બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,

 બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,
મિત્રો બહાદુરી અને કાયરતા એ સ્વભાવ છે.શારીરક રીતે કમજોર માણસ પણ બહાદુર હોઈ શકે છે.તેમ શારીરક  રીતે મજબૂત અને પહેલવાન જેવો દેખાતો માણસ પણ કાયર હોઈ શકે છે.હું લખું કે બહાદુર બનવું જોઇશે નિર્માલ્યતા ત્યજવી જોઈએ એનો મતલબ  એ નથી કે આજથી બધા તલવાર લઈ ને લડવા નીકળી પડો.હું લખું કે સદાચાર બધું નથી, સફળતા પણ જરૂરી છે ત્યારે એનો મતલબ એ નથી કે બધા દુરાચારી બની જાઓ. સદાચારી પણ મજબૂત બની બહાદુર બની વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે છે.
                બહાદુરી સ્વભાવમાં હોવી જોઈએ. બહાદુર છીએ તે સાબિત કરવા માટે રોજ લડવા જવાની કે કાપાકાપી કરવાની જરૂરત ના હોય. અન્યાયનો વિરોધ કરવાની તાકાત હોવી જોઈએ. એનો મતલબ એ પણ નથી કે કાયદો હાથમાં લઈ લેવો જોઈએ. મને પણ ખબર છે કે આ જંગલરાજ નથી. આ સમાજ છે. બધા બૌદ્ધિકો તલવાર લઈને લડવા જઈ ના શકે. કલમની તલવાર બનાવી શકાય. મારા વાક્યોનો અનર્થ કરવામાં આવે છે. જાણે હું જંગલરાજનો  પ્રણેતા હોઉં તેવું ચીતરવામાં આવે છે સમાજમાં સદાચાર અને સદભાવના હોવી જોઈએ. પણ જ્યારે કોઈ ત્રાસવાદી આવે ત્યારે પણ સદાચાર રાખીશું તો એતો તમને મારી નાખશે. આપણે અંદર અંદર સદાચાર સદભાવના રાખી શકતા નથી, કોઈ ત્રાસવાદીને ફાંસી પણ ચડાવી શકતા નથી. સુકલકડી મુઠ્ઠી હાડકાના ગાંધીજીની બહાદુરીયે અંગ્રજોને ભગાડ્યા હતા. નોઆખલીમાં આ એકલો માણસ ફરતો હતો કોમી હુતાશન ઠારવા માટે. કોઈ પણ માણસ એક જ મુક્કે મારી શકે તેવો આ ગાંધી મોતના  ડર વગર ફરતો હતો. અંગ્રેજો પોતે એમને વન મેન આર્મી કહેતા હતા.  જ્યાં અન્યાય થતો હોય ત્યાં અહિંસક બખેડો કરી શકાય છે.
           આપણી ભૂલોને જોવી, એને ઉજાગર કરવી તે પણ એક હકારાત્મક પાસું છે. નકારાત્મક માણસ પોતાની ભૂલો જોઈ શકતો નથી. આપણે એ ભૂલો જોઈશુ જ નહિં તો એમાંથી શું શીખવાના? ભૂલોને ભૂલો માનીશું જ નહિં તો ક્યારેય સુધારવાનો ચાન્સ નથી. આપણે હજાર વર્ષ  ગુલામ રહ્યા તે કેમ દેખાતું નથી?? અને શા માટે કઈ માનસિકતાએ ગુલામ રહ્યા તેનો અભ્યાસ કરીશું નહિં તો એમાંથી બહાર કઈ રીતે નીકળીશું?? હજુ ગુલામીમાંથી બહાર નીકળ્યા છીએ ખરા?? આપણે ડરપોક કાયર કેમ બન્યા છીએ તે જાણીશું નહિં તો?? એના ઉપાય ક્યારે શોધીશું? આજે આપણી હદમાં વાડ ફેન્સિંગ કરવા ગયા અને ચીન નારાજ થઈ ગયું અને આપણે કામ પડતું મૂક્યું. કેમ? આપણાં ઘરમાં વાડ કરતા હતાને એની સીમમાં વાડ કરવાની હિંમત આપણામાં  છે ખરી?? એતો શક્યજ નથી. છતાં કેમ ડરી ગયા?? કારણ આપણી કમજોર કાયર માનસિકતા. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે આપણે વિફળ જઈએ છીએ કેમ?? કાયર બીકણ માનસિકતા.
           આટલો મોટો દેશ!! આટલી બધીવસ્તી? ભારત આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે બિચારું બાપડું છે. બધાને કરગરતું, રશિયાને કરગરતું, અમેરિકાને કરગરતું કે અમને ટેકો આપો. ત્રાસવાદ સામે ટેકો આપો. ટેકાની શી જરૂર છે? એક નાનું ઇઝરાયલ, સાવ નાનું, કચ્છ જેટલો વિસ્તાર અને એટલોજ એની અંદર રણ પ્રદેશ. ચારે બાજુ હાયના(ઝરખ) થી ઘેરાયેલો. પણ કોઈને  ગાંઠે છે? અહીં સામાન્ય બંગલાદેશ, આપણે જ એને સ્વતંત્રતા અપાવી. એ પણ ગોદો મારી જાય છે. આપણાં સૈનિકોને કૂતરાની  જેમ મારી નાખ્યા, પણ કોઈ ઊહાપોહ નહિં. ઉલટાના દંભી સેક્યુલારીસ્ટ અંગ્રેજી મીડિયાવાલા ભારતીય સૈનિકોને વાંક કાઢતા હતા. કાયર માનસિકતા. ખુશ રાખો બધાને. નહીં તો લોકો મારશે. મારનો ડર લાગે છે.
