જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

images[2] (7)જીવન ઝરણું કલકલ વહેતું, દુઃખ શાને મુજમાં વસતું?

આપણને ઘણીવાર અનુભવ થતા હોય છે કે જેને આપણે ખૂબ પ્રિય ગણાતા હોઈએ છીએ તે જ દુઃખનું કારણ બનતા હોય છે. આપણી લાગણીઓ એમના દ્વારા ઘવાતી હોય છે. કોઈ સ્વજનનું ઓચિંતું મૃત્યુ અથવા પ્રિયજનની બેવફાઈ કે જુદાઈ આપણને વિશ્વાસઘાતની લાગણીમાં ફેંકી દે છે. આવું અનેક વાર બનતા આપણે લોકોમાં વિશ્વાસ મૂકતા બંધ પણ થઈ જઈએ છીએ. મેં ઘણા સંબંધીઓ જોયા છે જેઓ પોતાના અંગત લોકો પર અને ઘણીવાર તો પોતાના પેટના જણ્યા પર પણ વિશ્વાસ મૂકી શકતા નથી. લગભગ અવિશ્વાસુ પ્રકૃતિના અનેક માણસો આપણને લાઇફમાં જોવા મળતા હોય છે. આ વિશ્વાસ સાથેના સ્ટ્રગલ અને દુઃખની પાછળનું એક મૂળ કારણ તાદાત્મ્ય-અટૅચમન્ટ છે.

Don’t Fight Life, Flow with it.

જીવન એક વહેતી  નદી છે, કલકલ કરતું વહેતું ઝરણું છે. મોટાભાગે તો આપણે આ નદીના પ્રવાહમાં તરતા હોઈએ છીએ, વહેતા હોઈએ છીએ. અને વહેવાની મજા માણતાં હોઈએ છીએ. પણ ક્યારેક આ મુસાફરીમાં કોઈ ચોક્કસ પૉઇન્ટ પર તાદાત્મ્ય સાધીને ઉભા થઈ જઈએ છીએ અને જરા પણ ખસવાનો ઇનકાર કરી દઈએ છીએ. કુદરતી પ્રવાહમાં વહેવાનો ઇનકાર કરીને લડાઈ શરુ કરી દઈએ છીએ. અહીં દુઃખની શરૂઆત થઈ જાય છે. જીવન લડવા કરતા એની સાથે વહેવામાં દુઃખની માત્રા ઓછી થતી જાય છે આવું મહત્વનું લેસન શીખવે છે મેડિટેશન.

જ્યારે તમારી આંખો બંધ હોય, કુદરતી શ્વાસ ઉચ્છવાસ ચાલતા હોય, કોઈ આસ્તિક હોય તો મંત્ર બોલતા હોય કે પ્રાર્થના કરતા હોય, બુદ્ધ જેવા કોઈ કહેવાતા નાસ્તિક હોય તો ફક્ત આ પ્રક્રિયાને જોતા હોય, વિચારો આવતા અને જતા હોય છે….સહેલું લાગે છે પણ અઘરું છે. ઘણીવાર આપણે આવેલા વિચારોની વેબમાં ગૂંથાઈ જઈએ છીએ. વિચારોની વેબસાઇટ ગજબની માયા છે. ક્યારે અંદર સામેલ થઈ જઈએ યાદ પણ ના રહે. અને ઘણીવાર પાછાં સચેત થઈને નિરીક્ષણ કરવા લાગતા હોઈએ છીએ. પણ બંને વખતે આપણે શ્વાસોચ્છ્શ્વાસ  પર પાછાં આવી જતા હોઈએ ત્યારે લાંબા સમયે ભાન થાય છે વર્તમાન ક્ષણનું, ઑલ ઇઝ વેલ..

જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વિચાર, કે પછી વસ્તુ સાથે મજબૂત રીતે જોડાઈ જઈએ છીએ ત્યારે આપણે ઇચ્છાઓ વધી જાય છે, આપણે તે ક્ષણને વધુ લંબાવા માંગતા હોઈએ છીએ કે પછી ડરવા લાગીએ છીએ. આ ઇચ્છા અને ભય દુઃખનું કારણ બનતી  હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પ્રિયજન સાથે બેઠાં હોઈએ કે જેની સાથે આપણે પ્રેમમાં હોઈએ, અને એકબીજાનું સાંનિધ્ય માનતા હોઈએ ત્યારે ઇચ્છા જાગે કે આનો અંત આવે જ નહિ.  કઈ રીતે આ ક્ષણોને લંબાવી દઉં? મેડિટેશન વર્તમાનની ક્ષણોમાં ગૂંથાઈ જવા મદદ કરે છે. આપણે પ્રિયજન બાજુમાં હોય છતાં ભૂત કે ભવિષ્યમાં ઊતરી જતા હોઈએ છીએ. આપણે જાણતા હોઈએ છીએ કે આ ક્ષણો કાયમ ટકવાની નથી છતાં એમાંથી સંપૂર્ણ વર્તમાનનો આનંદ માનવાનું મેડિટેશન શીખવે છે. જીવન સદાય વહેતું છે.

હવે જ્યારે કોઈ દુઃખ પહોચાડે ત્યારે પણ દુઃખની લાગણીઓ પણ વહેતા ઝરણામાં વહી જવાની છે, પણ આપણે એની સાથે તાદાત્મ્ય બાંધી લઈએ જોડાઈ જઈએ તો આ દુઃખની ઘડીઓ  લંબાવી દઈએ છીએ.  બસ આ દુઃખની ક્ષણો સાથે મજબૂતાઈથી ના જોડાઈ જઈએ તો દુઃખની લાગણી પણ ઓછી થતી જવાની. પણ જે બન્યું છે એની સાથે જોડાયેલા રહીએ તો દુઃખ વધતું જવાનું અને આપણે ડરના માર્યા જેતે વ્યક્તિ વિષે અવિશ્વાસ વધારતા જવાના. લાંબા ગાળે આપણે કોઈના પર વિશ્વાસ રાખી શકતા નથી.

