“હે રામ”…ગાંધી ફરી હણાયો
મારા આશ્રમમાં દંગો કરી શકે છે
ગુજરાતી આટલા નિર્વસ્ત્ર થઇ શકે છે.
બ્રિટીશ શાસનમાં મારી લંગોટી તો સલામત હતી
અહી તો નપુંસક પણ બાળાત્કાર કરી શકે છે.
મને તો ડબ્બામાંથી ફેંક્યો માત્ર હતો…ને..
બ્રિટીશ રૂખસદીનો પાયો નંખાયો હતો
અહી તો ડબ્બામાં રાખ માત્ર બચી હતી
માનવતા કકળતી રહી,અમન હણાઈ ગયું,ને…
ભાઈચારાની લાશો ખડકાઈ ગઈ.
બીજું જલિયાનવાલા થયું મારું જલી જલીને ગુજરાત
ના અહીના જનરલ(ડાયર)પર ચાલ્યો ખટલો,
ના લાગ્યો બટ્ટો,ના મળી સજા.
વેંત છાતી ફુલાવી જલસા કરે અહીના ડાયર
આગમાં શેકાયેલ ઘરોની માતાઓના રૂદનથી
ચીમળાઈ ગયા છે જેમના સ્તનો,
એમના લોહીના ખાબોચિયામાં છબછબિયાં કરવાના
અભરખાંથી રતુંબડા લઇ ગાલ ફરે છે.
અહિંસક(?)…હિંદુ…ભારતમાતા…ના નામે માતાઓની
મમતા કચડી,ઝૂમી , મખમલી આનંદ અનુભવતા
મર્દ મૂછાળા મૂછે તાવ દઈ રહ્યા છે.
“અનુકંપા”? એ વળી કઈ નારીનું નામ છે?પૂછી રહ્યા છે–
“લાવો, આજે તો એનુંય વસ્ત્રહરણ કરીએ…”
ગેલમાં અટ્ટહાસ્ય કરી રહ્યા છે.
નગ્નતાનું તાંડવ ક્યા જઈ અટકશે?
ક્યાંય છે બીજો ગાંધી?
મારું બાવલું બાળી દો,મારો દેશ…નિકાલ કરી દો,
હું નથી લાયક ગુજરાતને…
મારે તો ફરી ઉપડવું છે સાઉથ આફ્રિકાની સફરે…પણ..
હવે,મારો સમાન ફેંકાશે તો…
હું નત મસ્તકે ઉભો રહી,
આભાર માનીશ,
કરગરીશ,
મને બાળશો નહિ….મને બાળશો નહિ….
© ગૌરાંગી પટેલ —વિશેષ નોંધ:-‘ગૃહશોભા અસ્મિતા’ દ્વારા એવોર્ડ વિજેતા પ્રાપ્ત તથા મારી પ્રિય…પ્યારા મિત્રો ઉપરની કવિતા છે ગૌરાંગી પટેલની.એક આદર્શ ગૃહિણી,આદર્શ માતા,એક સારા ગાયક,મનમાં જાગતી ઉર્મીઓને કવિતામાં ઢાળનાર,એક બીઝનેસ વુમન,બેબી પર્લ સેન્ટરનાં સ્થાપક હાલમાં ગાંધીજી વિષે એક નોન કોમર્શીયલ ફિલ્મ બનાવી રહ્યા છે.ગોધરાકાંડ થયા પછી દિવસો સુધી એમને ખાવાનું ભાવ્યું નથી.કોમી હુતાશનમાં મરે છે તો નિર્દોષ જ ને?એમના વિહવળ હૃદયમાંથી ગાંધીજીને યાદ કરી રડી પડી એક કવિતા “હે રામ”–ગાંધી ફરી હણાયો..