જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા, THE FORGOTTEN HEROES.

જેઓ આપણાં માટે લડ્યા અને મર્યા, THE FORGOTTEN HEROES.

They lived for India, died defending India. The forgotten heroes of 1971 War.

ડીસેમ્બર ૧૬, ૧૯૭૧ લેફ્ટેનેન્ટ જનરલ આમીર અબ્દુલા નિયાઝી તેમના ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો સાથે ભારતના લેફ્ટેનેન્ટ જનરલ જગજીતસિંઘ અરોરા સામે ઢાકા મુકામે શરણે થયા. ઢાકાથી તમામને ભારત લવાવવામાં આવ્યા. આર્મી કેમ્પમાં રાખેલા આ યુદ્ધ કેદીઓને કરોડોના ખર્ચે સારામાં સારી ખાતર બરદાસ્ત કરવામાં આવી.

જુલાઈ ૨, ૧૯૭૨ના રોજ ઈન્દિરાજી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ શિમલા કરારમાં મત્તું માર્યું. એક બીજા દેશોના યુદ્ધ કેદીઓને પરત કરવાના આ કરારનું પાકિસ્તાન ધરાર અવગણના કરવાનું હતું. યુદ્ધ જીત્યાંના કેફમાં ભારતના ઈતિહાસમાં એમના નામે સુવર્ણ અક્ષરે લખાયેલા પાનાઓમાં, એક કાળું પાનું પણ લખાઈ જશે એનો આ લોખંડી મર્દ વડાપ્રધાન ઇન્દિરાજીને અંદાઝ ના આવ્યો. આપણે તો બધા યુદ્ધ કેદીઓને (૯૩૦૦૦) પ્રમાણિકતાથી પાછા સોપી દીધા, પણ ભારતના ૨૨૩૮ સૈનિકો તથા ઉચ્ચ અફસરો એમના મૃત્યુના કોઈ પુરાવા વગર મિસિંગ હતા, ગુમ હતા. ૬૧૭ સદભાગીઓ ને પાકિસ્તાને પાછા મોકલ્યા. બાકીના ૧૬૨૧ બહાદુરો કોઈ પણ પ્રમાણિક પુરાવા વગર ભારત સરકારે મૃત્યુ પામેલા સમજી એમની ફાઈલો બંધ કરી દીધી. ના કોઈ તપાસ ના કોઈ પાકિસ્તાન પાસે માંગણી કરવાની દરકાર. પોતાના અસલી હીરોને ભૂલી જવાની કલંક કથા લખવાનું ભારત સરકારે શરુ કર્યું. એમની માની લીધેલી વિધવાઓને પેન્શન આપવાનું શરુ કરી દીધું. એમના વૃદ્ધ માબાપને ફેમીલી પેન્શન આપવાનું શરુ કરી દીધું. ભારત સરકાર ભૂલી ગઈ એના બહાદુર સૈનિકોને અને અફસરોને અને આ ૧૯૭૧ના યુદ્ધના હીરોને પાકની જેલોમાં અસીમ યાતનાઓ ભોગવવા માટે છોડી દીધા.

પાંચમી આસામ રેજીમેન્ટના યંગ મેજર અશોક સૂરી કરાચી જેલમાંથી યેનકેન પ્રકારે ત્રણ પત્રો ભારત મોકલવા સફળ થયા. એક પત્ર તારીખ-૭ ડીસે, ૧૯૭૪, બીજો ૨૬ ડીસે, ૧૯૭૪ અને ત્રીજો ૧૬ જુન, ૧૯૭૫ એમ ત્રણ પત્રો એમના પિતાશ્રી ડો.રામસ્વરૂપ સૂરીને ફરીદાબાદમાં મળ્યા. એમના લખ્યા પ્રમાણે બીજા ૨૦ ભારતીય અફસરો સાથે તેઓ કરાચીની જેલમાં હતા. ડો.સૂરી સીમલા કરારનો ભંગ કરી રાખેલા આ તમામને છોડાવવાની વિનંતી સાથે ઈન્દિરાજીને મળ્યા. પરિણામમાં કશું નહિ. ૧૯૭૪ થી ૧૯૯૭ સુધીમાં વૃદ્ધ સૂરી સાહેબ શ્રી. નરસિંહરાવ, શ્રી. દેવગોવડા, શ્રી. આઈ.કે.ગુજરાલ, ગર્જનાઓ કરતા શ્રી. અટલ બિહારી બાજપેઈ તમામ અહિંસાને વરેલા વડાપ્રધાનોના પગથીયા ઘસીને ભુલાએલા હીરોને છોડાવવાની લડાઈ લડતા લડતા દેવલોક પામ્યા.

એવી જ રીતે ૯૫ વર્ષના વૃદ્ધ કાંગડાના લાલારામ શર્મા, રીટાયર કર્નલ ધનદાસ, શ્રીમતી સુશીલ ત્યાગી, ફરીદાબાદના શ્રીમાન/શ્રીમતી ઘોષ, નવી દિલ્હીના એલ ડી કૌરા અને સભરવાલ આ તમામ એમના વહાલા દીકરાઓની રાહ જોતા હતા. અને એવી જ રીતે પૂનમ ગોસ્વામી, દમયંતી તાંબે, કમલેશ જૈન, નિર્મળ કૌર, કાન્તાદેવી રાનોદેવી, સુમન પુરોહિત છેલ્લા ૪૯ વરસથી એમના પતિદેવોની રાહ જોઈ રહી છે.

