીશું.
                 *આ પૂર્વીબેનની વાત કરું તો મેં ગ્રેટ માઈગ્રેશન વાળો લેખ લખ્યા પછી મેં એમને  કહ્યું કે આખી દુનિયાની માનવજાતના પૂર્વજો આફ્રિકન છે. મેં પૂછ્યું કે જીન્સમાં માર્કર થાય છે તે ખબર છે? તો મારા પહેરેલા જીન્સ સામે જોવા લાગ્યા. મને જોકે ખ્યાલ ના આવ્યો, મેં પછી શબ્દ વાપર્યો મ્યુટેશન. તો કહે સાચું કહું તમે જીન્સ બોલ્યા ત્યારે હું તમારા પહેરેલા જીન્સના પેન્ટ સામું જોતી હતી, મને એમ કે તમારા જીન્સ પર કોઈ દાગ પડ્યો હસે. પણ તમે મ્યુટેશન બોલ્યા ત્યારે ખબર પડીકે ગોટાળો થઇ ગયો. અમે બંને એ દિવસે ખુબ હસ્યા.
                     * બરોડામાં ભણતો ત્યારે જુબિલી બાગની પાછળ આવેલી ખત્રીપોળની ખત્રી બિલ્ડીંગમાં રહેતો હતો. ખત્રીકાકા એ બિલ્ડીંગ તો ચાર માળની બહુ ઉંચી બનાવેલી, પણ ફક્ત ભાડા ખાવા માટે. એટલે દરેક માળે ૧૦ બાય ૧૦ ની રૂમો જ બનાવેલી. એક રૂમ એટલે એક ઘર સમજી લેવાનું. ઉપર થોડા કેરાલીયન ભાઈઓ રહેતા હતા. એક વાર એક કેરાલી ભાઈ એ મને પૂછ્યું , કાના કાયા? મને સમજ ના પડી કે શું પૂછે છે. એને બેત્રણ વાર પૂછ્યું કાના કાયા? મેં પણ સામે શું? શું? પૂછે રાખ્યું તો કંટાળીને જતો રહ્યો. બાજુની રૂમમાં એમના મોટાભાઈ સાથે રહેતા અરવિંદભાઈ મારા મિત્ર  બની ગયેલા, તે હસ્યા કરે. મને કહે પેલો ખાના ખાયા?એમ પૂછતો હતો. પછી તો જયારે પેલો ભાઈ મને પૂછે કે કાના કાયા? તો તત્ક્ષણ ના ખાધું હોય તોયે હું જવાબ આપી દેતો કે કાયા!!કાયા!!. ગરબડ એક દિવસ એવી થઇ  કે મને પૂછી ને એ તો  જતો રહ્યો. પછી હું અને અરવિંદ ભાઈ લોજમાં ખાવા ગયા. ત્યાં પેલો પણ ખાવા બેઠેલો. મને કહે અબી તો તુમ બોલતા તા કે કાના કાયા ફિર સે કાને આ ગયા ક્યા? હું તો ભોંઠો પડ્યો. પણ અરવિંદ ભાઈ કહે મેરેકુ કંપની દેને આયા હે.
                      *ચાર માળની ખત્રી બિલ્ડીંગની અગાશીમાં જવા માટેની કોઈ સિમેન્ટની બનાવેલી સીડી હતી નહિ. લાકડાની સીડી કાકાએ કાઢી નાખેલી, જેથી અગાશીમાં જવાની તકલીફ થતી. લોબીની  પાળી ઉપર પગ ટેકવી છલાંગ  મારી કુદીને ઉપર જવું પડતું. એટલે પરણેલા ને બાલબચ્ચાવાળા તો આવું સાહસ કરતા નહિ. પડે તો છેક નીચે ભુક્કા બોલી જાય. ખાલી અમારા જેવા વાંઢા વિલાસ જ કુદી ને ઉપર જતા. વિનોદ, મનસુખ અને અરવિંદભાઈ બધા એમના ભાઈ ભાભી સાથે રહેતા. અને એકજ રૂમના ઘર હતા. માટે બારેમાસ આ લોકો અગાશીમાં સુઈ જતા. કડકડતા શિયાળામાં પણ અગાશીમાં જ સુવાની મજા માણતા. ખાલી વરસાદ પડે ત્યારે રૂમો આગળની લોબીમાં સુતા.  