શેતાનો ભારતમાં હીરો,,

          *ભારતમાં અસલમાં જે હીરો છે , એનો કોઈ ભાવ પૂછતું  નથી. અને જે શેતાનો છે એમને હીરો તરીકે બહુ માન મળે છે. એક સૈનિક દેશ માટે જીવ આપી દે છે પણ એને હીરો કોઈ માનતું જ નથી. ખાલી અમેરિકામાં સૈનિકોને હીરો તરીકે મીડિયાને પત્રકારો તથા અગ્રગણ્ય વ્યક્તિઓ વારંવાર મનાવતા હોય છે. ભારતમાં જે ખરેખર ગુનેગારો છે તેમને હીરો કહેવાનો ચાલ પડી ગયો છે. મીડિયા અને સારા ગણાતા લેખકો પણ આમાંથી બાકાત રહેતા નથી. આ બદમાશોની પ્રશસ્તિમાં બુક્સ  લખાય છે. કવિતાઓ કરાય છે, વાર્તાઓ અને નોવેલો લખાય છે અને પછી ફિલ્મો બને છે.
      *મેં પણ નાનપણમાં આવી ઘણી બધી બુક્સ વાચી છે. વાચ્યા પછી મને કદી આ ગુનેગારો પ્રત્યે નફરત થઇ નથી. કારણ વાર્તાકારની આવડત છે. એ લખેજ એવું કે એને થયેલા અન્યાયને લીધે એ ડાકુ બન્યો એમાં એનો શું વાંક? નાનામોટા અન્યાય દરેકને થતા હોય છે. અને બધા બદલો લઇ  શકતા નથી. માટે આવા લોકો બદલો લે છે ત્યારે લોકોને એમનામાં પોતાનું  પ્રતિબિંબ દેખાય છે. જે પોતે નથી કરી શક્યા, આ લોકોએ પૂરું કર્યું ને આમ એ ગુનેગારો લોકોની સહાનુભુતિ જીતી જાય છે. પ્રતિષ્ઠિત ગણાતા લેખકો પણ આવું બધું લખતા હોય છે. બીજું આ લેખકો એટલા બધા પૂજ્ય હોય છે કે લોકો અંધ થઇ ને એમની વાતો સ્વીકારી લે છે. કૃષ્ણ કહીને ગયા છે કે શંકા કરવી નહિ, પછી શું થાય?
        *મુંબઈમાં પહેલા કરીમલાલા અને એના ભત્રીજાઓ સમદખાન અને આલમઝેબની ગેંગનો ડંકો વાગતો હતો. એમાં પાછો એક વરદરાજન મુદલિયાર કરીને મદ્રાસી ગેંગસ્ટર પણ હતો. દાઉદ ભાઈ નવા હતા અને પગ જમાવવા મહેનત કરતા હતા. ધીરે ધીરે દાઉદ ભાઈએ બધાને ખલાસ કર્યા, ત્યારે  અખબારો દાઉદની બહાદુરીની વાતો છાપતા હતા. દાઉદને હીરો જ માનવા લાગેલા. જયારે બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા પછી લોકો જાગ્યા કે આ હીરો નથી ત્રાસવાદી છે. ફૂલનદેવી બચપણ થીજ ડાકુઓની ગેંગમાં હતી ને જે સરદાર બદલાય એની રખાત બની રહેતી હતી. ચાલો એને અન્યાય થયો હશે  માની લઈએ. હવે જે ડાકુ ટોળકીએ એના પર બળાત્કાર કરેલા એમાંના કોઈ ડાકુને એ મારી શકી ના હતી. પણ જે ગામમાં આ બનાવ બનેલો એ ગામમાં જઈ એણે ૨૦ નિર્દોષ લોકોને લાઈનમાં ઉભા રાખી ને ઉડાવી દીધા. આ લોકોનો વાંક એટલો કે ભરી બંદુકે ઉભેલા ડાકુઓ વારાફરતી એના પર બળાત્કાર કરતા હતા ત્યારે વિરોધ કેમ ના કર્યો? આ ૨૦ મૃતાત્મામાંથી કોઈ એકના વારસદારે એને ઉડાવી દીધી. શેખર કપૂરે એની ફિલ્મ બનાવી ને હીરો બનાવી દીધી ને મુલાયમે તો હદ જ વટાવી દીધી.
