*મારા રોજનીશી જગત ના મિત્રોમાં ના એક અતુલભાઈ નું કહેવું છે કે આ તત્વ ચિંતકો ક્યારે હાસ્ય લેખક બની જાય ને હાસ્ય લેખક તત્વ ચિંતક બની જાય કહેવાય નહિ.સાચી વાત છે.પણ હું તો યાર કોઈ તત્વ ચિંતક નથી.પણ મેં ડાયરા ઘણા બધા ગઢવીઓના સાંભળ્યા છે.અને શાબુદ્દીન રાઠોડ ના ડાયરા પણ સાંભળ્યા છે.આ બધા ખબર નહિ હાસ્ય રસ પીરસતા ને ટુચકાઓ કહેતા કહેતા ફિલોસોફી ના રવાડે ચડી જતા જોયા છે.માલીપા,,,માલીપા એમ વારેઘડીએ બોલતા હસવાની વાતો ને એકદમ ગંભીર બનાવી પોતે મહાન તત્વ ચિંતકો છે એવું દર્શાવતા હોય છે.અરે આ બધા મોટા તો ઠીક પેલો કાલ અતારનો છોકરડો એવો સાઈરામ પણ એના જુવાન મોઢા ને ના શોભે એવી ગંભીર તત્વજ્ઞાન ની વાચેલી વાતો ઉઠાંતરી કરીને કહેતો હોય છે.આમેય એમની એવી તત્વ ચિંતન ની વાતો કોઈ સાંભળતું ના હોય,એટલે ડાયરા માં ચાન્સ મળ્યો છે કે મળશે એવું વિચારી એમની જે મફત માં સલાહ આપવાની ટેવ ની ખંજવાળ હોય છે ,એ અહી ડાયરામાં પૂરી કરતા હોય છે.ચાલ્યા કરે આપણ ને કોઈ લખવા માટે આમંત્રણ નથી આપતું એટલે અહી લખીને ખણ પૂરી કરીએ છીએ.
હસો અને હળવા થાવ,,,
*અમારા એક સબંધી ને પણ આવી ના માગી હોય તો પણ સલાહ આપવાની ગંભીર બીમારી છે.મારે શું સબંધ છે એ જણાવવા માં જોખમ પેલા લીલા પાનાનું(ગ્રીનકાર્ડ) છે.એમને પોતે સર્વજ્ઞ સર્વ વિષયોના જ્ઞાતા નો વહેમ ભરાઈ ગયો છે.કેટલીય વાર અકસ્માત કરી ચુક્યા છે,છતાં વાહન ચલવવા વિષે કબાટ ભરાય તેટલા પુસ્તકો લખી શકે.મારા શ્રીમતી ને પણ વાહન ચાલક પ્રમાણપત્ર(લાયસન્સ)ના હોતું મળ્યું ત્યાર થી વાહન કઈ રીતે ચલાવવું એના વિષે ઉચ્ચવિદ્યાવિશારદ(પી.એચ.ડી) જેટલું જ્ઞાન. વાહન ઉપરથી યાદ આવ્યું કે પહેલા વાહન વ્યવહાર માં ઘોડા વાપરતા.એની યાદગીરીમાં અમારા રાજપૂતોમાં લગ્ન વખતે વરઘોડો નીકળે.વરરાજા ઘોડા પર બેસીને ગામમાં આંટો મારી આવે વાજતે ગાજતે,ને ગામ લોકોને,ખાસ તો યુવતીઓને ખબર પડી જાય કે આતો કોઈએ બોટી લીધો,હાથ થી ગયો.મારા લગ્ન વખતે એવું થયેલું કે બધા ભાઈઓ દુર ને પિતાશ્રી રોજ છચક્રીવાહન(બસ) માં રોજ આવન જાવન કરે વિજાપુર વકીલાત અર્થે.એટલે બધી વ્યવસ્થા મારે જાતે કરવી પડેલી, એમાં પુરતી ઊંઘ નહિ મળેલી.વરઘોડો અમારા ગામ માં લગભગ દોઢ કલાક ચાલે તે મને ઘોડા પર ખુબ આરામ લાગેલો.એમાં હું ઘોડા પર હાથ માં તલવાર ને ઊંઘી ગયેલો.જોકે સ્વભાવ થી કડક એટલે ઊંઘ માં પણ કડક જ રહેલો. કોઈને ખબર ના પડી બેન્ડવાજા ના અવાજ ભર્યા ગીતો માં લોકો મશગુલ. હું ઊંઘી ગયો છું એવો ખ્યાલ મારા પિત્રાઈ ભાઈ શ્રી વિજય સિંહ ને આવ્યો,એ મારી બાજુ પર મારી સેવા માં ચાલતા હતા. એમણે મને ચૂંટલી ભરી મેં એમની સામે જાગીને જોયું તો કોઈ ના સાંભળે તેમ કહે ઊંઘો છો જાગતા રહો.આમ કેટલીય વાર ઝોલા ખાઈ ગયેલો ને દરેક વખતે વિજયસિંહ ના ભારે હાથ ની ચૂંટલી સહન કરવી પડેલી.
