

મોહ,મમતા,માયા વિરુદ્ધ ભાષણો આપતા ગુરુજી પોતે મોહ ના ચક્કર માં ફસાઈ જતા હોય છે.મેં પોતે આવા દાખલા જોયા છે.
*મોહ,મમતા જરૂરી છે.મમતા ના હોય તો તમે તમારા બાળકોને મોટા કઈ રીતે કરો?બાળકો પ્રત્યે મમતા કુદરતે મૂકી છે.જેથી તમે એમનું રક્ષણ કરો,પાળો,પોષો અને મોટા કરો.તો જ તમારા સંતાનોમાં તમે ટ્રાન્સફર કરેલા જીન્સ વ્યર્થ ના જાય.પ્ર્રાણીઓ પણ આ મોહ મમતા થી પર નથી.દરેક પ્રાણી જગત અને જંતુ જગત એના સંતાનોને બચાવવા જીવ સટોસટ ની લડાઈ લડતું હોય જ છે.એક ચિત્તા ફેમિલીનું જીવન હું ટીવી પર જોતો હતો.(ભારતમાં ચિત્તા નથી,જે છે તે દીપડા છે.) માદા ચિત્તા એના બે બચ્ચાઓ ને પાળતી હતી.હમેશા જીવ ના જોખમે એમનું રક્ષણ કરતી હતી.બંને બચ્ચા હરદમ એની સાથેજ રહેતા હતા.અને બચ્ચા મોટા થયા.એક દિવસ અચાનક બંને ને છોડી ને જતી રહી.હું તો જોતોજ રહી ગયો!આ બચ્ચાઓ માટે પ્રાણ ના જોખમે લડી છે.અને આમ અચાનક છોડી દેવાના?હા!પણ આ બચ્ચાઓ હવે મોટા થઇ ગયા હતા,જાતે શિકાર કરવા માટે સક્ષમ હતા.મને આ ચિત્તા ફેમીલી ના જીવન કવન પરથી શીખવા મળ્યું કે ક્યાં સુધી મોહ જરૂરી છે?ક્યાં સુધી મમતા જરૂરી છે?સંતાનો મોટા થાય એટલે એમની લડાઈ એમને લડવા દો.નહીતો એ કમજોર થઇ જશે.સર્વાઈવલ ના યુદ્ધ માં ટકી નહિ શકે.વધારે પડતી સલામતી એમને અસલામત બનાવી દેશે.મોહ મમતા જરૂરી છે,સંતાનોને મોટા કરીએ ત્યાં સુધી.માનવી નું બચ્ચું સૌથી કમજોર હોય છે.એને લાંબા સમય સુધી માતાપિતા ની સહાયતા ની જરૂર હોય છે.બીજા પ્રાણીઓ ના બચ્ચાઓ બે ત્રણ કલાક માં ઉભા થઇ ને દોડવા લાગે છે.માનવીના બચ્ચાને મોટું કરતા આશરે ૧૫ વર્ષ વીતી જાય છે.બચ્ચાને મોટા કરવા નર માદા ના સહિયારા પ્રયાસો ની જરૂરત હોય છે.એટલે પક્ષીઓ પણ જોડી બનાવે છે.
* દક્ષીણ ધ્રુવ પ્રદેશ માં પેન્ગ્વીન નામના જે પક્ષીઓ રહે છે,તે ઉડતા નથી પણ ચાલે છે અને પાણીમાં તરે છે.ભયાનક શિયાળામાં ૧૦૦ માઈલ(૧૬૦ કિલોમીટર) ની ઝડપે કાતિલ પવન સુસવાટા મારતો હોય ને ભયંકર બરફ વર્ષા થતી હોય ત્યારે હજારો પેન્ગ્વીન ટોળું વળી ને છ મહિના ઉભા રહેતા હોય છે.એમના બે પગ વચ્ચે એક ઈંડુ રાખી છ મહિના સાચવતા હોય છે તે નર હોય છે,માદાઓ નહિ.માદાઓ તો ઈંડા મૂકી દરિયા ભેગી થઇ ગઈ હોય છે.શિયાળો પૂરો થતા પાછી આવે છે,પેટમાં એમના બચ્ચાઓ માટે અઢળક ખોરાક નો પુરવઠો ભરીને.પ્રાણીઓ ને બીજા સજીવો નો મોહ સમય પુરતો હોય છે.જયારે માનવી નો મોહ સમય વીતી ગયા પછી પણ ચાલુ રહેતો હોય છે.સંતાનો ખુદ સંતાનો ધરાવતા થઇ ગયા હોવા છતાં આ મોહ ચાલુ રહે તો સંતાનોએ અપ્રિય લાગતો હોય છે.