૨૦૦૪માં મિસ્ટર એમ. કે. પૌલ માનવ અધિકાર પંચના આન્તર રાષ્ટ્રીય સંમેલન ફ્રાંસ ગયેલા ત્યારે ૩૫૦ ડેલીગેટો વચ્ચે આ પ્રશ્ન ઉઠાવેલો. ત્યારે તમામે કબુલ્યું કે પાકિસ્તાન દ્વારા આ માનવ અધિકારો સામેનો મોટામાં મોટો ગુનો છે. અને આજ પ્રશ્ન રેડ ક્રોસ જીનીવામાં પણ એમણે રજુ કરેલો ત્યારે પૂછવામાં આવેલું કે તમે ભારતના પ્રતિનિધિ તરીકે બોલો છો? ત્યારે જવાબમાં એમણે કહેલું કે ના પણ હું ભારતના ૧૦૦ કરોડ લોકો અને અને આ ખોવાએલા સૈનિકોના સગાઓ દ્વારા રચવામાં આવેલા એસોસીએશનના પ્રતિનિધિ તરીકે બોલું છું. ત્યારે સામેથી અણીયાળો સવાલ પૂછવામાં આવેલો કે આ ગંભીર ઇસ્યુ બાબતે તમારા દેશે આન્તર રાષ્ટ્રીય સ્તરે કેટલો પ્રયત્ન કરેલો છે? મિસ્ટર પૌલ પાસે કોઈ જવાબ ના હતો. ભારતના કોઈ વડાપ્રધાને કે મીનીસ્ટ્રી ઓફ એક્સ્ટર્નલ અફેર્સ કે ભારતીય માનવ અધિકાર પંચ કોઈએ ગંભીર રીતે પ્રયત્ન કર્યો નથી ૧૯૯૬ થી ૨૦૦૦ સુધી જુદા જુદા સભ્યોએ ૧૨ વખત સંસદમાં આ સવાલ ઉઠાવ્યો છે. પરિણામ શૂન્ય.

સુમન પુરોહિત લગ્નના ફક્ત અઢાર જ મહિના વીત્યા છે, અને વહાલસોયો પુત્ર ફક્ત ત્રણ જ મહિનાનો થયો છે, એમના પતિ ભારતીય વાયુ સેનાના ફ્લાઈટ લેફ્ટેનેન્ટ મનોહર પુરોહિત ૯, ડીસેમ્બર ૧૯૭૧ ના રોજ રાજસ્થાન સેક્ટર થી પાકિસ્તાન તરફ ઉડાન ભરે છે. ફરી પાછા ક્યારેય આવતા નથી. જેઓને પાકિસ્તાન ની જેલોમાં અસીમ યાતનાઓ ઝેલવા છોડી દેવાયા ભારત સરકાર દ્વારા, એ ૧૯૭૧ના યુદ્ધના હીરોસ માના મનોહર પુરોહિત

ના પત્ની સુમન પુરોહિત ત્યારે ફક્ત ૨૩ વર્ષના યુવાન હતા,

અત્યારે ૭૨ વર્ષના થઇ ચુક્યા છે. આ તમામ ૫૪ જણાંને મિસિંગ ઇન એક્શન તરીકે નોધી દીધા છે. ના તો ભારત સરકાર ના તો પાકિસ્તાન સરકાર કોઈએ યુદ્ધ કેદી તરીકે નોધ્યાજ નથી.

ઘણા માનતા હશે આ લોકો મૃત્યુ પામ્યા હશે, પણ ના એમના કુટુંબી જનોને જીવતા હોવાના પુરાવા મળ્યા છે. રાજેશ કૌરાંના ભાઈ રવિન્દર કૌરાં પાકિસ્તાની ટ્રુપ્સ દ્વારા પકડાયા ત્યારે એમનો વાયરલેસ ઓપરેટર છટકીને ભાગી આવ્યો હતો. અને એમના કુટુંબીજનોને સમાચાર આપેલા કે તેઓ જીવતા છે. ઘણા બધા મીલીટરી અને નોન મીલીટરી કેદીઓ એ જણાવેલ કે કેપ્ટન કૌરાં એમને પાક જેલોમાં મળેલા છે. બીજા કેદીઓ, રેડિયો, ન્યુઝ પેપરના રીપોર્ટસ, જેલો બદલતા કેદીઓના પ્રસંગોપાત અકસ્માતે લેવાએલા ફોટોગ્રાફસ અને ખુદ કેદીઓ એ લખેલા પત્રો આ બધા પુરાવા હોવા છતાં ભારત સરકારે કરેલી ભયાનક ભૂલ છતી ના થઇ જાય માટે, કોઈ સરકારે ગંભીર રૂપે પ્રયત્નો ના કર્યા.

