
‘અઈ યો યો બેલ ઈરીન્ગે!’
એકવાર અમે સાઉથ ઇન્ડિયાની જાત્રાએ ગયેલા. ધર્મસ્થાનોએ જઈએ તોજ જાત્રા કહેવાય? વાત એવી હતી કે એક મિત્ર પુત્રને કોઝીખોડે કે કોઝીકોડે(Kozhikode) માં આર.ઈ.સી કૉલેજમાં એડમીશન મળેલું. ટકા થોડા ઓછા પડ્યા. અને જવું હતું એન્જીનીયરીંગમાં. ગુજરાતમાં કોઈ ચાન્સ હતો નહિ. રીજીયોનલ એન્જીનીયરીંગ કૉલેજનું એક ભારતવ્યાપી બોર્ડ છે. દરેક રાજ્યમાં એક કૉલેજ આવેલી હોય છે. ગુજરાતમાં સુરતમાં છે. તેમાં જે તે રાજ્યના ૫૦% અને ૫૦% બીજા રાજ્યોના વસ્તીના ધોરણે સીટો ભરવાની હોય છે. એમાં ચાન્સ લાગી ગયો અને કેરાલાના કાલીકટ(કોઝીખોડે)માં આવેલી આર.ઈ.સી માં આ મિત્ર પુત્રને પ્રવેશ મળી ગયેલો. આ મિત્ર કદી દક્ષિણ ભારત ગયેલા નહિ. એમને ખબર કે મારા મોટાભાઈ બેંગ્લોરમાં છે અને હું ચારવાર ત્યાં જઈ આવ્યો છું. એટલે મને ઑફર કરી કે તમે સાથે આવો એ બહાને ફરતા અવાશે. હું તૈયાર થઈ ગયો પણ સાથે અમારા મિત્ર અરવિંદભાઈ ને પણ તૈયાર કર્યા. આમ અમે ચાર જણા દક્ષિણ ભારતની જાત્રાએ ઊપડ્યા. અગાઉના મારા હાસ્ય લેખોમાં અરવિંદભાઈનો ઉલ્લેખ કરેલો છે.
બેંગ્લોર પહોચી ને પછી બસ પકડવાનું નક્કી કરેલું. સવારે અમારી બસ કાલીકટ પહોચી. ત્યાં એ દિવસમાં કોઈ રાજકીય બંધનું એલાન હશે. એટલે બઝાર બધું બંધ હતું. પ્રાઇવેટ લકઝરી બસમાં ગયેલા એટલે બસ સ્ટેન્ડે ઉતરેલા નહિ. અરવિંદભાઈ થોડા નીચા અને જે તે પ્રદેશના માણસો સાથે ભળી જાય તેવી કદ, કલર અને કાઠી ધરાવતા. સામાન ઘણો હતો. એટલે એમને ત્યાં ઉભા રાખીને અમે હોટેલમાં કોઈ રૂમ મળી જાય તેની તપાસમાં ઊપડ્યા. એ સમયે સુરતમાં પ્લેગ ફાટી નીકળેલો. હોટેલમાં કહીએ કે ગુજરાત થી આવ્યા છીએ તો રૂમ ખાલી નથી એવું કહી દે. શરુમાં સમજ ના પડી કે બધે રૂમો ખાલી નથી એવું કેમ બને? પાછાં જ્યાં સામાન સાથે અરવિંદભાઈ ઉભા હતા ત્યાં આવ્યા, ને શું કરવું તેના વિચારમાં પડી ગયેલા. અમારા જેવા અટવાઈ ગયેલા ઘણા મુસાફરો હતા. એમાંના કોઈ અરવિંદભાઈ પાસે આવીને દક્ષિણ ભારતીય ભાષામાં કશું પૂછે. હવે અમને કોઈને દક્ષિણ ભારતની એક પણ ભાષા આવડે નહિ. પણ અરવિંદભાઈમાં એક ખૂબી હતી. એમને એક પણ શબ્દ ના આવડતો હોવા છતાં દક્ષિણ ભારતની ભાષાનો ટોન આવડે. મતલબ શૈલી અને લહેકાની ખૂબ સરસ નકલ કરતા આવડે. શબ્દો જાતે બનાવી કાઢે. જેનો કોઈ અર્થ જ ના હોય.
