એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

વહાલા મિત્રો,

*આજે એક વર્ષ પૂરું થયું. ૨૦૦૯ની પાંચમી ડિસેમ્બરે આ બ્લોગ શરૂ કરી ને પોસ્ટ
મુકવાનું શરૂ કરેલું. આ પહેલા બ્લોગ સ્પોટમાં એક બ્લોગ બનાવેલો. પણ અંદર શું લખવું
સમજ પડતી નહોતી. વળી ગુજરાતીમાં જ લખવું હતું તે હજુ શીખવાનું બાકી હતું. ઘણા સમય તે બ્લોગ એમ જ પડી રહ્યો. એમાં અજ્ઞાનતાવશ મંતરવામાં  બીજો બ્લોગ બની ગયો. એને ડીલીટ કર્યો. થોડા આર્ટીકલ એમાં મુક્યા. પણ કશું જામતું નહોતું. જો કે લખવામાં પણ હજુ ઘડાયો નહોતો.એવામાં વર્ડપ્રેસના બ્લોગ જોયા. એક બ્લોગ છે પછી બીજો બનાવીને શું કામ?પણ પાછું થયું ચાલો અહી અજમાવીએ.અને એક વર્ષ પહેલા અહી પગ મુક્યો. પાંચ  દિવસ તો એમજ નીકળી ગયા. પહેલો ટકોરો કોમેન્ટનો પંચમભાઈએ ૧૦મી ડિસેમ્બરે માર્યો. ચાલો કોઈને ગમ્યું ખરું. ચાર દિવસ પછી ૧૪મી ડિસેમ્બરે આવ્યા મીતાબેન. પછી આવ્યા ૧૯મીએ યશવંતભાઈ. ઉત્સાહપ્રેરક પ્રતિભાવોનો મારો ચલાવ્યો. બસ પછી એક પછી એક સુજ્ઞ વાચકો
મળતા રહ્યા અને અભિપ્રાયો પણ મળતા રહ્યા. ભજમનભાઈની કાનની બુટ ગરમ થઇ ગઈ. ઉત્સાહ વધતો ગયો અને હું ઘડાતો પણ ગયો.
*આ જગત અજ્ઞાત છે. જ્ઞાનનો  સમુદ્ર અફાટ અને અથાહ છે. નાનકડી “કુરુક્ષેત્ર” નામની નાવડી લઈને નીકળી પડ્યો છું. પહેલો ધક્કો માર્યો છે પંચમભાઈએ એમનો ખુબ આભાર. યશવંતભાઈએ તો હડી કાઢીને નાવડીને જોરદાર ધક્કો આપી દીધો. મીતાબેન તો હજુય સતત સાથ આપી રહ્યા છે. એમના સતત ઉત્સાહ આપતા વચનો, ઘણી બધી વ્યસ્તતા વચ્ચે મારા લેખોનું સંપાદન કરી મારું પુસ્તક માર્કેટમાં મૂકી દીધું.એમના વ્યસ્ત વૈજ્ઞાનિક પતિદેવ શ્રી
ભુપેન્દ્રભાઈ ભોજકનો પણ એમાં મહત્વનો ફાળો મળ્યો છે. પછી તો ઘણા બધા મિત્રોનો સાથ
અને સહકાર પ્રાપ્ત થયો છે. રશ્મીભાઈ તો વળી નરકમાં પણ સાથે આવ્યા અને લોકપડકાર
સાપ્તાહિકમાં પણ પાડોશી બન્યા.લાંબા લાંબા માહિતીપ્રદ પ્રતિભાવો આપી મારા લેખોની
કમી પૂરી કરનાર શ્રી અશોકભાઈ જેવા મિત્ર મળ્યા છે.એમના માતુશ્રીના અવસાન
નિમિત્તે એમના શોકમાં સહભાગી થઈએ.નામી અનામી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
વાચક મિત્રો, બ્લોગર મિત્રો સાથે અજ્ઞાત સમુદ્રમાં ફરીએ છીએ. આ તો
પરિવર્તનનાં નિયમ સાથે અને વિચારોના ઇંધણ વડે ચાલતી નાવ છે ભાઈ. અહી પરંપરાના
બંધિયાર ગંધાતા  કુવામાં ડૂબકાં ખાતા ફેનાટીક,લુનાટીક  લોકોનું કામ નથી.એવા મિત્રો
પીઠમાં છરી ભોકીને પાછા ભાગી પણ ગયા છે,અને દુરથી ઈર્ષ્યાના માર્યા સળગતા ઉમ્બાડીયા
ફેંકી રહ્યા છે. આતો અફાટ અનંત સમુદ્રમાં તરવાનું છે ભાઈ. અહીં તો હિંમતવાળાનું
કામ છે. પૂર્વગ્રહોનાં વાડે પુરાયેલા ઘેટાઓનું કામ નથી.
*મિત્રો ક્યારેય અસહમતી દર્શાવતી કોમેન્ટ્સ પાસ ના કરી હોય તેવું કર્યું
નથી.હા ઢંગધડા વગરની અસંગત અને ફક્ત વિવાદ કરવા પુરતી જ કરવામાં આવતી હોય
તેવી કોમેન્ટ્સ પાસ નહિ હોય.ભાઈ એટલો તો હક હોય કે નહિ દરેક પ્રતિભાવ નીચે આભાર થેંક્યું કે ઉત્તર આપવો જરૂરી તો હોતો નથી.છતાં ઉત્તર
શક્ય આપ્યા છે.ગ્રામર મારું સારું નથી.જોડણી પણ સારી નથી.હમણા
વળી સ્પેલ ચેકર મળ્યું છે તો એમાં વળી શક્ય સુધારીને મુકીએ છીએ.છતાં એમાં પણ
ભૂલો રહી જાય છે.એટલે વાંધા કાઢવા હોય તો હજાર કાઢી શકાય.શ્રી અશોકભાઈ કોઈ ભૂલ હોય
તો જણાવે છે તો એમનો આભાર માની સુધારી પણ લઉં છું.છતાં કોઈને ભૂલો દેખાય તો
માફ કરશો.

*આજ સુધી આ લખું છું ત્યાં સુધીમાં ૩૯૭૧૫  વ્યૂઅર્સ, એમાં સાચા
કેટલા? ૧૫૫ પોસ્ટ મૂકી છે બધી મારી જ લખેલી કોઈ કોપી પેસ્ટ નહિં. ૨૩૩૫  કોમેન્ટ્સ,
એમાં મારા જવાબો પણ આવી જાય. બસ હવે પાકું સરવૈયું પ્યારા મિત્રો કહેશે, કેવું
લાગ્યું ને કેવું જામ્યું?