संशयात्मा विनश्यति । ….. Most Misused.

images';lसंशयात्मा विनश्यति । Most Misused

વેદવ્યાસ દ્વારા સંશયાત્મા વિનશ્યતિ એવું શ્રીકૃષ્ણનાં મુખે ગીતામાં મુકાયું છે. શ્રી કૃષ્ણ આજે ઉપરથી કદાચ જોઈ રહ્યા હશે તો પસ્તાતા હશે. મેં કયા સંદર્ભમાં કહેલું ને આપણે ભારતીયો મનફાવતાં અર્થો કરી લેવાના નિષ્ણાત, કયો અર્થ કરી બેઠા છે? દુનિયામાં સૌથી વધારે દુર ઉપયોગ જેનો થયો હોય તેવું આ વાક્ય છે. જો આજે કૃષ્ણ આવે તો પહેલું કામ આ વાક્ય ને ગીતામાંથી ડીલીટ કરવાનું કરે. સાદો અર્થ એ છે કે શંકા કરીશ નહિ, શંકા કરનારનો નાશ થાય. શંકા કર્યા વગર વિજ્ઞાનનો જન્મ થાય ખરો? એટલે ભારતમાં વિજ્ઞાન જન્મવાનું ભૂલી ગયું. જે વિજ્ઞાન જન્મ્યું હશે તે કદાચ કૃષ્ણ પહેલા કે કોઈ આ વાક્યમાં ના માનનાર બળવાખોરે થોડું ઘણું કદાચ પેદા કર્યું હોય…વિજ્ઞાનનો મુખ્ય આધાર જ શંકા છે.

અર્જુન ક્ષત્રિય હતો. લડવું એનો ધર્મ એટલે સ્વભાવ હતો. લડાયક વૃત્તિને લીડરશીપ એ ક્ષત્રિયનો  સ્વભાવ કહેવાય. સ્વ ધર્મે નિધનમ શ્રેય, એટલે હિંદુ, મુસ્લિમ, શીખ કે જૈન, બુદ્ધ, સ્વામીનારાયણ કે વૈષ્ણવ નહિ. તમારા સ્વભાવ પ્રમાણે કામ કરો. અર્જુન આખી જિંદગી લડ્યા કરતો હતો. ઘણા બધા રાજાઓને હરાવી યુધીષ્ઠીરની આણ નીચે એણે અને ભીમે લાવી દીધેલા. પાંચ પાંડવોમાં આ બે ભાઈઓ મહાન લડવૈયા હતા. બાકી બીજા ઠીક હતા. કૌરવો સિવાય લગભગ તમામ રાજાઓ આ લોકોની આણ નીચે હતા. જો  કે બંને કૌરવો અને  પાંડવો પિત્રાઈ ભાઈઓ હતા, એટલે બંનેના સગાઓ એક જ હોય તે પણ સ્વાભાવિક જ હતું.

બંને સેનાઓ વચ્ચે રથ ઉભો રહ્યો ને અર્જુનને સામે સગાઓ જોઇને પસીનો વળી ગયો. યુદ્ધમાંથી છટકવાના બહાના શોધવાનું ચાલુ થયું ને એમાંથી ગીતાનો ઉદભવ થયો. સામે સગાઓ ના હોત તો? ક્યારનો કૃષ્ણને પૂછ્યા વગર લડવા માંડ્યો હોત. બે સેનાઓ વચ્ચે રથને લઇ જવાનું પણ ના કહેત. એ વખતે અહિંસાની વાતો ના કરત. બસ લડવા જ માંડ્યો હોત, ને આખી જીંદગી એજ કામ તો કરેલું. સ્મશાન વૈરાગ્ય આવી ગયેલો. પણ જરા જ્ઞાની, પંડિત  એટલે કૃષ્ણ ને પણ વાર લાગી સમજાવતા. અઢાર અધ્યાય સુધી લાંબા થવું પડ્યું. કોઈ અજ્ઞાનીને સમજાવવો સહેલો પણ પંડિતને અઘરો.