જો આપણે નિયમિત આ શ્વાસ ઉચ્છવાસ પ્રત્યે જાગૃત રહેવાનું ધ્યાન નિયમિત કરીએ તો આપણે જોઈ શકીએ કે વિચારો સતત આવતાજતા હોય છે. કોઈવાર ગ્રેટ અનુભવ થતો હોય અને કોઈવાર ઉદાસ. આમ શીખવા મળે કે લોકો પણ કોઈવાર પ્રેમ કરતા હોય છે અને કોઈવાર નફરત. જે પણ સારી કે ખરાબ ક્ષણો છે તે ઊભી રહેવાની નથી. જો સારી કે ખરાબ પળો  ટકવાની નથી તો પેલો ભય પણ શું કામ રાખવાનો? કોઈ ચોક્કસ અનુભવ પ્રત્યે તાદાત્મ્ય સાધ્યા વગર  જીવનમાં ખુલ્લાપણું રાખવાનું મેડિટેશન શીખવે છે. ધારોકે કોઈએ આપણને ઈજા કરી કે ઇમોશનલ હર્ટ કર્યું, તો આપણે તે દુઃખદાયી યાદોમાં રત રહેવાને બદલે એમાંથી શીખી શકીએ કે આમ કેમ બન્યું? આપણા ખુલ્લાપણા કે અવેરનેસ વડે આપણી જાતને પૂછી શકીએ કે આ વ્યક્તિ આપણને હર્ટ  કરે તે પહેલા એનો કોઈ સંકેત મળેલો ખરો?

અવેરનેસ વડે આપણે આપના ભૂતકાળના અનુભવો વડે શીખી શકીએ અને દુઃખ નિવારણ તરફ પણ વધી શકીએ. અવેરનેસ વડે ભય વગર હિંમતથી આપણે જે બનવાનું છે તેનો સામનો કરી શકીએ. જીવનમાં કંઈક નવું આવે તો સાથે એના રિસ્ક પણ લેતું આવે. એનો સ્વીકાર કરવાની અવેરનેસ જોઈએ જ.

મેડિટેશન કોઈ દુઃખ નહિ આપે તેવી વેક્સિન તો છે નહિ. દુઃખદાયી અનુભવો પણ જીવનનો એક ભાગ જ છે. મેડિટેશન વડે આપણે પોતાની જાતની કેર કરતા અને પોતાની જાતને ચાહતા શીખી જઈએ છીએ. આપણે જેવા છીએ તેવા આપણી જાતને ચાહતા થઈએ તો બીજાને પણ પ્રેમ કરતા વધુ સારી રીતે થઈ શકીએ.

મેડીટેશન શીખવે છે કે સુખી થવાની તમામ શક્યતાઓ આપણી અંદર જ મોજૂદ છે. જ્યારે અપને વર્તમાનમાં જીવતા હોઈએ ત્યારે ઑલ ઇઝ વેલનો બેલ વાગતો હોય છે. આમ આપણે ભય અને ઇચ્છાઓ સાથે તાદાત્મ્ય વધારવાનું ઓછું કરવાનું  ધ્યાન વડે શીખી શકીએ છીએ.

એક નદીમાં તમે બીજી વાર પગ મૂકી શકતા નથી. જીવન પણ એક વહેતી નદી જેવું છે જે સતત બદલાયા કરતું હોય છે. મેડીટેશન આ નદીમાં વચ્ચે આવતી તમામ વસ્તુઓનો સ્વીકાર શીખવે છે. આપણે વિશ્વાસ મૂકતા શીખી જઈએ છીએ કે કાયમ બધું સારું થાય તેવું જરૂરી નથી, પણ ગમે તે થાય હું તો હંમેશા ખુશીમાં જ રહીશ. મેડીટેશન જીવન ઝરણામાં વહેતા શીખવે છે, એમાંથી આનંદ મેળવતા શીખવે છે. અને વર્તમાનમાં શ્વાસ સાથે જીવતા શીખવે છે.

 

 

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

Vicia faba: Broad Beans
Vicia faba: Broad Beans (Photo credit: pamsai)

જે પોષતું તે મારતું, જે મારતું તે ક્યારેક પોષતું હતું.

જો તમને ડાયાબિટીસ હોય તો તમે એકલાં નથી, આશરે ૧૭૧ મિલિયન લોકો ડાયાબિટીસ વડે પીડાય છે. અલ્ઝાઈમર, હાઈ કોલેસ્ટેરોલ આવા મારી નાખે તેવા રોગો કેમ થતા હશે? આવા રોગો પેદા કરતા જિન્સ genes શું કામ ઇવોલ્વ થયા હશે? એક નાની પ્લેટ fava beans ખાવાથી કોઈ મરી જાય ખરું? ભૂમધ્ય સમુદ્ર કાંઠે આવેલા દેશોમાં તો વટાણા(Fava beans )  રોજનો ખોરાક છે. Favism કોઈ એન્ઝાઈમ ( Glucose-6-phosphate dehydrogenase deficiency ) ની ઊણપથી થતો રોગ છે. fava ખાવાથી રીએક્શન આવતું હોય છે. કોઈ એવું ના સમજી કે લે fava ખાવાથી જ આ રોગ થાય છે. આ રોગ વારસાગત હોય છે. અને આ રોગ હોય તે બધાને fava ખાવાથી રીએક્શન આવે તેવું પણ નથી. આ રોગની સાઇડ ઇફેક્ટ એ છે કે મેલેરિયા સામે રક્ષણાત્મક કામ કરતો હોય છે. આપણે મેડિકલ સાયન્સના ઊંડાણમાં જવું નથી તે આપણો વિષય પણ નથી, પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે મલેરિયા સામે લડવા માટે કદાચ આ પ્રકારનું ઈવોલ્યુશન થયું હોવું જોઈએ.

ફાયદો થાય એવું હોય તેમ વિકાસ થતો હોય છે. ઉત્ક્રાન્તિના ક્રમમાં બિનજરૂરી વસ્તુઓ વિકસે નહિ. Sharon Moalem નામના ઇવોલ્યુશનરી ફીજીયોલોજીસ્ટ અને તેના પત્રકાર સાથીદારે Survival of the Sickest નામની એક જબરદસ્ત બુક લખી છે. આમાં આવી અકલ્પનીય અસંખ્ય વાતો લખી છે કે રોગો પણ કેમ ઇવોલ્વ થયા હશે?  ઘણા રોગો બાય પ્રોડક્ટની જેમ વળગ્યા છે. ઓચિંતી પડતી અતિશય ઠંડી કે હિમયુગમાંથી બચવા ઉત્તર યુરોપીયંસનાં પૂર્વજોના શરીરમાં કોઈ જીનેટીકલી ફેરફાર થયા હોય જેની બાય પ્રોડક્ટ તરીકે આજે ડાયાબિટીસ વળગ્યો છે. tree frogs પર જણાવતા આ લોકો કહે છે કે બરફની જેમ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં આ દેડકા આરામથી બચી જાય છે, ડાયાબિટીક મેટાબોલીઝમ વાપરીને આ દેડકા સર્વાઈવ થઈ જાય છે. મેલેરિયા સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવાની બાયપ્રોડક્ટ એટલે favism એવું આ વૈજ્ઞાનિકોનું કહેવું છે. Bubonic પ્લેગમાથી બચવા માટે જે જિનેટિક ફેરફાર થયા તેની બાયપ્રોડક્ટ અલ્ઝાઈમર તરીકે મળી છે.