ખાલી હું અને મારો મિત્ર મહેશ સ્વતંત્ર રૂમમાં રહેતા. જોકે અમે પણ મોટા ભાગે અગાશીમાં જ સુતા. સાંજ પડે અમે બધા અગાશીમાં  ભેગા થતા ને ટોળટપ્પા ચાલતા. મજાક મસ્તીને ધમાલ કરતા. આ બધા ખુબ સ્ટ્રગલ કરતા. ભાઈ ભાભી જોડે રહેવામાં મનદુઃખ પણ થતા. બધા એમના દુખડા ગાતા. ત્યારે હું આ લોકોને “ભાભીઓથી દાઝેલા દિયરો” નું મંડળ છે એવું કહેતો.
                      *શિયાળાની ઠંડીમાં મારે સ્વતંત્ર રૂમ હોવા છતાં આ લોકો મને રૂમમાં સુવા ના દેતા. એક દિવસ ટેવ મુજબ સવારે ઉઠીને અગાશીમાં આંટા મારતો હતો. તેવામાં કૌતુક દીઠું, વિનોદની પથારીમાં..આ વિનોદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના વણાં ગામનો. એના મોટા  ભાઈ મહેન્દ્રભાઈ  સુથારી કામ કરતા. વિનોદ જી.એસ.એફ.સીમાં એપ્રેન્ટીશીપ કરતો. એને મોઢે માથે સંપૂર્ણ ઓઢીને સુવાની આદત. મને ગમેતેટલી ઠંડી હોય મોઢું ખુલ્લું જોઈએ. માથે ઓઢીને મારાથી એક મિનીટ પણ સુવાય નહિ. વિનોદ પાતળી ગોદડી માથે ઓઢીને સુતો હતો. મેં જોયું તો એની પાતળી ગોદડીમાં લાલ રંગના ઝબકારા થતા હતા. પહેલા થોડો પીળો ઝબકારો થયેલો. પછી થોડી થોડી વારે નિયમિત લાલ ઝબકારા થયા કરે. મને થયું શું થતું  હશે માળું?  વિનોદ તો ઊંઘે છે ને એની પથારીમાં આ ઝબક  ઝબક શું થાય છે? હું તો ઉઠ્યો ને એકદમ ઓઢેલી ગોદડી ખેચી તો ભાઈલો વિનોદ અંદર બીડી પીતો હતો. ત્યારે મને સમજ પડી કે પહેલા પીળો ઝાબકરો બીડી સળગાવવાને લીધે થયેલો. મેં  કહ્યું અલ્યા માથે ઓઢીને બીડી પીવાની? તો કહે ટાઢ વાય તો શું કરું? હું તો કાયમ આ રીતેજ પીવું છું, આતો તમે આજે જોઈ ગયા. એના ફેફસા ઓછા ઓક્સીજન અને વધારે કાર્બન ડાયોક્સાઈડ થી ટેવાઈ ગયેલા લાગ્યા. મેં ય જોકે ટેસડા તો બધા કરેલા પણ વ્યસન કશાનું પડવા દીધેલું નહિ. કારણ કોઈની ગુલામી વેઠાય નહિ. એમાં વ્યસન પણ આવી જાય.
                        *અગાશીમાં અમે સાંજે થોડા યોગના આસનો કરતા. એમાં હું ને મહેશ તો નિપુણ હતા. એટલે આમારા વાદે બીજા પણ ટ્રાય કરતા. એક દિવસ અમે કુક્કુટાસન કે પછી બદ્ધ પદ્માસન  કરતા હતા. એમાં પદ્માસન કરી પગ વચ્ચે હાથ નાખી હાથના પંજા ઉપર ઊંચા થવાનું હોય છે. વિનોદે જેમતેમ કરી પદ્માસન વાળી લીધું. પછી મહાપ્રયત્ને અદર હાથ નાખીને ઉંચો થયો. પછી હાથ બહાર કાઢવા જાય તો નીકળે નહિ. મને અને મનસુખને કહે અલ્યા છોડાવો. અમને ટીખળ  સુજી. એના થી તો હાથ બહાર નીકળતા હતા નહિ, અમે બંને જણા બે બાજુથી વિનોદના  ખભા પકડીને ઉચકી ઉચકી ને નીચે પછાડવા