બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,
મિત્રો બહાદુરી અને કાયરતા એ સ્વભાવ છે.શારીરક રીતે કમજોર માણસ પણ બહાદુર હોઈ શકે છે.તેમ શારીરક રીતે મજબૂત અને પહેલવાન જેવો દેખાતો માણસ પણ કાયર હોઈ શકે છે.હું લખું કે બહાદુર બનવું જોઇશે નિર્માલ્યતા ત્યજવી જોઈએ એનો મતલબ એ નથી કે આજથી બધા તલવાર લઈ ને લડવા નીકળી પડો.હું લખું કે સદાચાર બધું નથી, સફળતા પણ જરૂરી છે ત્યારે એનો મતલબ એ નથી કે બધા દુરાચારી બની જાઓ. સદાચારી પણ મજબૂત બની બહાદુર બની વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે છે.
બહાદુરી સ્વભાવમાં હોવી જોઈએ. બહાદુર છીએ તે સાબિત કરવા માટે રોજ લડવા જવાની કે કાપાકાપી કરવાની જરૂરત ના હોય. અન્યાયનો વિરોધ કરવાની તાકાત હોવી જોઈએ. એનો મતલબ એ પણ નથી કે કાયદો હાથમાં લઈ લેવો જોઈએ. મને પણ ખબર છે કે આ જંગલરાજ નથી. આ સમાજ છે. બધા બૌદ્ધિકો તલવાર લઈને લડવા જઈ ના શકે. કલમની તલવાર બનાવી શકાય. મારા વાક્યોનો અનર્થ કરવામાં આવે છે. જાણે હું જંગલરાજનો પ્રણેતા હોઉં તેવું ચીતરવામાં આવે છે સમાજમાં સદાચાર અને સદભાવના હોવી જોઈએ. પણ જ્યારે કોઈ ત્રાસવાદી આવે ત્યારે પણ સદાચાર રાખીશું તો એતો તમને મારી નાખશે. આપણે અંદર અંદર સદાચાર સદભાવના રાખી શકતા નથી, કોઈ ત્રાસવાદીને ફાંસી પણ ચડાવી શકતા નથી. સુકલકડી મુઠ્ઠી હાડકાના ગાંધીજીની બહાદુરીયે અંગ્રજોને ભગાડ્યા હતા. નોઆખલીમાં આ એકલો માણસ ફરતો હતો કોમી હુતાશન ઠારવા માટે. કોઈ પણ માણસ એક જ મુક્કે મારી શકે તેવો આ ગાંધી મોતના ડર વગર ફરતો હતો. અંગ્રેજો પોતે એમને વન મેન આર્મી કહેતા હતા. જ્યાં અન્યાય થતો હોય ત્યાં અહિંસક બખેડો કરી શકાય છે.
આપણી ભૂલોને જોવી, એને ઉજાગર કરવી તે પણ એક હકારાત્મક પાસું છે. નકારાત્મક માણસ પોતાની ભૂલો જોઈ શકતો નથી. આપણે એ ભૂલો જોઈશુ જ નહિં તો એમાંથી શું શીખવાના? ભૂલોને ભૂલો માનીશું જ નહિં તો ક્યારેય સુધારવાનો ચાન્સ નથી. આપણે હજાર વર્ષ ગુલામ રહ્યા તે કેમ દેખાતું નથી?? અને શા માટે કઈ માનસિકતાએ ગુલામ રહ્યા તેનો અભ્યાસ કરીશું નહિં તો એમાંથી બહાર કઈ રીતે નીકળીશું?? હજુ ગુલામીમાંથી બહાર નીકળ્યા છીએ ખરા?? આપણે ડરપોક કાયર કેમ બન્યા છીએ તે જાણીશું નહિં તો?? એના ઉપાય ક્યારે શોધીશું? આજે આપણી હદમાં વાડ ફેન્સિંગ કરવા ગયા અને ચીન નારાજ થઈ ગયું અને આપણે કામ પડતું મૂક્યું. કેમ? આપણાં ઘરમાં વાડ કરતા હતાને એની સીમમાં વાડ કરવાની હિંમત આપણામાં છે ખરી?? એતો શક્યજ નથી. છતાં કેમ ડરી ગયા?? કારણ આપણી કમજોર કાયર માનસિકતા. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે આપણે વિફળ જઈએ છીએ કેમ?? કાયર બીકણ માનસિકતા.
આટલો મોટો દેશ!! આટલી બધીવસ્તી? ભારત આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે બિચારું બાપડું છે. બધાને કરગરતું, રશિયાને કરગરતું, અમેરિકાને કરગરતું કે અમને ટેકો આપો. ત્રાસવાદ સામે ટેકો આપો. ટેકાની શી જરૂર છે? એક નાનું ઇઝરાયલ, સાવ નાનું, કચ્છ જેટલો વિસ્તાર અને એટલોજ એની અંદર રણ પ્રદેશ. ચારે બાજુ હાયના(ઝરખ) થી ઘેરાયેલો. પણ કોઈને ગાંઠે છે? અહીં સામાન્ય બંગલાદેશ, આપણે જ એને સ્વતંત્રતા અપાવી. એ પણ ગોદો મારી જાય છે. આપણાં સૈનિકોને કૂતરાની જેમ મારી નાખ્યા, પણ કોઈ ઊહાપોહ નહિં. ઉલટાના દંભી સેક્યુલારીસ્ટ અંગ્રેજી મીડિયાવાલા ભારતીય સૈનિકોને વાંક કાઢતા હતા. કાયર માનસિકતા. ખુશ રાખો બધાને. નહીં તો લોકો મારશે. મારનો ડર લાગે છે.
હજારો વર્ષોથી થતી ભૂલોને આપણે ભૂલો માની શકતા નથી. આપણે દંભી છીએ. રીસ્પેક્ટ જુદી વસ્તુ છે અને ભૂલ જોવી જુદી વસ્તુ છે. મને ગાંધીજી પ્રત્યે ખૂબ માન છે, પણ એમના બ્રહ્મચર્ય વિશેના ખ્યાલો મને અવૈજ્ઞાનિક લાગે છે. પણ એનાથી ગાંધીજી પ્રત્યેના માનમાં જરા પણ ઘટાડો ના થાય. પણ આપણે પૂર્વ ધારણાઓ બાંધીને જીવવાવાળાં મહાદંભી જીવડા છીએ. તમે ધર્મમાં માનતા હોય, પુનર્જન્મમાં માનતા હોય તો ગો અહેડ!! તમારી માન્યતાઓ છે. તમે શાકાહારી છો ગો અહેડ!! સારો છે શાકાહાર ઘણા બધા રોગોથી બચી જવાય છે. તમે માંસાહારી છો, ગો અહેડ!! આપણે તો સત્ય પણ જોઈ શકતા નથી એટલી બધી પૂર્વધારણાઓ વડે બાંધેલા છીએ.
