બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

બે પગ વચ્ચે અટવાયેલું બ્રહ્મચર્ય અને ચારિત્ર્ય. Hard Truths About Human Nature.

ભારતના પૌરાણિક કાલના બે મહાન ઋષિઓ કયા? દરેકના મનમાં પહેલું નામ વસિષ્ઠ તો આવી જ જવાનું. બીજામાં કોઈ વિશ્વામિત્ર, કણ્વ, ગૌતમ, કપિલ કે યાજ્ઞવલ્ક્યનું નામ લઈ શકે. પણ એક ઋષિ છે જેમણે પહેલીવાર વિંધ્યાચલ ઓળંગ્યો હતો તે હતા અગત્સ્ય ઋષિ. આ વસિષ્ઠ અને અગત્સ્ય બંને ભાઈઓ હતા. એક જ માની કુખે અવતરેલા, પણ બંનેના પિતા જુદા જુદા હતા. આવા મહાન ગણાતા જ્ઞાની ઋષિઓની માતાને આજના ભારતની માન્યતાઓ મુજબ ચારિત્રહીન કહેવાય ખરી?

ભારતમાં ચારિત્રની પરિભાષા બે પગ વચ્ચે અટકી ગઈ છે, બે પગ વચ્ચેના થોડા સ્નાયુઓમાં સમાઈ ગઈ છે.

સત્ય બોલવું, સમાજે ઘડેલા નીતિનિયમો મુજબ નૈતિક જીવન જીવવું, ભ્રષ્ટાચાર ના કરવો, ચોરી ના કરવી, વણ જોઇતી હિંસા ના કરવી આવું અને બીજું ઘણુબધું ચારિત્ર્યની પરિભાષામાં આવી જાય. પણ આ બધું આપણે ખૂબ કરતા હોઈએ છીએ. આપણી ચારિત્ર્યની વ્યાખ્યા ખૂબ સાંકડી બની ગઈ છે કે બનાવવામાં આવી છે. એક તો લગ્ન કર્યા ના હોય તો સેક્સ ના કરી શકો. અને લગ્ન કર્યા હોય તો પતિપત્ની સિવાયના બીજા પાત્ર સાથે સેક્સ ના કરી શકો. બસ આ બેમાં આપણી ચારિત્ર્યની પરિભાષા સમાઈ ગઈ છે. અને એમાય જો પતિપત્ની બ્રહ્મચર્યના વ્રત લઈલે તો ખલાસ મહાન ચારિત્રવાન ગણાવાના. ગાંધીજીએ આવા વ્રત પતિપત્નીને લેવડાવી કેટલાયના જીવન રોળી નાખેલા. અજ્ઞાનતાની હદ તો એ સુધી કે સેક્સ નહિ કરવાનું વ્રત લેવડાવીને પણ અમુકના લગ્ન કરાવેલા. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો અને ચારિત્ર્ય એટલે પતિપત્ની સિવાય સેક્સ ના કરવો આવી પરિભાષા ધીમે ધીમે અસ્તિત્વમાં આવી હશે.

જિનેટીકલી માનવજાત પોલીગમસ છે. બહુગામી છે. એક પુરુષ અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે અને એક સ્ત્રી અનેક પુરુષો સાથે. પોતાની કોપી પાછળ મૂકતાં જવાની ભાવના જિન્સમાં હોય છે. સર્વાઈવલ અને રીપ્રોડક્શન સક્સેસ મહત્વની ઉત્ક્રાંતિ માટે બાબતો છે. પુરુષ એના જિન્સ જેટલા દૂર દૂર ફેલાય તે માટે પ્રયત્નશીલ હોય છે. અને મધર નેચરને બળવાન જિન્સ ફેલાય તેની ખેવના હોય છે. પુરુષ પાસે અબજો સ્પર્મ હોય છે, સ્ત્રી પાસે લીમીટેડ અંડ જથ્થો હોય છે. સ્ત્રીના માથે જિન્સ ઉછેરવાની મહત્તમ જવાબદારી મધર નેચરે નાખેલી છે. લગભગ દરેક મેમલ્સમાં સ્ત્રી જ બાળકને ઉછેરવાની જવાબદારી સંભાળે છે. નર એના સ્પર્મદાન કરીને રવાના થઈ જતો હોય છે. બહુ થોડા, આંગળીને વેંઢે ગણી શકાય તેટલા મેમલ્સમાં નર એમાં મદદ કરતો હોય છે. જિન્સ ઉછેરવામાં નર મદદ કરતો હોય માદાને એમાં Owl monkey અને માનવજાત શ્રેષ્ઠ ઉદાહરણ છે. માટે સ્ત્રીને એક તો બળવાન જિન્સ જોઈએ અને તે જિન્સ ઉછેરવા હેલ્પફુલ થાય તેવો પુષ્કળ રીસોર્સીસ ધરાવતો હાઈ સ્ટેટ્સ ધરાવતો પુરુષ જોઈએ. બળવાન હાઈ સ્ટેટ્સ ધરાવતા પુરુષો અનેક સ્ત્રીઓ રાખતા અને સ્ત્રીઓ પણ એમના હરમમાં સામેલ થવામાં ગૌરવ સમજતી.

આમ બધાને સ્ત્રી મળે નહિ. તો થોડા ડાહ્યાં અને મજબૂર ગણો તો મજબૂર કે સમજદાર ગણો એવા પુરુષોએ સ્વેચ્છાએ રીપ્રોડક્શન સક્સેસ પરથી પોતાનો દાવો ઉઠાવી લીધો. જેથી સમાજમાં કે સમૂહમાં સ્ત્રી માટેની હરીફાઈમાં થતી ગરબડો ઓછી થઈ જાય અને સમૂહ શાંતિ અનુભવી શકે. સનતકુમાર જેવા ઋષિ સમૂહ સ્વેચ્છાએ હરીફાઈમાંથી બહાર નીકળી ગયા. સમાજે પણ આવા પુરુષોને ખૂબ માન આપ્યું. આવા નાનકડા સમૂહો અભ્યાસમાં લાગી ગયા. આ વિશ્વ અને બ્રહ્માંડનાં મૂળિયા ક્યાં છે તે શોધવા સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. સતત બ્રહ્મમાં કે બ્રહ્મના ભ્રમમાં વિચરવા લાગ્યા તો કહેવાયા બ્રહ્મચારી. ઘણા પરણેલા અભ્યાસીઓ(ઋષિઓ) પણ સતત બ્રહ્મને વિચારતા તો આ લોકો પણ બ્રહ્મચારી જ કહેવાતા. બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો હતો જ નહિ. કૃષ્ણ પણ બ્રહ્મચારી જ કહેવાતા હતા. બ્રહ્મ અને બ્રહ્માંડનો વિચાર કરવાવાળા આઈનસ્ટાઈનોમાં પરણેલા ભેગાં મજબૂર મહાત્મા જેવા કુંવારાના સંખ્યા વધવા લાગી એમાં ધીમે ધીમે બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો આવી પરિભાષા ઘડાવા લાગી. ધીમે ધીમે સાચા અભ્યાસુ આઈનસ્ટાઈનો ઘટવા લાગ્યા અને સ્ત્રી મળવાની શક્યતા ના હોય તેવા ચાલો જંગલમાં તપ કરીશું સ્વર્ગમાં સોળ વરસથી કદી મોટી ના થતી અપ્સરાઓ ભોગવીશું વિચારીને ભાગવા લાગ્યા, એમાં થોડા આલસ્ય શિરોમણીઓ પણ ઉમેરાયા. સેક્સ કરવા ના મળે તેવી ટોળકી આમાં વધવા લાગી એટલે બ્રહ્મચર્યની આખી સમજ જ બદલાઈ ગઈ. બ્રહ્મચર્ય એટલે સેક્સ ના કરવો એવું પ્રસ્થાપિત થઈ ગયું. આજના લગભગ તમામ ધાર્મિક સંપ્રદાયો અને મહાત્માઓ આવી સુફીયાણી અવૈજ્ઞાનિક સલાહો આપતા હોય છે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, એમાં મહાત્મા ગાંધીજી પણ આવી ગયા. બ્રહ્માકુમારીવાળા વળી પતિપત્નીને ભાઈબહેનની જેમ જીવવાની સલાહ આપતા હોય છે. આવી અવૈજ્ઞાનિક વાતો માનવાવાળા હજારો કપલ માનસિક સ્ટ્રેસ વેઠતા હોય છે.

પુરુષને પોતાના જિન્સ ઉછેરવાની ફિકર હોય છે જ્યારે સ્ત્રીને પોતાના સાથે બળવાન મજબૂત પુરુષના જિન્સ ઉછેરવાની પડી હોય છે જે એક કુદરતી પ્રેરણા ગણો કે ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ ગણો. આમાં સ્ત્રી લગ્નવ્યવસ્થા નહોતી ત્યારે મજબૂત પુરુષ જોડે જોડી બનાવી લેતી. અને જ્યારે ફરી હાજર હોય તેના કરતા મજબૂત જિન્સ દેખાય તો જુના પુરુષને છોડતા વિચાર ના કરતી. બસ આમાં જ ઋષિ વસિષ્ઠની માતાએ બે જુદા જુદા મજબૂત જિન્સ ધરાવતા પુરુષો પાસેથી બે મહાન ઋષિ થઈ શક્યા તેવા બાળકો મેળવ્યા, એક હતા વસિષ્ઠ અને બીજા હતા અગત્સ્ય. માતા કુંતીના પતિદેવ પાંડુ રાજા પાંડુ મતલબ એનીમિયા વડે પીડાતા હતા. યુધીષ્ઠીર, ભીમ અને અર્જુન પાંડુના પુત્રો નહોતા. તેવી રીતે પાંડુની બીજી રાની માદ્રીના પુત્રો સહદેવ અને નકુલ પણ બાયોલોજીકલી  પાંડુના પુત્રો નહોતા. પણ આમાં કશું ખરાબ ગણાતું નહોતું. તે સમયે ચરિત્રની સમજ જુદી હતી. લગ્નવ્યવસ્થા આવી ચૂકી હતી પણ જૂની સમજ ચાલુ હતી કે મજબૂત જિન્સ પતિ સિવાય બીજેથી મળે તો પણ ઉછેરી શકાય તેમાં કશું ખોટું નથી. છતાં પુરુષને ફક્ત પોતાના જિન્સ ઉછેરવાની વધારે પડી હોય છે પારકા નહિ.

