હસતું હસાવતું વ્યક્તિત્વ.
‘બાપુ ઘોડા પલાણો’
‘હા!બસ હમણાં આવ્યો સમજો,પણ ટટ્ટુ ઉપર’
પ્યારા મિત્ર યશવંતભાઈનાં બે દિવસથી ફોન આવતા હતા.પણ અહી આવીને બે ત્રણ લગ્ન સમારંભ અને બીજા સામાજિક કામોમાં એવું વ્યસ્ત થઇ જવાયું કે એમને ફોન કર્યા પછી જઈ શકાતું નહોતું.કાલે સવારે એમની હસતી હસાવતી તળપદી ભાષામાં કહ્યું કે બાપુ હવે તો ઘોડા પલાણો.હોન્ડાની કે બીજી કોઈ બાઈક ઉપર જાઉં તો ઘોડો કહેવાય,પણ નાનકડા સ્કૂટીને તો ટટ્ટુ જ કહેવાય ને?એક સ્વચ્છ,સુઘડ ઘરમાં એવા જ સંસ્કારી અને મુખ પર નિર્દોષ આડંબર વિનાનું હાસ્ય ફરકાવતા એક ભારતીય સ્પર્શનો અનુભવ કરાવતા પ્રેમાળ કુટુંબને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ખૂબ વાતો કરી.ખૂબ હસ્યા.શબ્દે શબ્દે હળવો કટાક્ષ પીરસવાની એમની આવડત અદ્ભુત છે.આ મોંઘવારીના જમાનામાં સસ્તો કટાક્ષ શ્રી યશવંતભાઈનો હોઈ શકે ખરો?માટે જ મેં એકવાર લખેલું કે ગુજરાતી સાહિત્ય જગત એક સારા હાસ્ય લેખકની કદર કરવાનું ચુકી રહ્યું છે.પણ એમને તો એમના વખાણ કરીએ તો પણ રોકે.મને તો બસ એમને સંભાળવાની મજા આવી.કવિશ્રી રમેશ પારેખ સાથેની એમની મુલાકાતોની વાતો હોય કે કહેવાતા ચિંતક શ્રી ગુણવંત શાહ સાથે અછડતી મુલાકાતની વાતો હોય,એમનો હાસ્ય રસ બસ પીધા જ કરો.બડકમદાર શ્રી ચંદ્રકાંત બક્ષી સાહેબને પણ ખૂબ યાદ કર્યા.બક્ષી સાહેબ એક કહેવાતા ચિંતકની ચિંતન કણિકાઓ વિષે શું કહેતા તે યાદ કરીને પણ ખૂબ હસ્યા કે બધા સારા સારા શબ્દો જેવા કે સત્ય,અહિંસા,પ્રેમ જેવા અનેક શબ્દો જુદી જુદી ચિઠ્ઠીઓમાં લખી એક કટોરામાં હલાવીને ભેગી કરી નાખો,એમાંથી થોડી ઉપાડીલો અને ચિંતન કણિકા બનાવી નાખો.વાહ!બક્ષી સાહેબને કોઈ ના પહોચે.ગુજરાતી સાહિત્ય જગતમાં એમના જેવો કોઈ મર્દ પાક્યો નથી.
શ્રી યશવંતભાઈની વાર્તાઓ ચાંદનીમાં આવતી હતી.સરવાણીમાં આવતા ચર્ચાપત્રોની જૂની સ્મૃતિઓ જોઈ.પ્રો.જશવંત શેખડીવાળા કોઈ કૃતિની વિવેચના કરતા ત્યારે કહેતા કે તેઓ કૃતિને નજર સમક્ષ રાખે છે,કૃતિકારને નહિ.ઘણા સમર્થ સાહીત્યકારોની કૃતિ નબળી પણ હોઈ શકે અને નવોદિતની કૃતિ સબળ હોઈ શકે.જાણીતા અધ્યાત્મનાં આફરાને વરેલા શ્રી સુંદરમની નબળી કૃતિઓ પણ એમની ઝપટમાં બચી શકી નહોતી.શ્રી યશવંતભાઈની સબળ કૃતિઓ આપણે માંણી ચુક્યા છીએ.જયારે એનું પ્રમાણ પ્રો.જશવંત શેખડીવાળા આપે ત્યારે પછી શું પૂછવાનું હોય?
