એક માર્ગદર્શક આપણને સીડી ચડવા માટે મદદ કરે ત્યાં સુધી તો સારું છે, પણ તે ફક્ત સમર્થક કે અનુયાયી જ ઇચ્છતો હોય અને તમારું કોઈ વજૂદ રહેવા દેવું ના હોય તો?
દરેક વાનર અને એપ્સ સમૂહનો એક ઍલ્ફા નેતા હોય છે અને તેના સમર્થક તરીકે એક અથવા બે beta નર હોય છે. આમ beta ટ્રૂપનો બીજા નંબરનો ઍલ્ફા પણ કહી શકાય. મૅમલ સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલા છે, અને સમૂહનો એક નેતા હોય. ઍલ્ફાને પણ આખા સમૂહને કંટ્રોલ કરવા એક બે બીજા નરની જરૂર પડતી હોય છે. પ્રાણીઓમાં ઍલ્ફા બનવું શક્તિ પ્રદર્શન અને આક્રમક વલણ દાખવ્યા વગર શક્ય નથી હોતું. પણ માનવ પાસે સરસ વિચારવંત બ્રેન હોય છે જેથી તે ઍલ્ફા બનવા ખાલી શક્તિ પ્રદર્શનને બદલે જુદી જુદી રીતે પણ અપનાવે છે. વાનર અને ચિમ્પૅન્ઝી સમૂહના beta નર હાઈએસ્ટ સ્ટ્રેસ લેવલ વેઠતાં હોય છે તેવું વૈજ્ઞાનિકોનું સંશોધન કહે છે. આ બીજા નંબરનો નેતા સૌથી વધુ તણાવ અનુભવતો ટોચનો એકલવાયો હોય છે અને સમૂહના બીજા સભ્યો ઉપર કઠોર વર્તન દાખવતો હોય છે. કેમ?
Beta વાનર કે ચિમ્પૅન્ઝી માટે સૌથી વધુ મેળવવાનું હોય છે અને સૌથી વધુ ગુમાવવાનું પણ હોય છે. ઍલ્ફાનું પદ હાથવેંતમાં હોય છે. અને તે ના મળતા સૌથી વધુ તણાવયુક્ત પણ હોય છે. આપણે બહુ ઊંચા પદ માટે ઠેકડા ના મારીએ તો બહુ ગુમાવવાનું પણ બહુ હોતું નથી. beta વાનર ઍલ્ફાની નજદીક રહેવા ખૂબ મહેનત કરતા હોય છે, અને ઘણીવાર કોઈ મોટો રિવૉર્ડ મેળવ્યા વગર બધું જ ગુમાવી પણ બેસતા હોય છે. ઍલ્ફા તમારો ઉપયોગ કરવા માંગતો હોય છે, એના સમર્થક ના રહો તો તે તમારું સર્વસ્વ છીનવી લેતો હોય છે. જેના માટે અને જેના વિકાસ માટે તથા તેના ટોચ પર બની રહે તે માટે સખત મહેનત કરી હોય તે તમારું સામાજિક જીવન બરબાદ કરી શકે છે. ઍલ્ફાને હંમેશા ડર લાગતો હોય છે કે નંબર ટુ એનું સ્થાન પડાવી લેશે.
માનવ પહેલા નાનો સમૂહ બનાવીને રહેતો હશે. એનો એક નેતા રહેતો હશે. પછી કોઈ બળવાન સમૂહ નેતા બીજા સમૂહ પર આક્રમણ કરીને બીજા સમૂહ કાબૂ કરી લેતો હશે. આમ મોનાર્કી અસ્તિત્વમાં આવી. આમ રાજાશાહીમાં રાજા ઍલ્ફા નેતા બન્યો, અને એને મદદકર્તા મંત્રી કે સેનાપતિ કે નાનોભાઈ કે બીજા સમર્થક બીજા નંબરના નેતા બન્યા. રાજાને સતત ચિંતા રહેતી હશે કે બે નંબર એનું સ્થાન પડાવી ના લે. દરેક ઍલ્ફા માટે એના જિન્સ સર્વાઇવ થાય તે મહત્વનું હોય છે. એના સંતાનને કોઈ તકલીફ વગર ઍલ્ફાનું સ્થાન મળી જાય તો કેવું સારું?