વાલ્મીકિ કહે રામ માંસ ખાતા હતા. તો પણ માની શકતા નથી. રામ પ્રત્યે પૂજ્યભાવ અને રામાયણ પ્રત્યે આદર હોવો જુદી બાબત છે, રામ શું ખાતા હતા તે એમની ચોઈસ છે. રામ શાકભાજી ખાય તો જ એમના પ્રત્યે આદર કરાય?? તો જ રામાયણ પ્રત્યે આદર થાય?? રામ માંસ ખાય તેમાં આદર ઓછો કેમનો થઈ જાય?? એ જમાનો જ માંસાહારનો હતો. બધા કુદરતને માનતા હતા. રામે કોઈ ભૂલ કરી હોય તો એમાંથી બોધપાઠ લઈને એ ભૂલો ફરી ના થાય તેવું જોઈએ તેમાં કઈ નકારાત્મકતા આવી?? આ તો ઉલટાની હકારાત્મકતા કહેવાય. રામે એ જમાનામાં સેતુ એમ જ થોડો બાંધી દીધો હશે?? એમની પાસે એન્જીનીયરીંગ જ્ઞાન હશે, ગણિત હશે. રાવણ જેવા બળવાન સામે ભિડાઈ જવાની હામ ઓછી ના કહેવાય. તે પણ વાંદરાઓ જેવા શિસ્ત વગરના લોકો સાથે લઈને એની સામે લડવા નીકળી પડવું અને જીતીને પાછું આવવું, તેમાંથી શું શીખ્યા? શીખવા જેવું શીખતા નથી અને ના શીખવા જેવું શીખીએ તે મોટી નકારાત્મકતા છે.
અમારા એક વડીલ સાથે ચર્ચા થઈ. તે કહે વડીલોની ભૂલો જોવી નહિં, પછી આદર રહે નહિ. મેં કહ્યું, કેમ જોવી નહિ?? વડીલો પણ માનવ છે ભૂલો તો એમની પણ થાય. એમની ભૂલો જોઈએ, ધ્યાન દોરીએ અને છતાં આદર પણ રાખીએ એમાં શું વાંધો?? તો કહે તમારી ફિલોસોફી બહુ હાઈ છે. બોલો આમાં શું હાઈ લાગ્યું? પણ આપણે ભૂલો અને આદરને સાથે જોડી દઈએ છીએ.
સર્વાઈવલ માટે મજબૂત થવું જરૂરી નથી એડજસ્ટ થવું જરૂરી છે. ઘણી બળવાન સ્પાર્ટન જેવી પ્રજા નાશ પામી ગઈ. પણ મજબુતને એડજસ્ટ થતા વાર લાગે નહિં. જો કે વસ્તી પુષ્કળ વધારીને આપણે એડજસ્ટ થઈ જ ગયા છીએ.ઉંદરની જેમ વસ્તી વધાર્યે જઈએ છીએ.એ તો મેં અગાઉ પણ લખ્યું છે કે સર્વાઈવલનાં યુદ્ધમાં કમજોર વસ્તી વધારે જેથી ગમે તેટલા મરીએ સર્વાઈવ તો થઈ જ જવાય.અનુકુલન સધાય ત્યાં વસ્તી વધી જાય તેવું હોઈ શકે.આપણે પણ માર ખાવાનું અનુકુલન સાધી લીધું છે.આપણે ધર્મ પરિવર્તન કરીને સર્વાઈવ થઇ ચુક્યા છીએ.આ હકીકત છે.ભારતનાં મુસ્લીમ્સ અહીના મૂળ ભારતીયો જ છે.પહેલા એમના પૂર્વજો હિંદુ જ હતા.જીવવા માટે ધર્મ પરિવર્તન કરવું પડ્યું હતું,મજબૂરી હતી.ના પાડનાર કે વિરોધ કરનારાના મસ્તક બળવાન આક્રમણકારીઓ એમના ભાલા પર સીધા રોપી દેતા હતા.પ્રાણીઓ પણ પૂછડી પગ વચ્ચે દબાવી બળવાન સામે આળોટી અનુકુલન સાધી,શરણે થઇ ને બચી જતા હોય છે.આપણે આજ સુધી આ કર્યું જ છે. નબળા પ્રાણીઓ પોતાની વસ્તી ખૂબ વધારે છે તે કુદરતમાં જોઈ શકીએ છીએ.સિંહના ટોળાં થોડા હોય???
Image by PetitPlat Food Art - Stephanie Kilgast via Flickr
શાકાહાર v/s માંસાહાર.!!!
શાકાહાર અને માંસાહાર બહુ ચર્ચાસ્પદ વિષય ગુજરાતીઓ માટે ખાસ બની જતો હોય છે.એમાં ધર્મ ભળી જતો હોય છે.ગુજરાતમાં ખાસ જૈન ધર્મના પ્રભાવમાં શાકાહારનું ચલણ વધ્યું.એમાં ધાર્મિક લોકોની શિખામણો ભળી.માંસાહાર કરીએ તો પાપ લાગે જીવ હત્યા થાય.જીવ હત્યા તો શાકાહારમાં પણ થાય જ છે.હવે આપણે ધર્મને અળગો રાખીએ.પોષણ મૂલ્ય ની દ્રષ્ટીએ જોઈએ.શુદ્ધ શાકાહારી તો દુધની બનાવટો પણ ખાય નહિ.ઘણા ઈંડા ને પણ શાકાહારમાં જ ગણે છે.
શાકાહાર:::—શાકાહાર ઘણો સારો છે.એનાથી ચરબીનું પ્રમાણ શરીરમાં ખાસ જાય નહિ.પણ પણ અને પણ ગુજરાતીઓ કે ભારતીયો અતિશય ઘી ખાઈને માંસાહારી કરતા પણ ઘણી વાર વધારે જાડીયા પાડીયા અને અદોદળા જોઈએ ત્યારે શાકાહારનો કોઈજ અર્થ રહેતો નથી.શાકાહારમાં વિપુલ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.ખાસ તો ડાયેટરી ફાઇબર એની ખૂબી છે.જે માંસાહારમાં ના મળે.ઓમેગા-૬ પણ સારું મળે.વિટામિન-c ,a અને e પુષ્કળ મળી શકે.પોટૅશિયમ અને મૅગ્નેશિયમ પણ ખરા.અહી શાકાહારમાં ખામી ઊભી થાય છે,આયર્ન,ઝીંક,વિટામિન B 12 ,વિટામિન-D,ઓમેગા-૩,કૅલ્શિયમ વગેરેની.આયર્ન બે પ્રકારના હોય છે,Heme અને Non Heme …meat ,પોલ્ટ્રી અને ફિશમાં થી Heme Iron મળે.જે સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.Non Heme પ્લાન્ટ અને નટ્સ માંથી મળે જે સહેલાઈથી શોષાતા નથી.આયર્ન એ હિમોગ્લોબીન નો મધ્યવર્તી ભાગ છે જે લોહીમાં ઓક્સિજન વહન નું કામ કરે છે.આની પૂર્તિ માટે આપણે ખજૂર,અંજીર,પાલખની ભાજી.સોયાબીન્સ,રાજમા,વટાણા વગેરે પુષ્કળ ખાવું જોઈએ અને આયર્ન વિટામિન-C ની હાજરીમાં થોડું જલ્દી શોષાય છે.માટે ખોરાકની સાથે ઓરેન્જ જ્યૂસ કે બીજા ખાટ્ટા ફળોના જ્યૂસ લેવા જોઈએ.અથવા એક કેપ્સીકમ મરચાંમાં ત્રણ ઓરેન્જ જેટલું વિટામિન-C હોય છે,જે ખાધે તીખાં હોતા નથી તે લેવા જોઈએ.એનેમીયાથી બચવું હોય તો આયર્ન લેવુજ પડે.