આમ ફાયદા સાથે ક્યાંક નુકશાન પણ થયું છે. સાદો દાખલો જોઈએ તો તાવ આવે શરીરનું ટેમ્પરેચર વધી જાય તે રોગ નથી પણ શરીરમાં ઘૂસેલા હાનિકારક બેક્ટ્રિયાને મારવાની જહેમતનું પરિણામ છે. ચાલો બીજો આવો સિમ્પલ દાખલો જોઈએ. વિષુવવૃત અને તેની આસપાસ પુષ્કળ ગરમી પડતી હોય ત્યાં રહેનારા લોકોની ચામડી કાળી હોય છે. કાળી ત્વચા મતલબ કલર પીગમેન્ટ પુષ્કળ. આ કાળી ત્વચામાં સૂર્યના હાનિકારક કિરણોને અંદર પ્રવેશ કરતા તકલીફ પડવાની. જેથી ત્વચાના કેન્સર વગેરેથી બચી જવાય. હવે જ્યાં પુષ્કળ ઠંડી પડતી હોય છે તેવા ઉત્તર યુરોપના લોકો ખૂબ ગોરા હોય મતલબ કલર પીગમેન્ટ ઓછા. આવું ઈવોલ્યુશન એટલાં માટે થયું કે અહી સૂર્યના કિરણો ત્વચા પર સીધા પડે તેવી સ્થિતિનો અભાવ હોય છે, જેથી કલર પીગમેન્ટ ઓછા હોય તો સૂર્યના કિરણો જે વિટામિન ડી માટે જરૂરી છે તે પ્રવેશી શકે. અહી સહેજ તડકો પડે લોકો ખુશ થઈ જાય, આજે વેધર સારું છે. કપડા કાઢી ફરવા લાગે. બને એટલાં ઓછા કપડા પહેરે જેથી શક્ય વધુ સૂર્યના કિરણો મેળવી શકાય. હું ભારતમાં તડકાથી ત્રાસેલો, અહી મને શાંતિ લાગે. હવે આ ગોરા લોકો આફ્રિકા પહોચી જાય અને ઉઘાડા ફરવા લાગે તો સ્કીન કેન્સર થવાનો ભય વધી જાય અને કાળી ત્વચા ધરાવતા લોકોને યુરોપમાં વિટામિન ડી ની ઊણપ સતાવે, કારણ કાળી ત્વચામાં સૂર્યના કિરણો જલદી પ્રવેશે નહિ.

આપણાં પૂર્વજો જુદા વાતાવરણમાં ઇવોલ્વ થયેલા અને અત્યારે જુદું વાતાવરણ જીવવા માટે ઉપલબ્ધ છે. આ બધા ઈવોલ્યુશનરી મિસમેચનાં દાખલા છે. ઓબેસિટી પણ આવો હ્યુમન નેચર અને મૉર્ડન જમાનાનો મિસમેચ દાખલો છે. આપણાં પૂર્વજો હન્ટર ગેધરર હતા. એમને શિકાર કરીને ખોરાક મેળવવા ખુબ મહેનત કરવી પડતી. એટલે તે લોકો પુષ્કળ પોષણ ધરાવતો ખોરાક વિપુલ પ્રમાણમાં ખાઈ લેતા. ફરી ખોરાક ના મળે ત્યાં સુધી ચાલી જાય. હવે આપણી ફીજીકલ એક્ટીવીટી ઘટી ગઈ છે અને ખોરાક જૂની ટેવ મુજબ ચાલુ રહ્યો છે. ઘણા ફીજીકલ એક્ટીવીટી  વધારે તો સાથે ખોરાક પણ વધારતા જતા હોય છે.

Hadza hunter-gatherer પર થયેલા એક રિસર્ચ મુજબ આ લોકો પશ્ચિમના લોકો કરતા જરાય વધુ કેલેરી એક દિવસમાં બાળતા  નથી. આ લોકો આખો દિવસ ખુબ ફીજીકલ એક્ટીવીટી  કરતા હોય છે અને એમનું મેટાબોલીઝમ પણ ધીમું હોતું નથી. છતાં અમેરિકન્સ અને યુરોપીયંસ ખુબ જાડિયા કેમ હોય છે? મતલબ આ જાડિયા પુષ્કળ ખાતા હોય છે. મતલબ અહી હ્યુમન બોડી જેટલું ખાવા માટે ડીઝાઈન થઈ હોય તેના કરતા ખુબ ખવાઈ જાય છે. આપણી ખુબ ખાવાની તેવો બાળકોને પણ આપતા હોઈએ છીએ. અમેરિકન બાળકો ખુબ જાડા હોય છે. ઘણીવાર તો પુખ્ત માનસ કરતા પણ વધુ વજન ધરાવતા હોય છે. જાડિયા બાળકો પર થયેલા અભ્યાસ મુજબ તેઓ એમના મિત્રો સાથે હોય તો વધુ ખાતા હોય છે. એકલાં હોય તો ઓછું ખાતા હોય છે. અને મિત્રો જો પાતળા થીન હોય તો આ જાડિયા ૩૦૦ કેલેરી વધારાની ખાઈ જતા હોય છે.

હાં તો મિત્રો જે પોષતું તે મારતું અને જે મારતું તે…………

 

શું આપણે આઝાદ થયા છીએ?

શું આપણે આઝાદ થયા છીએ?

