‘પ્રસ્તાવના’,”કુરુક્ષેત્ર મારા વિચારોનું”

 પ્રસ્તાવના
હે! પ્રિય વાચક મિત્રો,
હું જે કઈ લખું છું તે પરંપરાગત છે જ નહીં. કોઇ પૂર્વપરંપરાને અનુસરીને હું લખતો નથી. આવું હશે એમ જાણી માનશો નહીં. લૌકિક ન્યાય પણ નહીં લાગે, સુંદર લાગવાનો તો સવાલ જ નથી. શ્રદ્ધાને પોષનારું તો છે જ નહીં, ઉલટું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંનેને તોડનાર  બની રહે તેવી શક્યતા છે. ના તો હું પ્રસિદ્ધ છું, ના તો પૂજ્ય છું. બનવું પણ નથી. પણ તમારી વિવેક બુદ્ધિથી ખરું લાગે તો જ માનશો, સ્વીકારશો.  હા! મારા મનમાં વર્ષોથી ચાલતા વિચારોનું આ તુમુલ યુદ્ધ છે, તદ્દન કડવું સત્ય, મને જે લાગ્યું તે લખ્યું છે. સત્યમાં અતિશય ગળપણ નાખો તો પછી એની કોઈ અસર રહે ખરી? મારા મનમાં ચાલતા વિચારોના કુરુક્ષેત્રને મેં શબ્દ દેહ આપ્યો છે આ પુસ્તકમાં. અવૈજ્ઞાનિક માન્યતાઓ અને અંધશ્રદ્ધાથી જકડાઈ ગયા છીએ આપણે. ધર્મગુરુઓના પાળતું ઘેટાં બની ચૂક્યા છીએ આપણે. મહાત્માઓએ સદીઓથી વિચારવાની બારીઓ આપણી બંધ કરી દીધી છે. એ બારીઓ ખોલવાનો એક નમ્ર પ્રયાસ મેં કર્યો છે. એક વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટેનો પ્રયાસ માત્ર છે.
સૌથી જૂની સંસ્કૃતિ આપણી. શૂન્યની  શોધ અને એકથી નવ આંકડા આપણે આપ્યા. ગણિત ભારતની શરૂઆત. દશાંશ પધ્ધતિ આપણી શોધ. હર્બલ મેડીકલ સાયન્સ રૂપે આયુર્વેદ ભારતે આપ્યો. યોગા ભારતનો. ૪૫૦૦ વર્ષ પહેલા આધુનિક શહેર(ધોળાવીરા,કચ્છ) બનાવ્યું ભારતે, આમ વિજ્ઞાનની  શરૂઆત ભારતમાં થઇ. પણ ભૂલ ક્યા થઇ? અટકી કેમ ગયા? શું તમામ ઋષિઓ મહાન હતા ખરા? શું બધા અવતારરૂપે ભગવાનો મહાન હતા? કે અવતારો સિર્ફ મનુષ્યો જ હતા? કોઈ ઉપરથી ટપકતું નથી. શું ભગવાન કોઈ વ્યક્તિ છે? ના વેદ કે ઉપનીષદો ઉપરથી ટપક્યા છે, ના કોઈ પુરાણો. બધું આપણાં બુદ્ધિજીવી વર્ગે જ લખેલું છે. પ્રાચીન સમયમાં પ્રિન્ટીંગનું જ્ઞાન હતું નહીં. ત્યારે બધા શાસ્ત્રો કંઠસ્થ રાખેલા. એમાં ઉમેરણ થતું જ ગયું. અને નવા અર્થો પણ થતા ગયા. મનફાવે તેમ અર્થો કરીને પ્રજાનું શોષણ કરવામાં આવ્યું. ઉંચી આદર્શોની વાતો કરવામાં આવી, પણ લુખ્ખા આદર્શોથી અહંકાર સંતોષાય રોટલા ના નીકળે. શાશ્વતની શોધમાં પાયાની જરૂરિયાતો ભૂલ્યા. સ્વચ્છતા અને પવિત્રતાને સાથે જોડી જ નહીં. ગંદકી તો ગંદકી લાગતી જ નથી. ક્ષણમાં આતતાયી ને હણી નાખનાર  શ્રી કૃષ્ણ અને અણઘડ વાનરોની સેના લઇ સેતુ બાંધીને મહાબલી રાવણને હરાવી લંકા જીતનારા  શ્રી રામનાં વારસદારો કહેવડાવવાને લાયક છીએ ખરા? લગભગ આશરે ૯૦૦ વર્ષ ગુલામ રહ્યા, કેમ? કાયરતા ક્યાંથી પ્રવેશી? માનવમાં, બાળકોમાં, બાળ મજુરોમાં ભગવાન દેખાતો નથી. મિલિયન્સ ડોલર્સ  મંદિરો બાંધવામાં વપરાય છે. ભણેલા વર્ગમાં પણ વૈજ્ઞાનિક અભિગમ દેખાતો નથી. દિવસે દિવસે અંધશ્રદ્ધા ઘટવાને બદલે વધતી જાય છે. હિન્દુઇજમ, જૈનઈજમ,કેપિટાલીજમની જેમ શીપીજમ(sheepism) મતલબ ઘેટાશાહી શરૂ થઇ છે. ગુરુઓને એમના વાડામાં ઘેટાં વધારવાની જ પડી છે. ઘેટાઓના માનસિક વિકાસની પડી જ નથી. સાક્ષરો બાપુઓના બારોટો બનતા જાય છે. સંતો, સ્વામીઓ બાળક બનતા જાય છે. એમના “હું” ને સંતોષવા અબજો ડોલર્સ મંદિરોમાં નાખે જાય છે.
