માન્યતાઓએ આપી ધોબી પછાડ!!પરલોક અને પુનર્જન્મ!!!
આત્મા, પરમાત્મા, પરલોક અને પુનર્જન્મ આ બધી માન્યતાઓ ખૂબ ચર્ચાસ્પદ છે. આજે વિજ્ઞાન આ બધી બાબતો માનતું નથી. કોઈને ખબર નથી કે આ બધી માન્યતાઓ સાચી છે કે ખોટી. વિજ્ઞાનને પણ ખાસ ખબર નથી. પુનર્જન્મની માન્યતા ખાલી એક હિંદુ ધર્મમાં જ છે. તે બાબતે આપણે બીજા ધર્મો થી જુદા પડીએ છીએ. જૈન અને બૌદ્ધ ધર્મ પણ હિંદુ ધર્મની માન્યતાઓ સાથે જીવતા હોય છે. એટલે મૂળ ભારતીય ઉપ મહાખંડના ધર્મ પુનર્જન્મમાં માનતા હોય છે. સેંકડો વર્ષ પૂર્વે ઋષિ ચાર્વાકે આ બધી માન્યતાઓ ખોટી છે તેવું કહેલું. એમની સ્કૂલ પણ હતી, આઈ મીન એમનો પંથ પણ હતો. આપણે એક મહાન ઋષિ વૈજ્ઞાનિકને અવગણ્યો. ભારતની ધાર્મિક પરમ્પરાએ એને ભુલાવી દીધો.આજે વિજ્ઞાન કહે છે આત્મા જેવું કશું હોતું નથી,બ્રેઈન જ આત્મા છે. ખેર એ બધી વાતો પછી કરીશું.મૂળ વાત એ કરવાની છે કે આપણી આ માન્યતાઓએ આપણને કેવી પછાડ આપી, સાચી હોય તો પણ અને ખોટી હોય તો પણ.
નવો જન્મ સારો મળે માટે ધર્મ આચરો, સદાચારી બનો. પણ આ પરલોક અને પુનર્જન્મની વાતો એ આપણને સદાય આધ્યાત્મિકતામાં રમમાણ કરી દીધા. આખો દિવસ કથા વાર્તા, સેવા, પૂજા, મંદિર અને પ્રાર્થનામય બનાવી દીધા. કે ભાઈ ભવિષ્યમાં સારો જન્મ મળશે અને પરલોકમાં સારી જગ્યા મળશે. કોઈને ગોલોકમાં જવું છે, કોઈને વૈકુંઠમાં, કોઈને અક્ષરધામમાં જવું છે. સતત આધ્યાત્મિકતાના ઓબ્સેસનથી આપણે તત્વજ્ઞાની બની ગયા. તત્વજ્ઞાનમાં માહેર થઈ ગયા. પણ ભૌતિક અને સૈનિક શક્તિમાં નપુંસક બની ગયા. આપણે મંદિરો અને પથ્થરોમાં આજ સુધી આપણા વિપુલ ભંડાર વાપર્યા. આજે પણ સ્કૂલ, હોસ્પિટલ, રોડ રસ્તા બિચારાં ભૂખ્યાં છે અને મંદિરો?? મંદિરોની સમૃદ્ધિ વિષે મારા કરતા શ્રી અરવિંદભાઈ અડાલજા વધારે જાણે છે. કોઈ આફ્રિકાનો નાનો દેશ પોષી શકાય તેટલો પૈસો મંદિરો પાસે છે. આ સમૃદ્ધિ બચાવવા ખૂની ખેલ ખેલતા આપણે જોયા છે. પંકજ ત્રિવેદી આવા એક શિકાર બનેલા. પહેલા પણ આપણાં મંદિરો ખૂબ સમૃદ્ધ હતા. એનાથી આકર્ષાઈને ગઝની આવેલો. સૈનિક શક્તિએ નપુંસક લોકો હારી ગયા. એમના ભગવાને ના બચાવ્યા. કારણ ભગવાન બળવાનનો છે, નબળાનો નહિં તેવો ઈવોલ્યુશનનો સાદો નિયમ આપણી સમજ બહાર હતો. કુદરત આગળ બધા સરખા જ હોય. કોઈ ભેદભાવ ના હોય.