કૃષ્ણને વાંધો આજ હતો કે સગાઓ સામે ના હોત તો પુછવા પણ ના રહેત. પોકળ અહિંસા હતી. દુવિધામાં પડી ગયેલો. નિર્ણય લેવામાં અટકી ગયેલો. દ્વિધામાં સપડાઈ ગયો. જેઓ દ્વિધામાં સપડાય ને નિર્ણય ના લઇ શકે એનો નાશ અવશ્ય થાય. એ સંશયમાં પડી ગયો કે શું નિર્ણય લેવો. એક બાજુ સર્વાઈવ થવા લડવું જરૂરી હતું. કારણ કૌરવો નાશ કરવા તૈયાર જ હતા. અને સામે સગાઓ જોઇને પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. બસ આ દ્વિધા દુર કરવામાં ગીતા રચાઈ. શંકા કુશંકા કર્યા વગર લડવાનું શરુ કર ભાઈ આજ કૃષ્ણનું સમજાવવાનું હતું. કારણ મૂળ સ્વભાવ તો લડવાનો જ હતો. તો તારા સ્વધર્મ નું પાલન કર ને લડવા માંડ નહીં તો કોઈ જીવવા નહિ દે.

બસ જૈનો એ કૃષ્ણને સાતમાં નર્કમાં નાખી દીધા. અર્જુન તો ના પાડતો હતો, અહિંસાનો પુંજારી બની ચુક્યો હતો. અને કૃષ્ણે ખોટું શીખવાડી યુદ્ધમાં દોર્યો ને હિંસા કરાવી, જાઓ સાતમાં નર્કમાં. જે માણસ અહિંસક બનવા રાજી હોય તેને યુદ્ધ માં કઈ રીતે ધકેલી દેવાય? અને જો તમે સ્વધર્મનો અર્થ હિંદુ ધર્મ કરતા હોવ, તો કૃષ્ણના સમયમાં સનાતન હિંદુ અને જૈન સિવાય બીજા કોઈ ધર્મો હતા નહિ. કોઈ સંપ્રદાયો હતા નહિ. તો મૂળ સનાતન હિંદુ ધર્મ ને માનો. આટલા બધા ધર્મો ને કેમ માનો છો? આ હજાર વાડાઓ તો કૃષ્ણ પછી ઉભા કર્યા છે ને કયા મોઢે સ્વધર્મની વાતો કરો છો? રોજ નવા વાડાઓ ઉભા કરો ને સ્વધર્મની વાતો કરો એવું તો કૃષ્ણ શીખવાડી નથી ગયા.

ચાલો શ્રી કૃષ્ણ એ કહ્યું હશે કે મારામાં શંકા ના કરીશ. તો એટલા માટે કે હવે અર્જુન મોહ માયાના ચક્કરમા ફસાઈને લડવાનો ધર્મ ભૂલી રહ્યો છે. બીજું કૃષ્ણ એના ખાસ  મિત્ર પણ છે. અને જીવનની ઘણી બધી મહત્વની પળોમાં સાથે રહ્યા છે. અર્જુનનો મૂળભૂત સ્વભાવ ધર્મ એમના સિવાય બીજો કોણ સારી રીતે જાણી શકે? પોતાની બહેન સુભદ્રા પણ મોટાભાઈની નામરજી હોવા છતાં પરણાવી છે એ પરમ મિત્ર જોડે. એટલે કહ્યું હશે કે હવે મારામાં શંકા ના કરીશ, હું કહું તેમ કર, મારી શરણમાં આવ. કારણ હવે જયારે તું નિર્ણય લેવા અક્ષમ જ બન્યો છે, અને સૌથી વધારે હું તને જાણું છું તો મારામાં વિશ્વાસ રાખ ને મારું કહ્યું કર. ઘણી વાર સંતાનો નિર્ણય લેવામાં દ્વિધા અનુભવતા હોય ત્યારે માબાપે એમને એમનું કહ્યું કરવા મજબુર કરવા પડતા હોય છે. આખી ગીતા અર્જુનને યુદ્ધમાં ભાગ લેવા સમજાવવા માટે રચાઈ છે. છેવટે જયારે નથી માનતો ત્યારે કહેવું પડે છે કે હવે તું શંકા ના કરીશ ને મારી શરણમાં આવ મતલબ મારું કહ્યું કર. કાવ્યાત્મક ભાષા છે. સંતાન ખાડામાં પડવા જતું હોય ત્યારે માબાપે ઘણીવાર દબાણ પૂર્વક ફરજ પાડવી પડતી હોય છે. આખી ગીતા કાવ્યાત્મક ભાષામાં રચાઈ છે, કવિતાઓના ધારો તેટલા અર્થ કાઢી શકો એટલા ગદ્ય ના કાઢી શકો જયારે એકાદ વાક્ય ને પકડી ને મહાત્માઓ ભોળા લોકો ને છેતરતા હોય ત્યારે હું કેમ એક વાક્ય ઉપર મારા મંતવ્યો રજુ ના કરી શકું? અને આપણે ક્યાં જ્ઞાન નો દાવો કરવો છે?