આમ રાજાશાહી પવિત્ર, રાજવંશ પવિત્ર, રાજા ભગવાન એવું ઠસાવી દેવાયું. આમ પેઢી દર પેઢી વારસો રાજા બને જાય. પ્રૉબ્લેમ એ થાય કે રાજાને એક સંતાન તો હોય નહિ અને રાજા તો એક જ બને. પહેલા અને સૌથી મોટા સંતાનને રાજા બનાવવાનું રિવાજથી નક્કી કરાયું. આમ ઘણીવાર બીજા સંતાનો ક્યારેક મંત્રી, ક્યારેક સેનાપતિ બનતા. અથવા નાની નાની જાગીરી વારસામાં મળી હોય તેને બાહુબળે વધારી વળી અલગથી રાજા બની શકાય. અથવા તો બીજા વારસદારોને મારી ને રાજા બની જવાય, અને કોઈ વાર ખુદ રાજા જે પિતા પણ હોય છે તેની પણ હત્યા કરવામાં આવતી. આપણે મુઘલ બાદશાહોનો ઇતિહાસ જાણીએ છીએ. રાજાને વળી અનેક રાણીઓ હોય. આમ રાણીઓ પણ પોતપોતાના સંતાન રાજા બને તેવી યોજનાઓ આગોતરી કરવા લાગતી. સૌથી મોટા બાળ કુંવર માટે જીવનું હંમેશા જાનનું ખૂબ મોટું જોખમ રહેતું.
ઇતિહાસ ગવાહ છે કે કેટલાય સેનાપતિ ખુદ રાજા બની ગયા હતા. મંત્રી પણ રાજા બની જતા. શાહજીનું સ્થાન બીજા નંબરનું રહેતું જે શિવાજીની પસંદગીનું નહોતું. શિવાજીની ઍલ્ફા બનવાની તીવ્ર ઈચ્છાએ પિતાની અસહમતીની પરવા કર્યા વગર સ્વબળે રાજા બનીને જ રહ્યા. અને એમના રાજવંશના બ્રાહ્મણ મંત્રીઓ પેશ્વા, છેવટે રાજા બની ગયા. beta હંમેશા નંબર વન ઉપર દ્ગષ્ટિ રાખતો હોય છે, ઍલ્ફા નબળો પડે તેની રાહ જોવાતી હોય છે. સતત ઍલ્ફાની નજીક રહેવામાં ભવિષ્યમાં લાભ હોય છે. જેથી ઍલ્ફા કોઈ કારણવસ ખસી જાય તો ઍલ્ફા બનવાનો મોકો beta પ્રાપ્ત કરી શકે. આમ ઍલ્ફાની સતત નજીક રહેવા માટે ત્રીજા ચોથા નંબર ઉપર ક્રૂરતા રાખવી પડતી હોય છે, એમને સતત દબાવવા પડતા હોય છે. આમ નંબર બે એની નીચેની વ્યક્તિઓ તરફ રુક્ષ હોય છે, એમની સતત અવહેલના કરતો હોય છે. નંબર બે એના પછીની હરોળમાંથી કોઈ પ્રતિભાશાળી હોય તો એને વહેલો નાશ કરી દેવા જાતજાતના નુસખા અપનાવે છે. આ સ્ટ્રેટેજી કાયમ રહેતી હોય છે.
ભારતીય રાજકારણ જુઓ. ભારતની આઝાદીની લડતનાં સર્વોચ્ચ ઍલ્ફાનું પદ ગાંધીજી નિભાવતા હતા. એમના ખાસ બે સહાયક જવાહર અને સરદાર હતા. ગાંધીજી વૃદ્ધ બની ચૂક્યા હતા અને એમને રાજ કરવામાં કોઈ ખાસ રસ નહોતો, એમનું ધ્યેય ફક્ત ભારતની આઝાદી હતું. જિન્નાહ ગાંધીજી પહેલા કોંગ્રેસમાં સ્થાન જમાવી ચૂક્યા હતા. જિન્નાહ પાક મુસલમાન નહોતા, સિગરેટ પીતા, શરાબ પીતા મુલ્લાઓના વિરોધી હતા. અમુક સમયે ગાંધીજી કરતા વધુ સેક્યુલર લાગતા, ખાસ તો ખિલાફતની ચળવળ વખતે. પણ ગાંધીજીના પ્રભાવ અને સંત જેવા આચારવિચારને કારણે પ્રજામાં માન વધતા એમનું મહત્વ ઘટ્યું. મૅમલ બ્રેન બળવો પોકારી ઊઠ્યું. સામે પક્ષે જવાહર પણ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, સર્વોચ્ચ ઍલ્ફા બનવાનું ટાળી શકે તેમ નહોતા. આમ એમના આદિમ મૅમલ બ્રેને અલગ પાકિસ્તાનની માગણી કરી. ગાંધીજીને જિન્નાહ વડાપ્રધાન બને તેમાં કોઈ વાંધો નહોતો. પણ જવાહરનું આદિમ મૅમલ બ્રેન માનવા તૈયાર નહોતું.
