ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો
નવરાત્રી શરુ થઇ ગઈ અને પૂરી પણ થઈ જશે..ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. પૂર્વ ભારતમાં દુર્ગા પૂજા થતી હશે ગરબા નહિ. ગુજરાતણો જેવા ગરબા ગાતા કોઈને ના આવડે. ગુજરાતણનાં લોહીમાં ગરબો સમાયેલો છે. નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો તહેવાર. શક્તિ મેળવવાનો તહેવાર. બ્રેઈનના Amygdala નામનાં વિભાગમાં કુદરતી આફત સમયે ભય પેદા થાય છે. ભય વિષે અગાઉ લખી ચૂક્યો છું. કોઈ પણ આફત સમયે ભય પેદા થાય તે સ્વાભાવિક છે. ભય આવે એટલે ભાગીને કે લડીને બચી શકીએ છીએ. લડવા ભાગવા માટે શક્તિ જોઈએ. બચવા માટે શક્તિની જરૂર પડે છે. ભય સમયે એક બીજો વિચાર પણ આવે છે કે કોઈ બચાવે મદદ કરે તો સારું. એમાંથી Amygdala માં પેદા થઈ ભગવાનની કલ્પના. નવરાશના સમયે વિચાર આવ્યો હશે કે આ બધું કોણે બનાવ્યું હશે? ભગવાન વિષે માનવ જાતે પ્રથમ સ્ત્રીને મૂકેલી કારણ સ્ત્રી પાસે નવું સર્જન(બાળક) કરવાની શક્તિ(ગર્ભ) છે. ગરબો ગર્ભનું પ્રતીક છે. ગરબાના ઘટની અંદર દીવો પ્રગટાવી મૂકીને ગરબા ગવાય છે. ગર્ભની અંદર નવું જીવન(દીપ) પ્રગટાવવાની શક્તિ સ્ત્રી પાસે છે. આ ગર્ભમાં રહેલા જીવનને સાચવે તેવું ગર્ભાશય મજબૂત તો હોવું જોઈએને? નહિતો અકાળે જીવન મુરજાઇ જાય કે નહિ? નવ દિવસ પગના ઠેકે ગરબા ગાવ અને ગર્ભાશયના સ્નાયુ મજબૂત બનાવો. નવજીવનની રક્ષા મજબૂત ગર્ભાશય જ કરી શકે. નવ મહિના આ બધું વેઢાંરવા પગ પણ મજબૂત જોઈએ કે નહિ? પ્રાચીન ધર્મોએ ભગવાન તરીકે સ્ત્રીની પૂંજા કરી છે. પછી સમાજ પુરુષપ્રધાન થતાં ભગવાનની જગ્યાએ પુરુષને બેસાડવાનું શરુ થયું. કોઈ શક્તિ જગત ચલાવી રહી છે તે થયા માતા અંબા કે માતા દુર્ગા.ભગવાન તરીકે માતા અંબા વધારે વ્યાજબીને ફીટ છે.
નવરાત્રી શક્તિ ભેગી કરવાનો તહેવાર શક્તિ વેડફી નાખવાનો હરગીઝ બનવો ના જોઈએ. કોઈ પણ તહેવારની ઉજવણી બીજાને પરેશાન કરે તે યોગ્ય નથી. એ હિસાબે દૂર પાર્ટી પ્લૉટ માં કે હોલમાં થતા ગરબા યોગ્ય છે. ચીલાચાલુ કંટાળાજનક ઘરેડમાં જીવતા લોકો માટે તો તહેવારો બનાવ્યા છે. તહેવારો ના હોય તો જીવન એક બોજ બની જાય. એમાં સ્ત્રીઓ માટે તો ખાસ. હવે સ્ત્રીઓ બહાર નીકળતી થઈ છે. નોકરી કરે છે, ભણે છે, બિઝનેસ કરે છે. પહેલા એવું ક્યાં હતું? પહેલા મેળા હતા. હવે મેળાનું ખાસ મહત્વ રહ્યું નથી. તરણેતર અને વૌઠાના મેળા હજુ પ્રખ્યાત છે. તહેવારો જીવનમાં ઉત્સાહ લાવે છે. એક નવું જોમ પેદા કરે છે. પણ નવ દિવસની મજા નવ મહિનાની અનિચ્છનીય સજા હવે બનવાની નથી. લોકો જાગૃત છે. ડોક્ટર્સને નવરાત્રી પછી જલસા થતા હોય છે પણ કૉન્ડોમ વધારે વેચાય તેમાં શું વાંધો? જેટલા કૉન્ડોમ વધારે વેચાય તેટલા ડોક્ટર્સને જલસા ઓછા થાય, અને સાબિતી છે કે હવેની યુવાની વધારે સમજદાર છે. શારીરિક આવેગ કોઈ કરતા કોઈ રોકી શકતું નથી. પણ બધા એ આવેગને તાબે થઈ જાય તેવું પણ નથી. સમજદાર માતાપિતા એ બાબતે દીકરીઓને સમજ આપે, શિક્ષણ આપે. કારણ ભારતમાં દીકરાઓ કરતા દીકરીઓને વધારે શોષાવું પડે છે.
