અખાથી ઓશો સુધી,નસ્તરની પીડા.
અખાથી ઓશો સુધી ઘણા બધા એ ધાર્મિક ભ્રષ્ટાચાર અને પાખંડની ખૂબ ભર્ત્સના કરી છે. ધાર્મિક પાખંડ વિરુદ્ધ બોલ્યા તો ખલાસ. જાતજાતના બહાના એને રોકવાના થવાના. કે બૌદ્ધિક લોકોને કોઈ વિષય જડતો નથી, કે નેગેટિવ જ બધું દેખાય છે, કે પોજીટીવ અને સારું છે ધર્મોમાં તે દેખાતું નથી, કે લોકોને વારંવાર આવી હીન વસ્તુઓ બતાવી બતાવી વધારે હીન બનાવો છો, કે હીનતાની ગ્રંથી કાયમ બંધાઈ જાય, વગેરે વગેરે.
આ દેશમાં બીમારને બીમાર ના કહેવાય, બીમારી વધી જાય. એક પહેલાવાનજી હતા. પગમાં કશું વાગ્યું હશે, ધ્યાન નહિ આપ્યું હોય, ગેન્ગ્રીન થઈ ગયેલું. કોઈએ કહ્યું કે આ પાકેલું મટતું નથી જરા કોઈ ડૉક્ટરને બતાવો.તો કહે તમને નેગેટિવ જ સૂજે છે. જુઓ મારા બાઈસેપ્સ કેટલા મજબૂત છે. કોઈ મિત્રે કહ્યું કે તમે મજબૂત છો પણ શક્ય હોય કે વારસાગત મધુપ્રમેહ થયો હોઈ શકે કે પાકેલું મટતું નથી.જરા તપાસ કરવો. તો કહે જરા પોજીટીવ વિચારો મારું હાર્ટ જુઓ કેટલું મજબૂત છે કોઈ કોલેસ્ટેરોલ જરા પણ નથી. ચેસ્ટ જુઓ, સોલ્ડર જુઓ, જે ખરાબ છે તે જ તમને દેખાય છે. સારું કેમ દેખાતું નથી? છેવટે કાયમ પોજીટીવ અને સારી વસ્તુઓ જોવાવાળા પહેલાવાનજી એમની બીમારી જોઈ શક્યા નહિ, બીમારીને બીમારી માની શક્યા નહિ અને ગેન્ગ્રીન વધી ગયું, પગ કપાવવો પડ્યો અને લંગડા થઈ ગયા.
ભારતને એની બીમારીઓ બતાવવાની કોશિશ ઘણા બધાએ કરી પણ એને અવગણીને ભારત લંગડું બની ગયું. દેશ આઠસો,નવસો વર્ષ ગુલામ રહ્યો, પણ હજુએ આંખો ખૂલતી નથી, કે બીમારીનું કારણ જડતું નથી, કે બીમારીને બીમારી સમજતા નથી, કે બીમારીને જોવા માટે દ્રષ્ટિ નથી, કે સમજ્યા છતાં શાહમૃગ વૃત્તિ કેળવી છે? આજ માનસિકતાએ હમણાં સુધી કોઈ બીમાર માણસને ડોક્ટર્સ એનો ગંભીર રોગ હોય તો કહેતા નહિ,સગા સંબંધીઓ પણ કહેતા નહિ. દર્દીના કોઈ સગાને જરા ‘બાહર આઇએ કુછ બાત કરની હૈ’ એવા સંવાદો અને દ્રશ્યો આજે પણ ફિલ્મો અને ટીવી સીરીયલ્સમાં દેખાય છે.બીમારને ખબર હોવી જોઈએ કે શું રોગ એને થયો છે.ક્યાં સુધી સત્યથી આંખમિચોલી ખેલવાની?
અખાએ પાખંડની ખૂબ ઝાટકણી કાઢેલી. દયાનંદ સરસ્વતીએ અનેક સંપ્રદાયો સાથે સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયોના પાખંડ ખુલ્લા પાડેલા, એમાં એમનો જીવ ગયો. ઓશો જરાપણ શરમ કે શેહ રાખ્યા વગર કોઈને છોડતા નહિ. શું આ બધા હીનતાની ગ્રંથી વધારવાનું કામ કરતા હતા? કાયમ સારપની વાતો કરી કરીને લોકો સારા બની જાય છે? એવી વાતો અને ઉપદેશ તો કાયમ સંતો સાધુઓ, કથાકારો કાયમ કરતા જ આવ્યા છે ને? શું ભારત સદાચારી બની ગયું છે? સૌથી ભ્રષ્ટ પ્રજાનો ઓસ્કાર એવૉર્ડ કેમ મળી ગયો? સાધુ સંતોની અઢળક મહેનત છતાં? મજબૂત છું,મજબૂત છું એવું વિચારવા માત્રથી શું મજબૂત બની જવાય ખરું? કે ડમ્બેલ્સ હાથમાં લેવા પડે કે નહિ? તમે સિંહ છો, સિંહ છો એવું કહેવા માત્રથી શું સિંહ બની જવાય? સિંહ જેવા હોત તો ભારતની વસ્તી આટલી બધી હોત ખરી? સિંહોનાં ટોળા હોય ખરા? પણ આપણે ઘેટાં છીએ તેવું કબૂલવા મન થતું નથી.
