Daily Archives: માર્ચ 25, 2010

પૃથ્વીરાજ-સંયુક્તા…અમર પ્રેમ કહાની, વિલાસિતા કે પછી વ્યભિચાર?

પૃથ્વીરાજ-સંયુક્તા—–અમર પ્રેમ કહાની, વિલાસિતા કે પછી વ્યભિચાર?
*ઈતિહાસના આયનામાં પુછવા જેવા કેટલાક સવાલો છે. ભારતના ઈતિહાસમાંની ઘણીબધી  પ્રેમકથાઓ વચ્ચે પૃથીરાજ ચૌહાણ અને સંયુક્તા ની પ્રેમકથા મહત્વનું સ્થાન ધરાવે છે. મારો આ મહાન છેલ્લા દિલ્હીના સ્વતંત્ર હિંદુ રાજાની અવહેલના કરવાનો જરાપણ ઈરાદો નથી. આ એક એવો મહાન વીર રાજા હતો, જેણે ફક્ત ૨૦ વર્ષની ઉંમરમાં દિલ્હીની ગાદી મેળવી ને બહુ ઝડપથી. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પોતાની આણ સ્થાપિત કરી દીધી. પૃથ્વીરાજનો સમય કાલ ઈ.સ.૧૧૬૬ થી ૧૧૯૨ નો છે.
*દિલ્હીના અને ગૌડ એટલે બંગાળના સંયુક્ત રાજા બલ્લાલ સેનને બે દીકરીઓ હતી. ઘણા અનંગપાલસેન પણ કહે છે. બે દીકરીઓમાંની રૂપસુંદરી કનોજના રાજા વિજયપાલ સાથે પરણાવેલી, એનો દીકરો થયો રાજા જયચંદ. બીજી કમલાદેવી પરણાવી અજમેરના રાજા સોમેશ્વર ચૌહાણ સાથે. એનાથી દીકરો થયો તે પૃથ્વીરાજ ચૌહાણ અને દીકરી થઇ પ્રથા. આ પ્રથાને ચિતોડના મહારાણા સમરસંગ સાથે પરણાવેલી. આ સોમેશ્વર ચૌહાણે ગુજરાતના રાજા ભીમદેવ સોલંકીને પણ હરાવેલો. એટલે લોહીની સગાઈએ કનોજના જયચંદ અને પૃથ્વીરાજ  બંનેની માતાઓ સગી બહેનો હતી. માટે બંને થયા મસિયાઈ ભાઈઓ. બંનેના નાના દિલ્હીના રાજાને કોઈ પુત્ર સંતાન ના હોવાથી છેવટે કોઈ કારણસર દિલ્હીની ગાદી આપી પૃથ્વીરાજને, જયચંદને કશું ના મળ્યું. વેરના બીજ ત્યાં રોપાયા બંને વચ્ચે.
    *પૃથ્વીરાજ ને અજમેર તથા દિલ્હી બંને રાજ સાથે સંભાળવાના થયા. ગુજરાત ઉપર ચડાઈ કરી ફરી ચૌહાણોએ સોલંકી રાજા ભીમદેવને હરાવી નીચાજોણું કરાવ્યું. પૃથ્વીરાજને એ જમાનાના રાજાઓના રીવાજ મુજબ અનેક પત્નીઓ હતી. સંયુક્તા પોતાના કાકાશ્રી એવા પૃથ્વીરાજ પ્રત્યે આકર્ષાઈ. સવાલ એ છે કે હિંદુઓમાં લોહીની સગાઇ હોય તેવા લગ્નો કે પ્રેમ સબંધો માન્ય ના હતા. વૈજ્ઞાનિક દ્રષ્ટીએ પણ લોહીના સબંધ હોય ત્યાં લગ્ન કરી સંતાન પેદા કરવા યોગ્ય નથી. સંયુક્તા પૃથ્વીરાજના માસીયાઈ ભાઈની દીકરી હતી, એ હિસાબે ભત્રીજી થઇ કહેવાય. કાચી ઉંમરની ભત્રીજી કાકા પ્રત્યે આકર્ષાઈ હોય ત્યારે કાકાની શું ફરજ છે? એ સમજાવવાનું ના હોય. અને જયારે કાકા અનેક પત્નીઓ ધરાવતા હોય ત્યારે?