અપ્રિલ ૧૯૭૯ માં પાકની જેલોમાંથી પાછા ફરેલા બીજા કેદીઓના એક ગ્રુપે ભારતીય ઇન્ટેલીજેન્સ સર્વિસ આગળ ૪૦ આવા યુદ્ધ કેદીઓનું લીસ્ટ રજુ કરેલ. યોગ થેરાપીસ્ટ ડો.રામસ્વરૂપ સૂરી એ આ ૪૦ જણાંના સગાઓને યેનકેન પ્રકારે સરનામાં શોધી પત્રો લખી ભેગા કર્યા. મિસિંગ ડીફેન્સ પર્સોનલ રીલેટીવ એસોશિયેશન સ્થાપી આ લોકોને શોધવા માટે, પાછા લાવવા માટે એક કેમ્પેન શરુ કર્યું. મી.ગીલ એમાં જોડાયા. એમના ભાઈ વિંગ કમાન્ડર હરશરણસિંગ ગીલના સાથીદારના કહેવા મુજબ એમનું પ્લેન ગ્રાઉન્ડને ટચ થતા એ બહાર નીકળી ગયેલા. પાછા ફરેલા ઘણા કેદીઓને આ વિંગ કમાન્ડર મળેલા છે.

જવાહરલાલ નહેરુ યુનીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર મીસીસ દમયંતી તાંબે, એમના પતિ ફ્લાઈટ લેફ્ટેનેન્ટ વી વી તાંબેને છોડાવવા ભારત તેમજ દરેક પાક સરકારોને લખી ચુક્યા છે. એમણે મોકલેલ બધા પુરાવાઓ એક જગ્યા એથી બીજી જગ્યાએ અથડાઈને બીજા વધારે પુરાવા રજુ કરોની ટીપ્પણી સાથે પાછા ફરેલા છે. શ્રીમતી તાંબેને ફક્ત એકજ વરસ થયેલું એમના લગ્નને જયારે એમના પતિનું પ્લેન પાકમાં તોડી પાડવામાં આવેલું.

હમેશા માનવ અધિકારના બહાને કોઈ એન.જી.ઓ ને આ બહાદુર વીર અફસરોના સગાઓના સંગઠનને મદદ કરતા જોયું છે ખરું? આ કોઈ સામાન્ય સૈનિકોના હતા. ઉચ્ચ હોદ્દો ધરાવતા ભારતીય સેનાના અફસરો હતા, અને સામાન્ય સૈનિક હોય તો પણ શું થયું?એનાથી સરકારની જવાબદારી ઓછી ના થઇ જવી જોઈએ.

જસબીર કૌરને હજુ એમના પતિ કંવલજીત સિંગ પાછા ફરશે એવી આશા છે. એમની દીકરી જસપ્રીત હવે યુવાન થઇ ચુકી છે, એ ફક્ત ફોટા વડે પિતાને ઓળખે છે, પણ એને આશા છે કે એક દિવસ જરૂર પિતા રુબરુમાં મળશે. ૨૦૦૭માં જસબીર બીજા યુદ્ધ કેદીઓના ફેમીલી સાથે પાકિસ્તાન ગયેલી. આ મુદ્દો જાહેર થયા બાદ પાક સરકારે કેટલાક યુદ્ધ કેદીઓના સબંધીઓને જેલો ચેક કરવા ને એમના જેલ સ્થિત સબંધીઓને ઓળખવા આમંત્રણ આપેલું. ત્યાં લાહોરની જેલમાં એક માણસે જસબીરને કહેલું કંવલજીત સિંગ જીવે છે, પણ કોઈના હાથમાં કશું ના આવ્યું. કેમ? જસબીર કહે છે સાંજ પડે પક્ષીઓ પણ માળામાં પાછા આવે છે. છેલ્લે એમના પતિનો અવાજ તારીખ ૩ ડીસે,૧૯૭૧ના રોજ ફોન કોલ હુસૈનીવાલથી આવેલો ત્યારે સાંભળેલો.

કમલેશ જૈન, મોહિન્દર કુમાર જૈનના પત્ની આજે પણ દરેક ભોજનનો પ્રથમ કોળીયો ભરતા હૃદયમાં એક ચુભન સાથે વિચારે છે કે એમના પતિએ આજે ખાધું હશે? પાકની જેલમાં એમને આજે શું ખાવાનું મળ્યું હશે? શા માટે તેઓ વરસોથી દુ:ખ સહન કરી રહ્યા છે? કેમ કે તેઓ ભારતના વફાદાર સૈનિક હતા માટે? એમની ત્રણ દીકરીઓ હવે પુખ્ત બની ચુકી છે, અને માતાના, પિતાશોધો અભિયાનમાં લાગી ગઈ છે. એમની ફાઈલો ભરાઈ ગઈ છે, હોમ મીનીસ્ટ્રીને, આર્મીને, માનવાધિકાર પંચને લખેલા પત્રોથી. એમના વહાલા જનોને છોડાવવાની એક લાંબી લડાઈ લડી રહ્યા છે. કોઈ મીનીસ્ટરની ડોટરને છોડાવવા ત્રાસવાદીને છોડી દેવામાં આવે છે, જયારે એના સૈનિકને છોડાવવા કોઈ પાસે સમય નથી આ છે શબ્દો કમલેશ જૈનના. એમના પતિનો છેલ્લે અવાજ એમણે પઠાનકોટથી આવેલા ફોન દ્વારા સાંભળેલો તારીખ હતી ૯ ડીસે.૧૯૭૧.

