હસતા હસતા દુઃખ વેઠીએ,,,

                *આજે ભારે બરફવર્ષાનું વાવાઝોડું થોડી વારમાં શરુ થવાનું છે. આમારા ન્યુ જર્સીમાં ઘણી જગ્યાએ તો ૨૪ ઇંચ વર્ષા થવાની છે. નીચે દક્ષીણ ભાગમાં આવેલા કેરોલીના અને વર્જીનીયા, મેરીલેન્ડ અને ઓબામાંના ગામમાં તો શરુ પણ થઇ ચુક્યું છે. આજે આખી રાત અને કાલે શનિવાર સાંજ સુધી ભગવાન શ્રી ઉપરથી ઠંડા રૂના પૂમડા જથ્થાબંધના હિસાબે ફેંક્યા કરશે. યુદ્ધના ધોરણે આ વાવાઝોડાનો સામનો કરવાની તૈયારી ચાલી રહી છે. મોટા ખટારા(ટ્રકો) ભરીને મીઠું રસ્તાઓ પર છંટાઈ ચુક્યું છે. બે દિવસ ઘરમાં પુરાઈ રહેવાનું ને શનિ રવિ સપ્તાહઅંતના દિવસો એટલે લોકો હટાયણું(શોપિંગ) કરવા તૂટી પડ્યા છે. દુરદર્શન યંત્ર પરની સમાચાર સેવાઓ સતત સમાચાર આપતી રહેવાની. શ્યામા ચૌધરી ભારે બરફવર્ષા માથા પર ઝેલતા આંખો દેખ્યા અહેવાલો આપતા જોઈ શકાશે. આટલી બરફ વર્ષામાં પણ ઘણા ધોળિયા માથા પર કશું પહેર્યા વગર રૂ પીન્જવાના કારખાનામાંથી બહાર આવ્યા હોય તેમ માથે રૂના ઢગલો પૂમડા સાથે ફરતા  હોય તેવા નજર આવશે. નાના મોટા ખટારાઓની આગળ મોટા પાવડા લાગી ચુક્યા છે. શનિવારે સાંજે બરફવર્ષા બંધ થતા થોડી વારમાં મહત્વના  રોડ રસ્તા પરથી બરફ ગાયબ કરી દેતા વાર નહિ લાગે.
          *વૈશ્વિક ઉષ્ણતા(ગ્લોબલ વોર્મિંગ) વધી રહી છે તેવા અહેવાલોના પરપોટા ફૂટી રહ્યા છે.પણ છતાં ઘણા દમ્ભીઓ  એવું કહે છે એના લીધેજ આવું અનિયમિત ઋતુ પરિવર્તન થઇ રહ્યું છે. મારા શ્રીમતી નોકરી પર ગયા છે, રાતે ૧૨ વાગે છુટશે. ત્યાં સુધીમાં ખાસો બરફ રસ્તા પર પડી ચુક્યો  હશે. પાછા ચારચક્રી લઈને ગયા છે. જોકે એમની પાસે વાહન ચાલન વિષે  ખજાના જેટલું જ્ઞાન છે. જોકે આટલા બરફ માં પહેલી વાર ચલાવશે. આજે એમના જ્ઞાન રૂપી ખજાનાની પરિક્ષા થઇ જશે. આમ તો હું ૨૦ વર્ષો થી ભારતમાં અને અહી બધાજ પ્રકારના વાહનો ચલાવી ચુક્યો છું એક પણ અકસ્માત વગર પણ મારા કરતા એ વધારે જાણે. અહી ભલે એમની ખેંચતો હોઉં પણ અંદર થી ચિંતા થાય છે.
         *મને હમણા કંધશુળ(સોલ્ડર પેઈન) નો પ્રશ્ન ઉભો થયો છે.એટલે સાંધાશુળ નિવારણ કેન્દ્ર માં અઠવાડીએ ત્રણ વાર જવું પડે છે. એટલે શારીરિક કસરતો કરાવતા નિષ્ણાત દાકતર ની સેવા લેવી પડે છે. આમ તો વરસ થી આ શુળ હેરાન કરે છે. અસ્થીભંગ નિષ્ણાત વૈધરાજ મોહનીશ રામાણી સાહેબે મારા ડાબા ખભામાં પોલી સોય વડે બે વાર દવા ઉતારેલી. અને કસરતો પણ મેં નિયમિત કરેલી પણ પાછું ફરી શરુ થયું. આ વખતે તો રામાણી સાહેબે બોલ્યા વગર જ પોલી સોય દ્વારા દવા ઉતારી દીધી, આ ખભાને પણ દવાનો નશો કરવાની આદત પડી હોય તેમ લાગે છે. સાંધાશુલ નિવારણ કેન્દ્રના સંચાલક  છે બેન પૂર્વી પીઠવા. એક સુંદર ત્રાસવાદી. બચપણમાં કોઈ દુશ્મન મિત્રે  ઝગડો થતા આવા હાથ નહિ મચેડ્યા હોય. કદી પ્રયત્ન પણ ના કર્યો હોય તેવી દિશાઓમાં હાથને લઇ જઈને એવો મરોડી નાખે કે બાપા બોલાવી દે. છઠ્ઠી ણું ધાવણ યાદ કરાવી દે. મારા તો માતુશ્રી જીવતા છે પણ મૃત હોય તોયે એમના નામના પોકારો કરી ઉઠીએ. હે માં આ ત્રાસ માંથી છોડાવ. પાછા બહુ સરસ બહુ સરસ કહીને એકાદ વાર વધારે મચડી નાખે. પણ પછી મટી જાય એટલે બધા આશીર્વાદ ભારતીય પરમ્પરા મુજબ આપે. ત્રાસ આપવાના પૈસા લે પાછા. બોલો!!આશીર્વાદ મેળવતા ત્રાસવાદીઓ પણ હોય છે આ દુનિયામાં. કોઈ ત્રાસવાદી એના ગુના કબુલ નાં કરતો હોય તો અહી લાવવા જેવો. ઘડીના છઠ્ઠા ભાગમાં બધા ગુના કબુલી લે. એક ભાઈને કમર શુળ થયું છે. એક યંત્ર પર એમને સુવડાવી ઉપર ખભાના ભાગ થી ચામડાના પટ્ટા વડે બાંધવાના ને નીચે પાછા કમરના ભાગે પટ્ટા બાંધવાના. યંત્ર ચાલુ થાય એટલે પેલા ડાકુઓના ચિત્રપટમાં મુખ્ય નાયક ને  ઘોડા પાછળ બાંધી ડાકુ ઘોડા પર બેસી  દોડતો હોય ને પાછળ પેલો બાંધેલો ઘસડાતો હોય એવું દ્રશ્ય લાગે. પેલા નાયક અભિનેતાનુ કમર શુળ ચોક્કસ મટી જતું હશે. આવા કોઈ અભિનેતાએ ફિલ્મોમાં કામ મળવાનું બંધ થતા અનુભવના આધારે  આવું  કોઈ કમર શુળ નિવારણ કેન્દ્ર શરુ કર્યું હશે. એમાંથી આ ઉપાય શરુ થયો હશે. તો અહી ન્યુ જર્સી માં રહેતા હોય તેવા બ્લોગ જગતના મિત્રોએ આવા કોઈ પણ જાતના શુળ નિવારણ માટે સુંદર ત્રાસવાદીના  સુંદર ત્રાસવાદનો લાભ લેવા જેવો ખરો. આ સાંધાશુલ નિવારણ કેન્દ્ર(હિલીંગ જોઈન્ટસ) ઓક ટ્રી રોડ પર આવેલું છે. કારણ આવા બે ફીજીકલ થેરાપીસ્ટ બદલ્યા પછી આ હાથમાં આવ્યા છે.

