बुद्धं शरणं किं गच्छामि||
*બુદ્ધે ચાર આર્ય સૂત્રો આપ્યા.સંસાર દુઃખ છે, દુઃખનાં કારણો છે, દુઃખનો ઉપાય છે અને એમાંથી મુક્ત થઈ શકાય છે. જે હોય તે પણ આ દુઃખો કયા? ગરીબી હોય તે? પૈસા ના હોય તે? ખાવાપીવા પૂરતું ના મળે તે? બીમારીઓ આવે તે?વાર્ધક્ય આવે તે? મૃત્યુના હવાલે થઈ જઈએ તે? કોઈ ત્રાસ આપે તે? હજાર દુઃખો હશે સંસારમાં. ઘણા કારણો તો દુઃખ નહિ દેતા હોય પણ પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહો અને માની લીધેલાં દુઃખ હશે. એક વૃદ્ધ માણસ ને દોડાવો તો દુઃખદાયી બની જાય અને ખેલાડીઓને એમાં આનંદ આવે. ઘણા દુઃખ તો દુઃખ હોતાં નથી. બુદ્ધ મનોવૈજ્ઞાનિક હતા, એવું લાગે છે. મન અશાંત હોય સમય જવા દો, એની જાતે વમળો બેસી જશે. શાંત બનવાનો પ્રયત્ન કે કાબુ કરવાનો પ્રયત્ન ઉલટાના વધારે વમળો પેદા કરશે. શાંતિ મેળવવાના પ્રયત્નો વધારે અશાંત બનાવી શકે. બુદ્ધ આવી બધી વાતો પ્રેક્ટીકલ ઉદાહરણ આપીને સમજાવતા. બુદ્ધનો એક ઉપદેશ મેં અગાઉ લેખમાં લખેલો કે જેને સંભાળવાની કળા આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે, એની પ્રજ્ઞા નહિ. સાંભળે તો બધાં છે, કળા કોને આવડે છે? એમના ૨૫૦૦ વર્ષ પછી ફ્રેંચ માનો વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વિનયે ૧૯૧૨મા જાહેર કરેલું કે માનવીની શારીરિક અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે. બાળક શીખે છે બધું સંભાળીને. શીખે છે બધું જોઇને.
*હિંદુ પરમ્પરા અલગ હતી. એમાં પહેલા આવે બ્રહ્મચર્યાશ્રમ, પછી આવે
ગૃહસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે આવે સંન્યસ્તાશ્રમ. આ એક કુદરત સાથે તાલમેલ
ધરાવતી પરમ્પરા હતી. વિદ્યા મેળવો, લગ્ન કરો, અથવા જોડી બનાવો, તમારા જિન્સ બીજી
પેઢીમાં ટ્રાન્સ્ફર કરો, જે કુદરતનો ક્રમ છે. પછી બીજી પેઢીને મુક્ત કરો, એમને એમની
લડાઈ લડવા દો. જરૂર પડે માર્ગદર્શન અને સાથ આપો. આ બે આશ્રમ સુધી આરામથી પત્ની સાથે કે સહચારિણી સાથે તંદુરસ્ત કામાનંદ મેળવો. પછી કોઈ રસકસ રહે નહિ, સંન્યસ્ત
સ્વીકારો, ચિન્તન મનન કરો. એક સુંદર વ્યવસ્થા હતી. એમાં કુદરતનું, ઇકોલોજી અને
ઈવોલ્યુશન નું બહુમાન હતું, એની સાથે તાલમેલ હતો.
*શ્રમણ પરમ્પરા અને ભિખ્ખુ પરમ્પરાએ બધું બદલી નાખ્યું
બુદ્ધે ઓચિંતાં વૃદ્ધ, બીમાર અને મૃત્યુ પામેલા માનવો જોયા અને દુઃખોમાંથી મુક્તિનો ઉપાય શોધવા ભાગી ગયા. જે કુદરતનો ક્રમ હતો, તેનાથી પિતાશ્રીએ અજાણ રાખેલા. ૬ વર્ષ ગાળી નાખ્યા. જેણે જે કીધું તે કર્યું. કેટલાય લોકોને ગુરુ બનાવ્યા હશે, કે પુચ્છ્યું હશે. કોઈએ ઉપવાસ બતાવ્યા તો શરીર ગાળી નાખીને ઉલટાના વધારે દુઃખી થયા. થાકી ગયા દોડી દોડીને. છેલ્લે એક વૃક્ષ નીચે બેસી ગયા, હવે કશું કરવું નથી. ધીમે ધીમે શાંત થતા ગયા. વમળો બેસી ગયા હશે. અને કહેવાય છે જ્ઞાન ઉપલબ્ધ
થયું. બુદ્ધે મધ્યમ માર્ગ બતાવ્યો. લોકો પાછળ ફરવા લાગ્યા હશે. બહુ શાંત માણસ દેખાય
છે. કોઈ ઉચાટ નહિ. ચહેરો દર્પણ છે. બુદ્ધ અને મહાવીરના ચહેરા પર પરમશાંતિ દેખાય
છે. આપણે તો જોયા નથી, પણ ચિત્રો એવાજ બનાવાય છે, મૂર્તિ એમની એવી બનાવાય છે. હિંદુ
ધર્મમાં ઘણો બધો સડો હશે. એક નવો સ્તંભ રોપી બેસી ગયા. લોકો યુવાનીમાં દુઃખ દૂર
કરવાના ઉપાયો શોધવા ભિખ્ખુ બનવા લાગ્યા. એક માહોલ બની ગયો હશે કે સંસાર દુઃખ છે તો
વેળાસર ઉપાય શોધી લઈએ. યુવાનીમાં, બચપણમાં બ્રહ્મચર્ય પાળવું કે સેક્સ થી દૂર થવું
અકુદરતી છે. અબજો વર્ષથી ઉત્ક્રાંતિ દ્વારા કુદરતે તમારામાં જે મૂકેલું છે તેની
વિરુદ્ધ જવું એતો કુદરતનું અપમાન છે, અવહેલના છે. ભગવાનનું અપમાન છે.
