ઓસ્ટ્રીયન ethologist Konrad Lorenz (1903 -1989 ), કહે છે કે આક્રમક રવૈયો માનવ સ્વભાવમાં જન્મજાત હોય છે. આક્રમકતા પૂર્વક વર્તન કરવું આપણાં શરીરમાં ઇન બિલ્ટ હોય છે. એક ટાંકીમાં પાણી ઊભરાઈ જાય તે પહેલા થોડું વહાવી દેવું જરૂરનું છે તેમ ગુસ્સો પણ થોડો નિષ્કાષિત થઈ જાય તે જરૂર છે. એના અહિંસક રસ્તા શોધી શકાય છે, જેમ કે ટેનિસ રમીને , કે ફૂટબોલને લાતો મારી મારીને તમે નાઈસ વ્યક્તિ બની શકો છો. લગભગ મોટાભાગના ખેલાડીઓ શાંત અને નમ્ર હોય છે.
આક્રમકતા, હિંસા અને ગુસ્સો માનવ સ્વભાવમાં સામાન્ય છે. માનવ જાતને સૌથી વધુ ખતરો માનવ જાતથી જ છે. આ પૃથ્વી ઉપર માનવ જાતે એના જાતિ બંધુઓની સૌથી વધુ હત્યાઓ કરી છે, બીજા પ્રાણીઓ એવું કરતા નથી. સર્વાઈવલ માટે દરેક પ્રાણીને લડવું પડતું હોય છે, તે વાત જરા જુદી છે. હિંસક પ્રાણીઓ પણ એના જાતી બંધુની હત્યા ભાગ્યેજ કરતા હોય છે. વાઘ કે સિંહ બીજા વાઘ કે સિંહ સાથે એમના અસ્તિત્વની લડાઈ લડતા હોય છે, પણ એમાં હત્યા ભાગ્યેજ કરાતી હોય છે, બહુ બહુ તો મારીને ભગાડી મૂકવાનો.
ઘણા પ્રાણી સમાજ એવા છે કે ત્યાં આક્રમકતા બહુ ઓછી જોવા મળે. અથવા સાવ નહિવત્ હોય છે. એ બાબતમાં ગાય બહુ શાંત પ્રાણી છે. દરિયાઈ કાચબા પણ ખૂબ શાંત હોય છે. માઉન્ટેન ગોરીલા પણ બહુ જેન્ટલ જાયન્ટ્સ ગણાય છે. એની સામે spotted Hyena ખૂબ ખૂંખાર હોય છે. અરે એમના બચ્ચા જેમની હજુ આંખો પણ ઊઘડી હોતી નથી, એમના સાથે રહેતા ભાઈઓને મારી નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. Hyena કબ્સ તીક્ષ્ણ કેનાઇન દાંત સાથે હત્યા કરવા પ્રીપ્રોગ્રામ્ડ જન્મ લેતા હોય છે. માનવ જાત ક્યાંક ગાય અને હાયના વચ્ચે બિરાજમાન છે. લાગે છે ગાય કરતા દૂર અને હાયના કરતા નજીક.
આ આક્રમકતા અને હુમલો કરવાની વૃત્તિ સાથે ક્યાંક ઇકોનોમિકસ પણ જોડાયેલું છે. મધર નેચર બહુ સારી રીતે જાણે છે કે ક્યાં અને કઈ રીતે એની વિપુલ સંપદા વાપરવી. એટલે પ્રાણી જગતમાં aggression ત્યાં જોવા મળે છે જ્યાં ફાયદો વધારે હોય અને ચૂકવવી પડતી કિંમત ઓછી હોય. ઘણી પ્રાણીઓની જાતમાં હિંસક સ્વભાવ કે આક્રમકતા ખાસ જોવા મળતી નથી, કેમકે ત્યાં એવા વલણનો કોઈ ફાયદો હોતો નથી. ઘણા પ્રાણીઓમાં વ્યક્તિગત આક્રમકતા ઓછી જોવા મળે કે ત્યાં ફાયદા કરતા કિંમત વધુ ચૂકવવી પડે.પણ જે જાતોમાં aggression માટે બેનીફીટ મોટા પ્રમાણમાં હોય અને ચૂકવવી પડતી કિંમત બહુ ઓછી હોય ત્યાં આક્રમક રવૈયો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. આ બેનીફીટ અને કોસ્ટ છે શું??
