(ભારતીય નૌકાદળમાં અંબિકા અને સીમા,, — લેખ પર શ્રી અશોક મોઢવડીયાની કૉમેન્ટ)
———————————————————————
શ્રી ભુપેન્દ્રસિંહજી, સરસ માહિતી આપી.
BSF ની મહિલાપાંખ બાબતે ઘણા સમય પહેલાં અમુક પાકિસ્તાની અખબારોએ જાત
બતાવી હતી અને ત્યારે ઘણી સટાસટી બોલેલી પણ ખરી. ફેસબુક પર પણ બહુ ચર્ચાઓ
થયેલી. ખેર, એ તો દુશ્મન દેશ છે એટલે તે આવા કરતૂતો કર્યે રાખે તેમાં
નવાઈ નહીં. અહીં આપણા લશ્કરમાં (અને હવે ખાસ તો નૌસેના અને વાયુસેનામાં
પણ) સ્ત્રીઓને યોગ્ય સ્થાન મળવાનું શરૂ થયું છે તે એક સારા સમાચાર છે.
મારી જાણકારી મુજબ હજુ BSFની મહિલા પાંખને બોર્ડર પર પ્રથમ હરોળમાં નહીં
પરંતુ દ્વિતીય હરોળમાં, જેમાં બોર્ડરના ગામોમાં સર્ચ કે રેસ્ક્યુ
ઓપરેશન્સ હોય કે બોર્ડર પર ખેતકાર્ય માટે આવાગમન કરતી ગ્રામ્ય મહિલાઓની
ચકાસણી જેવા નોન કોમ્બેટ કાર્યો કરવાનું સોંપ્યું છે. આગળ ઉપર વધુ તાલિમ
ઉપલબ્ધ થતી જશે તેમ કદાચ મહિલાઓ પ્રથમ હરોળમાં કોમ્બેટ ડ્યુટી પણ કરશે.
(ત્યારે તે ખરેખરી રણચંડી કહેવાશે) અમુક મહિલાઓ વાઘા બોર્ડર પર બિટિંગ
રીટ્રીટ સેરમનીમાં પણ ભાગ લે છે. આ રણચંડીઓને શતઃશતઃ સલામ.
થોડું તો શ્રી રશ્મિકાંતભાઇએ કહ્યું થોડું હું ઉમેરીશ. જો કે ગુજરાતીઓ
તેમના સંતાનોને માત્ર માંસ, દારૂ વગેરે ખાતા પીતા થશે તે બીકે લશ્કરમાં
જતા રોકતા હોય તે માનવામાં આવતું નથી, કોઇપણ નાના એવા કસબામાં એકાદ
વિસ્તાર એવો મળશે જ જ્યાં બે-ચાર આંટા મારવાથી પણ આ ’જોખમ’ તો વધી જાય !!
મૂળભૂત રીતે આપણા યુવાનોને જ પૈસામાં કે મોજશોખમાં જેટલો રસ પડે છે તેટલો
શૂરવિરતામાં નથી પડતો. (હા, ટોળું મોટું હોય તો હો..હો.. કરી અને બે-ચાર
પથ્થર ઉલાળી શૌર્ય બતાવી કાઢે ખરા !!) આગળ મેં કોઈક પ્રતિભાવમાં લખેલું
કે જ્યાં બે બદામના કમર હલાવવાવાળાઓ યુથ આઇકોન્સ હોય ત્યાં શૌર્યની આશા
રાખવી નકામી છે. આપણે એક ઊંદરને પણ લાકડી ફટકારી નથી શકતા, જ્યાં ડાહી
ડાહી વાતો કરનારાઓજ માત્ર, (હિન્દીમેં બોલે તો ચિકને !!) સજ્જન ગણાય અને
શૌર્યવાનોને કે ભડાકે વાત કરનારને વંઠેલ, ગમાર, મેનરલેસ કે ક્યાંક ક્યાંક
તો ગુંડા સમજવામાં આવે છે ત્યાં સૈન્યમાં ગુજરાત રેજીમેન્ટની આશા રાખવી
નકામી છે. જ્યાં મહિલાઓની લાચારીનો ગેરલાભ લેનાર સફેદપોશ સમાજમાં સજ્જન
અને પ્રતિષ્ઠિત ગણાય, સફળ ગણાય, અને સ્ત્રીઓના શિયળ બચાવવા કાજે રણમાં
ખપી જનારો મૂરખો ગણાય, જય રણછોડ કરનાર બુદ્ધિવાન ગણાય અને કેશરિયા
કરનારને મૂર્ખશિરોમણીઓના શરપાવ હવેના કહેવાતા ઈતિહાસકારો અને આપણા જેવા
ડાહ્યા ગણાતા લોકો આપે છે ત્યાં ગુજરાત બટાલિયનની આશા રાખવી વધુ પડતું
છે.