બસ આ પરલોકની અને પુનર્જન્મની માન્યતાઓએ ભારતને જાણે કે આધ્યાત્મિકતાનો આફરો ચડાવી દીધો. આફરો ચડે ત્યારે ગાય મરી જતી હોય છે. જો સમયસર ડૉક્ટર આવીને એના પેટમાં કાણું પાડીને આફરો એટલે ગેસ કાઢી નાખે તો બચી જાય. જ્યારે અમેરિકા સ્પેસ વિષે પુષ્કળ પૈસા વાપરે છે તો ચંદ્ર પર પહોચી જાય છે. સોની કંપની રિસર્ચમાં ખૂબ પૈસા વાપરે તો આપણ ને સારા કૅમેરા, મ્યુઝિક સીસ્ટમ, કોમ્પ્યુટર અને બીજી ઘણી બધી સારી વસ્તુઓ મળે છે. પણ જે પરલોક કદી કોઈએ જોયો નથી. એનો દાવો કરવાવાળા પોતે જ અજ્ઞાની અને મૂરખ છે. અને આપણે એમાં જ પૈસા નાખીએ છીએ, તો કશું ઉપલબ્ધ થતું નથી, ઉલટાના ભિખારી થઈએ છીએ. હાલની દુનિયામાં ઍડવાન્સ થવું હોય તો હાલની દુનિયા પર ફોકસ કરો ભાઈ. મરણ પછીની દુનિયા કોઈએ જોઈ નથી. આ ધર્મ અને રહસ્યવાદના રવાડે આપણે જીનીયસ વ્યક્તિઓના શંકારહિત જ્ઞાન અને પ્રતિભાનો લાભ ખોયો છે. અરવિંદ અને વિવેકાનંદ એનું ઉદાહરણ છે. વિવેકાનંદનો મૅમરી પાવર અસીમ હતો. તમારી સાથે વાતો કરતા કરતા કોઈ પણ પુસ્તકના પાના પર નજર ફેરવીને મૂકી દીધું હોય તેમ લાગે. પણ આખું પુસ્તક એમના મોઢે હોય. કયા પાના પર કયો શબ્દ છે તે પણ કહી દેતા. મને નામ યાદ નથી રહ્યું પણ જર્મન કવિ ગેટે જ હશે એને વિવેકાનંદનો આવો અનુભવ થયેલો. એમની મુલાકાત દરમ્યાન આવું બનેલું. પેલાં કવિને એમ કે આતો પાના ફેરવીને મૂકી દીધા. પણ વાતચીતમાં એમના પુસ્તકના સંદર્ભ આવવા લાગ્યા. એમને શંકા પડી અને ચકાસણી કરી જોઈ. એનું કહેવું હતું કે મેં ખ્યાતનામ યુનીવર્સીટીના મેથ્સના ખૂબ મૅમરી પાવરવાળા વિદ્યાર્થીઓ જોયા છે, પણ વિવેકાનંદની તુલનામાં કોઈ ના આવે. આપણે આધ્યાત્મિકતાના રવાડે એક આઈનસ્ટાઇન જેવો વૈજ્ઞાનિક ખોયો. વિવેકાનંદ ભારત નહિં ને યુરોપ કે અમેરિકામાં જન્મ્યા હોત તો અવશ્ય મહાન વૈજ્ઞાનિક બન્યા હોત. ખબર નહિ સુભાષ બોઝ કઈ રીતે બચી ગયા? આપણને વર્લ્ડ વોર વખતે એક સારો નેતા મળ્યો હતો, પણ એની કદર થાય?? ના થાય!!! અરવિંદ પણ વડોદરામાં ફ્રેંચ ભાષાના પ્રોફેસર હતા, સ્વતંત્રતાના લડવૈયા હતા. એમની સાવિત્રી કવિતા નોબલ જીતી લાવે તેવી હતી. આશ્રમમાં બેસી ગયા.
આપણાં વિપુલ ભંડારો કોઈ છીનવી લે તે માટે આપણે બીજા કોઈની રાહ જોવાની જરૂર નથી, ગુરુઓ તે કામ કરી જ રહ્યા છે. આપણું બુદ્ધિધન કેમ બિનઉત્પાદક છે? એક તો ગરીબી અને આધ્યાત્મિકતા અકારણ માનસિક વૃદ્ધ બનાવી દે છે. આજે જ વાંચતો હતો કે ગરીબ બાળકોમાં શૉર્ટ ટર્મ મૅમરી ખૂબ ઓછી હોય છે. જે રોજબરોજના અભ્યાસમાં જરૂરી છે. આપણાં વડીલો જાત્રા, કથાઓ,આધ્યાત્મિક ભાષણોમાંથી ઊંચા જ આવતા નથી. બધા નવા જન્મની તૈયારીઓમાં લાગી ગયા છે, અને આ જન્મ ગુમાવી રહ્યા છે. મોજશોખ આનંદ!! ના કરાય. ભૌતિકવાદી કહેવાય. સાવ નવરા ધૂપ, ઓટલા તોડવાના. કોઈ પણ ઉંમર હોય એમની પાસે સમાજ માટે કોઈ મોટીવેશન કે બુદ્ધિશાળી યોગદાન માટે સમય ખાસ હોતો જ નથી. પ્રવૃત્તિની સાથે આનંદમય રહેવું પણ જરૂરી છે. પણ નિવૃત્તિની કોઈ પ્રવૃત્તિ હોય??