આઝાદીને ૬૫ વર્ષ વીતી ગયા. શું આપણે આઝાદ થયા છીએ? સ્વતંત્ર થયા છીએ? એક દિવસ એવો જતો નથી કે કોઈ રાજકર્તા કે ધર્મકર્તાનું સ્કેન્ડલ બહારા ના પડે. રોજ કોઈને કોઈ રાજકારણી,  કે ધર્મકારણીનું નાનું કે મોટું ગમે તે પ્રકારનું  કૌભાંડ બહાર પડતું જ હોય છે. અને જો કોઈ કૌભાંડ બહાર પડ્યા વગરનો દિવસ જાય તો એવું લાગે કે આજે સૂર્ય ઊગવાનો નથી કે શું? પ્રજા પણ જાણે ટેવાઈ ગઈ છે. થોડો ઊહાપોહ અને જાણે બીજા કૌભાંડ બહાર પડવાની રાહ જોતી હોય તેવું લાગતી હોય છે જેથી બે ચાર દિવસ જે મસાલો વાતો કરવાનો પૂરો પડ્યો, પછી હતા ત્યાંને ત્યાં. ધર્મગુરુઓ વેપારી બની ચૂક્યા છે અને હવે તો હિંસક પણ બનવા લાગ્યા છે. પ્રજામાં વિરોધ કરવાની હવે શક્તિ જ જાણે બચી નથી. આ લોકો કોઈ પણ હદે જઈ  શકે છે. નિર્મળબાબા કરોડો લોકોને રોજ મૂરખ બનાવતા હતા, જાણે દેશનું બુદ્ધિધન ઘાસ ચરવા ગયું છે. અને ખરેખર એવું લાગે છે કે હવે બુદ્ધિ અને તર્ક કઈ બલા છે તેવું પુછાય તો નવાઈ નહિ લાગે. કોઈ મારા જેવો વિરોધ કરે તો રેશનાલીસ્ટ કે સો કોલ્ડ બુદ્ધિવાદી કહીને ગાળ દેવામાં આવે છે. બુદ્ધિયુક્ત કે તર્કયુક્ત સવાલ પૂછો તો લાગણીવિહીન સમજી લેવાય છે. છે ને હસવા જેવી વાત? ગુરુ હવે ગેન્ગસ્ટરનો પર્યાય બનવા લાગ્યો છે. સેવાભાવી ટ્રસ્ટના નામે આશ્રમો ખોલીને બેસી જવાય છે. જેથી ઇન્કમ ટૅક્સમાં રાહત મળે, અને ધાર્મિક ટ્રસ્ટ હોય એટલે પછી કઈ પૂછવાનું રહે નહિ. ધાર્મિક વડાઓને વાદે દેશના કહેવાતા સેવકો પણ આશ્રમો ખોલીને બેસી જાય છે. સાબરમતી, વર્ધા અને પવનારના આશ્રમો ટુરિસ્ટ લોકો માટે હવે ફક્ત જોવાના સ્થળ રહી ગયા છે. ધર્મ, મોક્ષ, પરલોક, આત્મકલ્યાણનાં નામે આપણે પલાયનવાદ સિવાય કશું શીખ્યા નથી.

 

ભૂતકાળના મીનીસ્ટરો પર આજે કેસ ચાલતા હોય છે. સાબિત ના થાય ત્યાં સુધી પાછો ગુનેગાર ગણાય  નહિ, આમ હજારો ગુનેગારો રાજકાજ કર્યા કરતા હોય છે. એક પણ પક્ષ ઉપર ભરોસો કરાય તેવું રહ્યું નથી. સત્તા વગરના પક્ષો ડાહી ડાહી વાતો કરતા હોય છે. શાસક પક્ષની શક્ય વગોવણી કરતા હોય છે. એમાં માત્ર તમે ફાવી ગયા અને અમે રહી ગયા તે જ ભાવના હોય છે. આ દેશને લૂંટવાનો અમારો વારો ક્યારે આવશે તેની જ રાહ જોવાતી હોય છે. પ્રજાને કોઈ ફરક પડવાનો નથી. પ્રજા પાસે કોઈ ચોઈસ હોતી નથી. પ્રજા બચારી અખતરા કર્યા કરતી હોય છે. એકને ઉતારી બીજાને ગાદી બેસાડે, બીજાને ઉતારી પહેલાને ગાદી બેસાડે.

 

દિલ્હીનાં તખ્ત પર પૃથ્વીરાજ બેસે, અકબર બેસે, અંગ્રેજ બેસે કૉંગ્રેસ બેસે કે ભાજપા પ્રજાને કોઈ ફરક પડતો નથી. એમનું ગાડું ગબડે જાય તો પત્યું. જે લડાઈઓ છે તે તખ્ત કબજે કરવાની ઇચ્છા ધરાવનારાઓની છે. તખ્ત કબજે કરવા નાં છુટકે ક્યાંક બિન સત્તાધારીઓ પ્રજાને હલાવે છે. તે પણ જરૂર પૂરતી. તખ્ત મળી ગયું વાર્તા પૂરી.  ક્યાંક કોઈ રાણો પ્રતાપ, કોઈ ગોવિંદસિંહ કે શિવાજી એકલાં એકલાં ઝઝૂમે છે.  રાણા પ્રતાપનું ક્ષેત્ર મર્યાદિત હતું. એક વણિક  પ્રજાને હાથમાં તેગ અને દેગ આપી , કચ્છ-કડુ-કિરપાણ  આપી બહાદુર બનાવવી  કોઈ નાનીસુની વાત નહોતી. પણ  ગુરુ ગોવિંદસિંહને એમના સમૂહ પૂરતો રસ વધુ હતો. એમને એમના શીખોમાં જ રસ હતો. આખા દેશની પ્રજાને જાગૃત કરવાનો વિચાર આવ્યો નહોતો. કારણ તે ધાર્મિક ગુરુ હતા. અને આવ્યો હોત તો પણ અલગ અલગ ચોકામાં વહેંચાયેલી પ્રજા માનત કે કેમ? ખાલસા પંથની સ્થાપના સમયે એમણે જાહેર કરી દીધેલું કે હવે આપણે શીખ છીએ અને હવેથી કોઈએ હિંદુ અને મુસ્લિમ રિવાજો પાળવાની જરૂર નથી. આમ તેઓ હિંદુ નથી તે આડકતરી રીતે કહી દીધું હતું.