મનોહર પુરોહિતનો દીકરો ફક્ત ત્રણ મહિનાનો હતો. હવે એને પણ દીકરો છે. એમના માતા સુમન પુરોહિત આગ્રા કદી છોડવા તૈયાર નથી, કારણ એમના પતિ છેલ્લે ૯ ડીસે, ૧૯૭૧ના રોજ એમની સાથે રહીને યુદ્ધમાં ગયેલા. એમને આશા છે કે જ્યાંથી છોડીને ગયા છે ત્યાજ પાછા મળશે. આગ્રા સમીટ વખતે મુશર્રફે આ કુટુંબોને વચન આપેલું કે પોતે આ ઇસ્યુ ના તળ સુધી પહોચશે. વિપુલ પુરોહિત મુશર્રફ અને બાજપેઈને વિનંતી કરતા હતા કે આ યુદ્ધ કેદીઓને સ્મગલર કહો, ગેરકાયદેસર પ્રવેશ કરનારા કહો, માછીમાર ગણાવો જે કહેવું હાય તે કહો પણ ફક્ત અમને ખાલી પાછા આપો. સુમન કહે છે તેઓ હરપળ મારી સાથે છે, સારા છે, જીવે છે અને પાછા આવશે.

અશોક સૂરીના મોટા ભાઈ બી.કે.સૂરી એ ભાઈ માટે નવા મકાનમાં એક અલાયદો માળ જુદો રાખ્યો છે, ક્યારેક તો ભાઈ પાછો જરૂર આવશે. હજુ સવારે ભાઈના ફોટાને પહેલું તિલક લગાવવામાં આવે છે. સરકાર ભલે કશું ના કરે ભગવાન જરૂર કરશે. એમના પિતા જીવ્યા ત્યાંસુધી આખો દિવસ એકજ કામ કરતા હતા કઈ રીતે દીકરાને છોડાવી શકાય. બીજા યુદ્ધ કેદીઓના સગાઓને ભેગા કરવા, એમના સરનામાં શોધવા, લખાપટ્ટી કરવી. બી.કે સૂરી કહે છે મારા પિતા મર્યા ત્યારે દિલમાં એક અજંપો લઈને મર્યા કે મારો દીકરો મદદની ભીખ માંગી રહ્યો છે ને હું કશું કરી ના શક્યો. આ હાય જેને લાગવાની હશે તેને લાગશે પણ અત્યારે તો?

કમલેશ જામવાલ, કેપ્ટન દલગીરસિંગના પત્ની એમના પતિ સપનામાં આવીને કહી ગયા છે કોઈનું માનીશ નહિ, હું જીવું છું મરી નથી ગયો. પતિ મરી ગયો છે એવું ભલે સરકાર કહે, પણ એમજ પત્ની કઈ રીતે માની લે? જેવું વિચારીએ તેવાજ સપના આવેને?

પૂનમ ગોસ્વામી, ફ્લાઈટ લેફ્ટેનેન્ટ સુધીરકુમાર ગોસ્વામીના પત્ની ૫ ડીસે, ૧૯૭૧ના રોજ એમના પતિ યુદ્ધમાં ગયા ત્યારે ફક્ત એક મહિનાની દુલ્હન હતા. કદી ના ડગે તેવા વિશ્વાસ અને અખોમાં આંસુ સાથે કહે છે, એમના પતિ જતા જતા કહેતા ગયા હતા કે યાદ રાખ કોઈ સમાચાર સારા સમાચાર સૈનિકો માટે હોતા નથી. છતાં પાછા ફરશે તેવા સારા સમાચારની હમેશા રાહ જુવે છે.

વિનોદ કુમાર સાહની બી.એસ.એફના ઇન્ટેલીજેન્સ વિભાગમાં કામ કરતા હતા. ૧૯૭૭માં પાક રેન્જર હાથે ઝડપાઈ ગયા. ૧૦ વર્ષ પાકની જેલોમાં રહ્યા. ભારતના યુદ્ધ કેદીઓ ને એમના કહ્યા મુજબ જયારે કોઈ માનવા અધિકાર પંચના સભ્યો કે બીજા કોઈ દેશોના ડેલીગેશન આવે ત્યારે આ અભાગીયાઓને નીચે ભોયરામાં છુપાવી દેવામાં આવતા. અથવા કોઈ બીજી ગુપ્ત જગ્યાએ લઇ જવામાં આવતા. પાકિસ્તાનની જેલોના નકશા વિષે થોડી કોઈને માહિતી હોય? જેટલું બતાવે એટલું જ જોવાનુંને? ભારતમાંથી આ લોકોના સબન્ધીઓને ભલે બોલાવ્યા જોવા પણ બધું કઈ રીતે તમે ચેક કરી શકો? અને એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરતા વાર કેટલી?

૧૯૭૭ માં ભુટ્ટોને જેલમાં ધકેલી દેવાયા. ૪ અપ્રિલ ૧૯૭૯માં ભુટ્ટોને ફાંસી લટકાવી દેવાયા. એ પહેલા ભુટ્ટો જુદી જુદી જેલમાં રહી ચુક્યા હતા. લાહોરની કોટ લખપત જેલમાં ત્રણ મહિના ભુટ્ટો રહેલા. રોજ રાત્રે એમની કોટડીની દસ ફૂટ ઉંચી દીવાલની બીજી બાજુથી ભયાનક ચીસો, બુમોના અવાજોથી ભુટ્ટો સુઈ શકતા ના હતા. એ ત્રાસદાયક ચીસો અને રડવાના ત્રાસદાયક પીડા વ્યક્ત કરતા અવાજોથી ભુટ્ટો પરેશાન થઇ ગયા હતા. એમના વકીલે આ બાબત ભુટ્ટો દ્વારા જાણતા ગુપ્ત રીતે જેલના સ્ટાફને પૂછીને માહિતી મેળવી. એ બાજુની દીવાલને પેલે પારથી આવતા અવાજો એ ભારતના ભુલાએલા, તરછોડાએલા, પાક અત્યાચારીઓના ત્રાસ વેઠવા છોડી દેવાયેલા અને પાકના સૈનિકોના શારીરિક અત્યાચારો સહન કરી રહેલા એ અભાગિયા અફસરોના હતા. આપણે ઘરમાં પત્ની પરનો ગુસ્સો છોકરાઓ ઉપર કાઢીએ છીએ. એ માનસિકતાએ ભારતના સૈન્યના હાથે હારેલા, અવહેલના પામેલા, આબરૂ ગુમાવેલા, શરણે થયાનું આપમાન વેઠેલા એ પાક સૈન્યના સૈનિકોએ, મીલીટરી જેલના જેલરોએ આ અભાગિયાઓ ઉપર કેટલા જુલમ વર્તાવ્યા હશે એનો કોઈ અંદાઝ આવે છે ખરો? આ એક ઓથેન્ટિક પ્રમાણ હતું કે આપણાં આ બહાદુરો, ભૂલાયેલા હીરોસ જીવતા હતાને પાક જેલોમાં અસીમ યાતનાઓ વેઠતા હતા, પારાવાર વેદનાઓ ભારતના સૈનિકો હોવાના નાતે વેઠતા હતા. વિક્ટોરિયા સ્કોફીલ્ડે ૧૯૮૦માં પુસ્તક લખેલું, ભુટ્ટો ટ્રાયલ એન્ડ એક્સીક્યુસન, એમાં આ વાત નોધેલી છે.

૨૫ હજાર કરતા પણ વધારે એમાંથી કોઈ પણ ધાર્મિક સંગઠને આ પ્રીજનર ઓફ વોરના કુટુંબીઓના એસોશિયેશનને મદદ કરી છે ખરી? કેમ? કેમકે દેશ આખો અહિંસાને વરેલો છે. આ અભાગીયાઓને મિલિટરીમાં જવાનું કોણે કહેલું? ભોગવો હવે.

Ashok suri wrote in his letter “I am quite ok in pak,there are 20 officers here,contact the indian army”. His father got this letter in Faridabad.His father got three letters.

જુન ૧, ૨૦૦૭ના રોજ પાકના પ્રમુખ મુશર્રફે આ ૫૪ બહાદુઓના સગાઓમાંથી ૧૪ જણાંને વિસા આપી જેલોમાં જોવાની, ચેક કરવાની પરમીશન આપી. ૧૦ દિવસ માટે આ લોકો ત્યાં ગયા. ૧૪ માંથી ૭ સ્ત્રીઓ હતી. ૧૯૮૩માં પણ જીયા ઉલ હકના શાસન વખતે આવી વિઝીટ થયેલી, તે વખતે ગયેલામાંથી ચાર જણાં આ વખતે પણ હતા. જે લોકોને વિસા નહોતા મળ્યા એ લોકોએ બીજા જનારા સદભાગીઓને પોતાના સગાઓની તસ્વીરો આપી રાખેલી. ૫ મી શીખ રેજીમેન્ટના સુબેદાર અશાસિંગના પત્ની નિર્મલકૌર પણ પતિ મળશે એવી આશામાં ગયેલાં. લાહોરની કોટ લખપત અને કરાચીની સેન્ટ્રલ જેલ તથા બીજી જેલો ફેદી વળ્યા પરિણામમાં કશું ના મળ્યું. ક્યાંથી મળે? સરકારો ગાંડી હશે તે એમજ એમની ભૂલો જાણી જોઇને કરેલી એ સાબિત થવા દે? ૩૫ વરસના ઉર્દુમાં લખેલા રેકર્ડ બતાવ્યા. કોણ વાંચે? ત્યાં કોઈ કેદી ના મળે એની તકેદારી અગાઉથી રખાઈ ચુકી હોય, પરદેશોમાં બદનામ ના થઇ જવાય?