માંડ્યો. એ તો રાડો પાડવા માંડ્યો, ને સરસ્વતી ઉપર સરસ્વતી સંભળાવવા લાગ્યો. બીજા બધા ઉભા ઉભા જોર જોર થી હશે. અરવિંદભાઈના હાસ્યની  માત્રા અને તીવ્રતા  જરા ઉંચી. મેં કહ્યું જેટલી સરસ્વતી વધારે બોલીશ એટલો વધારે પછાડીશું. પછી કહે નહિ બોલું બાપા છોડો. પછી અમને પણ દયા આવી કે વધારે પછાડીશું તો હમણા રડવા લાગશે. એટલે છોડી દીધો. પછી બધા ખુબ હસ્યા. એ પણ ભેળો હસવા માંડ્યો. અમારા  મિત્રો વચ્ચે એક વાત હતી નાની મજાક મસ્તીનું કોઈ ખોટું ના લગાડતું, કે મનદુઃખ ના થતું. આજે તો વિનોદભાઈનો દીકરો અમેરિકામાં ભણે છે. હજુ પણ એમના શિક્ષિકા શ્રીમતી મારી આગળ ફરિયાદ કરે કે તમારા ભાઈ સિગારેટ છોડી નથી શકતા.
                      *અરવિંદભાઈ અમારા  બધામાં મોટા. એક મોટાભાઈની જેમ બધાનું ધ્યાન રાખે. સારાભાઇ ગ્લાસમાં એમની નોકરી હતી. પછી તો એ પણ બંધ થઇ ગયું. સૌથી પહેલા એમના લગ્ન થયેલા. ત્યારે અમે બધાએ ભેગા થઈને ગીફ્ટની સાથે મજાક કરવા બર્થ કંટ્રોલના સાધન ભેગા મૂકી દીધેલા. ફરી મળ્યા ત્યારે કહે સાલા નાલાયકો આવા ધંધા કરવાના? મને કહે આ આઈડિયા પણ તારો જ હોવો જોઈએ, બીજાને આવા વિચારો ના આવે. પછી ખુબ હસે. એમને કદી ખોટું લાગેજ નહિ.
                   *આ બધા મિત્રો કોઈ ખાસ પૈસાવાળા ના હતા. પણ એમના દિલ ખુબ મોટા હતા. હું એકલો રહેતો ક્યારેક પિતાશ્રીએ મોકલેલું મની ઓર્ડર આવતા મોડું થાય. પણ અરવિંદભાઈ કદી ખોટ ના પડવા દે. અરવિંદભાઈ બરોડામાં બાજવાડામાં નાનામોટા થયેલા. લક્ષ્મીનાથ વ્યાયામ શાળામાં કસરત કર્યાનો એમને ખુબ ગર્વ. નલીન ભટ્ટ પણ એમની સાથે રમેલો. પછી તો નલીન ભટ્ટ રાજકારણમાં બહુ મોટું માથું બની ગયા. જોકે મોટા બની ગયા પછી આ લોકો જૂની ઓળખાણો રાખતા નથી. દેખાતા નાના લોકોના દિલ બહુ વિશાળ હોય છે, ને મોટા લોકોના દિલ બહુ છોટા હોય છે. મારો પોતાનો પણ એવો અનુભવ છે. આ અરવિંદભાઈ ખુબ સરસ ગાય. રફીસાહેબ, તલત મહેમુદ, મુકેશજી, કિશોરદા, મન્નાડે સાહેબ  બધાના ગીતો સરસ ગાય. વગર સંગીતે એટલો સુદ્ધ આરોહ અવરોહ આલાપે કે નાં પૂછો વાત. કોઈ પણ ટ્રેનીગ વગર શાસ્ત્રીય ગીતો પણ ગાય. પણ કહીએ કે આ ગીત ગાવ તો નાં ગાય. પછી અમે એમની આદત જાણી ગયાં. અમે જાતે જ ભેંસાસુર અવાજમાં  ગાવા માંડીએ એટલે પછી તેઓ શરુ થઇ જાય. એમને મોડે મોડે બત્તી થાય એટલે હસે. નાલાયકો મારી જોડે ગવડાવવા માટે નાટકો કરો છો?  મને ઘણીવાર એવું થાય કે આટલા સરસ ગાયક છે, ટ્રેનીગ અને બેકપ મળે તો ક્યાંથી ક્યાં પહોચી જાય!
Advertisements