* સ્ત્રીને અને પુરુષ ને એકબીજા પ્રત્યે મોહ મમતા હોય છે.પ્રેમ હોય છે.પરિણામ સ્વરૂપ એમના જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર થઇ જીવનચક્ર આગળ ધપે છે. અને બંને ભેગા થઇ ને એમના સંતાનો પ્રત્યે મમતા રાખે છે.જેથી એમણે ટ્રાન્સફર કરેલા જીન્સ નું રક્ષણ થઇ,પાલન થઇ નવા જીવન ને આગળ ધપવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.તમે જીન્સ ટ્રાન્સફર તો કરી દો બીજી પેઢીમાં,પણ એમને મોટા થવા માટે જરૂરી સહાયતા ના કરો તો એનો શું અર્થ?એટલે કુદરતે મમતા મૂકી.આ છે મોહ મમતા. “મોહ મમતા ના હોય તો જીવનચક્ર ચાલે નહિ.”
*નોધ:-નીચેના ફોટા મેં જાતે ન્યુયોર્ક માં હરતાં ફરતાં ખેચેલા છે.
મોહ માયા અને મમતાથી કોઈ પર નથી. પરોપદેશે પાંડિત્યવાળા પણ આ ત્રણે બાબતમાં પૂરેપૂરા ઊંડા ઉતરેલા હોય છે. હા મોહ માયા કે મમતાનો પ્રકાર અલગ અલગ હોઈ શકે ! કોઈને સ્ત્રીનો તો કોઈને ધનનો તો કોઈને પ્રતિષ્ઠા અર્થાત કીર્તિનો તો કોઈને સંતાનનો ! ઉપદેશ ફાડનારા તો કદાચ સૌથી વધારે આ ત્રણેય બાબતમાં બરાબર લપેટાયા હોય છે અને સામાન્ય જનસમુદાયને મોહ માયા મમતામાંથી છૂટવા બોધ આપ્યા કરે છે પરિણામે આ દેશમાં છેલ્લા 15 વર્ષોમાં ધાર્મિક કથાઓના સુનામી ઉછળ્યા છતાં પ્રજા ધાર્મિક નહિ બની ઉલ્ટાની વધુ દંભી બની અને ગુન્હાઓનું પ્રમાણ હતું તે કરતાં અનેક ગણું વધ્યું ! કોઈ કથાકારે કે કોઈ સાધુ-સંત-સ્વામી કે ગુરૂઓએ આમ ઉલ્ટું કેમ થયું તે વિષે ક્યારે ય વિચાર કર્યો ખરો ? મંદિરો બન્યા જેમાં પ્રતિષ્ઠા ઈશ્વરની ના વધી મંદિરો બનાવનારને નામે કીર્તિ ચડી ક્યારે ય આવા લોકોએ તે પ્રતિષ્ઠાનો અસ્વીકાર કર્યો જાણ્યો નથી. અરે કેટલાક કિસ્સાઓમાં તો જો યોગ્ય રીતે નામ લખ્વામાં ના આવે તો વિભાજન થયાના દાખ્લાઓ પણ મળે ! આવા સંજોગોમાં સામાન્ય જન સમુદાય મોહ માયા કે મમતાથી વિરકત કેવી રીતે રહી શકે ?
વળી મારા માનવા પ્રઁઆને તો આ ત્રણે વૃતિ ઈશ્વરે દરેક સજીવમાં મૂકેલી છે કે જેથી ધરતી ઉપરની સજીવતા બરાબર જળવાઈ રહે અને સ્રર્જનની ક્રિયા પણ આપોઆપ ચાલ્યા કરે ! અસ્તુ !
