અમ્મા મેરે મામુ કો ભેજો રી!!

Water-color of Emma Darwin (1840) by George Ri...
Image via Wikipedia

**એક પરમ મિત્રે સુંદર કવિતા મોકલી હતી.કવિતા અહીં લખતો નથી.અમીર ખૂસરોની કવિતા છે.બહુ સુંદર કવિતા છે.હિંદુ અને મુસ્લિમ બે સંસ્કૃતિઓ આશરે હજાર વર્ષ જોડે રહી છે.બે સંસ્કૃતિઓ વચ્ચે વિચારોનું,આર્ટ,કલ્ચર,ગીત,સંગીત રીતી,રીવાજો નું ખૂબ આદાનપ્રદાન થયેલું છે.મુસ્લિમ સંસ્કૃતિમાં પિતરાઈઓ વચ્ચેના લગ્નો સામાન્ય છે.કવિતામાં એક નાનકડું વાક્ય ઘણું બધું કહી જતું હોય છે.જોકે હવે આ મૂળ કવિતાના નવા વર્જન આવી ચૂક્યા છે અને ભારતમાં ગવાય પણ છે.ચાલો અંગત લોહીના સંબંધોના લગ્નો વિષે થોડું જાણીએ.
**પ્રથમ પાયાનું હોમો સેપિયન માનવ જાતનું વસ્તીનું ધોરણ આશરે ૭૦૦ થી ૧૦,૦૦૦ નું હશે તેવું વૈજ્ઞાનિકો માને છે.કોઈ લગ્ન જેવી વ્યવસ્થા હોય નહિ તે સ્વાભાવિક છે.છતાં તે લોકો જોડી બનાવી પ્રજોત્પત્તિ નું કાર્ય કરતા હશે.એટલે લગભગ બધા ભાઈ બહેન જેવાં હોય તે સ્વાભાવિક છે.એ સિલસિલો હજારો વર્ષો સુધી ચાલ્યો હશે.પુનરુક્તિ વહોરીને લખું કે જૈનોના પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ સુધી સગી બહેન સાથે જોડી બનાવી સંતાનો પેદા કરતા હતા.એમણે પણ એવું કરેલું.પણ બીજી કોઈ જોડી ખંડિત થઈ હશે તો એમણે પેલી સ્ત્રી સાથે પણ જોડી બનાવી અને આ પ્રથામાં કશું નવું જોડ્યું કે બહેન વગર પણ જોડી બનાવી શકાય.ભગવાન ઋષભદેવનો આભાર માનવો જોઈએ આજના વૈજ્ઞાનિકોએ.છતાં કોઈ લગ્ન વ્યવસ્થા જેવું હતું નહિ.મન ફાવે તેમ બધા જોડીઓ બનાવી રહેતા હતા.એમાં જે બળવાન હોય,જેની પાસે ખાવાપીવાના વિપુલ ભંડાર હોય તેને સ્ત્રીઓ ઉપલબ્ધ વધારે રહેતી.મુનિ ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ નાનો હતો,ત્યારે એકવાર એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને ઋષિ પત્નીને કહ્યું ચાલ મારી સાથે અને નાનાશ્વેતકેતુ ને છોડી માતા પેલાં વધારે સક્ષમ બ્રાહ્મણ સાથે ચાલી નીકળી.બસ મોટા થઈને શ્વેતકેતુએ લગ્ન વ્યવસ્થાનો રિવાજ શોધી કાઢ્યો અને એને પવિત્રતાના વાઘા પહેરાવી દીધા.જેથી કોઈ નાના બાળકને સહન કરવાનું આવે નહિ.ભારતમાં આવી રીતે લગ્ન વ્યવસ્થા શરુ થઈ.ચીનમાં નુવા અને ફૂક્ષીએ પ્રોપર મૅરેજ પ્રોસિજર શોધી કાઢેલો તેવું કહેવાય છે.ત્યાં એક અટક ધરાવતા લોકોમાં લગ્નો થતા નથી.તેવું અમારા રાજપૂતો પણ એક અટકમાં લગ્ન થતા નથી,પછી છોને ગમે તેટલી પેઢીઓ વીતી ગઈ હોય.ચીનમાં એરેન્જ મૅરેજ સૌથી વધારે થાય છે.પ્રાચીન ગ્રીસમાં કોઈ મૅરેજ સેરીમની જેવું હતું નહિ.પણ રોમમાં સાક્ષીઓની હાજરીમાં મૅરેજ સેરીમની થતી.