7 thoughts on “હસતા હસતા દુઃખ વેઠીએ,,,”

  1. બાપૂ આ તમારા ચોખઠા ( બ્લોગ ) માં લાગે છે કે હાસ્યરસ પાવો વધારે અનુકુળ છે જુઓને કેટલી બધી ઘરાકી ( વાંચકો ) છે. બસ તમતમારે દીધે જાવ અમે પીતા જઈશુ.

    Like

    1. પહેલા તો તમારો આભાર માનવો પડે કે તમે નિસરણી આપી ને હું ચડી ગયો.ને ચોખઠા ચતુર વાચકોને મજા પડી ગઈ.ને આજે તો ઘરાકી પણ ખુબ છે.આટલી તો કોઈ દિવસ ના હતી.જોકે આજે જ બે મહિના થયા આ ચોખઠા ને શરુ કર્યે ને ઘરાકી તો ત્રણ હજાર ઉપર પહોચી ગઈ છે.આ પણ આજે તો રેકોર્ડ તોડ છે,તમારા પ્રતાપે.પ્રેરણા તો તમારી ને?

      Like

  2. સરસ. બહુ જ સરસ. વિચારમંથન જેવી જ ધારદાર હાસ્યની કલમ છે. પણ વિચારમંથન પણ ચાલુ રાખજો.

    Like

  3. ભાઇ શ્રી ભુપેન્ર્દભાઇ,
    તમે તો ગજબની વાત કરી,માણસે ગમે તેવું દુખ હોય પણ હસતા હસતા વેઠી લેવું જોઇએ,
    દરેકે જીવનમાં હસતા-હસતા આ લેખ વાંચીને દુ;ખ હળવું કરવું જોઇએ.
    ખુબ સરસ, આવા સરસ લેખ આપતા રહો.અમે રસપાન કરતા રહીશું.
    -ઘનશ્યામ જય શ્રી કૃષ્ણ.
    http://ghanshyam69.wordpress.com

    Like

  4. આ તમને ખભામાં દરદ થયું એવાં દરદ તો અમને હાલતાં ને ચાલતાં થઈ જાય છે! છેલ્લે તો માત્ર લેપથી ચલાવી લીધું. લેપનું નામ જાણવું છે?
    બજરંગ લેપ!

    Like

Leave a comment