*શરુ માં અહી આવીને નોકરી માટે દોડધામ ખાસી કરવી પડે. એક ખાનગી રોજગાર અપાવ સંગઠન(પ્લેસમેન્ટ એજન્સી)માં મારા સાળી લઇ ગયેલા.આ નાના સાળીએ મને ખુબ મદદ આ બાબતે કરેલી.આપણે રસ્તાના અજાણ્યા એટલે તેઓ એમની ગાડી માં લઇ જાય.બીજું અંગ્રેજી પણ એટલું શક્તિશાળી કે સામેવાળા ને જલ્દી સમજાય નહિ,અને એનું આપણ ને ના સમજાય એટલે સાલીસહેબા ને દુભાષિયા ની જવાબદારી પણ સંભાળવી પડે.અહી એક પત્રક(ફોર્મ) ભરવાનું હોય આપણી સામાન્ય માહિતીનું,એમાં કોઈ જગ્યાએ વાયોલેશન વિષે નો સવાલ હતો,એમાં મેં હા(યસ) લખેલું.તો અંદર બોલાવીને એક ધોળી બાઇ મારી માહિતી કઢાવવાનો ગંભીર પ્રયાસ કરી રહી હતી એણે એ વાચ્યું ને મને કહે તે કોઈ મર્ડર કરેલું મેં કહ્યું ના.તો હસીને કહે અહી હા કેમ લખ્યું છે.ત્યારે મને ખબર પડી કે વાયોલેસન એટલે સજા થાય તેવો ગુનો.આવું આપણુ મજબુત ઈંગ્લીશ હતું.આ ધોળીએ એક પત્ર આપ્યો ને એક દવાઓને લગતા ઉદ્યોગ ગૃહ માં અમને મોકલ્યા.જ્યાં મોટા ભાગે ભારતીય બાઈઓ કામ કરતી હતી.મુકરદમ(સુપરવાઈઝર)બહેન પણ ભારતીય મોટા ભાગે ગુજરાતી અને તે પણ પટેલ જ હતા.અહી ભારતીય એટલે ધોળિયા કાલીયા બધા પટેલ જ સમજે.મારી અટક સામુ જોયા વગર પટેલ જ લખી નાખે,તો કાયમ યાદ રાખીને સુધરાવવું પડે.તો મારા સાળી એ પેલા મુકરદમ બહેન ને પેલો પત્ર આપ્યો તો મારા સામુ જાણે હું કોઈ પરગ્રહ વાસી વિચિત્ર પ્રાણી હોઉં તેમ જોયું ને મારા સાળી ને એકદમ ચીસ જેવા આવાજ માં પૂછ્યું,ધીસ ગાય? તો મેં પણ એકદમ જવાબ આપી દીધો આઈ એમ નોટ ગાય,આઈ એમ બુલ.મને થયું આ બાઈ મને ગાય કહે છે.મારા સાળી કહે જીજાજી એવું નહિ ગાય એટલે કાઉ નહિ માણસ ની વાત છે.પેલા બહેન સમજી ગયા ને કહે મજાક કરોછો? તેઓ ગુજરાતીમાં પ્રવેશી ગયા.મેં કહ્યું ખોટું ના લગાડતા હું જરા મજાકિયો છું.મને થયું કે ભરડાઈ ગયું હવે વાત વળી લો.એ દવા ના કારખાના માં મોટા ભાગે ગુજરાતી ગાયો કામ કરતી હતી.એમાં બેચાર ભાઈઓ કામ કરતા હતા પણ સંગદોષ ના લીધે બોલચાલ અને વાણી વર્તન માં આખલા માંથી ગાયોમાં પરિવર્તિત થઇ ચુક્યા હતા.આમેય આમારા દરબારો ની છાપ ખરાબ એ બાબતે ભુરાંટા આખલા જેવા.ગામ આખાની ગાયુ ની પાછળ દોટો મુક્યા કરે.એટલે મને નોકરી ના મળી.
*મારા હાસ્ય લેખો રોજનીશી જગત ના મિત્રો ધડાધડ વાચી ને અભિપ્રાય આપવા માંડ્યા છે.અને મારી ટપાલો(પોસ્ટ)ને લોકપ્રિયતાના અંકમાં ઉપર લાવવામાં ફાળો આપવા માંડ્યા છે,કે દરબાર પાછો ગંભીર ક્રોધરસ થી ભરપુર લખાણો ના રવાડે ના ચડી જાય.એટલે સારા સારા અભિપ્રાયો આપવા માંડજો નહીતો ખેર નથી.
સંગદોષ ના લીધે…હા..હા..હા..ખુબ હસાવ્યા ભૂપેન્દ્રસિંહ…સંગદોષથી માણસ શું નું શું થઈ જાય છે !!! તે વિષે વધારે તમે તમારા હ્યુમરથી જણાવી..માત્ર ગાય જ નહિ ઘણું બધુ…ખુબ સારી ભાષા છે આપની..લખતા રહેજો..
જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે
શીરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે
LikeLike
હું બધું લખી નાખું તો વાચકો એમનું દિમાગ વાપરે નહિ.પણ તમે ખેલાડી સાચું પકડી પાડ્યું.ફરી કદી એવી મજાની ઊંઘ મળી નથી.આભાર.
LikeLike