શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

Indians in Elder Park
Indians in Elder Park (Photo credit: mikecogh)

શું ભારતીય લોકો વધુ સામાજિક છે?

          જ્યારે જ્યારે ભારતમાં રહેતા મિત્રો સાથે વાતો થાય કે સંવાદ થાય કે પછી ફોન પર વાતો થાય કે ઑન લાઇન વાતો થાય ત્યારે એવું ચર્ચાતું હોય છે કે ભારતમાં સોશિઅલ લાઇફ જેવું વધુ હોય છે જ્યારે અમેરિકામાં સોશિઅલ લાઇફ જેવું ઓછું હોય છે. અથવા તો સોશિઅલ લાઇફ જેવું કઈ હોતું નથી. અમેરિકામાં રહેતા ભારતીયો પણ આવું જ માનતા હોય છે. ઍવરિજ ભારતીયના મુખે એવું સંભાળવા મળવાનું કે અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ. કલ્ચર તો આપણું ભારતનું જ. અમેરિકન સમાજ એટલે પશ્ચિમનો સમાજ સમજવો.

               હમણાં એક મિત્ર સાથે ઑન લાઇન વિડિઓ ચૅટિંગ દ્વારા વાતો થયેલી. તેઓ પોતે ડૉક્ટર છે અને એમની દીકરી અમેરિકામાં છે, દીકરો પણ વિદેશ ભણે છે. એમનું અમેરિકામાં કાયમ આવનજાવન હોય છે. તેઓને બંને જગ્યાએ રહેવાનો અનુભવ છે, એમના મુખે સાંભળ્યું કે અમેરિકામાં જીવન મેકૅનિકલ લાગે, જ્યારે ભારતમાં સામાજિક વધુ લાગે. મહદંશે એમનું કહેવું સાચું છે.

અમેરિકામાં કલ્ચર જેવું કઈ છે નહિ તેવું કહેવું વધારે પડતું છે. અહીં પણ કલ્ચર છે, પણ થોડું અલગ છે. આપણાં કલ્ચર સાથે મૅચ થાય તેવું નથી માટે એવું લાગે કે કલ્ચર જેવું કઈ છે નહિ. બાકી એમની રીતે આ લોકો એમના કલ્ચરમાં જીવે જ છે અને ખૂબ મજાથી જીવે છે. કદાચ આ લોકોને આપણાં કલ્ચરમાં કોઈ દમ લાગતો નહિ હોય. આપણાં કલ્ચરના રીતરિવાજો જોઈ જાણી આ લોકોને પણ ઘણું હસવા જેવું અને નવાઈ જેવું લાગતું હોય છે. દરેક કલ્ચરમાં ખામીઓ સાથે ખૂબીઓ પણ હોય જ છે. દરેક કલ્ચરમાં સારું ખોટું હોય જ છે. એવું પણ હોય કે આપણને ખોટું લાગતું હોય તે બીજા કલ્ચર માટે સારું ગણાતું હોય.

પશ્ચિમનું કલ્ચર પ્રાઇવસિમાં માનતું વધારે છે. સામાજિક ગઠબંધન ઓછું હોય તેવું લાગતું હોય છે. એના ઘણા બધા કારણો હોઈ શકે. લગભગ અહીં વસતા કે ભારતમાં વસતા મોટાભાગના ભારતીયોના મુખે સાંભળ્યા પછી કે ભારતમાં લોકો સામાજિક વધુ હોય છે અને અહીં ઓછા ત્યારે વિચાર કરવા મજબૂર થઈ જવાયું.

આમ મોટાભાગે આપણે ભારતના લોકો માનતા હોઈએ છીએ કે આપણે દુનિયાના લોકો કરતા વધુ સામાજિક છીએ. એટલે ઘણીવાર પ્રશ્ન થાય કે સાચે જ ભારતના લોકો વધુ સામાજિક છે ? જો જવાબ ‘હા’ હોય તો, શા માટે આપણે વધુ સામાજિક છીએ ? સામાજિક હોવા પાછળનું મુખ્ય કારણ જે તે પ્રદેશનું ભૌગોલિક કારણ જવાબદાર હોય છે. હવામાન પ્રમાણે રહેણીકરણી કે જીવન પદ્ધતિ બનતી હોય છે. એટલે કે જેવી કાર્યપદ્ધતિ હોય તે પ્રમાણમાં સામાજિક માળખું તૈયાર થાય.