ઝીંક માટે સોયાબીન્સ,નટ્સ ,વટાણા અને વાલ ખાવા જરૂરી છે.ઓમેગા-૩ માટે અખરોટ,ઓલિવ ઓઇલ,અવાકાડો ખાવું જોઈએ.અવાકાડો જામફળ જેવું દેખાવમાં એક જાતનું ફળ છે.B -12 કોઈ પ્લાન્ટ માંથી મળે નહિ.તેના માટે દૂધ અને ઇંડાનો વિકલ્પ રાખવો પડે.નર્વસ સીસ્ટમ અને ન્યુરોલોજીકલ ડેમેજ એની ક્ષતિ થી થાય છે.માટે B-12 ખાસ જરૂરી છે.આપણે ઈંડા ખાસ ખાતા ના હોઈએ તો આ ખામી ઊભી થવાની.દૂધ પણ સારું છે.વિટામિન D તો દૂધ અને સૂર્ય પ્રકાશમાંથી મળી જવાનું છે.એ એક તો હોર્મોન્સ નું કામ કરે છે અને શરીરમાં કૅલ્શિયમ અને ફોસ્ફરસ ને શોષીને હાડકા મજબૂત બનાવે છે.આયોડિન ની ઊણપ તો આયોડિન યુક્ત મીઠું ખાઈને પૂરી કરી શકાય છે.
શાકાહાર થી ઓબેસિટી થી બચી જવાય છે,સાથે સાથે type-2 ડાયાબીટીસ થી પણ બચી જવાય છે.વૃદ્ધો માટે શાકાહાર સહેલાઈ થી ચવાય છે અને સહેલાઈથી પચી પણ જાય છે.જયારે દાંત મોટાભાગના ખરી પડ્યા હોય ત્યારે શાકાહાર ઉત્તમ પુરવાર થાય છે.
માંસાહાર:::–માંસાહારમાં ઉત્તમ પ્રકારના લગભગ તમામ પોષક તત્વો હોય છે.વિપુલ પ્રમાણમાં પ્રોટીન,આયર્ન,કૅલ્શિયમ,વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.ખાલી ડાયેટરી ફાઈબર ની કમી હોય છે,જે સલાડ સાથે બ્રાઉન ઘઉંના લોટ ની બ્રેડ અને બ્રાઉન ચોખા ખાઈ ને પૂરી કરી શકાય છે.માંસાહાર ની ખામી તેની અંદર રહેલા પોષક દ્રવ્યોની વિપુલતા છે.એટલે જો ખાવામાં પ્રમાણભાન ના રહ્યું તો,ઓબેસિટી,હૃદય રોગ,હાઈપર ટૅન્શન,હાઈ કોલેસ્ટેરોલ અને ડાયાબીટીસ થાય છે.આમાં હાઈ બાયોલોજીકલ વેલ્યૂ ધરાવતા પ્રોટીન્સ,આયર્ન અને B-કૉમ્પ્લેક્સ B12 હોય છે.બીજું આ બધા તત્વો સહેલાઈથી જઠરમાં શોષાઈ જાય છે.જયારે શાકાહારના તત્વો પૂરતા પ્રમાણમાં સહેલાઈથી શોષતા નથી.અતિશય વજન કારણે જાતજાતના રોગ થાય છે.માટે શાકાહારી એમાંથી બચી જાય છે.માંસાહારીઓને કોલોન કેન્સરનો ભય પણ વધુ રહે છે.બીજું માંસ બરોબર કુક ના થયું હોય તો તે માંસ ની અંદર રહેલા પેરેસાઈટ તમારી અંદર શરીરમાં પ્રવેશી જવાના.
શાકાહારમાં તમારે રોજ વ્યવસ્થિત જાત જાતના કોમ્બીનેશન કરવા પડે.આજે ભાખરી શાક ચાલશે,કે આજે ઢોકળાં સાથે ચા પી લઈશું,કે ચોખાની પાપડી કે પાપડીનો લોટ ખાઈ લઈશું તેવું કરો તો પછી પોષક દ્રવ્યોની ખામી પડવાની.ગુજરાતીઓ સાંજે લગભગ આવું એકાદ ખોરાક થી ચલાવી લેતા હોય છે.દાળ,ભાત,રોટલી,સલાડ,કઠોળ ખાસ તો સોયાબીન,દૂધ,દહીં,ખાટ્ટા ફળો કે એના જ્યૂસ,થોડા બદામ અને અખરોટ જેવા નટ્સ,કેળાં,ખજૂર,પાલકની ભાજી કે ગાજર વિગેરેના વ્યવસ્થિત કોમ્બીનેશન કરીને રોજ ખાવાનું મેનુ બનાવવું પડે.એકલી પાઉં ભાજી ખાઈ લઈએ તો ના ચાલે.અહી ઈંડા અને ફિશ શાકાહારમાં ગણાય છે.ફિશમાં ઉત્તમ ઓમેગા -૩ હોય છે,કૅલ્શિયમ,ફોસ્ફરસ અને પ્રોટીન ની તો વાત જ ના થાય.દરિયા કિનારે રહેતા માછીમાર ભાઈઓ માટે ઉત્તમ પોષક દ્રવ્યો ધરાવતી અને સસ્તી અને સહેલાઈથી મળતી માછલી ખાવાનું ધર્મના નામે બંધ કરાવવું તે પાપ જ કહેવાય.આ ભાઈઓને ઓમેગા માટે બદામ અને અખરોટ ખાવી ના પોસાય.બીજું બદામ અને અખરોટમાં માછલી ની જેમ વિપુલ પ્રમાણમાં ઓમેગા અને પ્રોટીન કે કૅલ્શિયમ ના હોય.
શાકાહાર ઉત્તમ કે માંસાહાર તેની ચર્ચા પોષક દ્રવ્યોની તુલના અને તેનાથી થતા રોગોની તુલના કરીને થવી જોઈએ,ધર્મ ની દ્રષ્ટીએ નહિ.આભાર અશોકભાઈ..
સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!