બે મૅમલ બ્રેનની માનસિક લડાઈ અને એક મહાન ભારતના બે ભાગલા અને લટકામાં દસ લાખ માણસોની હત્યા. હવે જવાહરની આડે આવે એવો એક માણસ બચ્યો સરદાર વલ્લભભાઈ પટેલ. જવાહર નાના બાળકની જેમ રિસાઈ ગયા. સરદાર ખસીને નંબર બે નું સ્થાન મેળવીને સંતોષ પામ્યા. સરદારની સતત અવહેલના થતી રહી. રજવાડા ભેગાં કરવાનું એમના સિવાય કોઈ કરી શકે તેમ નહોતું. બંને વચ્ચે ખાસ સંબંધ રહ્યો નહોતો. સરદારને પણ નંબર વન બનવાની કોઈ મહેચ્છા હતી નહિ, વૃદ્ધ અને બીમાર હતા. એમની સલાહ અવગણીને કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં ખેંચી ગયા એના પરિણામ આજે પણ ભારત ભોગવી રહ્યું છે.
શાસ્ત્રીજી અવસાન પામ્યા ત્યારે કામરાજ એન્ડ કંપની કિંગ મેકર હતી. મોરારજી કોઈને ગાંઠે તેમ નહોતા. કામરાજ એન્ડ કંપનીએ નરમ દેખાતી છોકરી ઈન્દિરાજીને વડાપ્રધાન બનાવી મૂક્યા. પણ બાઈ ભારે સ્ટ્રોંગ ડોમિનન્ટ મૅમલ બ્રેન ધરાવતી હતી તે આ ખંધા વૃદ્ધોને ખબર નહોતી. સત્તા મળ્યા પછી ઈન્દિરાજીએ બધાને હડસેલી મૂક્યા. જેમ તેમ કરીને જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી અને મોરારજી વડપ્રધાન બન્યા, પણ બીજી હરોળના તમામ નેતાઓને નંબર વન બનવું હતું. સત્તા મળી ગઈ હતી હવે કોંગ્રેસનો ડર નહોતો એટલે મોરારજીના પગ ખેંચાયા. પહેલા સત્તા ઉપર હોય તેની સામે એક સંપ થઈને લડો અને સત્તા મળી જતા અંદર અંદર લડો. જિન્નાહ ખૂબ સારા વકીલ હતા, બૅરિસ્ટર હતા. જવાહર પોતે પણ કેટલા બુદ્ધિશાળી હતા, ડીસ્કવરી ઑફ ઇન્ડિયા નામનું એક ઐતિહાસિક પુસ્તક પણ લખેલું. પણ મૅમલ બ્રેઈન આગળ કોઈ ફિલૉસફી ચાલતી નથી.
ભાજપા જુઓ, બાજપાઈની પ્રચંડ પ્રતિભા આગળ અડવાણી ફક્ત બે નંબર બનીને રહી ગયા હતા. આટલાં વર્ષે સાવ વૃદ્ધ બની ચૂક્યા છે પણ વડાપ્રધાનના દાવેદાર છે. નંબર બે ઉપર ટકી રહેવા માટે નીચલી હરોળના નેતાઓને કદ પ્રમાણે કાયમ વેતરતા રહ્યા છે. ક્યારેક તો ચાન્સ મળશે. ઘણીવાર કોઈ તકલીફકર્તા ના પણ હોય છતાં મૅમલ બ્રેન સ્થાન ટકાવી રાખવા સતત પ્રયત્નો કર્યા કરતું હોય છે. ભાજપના જેટલા પ્રભાવશાળી નેતાઓ હતા તે એક પછી એક અડવાણી દ્વારા વેતરાતા રહ્યા. એમાં સ્થાનિક નેતાઓનું મૅમલ બ્રેન પણ સહયોગ કરતું હોય છે. આખા ભારતમાંથી ભાજપની સંસદમાં ફક્ત અને ફક્ત બે સીટો જ આવેલી, એમાંની એક મહેસાણાની ડૉ. એ.કે.પટેલ જીતી લાવેલા.
આવા ભાજપના કપરાં સંજોગોમાં કેશુભાઈ અને શંકરસિંહ ભાજપના ઉત્થાન માટે તન તોડીને મહેનત કરતાં હતા. રોજ સવારની ચા સાથે બેસીને પીતા. ગુજરાતનું એક ગામ આ લોકોએ ફરવામાં જોવામાં બાકી નહિ રાખ્યું હોય. બંને જણાની મહેનતે ગુજરાતમાં ભાજપા જીતી ગયું, ૪૦ વર્ષ ભાજપ માટે કામ કરનારા શંકરસિંહે સ્વેચ્છાએ નંબર બે બનવાનું સ્વીકાર્યું. સત્તા મળ્યા પછી એમની અવહેલના શરુ થઈ. છેવટે એટલાં બધા ઇગ્નોર કરવામાં આવ્યા કે એમણે બળવો પોકાર્યો. આપણે દગો કહીએ છીએ પણ દગો બંને અરસપરસ કરતા હોય છે. છેવટની વાત બધા જાણે છે.
શંકરસિંહને દગાખોર કહેનારા કેશુભાઈ અને નલીન ભટ્ટ આજે ખૂદ દગો અનુભવી રહ્યા છે. ઇતિહાસ સર્જનારા ડૉ. એ. કે. પટેલ આજે ક્યા છે? યુપીમાં કલ્યાણસિંહને હટાવવામાં આવ્યા. દિલ્હીમાં મદનલાલ ખુરાના ગયા. ઉમાભારતી પણ ગયા અને પાછા આવ્યા. જશવંતસિંહ જેવા કાબેલ નેતાને પણ જવું પડેલું. કેશુભાઈ પણ ગયા. મોદી એકલાં હાથે ચૂંટણી લડ્યા, બાકી અડવાણીના પ્રીતિપાત્ર હવે રહ્યા નથી. વર્ષો સુધી ભાજપ માટે રાજસ્થાનને સાચવનારા ભૈરોસિંહ શેખાવતને પણ સહન કરવું પડ્યું. ભાજપની થીંક ટેંક ગણાતા ગોવિન્દાચાર્ય પણ ગયા. આવા તો કેટલા ગયા હશે? શું બધા ખરાબ હતા? બધા શિસ્ત વગરના હતા? બધા પક્ષની વિરુદ્ધ હતા? કડવાણીનું Beta મૅમલ બ્રેન ભાજપમાં કોઈ સારો નેતા રહેવા દેતું નથી. પ્રજા પાસે કોઈ સારો વિકલ્પ તો હોવો જોઈએ ને? સાવ સડેલા સફરજનના ટોપલામાંથી ઓછામાં ઓછું સડેલું સફરજન એણે શોધવાનું છે.
કોંગ્રેસમાં આજે ભલે વડાપ્રધાન મનમોહન સિંહ હોય પણ ઍલ્ફાનું સ્થાન સોનિયા ગાંધી સંભાળે છે. અહી તો વળી જૂની રાજાશાહી જેવું છે, વારસદાર નાનો હોય ત્યાં સુધી મજબૂરી છે. રાહુલ ગાંધી વારસદાર તરીકે બેસી જવાના. હું કોઈની તરફેણ કરતો નથી ફક્ત મૅમલ બ્રેન વિષે ચર્ચા કરું છું. ધર્મો અને સંપ્રદાયોમાં પણ આજ પૅટર્ન કામ કરતી હોય છે. ઍલ્ફા ગુરુ બનવાની લ્હાયમાં રોજ નવા સંપ્રદાયો, પેટા સંપ્રદાયો રોજ ફૂટી નીકળે છે. એક જ વૈષ્ણવ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં છે? એક જ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં પડી ચૂક્યા છે. હરિપ્રસાદ અને પ્રમુખસ્વામી એક જ ગુરુના ચેલા, પણ બે નંબરે રહીને જીવવાનું ફાવ્યું નહિ અને હરિપ્રસાદે પોતાનો અલગ પંથ બનાવી નાખ્યો.
રાજાશાહી હોય કે લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે મીલીટરી શાસન ઍલ્ફા નેતાના સહાયક, સમર્થક એવા beta નેતાને કાયમ સખત તણાવમાં જીવવું પડતું હોય છે, ક્યારે ઍલ્ફા રિટાયર થાય તેની રાહ જોવી પડતી હોય છે, નીચેના નેતાઓ એની સમકક્ષ બની ના જાય તેમ વ્યવસ્થા કરવી પડતી હોય છે. અને આટલી બધી મહેનત પછી પણ ઘણીવાર કોઈ રિવૉર્ડ મેળવ્યા વગર ઍલ્ફા બન્યા વગર, સર્વોચ્ચ સ્થાને પહોચ્યા વગર દુનિયા છોડી દેવી પડતી હોય છે.
અડવાણીનું પણ એમજ થવાનુ છે. વડાપ્રધાન બન્યા વગર “હમ તો ચલે પરદેશ પરદેશી હો ગયે….”