બસ ગુરુઓએ, મહાત્માઓએ શરુ કરી દીધું શંકા ના કરશો અમારામાં. અમે જે કહીએ તે બોલ્યા ચાલ્યા વગર માની લો. ગીતામાં કૃષ્ણ કહી ગયા છે. ભારતીય ધર્મ ગુરુઓના મોઢે સૌથી વધારે વપરાતું વાક્ય બનવાનું માન આ વાક્ય લઇ જાય છે. એનો મૂળ હેતુ ભુલાઈ ગયો. અર્જુન તો નિર્ણય લેવામાં સફળ થઇ ગયો. પણ આપણે ભારતીયો હજુ આજે પણ નિર્ણય લઇ શકતા નથી. અને દ્વિધામાં  સપડાએલા  રહે એમાં ગુરુઓને ફાયદો છે. ગુરુઓએ ધન ભેગું કરવા, મંદિરો બનાવવા, ભક્તો વધારવા, ભક્તોની સ્ત્રીઓ ભોગવવા ને બીજી  ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરવા આ વાક્યનો દુરુપયોગ કરવાનું ચાલુ કરી દીધું. લગભગ બ્રેન જ વોશ કરી દીધું. બસ અમે જે કહીએ તે સાચું, જરા પણ શંકા ના કરતા નહીં તો તમારો નાશ થશે. બસ આ નાશ ના થઇ જાય માટે આપણે ભારતીયો તમામ અઘટિત વાતો માની લેવા માંડ્યા. એના માટે લોહી પણ વહાવવું પડે તો ચાલે. આ ચક્કરમાં તો બધા જ પડેલા છે, ભણેલા, ગણેલા, પૈસાપાત્ર, ગરીબ, નોકરિયાત, ઉદ્યોગપતિ બધા જ. આ મહા ઠગોએ વિચારવાની બારીઓ બંધ કરી દીધી છે. કશું વિચારવાનું નહિ, શંકા ના કરવાની. જો કોઈ જરા પણ આડો ફાટે તો આ વાક્ય કહી દેવાનું, ભગવાન કહી ગયા છે.

ભારત સિવાય કોઈ બીજા દેશોમાં ગીતા વાંચતું નથી. છતાં આ લોકો પ્રગતિ કરતા જ હોય છે. આ લોકોનો નાશ પણ થયો નથી. આ લોકો આપણાં કરતા પણ વધારે મજબુત છે. ચીનમાં કોણ ગીતા વાંચે છે? ચીનાઓ આપણાં કરતા વધારે મજબુત છે. ચીનાઓને આપણે ના હરાવી શકીએ જો યુદ્ધ થાય તો. પાકિસ્તાન પાસે આપણાં કરતા વધારે બોમ્બ છે. ઘણા બધા દેશો આપણાં કરતા પછાત ને કમજોર પણ છે. પણ એ લોકો ગીતા વાચતા નથી માટે નહિ. આપણે સદાય ગીતા પાઠ કરનારા કેટલા સુખી છીએ તે તો આપણે જ જાણીએ છીએ.