માની લીધેલાં દુઃખ થી દૂર થવા બચપણમાં સંન્યાસ સ્વીકારવો આ તો ઉલટાનું વધારે દુઃખદાયી બનવાનું હતું. ભારત એના દુષ્પરિણામ આજે પણ ભોગવી રહ્યું છે. સ્ટ્રેસ અને ચિંતામુક્ત થવા કશું કર્યા વગર બેસી રહો, ઉપાય કરશો તો વધારે સ્ટ્રેસ થશે. સાચી વાત છે. એનાથી થયું શું કે તમામ સાધુઓ કર્મ થી મુક્ત બની ગયા. કામ કરવું જ નહિ. બેસી રહો આરામ થી, દુઃખ મુક્તિનો ઉપાય લાખો સાધુઓને મળી ગયો. બુદ્ધની સાથે એક સમયે દસ હજાર ભિખ્ખુઓ ફરતા હતા. બુદ્ધ જ્યાં જ્યાં જાય ત્યાં બધા સાથે જતા. બુદ્ધ બહુ મોટો કાફલો લઈને ફરતા હતા. એમ લોકો જોઇને વધારે પ્રભાવિત થતા હતા. કોઈ કશું કામ કરતા નહોતા, અનપ્રોડક્ટીવ હતા. ખાલી ધ્યાન કર્યા કરતા હતા. એ સમયે આખા ભારતની વસ્તી ખાલી એક કરોડ હતી એવું કહેવાય છે. ચાલી જાય આટલાં માણસો કામ ના કરે તે. રાજાઓ સમૃદ્ધ હતા, પ્રજા સમૃદ્ધ હતી, આ લોકોનું પૂરું કરતી હતી.
*પછી આવ્યા શંકરાચાર્ય, પ્રચ્છન્ન બુદ્ધ. એમને લાગ્યું કે આતો હિંદુ વિચારધારાનો ખાતમો થઈ જશે. બુદ્ધને નવમો અવતાર ગણાવી કાઢ્યા. વાદવિવાદમાં પંડિતોને પરાસ્ત કર્યા. લોકો પાગલ હતા, સંન્યસ્ત પાછળ. બધાને દુઃખમાંથી મુક્તિ જોઇતી હતી, આવાગમન, જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ જોઇતી હતી. બચપણ અને યુવાનીમાં સંન્યસ્ત સ્વીકારનારો લોકોના અહોભાવનું કારણ બની જતો. વિરુદ્ધ ગુણ હમેશા આકર્ષે, તે ન્યાયે કામાનંદ મેળવનાર ને બ્રહ્મચારી મહાન લાગવાનો. ભોગીઓને ત્યાગી મહાન લાગે. માટે તો લોભિયા લોહચુંબકની જેમ ધુતારાંથી ખેંચાઈ જાય છે. ખેર આતો મજાક થઈ. લોકો પાગલ હતા કસમયે સંન્યસ્ત સ્વીકારવા. શંકરાચાર્યે ખુદ ફક્ત આઠ વર્ષની ઉંમરે સંન્યસ્ત સ્વીકારેલો. ૩૨ વર્ષે તો દેવલોક પામ્યા. હજારો ગૃહસ્થો સુંદર ગૃહસ્થ જીવન છોડીને હાલી નીકળ્યા હતા. આ કુદરત વિરુદ્ધની બચપણમાં, યુવાનીમાં સન્યાસી બનવાની પરમ્પરા શંકરાચાર્યે હિંદુ ધર્મમાં પણ જોરદાર રીતે સ્થાપિત કરી દીધી. લાખો લોકો હવે ભીખ્ખુને બદલે હિંદુ સાધુઓ બની સંસાર છોડી, જવાબદારીઓ છોડી અકર્મણ્યતાને માર્ગે ચાલી નીકળ્યા. આજે ભારતમાં ૫૦ લાખ સાધુઓ બેઠાં બેઠાં રોટલા તોડે છે, બીડી ગાંજો પીવે છે, ફલાહાર અને દુગ્ધાહાર કરે છે, ભક્તોની સ્ત્રીઓને એમની ના દબાવી શકાતી કામ ઊર્જાનો ભોગ બનાવે છે, એમના મોક્ષ અને મુક્તિ, નિર્વાણ અને કૈવલ્યના બીલ આપણે પ્રજાએ ભરવા પડે છે.
બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. એક શ્રમણ હતા, બીજા ભિખ્ખુ હતા. બંને એ ઘણી
બધી સારી ફિલોસોફી, સિદ્ધાંતો, નીતિનિયમો આપેલા છે. બુદ્ધે અને મહાવીરે શું કહ્યું હશે
અને લોકો શું સમજયા હશે? લોકો પોતાના સંસ્કાર મુજબ સાંભળી લેતા હોય છે અને અર્થ કરી
લેતા હોય છે. બુદ્ધે એક વાર સભાના અંતે કહ્યું કે હવે લોકો જાઓ રાત્રિનું અંતિમ કામ
પતાવો. એમનો ઇરાદો બધા ધ્યાન કરે તેવો હશે. પણ સભામાં બેઠેલો ચોર ચોરી કરવા ચાલ્યો
અને વૈશ્યા ગ્રાહક શોધવા ચાલી, બુદ્ધે કહ્યું છે.
