કોલાહલ

કોલાહલ

     સિત્તેરના દાયકામાં હું વડોદરા ભણતો ત્યારે મહારાષ્ટ્ર દાંડિયા બજારમાં આવેલી મહારાષ્ટ્ર  લોજમાં જમવા જતો. થાળી વાટકાનાં ખખડવાના અવાજો આવતા. પીરસણીયા પીરસતા હોવા છતાં મૅનેજર બુમો પાડતો હોય. ટેબલ ખુરશી ભરાઈ ગયા હોય તો અંદરની રૂમમાં પાટલાં માંડેલા હતા, ત્યાં બેસીને પણ ઘણીવાર ખાધું છે. વાસણોના ખડખડાટ વડે અને મેનેજરની બુમાબુમ સાથે વાતાવરણ એક જીવંત લાગતું. આજે પણ રેસ્ટોરેન્ટમાં કે લોજમાં જમવા જાવ તો પાછળ સરસ મ્યુઝિક વાગતું હોય છે. જોકે પેલી સિત્તેરના દાયકા જેવી મહારાષ્ટ્ર કે માધવ લોજ જેવું જીવંત વાતાવરણ ઓછું લાગે. જ્યોર્જીયા સ્ટેટ યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે સંગીતનાં સથવારે કૉલેજ સ્ટુડન્ટ વધુ ખાતાંપીતાં હોય છે. જર્નલ ઑફ બિઝનેસ રીસર્ચમાં પ્રકાશિત થયેલા મ્યુઝિક ઇન રીટેઈલ સ્ટોર વિષય પરનાં ૧૫૭ પેપર્સ મુજબ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ગ્રાહકોને આનંદ આપતું હોય છે અને સ્ટોરમાં વધુ સમય ગાળવા મજબૂર કરતું હોય છે સાથે સાથે વધુ પૈસા ખર્ચવા પણ. લાઉડ વોલ્યુમ આપણી સંવેદનાઓને ઓવરલોડ કરી નાખે છે જે સેલ્ફ કંટ્રોલ ઓછો કરી નાખે છે.
       હળવું મ્યુઝિક ડેઝર્ટ અને એક્સ્ટ્રા ડ્રીંક ઑર્ડર કરવા પ્રેરતું હોય છે. વાઈન સ્ટોરમાં ફ્રેંચ મ્યુઝિક વાગતું હોય ત્યારે ગ્રાહકો ફ્રેંચ વાઈન વધુ ખરીદતા હોય છે અને જર્મન મ્યુઝિક વાગતું હોય ત્યારે જર્મન વાઈન વધુ ખરીદતા હોય છે. જે તે દેશનું મ્યુઝિક જે તે દેશની યાદ અપાવે છે જે ખરીદીમાં ફરક લાવે છે. ભાવનાસભર ગીતો વાગતા હોય ત્યારે વેઇટરને ટીપ વધુ મળતી હોય છે.
     વધુ પડતા અવાજથી Tinnitus નામની કાનની બીમારી થઈ જાય છે, એમાં કાનમાં સતત ઘંટડી વાગતી હોય છે. ૩૦ મિલિયન અમેરિકન્સ અને ૬૫ ટકા યુરોપીયંસ આ બીમારીથી પીડાતા હોય છે, કારણ છે કામ કરવાની જગ્યાએ અતિશય અવાજ. ૫૦-૫૫ ડેસીબલ કરતા વધુ અવાજ સ્ટ્રેસ હાર્મોન્સ પેદા કરતો હોય છે.
     બહિર્મુખી લોકો બેક ગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય ત્યારે સારું કામ કરતા હોય છે. આવા લોકોને ટીવી ચાલુ હોય ત્યારે પણ ગણિતના દાખલા ગણવામાં કોઈ તકલીફ પડતી નથી. કોલાહલવાળી જગ્યાએ પણ સારું કામ કરી શકતા હોય છે, ઊલટાનું કોલાહલ તેમને કંટાળાથી બચાવે છે. આમ વધુ અવાજ  વધુ ગુસ્સો ધરાવતા લોકોમાં હિંસાનું પ્રમાણ પણ વધારતો હોય છે. એટલે પહેલાના જમાનામાં લડાઈ થતી ત્યારે ઢોલ, નગારા, રણભેરી વગેરે વગાડીને કોલાહલ પેદા કરવામાં આવતો, જેથી આક્રમકતા વધે.