સિંહના એક પરિવારનો કબજો તે પરિવારના જુના નેતા સાથે ભારે યુદ્ધ પછી નવો બળવાન સિંહ લઈ લે, તો પહેલું કામ તે પરિવારમાં રહેલા તમામ નાના બચ્ચાઓને મારી નાખવાનું કરશે. લગ્નવ્યવસ્થા પાકે પાયે ઘૂસી ચૂકી હતી. ધીમે ધીમે મનોગમી પ્રસરવા લાગી તેમ તેમ દરેકને સ્ત્રી ઉપલબ્ધ થવા લાગી. કમજોરને પણ પોતાના જિન્સ ઉછેરવાની તક મળવા લાગી. આપણે ત્યાં તો ગાંડાને પણ સ્ત્રી ઉપલબ્ધ મેં જોઈ છે. હવે આ સ્ત્રી મજબૂત જિન્સ શોધવા બીજે દ્ગષ્ટિ દોડાવે તેવી શક્યતાઓ પણ વધવા લાગી. કમજોરને હંમેશા ફિકર રહેવાની કે મારી સ્ત્રી મજબૂત જિન્સની શોધમાં બીજા પુરુષ પાસે તો જતી નહિ હોય ને? આ બધું અનકોન્શિયસલી થતું હોય છે. એક કરતા વધુ પત્નીઓ રાખતા હોય તેમને પણ આવી શંકા જતી જ હોય. તો પરણેલી સ્ત્રી બીજા પુરુષ પાસે મજબૂત જિન્સ  શોધવા જાય તે ખરાબ ગણવાનું પુરુષોએ શરુ કર્યું. પારકા જિન્સ હું શું કામ ઉછેરું?

આમ પતિ સિવાય બીજા પુરુષ સાથે સંસર્ગ કરતી સ્ત્રીને ચારિત્રહીન ગણવાનું શરુ થઈ ગયું. પુરુષોએ સ્ત્રીઓનું પણ બ્રેઈન વોશિંગ કરી નાખ્યું કે બીજા પુરુષ પાસે જવું ચારિત્ર્યહીનતા ગણાય. જેમ જેમ કમજોર લોકો વધતા ગયા તેમ તેમ તેમની સ્ત્રી બીજે જશે તો એવી ફિકર વધવા લાગી, તેમ તેમ ચારિત્ર્ય સેક્સ પૂરતું સીમિત થવા લાગ્યું. કમજોર પ્રાણીઓ તેમની વસ્તી ખૂબ વધારતા હોય છે જેથી સર્વાઈવ થઈ જવાય. તેમ ચારિત્ર્યની વ્યાખ્યા બે પગ વચ્ચે વધુને વધુ સીમિત થતી જાય છે. પરદેશોમાં પણ પરણેલી સ્ત્રી બીજા પુરુષ સાથે જાય તો વ્યભિચાર ગણાય જ છે. તો પછી સ્ત્રીઓ પણ પુરુષોને શું કામ ક્ષમા કરે? પુરુષો બીજી સ્ત્રી પાસે જાય તો તેઓને પણ બેવફા ગણવાનું શરુ થઈ ગયું. સ્ત્રીઓ તો ઘણીવાર ઈવોલ્યુશનરી ઈમ્પલ્સ સહન કરી લેતી હોય છે પણ પુરુષો સહન કરી શકતા નથી. બીલ ક્લીન્ટન કે અર્નોલ્ડ જેવા પકડાઈ જાય છે. વ્યભિચારી ગણાઈ જાય છે.

ચારિત્ર્ય દિમાગમાં હોવું જોઈએ પણ રહ્યું નહિ બે પગ વચ્ચે સ્થિત થઈ ગયું.

હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.

હાઈસ્કૂલ કે દિન ભૂલા ના દેના…Hard Truths About Human nature.

સ્કૂલ કે હાઈસ્કૂલમાં પસાર કરેલા દિવસો આપણે ક્યારેય ભૂલી શકતા નથી. કૉલેજમાં પસાર કરેલા દિવસો પણ ભુલાતા નથી. કદાચ કૉલેજમાં પસાર કરેલા દિવસો ભૂલી જવાય, જો કે તદ્દન ભૂલી જવા તો નામુમકીન છે પણ હાઈસ્કૂલ તો આપણાં બ્રેઇનમા વસેલી હોય છે. સ્કૂલમાં ભણતા હોઈએ તે દિવસોમાં આપણું બ્રેઈન પુખ્ત હોતું નથી. એમાં કોઈ સખત ન્યુરલ વાયરિંગ થયેલું હોતું નથી. સામાજિક સંબંધો ઘડવાની હજુ શરૂઆત છે. કિશોરાવસ્થામાં વધી રહેલો માનવ છોડ, સમાજના વૃક્ષને વળગીને ઉપર ચઢવાનું હજુ શીખતો હોય છે. ક્યાં ટેકો લેવો અને ક્યાં છોડી દઈને આગળ વધવાનું હજુ શીખતો હોય છે..

મેમલ સ્ટેટસ માટે પોતાના ગ્રૂપ, ટ્રૂપ પેક કે હર્ડમાં હંમેશા હરીફાઈમાં ઊતરતા હોય છે. કારણ એમ કરવું રીપ્રોડક્ટીવ સક્સેસને પ્રમોટ કરતું હોય છે. હ્યુમન પણ એમ જ કરતા હોય છે, અને કોઈ બાહ્યાડંબર કે સભ્યતા વગર એડલેસન્ટ (adolescent) પણ એમજ કરતા હોય છે. સ્કૂલમાં જબરાં છોકરા ધાક જમાવીને પોતાનું ગ્રૂપ ઊભું કરી લેતા હોય છે. સ્કૂલનાં અનુભવો કાયમ આપણી સાથે રહેતા હોય છે. તરુણાવસ્થાનાં વર્ષો એક મેન્ટલ મોડલ બાંધતા હોય છે કે દુનિયા કઈ રીતે કામ કરે છે-how the world works. કદાચ આપણે આપણાં મનમાં રહેલી તરુણાવસ્થાથી એક અંતર ભલે રાખવા માંગતા હોઈએ પણ આપણાં બનાવેલા ન્યુરલ પાથવે સત્ય હોય છે.

There is no free love in nature . દરેક જાતી-પ્રજાતિમાં સેક્સ માટે પ્રાથમિક ક્વોલીફાઈંગ રમતોમાંથી પાસ થવું પડતું હોય છે. ઓલોમ્પીકમાં પ્રવેશ મળે તે માટે પણ પહેલા પ્રિ-ક્વોલીફાઈંગ મેચો રમવી પડતી હોય છે. એના માટે વર્ષો જહેમત કરવી પડતી હોય છે. પ્રાણીઓ પણ આ આવડત કેળવવા વર્ષો વિતાવી નાખતા હોય છે. જે ખાસિયતો વડે હાઈસ્કૂલમાં પૉપ્યુલર બનાય છે તેમાં અને આપણાં પૂર્વજ મેમલ્સને રીપ્રોડક્ટીવ સક્સેસ પ્રમોટ કરતી ખાસિયતોમાં કોઈ ફરક હોતો નથી. ફીજીકલ સ્ટ્રેન્થ, આકર્ષકતા, સામાજિક જોડાણ અને જોખમ લેવાનું સાહસ આ બધી લાક્ષણિકતાઓ જરૂરી હોય છે. નેચરલ સિલેકશને બ્રેઈન એવું બનાવ્યું છે કે જે આ લાક્ષણિકતાઓની ચિંતા કરતું હોય છે કેમકે તે સર્વાઈવલ માટે જરૂરી છે. માનવોમાં શાર્પ બુદ્ધિ, અભ્યાસમાં તેજસ્વિતા, વિવિધ કળાઓમાં મહારત (ગાયન, વાદન, ચિત્રકલા, લેખન, કવિતા) બધી વધારાના ખાસિયતો ગણાય.

હાઈસ્કૂલમાં કરેલી મેમલીયન સ્ટ્રગલ બ્રેઈનમાં ગૂંથાઈ જતી હોય છે. તરુણોમાં કાયમી ન્યુરલ સર્કિટ એક સારા કારણ માટે સેટ થઈ જતી હોય છે. સેક્સ માટે સાથીદાર મળે તે પહેલા મેમલ પોતાના ગ્રૂપને છોડી બીજા ગ્રૂપમાં જતા રહેતા હોય છે. નવા વાતાવરણમાં સર્વાઈવ માટે એમને ઘણુબધું શીખવું પડતું હોય છે. આપણ માનવોમાં પણ લગ્ન કરીને બીજા ગામ અને બીજા સમૂહમાં રહેવા જવું પડતું હોય છે. નવી ભાષા, નવા રીવાજો નવી ભૂગોળ શીખવી પડતી હોય છે.Puberty દરમ્યાન  રીવાયરીંગ થઈ શકે તેવું બ્રેઈન નેચરલ સિલેકશનની દેન છે. આ બધું જાણબહાર થતું હોય છે. પ્રાણીઓ કોન્શિયસ અવેરનેસ વગર ઇન-બ્રીડિંગ રોકતાં હોય છે. ચિમ્પાન્ઝી મેલ ડોમિનન્ટ સમાજ છે, ત્યાં માદા ચીમ્પે મેટિંગ પાર્ટનર મળે તે પહેલા ગ્રૂપ છોડવું પડે છે. બોનોબો ફીમેલ ડોમિનન્ટ સમાજ છે ત્યાં નરે ગ્રૂપ છોડવું પડતું હોય છે. આપણાં પુરુષપ્રધાન સમાજમાં છોકરીઓને ડોલીમાં બેસાડી સભ્ય રીતે વળાવી દેવાય છે. કન્યાવિદાય એ દીકરીઓને કાઢી મૂકવાનો અતીસભ્ય પ્રકાર ગણાય. હાઈસ્કૂલ સ્ટુડન્ટ આમ અજાગૃતપણે  સુખદાયી અને દુઃખદાયી ન્યુરોકેમિકલ સાથે ન્યુરોન્સને સંલગ્ન કરતા હોય છે.

આ નાટકમાં સેરોટોનીન મહત્વનો ચાવીરૂપ ભાગ ભજવતું હોય છે. સેરોટોનીન સુખદાયી ન્યુરોકેમીકલ છે. સામાજિક રીતે પ્રભુત્વ ધરાવતા વાનરમાં સેરોટોનીન લેવલ ઊંચું જતું હોય છે. વધારે પડતા અગ્રેસિવ વાંદરાને નાતબહાર મૂકવામાં આવે છે જંગલમાં એકલો પછી મરી જતો હોય છે. પણ જે વાનર કાયમ શરણે જ થઈ જતો હોય તેનું સેરોટોનીન લેવલ ખૂબ નીચે જતું રહેતું હોય છે. તરુણાવસ્થામાં આપણે બીજા લોકો વચ્ચે આપણી જાતને જાળવવાનું અને એક મુકામ આપવાનું શીખવું પડતું હોય છે. આપણે બીજા લોકો વડે ઘેરાયેલા હોઈએ છીએ. આ સમય હતાશાજનક હોય છે પણ જીવન જીવવાની કળા ભેટમાં આપતો આ સમય હોય છે.

આપણું બ્રેઈન સતત નક્કી કરતું હોય છે કે ક્યારે શરણે થવું અને ક્યારે પ્રભુત્વ મેળવવું. ક્યારે દાદાગીરી કરવી અને ક્યારે હથિયાર હેઠાં મેલી દેવા તે બ્રેઈન સતત નક્કી કર્યા કરતું હોય છે. આપણે કહેતા હોઈએ કે મને તો બીજાની કાઈ પડી નથી, પણ આદર કે માન મળતા સેરોટોનીન સ્ત્રવતું હોય છે જે સારું લાગતું હોય છે. અને જેમ સારું લાગે તેમ વધુ ને વધુ મેળવવાની ઇચ્છા થતી હોય છે. દરેક તક એની સાથે રીસ્ક અને રીવોર્ડ લેતી આવતી હોય છે. સમય જતા આપણે સેરોટોનીન સ્ત્રવે અને કોર્ટિસોલ દૂર રહે તેવી વર્તણુંક શીખી જતા હોઈએ છીએ. મોટાભાગનું બ્રેઈન વાયરિંગ કિશોરાવસ્થામાં થતું હોય છે કારણ તે સમયે બ્રેઈન લચીલું હોય છે. શીખવા માટે તત્પર હોય છે.