          *મને અન્યાય થાય તો મારાથી કઈ બંદુક  લઈને નીકળી  ના પડાય નિર્દોષ લોકોને મારવા માટે. સોરઠી બહારવટિયા પણ ગુનેગારો જ હતા. કોઈ દુધે ધોયેલો ના હતો. એમને કરવેરા કે જમીન બાબતે રજવાડા જોડે મન દુખ થાય એટલે નીકળી પડ્યા બંદુકો ખેચી ને મરો કોનો? ગરીબ ખેડૂતોનો. અને પૈસાદાર વાણીયાઓનો. એમની પ્રશસ્તિમાં લોકો  કવિતા કરે. આ બહારવટિયા પાછા ઢોંગી કેટલા એક હાથમાં માળા ફેરવેને બીજા હાથે બંદુક ચલાવે.  લોકો તો ગાંડા ગાંડા થઇ જાય. આતો ભગત કહેવાય. પુણ્ય શાળી  જીવ. મને પોતાને પણ નાનપણમાં આ સોરઠી બહારવટિયાઓની વાતો વાંચી ને એમના પ્રત્યે અહોભાવ થતો ને એ ભાવનગરના પ્રજા વત્સલ રાજાઓ માટે ઘૃણા થતી. આજ તો લેખકોની કળા છે ને? ભૂપત બહારવટિયાએ નવ,  પુરા નવ પટેલોને એકજ લાઈનમાં ઉભા રાખીને એક જ ૩૦૩ ગોળીથી મારી નાખેલા એવી વાતો વાચેલી. તમને રાજ સામે વાંધો હોય તો રાજ સામે લડો, પણ એમાં તમે કાચા પડો  એટલે નિર્દોષ લોકોને મારોં એમાં કઈ બહાદુરી? મોટા ગજાના લેખકો પણ આવી ગુનેગારોની પ્રશસ્તિમાં રાચતાં હતા. ચિત્રલેખામાં જગ્ગા ડાકુના વેરનાં વળામણા સ્ટોરી આવતી હતી પછી એની બુક્સ બહાર પડેલી. ભાગલા પહેલા એ પાકિસ્તાનમાં અને પછી ભારતમાં ડાકુ ગીરી કરતો હતો. ઘણા લોકોને મારી નાખ્યાં હશે. હવે આ નોવેલ વાંચો તો ક્યારેય એના પ્રત્યે તમને ઘૃણા ના થાય. હીરો જ લાગે. માસ્ટર માંધોસિંહ, મોહરસિંહ અને માનસિંહ આ બધા ચંબલના ગુનેગારો ને આપણાં વાર્તાકારોએ હીરો જ બનાવી દીધેલા છે.
                *પીંઢારા અને ઠગ લોકોનો નાશ અંગ્રેજોએ કર્યો. આ ઠગ લોકો કોઈ વેપારી વેપાર કરવા જતો હોય કે એના કુટુંબ સાથે બીજે ગામ જતો હોય ત્યારે પેલા શેઠ જેવા બની એમની સાથે થઇ જતા, વૈભવ પણ એવો બતાવે કે પેલા ને ખબર ના પડે. ચોક્કસ સમયે બધા ઠગ રેશમી રૂમાલ લઇ પેલા લોકોને ખબર ના પડે તેમ ઉભા હોય ને સરદાર નો ઈશારો થતા દરેક ને ગળે રૂમાલ વીંટી મારી નાખતા. ક્રુરતા એવી કે નાનું બાળક પણ જીવતું ના રાખે. કોઈ પુરાવો ના જોઈએ. પણ વાર્તાકારની ખૂબી એવી કે આટલા ક્રૂર માણસો માટે પણ તમને ઘૃણા ના  થાય. વાચવી હોય તો “અમીર અલી ઠગ ના પીળા રૂમાલ ની ગાંઠ” વાચી લેજો.
           સોરઠી બહારવટિયાઓએ ખુબજ કાળા કામો કરેલા છે.સોરઠના રાજાઓ એટલા બધા ખરાબ ના હતા. આજ રાજાઓએ સમાધાન કરી ને આજ બહારવટિયાઓને પ્રજાના જાનમાલની રક્ષા માટે ગળે લગાવ્યા હતા. આપણે ત્યાં સાધુઓ  જે શેતાન જેવા કામો કરે છે તે, અને શેતાનો બધાને હીરો બનાવી દેવાનો ખોટો રીવાજ પડેલો છે. રમત ગમતમાં ખાલી ક્રિકેટરો,  બીજો કોઈ યાદ ના આવે.અને ફિલ્મી લોકોતો આંખોના તારાઓ છે. આ લોકો પાછા હોશિયાર હોય છે, સારા સારા લેખકો અંકે કરી લેવાના. વાર્તા પૂરી. એમાં અસલ હીરો જે સૈનિકો છે, વૈજ્ઞાનિકો છે એ તો ભુલાઈજ  જાય છે. કોઈ ભાવ પણ પૂછતું નથી.
        *આ લોકશાહી થોડી વહેલી આવી હોત તો ચોક્કસ જોગીદાસ ખુમાણ ગુજરાતના મુખ્ય મંત્રી હોત,અને કાદુ મકરાણી અને  હયાતખાન પોલીસ ખાતાના વડા હોત. ભૂપત ગૃહખાતું સંભાળતો હોત. ખોટો ભૂપત પાકિસ્તાન ભાગી ગયો. અહી સારો ચાન્સ હતો. આમેય શાયરોએ એમને પ્રસિદ્ધી તો અપાવી જ દીધી હતી.ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. પાછું નામ  આગળ વીર લગાવી દેવાનું. હથિયાર વગરના ગરીબ ખેડૂતો ને મારનારા વીર પુરુષો. એકાદ બે સારા કરેલા કામો ગાઈ ગાઈ ને ઢોલ પીટવાના ને એની આડમાં હજાર ખોટા કામો છુપાવી દેવાના. આ બહારવટિયાઓ નેતાઓ હોત તો છાપા વાળા શું લખતા હોત? ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વીર જોગીદાસ ખુમાણ, શિક્ષણ ખાતાના પ્રધાન શ્રી વીર કાદુ મકરાણી સાહેબ. અનુભવ ૫૦૦ હત્યાઓ, ૧૦૦૦ લુંટ, ૨૦૦ગામ ભાગ્યાં, ૬૦૦ જાન લુંટી, ૨૦૦ વરરાજા માર્યા, નવવધુને હાથ પણ ના લગાવ્યો(ભગતડા), છેલશંકર દવેની  કુમક આવી જવાથી ૫૦૦ ગામ ભાગ્યાં વગર ભાગી ગયા. ૨૦૦૦ ખેતરોના પાક નો નાશ કર્યો.આતો સારો અનુભવ કહેવાય ચાલો જલ્દી જલ્દી શપથ લેવડાવી લો આવો મુખ્ય મંત્રી ફરી નહિ મળે.
                         *હમણા એક એન્જીનીયર આવેલા, કહે આ બહારવટિયા ખુબ જ પવિત્ર ,કોઈ બાઈ ને સુવાવડ થતી ન હોય ને બાળક અટકી ગયું હોય તો એમના લેંઘાનું નાડુ પાણીમાં બોળીને એ પાણી પેલી બાઈને પાઈ દેવાનું. તરતજ છુટકારો થઇ જાય. એ જમાનામાં ચોયણો પહેરતા. આ ચોયણો ક્યારે ધોયો હોય ખબર નહિ. ચોયાણાના નાડા અને ડીલીવરીને કોઈ સબંધ ખરો?  કોઈ વૈજ્ઞાનિકતા ખરી? નાડુ જ શું કામ, બીજું કશું બોળીને કેમ નહિ? ડોકટરોએ આ લોકોના જુના નાડા ભેગા કરી રાખવા જોઈએ, ખોટી મહેનત કર્યા વગર નાડુ બોળી પાણી પાઈ દેવાનું.  મોટા ગજાના લેખકો પણ આવી અંધ શ્રદ્ધા ફેલાવતા, ત્યારે આજે પણ એક એન્જીનીયર આવી ગાંડી વાતોમાં વિશ્વાસ રાખે છે.
       *આ સૈનિકો બોર્ડર પર લડે છે ? કોના માટે ? એમના પોતાના માટે?એમને કોઈ વ્યક્તિગત દુશ્મની ખરી પાકિસ્તાન કે ચીનના સૈનિકો સાથે? ના એમને કોઈ દુશમની નથી. એ લોકો તમારું રક્ષણ કરવા જે એમના દુશ્મન નથી, એમની સામે લડે છે. કે પછી એમની જોબ છે. જયારે આ બહારવટિયાને ડાકુઓ શું તમારા માટે લડે છે? ના એમના વ્યક્તિગત લાભાલાભ માટે નિર્દોષો ને મારે છે. એ જ તમારા હીરો? કદી શેખર કપૂરે પેલા ૨૦ ફૂલન દેવીએ   મારેલા નિર્દોષોના ઘરની  મુલાકાત લીધી છે?એમના ઘરના હાલ્લાં કઈ રીતે રંધાતા હશે એની ફિકર કરી છે? આ બહારવટિયા કોઈ જુના નથી. આઝાદી પહેલાના ગાંધીજીના સમકાલીન છે. દરેક રજવાડાને બહારવટિયાઓની સમસ્યા નડતી હતી. એટલે છેલભાઈ દવે   કરીને એક બાહોશ બ્રાહ્મણ ડી.એસ.પી ને બધા રજવાડાઓ તેમના રાજ્યના પોલીસ વડા તરીકે રાખતા હતા. વારાફરતી  ઘણા બધા રજવાડાઓમાં એમણે સેવા આપીને મોટા ભાગના બહારવટિયા ઓનો નાશ કરેલો.
           *કોઈ સૈનિકના ઘરના ઇન્ટરવ્યું લઈને આપણાં કોઈ લેખક ને નોવેલ લખવાનું કદી સુજ્યું છે? ના, આ શેતાન દિમાગોના ઘરે, અને જેલમાં  વારવાર ઇન્ટરવ્યું લઈને મોટી મોટી કિતાબો લખી એમના રોટલા રળી ખાધા આપણાં મહાન લેખકોએ. સૈનિક તો હિંસક કહેવાય. આ અહિંસક દેશમાં એમની શી કીમત? અને આ ગુંડાઓ તો બહાદુર કહેવાય અન્યાય સામે લડનારા, ભલે નિર્દોષ લોકો મરતા.. આટલા યુદ્ધો થયા કદી કોઈ બહાદુર સૈનિકની રીયલ સ્ટોરી જ મળી નથી આપણાં લેખકોને લખવા માટે. ગુંડાઓના ઈન્ટરવ્યું લઇ એમની પ્રશસ્તિમાંથી ઊંચા આવેતો ને?  “કાયર અને કમજોર પ્રજા હોય ત્યાં ગુનેગારો હીરો તરીકે પુંજાય”…