સ્વર્ગ કાલ્પનિક છે, વૈકુંઠ, ગોલોક,બધું કાલ્પનિક છે. સત્ય તો આ પૃથ્વી છે જ્યાં તમે હાલ છો. આત્મસંમોહન છે આ બધું. જેના માટે આપણે હાલની જિંદગીનું બલિદાન આપી દઈએ છીએ.ભવિષ્યમાં સુખ મળશે એના માટે હાલ જીવનમાં દુઃખ વેઠી રહ્યા છીએ. મૃત્યુ પછીના જીવનની શોધ કદી પૂરી થતી નથી, અને હાલના જીવનના પ્રશ્નોના ઉપાયની શોધ કદી શરૂ થતી નથી.
ભણેલા સ્કોલર સંતો સતત અવિરત ઉપદેશો આપ્યા જ કરે છે. મંદિરો, ટાઉન હોલ, ઓપન ગ્રાઉન્ડ કોઈ જગ્યા બાકી નથી. હવામાં એરોપ્લેનમાં આયોજન થાય છે, પાણીમાં લકઝરીયસ ક્રુઝમાં આયોજન થાય છે. માનસરોવર, કૈલાસ કશું બાકી નહિં રાખવાનું. આધ્યાત્મિકતા એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી બની ચૂકી છે. બસ એમાં કશું ઉત્પાદન તો કરવાનું નથી. આત્મસંમોહનના પાઠ જ ભણાવવાના છે ને? હવે તો ગણવાનું પણ અઘરું છે કે કેટલા મહાત્મા,મહારાજ, મહંત, બાપુ, દાદા, ભાઈ, દીદી, માઈ, સ્વામી, સ્વામીની ભારતમાં અને અમેરિકામાં પણ એમના ઉપદેશો આપી રહ્યા છે. સંતો અને બાપુઓની એક મોટી સેના દર ઉનાળે અમેરિકા પર ચડાઈ કરે છે. જે વહેલો તે પહેલોના ધોરણે રૂપિયા કમાઈ પાછાં ફરે છે. લોકો પણ થાકી ગયા હોય મોડો પડે તેના ભાગમાં ખાસ કશું ના આવે તેનું દુઃખ પત્ર દ્વારા વ્યક્ત કરાય છે. આ બધા શાંતિ છે તેવા અમેરિકામાં કેમ આવતા હશે? શાંતિના સંદેશની વધારે જરૂર તો કાશ્મીર અને પેલેસ્ટાઇનમાં છે. સૌથી મોટું ગણેશનું મંદિર કેલીફોર્નીયામાં બની રહ્યું છે, ભારતમાં નહિં . હવે ભગવાન પણ ગરીબ ભારત છોડવા માંડ્યા.
આપણો આધ્યાત્મિકતાનો આફરો બધે જ પહોચી ગયો છે. કવિતા, નૃત્ય, નાટક, કળા, સ્થાપત્ય લગભગ બધે જ. અગણિત કથાકારો અને સંતો રોજ પરલોક અને નવા જન્મ વિષે કથાઓ કરે જ રાખે છે. પરલોક જ સર્વસ્વ બની ગયો છે, આ જગતનું કોઈ મહત્વ જ રહ્યું નહિં. માટે આ જગત ગુમાવ્યું. માટે જ કાર્લ માર્ક્સ કહેતો કે ધર્મ એક અફીણ છે. અફીણનાં નશામાં પડી રહો તેમ ધર્મના નશામાં પડી રહો. અફીણીયાને કોઈ કામ સૂઝે નહિં. એટલે અકર્મણ્યતા એક રોગ બની ગઈ. ટોમ ફ્રીડમેન કહેતો કે ધર્મ સાથે બે પ્રોબ્લેમ છે, એક તો હાર્ટ અને માઈન્ડ. આપણે હૃદય આપી દીધું અને વિચારશીલ મન ગુમાવ્યું, વિચારશીલ બુદ્ધિ ગુમાવી. આપણને હૃદયની વાતો હજુ પણ આજે પણ ગમતી હોય છે, મન એટલે બુદ્ધિની વાતો હજુ પણ ગમતી નથી. કોઈ બુદ્ધિની વાત કરશે તો આપણે એને વખોડી નાખીશું કે આ તો તર્ક કરે છે, નાસ્તિક છે, પ્રેમભાવ નથી, હૃદય જ નથી. પરલોક પર એક્સક્લુસિવ ફોકસ થવાથી આ લોકનું કોઈ મહત્વ રહ્યું નહિ. આ લોકને ધિક્કારવા લાગ્યા કે આ જગત નાશવંત છે. આત્મા અમર છે, શરીર નાશવંત છે. આત્મા સર્વોપરી બન્યો તો દેહની મહત્તા ભૂલ્યા. દેહની મહત્તા ના રહી તો શરીરની સ્વચ્છતાનું ભાન ખાસ ના રહ્યું. હાઈજીન, સૅનિટેશન એ શું બલા છે વળી?? બિનજરૂરી ઉપવાસ વધ્યા, અવપોષણથી નિસ્તેજ બનેલા કમજોર બન્યા. કમજોરમાં કોઈ હિંમત હોય ખરી?? મધર ટેરેશા અને બાબા આમ્ટે રક્તપીતિયા લોકોના ગતભવનાં પાપ ધોવા લાગી ગયા. અલ્યા ભાઈ આ પાપ ધોવા એના કરતા સાબુ વડે બે હાથ બરોબર ધોવાનું શીખવો.