અસલામતીની ભાવના કુદરતી હોય છે. પ્રાણી જગતમાં તો બચ્ચાઓને પુખ્ત થતા મોટા પ્રાણીઓ વચ્ચે પોતાની જગ્યા બનાવી પડતી હોય છે. આપણ માનવોમાં હાઈસ્કૂલમાં ભણતા હોઈએ ત્યારે પણ માતાપિતાનો ખૂબ સપોર્ટ મળતો જ હોય છે. પણ સ્કૂલમાં બીજા સહાધ્યાયીઓ ઉપર પ્રભુત્વ મેળવવાની હરીફાઈમાં માતાપિતા બહુ મદદ કરી શકતા નથી. ઉલટાના વધુ પડતા ચોખલિયા અને નૈતિકતા ધરાવતા માતાપિતા બાળકોને ધમકાવી સીધી લીટીના બનાવવાની ઘેલછા ધરાવતા હોય છે. આમેય સ્કૂલમાં બાળકો અસહાયતા અને અસલામતી અનુભવતા જ હોય છે એમાં આવા માતાપિતા ધરાવતા બાળકો વધુ અસહાયતા અનુભવતા હોય છે. સ્કૂલમાં માનમરતબો તો તમારે જાતે જ મેળવવો પડતો હોય છે.

પર્સનલ પાવરની સમજ પુખ્ત બનતા આવતી જતી હોય છે. પોતાની જાતને પાવરલેસ અનુભવવા લાગો તેમ હતાશા વધતી જવાની, ડિપ્રેશન વધતું જવાનું. ડિપ્રેશન એટલે ડીસઓર્ડર ઑફ પાવર.. આત્મિક શક્તિની આંતરિક સૂઝ ઊભી કરવી તે જ ઉપાય છે. આ શક્તિ કોઈ આપી શકે નહિ. કે કોઈની પાસેથી ઉછીની લઈ શકો નહિ. જીવનના અનુભવો લઈને જેમ વિકાસ પામતા જઈએ તેમ આસપાસના લોકો સાથે તડજોડ કરવાનું, વાટાઘાટો કરવાનું અને સહકાર આપવાનું શીખી જવાતું હોય છે. તરુણો આવી તડજોડ અણઘડ રીતે કરતા હોય છે કેમકે તેઓ હજુ શીખી રહ્યાં છે.સમય જતા બધી આવડત આવી જતી હોય છે. અને આત્મશ્રદ્ધા પણ વધતી જતી હોય છે.

આપણને જે બ્રેઈન વારસામાં મળેલું છે તે સતત ઇચ્છતું હોય છે કે કોઈ ને કોઈ તેને નોટિસ કર્યા કરે. કોઈ ધ્યાનમાં લે જાણે એના વગર જીવન થંભી ના જવાનું હોય? દરેક મેમલીયન સમૂહમાં કેટલાક એવા હોય કે બીજાનું ધ્યાન વધુ ખેંચતા હોય છે. તમારા પાછલાં મેળવેલા અનુભવો દ્વારા ધ્યાન ખેંચવાના જુદા જુદા તરીકા તમે અપનાવતા હોવ છો. ધ્યાન ખેંચવાના તરીકા રૂપે ન્યુરલ સર્કિટ તરુણાવસ્થામાં બનાવી ચૂક્યા હોઈએ છીએ જે પુખ્તવયે સેવા કરવા હાજર જ હોય છે. કોઈ રમતગમતમાં આગળ વધી ધ્યાન ખેંચતા હોય છે કોઈ અભ્યાસમાં તેજસ્વી બનીને ધ્યાન ખેંચતા હોય છે. કોઈ અદ્ભુત ચિત્ર દોરીને કોઈ કવિતા લખીને ધ્યાન ખેંચતા હોય છે. જેમ પાઈપમાં પાણી વહેતું હોય છે તેમ ઓછામાં ઓછી વાંકાચૂકા રસ્તે બ્રેઈનમાં ઈલેક્ટ્રીસીટી વહેતી હોય છે. તરુણાવસ્થામાં ન્યુરોપ્લાસ્ટીસીટી પીક પર હોય છે. જ્યારે જ્યારે ન્યુરો કેમિકલ સ્ત્રવે ન્યુરોન્સ કનેક્ટ થતા હોય છે. આમ સુખ અર્પતી વસ્તુઓની સર્કિટ જે તરુણાવસ્થામાં બની હોય છે તે ભવિષ્યમાં પણ આજ રીતે કામ આપે છે. જ્યારે દુખ અનુભવો ત્યારે પેલાં ન્યુરલ પાથવે પર અનહેપી કેમિકલ છવાઈ જતા હોય છે. આમ ભવિષ્યમાં એનાથી દૂર રહેવાની આવડત પણ કેળવાઈ જતી હોય છે. આમ પુખ્ત બનતા ભળે તમે રીવાયરીંગ કરી, નવા પોલીશ્ડ રસ્તા બનાવો પણ એના કોરમાં મધ્યમાં તરુણ અવસ્થાએ બનાવેલ ન્યુરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ કામ કરતું હોય છે. આમ પુખ્તવયે કિશોર બનવાની કે તે સમયની લાગણીઓને ફરી અનુભવી તાબે થઈ બાલીશ હરકતો કરવાની જરૂર નથી હોતી, જરૂર છે તેની પ્રમાણિતતા સ્વીકારવાની નહીં કે વખોડવાની……

સૌનો લાડકવાયો (સ્વ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતી)

સૌનો લાડકવાયો (સ્વ શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧૧૬મી જન્મ જયંતી)

સૌના લાડકવાયા સ્વ. મેઘાણીભાઈની ૧૧૬ મી જન્મ જયંતી ઉપક્રમે ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નૉર્થ અમેરિકા અને ટીવી એશિયાના સંયુક્ત પ્રયાસ દ્વારા એક નાનકડો સાદગીપૂર્ણ પણ ભવ્ય કાર્યક્રમ ૯ સપ્ટેમ્બરના રોજ ટીવી એશિયાના ઓડીટોરીયમમા શ્રી ભીખુદાન ગઢવીની નિશ્રામાં યોજાઈ ગયો. હમણાં ‘ચાલો ગુજરાત’ જેવો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ માણેલો જ હતો, એનો કેફ ઊતર્યો પણ નહોતો અને મિત્રશ્રી દિલીપભાઈનો ફોન આવી ગયેલો આવો સરસ મજાનો પ્રોગ્રામ ઘરઆંગણે થવાનો છે. બ્લોગર મિત્ર શ્રી. જગદીશભાઈએ જણાવેલું એક કોમેન્ટમાં પણ નેટ બંધ હોવાથી મને ખબર નહોતી. પણ જગદીશભાઈ મારી આગળ બેઠેલાં જ હતા. વળી હમણાં આપણ રામ આરામ હી રામ હૈના સૂત્રનો અમલ પ્રામાણિકતાથી કરીએ છીએ. એટલે આવા કાર્યક્રમમાં જવામાં ખાસ કોઈ અડચણ આવે નહિ.

હું પહોચ્યો ત્યારે ગુજરાતી લિટરરી એકેડેમીના પ્રમુખશ્રી રામભાઈ ગઢવી શરૂઆતમાં કરાનારા ઔપચારિક ભાષણ કરી રહ્યાં હતા. રામભાઈ મિતભાષી છે. અને એમના વક્તવ્યોમા હાસ્યરસ ઓટોમેટિક ભળી જતો હોય છે. સાદાં સરળ પ્રકૃતિના રામભાઈ સ્માઈલિંગ ફેસ ધરાવતા વ્યક્તિ છે. માઇક પર બહુ સમય લે નહિ. પણ આપણને એવું થાય કે માઇક એમનો સમય વધુ લે તો વધારે હસવાનું મળશે અને મજા પડી જાય. અને એમના સાચા વખાણ કરીશું તો કહેશે લે આતો મને પણ ખબર નહોતી. પ્રોગ્રામનું સંચાલન કરતા બેન ગાયત્રીને ઉદ્દેશીને કહેશે કે આ ગાયત્રી મારા વધુ પડતા વખાણ કરે છે જો કે વખાણ કોને ના ગમે એવું પણ ઉમેરી લેવાના.

માઇક માટે એકદમ પરફેક્ટ અવાજ ધરાવતા ગાયત્રીને સાંભળી મને લાગ્યું ફીમેલ હરીશ ભીમાણી. વક્તાઓનો પરિચય આપવાની અને એમને બોલવા આમંત્રણ આપવાની જવાબદારી નિભાવતા નિભાવતા મેઘાણીભાઈ વિષે પણ સુંદર બોલતા જવાનું. અવાજનું માધુર્ય બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે. ગાયત્રીને અવાજમાધુર્ય અને રૂપમાધુર્ય બંને વરેલું છે.

અવાજ વિષે કહું તો હું બહુ જલદ દાઝી જવાય તેવું લખું છું તેવું મિત્રો માને છે ભલે મને ના લાગતું હોય. પણ જ્યારે મારા વાચકમિત્ર સાથે ફોન પર કે રૂબરૂ વાત કરું તો તે લોકો માની શકતા નથી કે મારો અવાજ મારા લખાણો જેટલો જલદ કે પ્રભાવશાળી નથી. ઘણા મિત્રોએ કહ્યું કે મારો અવાજ બહુ સોબર છે. મારા લખાણો પરથી મિત્રો માની લેતા હશે કે આમનો અવાજ પણ કોઈ મેઘગર્જના જેવો હશે. મેં એક મિત્રને જણાવેલું પણ ખરું આવી ચર્ચા દરમ્યાન કે હરીશ ભીમાણી કે બચ્ચન મારા જેવું જલદ લખી ના શકે ભલે એમનો અવાજ ભારેખમ હોય. હહાહાહાહા!!!