    *આમેય દિલ્હીની ગાદી નાનાશ્રીએ ફક્ત પૃથ્વીરાજ ને આપી દીધેલી એટલે રાજા જયચંદના મનમાં એનું દુખ તો હતુજ. એમાં પાછું બળવાખોર દીકરીએ પૃથ્વીરાજના પ્રેમમાં પડી બળતામાં ઘી હોમ્યું હતું. અને પૃથ્વીરાજે પણ જયચંદને નીચાજોણું કરાવવા આ ભત્રીજીને સમજાવવાને બદલે એના પ્રેમનો સ્વીકાર કરી વધારે ઘી હોમ્યું. રાજા જયચંદે સંયુક્તાનો સ્વયંવર યોજ્યો હતો. સ્વાભાવિક છે એમાં કાકાશ્રી એવા પૃથ્વીરાજને આમંત્રણ દીકરીના પતિના ઉમેદવાર તરીકે ના પણ હોય. આમેય મનદુઃખ હોય એટલે પણ આમંત્રણ બીજા સ્પેશીયલ ગેસ્ટ તરીકે ના પણ હોય. અને વધારામાં પૃથ્વીરાજની અવહેલના કરવા એનું પુતળું બનાવી દરવાજા પાસે ઉભું રાખેલું. અગાઉથી ઘડી રાખેલી યોજના મુજબ પૃથ્વીરાજ પુતળા પાછળ સંતાઈ રહેલા ને સયુંકતા પણ યોજના મુજબ  સભામાં આવી ને વરમાળા હાથમાં લઇ સીધી પૃથ્વીરાજના પુતળાને પહેરાવી દે છે, ને સંતાઈ રહેલા પૃથ્વીરાજ સંયુક્તાને લઇ ઘોડાપર સવાર થઇ ભાગી જાય છે. આ હતી કાકાભત્રીજીની અમર એવી પ્રેમકથા.
બસ પછીતો પૃથ્વીરાજ સંયુક્તા સાથે રંગરાગ માં ડૂબી જાય છે. કોઈ કશું આ સમર્થ રાજાને કહી શકતું નથી. ઉલટાનું ચંદ બરદાઈ જેવા બારોટ મિત્ર અને રાજકવિએ સાચી સલાહ આપવાને બદલે આ વારતાને અનુરૂપ કવિતાઓ બનાવી આને અમર પ્રેમકહાનીનું સ્વરૂપ આપી દીધું. જયચંદ રાજાને ભાંડી ને વગોવી નાખ્યો. હજુ આજે પણ કોઈ દગાખોરને જયચંદનું નામ આપી દેતા વાર લગતી નથી. દગો અને જયચંદ એકબીજાના પર્યાય બનાવી દીધા છે. કાકાને ભત્રીજીના પ્રેમનો એક સમર્થ રાજા સામે  વિરોધ કરવાની સજા જયચંદ હજુ આજે પણ ભોગવી રહ્યા છે.
*અફઘાન સુલતાન મહમદ ઘોરીએ નાનામોટા ગોરિલા યુદ્ધ જેવા સત્તર છમકલા કરેલા. અને દરેક વખતે ફાવતા નહિ ભાગી ગયેલો. કોઈ મોટું યુદ્ધ લડેલું નહિ. મોટું વ્યવસ્થિત યુદ્ધ કર્યું ઈ.સ.૧૧૯૧ માં હાલના હરિયાણામાં આવેલ થાનેસરની પાસે તરૌરીમાં. આ યુદ્ધમાં પૃથ્વીરાજે ઘોરીને હરાવ્યોને માફી આપી છોડી મુક્યો. આમ પૃથ્વીરાજે એક જ વખત માફી આપીને ઘોરીને છોડી મુકેલો સત્તર વખત નહિ.  એક વરસ પછી પૂર્ણ તૈયારી સાથે ઈ.સ.