31 thoughts on “નાની નાની વાતોમાં હસવું!!!કાના કાયા?

 1. આપના જૂના મિત્રો સાથેના સંસ્મરણો વાંચવાની મજા આવી ! વાંચતા વાંચતા મેં પણ અમારા કોલેજના અને હોસ્ટેલના દિવસો વાગોળી લીધા ! કેવા નિર્દોષ અને મજાના હોય છે એ દિવસો !

  Like

 2. સુંદર હાસ્ય લેખ. કિશોરવસ્થામાં મિત્રો સાથે માણેલા દિવસોના યાદગાર પ્રસંગોનું ખૂબ જ સરસ વર્ણન. અમને પણ એ દિવસોની યાદ દેવડાવી.

  સૌભાગ્યથી અમારે દક્ષિણભારત, યુ.પી,બંગાળી એમ દરેક પ્રાંતના લોકો સાથે થોડો વધારે નાતો રહે છે. અને તે લોકોના ગુજરાતી બોલવાના પ્રયાસોમાં જે રમૂજ ઊભી થાય છે તે માણવાનો લ્હાવો પણ મળે છે. મારો દીકરો દક્ષિણભારતની મિશનની સ્કૂલમાં ભણ્યો છે. તેની દસમાં ધોરણની પરીક્ષા વખતે તેની રિસિપ્ટ માટે સ્કૂલમાંથી ફોન આવ્યો અને કલાર્ક લેડીએ મને પૂછ્યું ‘બોજક હૈ’ તો મેં તો રોંગ નંબર કહી ફોન મૂકી દીધો. તેઓ અમારી સરનેમ ભોજક ને બદલે બોજક બોલે. અને મારા દીકરાનું નામ Jay ને બદલે પણ Jai લખે અને બોલે પણ તેવા ઉચ્ચારથી જ. એવું જ એકવાર મારા પતિના મિત્ર જે પોંડિચેરીમાં રહેતા. તેમની પાસેથી મારા પતિ એક પ્રોજેક્ટ ડિટેઇલ ઈ-મેઈલ દ્વારા મોકલવાનું કહે તે કહે હા મેં મોકલી દીધી છે. પણ ઘણા દિવસો સુધી ડિટેઇલ આવી નહી વારંવાર મારા પતિ તેને ફોન કરીને ઈ-મેઈલ કરવાનું કહે. તેમને એમ કે તે ભૂલી જતો હશે. પેલા ભાઇ કહે મેં ડિટેઇલ મોકલી છે. આવું થોડા દિવસથી ચાલતું હતું ત્યારે મને અચાનક યાદ આવ્યું એટલે મેં પૂછ્યું કે એને પૂછો કે તે ઈ-મેઇલ એડ્રેસ શું લખે છે? ત્યારે એણે બોજકનો જ સ્પેલિંગ કહ્યો. ત્યારે અમે ખૂબ હસ્યા હતા.

  Like

  1. મીતાબેના,
   મારા મોટા ભાઈ શ્રી ડો જીતેન્દ્ર રાઓલ એન.એ.એલ બેંગલોર માં ડેપ્યુટી ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક હતા.એટલે હું પણ ઘણી વાર સાઉથ માં ગયેલો છું.ત્યાના બોલવાના ટોન ની મજા મેં પણ ખુબ માણી છે.હજુ મારા ભત્રીજા એ ટાઈપ નું જ ગુજરાતી બોલે છે.ખુબ આભાર.

   Like

 3. લાગે છે કે ભણતા ભણતા બહુ ટેસડા કર્યા…” છે ” બાકી શ્રી યશવંત ઠક્કર ની કદર ના કરીને હાલનું ગુજરાતી સાહિત્ય જગત બહુ મોટી ખોટ માં છે.
  સાચી વાત છે ખરેખર તેમની કદર થવી જોઈતી હતી પરંતું હવે બ્લોગ જગત તો તેમની કદર કરે જ છે.