ઓગસ્ટ ૨૮, ૧૮૯૬ ચોટીલામાં જન્મેલા અને માર્ચ ૯, ૧૯૪૭મા ફક્ત ૫૦ વર્ષની ઉંમરે ગરવી ગુજરાતને કાયમ માટે છોડી સ્વર્ગારોહણ કરનારા ઝવેરચંદ મેઘાણીના જિન્સ હાજર હતા. એમના મોટાપુત્ર મહેન્દ્રભાઈ મેઘાણી તો હાજર નહોતા પણ એમનું આઠમું સંતાન અને સૌથી નાના પુત્ર એવા શ્રી અશોકભાઈ મેઘાણીને જોઈ એવું લાગ્યુંકે મારા માનિતા સાહિત્યકાર સદેહે હાજર છે. શ્રી અશોકભાઈ મેઘાણી ગ્રેટ પિતાશ્રીની યાદમાં એટલાં ગળગળા હતા કે કશું વધુ બોલી શક્યા નહિ. એમણે કહ્યું હું શું બોલું? એ બહુ નાનાં હતા ફક્ત ચાર વર્ષના અને પિતા ગુજરી ગયેલા. એમનો ચહેરો કે સ્મૃતિ ચિહ્ન યાદ જ નથી. જે કાઈ પણ છબી પિતાની માનસપટલ પર ઊપસે છે તે એમના જોએલા ફોટા અને એમનું લખેલા સાહિત્યનું પ્રતિબિંબ છે. એટલું યાદ છે કે એમના પિતા કશું કામ કરતા હોય લખતા હોય અને એમને ખલેલ પહોચાડવાની સખત મનાઈ હોય ત્યારે કશું કામ પડે તો બાળ અશોકને ઓરડામાં મોકલવામાં આવતો.

હવે વારો આવ્યો  કાજલ ઓઝા વૈદ્યનો. કાજલે મેઘાણીભાઈના જન્મ દિવસ વિષે તારીખ, વાર, તિથિ, સમય, ચોટીલાના અક્ષાંશ-રેખાંશ, નક્ષત્ર, રાશી અને ચંદ્ર્લગ્ન બધું બોલીને પહેલે સપાટે મોભો પાડી દીધો. મને મનમાં ખૂબ હસવું આવ્યું અને આજુબાજુના મિત્રો સાશ્ચર્ય પ્રભાવિત થઈ ગયા. કાજલ ઓઝાએ પ્રમાણિકતાથી કહ્યું  કે ‘ હું મેઘાણીભાઈ જેવા સમર્થ બહુમુખી સાહિત્યકાર વિષે કહેવા બહુ નાની પડું, અને એના માટે મારે ઘણુંબધું લેસન કરવું પડ્યું.’ જો કે ઓઝા એમના કરેલા લેસન માટે ૧૦૦ માંથી ૧૦૧ માર્ક લઈ ગયા તે હકીકત છે. કાજલ ઓઝાએ મેઘાણીભાઈ વિષે એટલી બધી રસપ્રદ સુંદર અને બહુ જાણીતી ના હોય તેવી માહિતી પીરસી કે ના પૂછો વાત. એમના વક્તવ્યનો ભાવાર્થ લખું કે મેઘાણી ભાઈએ સાહિત્યના લગભગ તમામ પ્રકારનું ખેડાણ કર્યું છે. કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, નાટકો, અનુવાદ લગભગ તમામ પ્રકારના સાહિત્યમાં એમનો હાથ હમેશા ઉંચો રહ્યો છે. મેઘાણીભાઈ કોલમ લખતા હતા. ૧૯૩૭ના ગાળામાં  દેશવિદેશની ખૂબ સુંદર અને અણજાણ માહિતી કોલમમાં પીરસતા હતા. તે સમયે ક્યાં ઇન્ટરનેટ હતું? ફ્રેંચ રાષ્ટ્રગીત કોણે અને કયા સંજોગોમાં લખેલું તે માહિતી તે સમયે મેઘાણીભાઈ ક્યાંથી ખોળી લાવતા હશે? અનુવાદમાં તો એમણે સાદાં અનુવાદ નથી કર્યા પણ અનુસર્જન કર્યું છે. અનુવાદમાં પણ એમની સર્જકવૃત્તિએ મેદાન માર્યું હતું. લાગે જ નહિ કે આ અનુવાદ છે. કવિ લૉર્ડ બાઈરન એમના પ્રિય હતા. દુનિયાની મોટાભાગની ભાષાના સાહિત્યને તેમણે ખેડ્યું હતું અને એનું ગુજરાતીમાં દર્શન કરાવ્યું હતું. વૈશ્વિક સાહિત્યને ગુજરાતી ફલક પર ઉતારનારા એ સૌના લાડકવાયા મેઘાણીભાઈ હતા. એસ્કિમોને ‘હિમબાળ’ તરીકે ઉતાર્યા હતા. આમ મેઘાણીભાઈ ઉત્તરધ્રુવ પણ પહોચી ગયા હતા. ટોલસ્ટોયના પત્નિએ કોઈ પુસ્તકમાં એના પતિની નિંદા કરી હશે એના માટે મેઘાણીભાઈએ શબ્દ વાપર્યો છે સાહિત્યમાં ચમારવૃત્તિ..મેઘાણીભાઈએ રવીન્દ્રનાથ ઠાકુરને(કુરબાનીની કથા) પણ ગુજરાતીમાં ઉતાર્યા હતા. શ્રી કાજલ ઓઝા વૈદ્ય જેવી આજની સમર્થ લેખિકા મેઘાણીભાઈ જેવા ભવ્ય સાહિત્યકાર વિષે બોલતા હોય અને તે પણ પુરા હોમવર્ક સાથે ત્યારે કાઈ કહેવાપણું હોય ખરું? અઢળક માહિતી એમણે પીરસી જે બધી અહી ઉતારવી અશક્ય છે.

ડૉ મહેતાનું કહેવું હતું કે ઢેલીબાઈ અને અમૃતલાલ શાહ એમના જીવનનો ટર્નીગ પોઇન્ટ હતો. ઢેલીમાંએ એમને લોકસાહિત્યમાં રસ લેતા કર્યા અને અમૃતલાલે પત્રકાર, તંત્રી, એડિટર બનાવ્યા. મેઘાણીભાઈ ફૂલછાબ અને જન્મભૂમિમાં એડિટર હતા.

‘ચાલો ગુજરાત’ ના આયોજક સુનીલ નાયકે કહ્યું કે કાજલ ઓઝા વૈદ્ય બોલી ચૂક્યા હોય અને ભીખુદાન ગઢવી બોલવાના હોય તે વચ્ચે હું સમય લઉં તે મારા અને બીજા શ્રોતાઓ માટે પનીશમેન્ટ કહેવાય.

હવે જેની ઉત્કંઠા પૂર્વક રાહ જોવાતી હતી તેવા જાણીતા શ્રી ભીખુદાન ગઢવી અને એમનો નાનકડો ડાયરો સ્ટેજ પર વિરાજમાન થયો. એમના શબ્દોનો ભાવાર્થ જણાવું કે મેઘાણીભાઈએ લોકસાહિત્યનું જબરદસ્ત સંકલન કર્યું છે. એના માટે ગામેગામ તેઓ રખડતા હતા. ભીખુદાનભાઈ વચમાં એમના ચારણી ગાળાને ગહેકાવી પણ લેતા હતા. વચમાં હસાવી પણ લેતા હતા. આખેઆખું લોકસાહિત્ય જેના મોઢે હોય તેવા ભીખુદાન ગઢવી જ્યારે સમર્થ સાહિત્યકાર એવા મેઘાણીભાઈ વિષે કહેતા હોય, ગાતા હોય ત્યારે કાઈ કહેવાપણું હોય ખરું? વચમાં વચમાં ભારતીબેન વ્યાસ અને બીજા સાથી ગાયક કલાકારો પાસે મેઘાણીભાઈએ રચેલી રચનાઓ પણ ગવડાવતા હતા. ભીખુદાન ભાઈએ જણાવ્યું કે મેઘાણીભાઈ લોકસાહિત્યને સામાન્યજન પાસેથી પણ શોધી લાવવા ખૂબ મહેનત કરતા. એમના મનમાં આવ્યું કે મારે દરિયાના ગીતો ભેગાં કરવા છે. ખૂબ તપાસના અંતે જાણવા મળ્યું કે કોઈ ખારવા કોમની ડોશી આવા ગીતો ગાતી હોય છે. મેઘાણીભાઈ યેનકેન પ્રકારે એની પાસે પહોચી ગયા. આતો મજુરબાઈ ક્યાંક કામ કરતી હતી. મેઘાણીભાઈ ત્યાં બેસી ગયા કહે મા મને દરિયાના ગીતો સંભળાવ. ખારવા દરિયાની ખેપ મારવા જાય ત્યારે અને એના સંદર્ભને ગવાતા ગીતો એમણે એની પાસેથી સાંભળ્યા. ભાવાર્થ એવો હતો કે જુવાનિયા દરિયામાં તોફાનો આવે હિંમત હારતો નહિ. એક ગીત એવું હતું કે માતા એના દીકરાને કહેતી હતી કે હું દરણા દળીને તને ખવડાવીશ પણ હવે દરિયામાં ખેપ નહિ મારવા દઉં. માના પ્રેમની આ બધી વાતો છે. આવી બધી પંક્તિઓમાં ભીખુદાનભાઈના કંઠના કામણ ભળે એટલે વાતાવરણ ભાવુક બની જાય.

તબલાવાદકનો પરિચય આપ્યા પછી એમણે કહ્યું કે એકવાર કોઈ નદીમાં બહુ મોટું પુર આવેલું ગામ લોકો જોવા ભેગાં થયેલા. તો લોકોએ જોયું કે નદીમાં તબલાની જોડ તરતી તરતી જતી હતી. કોઈ વડીલે જુવાનિયાને કહ્યું કે અલ્યા ગમેતેમ કરી કાઢી લો કામ લાગશે. આમેય નવરાત્રિમાં વગાડવા ખૂટે છે. લોકોએ મહામહેનતે તબલા કાઢ્યા તો ભેગાં ભગત પણ બહાર નીકળયા. તબલા કેડે બાંધી ભગત જતા હશે ને પુરમાં ફસાઈ ગયેલા. એક ઝાડ પર અડધો દિવસ ઊંધા ટીંગાડી રાખ્યા અને બધું પાણી નીકળી ગયું ત્યારે ભગત માંડ માંડ બોલ્યા કે એકાદી કળા આવડતી હોય તો બચી જવાય. તબલાએ એમને બચાવ્યા. હસાવવાની કળા ડાયરાના કલાકારને ના આવડતી હોય નવાઈ કહેવાય. ભીખુદાનભાઈ ખૂબ હસાવે.

એક બહુ ઉત્તમ વાત કહી કે ‘તોતડી જીભ હોય તે પ્રભુની દેન છે પણ તોછડી જીભ હોય તો વાંક આપણો છે, જીભ પરના ઘા તો રુઝાઈ જાય પણ જીભે દીધેલા ઘા કદી રુઝાતા નથી.’ એક સાસુ વહુનો સરસ દાખલો આપ્યો જે દરેક સાસુ વહુએ ગાંઠે બાંધવા જેવો છે. એક વહુ નવી પરણેલી સાસરીમાં કોઈ ખાઉધરી સમજી ના લે માટે ઓછું ખાતી. દિયર જોડે સાઠગાંઠ કરી તલની ઘાણીથી તલની સાની(હાની) છાનામાની મંગાવી ઘંટી નીચે સંતાડી રખાવતી. વહેલી સવારે દળણું દળવા બેસે એટલે ખાઈ લે. પણ એકવાર સાસુએ કચરો વળવા સાવરણી  ફેરવી ને પેલો કચરીયાનો વાટકો બહાર આવ્યો, સાસુ સમજી ગઈ બધી વાત પણ ચાખી જોયું તો હાની મોળી હતી. સાસુએ એમાં ગોળ ભેળવી દીધો. ઘણા દિવસ આવું ચાલેલું. વર્ષો પછી વહુ સાસુ બની ગઈ અને સાસુ વડસાસુ. ઘરડા વડસાસુએ નવી આવેલી વહુ વિષે પૂછ્યું તો એમની વહુએ જવાબ આપ્યો કે બધી વાતે સરસ છે પણ કામમાં જરા મોળી છે. વૃદ્ધ વડસાસુએ જવાબ આપ્યો કે એમાં શું થયું જરા ગોળ ભેળવી દે. તને ખબર નથી પણ તારી હાનીમાં મેં ખૂબ ગોળ ભેળવ્યો હતો.
ભીખુદાનભાઈ આવી અનેક વાતો કરતા હતા. મેઘાણીભાઈની રચનાઓ ગાતા અને ગવડાવતા હતા. એમના વિષે બીજા કવિઓએ રચેલી રચનાઓ પણ જણાવતા હતા. પણ મારે એક બર્થડે પાર્ટીમાં જવાનું હોવાથી કમને પ્રોગ્રામ અધુરો મૂકી ભાગવું પડેલું.