 

શિવાજી માટે દક્ખણમાં બધું સમાઈ જતું હતું. દખ્ખણ પણ મર્યાદિત હતું, મહારાષ્ટ્ર પૂરતું. આ બળવાન મહાપુરુષોએ આખા દેશને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હોય તેવું જણાતું નથી. એમના ક્ષેત્રો એમના પૂરતા મર્યાદિત હતા. પૈસા ખૂટ્યા તો શિવાજી બે વાર ગુજરાતને(સુરત) લૂંટી ગયા હતા. છતાં આપણે એમના માટે ગર્વ અનુભવીએ છીએ કે આ માણસે ધર્માન્ધતાને ખાળી હતી. એના રાજ્યમાં ક્યારેય કોઈ મુસલમાનને તકલીફ પહોચી નહોતી.  અંગ્રેજો આખા હિન્દુસ્તાનને કબજે કરીને બેસી ગયેલા હતા. ૧૮૫૭ના બળવાને આપણે ક્રાંતિ કહીશું? કે જે રાજાઓના રાજ્યો અંગ્રેજોએ ખાલસા કર્યા હતા તેમની સત્તા પાછી મેળવવાની લડાઈ માત્ર હતી? ૧૮૫૭નાં વિપ્લવવાદીઓને બહાદુર ગણાતાં શીખોનો સાથ જરાય નહોતો મળ્યો. ઉલટાની એ લોકોએ અંગ્રેજ ફોજોને મદદ કરેલી. ખાબોચીયાઓમાં વહેંચાયેલા રાજાઓ ઉદાસીન રહ્યા. રોટી અને કમળ વહેંચીને પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.  સદીઓથી સુસ્ત રહેલી પ્રજાને જગાડવી બહુ મુશ્કેલ કામ છે. કાલ્પનિક પરલોકની ચિંતામાં આ પ્રજા એટલી બધી ગરકાવ થઈ ગઈ છે કે આ લોકમાં જે થવું હોય તે થાય આપણે શું એવો રવૈયો લોહીમાં વણાઈ ગયો છે. ગુજરાતમાં આ વિપ્લવની અસર નહિવત્ હતી. જે અસર હતી તે મધ્ય ભારતમાં હતી. વડોદરાના ખંડેરાવ  જેવા અનેક રાજાઓએ નાનાસાહેબ પેશ્વા આણી મંડળીને સાથ નાં આપ્યો. કૌવત વગરના રાજા-પ્રજાના સૈન્ય શિસ્તબદ્ધ હોશિયાર અંગ્રેજોમાં સામે હારી ગયા.

 

આઝાદીની લડત સમયે આખા દેશને જગાડવાનો પ્રયત્ન  જરૂર થયો હતો, પણ એ કોઈ ફ્રેંચ રેવોલ્યુશન જેવી મહાન ક્રાંતિ હતી કે જેણે આખા યુરોપને ઝકઝોળી નાખ્યો હતો? કે ખાલી સત્તાપરિવર્તન હતું? વિદેશી લુટારાઓના હાથમાંથી દેશી લુટારાઓના હાથમાં થયેલું સત્તાપરિવર્તન માત્ર હતું?  પ્રૉબ્લેમ એ હતો કે તે સમયે શસ્ત્ર અહિંસાનું અપનાવેલું હતું. સર્વાઈવલ માટે લડવું એને હિંસા ના કહેવાય. ૨૦૦ મિલિયન(૨૦૦૦ લાખ) વર્ષથી મેમલ સર્વાઈવલ માટે લડતા આવ્યા છે. નૉર્મલ હિંસા કરતા આવ્યા છે. સર્વાઈવલ માટે નૉર્મલ હિંસા આપણા જિન્સમાં સમાયેલી છે. એક નાના નોળિયો(મંગૂસ) સિંહ સામે થઈ જતો હોય છે જીવ પર આવી જાય ત્યારે. સશસ્ત્ર અને હિંસક ક્રાંતિ કરવી હોય તો પુષ્કળ ધન, સશ્ત્રો, પુરવઠો જોઈએ. સાથે સાથે જબરદસ્ત યુદ્ધ કૌશલ ધરાવનારા સેનાપતિઓ અને પૂરતું આયોજન જોઈએ. જે આપણી શક્તિ બહારનું હતું. ધાર્મિક અતિરેકે યોદ્ધાઓની ખેતી ભારતમાં લગભગ બંધ જેવી હતી. જ્યાં સુધી આઝાદીની લડત ચાલતી રહી પ્રજાના અવચેતનમાં હિંસા જમા થતી રહી. અંગ્રેજો સામે હિંસા કરી હોત તો તે નૉર્મલ હતું. તમને કોઈ લાઠી મારે તો ભલે અહિંસાનું વ્રત લીધું હોય મારનાર ઉપર ક્રોધ તો ચડે જ છે. અને આ સમાચાર જાણી એમાં પ્રત્યક્ષ ભાગ ના લેનારાને પણ મારનારા પર ક્રોધ ચડે જ છે.  ૧૦ લાખ ભારતીય હિંદુ મુસ્લિમ અંગ્રેજો સામે લડ્યા હોત…મર્યા હોત તો દેશ આજે જુદો હોત. બસ આઝાદી મળી ગઈ અને હિંસા ભડકી ઊઠી. એને શરુ થતા ગાંધીજી પણ રોકી શક્યા નહિ. છેવટે ધર્મ આડે આવી જ ગયો. ધર્મના નામે દુનિયાના સૌથી મોટા પડેલા ભાગલા અને હત્યાઓ એટલે ભારતની આઝાદીનું પરિણામ..  ૧૦ લાખનું બલિદાન લીધા પછી હિંસાનો અગ્નિ બુઝાયો.

ઘેટાના ટોળાં હિંસા કરી શકે ક્રાંતિ નહિ. આપણી સહિષ્ણુતા મજબૂરી છે. આપણે કમજોર છીએ માટે સહનશીલ છીએ, સમજદાર છીએ, સાલસ અને સરળ છીએ. આપણે કમજોર છીએ માટે અહિંસક છીએ. રાજકર્તાનો ટેકો મળે તો આપણે હિંસક બનતા વાર કરીએ તેવા નથી. આપણે બિનસાંપ્રદાયિકતાનાં ગીતો ગાઈએ છીએ કેમકે આપણે ડરપોક છીએ. આપણે સાંપ્રદાયિક છીએ કેમકે આપણે કમજોરી મહેસુસ કરીએ છીએ. બાંગ્લાદેશીઓ ગેરકાયદે ભારતમાં ધમાલ મચાવે છે પણ આપણે વખોડી શકતા નથી. એ સમયે આપણી ડરપોક બિનસાંપ્રદાયિકતા ચુપ રહેવાનું મુનાસિબ સમજે છે. મોદીના ઝનૂની ભક્તો અને ઝનૂની વિરોધીઓ જરા તમારી અંદર ટટોળી જુઓ તો પેલો ડર તો અંદર નથી બેઠો ને?