ભારતની ભૌગોલિક પરિસ્થિતિને આધારે જોઈએ તો ભારત કૃષિપ્રધાન દેશ છે. સૌથી પહેલા સમાજની રચના નાના નાના સમૂહો દ્વારા થઈ અને સમૂહના લોકો સાથે મળી ખેતી કરતા. પછીથી તે ખેતી દરેક કુટુંબ પ્રમાણે થવા લાગી. ખેતીની સાથે પશુ પાલન પણ જરૂરી બન્યું. ખેતી તથા પશુપાલન માટે કુટુંબના દરેક સભ્ય હળીમળીને કામ કરતા. તેથી કુટુંબ વ્યવસ્થા વધુ મજબૂત બની. ભારતમાં કુટુંબવ્યવસ્થા પણ વિશાળ છે. એટલે કે સંબંધોની વિશાળતા છે. જેમ કે કાકા, મામા, માસી, ફોઈ, માતાના અને પિતાના સગા તે સાથે નજીકના અને દૂરનાં અને આ બધા સાથે સામાજિક જોડાણ પણ રહે તેવી સામાજિક મેળાવડા અને ઉત્સવોની પરંપરા વધુ વિકસી છે.

ખેતીપ્રધાન સમાજ હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ હોય તે સ્વાભાવિક છે. ખેતીમાં એકબીજાનો સહકાર વધુ જોઈએ. ખેતીપ્રધાન સમાજમાં સંયુક્ત કુટુંબ હોય તો વધુ મદદ મળે. ખેતીકામ જ એવું હોય છે કે એકલાં માણસનું કામ નહિ. જેમ જેમ ભારતમાં ઉદ્યોગ ધંધાઓ વધવા લાગ્યા તેમ તેમ કુટુંબો વિભક્ત થવા લાગ્યા છે. એમાં કશું ખોટું પણ નથી. સંયુક્ત કુટુંબના ઘણા બધા ફાયદા હોય છે, પણ વ્યક્તિગત સ્વતંત્રતા ઓછી હોય, પ્રાઇવસિ ઓછી મળે. ઘણીવાર નોકરી ધંધા માટે મજબૂરી હોય છે બહાર નીકળવું પડતું હોય છે. આમ સંયુક્ત કુટુંબ ઓછા થતા જવાના.

અમેરિકન સમાજ પ્રાઇવસિમાં ખૂબ માનતો હોવાથી સંયુક્ત કુટુંબ ઓછા હોય છે. પણ હવે આ લોકોને સંયુક્ત કુટુંબ એટલે મલ્ટીજનરેસ્નલ એટલે કે દાદા દાદી સાથેના કુટુંબોની મહત્તા સમજાવા લાગી છે. હાલનાં એક સર્વે પ્રમાણે અમેરિકામાં ૪ મિલ્યન એટલે ૪૦ લાખ ફેમિલી એવા છે જેમાં દાદાદાદી, પુત્ર, પૌત્રાદી સાથે રહે છે.

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ અને તેની પેટા ઋતુઓ પણ ત્રણ એમ છ ઋતુઓનો લાભ મળે છે. આ કારણ પણ થોડે ઘણે અંશે જવાબદાર ગણી શકાય. આવી અલગ અલગ ઋતુઓના કારણે જ ખેતી મુખ્ય વ્યવસાય તરીકે છે. દરેક ઋતુમાં સમાજ કાર્યરત પણ રહે. અને વચ્ચે મળતા સમયમાં ઉત્સવપ્રિય પણ રહી શકે. ભારતની જૂની જીવનપદ્ધતિ જોતા લાગશે કે અમુક સમયગાળો જ ઉત્સવોનો રહેતો જ્યારે ખેતીના કાર્યો ઓછા હોય ત્યારે જ. એટલે આમ જોતા ખૂબ જ મહેનત કર્યાં પછી નવરાશના સમયમાં મેળા, ઉત્સવો, સામાજિક પ્રસંગોના આયોજન થતા. આમ સામાજિક ગઠબંધન મજબૂત થતું.