  Like

 4. તમારામાં પડેલો આ હાસ્યકાર ગોદડી સોંસરો દેખાઈ ગયો ! મને તો થાય છે કે આવુંય ચાલુ કરજો…આ નેટજગતને સારા હાસ્યની જરૂર છે. યશવંતભાઈ સમયસર બ્લોગજગત પર આવ્યા છે. હવે બાકી હતું તે તમેય…!

  થાય છે, દરેકના જીવનમાં આવા બનાવો હોય જ છે. એને પ્રગટ કરવાનું સહેલું નથી. હાસ્યના નામે પછી ગમે તેવું પીરસાયા કરતું હોય છે. ચવાઈ ગયેલી શેરડી ને ઘસાઈ ગયેલા હાસ્યને સાચવી બેસનારાંઓ છાપાંઓને તો શું કહી શકાય ?

  Like

  1. શ્રી જુગલભાઈ,
   આપણ ને શ્રી યશવંતભાઈ જેવું લખતા તો ના આવડે.તેઓશ્રી વિવિધ જાતના પ્રયોગો કરી વિવિધતા લાવી શકે છે.હું તો મારા જીવનની કિતાબ ના પાના ખુલ્લા કરી રહ્યો છું,સાદી ભાષા માં.આપનો ખુબ આભાર.

   Like

 5. બહુ જ મજાનો લેખ. એકદમ મુદ્દાસર રજૂઆત. અમને પણ જૂના દિવસો યાદ આવી ગયા.
  માત્ર છેલ્લી લાઈન ન ગમી. ના.ના. અમે એને લાયક નથી. એ લાઈન કાઢી નાખશો તો અમને ગમશે. કોઈને દોષ દેવાનું સારું નથી લાગતું.
  બાકી, બ્લોગજગત ખરેખર મજાનું માધ્યમ છે. 1996 પછીથી તો લખવાનું બિલકુલ બંધ હતું જે છેક 2008માં બ્લોગજગતમાં આવ્યા પછી ફરી શરું કર્યું. ને જૂઓ કે કેવા કેવા ગતકડાં સૂઝે છે!!!

  Like

   1. રાઉલજી, સામાન્ય સર્જક માટે સામયિકો કે છાપાંમાં રચના છપાવવી એટલે બીરબલની ખીચડી પકવવા જેવું કામ હતું. પહેલાં રફ લખાણ તૈયાર કરીને પછી મઠારવાનું. સામયિકોની માંગણી મુજબના જ ફુલસ્કેપ કાગળોમાં જ સારા અક્ષરોમાં સાચી જોડણીમાં લખવાનું, પરબીડિયામાં સારી રીતે નાખીને યોગ્ય સરનામે મોકલવાનું, ધીરજ રાખવાની, તપાસ માટે પૂછપરસ કરવાની નહીં, યોગ્ય જણાય તો અનુકૂલતાએ પ્રગટ થાય, પછી કદાચ એની નકલ મળે અને પુરસ્કાર?
    રચના રવાના કરવા પાછળનો ખર્ચો પણ નીકળી જાય એટલો પુરસ્કાર મળે તો હિસાબ સરભર!
    છતાંય એમાં પણ આનંદ આવતો હતો. એક શિસ્ત હતી. પણ બ્લોગજગતમાં આવી પ્રક્રિયા હોતી નથી. વાચકોનો પ્રતિભાવ ઝડપથી મળે છે એટલે લખનાર જોરમાં રહે છે!!!
    બ્લોગજગત એટલે 20 20 ની રમત. દરેક બ્લોગર ચોગ્ગા અને છક્કા ફટકારતો હોય એમ પોસ્ટ મૂકે! મજા આવે અને કદાચ એટલી જ ઝડપથી બધું ભુલાઈ પણ જાય! નવા નાવા ખેલાદીઓ પણ આવતા રહે! તમારે સતત આક્રમક રમત દાખવવી પડે!
    અરે યાર! આ તો કૉમેન્ટ છે!!! અમને એમ કે અમે પોસ્ટ મૂકી રહ્યા છીએ! રાઉઅલજી તમે અને વાચકો તમે પણ ક્ષમા કરજો.