 

અવતારવાદની થીયરીએ એક જબરદસ્ત ભ્રમ ઊભો કરી નાખ્યો છે.  એક ભ્રમ દૂર કરવા એનાથી મોટો ભ્રમ પાળવો મને તો યોગ્ય લાગતું નથી. પ્લસીબો અસલી દવાની જગ્યા ક્યારેય ના લઈ શકે. હંગામી રાહત કે દિલાસો જરૂર આપે.   વિધાતા પર વિશ્વાસ રાખો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો, ભજન કરો, આરતી ઉતારો, દુખ સારું, સુખમાં છકી જવાય, દુઃખમાં પ્રભુ સાંભરે માટે દુખ સારું, ગયા જનમના કર્મ ભોગવીએ છીએ માટે ચુપચાપ સહન કરો આવતા જન્મે સુખ જ સુખ છે. ગેસનો બાટલો ૬૦ રૂપિયાથી ક્રમશઃ ૪૦૦ રૂપિયા પહોચી જાય, નો પ્રૉબ્લેમ. આપણે તો  સહનશીલ  કહેવાઈએ. સહન કરવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે તેનો કોઈ ઉપાય નથી. ભૂખ્યાજનો ક્રાંતિ કરી શકે નહિ. એમને ખાવાની પડી હોય છે સુધારાની નહિ. પેટમાં અન્ન  ના પડ્યું હોય તો બ્રેઈન બંધ થઈ જતું હોય છે. મહાવીર અને બુદ્ધે વૈચારિક ક્રાંતિ કરી હતી. ધરાયેલા લોકો હતા.  ખુદ ગાંધીજી જેવા અપરિગ્રહી માણસને પણ બિરલા જેવા સાથ આપતા હતા. અનેક નામી અનામી લોકો ફંડ આપતા હતા. અમુક રાજામહારાજાઓ પણ ખાનગીમાં ફંડ આપતા હતા. ગોંડલનાં મહારાજા ભગવતસિંહ ગુપ્ત રીતે ગાંધીજીને મદદ કરતા હતા તેવું વાંચેલું છે.  ૧૮૫૭નો બળવો કોણે કરેલો? ..સાધન સંપન્ન પેશ્વા અને ઝાંસીની રાણી જેવા લોકોએ કરેલો. દુર્ભાગ્યે સફળ ના થયા. આઝાદીની ચળવળ શરુ કરનારા કોણ હતા? લગભગ મોટાભાગના બૅરિસ્ટર અને વકીલો હતા, બુદ્ધિજીવી હતા, ચિંતકો હતા. એમાય આજના જમાનામાં તો ગરીબનું કામ જ નથી કે કશું નવું સુધારાનું કામ કરી શકે.

 

બુદ્ધિજીવી, ભણેલા ગણેલા લોકોએ રાજકારણમાં રસ લેવો જ પડશે. પ્રજાએ પણ આવા લોકોને ચૂંટણી લડવા મજબૂર કરવા પડશે. એક તો પહેલા ઘરડા ગાડાં વાળે તે કહેવત કોરાણે મૂકી દેવી પડશે. યુવાન લોકોને સત્તા સોંપવી પડશે. ઉંમર વધતા પુરુષના શરીરમાંથી testosterone લેવલ નીચું જવા માંડતું હોય છે. લગભગ ૪૨ વર્ષ પછી આ મર્દાનગી હોર્મોન્સ ઓછું થવા લાગતું હોય છે. માણસ સ્વભાવે ઢીલો પડતો જાય છે. આક્રમકતા માટે જવાબદાર આ હોર્મોન ઓછું થવાથી સખત નિર્ણય લેવામાં માણસ નબળો પડે છે. સત્તાધીશોએ મોટાભાગે આકરાં નિર્ણય લેવા જ પડતા હોય છે. આપણી કબરમાં પગ લટકાવી બેઠેલી નેતાગીરી પછી કઈ રીતે કસાબને ફાંસી આપી શકે? ઘરડા માણસને બધાને ખુશ રાખવાની પડી હોય છે. રાજીવ ગાંધી સિવાય ભારતે ક્યારેય યુવાન વડોપ્રધાન જોયો નથી. અને યુવાન રાષ્ટ્રપતિ તો જોયો જ નથી. ઘડપણ માણસને નાહિંમત બનાવી દેતું હોય છે.  એક વર્લ્ડ  ટ્રેડ  સેન્ટર અને એમાં માર્યા ગયેલા લોકોનું તર્પણ કરવા અમેરિકા આખા અફઘાનિસ્તાનને ધમરોળી નાખે છે. ઓબામા લાદેનને પારકા પ્રદેશમાંથી ઊચકી લેવડાવે છે. આપણી બીમાર વૃદ્ધ નેતાગીરી ખંધાર જઈને માનવતાના શત્રુઓને સામે ચાલીને મૂકી આવવામાં ગર્વ અનુભવે છે. એ પ્લેઇનમાં  માર્યા ગયેલા જસ્ટ મેરીડ યુવાનની વિધવાને મળવાનું સૌજન્ય આપણો  સરખું ચાલી ના શકતો વડોપ્રધાન દાખવી શકતો નથી. ગ્રામ્ય વિસ્તારમાં એક  કહેવત છે મોઢું વાઘનું અને પૂંઠ શિયાળની. એ યુવાન વિધવાને મળવાનું સૌજન્ય દાખવે છે બીલ ક્લીન્ટન. વડાપ્રધાન માટે ૩૫ થી ૫૮ વર્ષની ઉંમરનો નિયમ રાખવો જોઈએ. જે માણસ ઝડપથી ચાલી શકતો ના હોય તે ઝડપથી શું નિર્ણય લેવાનો હતો? પુરુષની જેમ ઉંમર વધતી જાય તેમ testosterone ઓછું થતું જાય સાથે સાથે સ્ત્રૈણ હાર્મોન્સનું જોર વધતું જતું  હોય છે.  રાજાના માથે એક સફેદ વાળ દેખાય અને યુવરાજને ગાદી સોંપી દેતા. એ રિવાજ ખોટો નહોતો.