લગભગ આવા બધા વિષયો ઉપર મારા મનમાં જે વિચારોની યુદ્ધ ચાલતું હોય તે મેં શબ્દોમાં ઉતાર્યું છે. મારી બાયોગ્રાફી સમાન થોડા હાસ્ય લેખો પણ ઉમેર્યા છે. સૌથી કઠીન કામ હાસ્ય લેખ લખવાનું છે.ઓનલાઈન દિવ્યભાસ્કરમાં કોઈ લેખની નીચે મેં પ્રતિભાવ આપેલો. જેનું શીર્ષક”સ્ત્રીઓને ક્યા સુધી રડાવશો?” એવું હતું,જે લેખનું સ્વરૂપ પામેલો. બીજા કેટલાક પ્રતિભાવો પણ લેખનું સ્વરૂપ પામેલા. એમાંથી લખવાનું શરૂ થયું. આભાર દિવ્યભાસ્કર. એક બ્લોગ બનાવી ને લખવાનું શરુ કરેલું.  ગુજરાતી બ્લોગ જગતમાં  ઉત્સાહ પ્રેરક અભિપ્રાયો આપીને લખવા માટે ચાનક ચડાવનાર  અનેક મિત્રોનો હૃદય પૂર્વક આભાર માનું છું. આ બધા મિત્રોના સહકાર વગર લખવાનું શક્ય બન્યું ના હોત. મારા લખાણો સામે એમની સહમતી અને  અસહમતીમાં પણ એમનો પ્રેમ છલકાઈ આવતો હોય છે. ઘણા બધા વિષયો આ મિત્રો એ જ સૂચવ્યા છે. મારા આ “કુરુક્ષેત્ર” ને પુસ્તક સ્વરૂપે બહાર પાડવાનું આગ્રહપૂર્વક સુચન કરનાર તથા માર્ગદર્શન આપનાર મારા મોટાભાઈ શ્રી હરીશચંદ્રસિંહ રાઓલ, મોટાભાઈ ડો.શ્રી જીતેન્દ્રસિંહ રાઓલ(Ph.D),  લઘુ બંધુ શ્રી પ્રદીપસિંહ રાઓલ, મારા મિત્ર સમાન એવા ભત્રીજાઓ ડો. શ્રી વિરભદ્રસિંહ રાઓલ(Ph.D),ડો. શ્રી યોગેન્દ્રસિંહ રાઓલ(Ph.D) વિગેરેનો હું ખુબ જ આભારી છું. આ પુસ્તક માટે પ્રૂફ રીડીંગ, એડીટીંગ અને પ્રકાશન  વિગેરેની તમામ જવાબદારીઓ સંભાળનાર ડો. શ્રી વિરભદ્રસિંહ રાઓલ અને શ્રીમતી મીતા ભોજકનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું.
એક સવાલ કાયમ મારા મનમાં આવે છે કે પરમાત્મા કોઈ વ્યક્તિ તો છે નહીં.  છે તો એક નિયમ જે કદી કોઈ બાંધછોડ કરતો નથી. આ જગત એક નિયમથી ચાલે છે. તો પછી આ ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી? શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી? ઈતિહાસ ગવાહ છે કે સૌથી વધુ માનવ હત્યાઓ ધર્મોનાં નામે થઇ છે. મિત્રો એવી નથી લાગતું કે આ પૃથ્વી ઉપર ધર્મો ના હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????

મિત્રો ઉપર મુજબની પ્રસ્તાવના મારી બુકની છે. મારા મનમાં કેટલાક સવાલો ઉઠેલા છે, જે મેં પ્રસ્તાવનાનાં અંતમાં લખેલા છે.

૧)પરમાત્મા કોઈ વ્યક્તિ,એક નિયમ કે એક એનર્જી કે બીજું કઈ,શું છે?
૨) આ લેભાગુ, પાખંડી  ગુરુઓ રૂપી મધ્યસ્થીઓ, દલાલોની જરૂર ખરી?
૩)શું આટલા બધા ધર્મો અને સંપ્રદાયોની જરૂર છે ખરી?
૪)આ પૃથ્વી ઉપર ધર્મો ના હોત તો કદાચ આ પૃથ્વી વધારે સુખી હોત?????કે દુખી હોત??
       પ્રશ્નો છે બધા.  જવાબો મિત્રો આપશે???