માનવ વંશની કોઈ અલગઅલગ જ્ઞાતિ નથી. માનવ વંશની એક જ કોમ છે, તે છે માનવ. નાત, જાત, કોમ બધું સામાજિક છે. ભારતમાં જ્ઞાતિ પ્રથા ચુસ્ત છે, તેટલી બીજા દેશોમાં ખાસ નથી. આખી દુનિયાનો માનવ વંશ એક જ છે. ભલે બધા નાક નકશે જુદાજુદા દેખાય પણ બાયોલોજીકલી જીનેટીકલી આખી માનવ જાત એક જ છે. Species એટલે એક જ સરખાં લક્ષણો અને ગુણધર્મ ધરાવતા સજીવ. જે એક બીજા સાથે સંસર્ગ કરીને એમના જેવી જ જાતિને જન્મ આપે. માનવ આખી દુનિયામાં ગમે ત્યાં જઈને બીજા માનવ સાથે સંસર્ગ કરીને બીજો માનવ પેદા કરી શકે છે. એમ ઘેટા અને માનવ જુદી જુદી જાત કહેવાય. હવે માનવ ઘેંટીને પ્રેગ્નન્ટ બનાવવા પ્રયત્ન કરે તો શક્ય નથી. એમ ઘોડા કે ગધેડા અલગ species કહેવાય. હવે એમના રંગ રૂપ અને સાઇઝ પ્રમાણે આપણે અરબી ઘોડા કે કાઠિયાવાડી ઘોડા અલગ તારવીએ પણ એમાં અરબી ઘોડો એવું કહે કે હું જુદી જાત છું તો ? બધા ઘોડા આખરે ઘોડા જ છે. છતાં ઘોડા અને ગધેડા જીનેટીકલી એટલાં બધા સરખાં છે કે એકબીજા સાથે સંસર્ગ કરીને ખચ્ચર પેદા કરી શકાય છે.
માનવ અને ચીમ્પ કે બોનોબો આવી રીતે જીનેટીકલી ખૂબ સરખાં છે. પણ નૈતિક રીતે યોગ્ય ગણાતું નહિ હોય જેથી કોઈ વૈજ્ઞાનીકે ખાનગીમાં બંને વચ્ચે લેબમાં ટેસ્ટ ટ્યૂબ દ્વારા નવી જાતી પેદા કરવાનો પ્રયત્ન કર્યો પણ હોઈ શકે. પણ આજના આધુનિક વિજ્ઞાનને એની કોઈ ખબર છે નહિ. એટલે જ્યાં સુધી માનવ જાતને સંબંધ છે ત્યાં સુધી ” There is only one species, the human species, only one race-human race.”
છતાં નોર્વે, નાઈજીરિયા, જાપાન, ભારત કે રશિયાના લોકો જુદા જુદા દેખાય છે. અને રેસિઝમ પણ દુનિયામાં ખતમ થયું નથી. કાયદેસર ભલે રેસિઝમ ખતમ ગણાયું હોય, પણ માનસિક સ્તરે રેસિઝમ હજુ ચાલુ છે. ભારતમાં જ્ઞાતિવાદનાં મૂળિયા પાંચ હજાર કરતા વધુ વર્ષોથી જામેલા છે. બીજા કોઈ દેશમાં એની જાળ આટલી મજબૂત નહિ હોય.
બાયોલોજીકલ કહીએ તો કોઈ races છે નહિ. પણ સામાજિક સ્તરે વિચારીએ તો એનું અસ્તિત્વ છે. શારીરક રીતે જોઈએ તો પણ માનવ સમૂહ જુદા જુદા ભલે પડી જતા હોય પણ તે આખરે સામાજિક વર્ગીકરણ છે. જેવી રીતે કે આપણે કોઈને રંગ ઉપરથી જુદા પાડીએ કે મોટા કાન અને ટૂંકા પગ, કે સાવ નાના બુચિયા નાક, કે નાના કાન અને મોટા પગવાળાં સમૂહ જુદા જુદા પાડી શકીએ પણ જીનેટીકલી આપણે સહુ સમાન છીએ. અને આવા જુદા જુદા શારીરિક લક્ષણો પેદા થવાનું કારણ ભૌગોલિક છે, વાતાવાવરણ છે અને જિન્સમાં થતા સામાન્ય ફેરફાર છે, મ્યુટેશન છે.
માનવ જાત પેદા થઈ આફ્રિકામાં અને પહેલો સમૂહ યુરેશિયા જવા રવાના થતા સુધી એક લાખ વર્ષ સુધી તો ત્યાં ઇવોલ્વ થતી રહી. એટલે એવું કહેવાય કે આપણે ઇન્ડિયન આફ્રિકન છીએ કે અમેરિકન આફ્રિકન છીએ, કે જાપાનીઝ આફ્રિકન છીએ. એટલે મોટાભાગના જીનેટીકલી પરિવર્તન આફ્રિકામાં થયા છે. આપણે માટે તો ઘણા ઊંચા મસાઈ અને ઠીંગણાં પિગ્મી બંને અશ્વેત છે. Humans are quite homogeneous genetically when compared to large territorial mammals like wolves.
નોર્વે, નાઈજીરિયા અને જાપાનીઝ ખૂબ જુદા જુદા દેખાય છે. જાણે ત્રણ જુદી જુદી જાતી. પણ એનું મુખ્ય કારણ ત્રણે દેશો એકબીજાથી ખૂબ દૂર છે. અને સરખામણીએ ભારત અંદાજે આ ત્રણે વચ્ચે આવેલો છે. ૨૦૦ વર્ષ પહેલા આખી પૃથ્વી ઉપર જેટલી જનસંખ્યા નહિ હોય તેના કરતા વધુ આજે એક અબજ જનસંખ્યા ખાલી ભારત ધરાવે છે. એટલે જુઓ ભારતમાં ખૂબ વેરાયટી જોવા મળશે. પૂર્વના એશીયન જેવા કાળા સીધા વાળ ભારતમાં જોવા મળશે, આફ્રિકન જેવી અશ્વેત સ્કીન જોવા મળશે, યુરોપિયન જેવા ચહેરાના ફીચર જોવા મળશે. જેમ જેમ પ્રદેશો વચ્ચે અંતર વધતું જશે તેમ તેમ ફેરફાર વધતા જવાના.
ઋત્વિક રોશન અને ઐશ્વર્યા રાય યુરોપિયન ફેસ કટ ધરાવે છે, રજનીકાંત રંગે ડાર્ક સ્કીન ભલે ધરાવે પણ એનું નાક આફ્રિકન નથી. માલાસિંહા જાપાનીઝ ઢીંગલી જેવા દેખાતા. દક્ષિણ ભારતીયો કરતા કાશ્મીરી સાવ અલગ દેખાતા હોય છે. અને જેમ પૂર્વ ભારત તરફ ખસતા જાવ તેમ નાક નાના થતા જતા હોય છે. પશ્ચિમોત્તર ભારતમાં નાક લાંબા થતા જતા હોય છે. ભારતમાં તમને દુનિયાની કોઈપણ જાતનું મિશ્રણ જોવા મળશે.
જર્મન ફીજીશીયન Blumenbach ૧૭૭૬માં દુનિયાના જુદા જુદા ભાગમાં વસેલા લોકોની ખોપરીઓનો અભ્યાસ કરતો હતો. યુરોપિયન માટે એણે પહેલીવાર Caucasian શબ્દ વાપરેલો, તે પ્રદેશની કોઈ સ્ત્રીની ખોપરીનો અભ્યાસ કરતા તેને તે સૌથી વધુ સુંદર લાગી હતી. રશિયાની દક્ષિણે જ્યોર્જીયામાં Caucasus ગિરિમાળા આવેલી છે. હવે આપણે જાણીએ છીએ કે કોકેશિયન શબ્દ શ્વેત લોકો માટે વાપરીએ છીએ, પણ રશિયન લોકો માટે તે અશ્વેત છે. અમેરિકામાં વળી બે જ ભાગ છે, શ્વેત અને અશ્વેત. કોઈ ભારતીય આપણને ગમે તેટલો ગોરો લાગતો હોય, પણ અહીંની પોલીસ ટીકીટ આપે ત્યારે કલરના ખાનામાં બ્લેક જ લખવાનો. અહીં શ્વેત અને અશ્વેતની વચ્ચેનો રંગ ધરાવનારા લોકો માટે ઘઉં વર્ણ જેવો કોઈ રંગ નથી. ભારતમાં રંગનું વર્ણન કરતું કોઈ ખાનું હોતું નથી.
ન્યુયોર્ક શહેર બહુ પચરંગી શહેર છે, હું ઘણીવાર જઈ આવ્યો છું. અહીંના સબવેમાં(ભૂગર્ભ ટ્રેઇન) મુસાફરી કરતા મેં માર્ક કર્યું છે કે અહીં દુનિયાભરના લોકોનું મિશ્રણ જોવા મળે છે. સ્કીન કલર,ચહેરાના આકાર, વાળાના કલર અને એનું બંધારણ જોઈએ તો Caucasoid , Mongoloid , Negroid એમ ત્રણ જાતના લોકો હોય છે. જોકે આ વર્ગીકરણ અવૈજ્ઞાનિક છે તેવું હાલના સોશિયોકલ્ચર અને બાયોલોજીકલ એન્થ્રોપોલોજીસ્ટ, ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ માનતા હોય છે. સ્કીન કલર, વાળાના કલર તથા બંધારણ, આંખોનો કલર, નાકની લંબાઈ પહોળાઈ, પાતળા કે જાડા હોઠ વગેરે લક્ષ્યમાં લઈને જુઓ તો ન્યુયોર્કના સબવેમાં તમામ પ્રકારનું કોમ્બીનેશન જોવા મળશે. કોઈના વાળ કાળા સીધા જોવા મળશે સાથે ચહેરો શ્વેત એની આંખો બ્લ્યુ અને નાક તીક્ષ્ણ લાંબું હશે. સૌથી વધુ વિવિધતા મેક્સિકન અને દક્ષિણ અમેરિકન દેશોના સ્પેનીશ લોકોમાં જોવા મળતી હોય છે. અહીંના સ્પેનીશ ભાષા બોલતા લોકો મૂળ યુરોપિયન સ્પેનીશ નહિ, બલ્કે મૂળ સ્થાનિક અમેરિકન દેશી સાથેનું એમનું મિશ્રણ છે. જેટલી વિવિધતા ભારતીય લોકોમાં જોવા મળે છે તેટલી સ્પેનીશ લોકોમાં જોવા મળે છે. ટોટલી શ્વેત એટલે એકદમ ગોરી ચામડી, સોનેરી સીધા વાળ, બ્લ્યુ આંખો, પાતળા લાંબા નાક, અને સાવ પાતળા હોઠ. ટોટલી અશ્વેત એટલે કાળી અથવા બ્રાઉન સ્કીન, કાળા કર્લી વાળ, કાળી અથવા ડાર્ક બ્રાઉન આંખો, મોટા પહોળા નાક, અને જાડા મોટા હોઠ. આ બધાનું મિશ્રણ તમને અહીં સબવેમાં જોવા મળશે. જેવું કે tan skin, લાઈટ બ્રાઉન આંખો, બ્રાઉન વાંકડિયા વાળ,બહુ મોટા કે નાના નહિ તેવા નાક અને હોઠ.
ઘણા લોકો શ્વેત અશ્વેતનું મિશ્રણ હોય છે, અડધા શ્વેત અને અડધા અશ્વેત ફીચર્સ ધરાવતા હોય,પણ અમેરિકામાં આ બધા અશ્વેત જ ગણાય. બ્રાઝીલમાં તેવું નથી. આવા લોકો માટે બ્રાઝીલમાં એમના રંગરૂપ પ્રમાણે જુદા જુદા નામ આપતા હોય છે. કોઈની સ્કીન ગોરી હોય, સોનેરી વાંકડિયા વાળ હોય, પહોળું નાક હોય, જાડા હોઠ હોય તેને બ્રાઝીલમાં sarará,કહેતા હોય છે. આ શબ્દમાં a ની ઉપર જે ચિન્હ છે તેનો અલગ ઉચ્ચાર હોય છે, આપણાં કાના માતર જેવો. હવે કોઈનો સ્કીન કલર કાળો હોય, કાળા સીધા વાળ હોય, આંખો બ્રાઉન હોય, નાક સાંકડા હોય અને હોઠ પાતળા હોય તો એને બ્રાઝીલમાં cabo verde કહેતા હોય છે.
દુનિયા જેમ જેમ આધુનિક જમાનો આગળ વધતો જાય છે, લોકો એકબીજા દેશોમાં જતા થઈ ગયા છે, દુનિયા નાની થતી જાય છે, સંસ્કૃતિઓના આદાનપ્રદાન વધતા જાય છે તેમ તેમ આવું કોમ્બીનેશન પણ વધતું જવાનું. તેમ તેમ જ્ઞાતિ આધારિત વર્ગીકરણ ઓછું થતું જવાનું છે.
ચાલો ગણિત અને તર્કની દ્રષ્ટીએ વિચારીએ કે માનવજાત એક જ છે, કોઈ અલગ અલગ જાતી નથી. દરેક માણસને, હું કે તમે દરેકને બાયોલોજીકલ એક માતા અને એક પિતા એમ બે પેરેન્ટ્સ હોય છે, પિતાના માતા પિતા અને માતાના માતા પિતા એમ ચાર ગ્રાન્ડ પેરેન્ટ્સ, આઠ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે. આવી રીતે આગળ વધતા જઈએ તો ૧૦ જનરેશનનાં ગણીએ તો ૧૦૨૪ પૂર્વજો થાય, આમતો પછી હજારો અને કિલોમાં એન્સેસ્ટર ગણી શકાય. ૨૦ જનરેશન ગણીએ તો ૧,૦૪૮,૫૭૬ સાથે મીલીયંસ અને ૪૦ જનરેશન સાથે ૧,૦૯૯,૫૧૧,૬૨૭,૭૭૬ અને ટ્રીલીયન પૂર્વજો થઈ જાય, આમ આગળ ને આગળ ગણતરી વધારતા જઈએ તો કોઈ પાર રહે નહિ. હવે મૉર્ડન મેડીસીન આવ્યા પહેલા આયુષ્ય બહુ ઓછું હતું. હાલ ૮૦ કે ૯૦ વર્ષની એક પેઢી ગણીએ તેવું હતું નહિ. અને માનવ જાતની ઉત્પત્તિ થયે ૨૦૦,૦૦૦ વર્ષ થયા. છોડો બધી ગણતરી. આટલાં બધા માનવો પહેલા હતા નહિ. બહુ ઓછા માનવો હતા, મતલબ હાલના દરેકનાં મારા કે તમારા ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ વગેરે વગેરે, અરે આખી દુનિયાના ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ એક જ હતા. ભલે આપણે સહુ જુદાજુદા દેખાઈએ, બાયોલોજીકલ આપણે એકબીજા સાથે અંગત રીતે સંબંધી છીએ.
એક નવો તર્ક વિચારીએ. હું મારા શરીર ઉપર અને શરીરની અંદર અગણિત અબજો અબજો બેક્ટેરિયા, માઈટ્સ, પરોપજીવી સાથે જીવતો એક સજીવ છું તે હકીકત છે. હવે આજે મારું એક ફેમિલી છે. એનો હું કેન્દ્ર છું. પણ વર્ષો પહેલા આવું નહોતું, હું મારા પિતાશ્રીના કુટુંબનો એક ભાગ હતો. મારા ભાઈઓ અને બહેન સાથે પિતાશ્રીની આસપાસ ફરતા હતા. આમ જીવનચક્રની ગાડી પાછળ કરતા જઈએ તો મારા પિતાશ્રી વળી એમના પિતાશ્રીના કુટુંબના એક ભાગ માત્ર હતા, કેન્દ્ર નહોતા. આમ જીવનચક્રની ગાડી રિવર્સ કરતા જઈએ તો એક દિવસ ત્યાં આવશે કે પહેલો માનવ સમૂહ પેદા થયો હતો. એના કરતા વધુ રિવર્સ કરતા જઈએ તો આપણા પિતરાઈ ચિમ્પાન્ઝીના ફૅમિલીમાં પહોચી જઈશું. પણ આમ રિવર્સ ને રિવર્સ કરતા જ જઈએ તો કરોડો વર્ષ પહેલા પૃથ્વી ઉપર જીવન શરુ થયું ત્યાં પહોચી જવાશે. એક ડગલું(અબજો વર્ષનું) વધારે રિવર્સ જઈશું તો પૃથ્વી પેદા થઈ અને સુરજદાદાના કુટુંબનો ભાગ બની ત્યાં પહોચી જવાશે. જેમ હું અબજો જીવ જંતુઓ, બેક્ટેરિયા સાથે હરતો ફરતો એક સજીવ વ્યક્તિ છું કે તેમ જ આ પૃથ્વી પણ અબજો અબજો જીવ, જંતુ, પ્રાણીઓ,માનવો, વનસ્પતિ સાથે સૂર્યની આસપાસ હરતી ફરતી એક વ્યક્તિ સમજી લો. આ પૃથ્વી માટે, સૌર મંડળ માટે, આ ગેલેક્ષી માટે આપણે કોઈ બેક્ટેરિયાથી વધુ મહત્વ ધરાવીએ છીએ ખરા??
આ વિશાલ, અનંત, યુનિવર્સ જેમાં અબજો તારા ધરાવતી અબજો ગેલેક્સીઓ છે તેના સંદર્ભમાં ગણીએ તો પૃથ્વી એક જ વ્યક્તિ કે એક જ આત્મા ગણી શકાય કે નહિ???