હરીફાઈ આક્રમકતાની જનની છે. એક જ વસ્તુ માટેની જરૂરિયાત અને ઇચ્છા બે કે વધારે વ્યક્તિઓ વચ્ચે ટકરાય ત્યાં આક્રમકતા આવવાની. આપણે શું ઇચ્છીએ છીએ તેની સાથે આક્રમકતાનો ફાયદો જોડાયેલો છે. બધા સજીવો ખોરાક, mates અને વિસ્તાર કે જગ્યા માટે હરીફાઈ કરતા હોય છે. ખોરાકની જરૂરિયાત અને તેના માટે લડવું કોઈ પ્રાણી માટે કીમતી હોય છે. જ્યારે બીજા પ્રાણી માટે એટલું મહત્વનું હોતું નથી. એક વૃક્ષ ઉપરના ફળો માટે એક વાનર બીજા તમામને ખદેડી મૂકે તો એના માટે ખોરાકની શક્યતા ખૂબ વધી જાય. કારણ અહીં જે જીતે તે આખા વૃક્ષનાં ફળ મેળવી શકે. અહીં આક્રમકતાનો ફાયદો બહુ મોટો છે. પણ એક મોટા મેદાનમાં ચરતી ગાય માટે આક્રમક બનીને બીજી બધી ગાયોને તગેડી મૂકવું અઘરું છે. કારણ ઘાસ બધી જગ્યાએ છે અને બહુ મોટા વિસ્તારમાં હોય છે. એના કરતા શક્ય તેટલું પેટમાં ઓરી લેવું બીજી ગાયો શું કરે છે તેની ચિંતા કર્યા વગર. અને ગાયો આખો દિવસ આજ કરતી હોય છે. દરેક પ્રાણીઓનો પોતાનો એક વિસ્તાર કે એરિયા હોય છે. તેના રક્ષણ માટે જીવ સટોસટની લડાઈ જામતી હોય છે. આ વિસ્તાર એમનો છે તેવું બીજા પ્રાણીઓને જણાવી રાખવા માટે ઠેક ઠેકાણે મૂત્ર વિસર્જન કરીને એની ગંધ મૂકતાં હોય છે. હવે શહેરમાં વૃક્ષ રહ્યા ના હોય તો ઇલેક્ટ્રિક પોલ ઉપર કૂતરા મૂત્ર વિસર્જન કરીને બીજા કૂતરાને ચેતવતા હોય છે કે ભાઈ આ મારો વિસ્તાર છે, અનધિકૃત પ્રવેશ બંધ છે. Mates માટેની લડાઈઓ આપણે જાણીએ છીએ. એક આમ્રપાલી માટે આખું વૈશાલી અજાતશત્રુએ ભસ્મીભૂત કરી નાખેલું.
આક્રમક બનીને લડવામાં ચૂકવવી પડતી કિંમતમાં એક તો પોતાને શારીરિક ઈજા થાય, અને ફેમિલી મેમ્બરને પણ એમાં નુકશાન થાય. ફાયદો નુકશાન કઈ રીતે લડાઈ લડવામાં આવે છે તેનાં ઉપર આધાર રાખે છે. પ્રાણીઓ પાસે મોટા ધારદાર દાંત, ફાડી નાખે તેવા જડબા, અને મોટા શિંગડા હોય છે. જો આવા હથિયાર તેઓની પાસે ના હોય તો એમને આક્રમક બનીને હુમલો કરવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડે. પણ પોતાની જાતનાં બીજા પ્રાણી સામે લડવામાં આનો ઉચિત ઉપયોગ ના થાય તો?? સિંહ જબરદસ્ત શિકારી છે, પણ બીજા સિંહને મારી નાખે તેવું ભાગ્યેજ સંભાળવા મળે.
માનવા જાતમાં સમ્પદા માટે આક્રમક બનીને તેને monopolized કરી શકાય છે. જીતેલો બધું રાખીલે. અહીં આક્રમકતાનો ફાયદો બહુ મોટો છે. વળી માનવો બીજા પ્રાણીઓની જેમ ડેન્જરસ શાર્પ દાંત, શિંગડા કે મજબૂત જડબા વડે સજ્જ હોતા નથી. એમાં વળી માનવ જાતે દૂરથી ફેંકી શકાય તેવા હથિયાર બનાવ્યા, જેથી દૂરથી હથિયાર ફેંકીને કોઈને પણ મારી શકાય. આમાં હિંસા સામે ચૂકવવી પડતી કિંમત ઓછી થઈ ગઈ. હાથોહાથની લડાઈમાં કિંમત ઘણી ચૂકવવી પડે. હાથમાં ચાકૂ લઈને મારવા જવું તેના કરતા બંદુકનો ભડકો કર્યો હોય તો વળી રિસ્ક બહુ ઓછું. અમેરિકામાં કહેવાય છે કે કોઈ બંદુક કોઈને મારતી નથી, લોકો બીજા લોકોને મારે છે. સાદું સત્ય એ છે કે હાથમાં બંદુક લઈને કોઈને મારવાની કિંમત ઓછી ચૂકવવી પડે જ્યારે બંદુક વગર કોઈને મારવા જાવ તો કિંમત બહુ મોટી ચૂકવવી પડે. આમ બંદુક વગરના લોકો કરતા બંદુકધારીઓએ બહુ મોટી હત્યાઓ કરી છે.
આમ માનવ જાત આક્રમક છે કેમકે આક્રમકતા એક કીમતી સાધન છે જે ઓછી કીમતે પ્રાપ્ત છે. છતાં આ આક્રમકતા ઓછી કરી શકાય છે. Homo sapiens પાસે આક્રમક બનવા માટેની ક્ષમતા ખૂબ મોટી હોય છે. ભલે આપણે તે જાણતા હોઈએ કે નહિ, ભલે આપણે આક્રમક કે પછી નમ્ર બનીને હરીફાઈ કરીએ, બધું આધાર રાખે છે આસપાસના વાતાવરણ ઉપર. આપણે આક્રમકતાના ફાયદા ઓછા કરીને ચૂકવવી પડતી કિંમત વધારીને આક્રમકતા ઓછી કરી શકીએ છીએ. સજા કરીને કે કરેલી હિંસા માટે કોઈ રીવોર્ડ ચૂકવાનું બંધ કરીને કે નીતિમત્તા કે મોરાલીટી શીખવીને પણ હિંસક વલણ ઓછું કરી શકાય છે. ધર્મોનું શિક્ષણ ખરેખર માનવજાતમાં રહેલી હિંસક વૃત્તિ ઓછી કરવા માટે હતું, એના બદલે ધર્મોને જ આડ બનાવીને માનવોએ સૌથી મોટા હત્યાકાંડ કર્યા છે