    ઈન્ટ્રોવર્ટ અંતર્મુખી લોકોને વધુ અવાજ ગમતો નથી. આવા લોકોને શાંત જગ્યાએ કામ કરવાનું કે મીટિંગ ગોઠવવાનું જ ફાવતું હોય છે. લાઇબ્રેરી એમના માટે ઉત્તમ જગ્યા હોય છે. ૮૫ ડેસીબલ કરતા વધુ અવાજ હિયરીંગ લોસ શરુ કરી દે છે. ક્યાં કેટલો અવાજ હોય છે તે જોઈએ.
Home: 40 dB
Office: 65 dB
Restaurant: 75 dB
Television: 80 dB
Road Traffic: 85 dB
Subway: 100 dB
Construction: 110 dB
Nightclub: 120 dB
Jet Takeoff: 140 dB
     ૨૩ ઑક્ટોબર, ૨૦૦૧, આઈપોડ નામની ક્રાંતિકારી શોધનું ઉદ્ઘાટન થયું. મ્યુઝિક સાંભળવાનો એક નવો આયામ શરુ થયો. હકીકત એ છે કે મોડરેટ વોલ્યુમ સાથે મોડરેટ સમય પૂરતું આઈપોડ પર મ્યુઝિક સાંભળવું સ્થાયી રૂપે સંભાળવાની ક્ષમતામાં ઘટાડો કરતું હોય છે. આઇપોડની દસમી વર્ષગાંઠ વખતે ન્યુયોર્ક ટાઈમ્સ સાથે એક ઈન્ટરવ્યુંમાં ડેનિયલ લેવીટન નામના ન્યુરો સાયન્ટિસ્ટ કહે છે કે તરુણ બાળકોમાં આઈપોડ સાંભળવાનું વધ્યું છે અને તે પણ ૯૫-૧૦૦ ડેસીબલ લેવલ સાથે. કાનની અંદર cochlea માં સાવ બારીક વાળ હોય છે જેને hair cells કહેતા હોય છે. આ સેલ અવાજને રજિસ્ટર કરતા હોય છે, જે high-pitched ફ્રિકવન્સી ધ્વની વડે એમની શક્તિ કાયમ માટે ગુમાવી દેતા હોય છે. ખૂબ ઊંચા અવાજ વડે નાશ પામ્યા પછી આ સેલ ફરી રીકવર થતા જ નથી. આ હિયરીંગ રીસેપ્ટર કોકલિયાની શરૂઆતમાં આગળ જ સ્થિત હોય છે. અંદર પ્રવેશ કરતા અવાજનો મારો એમનો પહેલો નાશ કરી નાખતા હોય છે.
     જ્યારે તમે બહાર ફરવા જાઓ ત્યારે આજુબાજુનો નજારો જોતા હોવ છો, કોઈ ફૂલોની સુગન્ધ મનને તરબતર કરી નાખતી હોય છે. પક્ષીઓના કલબલાટ મનને આનંદ અર્પતા હોય છે. કંઈક નાવીન્ય અનુભવતા હોવ છો. પણ જો તમે કાનમાં આઈપોડ લગાવ્યું તો જીવનની ઘણી બધી આનંદિત ક્ષણોને ગુમાવો છો. એક બીજો પોઇન્ટ Levitan સાહેબનો જાણવા જેવો છે. મ્યુઝિક બ્રેઈનને અસર કરતું હોય છે, એનો એક રસપ્રદ અનુભવ એ છે કે કોઈ ગીત માઈન્ડમાં સ્ટક થઈ જતું હોય છે. આને “earworm ” કહેતા હોય છે. કાનમાં કોઈ ગીતનો કીડો ઘૂસી જતો હોય છે.  જે ગીત સૌથી વધુ ગમતું હોય તે લાંબો સમય કાનમાં ગુંજ્યા કરતું હોય છે. આઈપોડથી એવું બને કે ઓછો ટકાઉ ટ્રેક પેલાં કીડા ઉપર માસ્ક પહેરાવી દેતો હોય છે. આપણે પોતે પણ બીજા ગીત વિષે વિચારીને પેલાં કીડાને હટાવતાં હોઈએ છીએ. નવું ગીત નવો કીડો બનતું હોય છે. જોકે જુના કીડાએ આપેલું દર્દ ઓછું કરતું હોય છે. આઇપોડની આવી બીજી હકારાત્મક બાબત એ છે કે સતત મ્યુઝિક તમને સુખ આપતું હોય છે, અને બીજા લોકો પ્રત્યે તમારો વ્યવહાર  મૈત્રીપૂર્ણ બનતો હોય છે. ઇયર પ્લગ દ્વારા સીધું કાનમાં ઘૂસતું મ્યુઝિક નુકસાનકારક છે તે હકીકત છે. આઈપોડનો ઉપયોગ પણ લીમીટમાં થાય તો જ સારું.
    અતિશય કોલાહલ નુકશાન કારક છે.