           હજારો વર્ષોથી થતી ભૂલોને આપણે ભૂલો માની શકતા નથી. આપણે દંભી છીએ. રીસ્પેક્ટ જુદી વસ્તુ છે અને ભૂલ જોવી જુદી વસ્તુ છે. મને ગાંધીજી પ્રત્યે ખૂબ માન  છે, પણ એમના બ્રહ્મચર્ય વિશેના ખ્યાલો મને અવૈજ્ઞાનિક લાગે છે. પણ એનાથી ગાંધીજી પ્રત્યેના માનમાં જરા પણ ઘટાડો ના થાય. પણ આપણે  પૂર્વ ધારણાઓ  બાંધીને જીવવાવાળાં  મહાદંભી  જીવડા છીએ. તમે ધર્મમાં માનતા હોય, પુનર્જન્મમાં માનતા હોય તો ગો અહેડ!! તમારી માન્યતાઓ છે. તમે શાકાહારી છો ગો અહેડ!! સારો છે શાકાહાર ઘણા બધા રોગોથી બચી જવાય છે. તમે માંસાહારી છો, ગો અહેડ!! આપણે તો સત્ય પણ જોઈ શકતા નથી એટલી બધી પૂર્વધારણાઓ વડે બાંધેલા છીએ.
            વાલ્મીકિ કહે રામ માંસ ખાતા હતા. તો પણ માની શકતા નથી. રામ પ્રત્યે પૂજ્યભાવ અને  રામાયણ પ્રત્યે આદર હોવો જુદી બાબત છે, રામ શું ખાતા હતા તે એમની ચોઈસ છે. રામ શાકભાજી ખાય તો જ એમના પ્રત્યે આદર કરાય?? તો જ રામાયણ પ્રત્યે આદર થાય?? રામ માંસ ખાય તેમાં આદર ઓછો કેમનો થઈ જાય?? એ જમાનો જ માંસાહારનો હતો. બધા કુદરતને માનતા હતા. રામે કોઈ ભૂલ કરી હોય તો એમાંથી બોધપાઠ લઈને એ ભૂલો ફરી ના થાય તેવું જોઈએ તેમાં કઈ નકારાત્મકતા આવી?? આ તો ઉલટાની હકારાત્મકતા કહેવાય. રામે એ જમાનામાં સેતુ એમ જ થોડો  બાંધી દીધો હશે?? એમની પાસે એન્જીનીયરીંગ જ્ઞાન હશે, ગણિત હશે. રાવણ જેવા બળવાન સામે ભિડાઈ જવાની હામ ઓછી ના કહેવાય. તે પણ વાંદરાઓ જેવા શિસ્ત વગરના  લોકો સાથે લઈને એની સામે લડવા નીકળી પડવું અને જીતીને પાછું આવવું, તેમાંથી શું શીખ્યા? શીખવા જેવું શીખતા નથી અને ના શીખવા જેવું શીખીએ  તે મોટી નકારાત્મકતા છે.
          અમારા એક વડીલ સાથે ચર્ચા થઈ. તે કહે વડીલોની ભૂલો જોવી નહિં, પછી આદર રહે નહિ. મેં કહ્યું, કેમ જોવી નહિ?? વડીલો પણ માનવ છે ભૂલો તો એમની પણ થાય. એમની ભૂલો  જોઈએ, ધ્યાન દોરીએ અને છતાં આદર પણ રાખીએ એમાં શું વાંધો?? તો કહે તમારી ફિલોસોફી બહુ હાઈ છે. બોલો આમાં શું હાઈ લાગ્યું? પણ આપણે ભૂલો અને આદરને સાથે જોડી દઈએ છીએ.
            સર્વાઈવલ માટે મજબૂત થવું જરૂરી નથી એડજસ્ટ થવું જરૂરી છે. ઘણી બળવાન સ્પાર્ટન જેવી પ્રજા નાશ પામી ગઈ. પણ મજબુતને એડજસ્ટ થતા વાર લાગે નહિં. જો કે વસ્તી પુષ્કળ વધારીને આપણે એડજસ્ટ થઈ જ ગયા છીએ.ઉંદરની જેમ વસ્તી વધાર્યે જઈએ છીએ.એ તો મેં અગાઉ પણ લખ્યું છે કે સર્વાઈવલનાં યુદ્ધમાં કમજોર વસ્તી વધારે જેથી ગમે તેટલા મરીએ સર્વાઈવ તો થઈ જ જવાય.અનુકુલન સધાય ત્યાં વસ્તી વધી જાય તેવું હોઈ શકે.આપણે પણ માર ખાવાનું અનુકુલન સાધી લીધું છે.આપણે ધર્મ પરિવર્તન કરીને સર્વાઈવ થઇ ચુક્યા છીએ.આ હકીકત છે.ભારતનાં મુસ્લીમ્સ અહીના મૂળ ભારતીયો જ છે.પહેલા એમના પૂર્વજો હિંદુ જ હતા.જીવવા માટે ધર્મ પરિવર્તન કરવું પડ્યું હતું,મજબૂરી હતી.ના પાડનાર કે વિરોધ કરનારાના મસ્તક બળવાન આક્રમણકારીઓ એમના ભાલા પર સીધા રોપી દેતા હતા.પ્રાણીઓ પણ પૂછડી પગ વચ્ચે દબાવી બળવાન સામે આળોટી અનુકુલન સાધી,શરણે થઇ ને બચી જતા હોય છે.આપણે આજ સુધી આ કર્યું જ છે. નબળા પ્રાણીઓ પોતાની વસ્તી ખૂબ વધારે છે તે કુદરતમાં જોઈ શકીએ છીએ.સિંહના ટોળાં થોડા હોય???