    Like

     1. શ્રી યશવંત ભાઈ,
      આપની વાતો સાચી છે.બીજું ઉતાવળ માં મારી પણ ભૂલો થાય છે.ઈન્ડીક માં લખું છું તો ઘણી વાર બે વાર સુધાર્યા પછી પણ લેખ મૂકી દીધા પછી ભૂલો દેખાય છે.બીજું આમ તો મારી અટક રાઓલ છે.અને ગુજરાત માં અમારા રાજપૂતોમાં બીજી અટક રાઉલજી પણ છે જ.એટલે કોઈ મને રાઉલજી લખે કે કોઈ રાઓલજી મને ખાસ ફેર પડતો નથી.આપના જેવાનો પ્રેમભાવ હોય તે મહત્વ નું છે.

      Like

 6. શ્રી ભુપેન્દ્રસિંહજી, સરળ, એકદમ સરળ, લેખ. ઉનાળાની રાત્રે જાણે અગાસી પર, સામસામે બેસીને આપને સાંભળતા હોઇએ તેવું લાગ્યું ! મજા તો એ આવી કે અમને પણ આપની જેમ જ કેટલાયે જુના સંસ્મરણો યાદ આવ્યા. આ છે તો હાસ્યલેખ છતાં એ જુના મિત્રો અને સ્વજનોની યાદને કારણે આંખનાં ખુણાં ભીંજવી ગયો. બોત અચ્ચા લેક !.

  Like

  1. શ્રી અચોક્ભાઈ,
   બોત અચ્ચા લેક!!મજા આવી.અહી મારા પહેલી જોબ ના સ્ટોર માલિક અશોક પટેલ હતા.અહીની સ્પેનીશ છોકરીઓ અચોક કહેતી.મારું નામ તો બોલતા જ નાં ફાવે.ભાઈ આ મારા મિત્રો ખુબ પ્રેમાળ હતા.એટલે એ લોકોની ખુબ યાદ આવે છે.ફોન પર વાતો કરી લઉં છું.

   Like

 7. આને કહેવાય બ્લૉગિંગ…
  મજા આવી ગઈ ભૂપેન્દ્ર સિંહજી. અમારા સાઉથ માં કોઈ પણ મળે ત્યારે નમસ્તે ની જગ્યા “કાના કાયા” કાં પછી “ટિફિન કિયા” (નાશ્તો કર્યો?) પૂછવાનો અજીબ રિવાજ છે.
  મારા સુરત પ્રવાસ ના દરમ્યાન મારી સાથે ઘણી વાર અજીબો ગરીબ કિસ્સા થયેલા છે. શુરુઆત માં તો લોકો ના મોઢે સુરતી સાંભલી ને બહુ જ અજુગતૂ લાગતુ પણ પછી તો ધીમે ધીમે અમે પણ એ જ સુરતી રંગ માં રંગી ગયા.
  મારા બ્લૉગ પર આવી ને ઉત્સાહ વર્ધન કરવા માટે આભાર

  Like

  1. સાગર સાહેબ,
   આપ તો ઇન્ટર સ્ટેટ પર્સનાલીટી લાગો છો.જન્મ રાજસ્થાન અને આપ લખોછો અમારા સાઉથ અને પન્નાલાલ પટેલ ને પણ વાચો છો અને શુદ્ધ ગુજરાતીમાં પ્રતિભાવ!!વાહ! ભાઈ વાહ!માન ગયે ઉસ્તાદ!આપનો ખુબ આભાર.મેં હિન્દી બ્લોગ જગત માં પગપેસારો કરવાનું શરુ કરું છે.જોકે મારું હિન્દી એટલું સારું નથી.પણ આપ જેવાનો સહકાર હશે તો વાંધો નહિ આવે.

   Like

 8. સરસ હાસ્યસભર સંકલન. સાવ નવું નક્કોર અને છાપાઓની ચીલાચાલુ દ્વિઅર્થી હાસ્યકોલમોથી કંટાળેલાઓને તાજગી આપતું લખાણ. તમે જેટલું તેજાબી લખી શકો છો એટલું જ મૃદુ હાસ્ય પણ વેરી શકો છો- એક પારદર્શી વ્યક્તિત્વની ઝાંખી મળે છે.