આમતો બધા પહેલા શાંત થઇ ગયા હતા કે અમારા સગાઓ મરી ચુક્યા છે, પણ લોકસભામાં ૪૦નું લીસ્ટ મુકાયું ત્યારે બધાને આશા જાગી. અશોક સુરીના પિતા ડીફેન્સ વિભાગમાં ગયા ને બધા ગુમ થયેલાઓના સગાઓના સરનામાં શોધી કાઢ્યા, બધાને પત્રો લખ્યા ને ભેગા કર્યા. (એમ.ડી.પી આર. એ.)મિસિંગ ડીફેન્સ પર્સન રીલેટીવ એસોશિએશનની સ્થાપના કરી બધાને એક નેજા નીચે ભેગા કર્યા. પાકથી પાછા ફર્યા પછી બધાના હૃદય ભાગી ગયા. ૩૦ વરસની લાંબી લડાઈનું પરિણામ શૂન્યમાં આવ્યું. અશોક સૂરીના ભાઈ ભરત સૂરી કહે છે તકેદારી પૂર્વક રેકર્ડમાંથી પુરાવા દુર કરી દીધા હોય ને આ કેદીઓને ગુપ્ત જગ્યાએ સંતાડી પણ દીધા હોઈ શકે. દમયંતી તાંબેને તો કોઈ સંતાન પણ નથી, એકજ વરસ થયેલું લગ્નને અને પતિ યુદ્ધમાં ગયેલા. મેરેજના સમય નો ફોટો હાથમાં રાખીને કહેછે લાંબી રફ અને ટફ જીંદગી વિતાવી છે મેં. શમી વરાઈચ બે વરસના હતા ને એમના પિતા વોરમાં ગયેલા.

સરબજીતને જાસૂસીના આરોપમાં પાકમાં મોતની સજા મળેલી. એ કેસમાં હરપાલ નાગરાની આગેવાની હેઠળ એક શીખ ડેલીગેશન પાકની જેલમાં ગયેલું. ત્યાં એક વૃદ્ધ માણસ જોઇને સ્વાભાવિક આમાંથી કોઈ સહજ રીતે સલામ અલૈકુમ બોલેલું. ત્યારે પેલા વૃદ્ધ એકદમ પાછા ફરીને જવાબ આપેલો વાહે ગુરુજીકા ખાલસા વાહે ગુરુજીકી ફતેહ. એમના કહ્યા મુજબ કોઈ બહારના જોડે કોન્ટેક્ટ કરવાની મનાઈ હતી. અને આવા તો ૪૦૦ ભારતીય કેદીઓ હતા, એ બધા મીલીટરી કેદીઓ નહોતા. અને ઇસ્લામ સ્વીકારી લેવા બધાને ફોર્સ કરવામાં આવતો હતો. ૧૯૮૩માં ૬ જણાને જેલોની મુલાકાતની પરમીશન મળેલી. મુલતાન, સિયાલકોટ સાથે બધી જેલો ફેંદી વળેલા, જે કેદીઓ બતાવેલા તેઓની છૂટકારાની બધી વિધિ પૂર્ણ થઇ ચુકેલી હતા. ઘણા બધા કેદીઓ પાછા આવ્યા છે, પણ ૫૪ આર્મી અફસરોમાંથી કોઈ સદભાગી બન્યો નથી.

રૂપલાલ સહારીયા ૧૯૯૯મા પાછા આવેલા, એમણે ૧૯૮૮મા અશોક સુરીને કોટ લખપત જેલમાં જોએલા. મુખાત્યારસિંગ પાછા આવ્યા ત્યારે જાગીરસિંગના કુટુંબીઓને સમાચાર આપેલા કે તેઓ જીવે છે. અને કમલ બક્ષીને એમણે ૧૯૮૩મા મુલતાન જેલમાં જોઇએલ. ૨૦૦૦માં મનીષ જૈન, એમ.કે જૈનના જમાઈ અમેરિકામાં પાકીસ્તાનના કર્નલ આશીફ શફીને મળે છે. ભુટોના વિવાદાસ્પદ કેસમાં આ કર્નલ પોતે ૭ વરસ પાકમાં જેલમાં રહી ચુક્યા હતા. એમના કહ્યા અને જોયા મુજબ ૧૯૭૮મા શ્રી જૈન અને વિંગ કમાન્ડર ગીલ બંને અટોક જેલમાં એકજ સેલમાં રહેતા હતા. આ મનીષ જૈન અમેરિકન એરફોર્સના જનરલ ચક યેગરને ૨૦૦૫માં અમેરિકામાં મળેલા. આ અમેરિકન જનરલ કોઈ રશિયન પ્લેનની તપાસમાં પાકની જેલોમાં ગયેલા ને ૧૯૬૫ને ૧૯૭૧ના યુદ્ધના ૨૦ ભારતીય પાયલોટોને મળીને તેમના ઈન્ટરવ્યું લીધેલા. આ વાત એમણે એમની આત્મકથામાં પણ નોધેલી છે. આ ૫૪માંથી ૨૫ તો પાયલોટો જ હતા. ૧૯૯૮માં પાછા આવેલા બલવાનસિંઘ કહે છે ડીફેન્સ પર્સન અને બીજા કેદીઓને જુદા રાખવામાં આવે છે, આ લોકોને જુદી જુદી સાત જેલોમાં ફેરવવામાં આવે છે.

૨૦૦૫માં રાંચીના મેન્ટલ એસાયલમમાંથી ૧૯૬૨ના યુદ્ધમાં પકડેલા બે ચીની સૈનિકોને શોધીને ૪૨ વરસ, હા ૪૨ વરસ પછી ભરત સરકાર ચીનમાં પાછા મોકલે છે. તો આ લોકોને કેમ પાછા ના લાવી શકીએ?

જાન્યુઆરી ૬, ૧૯૭૨માં લાહોર રેડીઓ પરથી પંજાબી દરબાર પ્રોગ્રામમાં અશોક સૂરીનું નામ બોલાયું.