મને કવિતાઓ માણવાનું ગમે,પણ જ્યારે કલ્પનાઓના તરંગમાં ઉડતી કવિતાના બદલે ધરતી સાથે જોડાયેલી કવિતા મળી જાય તો માણવાનું ખૂબ ગમે.અને એવી કવિતા કરતો કવિ એટલે શ્રી યશવંતભાઈ.એક હાસ્ય લેખક,વાર્તાકાર,ગઝલકાર અને કવિ ઘણી બધી ખૂબીઓ એકસાથે.ભવાઈ નાટકો એમની આગવી ખૂબી.
શ્રી જુગલભાઈ,શ્રી ધોળકિયા સાહેબ,શ્રી અશોકભાઈ અને બીજા બીજા મિત્રોને ખૂબ યાદ કર્યા.શ્રી હેમંતભાઈ પુણેકરને ખાસ યાદ કર્યા.રૂબરૂ મળનારા મિત્રોમાં હેમંતભાઈ પછી હું હતો.હેમંતભાઈ શુદ્ધ ગુજરાતી ઉચ્ચારે,એમના ઉચ્ચારમાં ‘શ’ અને ‘સ’નો ભેદ પણ પરખાઈ જાય.અરે અનુસ્વાર પણ પરખાઈ જાય.કોઈ ગુજરાતી પણ આટલી ચોકસાઈ ના રાખે.એક મહારાષ્ટ્રીયન મિત્ર પાસે થી ગુજરાતી મિત્રોએ શીખવા જેવું છે.મેં અગાઉ પણ કોઈ પ્રતિભાવમાં લખેલું કે આપણો કોઈ મિત્ર મરાઠીમાં કશું લખે છે ખરો?હેમંતભાઈ ગુજરાતીમાં કવિતા કરે તે ગૌરવની વાત છે.અને જયારે એમની સ્વર શુદ્ધતાની વાતો શ્રી યશવંત ભાઈના મુખે સાંભળી ત્યારે??શ્રી હેમંતભાઈને એક સલામ!!
ઘેર મહેમાન મળવા આવી ચુકેલા હતા,ફોન પર ફોન આવતા હતા.પણ અમારી વાતો ખૂટતી નહોતી.ફરી મળવાનું વચન આપી મેળવી મારા યાંત્રિક ટટ્ટુ પર બેસી,ધૂળ ફાકતો,ગરમી વેઠતો,પ્રદુષણના ઘૂંટડા ગળતો ઘેર ભાગ્યો.છતાય કોઈ ઊંઘમાંથી ઉઠાડી પૂછે તો હું કહીશ કે મારું પ્રિય શહેર વડોદરા છે,દેશ મારો ગુજરાત,ભારત મારો આત્મા અને હું છું એક ગર્વિષ્ઠ ગુજરાતી.


![55479-46629[1]](https://raolji.com/wp-content/uploads/2011/02/55479-466291.jpg?w=474)
![55479-46630[1]](https://raolji.com/wp-content/uploads/2011/02/55479-466301.jpg?w=474)
![thomas-plante_2[1]](https://raolji.com/wp-content/uploads/2011/02/thomas-plante_21.jpg?w=474)
![images[5]](https://raolji.com/wp-content/uploads/2011/02/images51.jpg?w=474)


![images[4]](https://raolji.com/wp-content/uploads/2011/02/images4.jpg?w=474)
![images[5]](https://raolji.com/wp-content/uploads/2014/01/images9zs5hx7y.jpg?w=150&h=84)