  Like

  1. શ્રી પંચમભાઈ,
   આપનો ખુબ ખુબ આભાર.આ મારી હાસ્ય રચનાઓ એ છૂટી છવાઈ બાયોગ્રાફી જ છે.અને તેજાબી રચનાઓ એ વારસા માં મળેલો ક્રોધ જ છે જે જરાપણ અન્યાય કે શોષણ જેવું દેખાય એટલે શબ્દો રૂપે વહેવા લાગે છે.હવે લડવા તો જવાય નહિ એટલે લખી નાખવાનું.

   Like

 9. આમ તો બેકપ તો શું પણ એક કપ માં પણ લોકો ગાતા થઇ જાય … 😛

  ખુબ સરસ હળવો લેખ …. .. બ્લોગજગતમાં આવા લેખ નહોતા આજ સુધી …. મજા આવી … ઉપર જુ.કાકાએ અને યશવંતકાકા એ સાચી જ વાત કહી છે …

  લખતા રહો આ જ રીતે ..

  Like

 10. ==

  ૩૧મી મે : વર્લ્ડ નો ટોબાકો ડે.

  હું તો ઉઠ્યો ને એકદમ ઓઢેલી ગોદડી ખેચી……….. ભાઈ બીડી પીવાની મજા ઉડાડી નાખી. કાંઈ વાંધો નહીં. આ લખવાનો મોકો મળ્યો એ ઓછો છે?

  પાકીસ્તાનામાં ૨૦૦૩થી જાહેર સ્થળોમાં તમ્બાકુનો વપરાશ કરવાની મનાઈ છે. ભારતમાં બીજી ઓક્ટોબર, ૨૦૦૮થી જાહેર સ્થળોએ તમ્બાકુ વપરાશની મનાઈ છે.

  મુંબઈમાં લોકલ ટ્રનમાં મુસાફરી કરવી એ એક લહાવો છે. બીજા વર્ગની મુસાફરી કરતી વખતે ત્રણ સીટ વાળી જગ્યામાં ચોથી સીટ મળે અને એક કલાક સુધી હા એક કલાક કે એનાથી વધારે સમય સુધી એમાં કાંઈ ફેરફાર ન થાય. માંડ ૩-૪ ઈંચની જગ્યા હોય અને એ વખતના વીચારો ઉપર નીબંધ લખીએ તો નોબેલ ઈનામ મળે. મારા એવા અહોભાગ સમજો કે હું હવા આવતી હોય એવી વીંડો સીટ ઉપર બેસું છું. સામે વાળો જાહેરમાં તમ્બાકુ ખાવાની શરુઆત કરે અને મારું ભાષણ શરું થાય. લોકલ ટ્રેનની બારી ઉપર અને બારી બહાર તમ્બાકુના દાગ જોઈ રેલ્વે સાથે મેં ઘણોં લાબો પત્ર વ્યવહાર કરેલ છે.

  મુંબઈની લોકલ ટ્રેનની ટ્રેક ઉપર જે મજુરો કામ કરે છે એમને ઓછામાં ઓછું વેતન મળે છે. આ તમ્બાકુની પીચકારીઓ અને સુકાઈ ગયેલા તમ્બાકુ સાથે ટ્રેક ઉપર કામને કારણે રાજ રોગ ક્ષય કે ટીબી એમને છોડતો નથી.

  દર વર્ષે ૩૧મી મે નજીક આવતી જાય છે. આ દુનીયાને તમ્બાકુ વગરની કરવી છે.

  Like

  1. શ્રી વોરા સાહેબ,
   આપની ભાવના ખુબ ઉંચી છે,પણ અશક્ય લાગે છે તંબાકુ વગર ની દુનિયા?અહી અમેરિકા માં તંબાકુ લોબી ની પહેલા ખુબ દાદાગીરી ચાલતી હતી.પણ કોઈએ કેસ કર્યો.ખુબ ધમપછાડા કર્યા,રાજરમતો રમી પણ જજ લોકોએ $૪૦૦ મીલીઓન જેવો દંડ ઠોકી દીધો ને પાણી ઉતારી નાખ્યું.ન્યુયોર્ક ને ન્યુજર્સી માં તો $૮ માં એટલે ૪૦૦ રૂપિયા નું સિગારેટ નું એક પેકેટ પડે.જયારે બીજા રાજ્યોમાં એજ બ્રાંડ નું પેકેટ $ ૨ કે ૩ માં મળે.દરેક રાજ્યો ના ટેક્સ અલગ.આપણા ગુજરાતીઓ એમાય ચોરી કરે,બીજા રાજ્યોમાં માંથી સસ્તી સિગારેટ લાવી ન્યુ જર્સીમાં વેચીને બમણા કમાય.પણ બીજા રાજ્ય માંથી લાવીને વેચાય નહિ તેવા કાયદા માં પકડાય તો મોટો દંડ થાય.૧૮ થી નીચેના ને સિગરેટ ના વેચાય.૨૧ થી નીચેના ને દારૂ ના વેચાય.પકડાયા તો કરોડપતિ ગુજરાતી દુકાન માલિકોને હાથકડી કરીને લઇ જતા મેં જાતે જોયા છે.