ફિલ્મી ગીતો સામે કોઈ વાંધો ના હોય પણ નવરાત્રિમાં ગરબા ગવાય તેજ યોગ્ય લાગે. ઢંગધડા વગર ફિલ્મી ગીતો ઉપર નાચવું હોય તો કોઈ ક્લબમાં જવું સારું. ગરબો તો વડોદરાનો એટલાં માટે કહેવાય છે કે ત્યાં શુદ્ધ સુગમ સંગીત અને ઘણીવાર શાસ્ત્રીય રાગ આધારિત મનને મોહિત કરી દે તેવા ગરબા ગવાય છે. અતુલ પુરોહિત અને અચલ મહેતા ના કંઠે
“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે” કે પછી
“મુને એકલી જાણી ને કાને છેડી છે!!! મારો મારગડો મેલી ને હાલતો થા કે કહી દઉં જશોદાના કાનમાં!!”
જયારે સાંભળો ત્યારે કોઈ પણ મોહિત ના થઈ જાય તો સમજવું કે હવે કોઈ ચાન્સ નથી. રાજમહેલ કંપાઉંડ(નવલખી), યુનાઈટેડ વે, આર્કી, કારેલીબાગ, અમરનાથ પુરમ, મહેસાણા નગર, વગેરે વગેરે વગેરેના ગરબા માણવાની મજા અનેરી જ છે.
‘છટકી રે તારા માખણની મટકી,
એરે રિસાયો મારો સાહ્યબો,
હું તો હોળ રે વરહ ની હુન્દરી મને લટકો કરવાની ટેવ રે,
પેરી ના જાણ્યું ઓઢી ના જાણ્યું મીતે જાણ્યું કે જવાની અમ્મર રહેશે.’
http://www.youtube.com/watch?v=Sz7GBsiwGsk અતુલ પુરોહિતના કંઠે ગવાયેલા ગરબા સાંભળી ગમેતેવો ઔરંગઝેબ પણ ઝૂમી ઊઠે. બરોડીયન યુવાન યુવતીઓ જે દોઢિયું રમે છે તેતો મનને અદ્ભુત શાંતિ અર્પતું સમૂહ નૃત્ય હોય છે.
“તારા વિના શ્યામ મને એકલડું લાગે રાસ રમવાને વહેલો આવ રે”http://www.youtube.com/watch?v=eBoi42Pojl0
આ એક જ ગરબો ગઈને અતુલ પુરોહિત વડોદરાના ઇતિહાસમાં અમર થઈ ગયા છે.