અન્ય એક વાત એ પણ છે કે ગુજરાત કે ગુજરાતી એટલે માત્ર વેપારીપ્રજા !! જે
તે સમયે સાહિત્ય કે કલાના વખતોવખતના ધૂરંધરોએ આવું ચિત્ર બનાવી કાઢ્યું
હશે, અને વિશ્વભરમાં આ છાપ રૂઢ થઈ ગઈ છે. ગુજરાતી પ્રજાના કેટલા ટકા
વેપારીઓ છે ? કદાચ અમુક લોકોએ પોતાના સ્વાર્થ માટે ગુજરાતી એટલે બસ અમારા
જેવા ગભરુ અને બિકણ અને ડરપોક (ટુંકમાં શાંતપ્રજા !!) તેવું સ્થાપિત કરી
દીધું હશે. અરે ભાઇ એક જમાનામાં પોરબંદરને સૂપરકોપ જે.એફ.રીબેરોએ શિકાગો
નામ આપેલું !!! એ પોરબંદર પણ ગુજરાતમાં જ છે, ગુંડાઓનું ગામ ગણાય છે ! પણ
રાત્રે બે વાગે પણ સૂંડલો એક ઘરેણા પહેરીને બહેન દીકરી ત્યાં એકલી વયી
જાય તો તેના પેટનું પાણી પણ હલતું નથી. (અહીં ગુંડાગીરીના વખાણ નથી કરતો
પરંતુ શૌર્યવાન પ્રજાની એક અલગ તરેહની રહેણી કહેણી હોય છે જે આપણા અમુક
ચાગલા ચુગલા અને માત્ર વદવામાં શૂરા એવા સમાજના કહેવાતા દોરવણીકારોને
પસંદ ન હોય તેથી તેને હિંસક કે મધ્યયુગીન કે કજિયાખોર રહેણી કહેણી જેવાં
નામ આપી દેવાય છે) દાળભાત ખાનારા કેટલા ટકા ગુજરાતીઓ છે ?? માત્ર બે-ચાર
શહેરો કે તેની કહેવાતી સંસ્કૃતિ એટલે ગુજરાત નહીં, ખાવાપીવાની વાતમાં
અમારે ગામડામાં કહે છે કે ’ખરીયા સોતો ખાઈ જાય તેવો જોધમલ જુવાન છે’
અર્થાત શિકારની પગની ખરીઓ પણ બટકાવી જાય તેવો જણ !! (આ જોધમલનો અર્થ જ
’યુદ્ધવિર’ થાય છે)
હું ન ભુલતો હોઉં તો જે તે સમયે ગુજરાતનાં રજવાડાઓની લશ્કરી ટુકડીઓનું
રજપુતાના રાઇફલ્સ અને રાજપુત રેજિમેન્ટમાં પરિવર્તન કરાયું હતું અને આજે
પણ ગુજરાતના જવાનોને રજપુતાના રાઇફલ્સ કે રાજપુત રેજિમેન્ટમાં નિમણૂક
અપાય છે. ગુજરાતમાં લડાયક ગણાતો બહુ મોટો વર્ગ છે, (સમાજિક રીતે કદાચ
ઊંચા નીચા ગણાતા ઘણાં સમાજો પણ લડાયકતાની બાબતે સમાન લાયકાત ધરાવતા
જણાશે) ભારતનાં લશ્કરમાં ગુજરાતની દરેક જાતિ,કોમના લોકો જોવા મળશે જ.
પરંતુ સમસ્યા ફરી એ જ, અમુક લોકોની શાંતિપ્રિય (કે સંપતિપ્રિય !) નપુંસક
મનોવૃતિની છે. બહુ લોહી ઊકળ્યું તેથી આટલો આક્રોશ વ્યક્ત કર્યો, કોઇ ખરા
શાંતિપ્રિય માણસ માઠું ન લગાડે તેવી વિનંતી શાથે છેલ્લે એક અફઘાન ઉક્તિ
ઉમેરું; કહે છે કે, અફઘાનો યુદ્ધના મેદાનમાં જ સાચી શાંતિ અનુભવી શકે છે.
અહીં અફઘાનોની જગ્યાએ ગુજરાતીઓ કલ્પી શકો તો ગુજરાત રેજિમેન્ટ માનો કે
તૈયાર જ પડી છે. આભાર.
(અહીં એક આડવાત કરી દઉં, આ લખનાર આપના મિત્રના કુટુંબના ત્રણ સભ્ય
ભૂમિદળમાં સેવા બજાવી ચુક્યા છે, અને આપનો મિત્ર કમભાગ્યે એકાદ
યોગ્યતામાં ખરો ન ઉતર્યો તેથી ભરતીદળના વડાની સુચના અનુસાર હોમગાર્ડમાં
દાખલ થઈ સેવા આપી ચુક્યો અને શાથે જરૂરી સૈન્ય તાલિમ પણ પામ્યો. આથી
આટલું ભાષણ લખવાને યોગ્ય ગણશો તેવી આશા છે)
(આ સંદર્ભે માત્ર જાણકારી ખાતર વાંચવા જેવા લેખ :
* http://armedforces.nic.in/airforce/afkargil/arguj.htm (કારગીલ
યુદ્ધમાં શહીદ ગુજરાતીઓ)
* http://en.wikipedia.org/wiki/Rajendrasinhji_Jadeja (ઇન્ડિયન આર્મીના
પ્રથમ વડા, ચીફ ઑફ આર્મીસ્ટાફ, ભારતીય સૈન્યનાં દ્વિતીય કમાન્ડર ઇન ચીફ,
જામનગરના રાજવી રાજેન્દ્રસિંહજી જાડેજા)
* http://www.chowk.com/articles/11105 (ગુજરાતીઓની લડાયકતા બાબતે કેટલીક વાયકાઓ)
નોંધ:-કોઈ તકનીકી કારણોસર શ્રી અશોકભાઈની કૉમેન્ટ બ્લોગ પર આવી શકી નથી.માટે પોસ્ટ રૂપે મૂકી છે.
==========================================