ગીતા યુદ્ધના મેદાનમાં રચાએલું  મહાન પુસ્તક છે તેવું પહેલા માનતો હતો, પણ શક્ય લાગતું નથી. એની મહાન ફોલોસોફીને આપણે કદી માની નથી કે સર્વાઈવ થવા,  જીવવા લડવું પડે. અને કોઈ પણ હિસાબે જીવવું એ આપણો ધર્મ છે. એને માટે આતતાયીની હત્યા કરો પાપ નહિ લાગે. પોકળ અહિંસા ને ત્યજી દેવાની કૃષ્ણની સલાહને આપણે માનતા નથી. દ્વિધા ત્યજીને યુદ્ધ કરવાની સલાહ આપણે માનતા નથી. કોર્ટોમાં ન્યાયાધીશો નિર્ણય લેતા નથી. મારા પિતાશ્રી વકીલ હતા પંદર પંદર વર્ષો લગી એકના એક અસીલો ને મારા ઘરે આવતા જોયા છે. નેતાઓ નિર્ણય લેતા નથી. અને લે છે તો પોકળ અહિંસા ને શાંતિપ્રિય છીએ તેવું બતાવવામાં  આર્મીએ જીતેલા યુદ્ધને ટેબલ પર હારી જવામાં ગૌરવ અનુભવે છે. સૈનિકોએ આપેલા બલિદાનો વ્યર્થ જાય છે. બહાદુર પોલીસ અફસરોએ આપેલા જાનની કોઈ કીમત રહેતી નથી. સવારે ઉઠ્યા ગીતા ખોલી બેચાર શ્લોકો વાંચી લીધા. ખલાસ પતી ગયું. હવે રાહ જુવો કૃષ્ણ આવશે ને બધું સારું થઇ જશે. ગીતાનું અપમાન આપણે ભારતીયો કરતા હશે એટલું કોઈ કરતુ નહિ. કોર્ટમાં તોડવા માટે ગીતા પર હાથ મૂકી સોગંધ લેવાય છે. ગીતા પર હાથ મૂકી પછી તત્ક્ષણ જુઠું બોલતા ના શરમાતા ભારતીયોથી વધારે કોણ ગીતાનું આપમાન કરી શકે?

વગર ગીતા વાંચે ચીનાઓ કૃષ્ણની સલાહ માને છે. તમે બળવાન નહિ હોય તો કોઈ પૂછવાનું નથી. ચીન હવે અમેરિકાને પણ દબાવશે. ગીતાને રોજ વાંચવાની જરૂર જ નથી. એના ઉપદેશોને અમલમાં મુકવાની જરૂર છે. નેતાઓ કહેશે અમે જે કરીએ તેમાં શંકા કરશો નહિ, સાધુઓ કહેશે અમે જે કહીએ તે કરો, શંકા કરશો નહિ. સાક્ષરો કહેશે અમે જે લખીએ તે માનો, શંકા કરશો નહિ. બસ આ શંકા ના કરશો એ વાક્યે ભારતનું નુકશાન કર્યું છે એટલું બીજા કોઈ વાક્યે નહિ કર્યું હોય.

9 thoughts on “संशयात्मा विनश्यति । ….. Most Misused.”

  1. પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    Like

  2. ભુપેન્દ્રસિંહજી.નમસ્કાર.
    “संशयात्मा विनश्यति।” આપ પણ સંશય કરો છો !! જરૂર વિનાશ પામશો !! તો વિનાશ ન પામ્યા હોય (સદા અજરાઅમર હોય) તેવાના કોઇની પાસે સરનામાં ઉપલબ્ધ હોય તો જરા મોકલશે? મુળ તો દુકાનો ચલાવવા માટે અર્થનાં અનર્થો કરવા પડે છે. ગીતાનું જ્ઞાન અપાયું ત્યારે, મારી સમજણ પ્રમાણે, બે જ પક્ષ હતા. કૃષ્ણ અને અર્જુન. અન્ય કોઇ પ.પૂ.ધ….ઓ વિશે તો ત્યાં વાત ચાલતી જ ન હોય ! તો હવે આ સંશય કોની પર ન કરવાનું કહ્યું હશે ? મુળ વાત જ એમ છે કે ’તારી જાત પર, તારા આત્મા પર, સંશય ન કર’ “જેને પોતાનામાં (Self) વિશ્વાસ નથી તેનો નાશ નિશ્ચિત છે” હવે જેને પોતાનામાં વિશ્વાસ હોય તેણે અન્યાશ્રય લેવાની જરૂર જ ક્યાં છે ? ૧૦૦ માંથી ૮૦ કે ૯૦ માર્કસનું (Sorry! ગુણનું !!) સાચું જ લખ્યું છે તેવો જે વિદ્યાર્થીને વિશ્વાસ હોય તેણે પછી ’માનતાઓ’ કરવી પડતી નથી !
    “संशयात्मा विनश्यति।” આતો કૃષ્ણએ આપણા જેવા સામાન્ય જનોને બતાવેલું શસ્ત્ર છે, જેનો આપણી અક્કલમઠાઇને કારણે, કહેવાતા ’મહાપુરુષો’ આપણી સામે ઉપયોગ કરે છે.
    હંમેશની માફક, સ___રસ લેખ. (જો કોઇ ને વિચારવું ગમતું હોય તો !!!)
    આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ, એકદમ પરફેક્ટ વાત કીધી.આજ વાત બુદ્ધે જુદી રીતે કહી અપ્પ દીપ્પ ભવ,તમારા દીવા તમે પોતેજ બનો.જેને પોતાના પર વિશ્વાસ ના હોય તે માણસ નિર્ણય લેવામાં અક્ષમ હોય તેનો નાશ થાય,બરોબર ને?