   Like

 11. “પઢ લીયા,બાબા બોત અચ્ચા લીકા હય ”

  ભારતીઓની વસ્તીમા દક્ષિણ ભારતીઓ વધારે છે. અમને પણ એવા જ અનુભવ થત હોય છે. સરસ હળવો હાસ્ય લેખ રહ્યો.

  એમનું બોલેલ લખવા કરતાં પણ, ફરી બોલી બતાવવામાં વધારે મજા છે, તમને ખબર જ છે.

  Like

 12. Very interesting subject Bhupendrasinhbhai…
  આ ભાષા નાં ચિત્ર-વિચિત્ર ઉચ્ચારો અને તેના થી થતા મસ-મોટા ગોટાળા રમુજ અને ઘણીવાર કોર્ટ-કેસ પણ બનાવી દે છે…
  અમારી બેચ માં ૪ માંલીયાલીઓ હતા અને તેઓ ‘Simpl ને ઝીમ્પ્લ ઉચ્ચાર કરે અને Zoom ને સૂમ ઉચ્ચારે…
  એક વાર Video -film -Making project માં… એક મલયાલી live -editing ઉપર થી Direction આપતો હતો અને Camera ઉપર પંજાબી હતો… પેલો મલયાલી એ ઘાંટો પાડ્યો ‘ સૂમ ઇન … સુમ ઇન’ (Zoom -In… Zoom -In ) પણ Camera વાળા student ને નાં સમજાયું… એટલે shot -fail ગયો… બધા હસ્યા પણ હજુ તે મલયાલી સુમ-ઇન જ બોલે છે…
  મારા તે પંજાબી મિત્ર સાથે તેની હોસ્ટેલ ની રૂમ ઉપર ગયો જેનો Partner તે બંગાળી છોકરો હતો… જેવા રૂમ ઉપર પહોંચ્યા તો પેલો પંજાબી student પેલા બંગાળી ને કહે”તે મારી Assignments (Huge -File of drawings ) કેમ જમીન ઉપર નાખી?” તે પેલો બંગાળી કહે”એ યંહા ગીરા-પરા-થા”… પંજાબી,”ગીરા પરા થા?… મૈને રક્ખા થા ઉધર”… અને મોટો ઝગડો થઇ ગયો… વાત એકજ પણ … શબ્દો ની ગોલ-માલ…
  આપની ગુજરાતી ભાષા માં તકરાર એટલે ‘ઝગડો’ પણ મરાઠી ભાષા માં તકરાર એટલે ‘ફરિયાદ’…
  આપણી ગુજરાતી ભાષા માં ‘ફૂદ્દી’ એટલે નાનો પતંગ… અને પંજાબી માં ‘ફૂદ્દી’ એટલે ગંદી ગાળ થાય… સંભાળજો ભાઈ…
  ભાષા નાં ગોટાળા માં કેસ નો દાખલો – Australia વિરુદ્ધ Cricket- match માં આપણા હરભજન Andrew Symond ને બોલ્યા, “તેરી માં કો @##**$”…. અને તે સમજ્યો,”You Monkey “… અને Case ICC માં ગયો… ૧ વર્ષે છુટકારો થયો…

  Like

 13. નાની નાની વાતોમાંથી હાસ્ય શોધી શકનાર વ્યક્તિ જ કદાચ જિંદગી વધુ સારી રીતે માણી શકે છે.. સરસ લેખ.. તમારી લખવાની શૈલી ખૂબ સરસ અને સરળ છે.. આભાર..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s