“અંગ અંગ રંગ છે અનંગ નો” એક એકથી ચડિયાતાં શબ્દો આ ગરબામાં છે. વડોદરાના ગરબામાં એક નજાકત છે. એક સુર, લય, તાલ અને સુકોમળતા છે. એક સંસ્કારિતા છે. રંગ બેરંગી ભડકીલા ગ્રામીણ પહેરવેશમાં સજ્જ નાજુક નમણી યુવતીઓ ગરબે ઘૂમતી જુઓ તો લાગે કે સ્વર્ગની અપ્સરાઓ પૃથ્વી પર ઊતરીને માતાજીની આરાધના કરી રહી છે. યુવાનો પણ એમજ ગ્રામીણ વેશમાં સજ્જ યુવતીઓના તાલે તાલ મિલાવતા ગરબે ઘૂમતા જોવાનો એક લહાવો હોય છે. ડિસ્કો દાંડિયામાં એક અરાજકતા હોય છે. એમાં મસ્તી ધમાલ હોય છે, એની પણ એક જુદી જાતની મજા હોઈ શકે.
સ્ટેજને તોડી નાખે તેવા પગના જોરદાર ઠેકા લઈને ગાતા મેર અને આહીર ગરબા ગ્રુપ્સના ગરબા જોઇને રુવાડાં ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે. તેવું જોમ મેં બીજા કોઈના ગરબામાં જોયું નથી. એક પ્રચંડ તાકાત સાથે ગવાતા ગરબા એ સૌરાષ્ટ્રની આગવી પહેચાન છે. જયશંકર સુંદરી હોલમાં જ્યારે આ ગરબા વર્ષો પહેલા જોવા ગયેલ ત્યારે મને સતત ચિંતા થતી હતી કે આ લાકડાનું સ્ટેજ તૂટી તો નહિ જાય ને? સામ સામે ઝિલાતી મજબૂત હાથની તાળીઓના અવાજ સાંભળીને શૂર ચડે. સૌરાષ્ટ્રની જોમવંતી ધરાની બળુકી મેરાણી કે આહીરાણીના તાકાતવર હાથની થાપટ ઝીલવાનું કામ કાચાપોચાનું નહિ. એ તો સામે મજબૂત આહીર કે મેર ભાઈ જ જોઈએ. આ સૌરાષ્ટ્રના ગરબા જોઈએ ત્યારે અહેસાસ થાય કે શક્તિની આરાધનાનો ખરો ગરબો તો અહિ છે. નવરાત્રી કોને કહેવાય? ગરવી ગુજરાતનો મોંઘેરો ગરબો કોને કહેવાય? નવરાત્રી નું શું મહત્વ છે? એ ગુજરાતી સિવાય બીજા કોને સમજાય?
ઉત્તર ગુજરાતના ગામોમાં વળી દિવાળી આસપાસ ગરબા થાય છે. એને ફૂલોના ગરબા કહે છે. એક મોટું લાકડાનું ચોખટું બનાવેલું હોય, એને કાગળના ફૂલો વડે શણગારેલું હોય. ગામલોકો ભાગોળમાં ગરબા ગાતા હોય વચ્ચે એક જણ માથે આવું વજનદાર ફ્રેમ ઊચકીને ગરબા ગાતું હોય. માઇકની જરૂર ના પડે
“લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી”
જેવા પ્રાચીન ગરબા ગવાતા હોય છે. આ ગરબા બાધા આખડીના હોય છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં ગરબો સાથે લઈ જવાનો. એ અમેરિકા જાય, ઓસ્ટ્રેલીયા, યુરોપ કે ન્યુઝીલેન્ડ જાય ચાર ગુજરાતી ભેગાં થાય એટલે ગરબો પણ સાથે હોવાનો જ. મરણ સિવાય દરેક શુભ પ્રસંગે ગરબો થવાનો. ગુજરાતી આર્ક્ટિક સર્કલમાં જાય તો ત્યાં બરફમાં ગરબા ગાય તેમાં નવાઈ નહિ. જોકે ઉત્તરધ્રુવમાં ગુજરાતી જાય નહિ તે વાત જુદી છે. કારણ ત્યાં ખાવાનો પ્રશ્ન છે. રેન્ડીયર સિવાય બીજું કોઈ ભોજન મળે નહિ. જે ખવાય નહિ. બાકી ત્યાં દુકાન સારી ચાલે તેવી હોય તો ગુજરાતી પહોચી જાય એમાં નવાઈ નહિ. જ્યાં ગુજરાતી હોય ત્યાં દુકાન અને ગરબો હોવાનો એમાં શંકા નહિ.
