ધર્મોની જરૂર ક્યા સુધી??

Vaishnavism
Image by Bindaas Madhavi via Flickr

ધર્મોની જરૂર ક્યાં સુધી?
**હ્યુમન ઈવોલ્યુશન બહુ લાંબો પ્રોસિજર છે. પશુ,પક્ષી, જીવ જંતુ અને વનસ્પતિ દરેક સજીવનું ઈવોલ્યુશન ચાલુ જ છે. સૌથી મોટું બ્રેઈન માનવ પાસે છે. જે કરોડો વર્ષોના ઉત્ક્રાંતિના ક્રમમાં વિકાસ થતા થતા આપણ માનવ જાતને મળ્યું છે. આપણાં પૂર્વજ ચિમ્પ જેવા એપ્સ પાસે બ્રેઈન કદમાં માનવ બ્રેઈન કરતા નાનું છે. આપણાં પૂર્વજ આદીમાનવો પાસે પણ હાલના માનવ કરતા બ્રેઈન નાનું હતું. બ્રેઈનના કદમાં વધારો થતો જાય છે, જે દેખાતો નથી પણ થાય છે. ચિમ્પ અને આદીમાનવોના કપાળ પાછળ ઢળતા હતા. નાક અને જડબા આગળ પડતા હતા. એનો મતલબ બ્રેઈનની સાઈજ થોડી નાની હતી. હાલના આપણ માનવોના કપાળ સીધા છે. ચહેરાની સરખામણીમાં સીધા છે, મતલબ માથું મોટું થયું છે, બ્રેઈન કદમાં વધ્યું છે. એક બાળકનું બ્રેઈન નાનું હોય છે જેમ ઉંમર વધતી જાય તેમ બ્રેઈનનો વિકાસ થતો જાય છે. ૨૫ વર્ષે વિકાસ પૂર્ણ થાય છે.

**માનવમન વિચારતું થયું તેમ માનવ સમાજ સુસંસ્કૃત થતો ગયો. ધર્મોનો એમાં બહુ મોટો ફાળો છે. એક નાનું બાળક જ્યારે બહુ વિચારી શકતું ના હોય સારાસારનો વિવેક ના હોય ત્યારે એને દોરવણી આપવી પડતી હોય છે. અગ્નિથી દાઝી જવાય તેવી તેને સમજ ના હોય ત્યારે તે હાથ અગ્નિમાં નાખવા જાય ત્યારે એને શીખવવું પડે છે. બાળકને પહેલો એકડો શીખવવો પડે છે, સીધા અઘરા ગણિત કે પ્રમેય શીખવી ના શકાય. માનવને સારા આચરણ અને સમાજને ઉપયોગી નીતિનિયમો શીખવવા પડે છે તે માટે ધર્મોની જરૂર પડે છે. ધર્મ પણ ઉત્ક્રાંતિના ક્રમમાં વિકાસ ના પામે તો સડી જાય છે. હવે આજે જુના વૈદિક ધર્મની વાતો કરવી નકામી છે. કોણ પાળે છે વૈદિક ધર્મ? કોણ યજ્ઞોમાં પશુ હોમે છે? હવે કોઈ જરૂર નથી પુરાણાં ધર્મોની. ધર્મો પણ ઇવોલ્વ થવા જોઈએ. ધર્મોની જરૂર છે એકડો ઘૂંટવા પૂરતી. પછી આખી જીંદગી એકડો જ ઘૂંટ્યા કરીશું તો વિકાસ થઈ રહ્યો. જ્યારે ધર્મ વિકાસ પામવાને બદલે અટકી જાય ત્યારે વિનાશ કરતો હોય છે. બ્રેઈનનો વિકાસ ધર્મ અટકાવી દેશે. જેવી રીતે બાળકને કશું ના શીખવો અને એકડો ઘૂંટયા કરે તો શું થાય? આજે એજ થઈ રહ્યું છે. જુઓ તાલિબાનો શું કરી રહ્યા છે? જુઓ ધર્મ ઝનૂની હિન્દુઓ શું કરી રહ્યા છે? પ્રયત્નપૂર્વક માનવોને ફક્ત એકડો ઘૂંટાયા કરાય છે.