૧૧૯૨ માં ફરીથી ઘોરી ચડી આવ્યો ને લાહોર પહોચી પૃથ્વીરાજને શરણે આવી ઇસ્લામ સ્વીકારવા કહેણ મોકલ્યું. સ્વાભાવિક છે પૃથ્વીરાજ સ્વીકારે નહિ. અને એકવાર જેને હરાવ્યો હોય તેની આવી અઘટિત માંગણી પૃથ્વીરાજ જેવો યુદ્ધમાં કાબેલ રાજા કઈ રીતે માને? “ફીરીસ્થા” ના જણાવ્યા મુજબ ઘોરી ૧,૨૦,૦૦૦ ઘોડેસવારોની ફોજ લઇ આવેલો. જયારે પૃથ્વીરાજે આશરે ૧૫૦ જેટલા નાનામોટા રાજાઓનો સાથ લઇ ૩૦૦0 હાથીને ૩ લાખ ઘોડેસવારોની સેના ઉભી કરેલી. કદાચ સંખ્યાની બાબતે જરા વધારે લખાયું હશે, પણ ઘોરી કરતા ઘણી મોટી સેના પૃથ્વીરાજ પાસે હતી. આ યુદ્ધમાં રાજા જયચંદ શી ભૂમિકા હતી તે શંકાસ્પદ છે. જયચંદે કદાચ ઘોરીને મદદ કરી પણ હશે. અથવા કવિઓએ બંને રાજાઓ વચ્ચે ચાલી રહેલા વેરના સંદર્ભ માં આવી વાતો ઘડી કાઢી હોઈ શકે. ઇતિહાસ ગવાહ છે કે આ કવિઓએ રાજપૂત રાજાઓને ચડાવી મારી, ખોટા ગુણગાન ગાઈ અંદરો અંદર લડાવી મારવાની ભૂંડી ભૂમિકા ભજવેલી હતી.
*ઘોરીએ ચાર બાજુ થી રાજપૂત સેના પર હુમલો કરેલો ને એની સેનાનો બહુ કાબેલ પાંચમો  ભાગ રીજર્વ રાખેલો. પછી ઓચિંતો પોતે એ રીજર્વ ભાગ ને દોરીને જાતે રાજપૂત સેનાની વચ્ચે દોરી ગયેલો. રાજપૂત સેના કન્ફ્યુજ થઇ ગઇ ને પૃથ્વીરાજ હાર્યો અને પકડાઈ ગયો. એની આંખો ગરમ તપાવેલા સળિયાથી ફોડી નાખવામાં આવી. પૃથ્વીરાજના દરબારી રાજકવિ અને સલાહકાર અને ખાસ મિત્ર એવા ચંદ બારોટે પૃથ્વીરાજ રાસો નામની કવિતા રચેલી જે એના પુત્રે પૂરી કરેલી. એમાં જણાવ્યા પ્રમાણે કેદ થયેલા અંધ પૃથ્વીરાજની બાણ વિદ્યાની કસોટી કરવાનું ઠરાવેલું. ત્યારે ચંદ બારોટ એક દુહો ગાય છે “ચાર બાંસ ચૌવીસ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હૈ મત ચુકે ચૌહાણ”. પૃથ્વીરાજે અનુમાન લગાવ્યુંને બાણથી સુલતાનને વીંધી નાખ્યોને ચંદ બારોટ તથા પૃથ્વીરાજ એકબીજા ને મારી શહીદ થઇ ગયા. જોકે આ વાતનું કોઈ ચોક્કસ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી, કારણ પૃથ્વીરાજ માર્યા પછી ઘણા વર્ષો બાદ ઘોરીનો દેહાંત થયેલો તેવું ઐતિહાસિક રીતે જાણવા મળે છે.
*હાલ પણ અફઘાનિસ્તાનમાં ઘોરીની કબર પાસે પૃથ્વીરાજ જમીનમાં પોઢેલા છે. ઘોરીની કબરની મુલાકાતે આવેલા અફઘાન લોકો એના પર પગ પછાડી, કુદી કે પથ્થર નાખી ને અપમાન કરવાનું ચુકતા નથી. અહી વ્યવસ્થા જ એવી કરેલી છે કે ઊંચા ભાગ પરથી પૃથ્વીરાજની કબર ઉપર ભૂસકો મારીને જ આગળ વધવું પડે. આ હતો એક બહાદુર પણ નૈતિક રીતે ભાન ભૂલેલા રાજાનો કરુણ અંજામ. નાની ઉમરમાં મળેલું વિશાલ રાજ્ય અને અનેક યુદ્ધોમાં મળેલા વિજયની વિશાલ સફળતાના નશામાં પણ કદાચ ભાન ભૂલાયું હોય.
Advertisements