મહાન ગણાતા વૈજ્ઞાનીકે આવું ભવિષ્ય ભાખેલું કે ૨૦૬૦ પછી આ દુનિયાનો અંત આવી જશે.કઈ રીતે શું ગણિત ધ્યાન માં લઈને કહ્યું હશે ખબર નથી.પણ કેટલીક જૂની નોંધો મળી આવી છે.૧૬૪૨મા ગેલેલીયોનું મૃત્યુ થયું.૪ જાન્યુઆરી ૧૬૪૩માં એના પિતાના મૃત્યુ બાદ ત્રણ મહીને જન્મેલો ન્યુટનની બીજી જન્મ તારીખ છે,૨૫ ડીસેમ્બર ૧૬૪૨.એ વખતે ઇંગ્લૅન્ડ માં ગ્રેગોરીયન કેલેન્ડર માન્ય નહોતું,માટે એની જન્મ તારીખ ૨૫ ડિસેમ્બર લખેલી છે.એ ત્રણ વર્ષનો થયો અને માતા બીજા લગ્ન કરી દાદાના સહારે છોડી ને ચાલી નીકળી.ન્યુટન એની માતા અને સ્ટેપ ફાધરને ખૂબ ધિક્કારતો.બંને જણા ઘરમાં સળગીને માર્યા જાય તેવું ઇચ્છતો.ખૂબ તેજસ્વી એવો ન્યુટન કેમ્બ્રિજમાં દાખલ થયો અને ભણવામાં ખૂંપી ગયો.કદી ક્યાંય જતો નહિ બસ ભણવામાં જ એનું ધ્યાન રહેતું.પણ એવામાં બ્યુબેનીક પ્લેગ આખા યુરોપમાં ફાટી નીકળતા પાછો એના ગામ જતો રહ્યો.એક સફરજનના વૃક્ષ નીચે બેઠેલો અને ઉપરથી સફરજન નીચે પડ્યું.બસ એક વિચારનું બીજ રોપાઈ ગયું કે આ નીચે કેમ પડ્યું?ઉપર કેમ ના ગયું?આ વિચાર ભવિષ્યમાં વૃક્ષ બની ગયો. ૨૫ વર્ષનો થયો ત્યાં પ્લેગનું પુર ઓસરતા પાછો કેમ્બ્રિજ માં આવ્યો.
આ મહાન ગણિતશાસ્ત્રી એ Calculus ગણતરી શોધેલી જે આજે પણ સ્ટોક ઍક્સ્ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માટે ગણતરીમાં વપરાય છે.એને એક ૬ ઇંચની સાઈજનું ટેલિસ્કોપ શોધેલું.આજે પણ મોટા જાયન્ટ ટેલિસ્કોપ એજ સિદ્ધાંતો પર રચાય છે.સતત ૧૮ મહિના રાત દિવસ એક કરીને એણે “લો ઑફ યુનિવર્સલ ગ્રેવીટેશન” શોધી કાઢ્યો જે એક ટોટલ રેવોલ્યુશન ગણાય છે.
where:
F is the magnitude of the gravitational force between the two point masses,
G is the gravitational constant,
m1 is the mass of the first point mass,
m2 is the mass of the second point mass, and
r is the distance between the two point masses.
સીધી સાદી ભાષામાં સમજીએ તો ધારી લો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જાણે એવરેસ્ટ છે અને તેના ઉપર એક તોપ મૂકેલી છે જે યુદ્ધમાં વપરાય છે.હવે તોપમાં એક ગોળો ભરીને છોડીયે.એનો ફોર્સ બહુ ના હોય તો એ ગોળો નજીક આસપાસમાં ક્યાંક પડી જશે કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચીને નીચે પાડી દેશે.હવે બીજો ગોળો ભરો અને જરા વધારે ફોર્સ આપો.હવે આ ગોળો થોડો વધારે દૂર સાયબીરીયામાં પડશે.હવે એક પછી એક ગોળાઓ દરેક વખતે ફોર્સ વધારતા જઈને તોપમાંથી છોડો.એક પછી એક ગોળા વધારે ને વધારે દૂર પડતા જશે.જેમ ફોર્સ વધારે તેમ મૂળ સ્થાન કરતા વધારે દૂર જવાના.એમ પછી એક ગોળો જાણે રશિયામાં પડશે,પછી બીજો નીચે અફઘાનિસ્તાનમાં,ત્રીજો જાણે કે ભારતમાં,ચોથો પડશે શ્રી લંકામાં.પાંચમો પડશે છેક નીચે ઓસ્ટ્રેલીયામાં હવે એક સમયે એવું સમીકરણ રચાશે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે પૃથ્વી પર પાડવા સક્ષમ નહિ રહે કારણ ફોર્સ અતિશય છે.તો શું થશે??એ ગોળો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ને લઈને એની બાજુબાજુ ફર્યા કરશે.જેમ આજે ચન્દ્રમા ફર્યા કરે છે.આખા યુનિવર્સ માટે આજ નિયમ કામ કરે છે.સફરજન નું નીચે પડવું સાર્થક થયું.
આ મહાન વૈજ્ઞાનિક પાછો અલ્કેમિસ્ટ પણ હતો.અલ્કેમી એ આધુનિક રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી)નો પાયો છે.અલ્કેમી દૂર મધ્યપૂર્વ નાં દેશોમાં જાણીતું હતું.રહસ્યમય શોધો કરવા માટે અલ્કેમિસ્ટ રાતદિવસ એક કરતા.ભારતમાં પણ અલ્કેમિસ્ટ હતા.જાત જાતના વનસ્પતિના રસ અને અનેક રસાયણો તથા ધાતુઓ ઓગાળી ભેગાં કરી પ્રયોગો થતા રહેતા.અમરત્વની દવા શોધવાનું કામ કરવામાં આવતું.આપણા ભારતમાં પણ આ બધું પ્રચલિત હતું.પારસમણિ ની કલ્પના પણ આવી જ હતી.ઘણા લોકો એમની પાસે પારસમણિ છે તેવું કહેતા.પારસમણિ લોખંડ ને અડાડતા લોખંડ નું સોનું બની જાય તેવી વાતો હતી.આને યુરોપમાં ફિલોસોફર સ્ટોન કહેવાતો.બુદ્ધના સમયના નાગાર્જુન આવાજ રહસ્યવાદી અલ્કેમિસ્ટ હતા,રસાયણ શાસ્ત્રી હતા.પણ ન્યુટનનાં હાથમાં કશું ઠોસ આવ્યું નહિ.
અલ્કેમીની માયા જાળમાંથી પાછો ફરીને પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે તેનાં વિષે શોધો કરી અને એક ગ્રંથ આપ્યો,OPTICKS or A TREATISE of the Reflexions,Refractions,Inflexions,and Colours.બીજો ગ્રંથ રચ્યો -PHILOSOPHIAE Naturalis -Principia Mathematica …મેમ્બર ઑફ પાર્લામેન્ટ પણ બન્યો અને રૉયલ સોસાયટીનો પ્રમુખ પણ બન્યો.એણે બાઇબલ નો પણ ખૂબ અભ્યાસ કરેલો કે કશું રહસ્યમય એમાંથી મળી જાય,પણ નિરાશા મળેલી.માતા પિતા પ્રત્યેના ધિક્કારની લાગણીઓ એણે કંટ્રોલ કરી અભ્યાસમાં ખૂપી ગયો અને આપણને ઓલ ટાઈમ ગ્રેટ સાયન્ટિસ્ટ મળ્યો જે ૧૭૨૭મા ૮૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.રાજા અને રાણીઓની કબર વચ્ચે એની કબરને સ્થાન મળ્યું.
Gale christianson-Biographer of Newton
Bill Newman-Indiana University
James Force-uni of kentucky
yamada smith-Columbia uni
ઉપર લખેલા વિદ્વાન તજજ્ઞોનાં વાર્તાલાપ અને ન્યુટન-ડાર્ક સિક્રેટ નામની ડોક્યુમેન્ટ્રી પરથી લેખ લખાયો છે.
He caught me!!!He caught me!!!બળવાન લાંબા હાથોમાં સખત રીતે જકડાયેલી ઓસ્કાર વિજેતા, એના ખડખડાટ મુક્ત અટ્ટહાસ્ય માટે પંકાયેલી હોલીવુડની મહાન અભિનેત્રી જુલિયા રોબર્ટ્સનાં મોમાંથી રાડ નીકળી ગઈ. “એ વિચારતો હશે હું તો જાણે એક ઢીંગલી છું. વન સંરક્ષકોની ત્વરિત મદદ વડે છૂટ્યા પછી મને લાગ્યું કે તે મને ઈજા પહોચાડવા માંગતો નહોતો, ખાલી રમવા માંગતો હતો.” આ શબ્દો છે જુલિયા રોબર્ટ્સનાં. એક સમયે હૃદય થડકારો ચૂકી ગયેલું,ખૂબ ગભરાઈ ગયેલી.
રેડ એપ્સ!! ઉરાંગ ઉટાંગ વિષે લોકો ખાસ જાણતાં નથી. એમના વિષે ફિલ્મો પણ બહુ બની નથી. આપણે ચિમ્પાન્ઝી અને ગોરીલા વિષે ઘણું જાણીએ છીએ. ૧૫ મિલિયન વર્ષ થી આખા એશિયા સાઉથ ઈસ્ટ એશિયાથી ચીન સુધી એક સમયે ફેલાયેલા અને જંગલોમાં મુક્ત રીતે વિહરતી આ લુપ્ત થતી જાતી હવે ખાલી ઈન્ડોનેશિયાના બોર્નીયોના જંગલોમાં સર્વાઈવલ માટે સ્ટ્રગલ કરી રહી છે. આ લુપ્ત થતી જતી જાતી ઉરાંગ ઉટાંગ વિષે દુનિયામાં જાગૃતિ ફેલાય તે માટેની એક ડોક્યુમેન્ટ્રીનાં ઉપક્રમે અને એના હોસ્ટ તરીકે એમાં કામ કરવાનું હોવાથી આ મહાન અભિનેત્રી બોર્નીયોના જંગલોમાં ફરતા હતા. ૧૯૭૬મા શિકારીઓ અને પ્રાણીઓના ગેરકાયદે વેપાર કરનારા લોકોના હાથે માતાનું મૃત્યુ થતા બે વર્ષનો નાનો બાળ ‘કુસાસી’ (નર ઉરાંગ ઉટાંગ) અનાથ બન્યો, પણ પોલીસનાં હાથે બચીને નેશનલ પાર્કનાં કૅમ્પ Leakey પહોચી ગયો. જાણીતા બાયોલોજીસ્ટ અને Primatologist Dr.Birute Galdikas હવે એના રખેવાળ બન્યા. એક સમયનો અનાથ આજે જંગલનો કિંગ બની રસ્તા વચ્ચે જુલીયાની નજીક બેઠો સફરજન ખાતો હતો. જાણે બાજુમાં કોઈ છે જ નહિ. ખાવાનું સમાપ્ત કરી વધારે નજીક આવેલી જુલીયાને ૪૦૦ પાઉન્ડ વજન ધરાવતા આ કુસાસીએ એના મજબુત હાથો વડે પકડીને નજીક ખેંચી લીધી. જરા આ રૂપકડી ઢીંગલી જોડે બે ઘડી રમી લઉં.
ઉરાંગ ઉટાંગ વૃક્ષ ઉપર ઊંચે લગભગ ૧૦૦ ફીટ ઊચે માળો બનાવે છે. વરસાદ પડે ત્યારે ઝાડની ડાંખળીઓ તોડી છત્રી બનાવી હોય તેમ માથે રાખીને પણ ફરતા હોય કે બેઠાં હોય છે. રોજ નવા વૃક્ષ પર ડાંખળાં તોડી ભેગાં કરી પથારી બનાવી સૂઈ જવાનું. માટે કૅમેરા મેન માટે અઘરું પડે કેમ કે આ જંગલો ખૂબ ગાઢ હોય છે. જ્યાં સુર્યપ્રકાશ પણ નીચે ધરતી પર આવવા માટે ફાંફાં મારતો હોય છે. કુસાસી એક વર્ષ પછી અચાનક ગુમ થઈ ગયો. ત્રણ વર્ષના કુસાસી માટે જંગલમાં જ્યાં ઊડતા સાપ(સાપ ઊડે નહિ, પણ ઊચે ઝાડ પરથી નીચે છલાંગ મારીને નીચે પડે જમીન પર ત્યારે ઊડતા હોય તેમ લાગે), મગર અને બીજા હિંસક પ્રાણીઓ હોય, બચવું મુશ્કેલ હતું. બાળ ઉરાંગ ઉટાંગ ૬ વર્ષ સુધી એની માતાની મદદ વડે જ જીવતા રહી શકતા હોય છે. કૅમ્પમાં બધાને થયું કે આ તો હવે મરી ગયો હશે. એક દિવસ બધા ભોજન કરતા હતા અને ૧૮ મહિના પછી કુસાસી ભોજન ખંડની બારીએ ડોકાયો. કુસાસી બીજા અનાથ ઉરાંગ ઉટાંગ કરતા જરા જુદો હતો. માનવજાતની કંપની એવોઈડ કરતો. માનવજાતે એની માતાને મારેલી, પણ અહિ કૅમ્પમાં વસતા માનવો એવા નથી તે સારી રીતે સમજતો હતો માટે જ પાછો આવેલો. એની બચપણની સખી હતી ‘પ્રિન્સેસ’ ખૂબ બુદ્ધિશાળી માદા ઉરાંગ ઉટાંગ. ગેરી એનો પલક પિતા હતો. એણે પ્રિન્સેસને ૩૦ જાતની સાઇન લૅન્ગ્વેજ શિખવાડી હતી. ગેરી પોતાની પીઠ પર પ્રિન્સેસને બેસાડી તરણકુંડમાં સ્વીમીંગ કરતો. એ કહેતો મારે બે બાળકો છે એક હ્યુમન અને એક આ ઉરાંગ ઉટાંગ. ૨૫ વર્ષ પછી પ્રિન્સેસ ત્રણ નાના ઉરાંગ ઉટાંગની માતા બન્યા પછી પણ ગેરીને એટલુજ ચાહતી હતી. એમની વચ્ચેના સંબંધોમાં કદી ઓટ આવી નહોતી. પ્રિન્સેસ લાકડામાં હથોડી વડે ખીલી ઠોકી શકતી. દરવાજાના તાળા ખોલી ને અંદર જઈ શકતી. એના બાળ ઉરાંગ ઉટાંગને લઈ નાવડીમાં બેસી જાતે હાથને હલેસા બનાવી ફરી શકતી.
હવે કુસાસીને બીજી એક માદા ઉરાંગ ઉટાંગ સરોગેટ મધર તરીકે મળી ગઈ હતી. એ સદાય એની પાછળ ફરતો અને જંગલના કાનૂન શીખતો જતો હતો. પણ એ માદા વળી માતા બનતા એણે કુસાસીને એવોઈડ કરવા માંડ્યો. છતાં થોડું અંતર રાખીને કુસાસી એનો સાથ છોડતો નહોતો. ૧૯૯૫માં પુષ્કળ ટેસ્ટાટોરીન ધરાવતો કુસાસી ૧૯ વર્ષનો પુખ્ત બની ચૂક્યો હતો. આ હાર્મોન્સની વિપુલતાને લીધે એના ગાલે ચીક પેડ્સ વિકસી ચૂકીને એનો દેખાવ ભવ્ય બની ગયો હતો. ધીરે ધીરે તમામ પ્રતિસ્પર્ધીઓને હરાવી હવે એકચક્રી શાસન કરવા માંડ્યો હતો. એક સમયનો અનાથ કુસાસી હવે રાજા બની ગયો હતો. એનું વિશાલ શરીર, ૪૦૦ પાઉન્ડ વજન અને ડોમિનેન્ટ સ્વભાવ એને લોકપ્રિય બનાવી રહ્યો હતો. આલ્ફા મેલનો એક અદ્ભુત નમૂનો હતો. ૧૯૯૭ માં જુલિયા રોબર્ટ્સ પણ એને મળવા જોવા આતુર બન્યા હતા. પોતાના એરિયાનું રક્ષણ કરતો, બીજા મેલને ભગાડી મુકતો, એકલો ટ્રાવેલ કરતો આ અદ્ભુત રેડ એપ્સ ખૂબ બળવાન હતો. બીજા એક બળવાન ઉરાંગ ઉટાંગ સાથે લડાઈમાં ખૂબ ઘવાયેલો. એની નજીક જવાની કોઈની હિંમત ચાલે નહિ. છતાં ડો.રોજાની ટીમે એને દૂરથી ઇન્જેક્શન મારી બેભાન બનાવી એના ઘા ધોઈ સાફ કરી પાછો છોડી મૂક્યો. ૨૦૦૮ સુધી યથેચ્છ વિહાર કરતો, એના રાજ્યની તમામ માદાઓમાં પોતાના જીન્સ ટ્રાન્સફર કરતો, રાજ્યની સરહદનું રક્ષણ કરતો અને પોતાના બાળકોનું પાલન તથા રક્ષણ કરતો, એણે સર્વાઇવલના યુદ્ધમાં કદી હાર મેળવી નહતી, પણ હવે વૃદ્ધ થયેલો આ રાજા ૨૦૧૦ પછી ખાસ દેખાતો નથી.
૧૯૯૭ માં બનેલી આ ડોક્યુમેન્ટ્રીનાં ફૂટેજ ખાસ મળતા નથી. મેં ત્યારે ડીસ્કવરી ચેનલ પર બરોડામાં હતો ત્યારે જોએલી, ત્યારે આ સુંદર અભિનેત્રી માટે ખુબ માન ઉપજેલું. એટલા માટે કે તે સમયે આ અભિનેત્રી હોલીવુંડ્માં નંબર વન નું સ્થાન ધરાવતા હતા અને સૌથી વધારે ચાર્જ એક ફિલ્મનો કરતા હતા, છતાં એક વન્ય જીવન જે આપણ માનવજાતને લીધે ભયમાં આવી પડ્યું છે તેના વિષે જાગૃતિ ફેલાય માટે એમણે ઇન્ડોનેશિયાનાં ગાઢ જંગલોમાં ફરી ફરી, જળાશયોમાં જાતે વસ્ત્રો ધોઈ, મચ્છરોના દંશ ખાઈ ને વિનામૂલ્યે કામ કરેલું. અને સૌથી ઝોખમી કામ કુસાસીની નજદીક જવાનું સાહસ કરેલું. તેના ફૂટેજ આપ http://www.youtube.com/watch?v=I6GdRxImID8&feature=relatedhttp://www.youtube.com/watch?v=IFACrIx5SZ0&feature=related જોઈ શકો છો.
દ્વારીકાના કૃષ્ણ કૃષ્ણ એક ઐતિહાસિક મહાપુરુષ હતા એમા કોઇ શંકા ના કરી શકે. એમને ભગવાન માનવા એ આપણી મજબુરી છે. ભયમાથી જે ઉગારે તેને ભગવાન માનવા માટે મન લલચાય છે, તે સ્વાભાવિક છે. કૃષ્ણે ઘણા બધા લોકોને બચાવેલા.ઋગવેદમા એમનો કોઇ ઉલ્લેખ નથી, પણ રામક્રુષ્ણ ગોપાલ ભંડારકર, ઋગ્વેદ ૮.૯૬.૧૩ દ્રપ્સા… ક્રુષ્ણા (Black ડ્રોપ) ને કૃષ્ણ સાથે જોડે છે. કૃષ્ણનો એક અર્થ કાળો(Black) પણ થાય છે. સ્પીરીટ ઓફ ડાર્કનેસ.. કે પછી ડાર્ક મેટર ???? કૃષ્ણ શ્યામ હતા. શ્યામ રંગમા એક ડેપ્થ હોય છે. પાણી છીછરૂ હોય તો ? અને ઉંડુ હોય તો ? કૃષ્ણ શબ્દમા કર્ષણ પણ છે. આકર્ષક ! ! કૃષ્ણ બધાને આકર્ષે છે. કૃષ્ણને માથે મોરપંખ છે. એમા બધા રંગો છે. કૃષ્ણમાં તમને બધા રંગ જોવા મળશે. કૃષ્ણ તો એક ઇન્દ્રધનુષ છે. મહાવીર એક જ રંગ, વિતરાગ, ફક્ત ત્યાગ ત્યાગ અને ત્યાગ, સ્પષ્ટ રંગ. બુદ્ધ એક રંગ ધ્યાન અને ધ્યાન. રામ એક જ રંગ ઉંચા આદર્શો. કહેવાય છે જિસસ ગંભીર, કદી હસતા નહી.
કૃષ્ણના અનેક રંગ, અનંત રંગ, અટ્પટા રંગ. કૃષ્ણ કદી હીમાલય ભાગ્યા નથી, કદી સંસાર ત્યાગ્યો નથી. સંસાર અને પરમાત્મા વચ્ચે એક સેતુ બન્યા છે. જિવન સંગીત હતા કૃષ્ણ , રસસરોબર, જીવનના અનેક રંગ કૃષ્ણમા સમાયેલા છે. કૃષ્ણમા બધુ જ છે, જેને જે ગમે તે લઈ લો. સુરદાસે સુંદર સ્ત્રી જોઇ આંખો ફોડી નાખી, ક્યાક કામવાસના પકડી ના લે. એને ગોપીયોના વસ્ત્રો હરણ કરતા કૃષ્ણ ના ફાવે. એણે તો બાલકૃષ્ણના પદો જ રચ્યા. જયદેવના ગીતગોવીંદને અને મધ્યયુગના બીજા કવિઓને શ્રુંગારીક કૃષ્ણ જ ભાવે.
ડો.નરહરી આચર, (પ્રોફેસર ઓફ ફીજીક્સ, યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ, ટેનેસી) પ્લેનેટેરિયમ સોફ્ટવેર વાપરી રીસર્ચ કરી કૃષ્ણના જન્મની સાલ ૩૧૧૨BC અને મહાભારત્ના યુદ્ધની સાલ કાઢે છે ૩૦૬૭BC. મહાભારત અને હરીવંશ પુરાણમા લખેલા ગ્રહોના ગણિતને ચકાસીને ઉપરોક્ત તારણ કાઢવામા આવ્યુ છે.
મહાભારતમાં મોસાળપર્વમા દ્વારીકા ડુબી ગઈ એનુ વર્ણન અર્જુન મુખે છે. ડો.એસ.આર રાવ જાણીતા આર્કીયોલોજિસ્ટ છે. એમની રાહ્બરી હેઠળ હાલની દ્વારીક અને બેટદ્વારીકાનાં સમુદ્ર્મા ડૂબકી મારો મોકલીને પુરાવા એકઠા કર્યા છે. કોઈ ગ્રેટ સુનામી કે ICE AGE નો બરફ પીગળવાથી કોઈ મહાપુર આવ્યું હોય તે સંભવ છે. જાપાનમાં સમુદ્રમાં એવા સ્થાપત્યો મળ્યા છે. હરિવંશ પુરાણમાં લખ્યા પ્રમાણે દ્વારિકાનાં દરેક રહેવાસીએ ખાસ પ્રકારની મુદ્રા ઓળખપત્ર તરીકે રાખવી પડતી. એને બતાવ્યા પછી જ દ્વારિકામાં પ્રવેશ મળતો. આ મુદ્રાઓ seal ડો.રાવ ને હાથ લાગ્યા છે. આજના આઈ.ડી એ કૃષ્ણની શોધ છે. એસ્ટ્રોનોમીકલ, આર્કિયોલોજીકલ અને લીન્ગ્વાસ્ટીક પુરાવા સાબિત કરે છે કે કૃષ્ણ ઐતિહાસિક મહાપુરુષ હતા. એમને ભગવાન માની એમના જીવનમાંથી શીખવાના તત્વોમાંથી આપણે દુર જઈ રહ્યા છીએ.
બે ગંધર્વો શ્રાપથી વૃક્ષ બની ગયેલા.બાળ કૃષ્ણ એમનો ઉદ્ધાર કરે છે તેવી વાર્તા(યમલાર્જુન) છે. એક યુવાન અને પાસે વૃક્ષ અને માનવનું મિશ્રણ એવું એક સ્થાપત્ય મોહેંજો ડેરોમાંથી મળેલ છે. આશરે સાતમી સદી માં ભક્તિ ટ્રેડીશન જોર પકડવા લાગ્યો. ૧૨ મી સદીમાં જયદેવે ગીત ગોવિંદ રચ્યા પછી એમાં જબરદસ્ત ઉછાળ આવ્યો અને એક ઐતિહાસિક મહાપુરુષ ભગવાન બની ગયા.ગૌડીય વૈષ્ણવ,વલ્લભ સંપ્રદાય અને નિમ્બાર્ક સંપ્રદાય આ ત્રણે એના આધારસ્તંભ બન્યા.
જૈનધર્મમાં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ એમ ત્રિપુટી છે. અહી વાસુદેવ એટલે કૃષ્ણ અને પ્રતીવાસુદેવ એટલે જરાસંધ સમજવો. બાવીસમાં તીર્થંકર નેમીનાથના પિતરાઈ ભાઈ એટલે શ્રી કૃષ્ણ. કૃષ્ણ અહી શલાકાપુરુષ છે. જગતને બચાવી લેવા પ્રતીવાસુદેવને કૃષ્ણ હણે છે. હવે જગતને બચાવ્યું તે પુણ્ય અહી ના મળ્યું, પણ હિંસા કરી તેની સજા મળી. કૃષ્ણને જૈનોએ સાતમાં નરકમાં નાખ્યા છે. પણ એમેને અવગણવા ભારે છે, માટે સજા પૂરી થયે તીર્થંકર બની શકાય છે.
બુદ્ધધર્મમાં કૃષ્ણ વાસુદેવ, કાન્હા, કેશવ છે. એમના ભાઈ બલરામ નાનાભાઈ છે, મોટા નહિ. બહેન અંજના છે. જાતક કથાઓમાં એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવા જન્મે તેઓ સારીપુત્ર છે અને બુદ્ધના જમણા હાથ સમા ધર્મસેનાપતી છે. A.D 752 Nara, જાપાન, સમ્રાટ સોમુના આદેશથી બંધાયેલા તોડાઇ-જી ટેમ્પલના ગ્રેટ બુદ્ધા હોલમાં કૃષ્ણનું એક સુંદર શિલ્પ છે. જેનો ફોટો અહી મુક્યો છે.
કૃષ્ણ મહામાનવ હતા. સર્વાઈવલના યુદ્ધના અપ્રતિમ યોદ્ધા હતા. આખી જીંદગી એમની લડવામાં ગઈ છે, પણ કદી હાર માની નથી. જ્યાં જે કરવું પડે તે કર્યું છે. કપટ પણ કર્યું છે. જરૂર પડે યુદ્ધના મેદાનમાંથી ભાગી પણ ગયા છે. પૃથ્વીરાજ ચૌહાણ ભાગીને સર્વાઈવ થઇ ગયો હોત તો ઈતિહાસ આજે જુદો હોત. જરૂર પડે દ્વારિકા મુવ પણ થઇ ગયા. આપણે તો નોકરીમાંથી બદલી થાય તો રાજીનામું મૂકી દઈએ. દુષ્ટોને માર્યા પણ છે, ધમકાવ્યા પણ છે. હદ બહારની ક્ષમા કદી આપી નથી. ભોગ ભોગવ્યા છે. સુંદર સ્ત્રીઓ સાથે રમ્યા પણ છે. જીવનના કોઈ રંગને છોડ્યો નથી. છતાં તમે એમને વિલાસી કદી કહી ના શકો. કૃષ્ણ કદી કોઈને ગાંઠ્યા નથી. આપણાં ભયમાંથી બચાવનાર કાલ્પનિક ભગવાનની મૂર્તિમાં કૃષ્ણ જેવા મહામાનવ ફીટ થઇ ગયા. અને એટલેજ વેદ વ્યાસને ફાવતું જડી ગયું. કૃષ્ણના નામે ઘણું બધું અસંદિગ્ધ કહીને ભારતના માથે મારી દીધું. સંશયાત્મા વિનશ્યતિ કે ચાતુર વર્ણ્ય મયા સૃષ્ટમ જેવું…..
સર્વે મિત્રોને દીપાવલી પર્વ નિમિત્તે શુભકામના.
વડોદરાથી ભણીને માણસા ગયો ત્યારે મારી બોલચાલની ભાષામાં વડોદરાનો ટચ આવી ગયેલો. ઘણા મિત્રો અને સગાઓ તમે તો શે’ર ના આવું કહીને ટોણાં મારી લેતા. મને પણ સાવ છેવાડાની ગ્રામ્ય ભાષાના શબ્દો ઘણીવાર સમજાતાં નહિ ત્યારે ઘણી રમૂજ પેદા થતી. મૂળે ગણોતધારામાં મોટાભાગની જમીન જતી રહેલી, થોડી બચાવી લેવા હું ગામમાં રોકાઈ ગયેલો. ખેતરમાં જતા શેઢા પર ચાલતાં ફાવતું નહિ.ઘણીવાર ગબડી ગયો હોઈશ. કોઈ જોતું નથી ને એવું ચેક કરી પાછો ઊભો થઈ જતો. પછી તો ટેવાઈ ગયેલો.
અમારા શેઢા પાડોશીના દીકરાનું નામ કનું હતું. બધા કનિયો કે કનું કહેતા. સ્વભાવનો બહુ સરસ માણસ. મજાકિયો પણ ઘણો. કામ ના હોય તો એના ટ્યૂબવેલ પર પાણી પીવા કે બેસવા જતો. એની સવારનું વર્ણન કરે તો કહે, ‘આજે તો હવારે ઊઠ્યો, બુરાશ કર્યો, ચા પીધો.” આવી શરૂઆત કરે. ઉત્તર ગુજરાતના ગામોમાં ચા પુંલ્લિંગ છે. મને સમજ ના પડે કે આ બુરાશ શું હશે. હું મનમાં ગૂંચવાયા કરું, પણ કોઈને પૂછીને મારી અજ્ઞાનતા બતાવું નહિ. એકવાર કંટાળીને મારા ભાગિયા કચરાને પૂછ્યું કે
‘આ કનું કહે છે બુરાશ કર્યો તે શું હશે?’
‘બાપુ, તમે શે’ર ના એટલે હમજ ના પડી, ઇ ના વાદે હું એ બુરાશ લાયોતો, પણ માળું હાળું દોંત મોથી લોઈ આયુ તે અવ નહિ વાપરતો.’
‘પણ, આ બુરાશ ની વાત કરને?’
‘બાપુ, બુરાશ એટ્લ પ્લાસ્ટિકનું દાતણ, ઇ ના ટોપચા પર પ્લાસ્ટિકના વાળ હોય દોંતે ઘહવાનું.’
ધત તેરેકી, આ તો ટુથ બ્રશ ની વાત કરતો હતો. હવે સમજ પડી કે કનું બ્રશ ને બુરાશ કહેતો હતો. બુરાશ પાછો પુંલ્લિંગ હો કે! ! કચરાભાઈ પણ કનુભાઈના વાદે ટુથ બ્રશ લાવેલા. વધારે પૂછતાં ખબર પડી કે બ્રશ પર ટુથ પેસ્ટ નહિ પણ મીઠું લગાવીને બ્રશ કરતા. જોર જોરથી ઘસતા દાંતમાંથી લોહી નીકળવા લાગતું એટલે પછી બંધ કરેલું.
હું પહેલા જ્યાં સ્ટોરમાં જોબ કરતો એ અશોકભાઈ શરૂમાં મને કહે બટાકાની ભાખરી લાવ્યો છું ખાજો. મને સમજ ના પડે કે આ બટાકાની ભાખરી કેમની બનાવતા હશે. બટાકા સુકવીને એનો લોટ બનાવીને ભાખરી બનાવતા હશે કે કેમ? ચારેક કલાક રજિસ્ટર પર કામ કરતા કરતા વિચાર્યા પછી અંદર ખાવા ગયો અને જોયું ત્યારે સમજ પડી કે આ તો આલુ પરોઠાં છે. મોટા ભાગે તો એ બહારનું ખાવાનુ જ ખાતા.બધું અમેરિકન ફૂડ જ હોય. એકવાર એમનું ખાવાનું લઈને સ્પેનીશ કર્મચારી આવ્યો, તો મને અશોકભાઈ કહે ભુન્ડીયું ખાવું છે? હું તો ચમકી ગયો. પછી કહે પોર્ક મંગાવ્યું છે. મેં કહ્યું ના ભાઈ મારે નથી ખાવું. જોયું? માણસા થી અમેરિકા પહોચી ગયો. મન એવું ચંચલ છે ગમે ત્યાં ઘડીકમાં પહોચી જાય.
અમારા ગામના ધમુભા બાપુ કાયમ ધર્મેન્દ્રનો વહેમ મારે. આમેય નામ ધર્મેન્દ્રસિંહ તો હતુજ. બધા ધમુભા કે ધમ્મ્ભા પણ કહેતા. બે હાથ ઊંચા કરી ગોટલા ફુલાવી ડાયલૉગ મારે, ‘કુત્તે કમીને મૈ તેરા ખૂન પી જાઉંગા.’ એકવાર હું નટવરભાઈની દુધની દુકાને ઊભેલો. નાનું ગામ હોય એટલે બધી દુકાનોવાળા મિત્ર જેવા હોય. અમે વાતો કરતા હતા, ત્યાં ધમુભા આવ્યા. નટુભાઈ કહે ધમુભા બાપુ આવ્યા ચોક્કસ પેલો ડાયલૉગ મારવાના. ખબર નહિ ધમુભા એકદમ કહે કુત્તે કમીને મૈ તેરા દૂધ પી જાઉંગા. બધા જોરથી હસી પડ્યા. તો કહે આ નટુભાઈ તો આપણાં મિત્ર છે એમનું ખૂન થોડું પીવાય? એમની દુકાનમાં દૂધના તપેલા ભરેલા પડ્યા છે તે દુધ જ પિવાય ને? નટુભાઈ પણ ખુશ થઈ ગયા કે મિત્રોના ખૂન ના પિવાય. મજાકમાં બહુ મોટી વાત થઈ ગઈ. દૂધ સાથે માવાનો અને પેંડાનો પણ વેપાર કરતા નટુભાઈ એ દિવસે અમને પેંડા ખવડાવ્યા. મિત્રો હવે દિવાળી આવે છે તો મીઠાઈ જ ખવાય ને?????