સ-સ્નેહ
અરવિંદ
LikeLike
તમારા બ્લોગ પર કેટલાયે દિવસથી આવવું જ હતું.બસ આ નવી પોસ્ટ જોઈને મન થયું આજે તો આંટૉ મારી જ દેવા દે..વાહ…ખૂબ જ સરસ અને એક્દમ સાચું લખ્યું છે. “મોહ મમતા ના હોય તો જીવનચક્ર ચાલે નહિ.” તમારા આ જ વાક્ય જેવો મારો વિચાર હતો કે અપેક્ષા ના રાખવી સંબંધોમાં..પછી તો એવું થયું ને કે અપેક્ષા વગર તો સંબંધો જાણે કે એક ફોર્માલીટી જેવા લાગ્યાં.બહુ વિચાર્યા પછી એવું તારણ કાઢ્યું કે અપેક્ષા તો રાખવી જ જોઈએ.પણ એ પૂર્ણ ના થાય તો દુઃખી ના થવું જોઈએ.આમ તો આના પર મારે બહુબધુ લખવું છે..પણ અહીં તમારો ટોપિક છે એ..તમે જે પણ કલરીંગ લાઈન્સ કરી છે એ મને બહુ જ ગમી.૧૦૦ ટકા સહેમત તમારી સાથે..મજા આવી વાંચવાની.ધન્યવાદ.
-sneha – axitarak.
LikeLike
સ્નેહા બેન,
આના પહેલા કામ,ક્રોધ વિષે નો આર્ટીકલ પણ વાચસો.ભગવાન કશું ખોટું મુકતો નથી.ઉપદેશો આપવા ને પાળવા એ જુદી વાત છે.હું તો લગભગ વિજ્ઞાન આધારિત વાતો લખતો હોઉં છું.આપનો આંટો મારવા બદલ ખુબ આભાર.વિચાર પ્રેરક અભિપ્રાય આપવા બદલ ધન્યવાદ.
LikeLike
મોહ અને વૈરાગ્ય બન્ને અધૂરાં છે. એનું હોવું એ જ સાબિતી છે, એની ઉપયોગીતાની. સાધુઓ કે કથાકારોની વાત માનવા કરતાં સંતોની વાત જ ફક્ત સાંભળવામાં આવે તો સાચી વાત જાણવા મળે.
સંતો જ સાચા માર્ગદર્શકો છે.
આજના કથાકારો કે કહેવાતા ગુરુઓ કેવળ સંસારી જ હોય છે. એમની વાત માનવા જેવી નથી હોતી. સાચો શિક્ષક પણ ક્યારેય ‘આ જ સાચું છે’, એમ કહેતો નથી. એ બધા માર્ગો બતાવીને પછી નિર્ણય શિષ્ય પર છોડે છે.
તમારો લેખ બહુ જ ધ્યાનાર્હ અને તેથી જ માનાર્હ પણ છે. .
LikeLike
શ્રી જુગલભાઈ,
આપણે બધા બ્લોગ ની મોહ માયા માં નથી ફસાયા?નહિ તો બ્લોગ નું જીવન ચક્ર ચાલે નહિ.હું તો મજાક કરું છું.પણ કીમતી અભિપ્રાય આપવા બદલ આભાર.
LikeLike
આખા લેખમાં પ્રેમ અને મોહને સમાનાર્થી બતાવવાની કોશીશ કરી છે. પ્રેમ અને મોહ બંને તદ્દન ભીન્ન બાબત છે. ધૃતરાષ્ટ્રના દુર્યોધન પ્રત્યેના મોહને લીધે મહાભારતનું યુદ્ધ થયું. શ્રીકૃષ્ણે પ્રેમને લીધે અર્જુનનો રથ હાંક્યો અને તેનો મોહ છોડાવવા ભગવદગીતા કહી. જ્યાં સુધી આ જગતમાં મોહ છે ત્યાં સુધી અનેક કુરુક્ષેત્રોમાં અનેક યુદ્ધો લડાયા જ કરવાના છે. આ મોહને જ્ઞાનથી જ દુર કરી શકાય. જ્ઞાન એટલે પોતાની જાત વીશે, જગત વીશે અને તે બનાવનારા વીશે અને તે દરેક સાથેના સંબધ વીશેનું જ્ઞાન. પુસ્તકીયું જ્ઞાન નહીં પણ અનુભુતીનું જ્ઞાન.
LikeLike
શ્રી ભુપેન્દ્રસિંહજી, સરસ લેખ.
અહીં અંતે માયા, મમતા અને મોહ ના થોડા અર્થો આપ્યા છે, આમાંના કેટલાક અર્થો છોડવા જેવા હશે અને કેટલાક અપનાવવા જેવા. ફરીફરીને વાત તો ત્યાંજ આવે છે; કે કુદરત કોઇ કામ અકારણ કરતી નથી. જેમ કે માણસને ઉત્ક્રાંતિ દરમિયાન પૂંછની જરૂર રહી નહીં તેથી નાબુદ થયું !! (જો કે તેના અવશેષરૂપે પૂંછનું હાડકું (Coccyx) રહ્યું, આવું જ એપેન્ડિક્સનું પણ છે.) આપની એ વાત તો ખુબ જ ગમી કે સંતાનો પ્રત્યે પણ અમુક ચોક્કસ સમય અને ચોક્કસ બાબતે જ મોહ લાભદાયી, નહીં તો પછી કાં તો સંતાનો મા-બાપને ધક્કા મારે અને કાં તો લોલા જેવા રહી ગયેલા સંતાનો આ દુનિયાના ધક્કાઓ ખાય !!
એકંદરે આ બધી લાગણીઓ છે, જે યોગ્ય સમયે ઉત્પન્ન થવી બહુ જરૂરી છે નહીંતો સંસારચક્ર ચાલે નહીં. શાથે સમયોચિત્ત રીતે તેનું સમાપ્ત થવું પણ જરૂરી છે નહીં તો ’મહાભારત’ પણ સર્જાય જાય. અને આમે લાગણીઓની બાબતમાં આપણે અન્યનું શા માટે માનવું જોઇએ? (ભલે તે મોટા મહાત્મા હોય કે મોટા વૈજ્ઞાનિક હોય) એક ગીતના શબ્દો કંઇક આમ છે કે; ’એમ પુછીને થાય નહીં પ્રેમ’ !! પોતાના આત્માને સાંભળવાની ક્ષમતા કેળવાઇ જાય એટલે માનો કે અન્યાશ્રયની ઝંઝટ જ સમાપ્ત. આ આપના લેખનું જ તારણ છે જે મેં ’બિટવિન ધ લાઇન્સ’ વાંચી અને કાઢ્યું છે. આશા છે ગમશે.
આપના ખેંચેલા ચિત્રો સ_રસ છે. અર્થાત લાગણીઓને સરહદો નડતી નથી એમને ?? આભાર.
** મોહ = પ્રેમ, આનંદ, આશ્ચર્ય, અચંબો, ઇચ્છા, દુ:ખ, વેદના, અભિમાન, ભય, ભૂલ, ભ્રાંતિ; ભ્રમ; અજ્ઞાન; ભ્રમણા, માયા, મૂર્ખતા, મૂર્છા, રાગ, આસક્તિ.
** મમતા = પ્રેમ, અહંકાર; ગર્વ, ચડસ, તૃષ્ણા, મમત્વ, પોતાપણું, લાગણી, સ્નેહ, માયા, હેત, હઠ, દુરાગ્રહ.
** માયા = મૂળ; અસલ કારણ, માપ, અક્કલ; બુદ્ધિ, અજ્ઞાન; અવિદ્યા, અવ્યાકૃત પદાર્થ કે તત્ત્વ, અસાધારણ શક્તિ કે જ્ઞાન, આદિશક્તિ; પ્રકૃતિ, વૈભવ; ઐશ્વર્ય; પૂંજી; માલમિલકત; દ્રવ્ય; લક્ષ્મીભંડોળ, જાદુ; ચમત્કાર, ઈશ્વરની કલ્પિત શક્તિ, કપટ; દગો; છળ; પ્રપંચ; કૂટ; ઠગાઈ; દંભ; શઠતા, કુદરત, તમાકું, દયા; દાઝ; લાગણી; કરુણા; અનુકંપા; કૃપા, દુર્ગા, દુષ્ટતા, નશ્વરતા, ભાંગ, મા; માતા; જનની. (ભ.ગો.મં.)
LikeLike
શ્રી અશોકભાઈ,
વાહ!!વાહ!!વાહ!!ખુબ સરસ.મોહ અને મમતા ના બંનેના પ્રથમ અર્થ માં પ્રેમ છે.માયા નાં અર્થમાં મા,,માતા,જનની એટલે પ્રેમ નું સાક્ષાત રૂપ.હવે આ પ્રેમ કેટલો? ને મોહ માં ક્યાં સુધી પરિવર્તિત કરવો? તે આવડી જાય તો એનો સાચો ઉપયોગ થયો કહેવાય.
ફોટો માં એવું છે કે પહેલો ફોટો સીપોર્ટ આગળ એક ચાઇનીઝ દાદીમાં એમના પૌત્ર કે પૌત્રી ને આગળ બેલ્ટ મારી બાંધીને કેટલા પ્રેમ થી ઉભેલા છે?આ જોયું કે મેં ખેંચી લીધેલો.બીજો વોલ સ્ટ્રીટ આગળ એક ગોરાના ફેમિલીનો છે.ત્રીજો જોયો?અહી સિંગલ મધર ફેમીલી બહુ જોવા મળે.અહી પવિત્ર લગ્ન વ્યવસ્થા ખાસ રહી નથી.જોકે અહીની માતાઓને એનો ખાસ રંજ દેખાતો નથી.ભારત મા જ માતાઓ વધારે પ્રેમાળ હોય અને અહી ના હોય તેવું મને તો જણાતું નથી.ઉલટાનું અહીની માતાઓ ને ધન્યવાદ આપવા ઘટે કે એકલા હાથે સંતાનો ને મોટા કરે છે.મજબુરીમાં ભારત માં પણ માતાઓ એકલા હાથે સંતાનો મોટા કરવામાં ક્યાં પાછી પડે છે? માટે તો બાપ મરજો પણ ‘મા’ ના મરજો,એવી કહેવતો બનેલી છે.’મા’ તો ગમેત્યા જાવ બધે સરખી જ રહેવાની.એક ચીની છોકરીને એની માને સંબોધતા મેં શું સાંભળ્યું ખબર છે?મા!!મને થયું આ “મા”શબ્દ યુનિવર્સલ લાગે છે.ખુબ આભાર.
LikeLike
બાળકનો સ્કુલમાં પહેલો દિવસ હોય ત્યારે ઘણા પપ્પાઓનો પ્રેમ જોવા જેવો હોય છે.
ટીચર કહે કે: તમે ચિંતા કર્યા વગર જાઓ. હવે અમારી જવાબદારી. પણ પપ્પા બિચારા બારીમાંથી ડોકાં કાઢી કાઢીને જૂએ કે, મારો વાલીડો રડતો તો નથીને!!!
બોર્ડની પરિક્ષા વખતે પરિક્ષા કેન્દ્રની બહાર મમ્મીપપ્પા મંડળ સ્થાપાઈ જતું હોય છે.
આ બંને ઉદાહરણો આપણે આપણાં બાળકો માટે કેટલા ચિંતિત છીએ તે દર્શાવે છે.
LikeLike
ખૂબ જ સરસ લેખ. હાઇલાઇટ કરેલી લાઇન્સમાં જ ઘણું બધું આવી જાય છે. અને અશોકભાઇનો પ્રતિભાવ પણ ઘણો જ જ્ઞાનસભર છે. આપની ફોટોગ્રાફી પણ સરસ છે. આમ તો ખાસ કંઇ પ્રતિભાવ આપવા જેવું બાકી રહ્યું જ નથી. પરંતુ સાવ આ ચાર શબ્દો લખી અન્યાય તો ના કરાયને?
મોહ, માયા, અને ,મમતા ને કારણે સલામતી, સ્થિરતા, રક્ષણનો અનુભવ થાય છે. અને જ્યારે મોહ-મમતા અને માયાનો અતિરેક થાય ત્યારે તેમાં માલિકાપણાંનો ભાવ આવે છે. અને તેને લીધે ઘણી બધી તકલીફો, વિખવાદ, ઈર્ષ્યા, અદેખાઇ ,ચિંતા, સ્વતંત્રતાનો અભાવ પેદા થાય છે. છતાં પણ મોહ, માયા, અને મમતા એ વાસ્તવિક છે. અને આ મોહ, માયા અને મમતામાંથી છૂટવાના અજ્ઞાન ભરેલા પ્રયાસો અવાસ્તવિક છે, ભ્રમણા છે. તેનાથી મોહ, માયા અને મમતાનું સ્વરૂપ બદલાય છે. તેમાંથી છૂટાતું નથી. પરાણે તેમાંથી છૂટવાના પ્રયાસને કારણે સ્વભાવમાં રૂક્ષતા, ઠંડાપણું આવે છે અને સમાજથી છૂટા પડી જવાય કે દૂર થઇ જવાય છે. એ જ રીતે પોતાના અંગત સ્વાર્થ ખાતર મોહ, માયા કે મમતા રાખવી પણ ઘણી જ ખતરનાક નીવડે છે.
LikeLike
મીતાબેના,
દરેક ના પ્રતિભાવ માંથી થોડું તો નવીન જાણવા મળેજ છે.એટલે શું પ્રતિભાવ આપું તેવી વિચારવું જ નહિ.અમે મને ફોટોગ્રાફી નો શોખ છે. મારા કરતા બીજા ના ફોટા વધારે પાડું.એના માટે મેં સોની નો ૧૪ મેગા પીક્સલ નો પ્રોફેશનલ કેમેરો વસાવ્યો છે.મારે ફોટા જે મેં વિશિષ્ઠ રીતે પાડ્યા હોય તે મુકવા છે,પણ આ બ્લોગ માં મને ફાવતું નથી.
LikeLike
૧. કેમેરાનો USB કેબલ કમ્પ્યૂટરના USB port માં લગાવવો
૨ My computer open કરવું. તેમા કેમેરાનું folder દેખાશે.
૩ આ ફોલ્ડરમાં ફોટા Browse કરીને જે ફોટા લેવા હોય તે નવું ફોલ્ડર બનાવીને કમ્પ્યૂટરમાં સ્ટોર કરી લેવા
૪ જે ફોટા upload કરવા હોય તે તેને તમે તમારા Adminમાંથી લેખની જેમ upload કરી શકશો.
મારા પતિ અને પુત્રને ફોટાનો અને વિડિયોનો ખૂબ શોખ છે. અને તેઓ આ રીતે વેબકેમમાંથી ફોટા upload કરે છે મારા દીકરાએ આ રીતે તેની China ની માર્શલ આર્ટની ડોક્યુમેન્ટરી બનાવી છે.
LikeLike
સરસ લેખ ચ્હે.હુ પન આવાજ પ્રેકટિકલ વિચારો ધરવુ છુ.વાત બરાબર્ છે.
આશા છે કે આવાજ લેખ આપ્તા રહેશો.
LikeLike
મિતુલભાઇ,
આપ પણ આપના પ્રોત્સાહન રૂપ અમુલ્ય અભિપ્રાયો આપતા રહેસો,તો બીજા આવા લેખો લખાતાં જ રહેશે.
LikeLike
“મોહ મમતા ના હોય તો જીવનચક્ર ચાલે નહિ.”
“સંતાનો મોટા થાય એટલે એમની લડાઈ એમને લડવા દો.નહીતો એ કમજોર થઇ જશે.સર્વાઈવલ ના યુદ્ધ માં ટકી નહિ શકે.વધારે પડતી સલામતી એમને અસલામત બનાવી દેશે ”
” “મા”શબ્દ યુનિવર્સલ લાગે છે ” મા પોતે જ યુનિવર્સ છે ભાઈ.
” માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો ” શ્રી અવિનાશ વ્યાસ
” આ ત્રણે વૃતિ ઈશ્વરે દરેક સજીવમાં મૂકેલી છે કે જેથી ધરતી ઉપરની સજીવતા બરાબર જળવાઈ રહે અને સ્રર્જનની ક્રિયા પણ આપોઆપ ચાલ્યા કરે ! “અરવિંદભાઈ
લેખમાં તમારી ઘણી બાબતો સાથે સહમત છું. સૌના અભિપ્રાયો પણવાંચ્યા. ગમ્યા. વિટામિન ” M ” (માયા) વિના ગુરૂઓ ક્યાં મળે છે.
LikeLike