4 thoughts on “શેતાનો ભારતમાં હીરો,,”

  1. અસત્ય ને વારંવાર તમારી સામે લાવવામા આવે તો એ પણ સત્ય બની જતુ હોય છે. ખરેખર આવા ગુનેગારો ને હીરો બનાવામાં આપણા લેખકો નો ફાળો ખરો.

    Like

  2. નેતાઓ સત્તા મળતા ગુંડા બની જાય છે ને ગુંડાઓ સત્તા મેળવવા નેતાઓ બની જાય છે.નબળા નેતાઓ ગુંડાઓ ના સહારે સત્તા મેળવતા થાય એટલે ગુંડા ને થાય કે હું પોતેજ કેમ નેતા ના બની શકું?આખરે મારી મદદ થીજ આ લોકો ખુરશી પર બેસતા હોય તો હું પોતેજ કેમ ના બેસું?

    Like

  3. આ લેખકો એટલા બધા પૂજ્ય હોય છે કે લોકો અંધ થઇ ને એમની વાતો સ્વીકારી લે છે.કૃષ્ણ કહીને ગયા છે કે શંકા કરવી નહિ,પછી શું થાય?

    આમા વાલીયો લુંટારો પણ આવી જાય.

    Like

  4. સૈનિકો વિષેનું તમારું તારણ એક હકીકત છે. પાનના ગલ્લે ઊભા રહીને ફલાણા દેશ પર ચડાઈ કરીને એને સાફ કરી નાખવો જોઈએ એમ બોલનારાને એ વિચાર નથી આવતો કે સરહદે લડવા કોણ જાય છે!! એ જ સૈનિકોને પાછા ઘરની હોળી ઠારવા શહેરોમાં બોલાવવા પડે!
    લેખકોએ બહારવટિયાની કાલ્પનિક વાતો પણ ઘણી લખી છે.
    હે.. વાચકોની નાડને …જેને પારખવાના હોય કો…ડ

    એણે પાડવો પડે … જાતસંગાથે તો…ડ.

    માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

    વારતાજીના ટાંટિયે વળગી જાવી

    … લેખકોએ કે કલાકારોએ પણ પોતાની જ જાત સાથે તોડ કરવા પડે છે!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s