**રટગર્સ યુનિના રોબીન ફોકસ કહે છે,ઇતિહાસના ૮૦% લગ્નો બીજી પેઢીના પિતરાઈ અને નજીકની લોહીની સગાઈમાં થયા છે.ફર્સ્ટ કજિન,સેકંડ કજિન,ક્રોસ કજિન અને પૅરેલલ કજિન વચ્ચેના લગ્નો સામાન્ય હતા.પ્રથમ પેઢીના પિતરાઈ વચ્ચેના લગ્નો અમેરિકામાં સિવિલ વોર પહેલા કાયદેસર હતા.૧૯મિ સદી પછી એનો રેટ ઓછો થવા લાગ્યો.ફર્સ્ટ કજિન વચ્ચેના લગ્નોથી જે સંતતિ પેદા થાય તેમાં બહેરાપણું,અંધત્વ અને મૂઢતા વધારે જણાય છે તેવા રિપોર્ટ આવતા અમેરિકાના ઘણા બધા રાજ્યોમાં એના પર પ્રતિબંધ મુકાયો.ઑસ્ટ્રિયા,હંગેરી અને સ્પેનમાં પ્રતિબંધ વહેલો મુકાયો હતો,પણ ઈંગ્લેન્ડમાં ચાલુ હતું.ચાર્લ્સ ડાર્વિન અને એની પત્ની એમ્મા પિતરાઈ ભાઈ બહેન હતા.પ્રાચીન રોમમાં જીસસ પહેલા ફર્સ્ટ કજિન લગ્નો કાયદેસર હતા.પણ પછી સમ્રાટ Theodosius એના પર પ્રતિબંધ મૂકી દીધો.પ્રાચીન ગ્રીસમાં પણ આવા લગ્નો કાયદેસર હતા.કિંગ Leonidas 1 (સ્પાર્ટા)એ વળી એની ભત્રીજી સાથે લગ્ન કરેલા.
**મિડલ ઇસ્ટના સમગ્ર ઇતિહાસમાં આવા લગ્નો કાયદેસર હતા.અને આજે પણ છે.જોર્ડનમાં છોકરીને એના કાકાના દીકરા સાથે પરણવું ફરજિયાત છે.કાકાનો દીકરો ના હોય તોજ બીજે લગ્ન થાય.હયાત હોય છતાં કરવા હોય તો એની મંજૂરી જોઈએ.છતાં છોકરીના લગ્ન બીજે કરવામાં આવે અને એનો પતિ એને એના ઘેર લઈ જતો હોય ત્યારે કાકાનો દીકરો આવીને એને છીનવીને લઈ જઈ શકે છે.ઇરાકમાં પિતરાઈની પરમિશન વગર બીજે લગ્ન કરનાર સ્ત્રીનું ખૂન પણ થઈ જાય.આફ્રિકામાં નાઈજીરીયામાં આજે પણ બહુપત્નીત્વ કાયદેસર છે.Hausa જાતિમાં મુસ્લિમ ધર્મનું જોર વધારે છે તેમાં આવા લગ્નો સ્વાભાવિક છે.જ્યારે Yoruba જાતિમાં બહુપત્નીત્વ વધારે પ્રમાણમાં છે.એક પત્ની તો લોહીની સગાઇવાળી હોવી જરૂરી છે.એવરેજ લોકોને ત્રણ પત્નીઓ હોય છે.એમાં ભત્રીજીઓ પણ આવી જાય.Lgbo જાતિમાં સદંતર મનાઈ છે.એક ગામની સ્ત્રી સાથે પણ લગ્ન ના કરી શકાય.આ જાતી કિશ્ચિયન છે.ઇથિયોપિયામાં વળી મુસ્લિમ વધારે હોવા છતાં પુરાણાં રિવાજ ચાલુ છે છ પેઢી સુધી લોહીની સગાઈમાં લગ્નો ના થાય.