પશ્ચિમમાં શિયાળો ખૂબ લાંબો છે. મુખ્ય બે જ ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. અહીં વરસાદ ગમે ત્યારે આવી જાય. સ્પેશલ ચોમાસું ફક્ત ભારતીય ઉપમહાખંડમાં જ છે. ઔદ્યોગિક ક્રાંતિ પશ્ચિમમાં પહેલી થઈ. નોકરીઓનું મહત્વ વધવા લાગ્યું તો સંયુક્ત કુટુંબની જરૂર ખાસ રહી નહિ. એકબીજાના સહકારની ખાસ જરૂર રહી નહિ. જેમ જેમ પ્રજા સ્વાવલંબી થતી જાય તેમ તેમ સ્વાર્થી પણ બનતી જવાની. જેમ પ્રજા પરાવલંબી તેમ સામાજિક વધુ રહેવાની. પરસ્પર સહકારની વધુ જરૂર હોય ત્યાં સામાજિક સંબંધો સારા રાખવા જ પડે છૂટકો નથી હોતો. જેમ પ્રજા પરસ્પર અવલંબી તેમ સામાજિક વધુ રહેવાની.

ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જોઈએ તો મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે તે મુજબ માનવ સામાજિક પ્રાણી છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય માનવ વધતે ઓછે અંશે સામાજિક તો રહેવાનો જ છે, ભલે પછી ભારતનો હોય કે પશ્ચિમનો. જો ખેતી કરતો હશે તો તેવા સમાજમાં રહેવાનો, જો નોકરી કરતો હશે તો એવું સર્કલ ઊભું કરશે. ઉદ્યોગપતિ હશે તો એના જેવા બીજા લોકો સાથે હરીફાઈ સાથે સામાજિક સંબંધો તો રાખશે જ. જ્યાં માણસ હશે ત્યાં હરીફાઈ અને સહકાર બંને સાથે રહેવાના.

એક બીજું કારણ એવું પણ છે કે જ્યાં સર્વાવલ માટે પરિસ્થિતિ નાજુક હોય ત્યાં સામાજિક ગઠબંધન વધુ રહેવાનું. એટલે જ્યારે લોકો પાસે પૈસો વધતો જાય છે ત્યારે લોકો વધુ સ્વાર્થી બનતા જતા હોય છે. કે હવે બીજા લોકોનો સહકાર ઓછો હશે તો ચાલશે, પૈસો છે બધું ખરીદી શકાય છે. પહેલા ગામડાઓમાં લગ્ન હોય એટલે બધી વ્યવસ્થા જાતે કરવી પડતી. બધી જરૂરી વસ્તુઓ આજુબાજુથી કે ગામમાંથી ઉઘરાવવી પડતી. મહિનાઓથી તૈયારી કરવી પડતી. એમ સામાજિક સંબંધો જળવાઈ રહેતા. આજે બધી સગવડ વેચાતી મળે છે. ખાલી ખીસા ભરેલા જોઈએ. એમ બીજા કોઈ પર બહુ આધાર રાખવો પડે નહિ.

હવે તમે શહેરમાં રહેતા હો તો ફક્ત બે દિવસમાં લગ્નપ્રસંગ ઊભો કરી શકો છો. મને યાદ છે અને મેં જોએલું છે લગ્ન પ્રસંગ હોય તો મહીના પહેલા દરજી ઘેર બેસાડતા. દરજીભાઈ એમનું મશીન લઈને જ આવી જતા. આખો દિવસ સીવ્યા કરતા. આજની પેઢીના યુવાનો માની પણ નહિ શકે આ વાત. હવે આજે દરજીની જ જરૂર રહી નથી. બધા કપડા રેડીમેડ મળી જાય છે.

આમ જેમ સુખ સગવડ વધતી જવાની, બધું પૈસાથી ખરીદી શકાય તેવું બનવા લાગે તેમ એકબીજાના સહકારની જરૂર બહુ રહે નહિ તેમ લોકો સ્વલક્ષી બનતા જવાના. લોકો એકલપટા થતા જવાના. ગામડાં કરતા શહેરના લોકો વધુ સ્વલક્ષી નથી લાગતા ? અમેરિકન લોકો સ્વકેન્દ્રી વધુ લાગે છે તેનું કારણ આ જ છે. અહીં કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી. અહીંની વ્યવસ્થા જ એવી છે કે કોઈના ઉપર બહુ આધાર રાખવો પડે નહિ. તો પછી સામાજિક સહકારની જ્યાં બહુ જરૂર ના હોય તો આ સમાજ સામાજિક ઓછો લાગે તેમાં નવાઈ શું?

જ્યારે લોકો પાસે સંપદા ઓછી હોય, રિસોઅર્સ ઓછા હોય ત્યારે સર્વાઇવલ માટે પરિસ્થિતિ નાજુક હોય છે. આમ જ્યારે રિસોઅર્સ ઓછા હોય અથવા બીજા કોઈ કારણસર પોતાનું રક્ષણ કરવા પ્રજા અસમર્થ હોય ત્યારે લોકો એમના સામાજિક જોડાણ પ્રત્યે વધુ આધાર રાખતા થઈ જતા હોય છે. ભલે લોહીનો નાતો ના હોય પણ વિશ્વાસ, કરુણા, સહભાવ, સદભાવ, સહાનુભૂતિ દ્વારા વિશિષ્ટ સંબંધો બનાવી એક સામૂહિક સર્વાઇવલની પદ્ધતિ અખત્યાર કરતા હોય છે. આમ જે લોકો પાસે લિમિટેડ રિસોઅર્સિસ હોય છે તે લોકો જુદી સ્ટ્રેટેજી પસંદ કરતા હોય છે, આ લોકો તેમના લિમિટેડ રિસોઅર્સિસ બીજા લોકોને વહેંચતા માલૂમ પડ્યા છે.

આમ ઓછી સંપદા સ્વાર્થ અને લોભને ઓછી કરે છે.જ્યારે પૈસો અને સંપદા ખૂબ વધી જાય ત્યારે તેવા લોકોની નજર બીજા પ્રત્યેથી હટી જાય છે. હવે બીજાની જરૂર ખાસ રહી નથી. આમ એમની બીજા પ્રત્યેથી લાગણી પણ ઓછી થઈ જતી હોય છે. હવે એની પાસે ખૂબ સંપત્તિ છે હવે બીજાનું શું કામ ? આમ આ લોકો સંપત્તિ ઉપર વધુ આધાર રાખતા હોય છે સિવાય લોકો પર.

અમેરિકામાં જુઓ તો દરેક પાસે લગભગ કાર હોય છે. હાલ અહીં મંદી ચાલી રહી છે. ટીવીમાં જાતજાતના સર્વે આવતા હોય છે. ટીવીમાં એવું પણ સાંભળ્યું કે અહીં ગરીબીરેખા નીચે જીવતા લોકો પાસે પણ ફ્રિઝ, ટીવી, કાર જેવા સાધનો હોય છે. લગભગ બધું કામ ઑન લાઇન પતી જતું હોય છે. કોઈ તકલીફ હોય તો ટેલિફોન હાથમાં લો ૯૧૧ દબાવો પાંચ દસ મીનીટમાં પોલીસ હાજર. જરૂર લાગે તો સાથે ઍમ્બ્યુલન્સ પણ આવી જાય. બાજુની દીવાલે રહેતા પાડોશીની પણ જરૂર રહે નહિ, તો પાડોશીને પણ કોણ ઓળખે ? આમ વધુ પડતી સુખ સગવડ માણસને એકલપટો બનાવી દે તેમાં નવાઈ નહિ. આવા એકલવાયા સમાજના ગેરલાભ પણ હોય છે. લોકો મશીન જેવા થઈ જતા હોય છે. પરિસ્થિતિ વિષમ હોય ત્યાં લોકો સામાજિક વધુ હોય.

