શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

ProcesionMercedes
Image via Wikipedia

શું માનવ સમાજ ધાર્મિક બનવા સર્જાયો છે? Hard Truths About Human Nature.

દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ સમાજને ફંફોસો, કોઈને કોઈ પ્રકારનો ધર્મ લોકો પાળતા હશે. ભલે એમાં વિવિધતા હોય, માન્યતાઓ અને નીતિનિયમો જુદા જુદા હોય પણ ધર્મ અને ધાર્મિકતા બધે જોવા મળશે. માટે એવું વિચારાય છે કે માનવ ધાર્મિક બનવા ઇવોલ્વ થયો છે. શું તે સાચું છે? ચાલો ઇવોલ્યુશનરી સાયકોલોજી શું કહે છે જોઈએ.

વિકાસના ક્રમમાં માનવને જિન્સમાં મળેલું છે એક માનવ વંશનું ઝરણું વહેતું રાખવું, બીજું જીવતા રહેવા કોઈ પણ ઉપાય શક્ય કરતા રહેવું, કોઈ પણ હિસાબે સર્વાઈવ થવું. સર્વાઈવ થવાનો એક લાંબો પ્રોસિજર છે માનવ વંશનું ઝરણું વહેતું રાખવું. માનવ પોતાના જિન્સ બીજી પેઢી એટલે પોતાના સંતાનોમાં ટ્રાન્સ્ફર કરી, એક રીતે પોતે જીવતો રહે છે. હાલનું શરીર ભલે કુદરતના નિયમ આધારિત નાશ પામે તે જીવતો છે એના ટ્રાન્સ્ફર કરેલા જિન્સને લઈને. ઉલટાની એમાં પેઢી દર પેઢી પ્રગતિ થાય છે, વિકાસ થાય છે માટે વિકાસ પામતો જતો જીવંત છે. હજારો વર્ષ પછી પણ હું જીવતો જ હોઈશ અને તે પણ વધુ વિકાસ પામેલો.
આના માટે માનવ નર હંમેશા આતુર હોય છે એનું બીજ સ્ત્રીમાં રોપી દેવા. કોઈ પણ સારી સ્ત્રી જોઈ, એની સુગન્ધ ભાવી ગઈ કે તે ઉતાવળો થવાનો એનું બીજ પ્રત્યારોપણ કરી દેવા. એના માટે સ્ત્રીની હા છે તેવી ધારણા બાંધી સાંનિધ્ય કેળવવા દોડી જવાનો. હવે દર વખતે સ્ત્રીની હા ના હોય. સ્ત્રી ખાલી સામાન્ય મિત્રાચારી પણ ઇચ્છતી હોય. આગળ વધવા તૈયાર ના હોય. એમાં ભાઈની ઑફરના જવાબમાં લાફો પણ મળે, ચપ્પલ પણ મળી જાય. હવે ભૂલ તો થઈ ગઈ. કોઈ વાંધો નહિ, ફરી બીજે ટ્રાય ચાલુ. ફરી લાફો મળે પણ વારંવાર ટ્રાય ચાલુ જ રહેવાના. વારંવાર ભૂલ થાય પણ ટ્રાય ચાલુ કેમ રહેતા હોય છે? હવે ચાલો ભાઈ સમજી ગયા કે કોઈ સ્વીકારતું નથી, અને કોઈ સ્ત્રી સંપર્કમાં આવી છતાં ભાઈ તરફથી અગાઉની કરેલી ભૂલોના લીધે, મળેલા ઇન્કારને લીધે પ્રયત્ન થયો નહિ. તે જ સમયે આ સ્ત્રી ખરેખર તૈયાર હતી રીપ્રોડક્શન માટે. હવે ચાન્સ ગુમાવ્યો. કિંમત ચૂકવવી પડી બહુ મોટી કે ચાન્સ ગુમાવ્યો. આ થઇ ફોલ્સ નેગેટીવ એરર. કુદરત કોઈ ચાન્સ લેવા માંગતી નથી. ભૂલોના લીધે બહુ મોટી કિંમત ચૂકવવી પડે તે માન્ય નથી. એટલે એક પણ ચાન્સ ગુમાવવો ના હોય તો વારંવાર ભૂલ થાય છતાં પ્રયત્ન કરતા રહેવો તે માટે માનવ ઇવોલ્વ થયેલો છે. એટલે વારંવાર ઇનકાર મળશે પણ કોઈ વાર તો હકાર મળશે આવું વિચારવું, આ થઇ ફોલ્સ પોજીટીવ એરર. ચાન્સ ગુમાવવો પાલવે નહિ માટે માનવ ભૂલો વારંવાર કરશે પણ એની મોટી કિંમત ચૂકવવી ના પડે તે પહેલું જોવાનું માનવ શીખ્યો છે ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં. આને એરર મૅનેજમેન્ટ કહેવાય. એરર ભલે થાય કોસ્ટ ચૂકવવી ના પાલવે. માટે માનવ વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો છે, Overinfer.