**ચીનમાં મામાની દીકરી સાથે લગ્નો થતા,પણ હવે પિત્રાઈ લગ્નો પર ૧૯૮૦ થી મનાઈ છે.ત્યાં વળી બે બહેનો સાથે લગ્નો કરવા પ્રાચીન સમયમાં સામાન્ય હતું.ભારતમાં ઘણા રાજપૂતોમાં બે બહેનો એક ઘરમાં એક જ પતિ સાથે જોવા મળતી.ઘણી વાર સાળાની દીકરી સાથે પણ લગ્નો થતા.પણ સાત પેઢી સુધી લોહીની સગાઈ અને એક જ ગોત્રમાં લગ્નો ના થાય તે ભારતમાં હતું અને છે.ઉત્તર ભારતમાં સગોત્ર લગ્નો થતા નહિ.ભારતમાં ફર્સ્ટ કજિન લગ્નો પર ૧૯૫૫ના કાયદા મુજબ મનાઈ છે,પણ પ્રાદેશિક રિવાજ હોય તો કાયદો છૂટ આપે છે.ઉત્તર ભારતમાં એક જ ગામમાં પણ લગ્નો ની છૂટ હોતી નથી.પણ દક્ષિણ ભારતમાં એવું નથી.ત્યાં ક્રોસ કજિન વચ્ચે લગ્નો બહુ મોટા પ્રમાણમાં થાય છે.કર્ણાટકમાં બેંગલોર સાથે ગણો તો ત્રીજા ભાગની વસ્તી આવા લગ્નો કરેલી છે.કર્ણાટકમાં છોકરી માટે પહેલી પસંદગી એનો મામો હોય છે.મામાશ્રી ઉપલબ્ધ ના હોય તો વાત ઠીક છે,બીજે લગ્ન કરો.જોકે હવે ત્યાં સ્ત્રીઓ જાગૃત થઈ છે તેવું જાણવા મળ્યું છે.ભારતીય મુસ્લિમોમાં તો આવા લગ્નો હોય જ તે સ્વાભાવિક છે.
**અભિમન્યુ મામા બલરામની દીકરી શશિરેખા સાથે પરણેલો હતો.એની બીજી પત્ની ઉત્તરા હતી.જયપુરના સવાઈ માનસિંહ પ્રથમવાર જોધપુરની રાજકુમારી મરુધર કુંવર સાથે પરણેલા,બીજા લગ્ન એમના સાળાની દીકરી સાથે અને ત્રીજા લગ્ન ગાયત્રીદેવી સાથે કરેલા જે પ્રેમ લગ્ન હતા.ફ્રેન્કલીન રુઝવેલ્ટ,એડગર એલાન પો અને આઈનસ્ટાઇન એમની કજિન સાથે પરણેલા હતા.
***ઇનકા,હવાઈયન અને પ્રાચીન ઈજીપ્તમાં વળી જુદું હતું.ત્યાં વળી સગી બહેનો સાથે લગ્નો સામાન્ય હતા.પ્રાચીન ઈજીપ્તના ફેરો રાજાઓ લોહી શુદ્ધતા(pure blood line ) જાળવવા બહેન સાથે લગ્નો કરતા.અને હા ક્યારેક કવચિત પોતાની દીકરી સાથે પણ લગ્ન કરતા.Pharaonic ,Ptolemaic અને Roman એમ ત્રણ યુગ સુધી ઈજીપ્તમાં બહેનો સાથે લગ્નો સામાન્ય હતા. D. Bruce McMahan, ૬૫ વર્ષના આ પિતાશ્રીએ જુન ૨૦૦૪મા વેસ્ટ મીનીસ્ટર એબેમાં કાર્ટિયર વેડિંગ રીંગ પહેરાવી,થોડી વિધિ કરી,ફોટા પડાવ્યા અને પોતાની દીકરી લીંડાને પત્ની બનાવી દીધી.બંને એકબીજાને ત્યાર પછી ઈ મેલમાં પતિ પત્ની તરીકે સંબોધન કરતા.એક જુના સમાજમાં દીકરીના લગ્ન પહેલા પિતા હાથમાં એક કપડું લઈ,એણે આંગળી પર વીંટાળી.દીકરીની યોનિમાં દાખલ કરે,ત્યાર પછી તે લોહીવાળું કપડું લગ્ન સમયે હાજર વ્યક્તિઓને બતાવે કે તેમની દીકરી વર્જીન હતી.જેથી પાછળથી એનો પતિ દાવો ના કરે કે એની પત્ની વર્જીન નહોતી.વર્જીન ના હોવું શરમજનક અને સ્ત્રીની હત્યામાં પરિણમતું.
**નજીકના લોહીના સંબંધોમાં લગ્નો કરી પ્રજા ઉત્પન્ન કરવી તે પ્રાચીન સમાજોમાં સામાન્ય હતું.પણ એનાથી વારસાગત રોગો નવી પેઢીમાં ઊતરતા હોય છે.રીસ્ક ફૅક્ટર વધી જાય છે.જોકે આ વાત પણ વિવાદાસ્પદ છે.ઘણા સમજો આ વાત કબૂલવા તૈયાર નથી.ઇતિશ્રી લગ્ન પુરાણ ભાગ-૧ સમાપ્ત: