દીપોત્સવી શુભહાસ્ય કામના!!!!

સર્વે મિત્રોને  દીપાવલી પર્વ નિમિત્તે શુભકામના.
વડોદરાથી ભણીને માણસા ગયો ત્યારે મારી બોલચાલની ભાષામાં વડોદરાનો ટચ આવી ગયેલો. ઘણા મિત્રો અને સગાઓ તમે તો શે’ર ના આવું કહીને ટોણાં મારી લેતા. મને પણ સાવ છેવાડાની ગ્રામ્ય  ભાષાના શબ્દો ઘણીવાર સમજાતાં નહિ ત્યારે ઘણી રમૂજ પેદા થતી. મૂળે ગણોતધારામાં મોટાભાગની જમીન જતી રહેલી, થોડી બચાવી લેવા હું ગામમાં રોકાઈ ગયેલો. ખેતરમાં જતા શેઢા પર ચાલતાં ફાવતું નહિ.ઘણીવાર ગબડી ગયો હોઈશ. કોઈ જોતું નથી ને એવું ચેક કરી પાછો ઊભો થઈ જતો. પછી તો ટેવાઈ ગયેલો.

અમારા શેઢા પાડોશીના દીકરાનું નામ કનું હતું. બધા કનિયો કે કનું કહેતા. સ્વભાવનો બહુ સરસ માણસ. મજાકિયો પણ ઘણો. કામ ના હોય તો એના ટ્યૂબવેલ પર પાણી પીવા કે બેસવા જતો. એની સવારનું વર્ણન કરે તો કહે, ‘આજે તો હવારે ઊઠ્યો, બુરાશ કર્યો, ચા પીધો.”  આવી શરૂઆત કરે. ઉત્તર ગુજરાતના  ગામોમાં ચા પુંલ્લિંગ છે. મને સમજ ના પડે કે આ બુરાશ શું હશે. હું મનમાં ગૂંચવાયા કરું, પણ કોઈને પૂછીને મારી અજ્ઞાનતા બતાવું નહિ. એકવાર કંટાળીને મારા ભાગિયા કચરાને પૂછ્યું કે
‘આ કનું કહે છે બુરાશ કર્યો તે શું હશે?’
‘બાપુ, તમે શે’ર ના એટલે હમજ ના પડી, ઇ ના વાદે હું એ બુરાશ લાયોતો, પણ માળું હાળું દોંત મોથી લોઈ આયુ તે અવ નહિ વાપરતો.’
‘પણ, આ બુરાશ ની વાત કરને?’
‘બાપુ, બુરાશ એટ્લ પ્લાસ્ટિકનું દાતણ, ઇ ના ટોપચા પર પ્લાસ્ટિકના વાળ હોય દોંતે ઘહવાનું.’
ધત તેરેકી, આ તો ટુથ બ્રશ ની વાત કરતો હતો. હવે સમજ પડી કે કનું બ્રશ ને બુરાશ કહેતો હતો. બુરાશ પાછો પુંલ્લિંગ હો કે! ! કચરાભાઈ પણ કનુભાઈના વાદે ટુથ બ્રશ લાવેલા. વધારે પૂછતાં ખબર પડી કે બ્રશ પર ટુથ પેસ્ટ નહિ પણ મીઠું લગાવીને બ્રશ કરતા. જોર જોરથી ઘસતા દાંતમાંથી લોહી નીકળવા લાગતું એટલે પછી બંધ કરેલું.

હું પહેલા જ્યાં સ્ટોરમાં જોબ કરતો એ અશોકભાઈ શરૂમાં મને કહે બટાકાની ભાખરી લાવ્યો છું ખાજો. મને સમજ ના પડે કે આ બટાકાની ભાખરી કેમની બનાવતા હશે. બટાકા સુકવીને એનો લોટ બનાવીને ભાખરી બનાવતા હશે કે કેમ?  ચારેક કલાક રજિસ્ટર પર કામ કરતા કરતા  વિચાર્યા પછી અંદર ખાવા ગયો અને જોયું ત્યારે સમજ પડી કે આ તો આલુ પરોઠાં છે. મોટા ભાગે તો એ બહારનું ખાવાનુ જ ખાતા.બધું અમેરિકન ફૂડ જ હોય. એકવાર એમનું ખાવાનું લઈને સ્પેનીશ કર્મચારી આવ્યો, તો મને અશોકભાઈ કહે ભુન્ડીયું ખાવું છે? હું તો ચમકી ગયો. પછી કહે પોર્ક મંગાવ્યું છે. મેં કહ્યું ના ભાઈ મારે નથી ખાવું. જોયું? માણસા થી અમેરિકા પહોચી ગયો. મન એવું ચંચલ છે ગમે ત્યાં ઘડીકમાં પહોચી જાય.
અમારા ગામના ધમુભા બાપુ કાયમ ધર્મેન્દ્રનો વહેમ મારે. આમેય નામ ધર્મેન્દ્રસિંહ તો હતુજ. બધા ધમુભા કે ધમ્મ્ભા પણ કહેતા. બે હાથ ઊંચા કરી ગોટલા ફુલાવી ડાયલૉગ મારે, ‘કુત્તે કમીને મૈ તેરા ખૂન પી જાઉંગા.’ એકવાર હું નટવરભાઈની દુધની દુકાને ઊભેલો. નાનું ગામ હોય એટલે બધી દુકાનોવાળા મિત્ર જેવા હોય. અમે વાતો કરતા હતા, ત્યાં ધમુભા આવ્યા. નટુભાઈ કહે ધમુભા બાપુ આવ્યા ચોક્કસ પેલો ડાયલૉગ મારવાના. ખબર નહિ ધમુભા એકદમ કહે કુત્તે કમીને મૈ તેરા દૂધ પી જાઉંગા. બધા જોરથી હસી પડ્યા. તો કહે આ નટુભાઈ  તો આપણાં મિત્ર છે એમનું ખૂન થોડું પીવાય? એમની દુકાનમાં દૂધના તપેલા ભરેલા પડ્યા છે તે દુધ જ પિવાય ને? નટુભાઈ પણ ખુશ થઈ ગયા કે મિત્રોના ખૂન ના પિવાય. મજાકમાં બહુ મોટી વાત થઈ ગઈ. દૂધ સાથે માવાનો અને પેંડાનો  પણ વેપાર કરતા નટુભાઈ એ દિવસે અમને પેંડા ખવડાવ્યા. મિત્રો હવે દિવાળી આવે છે તો મીઠાઈ જ ખવાય ને?????