એટલે પેલાં સંબંધી કહેતા હતા તે સાચું છે કે અહીં જીવન યાંત્રિક વધુ લાગે. યાંત્રિક જીવન હોય ત્યાં તણાવ વધુ હોય. ભારતમાં આ બાબતે તણાવ ઓછો લાગે. ભારતના સમાજિક હોવાના ફાયદા વિષે એક વાત લખું. અમેરિકા રહેતા એક મિત્ર સાથે મેડિસિન બાબતે વાર્તાલાપ થયેલ. એ મિત્ર વર્ષો સુધી ભારતમાં રહેલા. આરામદાયક જિંદગી હતી. પેઢી પર બેસી નોકરો સાથે કામ લેતા. અમેરિકામાં હંમેશાં લોકો પોતાની પાસે પેએન કિલર રાખતા હોય છે નાની મોટી બીમારીમાં પેએન કિલર લઈ લે. તે મિત્ર કહે કે ભારતમાં હતા ત્યારે પોતાના વ્યવસાયમાં ૧૪-૧૫ કલાક કામ કરતા માણસો સાથે કામ લેવાનું હોય તેમાં અને માણસ ના આવે તો જાતે કામ કરવાનું છતાં ક્યારેય સ્ટ્રેસ કે થાક ના લાગતો. કારણ દિવસ દરમ્યાન આસપાસમાં લોકોને મળતા રહેવાનું. એકબીજાની સાથે વાતો કરવાથી મન હળવાશ અનુભવતું. ઘરે  જઈને કુટુંબ સાથે બેસીને વાતો કરતા રાત્રે મિત્રોને મળીએ. આ બધામાં સ્ટ્રેસ રહે નહીં. જ્યારે અમેરિકામાં ૯ થી ૫.૩૦ ની જોબ માં ૪.૩૦ થી ઘડિયાળ જોવાનું ચાલુ થઈ જાય. જો શિફ્ટ જોબ હોય તો પછીની શિફ્ટનો કર્મચારી ના આવે ત્યાં સુધીમાં તો સ્ટ્રેસ શરુ થઈ જાય.

દસ પંદર હજાર વર્ષ પહેલા આખી દુનિયાના તમામ સમાજો હન્ટર-ગેધરર હતા. આવા સમાજો હાલ પણ છે. અહીં પુરુષો શિકાર કરવા જાય અને સ્ત્રીઓ ખોરાક જેવાકે ફળફળાદિ, કંદમૂળ, ખાવાલાયક અને ઔષધ માટે વપરાય તેવા લીલા શાકભાજી એકઠા કરે. આવા સમાજોમાં સ્ત્રી પુરુષનું સ્થાન સરખું હતું અને છે. સ્ત્રી પુરુષ કરતા અહીં કમજોર ગણવામાં નહોતી આવતી. સંશોધકોનું માનવું છે કે ખેતી શરુ થઈ અને શારીરિક બળની જરૂર વધુ પડવા લાગી. આમ પુરુષનું મહત્વ વધવા લાગ્યું. ધીમે ધીમે સ્ત્રી પુરુષ આધારિત વધુ બનવા લાગી. જ્યાં જીવન બીજા પર આધારિત હોય ત્યાં સહકાર સ્વયંભુ સ્થપાઈ જતો હોય છે. પશ્ચિમની સ્ત્રીઓ કમાતીધમાતી થઈ ગઈ છે તો સ્ત્રીઓ પુરુષો પર આધારિત નથી. જરા વાંકું પડ્યું કે છુટા.

આપણે ત્યાં હવે ડિવોર્સનાં પ્રમાણ વધવા માંડ્યા છે તેનું મુખ્ય કારણ સ્ત્રીઓ કમાતી થઈ ગઈ છે તે પણ હોઈ શકે. પશ્ચિમની નકલ કે આંધળું અનુકરણ કરતા હોઈએ એવું સાવ નથી. આપણે ખોટી બુમો પાડતા હોઈએ એવું લાગે છે. મૂળ કારણ છે ભારતમાં સ્ત્રી હવે સ્વતંત્ર બનવા લાગી છે કે કમાણી કરવા લાગી છે. હવે તેને પુરુષ પર સંપૂર્ણ આધાર રાખવો પડતો નથી. હવે એને એનું સ્વમાન યાદ આવવાનું જ છે.

આપણા ગ્રામ્યજીવન અને શહેરીજીવન વિષે ધ્યાનથી જોશો તો પણ ભેદ સમજી જવાશે. જે લોકો ભારતમાં એકબીજા પ્રત્યે ખૂબ સામાજિક લાગતા હોય તે લોકો પણ અહીં આવીને એકબીજા પ્રત્યે જરૂર પૂરતો સંબંધ રાખતા થઈ જતા હોય છે એમાં કોઈનો દોષ કાઢવો નકામો છે. આમ ભારતમાં પ્રેમભાવ, સદભાવ, સહકાર વધુ છે. લોકો સામાજિક વધુ છે. જ્યારે પશ્ચિમનો સમાજ ઓછો સામાજિક લાગે છે તે પણ સ્વાભાવિક છે. અમેરિકામાં કલ્ચર જેવું કશું નથી તેવું કહેવું પણ વધુ પડતું છે.

By:- M.B.Bhojak & B.R.Raol- April 2, 2012.