કોઈ પૂછવા આવે એટલે એની સાથે એવા ટોનમાં ચાલુ પડી જાય. પેલા ને સમજ ના પડે કે આ માણસ કઈ ભાષામાં વાત કરે છે? અમે બાજુમાં ઉભા હસતા હોઈએ. પેલો થાકી ને જતો રહે. પછી એમનું અટ્ટહાસ્ય ગુંજી ઊઠે. મારા મિત્ર જે ડૉક્ટર હતા તે ખૂબ હસે..બીજો કોઈ માણસ નજીક કશું પૂછવા આવતો જણાય તો કહે હસતા નહિ હો, એને ભગાડી મુકું છું. પેલો એની ભાષામાં પૂછવા લાગે એટલે અમારી સામું જોતા જાય અને ફેંકવા લાગે, અમારું હસવું માય નહિ. પણ એ જરાય હસે નહિ, એકદમ સીરીયસ અભિનય કરતા પેલા જોડે એવાજ ટોનમાં બોલે જાય. ડૉક્ટરને હસીને પેટમાં દુખવા લાગેલું. પેલો થાકીને સમજ ના પડવાથી જતો રહે. અરવિંદભાઈ ને કહ્યું કે કોઈ રૂમ આપતું નથી. તો કહે સુરતમાં પ્લેગ ફાટેલો છે એના લીધે નહિ આપતાં હોય. હવે અમને સમજ પડી કે રૂમો અમારા માટે ખાલી કેમ નથી.
ફરી પાછા એક હોટેલમાં ગયા અને કહ્યું કે ભાઈ પ્લેગ સુરતમાં છે બરોડામાં નહિ અને અમે બરોડાથી આવીએ છીએ..તો કહે પ્લેગને સુરતથી બરોડા પહોચતા વાર કેટલી? પછી ડૉક્ટર આગળ આવ્યા અને કહ્યું કે ભાઈ હું ડૉક્ટર છું અમને કોઈને પ્લેગ નથી. માંડમાંડ રૂમ મળી. અરવિન્દભાઈ કહે એક તો મને બઝારમાં વચ્ચે ઊભો રાખીને જતા રહો છો બધા મને પૂછવા આવે અને ભગાડું છું તો હસો છો. બીજા દિવસે કૉલેજ કેમ્પસમાં જવાનું હતું. તે જરા કાલીકટ શહેરથી દૂર હતું. સિટીબસમાં જવા નીકળેલા. એક તો અજાણ્યા અને ભાષા આવડે નહિ. થોડું હિન્દીમાં ચાલી જાય. અમારા ઉતરવાના સ્થળે બસ ઊભી રહી અમે ત્રણ જણા પાછળ જ હતા તે ઊતરી ગયા. ઊતર્યા પછી ખબર પડી કે અરવિંદ ભાઈ જરા આગળ ઊભેલા તે રહી ગયા છે અને બસ તો ઊપડી. ત્યાં બસ ડ્રાઈવર બસ બહુ ફાસ્ટ ચલાવતા હતા. અમે કશું બોલીએ તે પહેલા તો બસ આગળ નીકળી ગઈ. મેં કહ્યું હવે આ ચતુર ક્યાં ઊતરશે? ભાષા આવડતી નથી ને આતો લોચો માર્યો. પણ અમારા આશ્ચર્ય વચ્ચે બસ જરા આગળ જઈ ને ઊભી રહી ને હસતા હસતા અરવિંદભાઈ નીચે ઊતર્યા. મેં પૂછ્યું કંડકટર ને શું કહેલું, તે બસ ઊભી રાખી. તો કહે જોર થી બૂમ પાડી ને બેલ ખેંચવાનો ઇશારો કરતા કહ્યું કે
‘અઈ યો યો નાર્ગીલ્લો પોર્ગીલ્લો બેલ ઈરીન્ગે!’