આધ્યાત્મિકતા સંતો અને કથાકારો દ્વારા ફેલાતો એક ચેપી રોગ બની ગયો. ઇચ્છાઓ ખરાબ છે. ઇચ્છાઓ કદી તૃપ્ત થતી નથી. કોઈ ઇચ્છા જ ના રહી. વિલ Will પાવર જ રહ્યો નહિ. વિલ પાવર વગરની પ્રજા શું કરવાની?? આધ્યાત્મિકતા મોક્ષની, બીજા જન્મમાંથી મુક્તિની દવા બની ગઈ. આત્માના પ્રકાશમાં દ્રશ્યમાન જગતમાં રહેલા વાસ્તવિકતાના અટલ અસીમ અંધકાર ને પારખવામાં નિષ્ફળ બન્યા. આત્માની અમરતાની વાતોમાં ભૂખ્યા બાળકોના મોત દેખાતા નથી. આત્મકલ્યાણ, આત્મસાક્ષાત્કાર, મુક્તિ, મોક્ષ અને નિર્વાણની વાતોએ સ્વકેન્દ્રી બન્યા. એક આધ્યાત્મિક સ્વાર્થ પરાયણ સમાજની રચના થઈ ગઈ. એ આપણે રાજકારણ, સત્તા, સમાજમાં હાલ જોઈ શકીએ છીએ. દેશની કોઈને પડી છે? પ્રજાની કોઈને પડી છે? પોતાનું કલ્યાણ બીજાની કોઈ ફિકર નહિં. દરેક નેતા, વડાપ્રધાન કે ધર્મગુરુ આ જ કરી રહ્યો છે. ધર્મ એક ધંધો બની ગયો.
હવે જો તમે વિચારો તો આ ધંધો ચાલે નહિં .માટે સતત શંકા કરવી નહિં તેવા ઉપદેશો આપી શંકા કરવા પર પ્રતિબંધ મુકાઈ ગયો. જમાનો બદલાયો તો ધંધાનું આધુનીકરણ કરવામાં આવ્યું. હવે વિડીયો, સીડી કેસેટસ એજ જુના વિચારો નવા પરિવેશમાં. વૃદ્ધાવસ્થામાં કઈ કથા જીવવા માટે પૂરતા રૂપિયા આપશે?? મરતાં બાળકોને કયા મંદિરનો ઘંટ જગાડશે??
આપણે ૧૯૭૧નું યુદ્ધ જીત્યા, ૯૩૦૦૦ પાકિસ્તાની સૈનિકો પાછાં સોંપી દીધા, પણ આપણાં ૫૫ આર્મી અફસરોને પાછાં લાવી ના શક્યા. એમના કુટુંબોએ ૪૦ વર્ષ લાંબી લડાઈ લડી પણ નિર્માલ્ય ભારત સરકાર કશું કરી ના શકી.અરે નિર્માલ્ય પ્રજાએ પણ કોઈ ટેકો આપ્યો નહિં. ના કોઈ સરઘસ કે ના કોઈ વિરોધ. સ્વ કલ્યાણમાં મસ્ત પ્રજા!! એમના કરમ આપણે શું?? અરે આજ પ્રજા રસ્તા પરથી કોઈ દેરી હટાવી જુઓ, મરવા મારવા પર ઊતરી જશે. સીમલા કરાર, તાશ્કંદ કરાર ટેબલ જીતેલા યુદ્ધો હારવાની નિર્માલ્ય નેતાઓને ટેવ પડી ગઈ છે. એક કસાબ હજારો હિંદુઓને ઊભી પુછ્ડીયે ભગાવે છે.આત્મા તો અમર છે ને ભાઈ???
સામાજિક અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય બાબતોમાં ભયજનક અસફળતા એ આધ્યાત્મિકતાના આફરાનું પરિણામ છે.