મિત્રોને ખબર નહિ હોય અહી સભામાં હું હતો ત્યાં સુધી ઉલ્લેખ થયો નહોતો પણ “સિંધુડો” રચવા બદલ બ્રિટીશ રાજે શ્રી મેઘાણીને બે વર્ષની જેલમાં નાખ્યા હતા. શ્રી મેઘાણી ઉમદા સાહિત્યકાર, સાહિત્ય દ્વારા સમાજસુધારક અને ફ્રીડમ ફાઇટર પણ હતા. એમની વાર્તાઓમાં સમાજના છેવાડાના ગણાતા પાત્રોના મુખે સમાજમાં ચાલતી બદીઓ સામે જબરદસ્ત પંચ મુકાયેલા છે.

સૌરાષ્ટ્રની રસધાર નહિ વાંચી હોય એવા કેટલા ગુજરાતીઓ હશે? એકપણ ના હોવો જોઈએ એવું મારું માનવું છે. બાકીના ગુજરાતને સૌરાષ્ટ્રની સાચી ઓળખ આપનારા, સૌરાષ્ટ્રના ખમીર અને શૌર્યથી બાકીના ગુજરાતને અવગત કરાવનારા એવા મેઘાણીભાઈ “સૌના લાડકવાયા” હતા. નાન્હાલાલ સાહિત્યના પર્યાય હતા અને ગાંધીજી લોકોના પર્યાય હતા અને બંનેને સેવનારા મેઘાણીભાઈ લોકસાહિત્યના પર્યાય હતા આવી મેઘાણીભાઈની ઓળખ આપનારા શ્રી અશોકભાઈ મેઘાણીને ફરી યાદ કરીને હું સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીને ખૂબ ખૂબ વંદન કરું છું.

ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં !!!

ચાલો ગુજરાત રે, એડીસન ગામમાં!!!

મહિનાથી ખુશ થતા હતા કે ‘ચાલો ગુજરાત’ માં જઈશું અને ખૂબ મજા આવશે. ખાસંખાસ મિત્ર દિલીપભાઈ ભટ્ટનો ફોન આવી ગયેલો કે બાપુ, ટીકીટની ચિંતા કરતા નહિ હું બુક કરાવી લઈશ. આપણા મલકના માયાળુ માનવી એવા જૂનાગઢના દિલીપભાઈ મને નાનાભાઈની ખોટ પડવા દેતા નથી. ૩૧ ઓગસ્ટ, શુક્રવારથી શરુ થઈને ૨, સપ્ટેમ્બર રવિવારે મોડી રાત્રે પૂરો થનારો આ આધુનિક અમેરિકન બંધ સાઉન્ડપ્રૂફ પેટીપૅક હોલમાં ભરાનારો ન્યુજર્સીના એડીસન ગામનો તરણેતરનો મેળો જ સમજી લેવાનો. ન્યુ જર્સી એટલે અમેરિકામાં વસેલું ગુજરાત અને એડીસન એટલે આ ગુજરાતનું હૃદય. એડીસનમાં આવેલા આ રેરીટન સેન્ટરના આ એકસ્પો હોલમાં ફાલ્ગુની પાઠક નવરાત્રિમાં ગરબાની રમઝટ બોલાવતા હોય છે.

આઈના સંસ્થા દ્વારા દર બે વર્ષે અમેરિકામાં વસેલા ગુજરાતીઓ ભેગાં કરીને એમને આયનામાં એમનું પ્યારું ગુજરાત પાછું બતાવવાના સંનિષ્ઠ પ્રયાસ એના સંચાલકોની અથાગ મહેનત દ્વારા થતા હોય છે. ત્રણ દિવસ થનારા ભરપૂર કાર્યક્રમોનું આયોજન આઠ-નવ મહિનાની સતત મહેનતનું પરિણામ હોય છે. ગુજરાતથી કેટલા બધા મહાનુભાવોને બોલાવવાના, એમની સગવડ સાચવવાની, અતિઆધુનિક ટેક્નોલૉજી વાપરી દ્ગશ્ય-શ્રાવ્ય પ્રોગ્રામ આયોજિત કરવાના, ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન કરવાનું આ બધું ખૂબ મહેનત માંગી લે તેવું હોય છે.

“આઈના સંસ્થા અને તેના સંચાલક સુનીલ નાયક અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ.”

પ્રથમ દિવસે તો સંજોગો એવા હતા કે હું જઈ શક્યો નહોતો. ભીખુદાન ગઢવીનો ડાયરો ચૂકી ગયો. મારા ખાસ ફેવરીટ પાર્થિવ ગોહીલનો પ્રથમ દિવસનો પ્રોગ્રામ પણ ચૂકી જવાયો. બીજા દિવસે દિલીપભાઈ આવી શકે તેમ નહોતા. જોકે મારા માટેનું રજિસ્ટ્રેશન એમણે આગલે દિવસે કરાવી નાખેલું અને હોલમાં જરૂરી પ્રવેશપત્રરૂપી પ્લાસ્ટિક ટેગ,  હાથે બંગડીની જેમ દરેકે પહેરી રાખવાની હોય છે તે સવારમાં દિલીપભાઈ આવીને આપી ગયેલા. પ્રવેશ માટેનો સમય ચોક્કસ ખબર ના હોવાથી હું તો દસ વાગ્યે પહોચી ગયો. એક છકડો ત્યાં પડેલો. એક રિક્ષા પણ પડેલી. થોડીવાર માટે ભૂલી ગયો કે અમેરિકામાં છું. ગુજરાતના કોઈ શહેરમાં રિક્ષા માટે રાહ જોઈને ઊભો હોઉં તેવું લાગ્યું. રિક્ષામાં અને છકડા પર બેસીને લોકો ફોટા પડાવતા હતા. પછી ખબર પડી કે ટાઈમ તો બપોરે એક વાગ્યાનો છે. ઘર નજીક એટલે પાછો ઘેર વહ્યો ગયો. બાર વાગ્યે પાછો આવ્યો તો ખૂબ લાઈન લાગી ગયેલી. પ્રવેશદ્વાર આગળ ઉપર કઠપૂતળીઓ લટકાવેલો સુંદર પૅસેજ બનાવેલો હતો. લોકોની ભીડ જામતી હતી. આ પૅસેજ નાનો હતો અને પ્રવેશવાનો સમય એક વાગ્યાનો હતો એટલે ઉભા રહેનારા ખૂબ વધી ગયા. પૅસેજ પૂરતો છાંયડો હતો બાકી લોકો તડકામાં લાઈન લગાવીને ઊભેલા. આવા પ્રોગ્રામમાં અહીંના બોર્ન યંગસ્ટર્સને રસ ઓછો હોય તે સ્વાભાવિક છે. પ્રેક્ષકોમાં આધેડ અને વૃદ્ધ જ વધુ હોય અને આવું લાંબા સમય તડકામાં ઉભા રહેવાનું તકલીફદાયક હોય. લોકોનું કહેવું હતું કે ભલે પ્રોગ્રામ એક વાગે શરુ થતો અંદર બેસવા તો દો? એક વાગી ગયો પણ કોઈ દરવાજા ખોલે નહિ. એમની જે મજબૂરી હોય તે પણ છેવટે લોકો મૅનેજમેન્ટ હાય…હાય… એવી બુમો પાડવા લાગ્યા ત્યારે દરવાજા ખૂલ્યા. આ દરમ્યાન સમય પસાર કરવા લોકો ગામગપાટા મારે તે સ્વાભાવિક છે. એક કાકા કહે કાલે બાસુંદી જરા ખટમીઠાં સ્વાદવાળી હતી. હું તો આગલે દિવસે આવેલો નહિ એટલે મને તો ખબર નહિ. કાકા કહે એક વોલેન્ટિયર ભાઈને પુચ્છ્યું તો કહે દહીંની બાસુંદી બનાવેલી છે માટે ખાટી છે. બધા ખૂબ હસવા લાગ્યા. મેં કહ્યું કાકા,  એ ભાઈએ કટાક્ષમાં કહ્યું હશે તમે સાચું માની ગયા, બાકી દહીંની બાસુંદી કદી હોય નહિ. બાસુંદી ગરમીમાં ફાટી ગઈ હશે. કાકા કહે મને એમ કે મઠો જેવો કોઈ બાસુંદીનો નવો પ્રકાર હશે. કાકા પણ લોકોને હસાવવાને મુડમાં હતા. એક બહેન બોલ્યા તો પછી પાછળથી બાસુંદી મૂકવાનું બંધ કેમ કરી દીધું?

અનુભવી અને અનેક વખત સફળતાપૂર્વક આયોજન કરી ચૂકેલા સંચાલકો પણ ક્યારેક આવી બાબતોમાં માર ખાઈ જતા હોય છે. એમાં એમના કરતા કેટરરનો વાંક વધુ હોય છે. અગાઉના આવા આયોજન વખતની રસોઈના વખાણ પણ લોકો ખૂબ કરતા હતા. મજાક મસ્તી અને અકળામણ કાઢતા લોકો છેવટે અંદર પ્રવેશ પામ્યા. હું તો એકલો હતો કોઈ ઓળખીતું મળી જાય તો ઝડપી લેવાની તાકમાં હતો અને નિકેતાબેન વ્યાસ અને રેખાબેન પટેલને જોઈ લીધા. ફેસબુક મિત્રો કામ લાગ્યા ખરા. બંનેના પતિદેવને મળ્યો. જનકભાઈ દેસાઈ મળ્યા, જયેશભાઈ ભટ્ટ મળ્યા. કંપની મળી ગઈ હતી. જનકભાઈ કવિહૃદય અને ધર્મો કરતા માનવધર્મને વધુ માને. દરેક વસ્તુમાં એમને કવિતા જડે. આ જનકભાઈના જીવનના એક પ્રસંગમાંથી સહુએ શીખ લેવા જેવી છે, જો ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો. જનકભાઈને વર્ષો પહેલા એક પ્રસંગે એવું બન્યું કે એમને કોઈને મળવું નહીં હોય તો પત્નીને કહેવાનું મન થયું કે ના પાડી દે કે પોતે ઘરમાં નથી. હજુ આવું કહેવાનો વિચાર જ આવ્યો છે, ત્યાં બાજુમાં એમની નાનકડી ત્રણ વર્ષની બેબી રમતી હતી. જનકભાઈને થયું કે હું આવું જૂઠ બોલીશ તો આ બાજુમાં રમતી બેબી અનકોન્શિયસલી  સાંભળશે તો ખરી જ અને એના મન પર શું અસર પડશે? બસ એ દિવસથી જનકભાઈના કહેવા પ્રમાણે એમના જીવનમાં પરિવર્તન આવી ગયું. ઋજુ હ્રદયના માલિક એવા જનકભાઈને સલામ કરવાનું મન થાય છે.

કોઈએ ફેસબુકમાં પૂછેલું કે સમય એટલે શું? મેં મજાકમાં નીચે કૉમેન્ટ લખેલી કે સમય એટલે હરીશ ભીમાણી. મહાભારત સીરીયલ સહુએ જોઈ હશે, એટલે હરીશ ભીમાણી વિષે ઓળખ આપવાની હોય નહિ. હરીશ ભીમાણી, સોહાગ દીવાન, અમીન સયાની અને અમિતાભ બચ્ચન આ બધા બુલંદ અવાજની દુનિયાના બાદશાહો કહેવાય. હરીશ ભીમાણી હસતા જાય હસાવતા જાય અને એક પછી એક થનારા પ્રોગ્રામની માહિતી આપતા જતા સંચાલન કરતા જાય. ગુજરાતની ગાથા વર્ણવતા સાંસ્કૃતિક પ્રોગ્રામ એક પછી એક જોવાની ખૂબ મજા આવતી જતી હતી. વચમાં વચમાં મહાનુભાવોના ભાષણોમાં પણ ગુજરાતનું ગૌરવ છલકાતું જાય.

મારો ફેવરીટ પાર્થિવ ગોહીલ આવ્યો અને એના કર્ણપ્રિય ગાયન વડે અદ્ભુત જમાવટ કરી દીધી. સુગમ સંગીત હોય, ફિલ્મી ગીતો હોય, રાસગરબા હોય પાર્થિવનો જોટો જડવો મુશ્કેલ. કદાચ મિત્રોને ખબર નહિ હોય આ પાર્થિવ શાસ્ત્રીય ગાયકીમાં પણ કોઈ મહાપંડિત કે ખાંસાહેબને ટક્કર મારે તેવું ગાય છે. એની શાસ્ત્રીય રાગો આધારિત બંદિશ’ સીડી હું મારી કારમાં કાયમ રાખું છું. કવિ નર્મદના ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત’….અને એવા બીજા ગીતો ગાઈને પાર્થિવે અદ્ભુત રસાસ્વાદ કરાવી દીધો. રાસગરબા અને દુહાની રમઝટ એવી બોલાવી કે સમય થંભી ગયો…અહીં સમય એટલે હરીશ ભીમાણી સમજવાની છૂટ છે…પાર્થિવે તન, મન અને દિલ ડોલાવી દીધું હતું.

વસ્ત્રાપુર, અમદાવાદની બ્લાઈન્ડ સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ જે નૃત્યો, ગરબા અને પીરામીડ દર્શાવીને એવું ઇમોશનલ વાતાવરણ બનાવી દીધું કે ભાઈ મારી આંખોમાં તો પાણી આવી ગયા. આ અંધ બાળકોના  પર્ફૉર્મન્સ જોઈને એવું લાગે કે આ ખરેખર અંધ બાળકો છે કે આપણે અંધ છીએ? ખરેખર બુદ્ધિ (પ્રજ્ઞા) જેની ચક્ષુ છે તે લોકો જ સાચું દેખતા છે, આપણે દેખતા આંધળાઓને કોણ સાચો રાહ બતાવી શકે?? એક આવી પ્રજ્ઞાચક્ષુ બાળા પાછી હરીશ ભીમાણી સાથે શૉનું સંચાલન પણ કરતી હતી. ભણેલા અભણ અને દેખાતા અંધોનો કોઈ ઉપાય નથી. આઈના સંસ્થા આવા પ્રોગ્રામ વખતે કદી ડોનેશન માંગતી નથી પણ આ અંધ બાળકોની સ્કૂલ માટે જ્યારે દાન આપવા વિનંતી કરાઈ તો માયાળુ ગુજરાતીઓના હૃદય સાથે ખિસ્સા પણ ખૂલી ગયા. સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ સાથે લોકો ડોલર્સનો વરસાદ વરસાવવા લાગ્યા. કોઈ પાંચ હજાર, તો કોઈ બે-ત્રણ હજાર લખાવવા માંડ્યા. બસો પાંચસોનો તો પાર જ નહોતો. ગુજરાતી કરકસરિયો  ખરો પણ દાન આપવામાં પણ એટલો જ ઉદાર હોય છે. ગુજરાતી પૈસા ભેગાં કરી જાણે અને વાપરી પણ જાણે.

સુગમ સંગીત, ભજન સંધ્યા, નાટિકાઓ, નૃત્યો, મહાનુભાવોના વ્યાખ્યાનો, સન્માન સમારંભો, કવિ સંમેલન વગેર વગેરે એટલાં બધા ભરપૂર કાર્યક્રમો વડે ‘ચાલો ગુજરાત’  છવાયેલું હતું કે બધાનું વર્ણન કરવું મુશ્કેલ છે. હરીશ ભીમાણી પછી પાકા અમદાવાદી એવા રેડિયો મિર્ચીના ધ્વનિતનો વારો આવે એટલે સ્ટેજ ખુદ દોડતું થઈ જાય. હસતો હસાવતો, વન લાઇનર મારવામાં જબરો કાબેલ, ઊર્જાથી છલકાતો, દોડાદોડ કરતો ધ્વનિત આવે એટલે રંગત છવાઈ જાય. વચમાં રઈસ મણિયાર આવીને દૂંટીમાંથી હસાવી જાય.

ઓબામના પ્રતિનિધિની તરીકે ન્યુજર્સીના  સેનેટર બોબ આવેલા સાથે લાવેલા ઓબામા ઍડ્મિનિસ્ટ્રેશનમાંથી ત્રણ ઉચ્ચ અધિકારીઓ. ગુજરાતના અને ગુજરાતીઓના ગૌરવની વાત એ હતી કે ત્રણે ગુજરાતીઓ હતા અને ત્રણે શાહ હતા. બે યુવાનો હતા અને એક હતા સોનલ શાહ. આવા લબરમુછીયા યુવાનોને ભારત સરકારમાં આવા ઉચ્ચ હોદ્દા પર કામ કરતા જોવામાં કદી આવે જ નહિ. આપણા આઈ.એ.એસ. કે એવા સમકક્ષ યુવાનોને આસિસ્ટન્ટ તરીકે વર્ષો વીતી જાય પછી આધેડ અવસ્થાએ ઉચ્ચ હોદ્દો મળતો હોય છે. ઓબામા કદાચ પહેલા એવા પ્રમુખ હશે કે જેમણે ભારતીયો અને ગુજરાતીઓની સૌથી વધુ કદર કરી છે. સેનેટર સાથે બધાએ ટૂંકા વ્યક્તવ્યો આપ્યા. ધ્વનીતે સેનેટરને ગુજરાતીમાં ‘કેમ છો’ બોલવા વિનંતી કરી. સેનેટર એટલું જોરથી ડરાવી દે તેમ પ્રશ્ન પૂછવાની સ્ટાઇલમાં કેમ છો બોલ્યા કે બધા હસી પડ્યા.

ગુજરાતના લોકલાડીલા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આધુનિક ટેક્નોલૉજીના  પ્રતાપે ગુજરાતમાં બેઠાં બેઠાં અહીંના ઉપસ્થિત લોકોને સંબોધ્યા. મોદીના ભાષણમાં કાઈ કહેવાપણું હોય ખરું? આટલાં બધા ગુજરાતીઓ ભેગાં મળેલા જોઈને એમનું હૈયું હરખાયા વગર રહે ખરું?  આયોજક સુનીલ નાયકને અને તેમની ટીમને સંબોધીને મોદીએ ખૂબ અભિનંદન આપ્યા. મોદી અહીંનો પ્રોગ્રામ ત્યાં બેઠાં બેઠાં જોતા હતા. અહીં હાજર વ્યક્તિઓને નામ દઈને યાદ કરીને અભિનંદન આપતા હતા. અહીંની ગુજરાતી લિટરરી એકેડેમીના શ્રી રામભાઈ ગઢવીનું નામ દઈને યાદ કર્યા તો અમને બધા સાહિત્ય રસિકોને ખૂબ ગમ્યું.

મિસ ગુજરાત અમેરિકા નામની બ્યુટી કોન્ટેસ્ટ પણ યોજાઈ હતી. આઠ સુંદર યુવતીઓ બિલાડીચાલ(કેટ વોક) સ્ટેજ પર ચાલતી હતી. એમના પરિચય પછી એમની ટેલેન્ટ જોવાની હતી. લગભગ બધાએ સોલો ડાન્સ રજુ કર્યા. એક છોકરીએ એકાંકી ભજવ્યું હતું. એક બહેને કથ્થક નૃત્ય કરીને કથ્થકનો કચરો કરી નાખ્યો એવું લાગ્યું. છોકરીઓએ ખાલી આ સ્પર્ધા પુરતા ડાન્સની પ્રેકટીશ કરી હોય તેવું લાગ્યું. સુંદરતાની વ્યાખ્યા અને માપદંડ દરેકના મનમાં અલગ અલગ હોય છે. એટલે મને તો કોઈ છોકરી મિસ ધોરાજી, મિસ ઉપલેટા, મિસ રાજ કોટ, મિસ કડી-કલોલ કે મિસ હાલોલ-કાલોલ બને તેવીય લાગી નહિ…આજુબાજુ બેઠેલા ઘણા પ્રેક્ષકોનું કહેવું હતું કે આવા નાટક તો કરવા પડે અને રિજલ્ટ તો અગાથી ડીસાઈડ થઈ ગયેલા હોય છે.