હવે બીજો દાખલો વિચારીએ. આપણો કોઈ પૂર્વજ આફ્રિકાના ગાઢ જંગલમાં ફરી રહ્યો છે. એવામાં કોઈ વિચિત્ર અવાજો આવે છે અને એક મોટું ફળ વૃક્ષ ઉપરથી એના માથે પડે છે. બે ધારણાઓ છે. એક તો પવનના સુસવાટાનો અવાજ છે અને ગુરુત્વાકર્ષણને લીધે ફળ વૃક્ષ પરથી નીચે એના માથા ઉપર પડ્યું છે. બીજી ધારણા છે કોઈ હુમલાખોર એનો શિકાર કરવા ચેતવણી રૂપ અવાજો કરી રહ્યો છે અને કોઈ બીજો કોઈ હુમલાખોર વૃક્ષ પર છુપાયો છે અને તે કશું મારી નાખવા ફેંકી રહ્યો છે. હવે ખરેખર પવનનો સુસવાટાનો અવાજ નથી અને સાચે જ કોઈ હુમલાખોરો મારી નાખવા તૈયાર છે અને એણે ધાર્યું કે આતો પવનનો અવાજ છે તો એ માર્યો જવાનો. જીવ જવાનો. આ થઈ ફોલ્સ નેગેટિવ એરર. આવું તો પાલવે નહિ. માટે જ્યારે જ્યારે આવી અણધારી પરિસ્થિતિ ઊભી થશે ત્યારે તે પહેલો વિચાર હુમલાખોર જીવ લેવા આવ્યો છે તેવું જ વિચારશે. હવે હુમલાખોર નહિ હોય તો કોઈ નુકશાન નથી. ભલે ધારણા બાંધી લીધી ભૂલ કરી. પણ ખરેખર હુમલાખોર હોય તો બાંધેલી ધારણા કામ લાગી જાય અને સામો હુમલો કરી કે ભાગી જઈને બચી  જવાય. માટે ધારણા બાંધી લેવામાં ભૂલ વારંવાર થાય તો ચાલે પણ જીવ ગુમાવવો ના પાલવે. આ થઈ ફોલ્સ પોજીટીવ એરર. એટલે પાછળ કોઈ કાવતરું છે, કોઈ નુકશાન પહોચાડવા પ્રયત્નશીલ છે તેવું માની લેવા માનવ અવિશ્વાસુ બનવા પેરનાઈડ(Paranoid)બનવા વિકસ્યો છે.

પ્રથમ માનવ Overinfer બનવા વિકસ્યો, વધુ પડતી ધારણાઓ બાંધી લેવાનું શીખ્યો. શેના વિષે? જે વસ્તુ ના હોય, જે સંજોગ કદી ઉભા થવાના ના હોય, જેનું અસ્તિત્વ જ ના હોય તેના વિષે વધુ પડતી ધારણાઓ બાંધી એમાં પ્રાણ ફૂંકવા માટે ઉત્સાહિત બનવાનું શીખ્યો છે, એવી રીતે એનું બ્રેઈન વિકસ્યું છે. એટલે પવનના સુસવાટા પણ એણે કોઈ જીવંત વ્યક્તિ લાગવાના. વીજળીના ચમકારા પણ જીવંત. બધામાં જીવ પૂરવાનું શીખ્યો. જે વસ્તુ સમજમાં આવે નહિ તેમાં પણ જીવંત દેખાવા લાગ્યું. સતત મનન અને પૂર્વગ્રહ યુક્ત ચિંતન એને સુપર નેચરલ વસ્તુઓમાં માનતો કરી દીધો. એમાંથી ભગવાન પેદા થયો. પહેલા ભગવાન વાવાઝોડા, ભૂકંપ અને ડીઝાસ્ટર મોકલનાર લાગતો હશે. પછી એને ખુશ કરવા પ્રયત્નો કરવા લાગ્યો. યજ્ઞો કરવા, ભાગ આપવો. એમાંથી ધર્મ પેદા થવા લાગ્યો. વીજળીના ચમકારે આકાશવાણી કરી ભગવાન સંવાદ કરવા લાગ્યો. એટલે ધર્મ એ બાય પ્રોડક્ટ છે. એટલે માનવ ધાર્મિક બનવા સર્જાયો નથી, પણ આતંકિત બનવા સર્જાયો છે, પેરનાઈડ બનવા સર્જાયો છે. માનવ ધાર્મિક છે કારણ આતંકિત છે, પેરનાઈડ છે.ધોળકિયા સાહેબ સાચું કહે છે કે“માણસ ધાર્મિક બનવા સર્જાયો છે એવું નથી. એ માત્ર મગજની પ્રવૃત્તિ છે. ધર્મ અને ભગવાન માણસની શોધ છે.”

માનવ ધાર્મિક છે કેમકે માનવ ભયભીત છે. આ ભયનો ઉપયોગ કરી સાધુબાવા, ગુરુઓ માનવને વધારે ભયભીત કરે છે, પછી એમાંથી બચવાના ઉપાય તરીકે એમના રોટલા પાણી કાઢ્યા કરતા હોય છે.