 

સંભવામિ યુગે યુગે નિત્ય ગાયા કરતી પ્રજા પાસેથી તમે ક્રાંતિની આશા કઈ રીતે રાખી શકો?

વેદનાનું સોહામણું સત્ય-૩

Amygdala
Amygdala (Photo credit: JSlattum)

વેદનાનું સોહામણું સત્ય-૩

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રૉનિક પેએનના બતાવી ગયા છે તે જોઈએ.

ક્રૉનિક બૅક પેએન વિષે મારો પોતાનો અનુભવ છે કે સારા ફિઝિઅથેરપિસ્ટ પાસેથી નિયમિત કરવાની સાદી અને સરળ કસરતો શીખી લેવી જોઈએ. અને તે કસરતો નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે. કરોડના મણકાની ગાદીઓમાં સોજા આવ્યા હોય ત્યારે આવો દુખાવો થતો હોય છે. મણકા કોઈ કારણસર સાવ નજીવા આઘાપાછી થઈ ગયા હોય અને એના લીધે નર્વ દબાતી પણ હોઈ શકે. સ્પાઇનલ કૉર્ડને લગતી કસરતો કરવાથી આમાં ફાયદો થતો હોય છે. સ્પાઇનલ કૉર્ડને બંને બાજુ સ્નાયુઓનો એક ઊભો પટ્ટો હોય છે. એને મજબૂત કરવાની કસરત કરવાથી જ્યારે કશું કામ કરીએ તો સ્પાઇનલ કૉર્ડ પર ઓછો બોજો પડે અને પેલાં સ્નાયુઓ વજન ઝીલી લે. આ બધી કસરતો કરવાથી સ્પાઇનલ કૉર્ડ મૂળ સ્થિતિમાં  આવી જવાથી દુખાવો બંધ થઈ જતો હોય છે.

આપણે આખો દિવસ આરામદાયક સોફામાં બેસતા હોઈએ, કમ્પ્યુટર પર બેસતા હોઈએ અને બીજા એવા ઘણી પોઝિશનમા કામ કરતા હોઈએ છીએ, જે સ્પાઇનલ કૉર્ડ માટે નુકસાનકારક હોય છે. માટે દુખાવો બંધ થઈ ગયા પછી પણ સ્પાઇનલ કૉર્ડને એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા આ બધી કસરતો નિયમિત કરવી જોઈએ. ગરમ પાણીથી બૅકને બરોબર શેક આપવાથી સખત થઈ ગયેલા સ્નાયુઓ ઢીલાં પડે પછી કસરત કરવી જોઈએ. સ્નાયુ અકડાઈ ગયા હોય અને કસરત કરીએ તો વધારે અકડાઈ જવાનો ભય રહે છે. જો દુખાવો વધુ થતો હોય તો આવી કસરત પછી બૅક ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ખૂબ ફાયદો થતો હોય છે.

ભારતમાં શેક કરવાનું મહાત્મ્ય વધુ છે પણ કોલ્ડ-પૅક મૂકવાનું મહત્વ લોકો સમજતા નથી. કોલ્ડ-પૅક વિષે ઘણી ગેરસમજ હોય છે. જેતે ભાગ ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ત્યાંથી લોહી હઠી જાય છે, ૧૫ મિનિટ પછી કોલ્ડ-પૅક હટાવી લેવાથી તે જગ્યાએ લોહીનો ધસારો પુષ્કળ વધી જાય છે જે હિલીંગ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કોલ્ડ-પૅક મૂકવાથી જેતે ભાગ તાત્કાલિક બહેરો બની જવાથી દુખાવાની અનુભૂતિ હંગામી રીતે ઓછી થઈ જાય છે.

મન શરીરને કંટ્રોલ કરી શકે છે. ક્રૉનિક પેએન માટે ઘણીબધી સારવાર કરાવ્યા પછી કંટાળેલા લોકો માટે માઈન્ડ કંટ્રોલ રીત અપનાવવા જેવી છે. જ્યારે આપણને કોઈ ઈજા થાય કે કોઈ આપણું અપમાન કે અવહેલના કરે ત્યારે દુઃખના સિગ્નલ સેન્સરી પાથ-વે અને ઇમોશનલ પાથવે દ્વારા બ્રેનમાં પહોચતાં હોય છે. આ દુઃખના અનુભવનું લાગણીશીલ પાસું બ્રેનના amygdale અને anterior cingulated cortex માં જતુ હોય છે. આમ માઈન્ડબૉડી ટ્રીટમન્ટ જેવી કે મેડિટેશન, યોગા આ ઇમોશનલ નેટવર્કને ઉપયોગમાં લેતી હોય છે. ચાલો સાવ મફતમાં અતિ કીમતી સરળ રીતો જોઈએ.

૧) આંખો બંધ કરી અંધારા રૂમમાં એકદમ રિલૅક્સ થઈને બેસો.

૨) ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો. શરૂમાં થોડા ઝડપથી શ્વાસ લેવાના પછી ધીમે ધીમે નૉર્મલ શ્વાસ લેવા જોઈએ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર નૉર્મલ શ્વાસોચ્છ્વાસ પર આવી જવાનું.

હવે થોડી કાલ્પનિક ટેક્નિક જોઈએ. એમાંથી કોઈ પણ એક અપનાવો અને નિયમિત આચરવાનું શરુ કરીએ.

૧) શરીરના દુખાવા વગરના કોઈ ભાગને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જુઓ કે તમારું મન દુખાવા તરફથી બીજે તરફ ડાયવર્ટ થાય છે કે કેમ? મન આતા માજી સટકેલ જેવું હોય છે, છટકેલ હોય છે, સીધું ઠરીને બેસે નહિ.

૨) માનસિક રીતે શરીરના દુખાવાયુક્ત ભાગને બાકીના શરીરથી જુદો સમજો, અલગ પાડો. આ ભાગ મારા શરીરનો હિસ્સો નથી તેવી કલ્પના કરો.

૩) કલ્પના કરો કે દુખ દેતા ભાગને બહેરાશનું ઇન્જેક્શન મારીને કે કોઈ જાદુઈ દવા વડે બહેરો બનાવી દીધો છે.

૪) ભૂતકાળમાં મુસાફરી કરો જ્યારે કોઈ દુખાવો હતો નહિ. સાજાસમા હતા તેવો ભૂતકાળમાં જતા રહેવું.