ધ્વનિત લોકોને જાતજાતની ગેઇમ રમાડે અને કોઈ જ્વેલર તરફથી સોનાના સિક્કા ગીફ્ટમાં આપતો જાય. કોઈને પૂછે કે રાજકોટનું શું ફેમસ છે? ખંભાતનું શું પ્રખ્યાત છે? લોકો પણ જવાબ આપે કે રાજકોટના પેંડા, ખંભાતનું હલવાસન અને સુરતનો લોચો વખણાય છે. બધાને સોનાના કોઈન(સિક્કા) અપાતા જાય. પણ ભાઈલો પ્રેક્ષકોમાં આગળની લાઈનોમાં ફર્યા કરે. એટલે પાછળની લાઈનોમાં બેઠેલાં બુમો પાડવા લાગ્યા. બધાને સોનાના સિક્કાની લાલચ હોય જ ને? પાછળ આવ્યો ખરો પણ મોટો લાભ આગળ બેઠેલાં લોકોને જ મળ્યો. છેવટે ગુજરાતી મૂળાક્ષરોનો આખો કક્કો એક પણ અક્ષર ચૂક્યા વગર બોલવાનું કહ્યું. ભાગ્યેજ કોઈને આખો કક્કો ક્રમવાર બોલતા આવડે. કોઈ ‘ટ’ ભૂલી જાય તો કોઈ ‘ફ’ ભૂલી જાય. ‘કાચો પાપડ પાકો પાપડ’ ઝડપથી ભૂલ વગર બોલવાનું લોકોને જણાવ્યું. થોડીવાર બોલ્યા પછી ગોટાળો થઈ જ જાય. પણ છેવટે સૌથી વધારે વખત ભૂલ વગર બોલનારા ભાઈને એર ઇન્ડિયા તરફથી ભારત આવવાની ટીકીટ ફ્રીમાં મળી ગઈ. ધ્વનીતે થોડા ફિલ્મી સેલીબ્રીટીના ઇન્ટરવ્યું લીધા હશે. એમના અવાજ પરથી તે લોકોને ઓળખી બતાવવાના હતા. આવા એક પ્રખ્યાત અભિનેતાને ખાખરા બહુ ભાવે છે. અવાજ પરથી જ ખબર પડી ગઈ કે આતો અમિતાભ બચ્ચન છે. બીજા એકને કેરીના છુંદા(મુરબ્બો) વગર ચાલે નહિ. કોઈ એનો અવાજ ઓળખી શક્યું નહિ. લગભગ બધા ફિલ્મી નાયકોના નામ બોલાઈ ગયા પણ સાચું પડે નહિ. છેવટે ધ્વનીતે જ કહેવું પડ્યું તે ભાઈ હતા નીલ નીતિન મુકેશ. સ્વ.મુકેશ વડોદરાના જમાઈ હતા. એમના પત્ની ગુજરાતી હતા.  ધ્વનીતે ખૂબ મજા કરાવી. પ્રેમ ચોપરાના જમાઈ અને થ્રી ઇડિયટમાનો એક ઇડિયટ સરમન જોશી અને પાર્થિવ પટેલના ઇન્ટરવ્યું પણ લેવાયા. સહેવાગે એકવાર આ પાર્થિવ પટેલ પાસે સેવિંગ ક્રીમ માંગેલી. પાર્થિવ કહે હું હજુ દાઢી કરતો નથી. પાર્થિવ બહુ નાની ઉંમરે ક્રિકેટ ટીમમાં આવી ગયેલો, દાઢી ઉગી હોય તો કરે ને?

 

ત્રીજા દિવસે એટલે રવિવારે તો દિલીપભાઈ મને લેવા આવી ગયા જ હતા. અમે સ્થળ પર પહોચ્યા ત્યારે ભજન સંધ્યા ચાલુ જ હતી. દસ હજાર માનવો એક જ હોલમાં બેસવાના હોય ત્યાં સારી અનુકૂળ સીટ મેળવવાનું મુશ્કેલ બની જતું હોય છે. અમે બેઠાં હતા અને મારા નામની કોઈએ બૂમ પાડી. મેં પાછળ વાળીને જોયું તો મિત્ર જગદીશ ક્રિશ્ચિયન. એમણે સ્માર્ટ ફોનમાં ફોટો પાડીને ફેસબુકમાં તરત મૂકી પણ દીધેલો. થેંક યુ વેરી મચ જગદીશભાઈ.

આપણી ધર્મભીરુ પ્રજા માટે આવા ભવ્ય પ્રોગ્રામ સંત, સાધુ અને ગુરુઓની હાજરી વગર શોભે નહિ, અધૂરા લાગે તે સ્વાભાવિક છે. સંતશ્રી હરિપ્રસાદ સ્વામીના સાંનિધ્યમાં સરસ મજાના ભજનો ગવાતા હતા. એમણે પણ એમનું વક્તવ્ય આપ્યું. મોરારીબાપુની હાજરી તો ત્રણે દિવસ હતી.. ગુજરાતીપણું શું કહેવાય? એના વિષે મોરારીબાપુએ સરસ પરિચય આપ્યો. મોરારીબાપુનો પરિચય આપવાનો હોય ખરો? પણ ફોર્માલીટી અપનાવવી પડે. એમનો પરિચય આપવા જય વસાવડા આવ્યા. ગુજરાતીપણા વિષે એમણે જોરદાર ભાષણ આપ્યું. તાળીઓ પાડવા મજબૂર કરી ના દે તો જય વસાવડા નહિ. મોરારીબાપુએ સરસ માહિતી આપી કે ૧૨૦ વર્ષ પહેલા ૬૬ ગ્રેટ ગણાતા ગુજરાતીઓ વિષેનો પરિચય આપતું પુસ્તક છપાયેલું. કે તે સમયે આત્યારના જેવા પ્રિન્ટિંગ મશીનો હતા નહિ. જાતે બ્લૉક ગોઠવી મૅન્યુઅલ પ્રિન્ટીગ થતું હતું. ગુજરાતના થઈ ગયેલા મહાન પુરુષો વિષે બાપુ ખૂબ સુંદર બોલ્યા. પણ ગાંધીજી વિષે બોલતા એમણે બહુ મોટું ગપ્પું મારી લીધું કે ગાંધીજી કોઈ રાજકારણી હતા જ નહિ એ તો આધ્યાત્મિક મહાપુરુષ હતા. ખરેખર તો ગાંધીજી નખશિખ રાજકારણી હતા અને અધ્યાત્મિક મહાપુરુષ બનવાનો ટ્રાય કરતા હતા. ઘણીવાર શબ્દોના જાદુગર લોકો વડે આવા ગપ્પા મરાઈ જતા હોય છે. બહુ સીરીયસ લેવું નહિ.

રંગીલાના રંગીલા લેખક સંજય છેલ આવ્યા. બોલીવુડના ઇતિહાસમાં અગણિત ગુજરાતીઓનું મહત્વનું પ્રદાન રહેલું છે. ઘણીબધી ના જાણતા હોઈએ તેવી માહિતી સંજય છેલે આપી. બોલીવુડની શરૂઆત થઈ દાદા સાહેબ ફાળકેથી, આ ફાળકે સાહેબને પૈસા ધીરનારા હતા સર ચંદુલાલ શાહ. મધર ઇન્ડિયા જેવી ક્લાસિક ફિલ્મના ડાયરેક્ટર હતા મહેબુબખાન. ગણ્યા ગણાય નહિ તેટલા કલાકારો, કસબીઓનું મહત્વનું પ્રદાન ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રહેલું છે. ખુદ સંજય છેલ્ કેટલાય નામો ઉલ્લેખવાના ભૂલી ગયા હતા. એમાંનું એક નામ ભૂલી ગયા હતા તે હતા આશા પારેખ…

કવિ સંમેલન શરુ થયું. મોરારીબાપુ સાહિત્યના રસિયા એટલે કવિ સંમેલન પૂરતા હાજર રહેલા. સંચાલન કવિશ્રી તુષાર શુકલે કરેલું. તુષાર શુક્લ મિતભાષી, મીઠો અવાજ, એકદમ નરમ અને નમ્ર લાગે. સમય બહુ બગાડે જ નહિ. પોતાની રચનાઓ કે બીજાની શેરો શાયરી વચમાં વચમાં ફેંકવાની આવા કવિ સંમેલનોના સંચાલકોની બૂરી આદતથી જોજન દૂર લાગ્યા. બધા કવિઓના નામ યાદ નથી પણ રઈસ મણિયાર, મુકેશ જોશી, કૃષ્ણ દવે, અનિલ જોશી, ચંદ્રકાંત શાહ જેવા કવિઓ એમની કૃતિઓ રજૂ કરતા હતા. પ્રથમ બધાની એક એક રચના રજૂ કરવાની હતી, કેમકે મોરારીબાપુને જવાનું હતું. એમના ગયા પછી ફરી એકવાર બધાની કૃતિઓ રજૂ થઈ. રઈસ મણિયાર અને મુકેશ જોશી ખૂબ હસાવે.

આજે જય વસાવડાનું મોટાભાગનું લેક્ચર ચૂકી જવાયું કે ભાઈ અમે પેટપૂજા કરવા ગયેલા. જયભાઈ સ્ત્રીઓ વિષે બોલતા હતા. આજની સ્ત્રી હોશિયાર છે. પણ મને ખબર છે કે જયભાઈ વેલ બેલેન્સ્ડ બોલવા ટેવાયેલા છે. સ્ત્રી પુરુષની ખૂબીઓ સાથે ખામીઓ પ્રત્યે પણ અંગુલીનિર્દેશ કર્યા વગર રહે નહિ. કારણ સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાની લ્હાયમાં પુરુષોની વેદના કોઈને દેખાતી નથી. પતિઓ વડે પીડાતી સ્ત્રીઓની કથા આખી દુનિયા જાણશે પણ પત્નીઓ વડે ત્રાસ પામતા પુરુષોની કથા કોઈ નહિ જાણે. જયભાઈએ કહ્યું કે દુનિયાની બધી શોધખોળો સર્જન પુરુષો કરતા હોય છે પણ પુરુષનું સર્જન સ્ત્રી કરે છે….તાળીઓ ચાલુ….પણ મારે પૂછવું હતું સ્ત્રીનું સર્જન કોણ કરે છે?? પણ હું ખૂબ દૂર બેઠેલો હતો, એટલે પૂછી ના શક્યો. સ્ત્રીપુરુષ બંને ભેગાં મળીને સ્ત્રી અને પુરુષનું સર્જન કરે છે.

પછી આવ્યા બોલ્ડ ગુજરાતી લેખિકા તરીકે પંકાતા કાજલ ઓઝા વૈદ્ય. એમની વક્રોક્તિ  ઉપર પુરુષોથી તાલીઓ પડાય એવા ટોણા મારી મારીને તાળીઓ મેળવી ખરી. જોકે આ બધા તાળીઓ મેળવવા માટે બોલતા હોય છે તેવું પણ નથી. એમના વક્તવ્યો જ એવા હોય કે તાલીઓ પાડવાનું મન થઈ જાય. કાજલ ઓઝાનું કહેવું હતું કે સ્ત્રી આખો દિવસ ગમેતેટલી ફરિયાદો કરશે પણ પછી ફોન કરીને પૂછશે દવા ખાધી?  આજ સ્ત્રી આખો દિવસ કંટાળીને આવીને જમવા બેઠેલાં પતિના ભાણામાં ગરમ રોટલી સાથે કકળાટના કચૂમ્બરમાં મહેણાંના મસાલા મારી મારીને પણ પીરસતી હોય છે તે કહેવાનું કાજલ ઓઝા ભૂલી ગયા.

વુમન એક્ટીવીસ્ટ મહિલાઓના પતિદેવોના ઇન્ટરવ્યું પણ કોઈએ લેવા જોઈએ.