**ધર્મોએ માનવને પશુમાંથી માનવ બનાવ્યો છે, હવે એજ ધર્મો માનવને માનવમાંથી પશુ બનાવવા તરફ જઈ રહ્યા હોય ત્યારે એમાંથી મુક્તિ મેળવીને જો ધર્મો વગર ચાલતું ના હોય તો એમનો વિકાસ કરવો જરૂરી છે. એકડો ઘૂંટવામાંથી મુક્તિ મેળવ્યા વગર અઘરા સમીકરણો ક્યાંથી શીખીશું? બ્રેઈનના વિકાસ માટે રોજ નવા સમીકરણો એને શીખવવા પડે છે. બ્રેઈન માહિતીનો ભંડાર હોય છે. જો કોઈ માહિતી બ્રેઈનમાં ના હોય તો એને કશી સમજ પડતી નથી. આફ્રિકાથી એક સમૂહ હજારો વર્ષ પહેલા નીકળ્યો હશે. એ સમૂહના પૂર્વજોએ પણ લાખો વર્ષથી કોઈ દરિયાઈ વહાણ જોયું નહિ હોય. આ સમૂહ એશિયા થઈને વાયા સાઈબેરિયા થઈને અમેરિકા પહોચી ગયો. હિમયુગ પૂરો થતા બાકીની દુનિયાથી કટ થઈ ગયો. બાકીની દુનિયામાં પ્રગતિ ચાલુ હતી. પહેલીવાર યુરોપના વહાણ જ્યારે અમેરિકા પહોચ્યા હશે એમને દૂરથી વહાણ દેખાયા નહોતા. દરિયામાં વહાણ માઇલો દૂરથી દેખાઈ જાય. એમના બ્રેઈનમાં વહાણ વિષે કોઈ માહિતી તત્કાલીન હતી નહિ. સાવ નજીક આવ્યા ત્યારે નવી માહિતી બ્રેઈનમાં જમા થઈ. વહાણો નજીક આવ્યા ત્યારે દેખાયા. એકલી અટુલી સંસ્કૃતિઓ નાશ પામી જાય છે. માયા, ઈન્કા, એઝટેક જેવી અમેરિકન સંસ્કૃતિઓ નાશ પામી ગઈ. એમના પણ ધર્મો હતા. ઈન્કા અને માયન સંસ્કૃતિઓમાં માનવ બલી આપવાનું સામાન્ય હતું.

**આજે જ્યારે પુરાણ કાલ કે વૈદિક કાલ જેવી પરિસ્થિતિ કે સમય સંજોગો રહ્યા નથી, ત્યારે એ સમયના ધર્મની જરૂર પણ નથી. પણ નવા તત્વજ્ઞાનીઓને ડર લાગે છે કે માનવ વધારે ને વધારે ઝનૂની થતો જાય છે પુરાણાં ધર્મોને બચાવવા માટે, જે આત્મઘાત તરફ દોરી જનારું છે.

મારો ધર્મ મહાન અને તમારો ખોટો એ ક્યારથી શરુ થયું? પાયથાગોરસ ભારત આવેલો, જીસસના બહુ સમય પહેલા. એણે જોયું કે આ લોકો તો ખૂબ વિકાસશીલ છે. અહીં ધર્મ છે, ફિલોસોફી છે. પછી તે પાછો ગયો અને શરુ કર્યું આપણો ધર્મ અને ફીલોસોફી મહાન છે, આ લોકોનો નહિ.

ત્રણ ધર્મો અબ્રહામિક, જુઇશ, કિશ્ચિયન અને મુસ્લિમ ત્રણેની ફિલોસોફી એક યા બીજી રીતે સરખી છે. અહીં જુઓ હિંદુ ધર્મ જૈન અને બૌદ્ધ ત્રણેની ફીલોસોફી મોટાભાગે સરખી. જીસસ ખુદ હિબ્રુ બોલતા હતા. અંગ્રેજી તો હમણાં આવી. અંગ્રેજી રીબેલિયન લોકોની ભાષા. ચર્ચની વિરુદ્ધ બોલવું હોય તો કોઈને સમજ ના પડે માટે અંગ્રેજી બોલાતી. અડધી ડિક્શનેરી તો શેક્સપિયરે લખી હશે. હિંદુ ધર્મમાં સડો વધી ગયો તો બુદ્ધ આવ્યા. ધર્મ વહેતો રહેવો જોઈએ. બંધિયાર કૂવામાં પાણી પણ ગંધાઈ જાય. એમ બંધિયાર ધર્મમાં માનવ પણ ગંધાઈ જાય. ધર્મમાં લાગણીનું તત્વ ઘુસાડી દેવાય છે. બ્રેઈનનો એક ભાગ ભાવનાઓ અને લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકો કહેશે અમે હ્રદયથી વિચારીએ છીએ. હૃદય તો એક પંપ છે. એની પાસે વિચારવાની કોઈ શક્તિ જ નથી. બુદ્ધિ અને તર્કના ભાગને વિકસવા દેવામાં આવતો નથી. આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી. બ્રેઈન જ આત્મા છે. અંતર આત્માનો અવાજ પણ બ્રેઈન જ બોલે છે. ચા પીવાનું યાદ આવવું કે કેળાં ખાવાની ઇચ્છા થવી તે પણ બ્રેઈનના આદેશ મુજબ જ હોય છે. જે ધર્મ બ્રેઈનના વિકાસ ને રોકે તે ધર્મનું કશું કામ નથી. નવા ધર્મો ઇવોલ્વ થવા જોઈએ.

નોંધ:-મિત્રો ઉપરનું એકેય વાક્ય મારું નથી. વિલિયમ્સ પેટરસન યુનીવર્સીટીમાં સાયકોલોજી અને ફિલોસોફી બે મેજર સબ્જેક્ટ લઈને ભણતા મારા સૌથી નાના દીકરા હરપાલસિંહને ક્રિસમસ વેકેશન પડ્યું તો લેવા ગયેલો. આવતા તેઓ ડ્રાઇવિંગ કરતા હતા અને બોલતા જતા હતા. હું સાંભળતો હતો. બસ જે યાદ રહ્યાં તે વાક્યો લખ્યા છે.