ઓશોને મેં ખૂબ વાંચ્યા અને સાંભળ્યા છે, પણ તેઓ આત્મા,પરમાત્મા અને પુનર્જન્મ વેગેરેમાં માનતા હતા, હું માની શકતો નથી. સમયે સમયે પાખંડ અને ધાર્મિક ભ્રષ્ટાચારને વખોડતા જ રહેવું પડતું હોય છે. એમાં રિપીટેશન પણ થયા કરતું હોય છે. નવા લોકો દર વર્ષે જન્મતા હોય છે મોટા થતા જતા હોય છે. બીમારીઓ જણાવતા રહેવું પડતું હોય છે. અખો, દયાનંદ, ઓશો, સચ્ચિદાનંદ જેવા સંતો, સુબોધ શાહ, રમણ પાઠક, વલ્લભ ઈટાલીયા, રશ્મીકાંત દેસાઈ, મુરજી ગડા, દિનેશ પંચાલ, દીપક ધોળકિયા જેવા અનેક નામી અનામી મહાનુભાવ સમયાન્તરે પાખંડને વખોડતા રહેતા જ હોય છે. બીમારીઓ પ્રત્યે દ્રષ્ટિ સૂચન કરતા જ રહેતા હોય છે. આ બધા કોઈ ભગવા કપડાધારી નથી હોતા. જોકે ભગવા કપડા પહેરીને કહેવામાં ભારતીય માનસિકતા મુજબ અસર વધુ પડે, પણ તેવી કાયમ જરૂર હોય નહિ. અને બધા કોઈ મહાન ડિગ્રીધારી હોય તેવું પણ જરૂરી નથી. તેમ બધા નાસ્તિક હોય તેવું પણ જરૂરી નથી. જરૂર છે નવા દ્રષ્ટિકોણની. ઓશો ફિલોસોફીના પ્રોફેસર હતા, પણ મનોવિજ્ઞાન વિશેનું એમનું જ્ઞાન અદ્ભુત હતું. આજના ન્યુરોલોજીસ્ટ અને સાયકોલોજીસ્ટ માટે પ્રિય એવા બુદ્ધ કઈ કૉલેજમાં ભણવા ગયેલા? બીલ ગેટ્સ, ફેસબુકના ઝુકેન્બર્ગ કૉલેજ અધુરી છોડી દીધેલા જીનીયસ છે. એપલ, આઈપોડ, આઈફોન, આઈપેડ નામ કોણે નહિ સાંભળ્યા હોય? એપલ કંપનીના માલિક ૫૬ વર્ષના વિઝનરી જીનીયસ સ્ટીવ જોબ,પેન્ક્રિયાટીક કેન્સરના કારણે મૃત્યુ પામ્યા તેઓ પણ કૉલેજ અધુરી છોડી દેનારા મહાનુભાવ હતા. જ્ઞાનની ભૂખ કોઈ કૉલેજની ડિગ્રીમાં સીમિત બંધાઈને રહેતી નથી હોતી.
મૂળ વાત એ છે કે ગૂમડા ઉપર નસ્તર મૂકવાથી પીડા થાય છે. બીજી વાત એ છે કે આપણી બીમારીઓ લોકો જાણી જાય અને નીચું પડી જાય છે. જાતજાતની મહાનતાના ગૂમડા આપણે પાળીને મોટા કરી રાખ્યા છે તે એક ગૂમડું છે તેવું માનવા મન કબૂલ કરતું નથી. હમણાં એક મિત્રે દશેરા નિમિત્તે આવું મહાનતાનું બણગું ફૂંક્યું કે આ એક જ દેશ એવો છે કે જે શસ્ત્રોની પૂજા કરે છે. અને પોતાના સ્વાર્થ ખાતર બીજા કોઈ ઉપર એનો ઉપયોગ કર્યો નથી. લોકોએ વાહ વાહ કરી નાખી. વિચારશીલ મિત્રોએ પણ વાહ વાહ કરી. આપણે ફક્ત એક સ્ટેપ આગળ વિચારતા નથી, સીધી વાહ વાહ? મેં પ્રતિભાવ આપ્યો કે શસ્ત્રોની પૂજા કરનારો દેશ ૯૦૦ વર્ષ ગુલામ કેમ રહ્યો? સ્વબચાવ એ પણ પોતાનો સ્વાર્થ થયો માટે શસ્ત્રો નહિ વાપર્યા હોય કે શું?
આ ગૂમડાઓને રોગ સમજવાની પ્રમાણિકતા આપણે ગુમાવી ચૂક્યા છીએ.