અશોક સૂરીનો પત્ર તેમના પિતાને મળ્યો તેના પર દિલ્હીનો પોસ્ટનો સિક્કો હતો અને અંદર બીજો પત્ર હતો, સાહેબ વલૈકુમ સલામ હું આપને રૂબરૂ મળી ના શકું, તમારો સન જીવતો છે અને પાકની જેલમાં છે, હું ખાલી એની ચિઠ્ઠી તમને મોકલી રહ્યો છું. કાલે પાછો પાકિસ્તાન જઈશ. સહી છે એમ.અબ્દુલ હમીદ. આના પછી બીજા પત્રો મળે છે એની વાત અગાઉ લખી ચુક્યો છું. બધા પત્રોને ડીફેન્સ વિભાગમાં ચકાસવામાં આવે છે. અશોક સુરીના જ અક્ષરો છે એ સાબિત થતા ડીફેન્સ વિભાગ કીલ્ડ ઇન એક્શન એવો શેરો બદલીને મિસિંગ ઇન એક્શન કરે છે, બસ.

સંડે ઓબ્જર્વર ડિસે ૫, ૧૯૭૧માં પાંચ ભારતીય પાયલોટો પકડાયાના સમાચાર છે, એમાં તાંબેનું પણ નામ છે. ફરી પાછું આજ પેપર જુલાઇ ૫, ૧૯૭૧માં વી.વી.તાંબેનું નામ છાપે છે.

દલજીતસિંઘ માર્ચ ૪, ૧૯૮૮માં પાછા આવે છે. એમણે ફેબ્રુ ૧૯૮૮માં શ્રી તાંબેને લાહોર ઇન્ટેરોગેશન સેન્ટરમાં જોએલા.

ફ્લાઈંગ ઓફિસર સુધીર ત્યાગીનું પ્લેન ડિસે ૪, ૧૯૭૧માં પેશાવરમાં તોડી પડાયું, બીજા દિવસે એ પકડાયા છે એવું રેડીઓમાં જાહેર થાય છે.

નાથારામ માર્ચ ૨૪, ૧૯૮૮માં પાછા આવે છે. રાવલપીંડી ઇન્ટેરોગેશન સેન્ટરમાં કેપ્ટન કલ્યાણસિંહ રાઠોરને નવે, ૧૯૮૩માં જોયેલા આવું કહે છે.

કેપ્ટન રવિન્દર કૌરાનો ફોટો પાક જેલમાંથી સ્મગલ્ડ થઇને ૧૯૭૨માં અંબાલાના ન્યુજ પેપરમાં છપાય છે. છેક ડિસે ૭, ૧૯૯૧માં લાહોર રેડીઓ પર એમનું નામ બોલાય છે. એમને પણ પાછા આવેલા મુખત્યારસિંઘે મુલતાન જેલમાં જોએલા.

આ આખીય જાંબાંજોની ટીમમાં હા એક ગુજરાતી સપુત પણ એમનું બલિદાન આપી ચુક્યા છે. આમતો ગુજરાતી મિલિટરીમાં ઓછા જાય છે. એટલે તો ગુજરાતની કોઈ રેજીમેન્ટ નથી. નાના મણીપુર કે આસામની પણ રેજીમેન્ટ છે. હા ! એ ગુજરાતી હતા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોર, વતન છે એમનું ચાંદરણી, જે સાબરકાંઠા જીલ્લામાં આવેલું હિંમતનગર તાલુકાનું ગામ છે. એમના પૂર્વજો સૈકાઓ પહેલા રાજસ્થાનના જોધપુરથી આવેલા. એમના મોટાભાઈ સ્વ. શ્રી દિલીપસિંહજી રાઠોર મારા સંબંધી(જીજાજી) છે.

ધર્મના નામે વાતે વાતે આંદોલનો કરી મુકતી પ્રજા પોતે આવી વાતોને ધ્યાનમાં લેતી નથી. કોઈ પ્રજાકીય અંદોલન કે પ્રોટેસ્ટ ભારતની પ્રજાએ આ બાબતે કર્યા નથી. આવું કોઈ બીજા દેશમાં બન્યું હોત તો પ્રજા પોતે સરકારો પર તૂટી પડત. આ લોકોના કુટુંબો જાતે જાતે એકલા એકલા એમની લડાઈ ૪૯ વરસથી લડી રહ્યા છે. ગુજરાતના કોઈ સંસદ સભ્યે કે ધારાસભ્યે કેપ્ટન કલ્યાણસિંહ માટે લોકસભામાં કે ધારાસભામાં અવાજ ઉઠાવ્યો નથી. ભારતની પ્રજા જ આ લોકો સાથે નથી તો પછી સરકાર શું કરવા એનાથી થયેલી ભૂલ કબુલ કરે?