      Like

  3. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
    આપની વાત સાથે હું સહમત છું. આપણાં બાવા-સાધુ-સ્વામીઓ કે ગુરૂઓએ તમામ ધાર્મિક/આધ્યાત્મિક પુસ્તકોનું હંમેશા પોતાના અંગત સ્વાર્થને પોષે તે રીતે જ વિશ્લેષણ કર્યું છે.સંશ્યાત્મા વિંશયતિનું પણ એજ થયું છે. પોતાના આત્માને ક્યારેય નહિ છેતરવો અને આત્માના અવાજ પ્રમાણે વર્તવાની જરુરિયાત સમજાવવાને બદલે ગુરૂ કહે તેમાં શંકા નહિ કરવી અને તે કહે તેમ જ કરવું નહિ તો ભયંકર આનિષ્ટ થશે તેવી ધમકીઓ આપી લોકોને ડરાવતા રહી પોતાનો પાપડ શેકી લેવો તે જ મુખ્ય ઉપદેશ આપવામાં આવે છે. જો કોઈ ધર્મ ખાડે ગયો છે કે સમાજ અધોગતિ તરફ જઈ રહ્યો છે તેમ કહે તો તેવા લ્કોને પણ ગીતામાં ભગવાને કહ્યું જ છે કે જ્યારે જ્યારે અધર્મ વધી જશે ત્યારે ત્યારે અધરમનો નાશ કરવા હું અવતાર ધારણ કરીશ માટે બધું જ ઈશ્વર ઉપર એટલેકે આવા બાવા-સાધુ-સ્વામી કે ગુરૂ ઉપર છોડી દેવાનો ઉપદેશ આપવામાં આવતો રહ્યો છે. સાધારણ લોકોનો આત્મ વિશ્વાસ કેમ ડગી/નબળો પડે તેવી તમામ કોશિશો આ લોકો સતત કરતા રહે છે અને કોઈ જાતની મહેનત કર્યા સિવાય પરાવલંબી બની તમામ જાતના ભૌતિક સુખો છેલ્લામાં છેલ્લા સાધનો ભક્તો ના હિસાબે અને જોખમે વસાવી ભોગવતા રહે છે. આપણાં દેશના લોકોને હંમેશા પોતાના હિત કે કલ્યાણ માટે મહેનત કરતા કરવાનો ઉપદેશ આપવાને બદલે કોઈક આવશે અને તમારા દુઃખ દર્દ દૂર કરશે તેવા ઉપદેશ આપી કામ ચોર-નિર્માલ્ય અને આત્મવિશ્વાસ વગરના બનાવી દઈ દેશને અને લોકોને પછાત રાખવામાં અને અન્યાય સામે કે સત્ય માટે પણ અવાજ નહિ ઉઠાવી શકે તેવા નપૂંસક બનાવી દેવામાં આ લ્કોનો મહ્દ અંશે ફાળો રહ્યો છે. અસ્તુ !
    ચાલો આવજો ! મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  4. જે સ્વીકારવાનું છે ત્યાં શંકા કરવા ની અને જયા શંકા કરવા ની ખુબ આવશ્યકતા છે ..ત્યાં ની:શંક સ્વીકાર કરવો.અહી લોકો એ પોતાની બુદ્ધિ અને તર્ક ને ધર્મ રૂપી પેટારા માં ભરી, અંધશ્રદ્ધા ની અભેરાઈ પર ચઢાવી મુક્યા છે. હવે તે અભેરાઈ પણ ઉંચી થઈ ગઈ અને પેટારા નું ઢાંકણ પણ સોલીડ ચોટી ગયું છે. એટલે શંકા કરવા ને કોઈ સ્થાન નથી.!!!