૫) ક્રૉનિક પેએનને એક પ્રતીક આપો, દાખલા તરીકે લાઉડ મ્યૂઝિકનું અને તેનું વૉલ્યૂમ ધીરે ધીરે ઓછું કરો.

૬) કોઈ હકારાત્મક આનંદદાયક કલ્પના કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

૭) દુખાવા તરફથી ધ્યાન બીજે વળવા મનમાં ધીમે ધીમે ગણવાનું(કાઉન્ટ) શરુ કરો.

આમ તો આ બધું કદાચ મૂર્ખા જેવું લાગે પણ ઘણાબધાને ફાયદાકારક બનેલું છે. ખાસ તો આ પ્રૅક્ટિસ દિવસમાં ત્રણવાર ૩૦ મિનિટ કરવી જોઈએ. ઉપરની કોઈ પણ એક પ્રકારની પદ્ધતિને પકડી રાખવી. બધી પદ્ધતિઓ સાથે અપનાવવી નહિ. એકવાર આમાં માસ્ટરી આવી જશે પછી એનો ફાયદો લેતા વાર નહિ લાગે.

ઓશોએ એક દાખલો નોંધ્યો હતો- અંગ્રેજોના જમાનામાં કાશી નરેશને… બનારસ-કાશીના રાજાને એપેન્ડીક્સ થયેલું. અંગ્રેજ ડૉક્ટર ઑપરેશન કરવાના હતા.ઑપરેશન પહેલા અનિસ્થટાઇઝ તો આપવો પડે ને? કાશી નરેશે કહ્યું કે હું જાગૃત રહેવાની સાધના કરું છું માટે મારે અનિસ્થટાઇઝ લઈને બેભાન બનવું નથી. ડૉક્ટરોએ ઘણું સમજાવ્યા પણ રાજહઠ સબળ હતી. કાશી નરેશે કહ્યું મને ગીતાનું પુસ્તક આપો હું વાંચીશ અને તમે ઑપરેશન કરજો. સાચું ખોટું મને ખબર નથી કેમકે હું ત્યારે હાજર નહોતો પણ કહેવાય છે કે દુનિયાનું પહેલું અને છેલ્લું ઑપરેશન હતું જે અનિસ્થટાઇઝ આપ્યા વગર કરાયેલું. કાશી નરેશે શરીરના જે તે ભાગ પ્રત્યેથી તેમનું ધ્યાન હટાવી લીધું હશે. અઘરું છે પણ અશક્ય નથી.

એક જાત અનુભવ લખું, હસવાનું નહિ. અમે ત્રણ પિતરાઈ ભાઈઓએ ચાલતા અંબાજી સંઘમાં માણસાથી અંબાજી જવા નીકળેલા. આસો મહિનાની પૂનમે પહોચવાનું હતું. સંઘ તો બહુ મોટો હતો. છ દિવસની ચાલતી મુસાફરી હતી. બપોર સુધી ચાલવાનું પછી રસ્તામાં આવતા વડનગર, તારંગા, દાંતા જેવા સ્થળોએ રાતવાસો કોઈ ધરમશાળામાં કરવાનો. દાંતા છેલ્લું સ્ટૉપિજ હતું. ત્યાં સુધીમાં તો અમારા બધાના પગમાં ભારે દુખાવો શરુ થઈ ચૂક્યો હતો. પગમાં ફોલ્લા પડવાથી ઘણાબધા તો બસમાં બેસીને ભાગી પણ ગયેલા.

સંઘના આયોજકો તરફથી એકવાર સાંજે પાકું ભોજન મળતું. અમે તો બપોરના પહોચી ગયેલા. બપોરે રાજસ્થાની દાલબાટીની મજા માણી લીધેલી. મારા એક કઝન જરા વધુ પડતી દાલબાટી ખાઈ ગયેલા. સાંજે પાછું ચૂરમાના લાડુનું પાકું જમણ કર્યું. દાંતાથી અંબાજી નજીક હોવાથી સંઘમાંથી કેટલાક લોકો રાત્રેજ અંબાજી જવા નીકળી ગયા. અમે ત્રણ જણા પણ  રાતે નીકળી ગયા. મારા પગ ખૂબ દુખતા હતા. ઢીંચણ કામ કરતા નહોતા. બીજા કઝનની પણ એવી જ હાલત હતી અને ત્રીજા ભાઈને ખૂબ ખાધેલું તે પેટમાં ભયાનક ચૂંક આવવાની શરુ થઈ ગયેલી. છતાં અમે ચાલે રાખતા હતા.

મારા આ પિતરાઈ ભાઈ મિલિટરીમાં હતા. અંબાજીના જંગલોમાં રીંછ ફરતા હોય છે. અમે ત્રણ જણા એકલાં જતા હતા, બાકીના રાત્રે નીકળી ગયેલા સંઘના મિત્રો ખૂબ આગળ જતા રહેલા. અચાનક રસ્તાની એકબાજુ દૂર અમે રીંછ ફરતા જોયા. અમને જલદી ખ્યાલ આવ્યો નહિ પણ આર્મિમાં  જોબ કરેલી તે ભાઈ ઓળખી ગયા કે આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું દોઢેક કલાક ખૂબ ભાગ્યા હોઈશું. અંબાજી પહોચ્યા પછી ખયાલ આવ્યો કે મારો પગનો અતિશય દુખાવો ભાગતી વખતે ગાયબ હતો. જે ભાઈ પેટમાં દુખાવાને લીધે રોડ પર આળોટતા હતા તે પણ દોઢ કલાક માટે ઑલિમ્પિક ગોલ્ડ જીતવા જતા હોય તેમ ભાગેલા. અંબાજી આવી ગયા પછી પાછો દુખાવો શરુ થયો.

ઉપર લખેલી માઈન્ડ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવી જુઓ, અઘરી છે પણ અશક્ય નથી…

વેદનાનું સોહામણું સત્ય-૨

વેદનાનું સોહામણું સત્ય-૨

ક્રૉનિક પેએન કઈ રીતે શરુ થઈ જતા હોય છે તે અંકમાં જોયું.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

 ૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી  બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો  પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો.  મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું  અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે  ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રોનિક પેઈનના બતાવી ગયા છે તે પછી બીજા અંકમાં જોઈશું.