વર્ષો પહેલા સફારીમાં હર્ષલ પુષ્કરણાએ આ સ્ટોરી છાપી હતી. પછી એકવાર સંદેશમાં આવેલી, તે પણ આટલી વિગતથી તો કોઈએ લખ્યું નથી. મીડિયાને પણ નેતાઓ, ધાર્મિક વડાઓની અને ફિલ્મી લોકોની ખુશામત કરવામાંથી નવરાશ મળતી નથી. કોઈ લેખકોને પણ આવી વાતમાં કશું લખવાનો વિષય મળતો નથી. બાપુઓની ચાપલુસીમાં મહાન લેખકો ને સાક્ષરો પણ તૂટી પડે છે. ચંબલની જેલોમાં ડાકુઓની મુલાકાતો લેવા સમય મળે, છેક પંજાબ જઈને જગતસિંગ ડાકુને જેલમાં અને છૂટ્યા પછી એના ઘેર જઈને મહાન લેખકો એના વિષે નોવેલો લખી રૂપિયા બનાવે, પણ આજ લેખકોને કેપ્ટન કલ્યાણસિંહ રાઠોરના ગુજરાતમાં નજીક આવેલા ગામમાં જવાનો સમય ના મલે, કે યાદ પણ ના આવે. હા હું ગુજરાતી લેખકોની વાત કરું છું. મેં આ બધાને વાંચ્યા છે, માટે મને આ દિગ્ગજો વિષે ખબર છે. આ કેપ્ટનો બલિદાન આપે છે ત્યારે આપણે અહી નિરાતે સુઈ શકીએ છીએ.

હવે તો આ બહાદુરોને પાકે જીવતા રાખ્યા હશે કે નહિ?કોને ખબર? પણ હે સૈનિક હવે તું ફરી જનમ લેવાનો હોય અને પાછા સૈનિક જ બનવું હોય તો ભારતમાં તો જનમ ના જ લેતો, અને ભારતના લોકોની રક્ષા માટે ફરી અહી સૈનિક બનવાની હિમંત ના કરતો. એ કદી તારા થવાના નથી. તારે સૈનિક તરીકે ફરી અવતરવું હોય તો ઇઝરાયેલમાં જન્મ લેજે. ત્યાં તારી કિંમત થશે. તારા એકના બદલામાં ત્યાની સરકાર સામેવાળાના બીજા ૧૦૦ સૈનિકોને મારી પડશે. અરે યુદ્ધ જ જાહેર કરી મુકશે.

તો આ બહાદુર પણ સમગ્ર ભારત વડે તરછોડાએલા આવા ભારતીય સૈન્યના સિપાઈઓના નામ પણ જાણી લઈએ.

Indian Air Force POWs:

1. Wing Commander HS Gill,

2. Squadron Leader Deva parshad Chatterjee,

3. Squadron Leader Mohinder Kumar Jain,

4. Squadron Leader Jal Maniksha Mistry,

5. Squadron Leader Jatinder Das Kumar,

6. Flight Lieutenant Tanmaya Singh Dandass,

7. Flight Lieutenant Ramesh Gulabrao Kadam,

8. Flight Lieutenant Babul Guha,

9. Flight Lieutenant Gurudev Singh Rai,

10. Flight Lieutenant Ashok Balwani Dhavale,

11. Flight Lieutenant Srikant Chandrakant Mahajan,

12. Flight Lieutenant Sudhir Kumar Goswami,

13. Flight Lieutenant Harvinder Singh,

14. Flight Lieutenant Vijay Vasant Tambay,

15. Flight Lieutenant lyoo Moses Sasoon,

16. Flight Lieutenant Ram Metharam Advani,

17. Flight Lieutenant Nagaswami Shankar,

18. Flight Lieutenant Suresh Chandra Sandal,

19. Flight Lieutenant Kushalpal Singh Nanda,

20. Flight Lieutenant Manohar Purohit,

21. Flight Officer Tyagi,

22. Flight Officer Kishan Lakhimal Malkani,

23. Flight Officer Kottiezath Puthiyavettil Murlidharan and

24. Flight Officer Tejinder Singh Sethi.

Indian Army POWs:

25. Major SPS Warraich,

26. Major Kanwaljit Sandhu,

27. Major Jaskiran Singh Malik,

28. Major SC Guleri,

29. Major AK Ghosh,

30. Major Ashok Suri,

31. Captain Ravinder Kaura,

32. Captain Kalyan Singh Rathod,

33. Captain Giri Raj Singh,

34. Captain OP Dalal,

35. Captain Kamal Bakshi,

36. Captain Vashisht Nath,

37. 2nd Lieutenant Sudhir Mohan Sabharwal,

38. 2nd Lieutenant Paras Ram Shama,

39. 2nd Lieutenant Vijay Kumar Azad,

40. Corporal Pal Singh,

41. Subedar Kali Das,

42. Subedar Assa Singh,

43. L/Hav Krishan Lal Sharma,

44. L/Naik Hazoora Singh,

45. L/Naik Balbir Singh,

46. Sepoy S Chauhan,

47. Sepoy Dilar Singh,

48. Sepoy Jagir Singh,

49. Sepoy Jagdish Lal,

50. Gnr Madan Mohan,

51. Gnr Sujan Singh,

52. Gnr Gyan Chand and

53. Gnr Shyam Singh.

54. Lt Cdr Ashok Roy from Indian Navy and other possible POWs are

55. Flight Lieutenant Sudhesh Kumar Chibber and

56. Captain Dalgir Singh Jamwal.

મિત્રો આ સિરીઝ મે ૨૦૧૦માં લખેલી. હવે આ ભારતીય આર્મીના તરછોડાયેલા બહાદુરો મિનિમમ ૭૫/૮૦ વરસના થઈ ગયા હશે જો જીવતા હશે તો. :- ભૂપેન્દ્રસિંહ રાઓલ, યુએસએ.

Start Thinking