કાજલ ઓઝાનું કહેવું હતું કે સ્ત્રી એના કામ પ્રત્યે ફોકસ હોય છે. એક કામ એક સમયે ખૂબ ધ્યાનથી કરતી હોય છે. એમનું કઈ રીતે આવું માનવું છે હું સમજ્યો નહિ. ફેમસ લેખકો બધું સત્ય કહેતા હોય તેવું માની  લેવું નહિ. બાકી સત્ય એ છે કે સ્ત્રી ફક્ત એક કામ પ્રત્યે ફોકસ હોતી નથી. એક સાથે અનેક કામ કરવા ટેવાયેલી હોય છે.સવારે જાગીને સ્ત્રીને એક સાથે અનેક કામ કરવા પડતા હોય છે. બાળકોને તૈયાર કરવા, એમના નાસ્તા વગેરે કરાવીને સ્કુલે મોકલવાના, સાથે સાથે પતિદેવને કદી ના જડતા મોજા શોધી આપવાનાં. સાસુ સસરા હોય તો એમનું સેવા સગવડનું કામ પણ જોડે જ ઊભું હોય. આવા તો અનેક કામ એક સાથે એક સમયગાળામાં કરવાના હોય છે. સ્ત્રી ગેસ પર દૂધ મૂકીને બીજા કામે વળી જતી હોય છે અને કાયમ દૂધ ઊભરાઈ જતું હોય છે. ૧૦૦માંથી ૯૫ સ્ત્રીઓના ગરમ કરવા મુકેલા દૂધ ઊભરાઈ જતા હશે.  સ્ત્રી ટાઈમ કોન્શિયસ હોતી નથી. કોઈ પ્રસંગે જવાનું હોય તો એની ટાપટીપ જલદી પૂરી થાય જ નહિ, ભલે પતિદેવ ગુસ્સે થતા તૈયાર થઈને કલાકથી રાહ જોતા હોય. આમ એક રીતે ગણીએ તો સ્ત્રીને મલ્ટી ફોકસ બનવું પડતું હોય છે. અને એટલે જ ફોકસ હોતી નથી. અને એટલે જ બધી શોધખોળો અને રિસર્ચ મોટાભાગે પુરુષો જ કરતા હોય છે. છતાં અપવાદ બધામાં હોય. જેનું ગેસ પર ગરમ કરવા મૂકેલું દૂધ ના ઊભરાય તેને પણ અપવાદ ગણવો….સોરી કાજલ ઓઝા વૈદ્ય….

ધ્વનીતને આજે જલસો પડી ગયો કે પ્રાચી દેસાઈ આવી હતી. એને સ્ટેજ પર બોલાવીને એની સાથે મસ્તી મજાકમાં લાઈન મારવા પણ મળી ગયું હતું. પ્રાચીએ કહ્યું પણ ખરું કે મારી મમ્મી તો સાથે જ છે તમારી મમ્મી સાથે લાવ્યા છો? મને લાગે છે મહિના સુધી ધ્વનીતને ઊંઘ નહિ આવે. પ્રાચી મૂળ સુરતની છે. પંચગનીમાં ઊછરેલી અને મુંબઈમાં રહેતી પ્રાચીની મોમ પણ ખૂબ રૂપાળી છે. પ્રાચીના પપ્પાની મને તો જેલસ થાય છે. કશું બળવાની વાસ આવી??  મને પ્રાચી કરિશ્મા અને કરીના કરતા પણ વધુ સુંદર લાગી.

ધૃતિ અમીનના પુસ્તક “પંચાત” નું વિમોચન કરવામાં આવ્યું. બાજુવાળા ભાઈએ મને પૂછ્યું આ પંચાત પુસ્તકમાં શું લખ્યું હશે? મેં કહ્યું કોઈની પંચાત કરવી નહિ એવું લખ્યું હશે, તો એ ભાઈ હસી પડ્યા.

આઈના સંસ્થા કોઈ એકાદ પક્ષ સાથે જોડાયેલી હોય તેવું નથી, એને માટે બધા રાજકીય પક્ષો સરખાં છે. માટે કૉંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષના નેતાઓ અહીં બોલાવાતા હોય છે. પ્રથમ દિવસે વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે એમનું વક્તવ્ય આપેલું હતું. એમાં કશું અજુગતું નહિ હોય કોઈએ વિરોધ કરેલો નહિ. બીજા દિવસે મેં જણાવ્યું તેમ મોદી સાહેબનું લાઇવ ભાષણ વિડીયો કૉન્ફરન્સ દ્વારા હતું. અને ત્રીજા અંતિમ દિવસે ફરી પાછાં શક્તિસિંહ બોલવા ઉભા થયા. શક્તિસિંહે લોકોને એક સવાલ પૂછ્યો. એવા કયા સત્તાધીશની નગરી સોનાની હતી? લોકોએ બુમો પાડી જવાબ આપ્યો ‘રાવણ..રાવણ’. હવે એમનું કહેવાનું શરુ થયું કે જેની નગરી સોનાની હોય તો એનો વિકાસ થયેલો ખૂબ કહેવાય કે નહિ? નરેન્દ્ર મોદી કાયમ વિકાસની વાતો કરતા હોય છે, બસ લોકો સમજી ગયા કે શક્તિસિંહનો ઇશારો મોદી સામે છે. શક્તિસિંહ નરેન્દ્ર મોદી એવો શબ્દ પણ બોલ્યા નહોતા. લોકોએ બુમો પાડવાનું અને વિરોધ દર્શાવવાનું શરુ કરી દીધું. શક્તિસિંહ આગળ બોલી શક્યા જ નહોતા એટલી બધી બુમાબુમ થતી હતી. એ બોલવાનું શરુ કરે કે મિત્રો…પણ આગળ કોઈ બોલવા દેવા માંગતું નહોતું. છેવટે સુનીલ નાયક આગળ આવ્યા અને એમને  દોરીને લઈ ગયા. થોડી અફડાતફડી મચી ગઈ. ધ્વનિત, તુષાર શુક્લ વગેરે વારંવાર બે હાથ જોડીને શાંત થઈ જવા અને બેસી જવા અપીલ કર્યા કરતા હતા. સુનીલ નાયકે આવીને નાનકડું હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું ત્યારે લોકો શાંત પડ્યા. એકાદ ચપ્પલ કોઈએ કદાચ ફેંક્યું હશે બાકી ના કોઈ ચપ્પલનો વરસાદ વરસ્યો હતો કે શક્તિસિંહ એવા શબ્દો બોલ્યા જ નહોતા કે મોદી રાવણ છે એનો સંહાર થવો જોઈએ. ગુજરાતમાં છાપાવાળાઓએ ગમેતેમ મસાલા ભભરાવી છાપી નાખ્યું છે.

લોકશાહીમાં દરેકને એનો અવાજ રજૂ કરવાની સ્વતંત્રતા હોય છે. મોદી હોય કે શક્તિસિંહ છોને એ લોકો જે બોલે તે, સમજવાનું અને અમલમાં મૂકવાનું આપણે આપણી બુદ્ધિ વડે હોય છે. જેને મહેમાન તરીકે બોલાવ્યા હોય તેની સાથે ગેરવર્તન કરવું જરાય વાજબી ના કહેવાય. શક્તિસિંહે સમજવાનું હતું કે આ પ્લેટફોર્મ આવી વાતો કરવા માટેનું યોગ્ય નહોતું. એ વિવેક ચૂક્યા તેમ લોકો પણ વિવેક ચૂક્યા. માટે હું કાયમ કહેતો હોઉં છું કે એવેરેજ ભારતીય તર્ક અને બુદ્ધિ વડે વિચારતો જ નથી. લાગણીઓના પુરમાં તણાઈને મૂરખ બનતો હોય છે. ૯-૧૧ વિષે માઈકલ મુરે એક ડોક્યુમેન્ટરી બનાવેલી. એમાં એક વૃદ્ધ અમેરિકન શ્વેત કાકાશ્રીનો ટૂંકો ઇન્ટરવ્યું હતો. કાકાશ્રી વદતી અવર પ્રૅસિડેન્ટ ઇઝ બીગ એસ હોલ…આ ડોક્યુમેન્ટરી બહુ ફેમસ બનેલી અને લગભગ દરેક અમેરિકને  જોઈ હશે. માજી પ્રમુખ બુશશ્રીએ પણ જોઈ હશે. સાથે એમને દેવાયેલી સ્વસ્તિ પણ સાંભળી જ હશે ને?? અને ખૂબ હસ્યા પણ હોવા જોઈએ….

મંથન સંસ્થાની અપંગ કન્યાઓએ જબરદસ્ત કહેવાય તેવા રાસ ગરબા અને નૃત્યો રજૂ કર્યા. આમેય આપણા લોકોને દીકરો અવતરે તો હરખની હેલી ચડતી હોય છે અને દીકરી અવતરે તો મોઢું કટાણું થઈ જતું હોય છે. એમાંય દીકરી અપંગ હોય તો એની શું હાલત થાય? આવી અપંગ દીકરીઓની એક માતા છે એનું નામ ‘મંથન’ સંસ્થા, અને સવાઈ માતા છે નીરૂબેન. કેટલીક કન્યાઓતો જરાય ચાલી ના શકે તેવી અપંગ હતી. આ બાળાઓના ગજબના પરફોર્મન્સથી ફરી એકવાર ઇમોશનલ થઈ જવાયું.

બે દિવસથી બપોરના એકથી મોડી રાત સુધી આવી રીતે સળંગ બેસી રહેવાનું અઘરું હતું. અંતે અમે પ્રોગ્રામ પૂરો થાય તે પહેલા ભાગી છૂટ્યા. પ્યારાં મિત્રો જેટલું યાદ રહ્યું તેટલું લખ્યું છે. કાર્યક્રમોની ભરમાર એટલી બધી હતીકે ના પૂછો વાત. બધાનું વર્ણન કરવું અશક્ય છે. બહાર અમદાવાદની માંડવીની પોળનું આબેહૂબ દ્ગશ્ય ઊભું કરેલું હતું ત્યાં ફોટા પાડ્યા. એક રિક્ષા મૂકેલી હતી એમાં પણ ફોટા પાડ્યા. દુનિયાના વન ઑફ ધ મોસ્ટ હેપી કપલના ફોટા પાડ્યા, અને એમના કૅમેરામાં પાડી પણ આપ્યા. એમની સાથે ક્ષણના સંબંધમાં આત્મીયતા ભળી ગઈ. ગુજરાતીપણાની આજ ખૂબી છે. ગુજરાતી જલદી વિશ્વાસ મૂકી દે છે. આ ખૂબી ક્યારેક છેતરાઈ જવા માટે પણ કારણભૂત બની જતી હોય છે. આત્મીય બનવાનું ગુજરાતીને શીખવવું પડે નહિ.

રાજા તરીકે રામ, રાવણ, યુદ્ધિષ્ઠિર અને દુર્યોધન તમામ શ્રેષ્ઠ હતા. એમની પ્રજા દુખી નહોતી. જે પ્રૉબ્લેમ હતા તે એમના પર્સનલ હતા. લંકા સોનાની હતી કે નહિ કોણ જાણે? મોદી રાવણ હોય કે રામ, શક્તિસિંહ કે શંકરસિંહ રાવણ હોય કે રામ, આઈ ડોન્ટ કેર..મને તો મારી વહાલી ગુજરાત સોનાની જોઈએ..સોનાની જોઈએ..સોનાની જોઈએ…