    Like

  5. अज्ञश्चाश्रद्द्धानश्र्व संशयात्मा विनश्यति ।
    नायं लोकोस्ति न परो न सुखं संशयात्मनः
    योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।
    आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनंज्य
    तस्मादग्यानस्सम्भूतं ह्रत्स्थं ज्ञानासिनात्मनः ।
    छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत (भ. गी. अ. ४, श्लो. ४०, ४१, ४२)

    વિવેકહીન અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિત પણે ભ્રષ્ટ થઈ જાય છે; આવા સંશયગ્રસ્ત માણસ માટે ન આ લોકો છે, ન તો પરલોક કે ન સુખ છે. હે ધનંજય ! જેણે કર્મ યોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પી દીંધા છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અન્તઃકરણવાળા પુરૂષને કર્મો નથી બાંધતાં. માટે હે ભરતવંશી ! તું હ્રદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકજ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ યોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માતે ઊભો થઈ જા.

    શ્રી રાઓલ સાહેબ કૃષ્ણ ગીતામાં કહે છે કે “તું શંકા ના કર.” પણ એક બાજુ તેમ પણ કહે ૧૦માં અધ્યાય શ્લોક ૧ કે “હજી મારા રહસ્યને જાણં તે તારા હિતની ઈચ્છાથી હું કહું છું.”; મતલબે કે તે શ્લોક પરથી તેમ જણાંય છે કે તારે જે જાંણવું હોય તે મારી પાસેથી જાણ પણ શંકા ના રાખ.” અધ્યાય ૪માં ૪૨માં શ્લોકમાં એમ કહે છે કે “તું હ્રદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેકજ્ઞાનરૂપી તલવાર વડે છેદી નાંખ.” તો તે શ્લોક પરથી તેમ જણાંય છે કે સંશય હોવો જોઈએ પણ અજ્ઞાનજનિત સંશય નહિં. છેલ્લે ૧૮માં અધ્યાય શ્લોક ૬૩માં તેમ પણ કહે છે “મે આ તને રહસ્યમય જ્ઞાન કહ્યું પણ હવે તારે જેમ કરવું હોય તેમ કર.” એટલે કે આ શ્લોક પરથી તેમં જણાય છે કે કૃષ્ણ શંકા નહીં કરવાની તેમ કહીને અર્જુનને બાંધી નથી દેતા પણ “જે તને યોગ્ય લાગે તેમ કરવાનું” કહે છે.

    એટલે કે આ બધા શ્લોક પરથી સંપૂર્ણ તેમ જણાંય છે કે અજ્ઞાનજનિત શંકા રાખ્યા વગર સ્વતંત્ર રીતે બધું જાણી લેવું, જિજ્ઞાસાવૃત્તિ કેળવવી, અને સાહેબ તમે જણાવ્યૂં કે “શંકા કર્યા વગર વિજ્ઞાનનો જન્મ નાં થાય.” શંકા, જિજ્ઞાસા અને તર્ક આ ત્રણેય અલગ વસ્તું છે. અને જિજ્ઞાસાથી વિજ્ઞાનનો જન્મ થાય છે. સફરજનનું ઝાડ પરથી નીચે પડવું અને પછી વિચાર આવવો કે “આ સફરજન નીચે કેમ પડ્યું?” પછી તે બાબતમાં વધુને વધુ રસ લેવો પછી ગુરુત્વાકર્ષણનો નિયમની જાણ થવી. આ થઈ જિજ્ઞાસાવૃત્તિ……… તેમ હું માનુ છું.

    Like

Leave a comment