હોકી એક ભૂતકાળ.
શ્રી કૃષ્ણ ગેંડી દડો રમતા હતા. હોકીનું પ્રાચીન સ્વરૂપ એ હશે. ભારતીય હોકીનો ભૂતકાળ બહુ ભવ્ય છે. ભારતની રાષ્ટ્રીય રમત હવે જાણે અળખામણી બની ચુકી છે. કોઈને હોકીમાં રસ જ નથી રહ્યો. ક્રિકેટ હવે બિન સત્તાવાર ભારતની રાષ્ટ્રીય રમત બની ચુકી છે. ખાલી સરકારી જાહેરાત જ બાકી છે. તે પણ હવે કરી દેવી જોઈએ. હોકીના મોટાભાગના ખેલાડીઓ ભારતીય સૈન્યમાંથી આવતા હતા. ફરજના ભાગરૂપે હોકી રમતા હશે કોઈ વધારાના પુરસ્કારની આશા વગર, પણ દિલોજાનથી રમતા હતા. મેજર ધ્યાનચંદનું નામ સુવર્ણ અક્ષરે ભારતીય હોકીમાં લખાયેલું છે. હોકીના જાદુગર હતા. બર્લિન ઓલોમ્પિક વખતે હિટલરે એમની હોકીને હાથમાં લઈને ફેરવી ફેરવીને જોએલી. કે કોઈ ગુંદર તો નથી લગાવ્યો કે સ્ટીકને બોલ છોડતો જ નથી.
ક્રિકેટમાં ૧૯૮૩મા વર્લ્ડ કપ જીત્યા હતા, ત્યાર પછી ૨૮ વર્ષ બાદ હમણા ફરી જીત્યા. એમાં તો કોઈ મોટી ધાડ મારી લીધી હોય તેમ આખો દેશ જાણે એક ઉન્માદમાં સરી પડ્યો. હોકીમાં સતત છ ઓલોમ્પિકમાં ગોલ્ડ કપ મેળવી ચુક્યા હતા. કુલ્લે આઠ ગોલ્ડ કપ, એક સિલ્વર અને બે બ્રોન્જ કપ જીતી લાવ્યા છે. પણ સતત અંગ્રેજોને ગાળો દેતી પ્રજાનો દંભ જુઓ. પોતાની રાષ્ટ્રીય રમતની અવગણના અને અંગ્રેજોની ક્રિકેટ પાછળ પાગલપન. અંગ્રેજોના ગુલામ રાજાઓ એની પાછળ પહેલા ગાંડા હતા. હવે પ્રજા પણ એની પાછળ ગાંડી થઇ ગઈ છે.
એક રમત તરીકે ક્રિકેટને હું વખોડતો જરાપણ નથી. બસ ભારતીય હોકીની અવહેલના મને ખુબ કઠે છે. શ્રીમંત અંગ્રેજોએ ટાઈમ પાસ કરવા પાંચ દિવસની ક્રિકેટ શોધી કાઢી. એમ રાજા મહારાજાઓએ ઘોડા ઉપર બેસી હોકી રમાય તે શોધી કાઢ્યું જેને પોલો કહેવાય છે. શિખ ત્રાસવાદનું સત્યાનાશ વાળવામાં સફળ રહેલા કુંવરપાલસિંહ ગીલ, હોકી ફેડરેશનનાં ચેરમેન બન્યા પછી ભારતીય હોકીનું સત્યાનાશ વાળવામાં પણ પુરતા સફળ રહ્યા છે. હોકીમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોનું વિશ્વમાં પ્રભુત્વ રહ્યું છે. પણ આજે બંને દેશોની હાલત હોકીની બાબતમાં કફોડી છે. બીજા દેશો પણ આપણી હોકી રમે છે, તેમ આપણે પણ ક્રિકેટ રમીએ તેમાં ખોટું કશું નથી. પણ એક ક્રિકેટ સિવાય પણ દુનિયામાં ઘણું બધું છે. આપણે પર્શનલ ઇવેન્ટ રમતોમાં અબજની વસ્તી ધરાવતા હોવા છતાં કશું ઉકાળી શકતા નથી. શુટિંગમાં પહેલી વાર સિલ્વર મેડલ મળ્યો ત્યારે એ સૈન્યના રાજસ્થાની રાજપૂત જવાન પાસે સારી રાઈફલ લેવા પૈસા નહોતા. કે ટ્રેનીગ માટે ચુકવવાની પુરતી ફીસ નહોતી. અને કોઈ સ્પોન્સર કરવા તૈયાર નહોતું. જ્યારે અભિનવ બિન્દ્રા પોતે પૈસાવાળા હોવાથી ઘરના પૈસે વિદેશમાં ટ્રેનીગ લઈને સારી રાઈફલ વગેરે ખરીદી ગોલ્ડ મેડલ પહેલીવાર જીતી લાવ્યા. રમતજગત પ્રત્યે આપણે હંમેશા દુર્લક્ષ જ રાખ્યું છે. ખેલકૂદ જીવનમાં ખાસ જરૂરી છે. એનાથી શરીર સૌષ્ઠવ કેળવાય. સ્પોર્ટીંગ સ્પીરીટ આવે. ઉત્સાહ અને
સાહસવૃત્તિ કેળવાય. આદિવાસી જાતોમાંથી આપણને સારા દોડવીર અને તીરાન્દાઝ મળી રહે તેમ છે. પણ રાજકારણ અને ભ્રષ્ટાચાર તેમ કરવા દે તો ને?
નોંધ:- ઉપર મુકેલો ફોટો બર્લિન ઓલોમ્પીકમાં(૧૯૩૬) ગોલ્ડ મેડલ જીતી લાવનાર હોકી ટીમનો છે.