પેલો સાઇન ભાષા સમજી ગયો ને બસ ઊભી રાખેલી. ઉપરના વાક્ય નો કોઈ અર્થ થતો જ નહોતો. પણ એમનો ટોન લાજવાબ હતો. તમને લાગે નહિ કે એમને સાઉથની કોઈ ભાષા આવડતી નથી. કૉલેજ કૅમ્પસમાં અમે પહોચ્યા. ત્યાં રૂમ મળી જાય પછી સામાન, બેગ, બિસ્તરા લઈ ને જઈએ. એટલે પાછાં અરવિંદભાઈ ને કેન્ટીન આગળ સામાન સાથે ઉભા રાખી ને અમે ઓફીસમાં ગયા. બધી વિધિ પતાવી ને પાછાં આવ્યા તો અરવિંદભાઈ કોઈ આંદામાન નિકોબારના છોકરા સાથે હિન્દીમાં વાતો કરતા હતા. મને કહે આ ભાઈલો પહેલા તેની ભાષામાં વાત કરતો હતો મેં પણ એવીજ આલવા માંડી એટલે ધીમે રહી ને હિન્દીમાં આવી ગયો. કેન્ટીનમાં જમવા બેઠાં. તો રોટલી તો હોય નહિ. એક મોટા તગારાંમાંથી ડિશ ભરીને ભાત થાળીમાં નાખ્યા અને દૂધ માપવાનું જે લીટરીયુ આવે છે તેનાથી સંભાર નાખ્યો. થાળી ટેબલ પર લાવ્યા પછી અરવિંદભાઈ કહે મહિનો ચાલે તેટલો ભાત આજે આરોગી લો. ડૉક્ટરને જૂની વાત યાદ આવે ખૂબ હસવું ચડે. મને કહે આટલું આખી જીંદગીમાં હસ્યો નથી. આટલાં બધા ભાત એકલાં ખાવાના? પેટમાં સમાય કે નહિ? આજુબાજુ બીજા સ્થાનિક લોકો બેઠાં હોય તે આરામથી દાળભાત ખાતા હોય. આખી હથેળીમાં ભાત લેવાનો, મિક્ષીંગ પ્રક્રિયા હાથ ધરવાની, આંગળીઓ વચ્ચેની તિરાડમાંથી દાળ ડોકિયાં કરતી હોય, ક્યાંક રેલાતી પણ હોય પછી કોળિયો ખાવાનો. જેવા જેના રિવાજ. અરવિંદભાઈની વાતો ચાલુ હોય. તેમાં ડૉક્ટરને વધારે પડતું હસવાથી ખાંસી ચડી. આંખોમાંથી પાણી વહેલા લાગ્યું. પૂરો ભાત ખવાણો પણ નહિ. કદી આટલાં પ્રમાણમાં ખાધેલો જ નહિ.
મિત્ર પુત્રને ત્યાં મૂકીને અમે બેંગ્લોર આવ્યા. મોટાભાઈ ને ત્યાં રોકાયેલા. બીજા દિવસે બેંગ્લોર દર્શનની બસમાં સીટી ની મુલાકાતે નીકળ્યા. અહીં કોફીનું વધારે ચલણ. ચા પણ મળે. અરવિંદભાઈને કોફી પીવાનો બહુ શોખ. બરોડા કેનેરા કોફી હાઉસમાં કોફી પીવા જઈએ તો ઑર્ડર આપશે, ‘એક સ્ટ્રોંગ કમ સક્કર કોફી આવવા દેજે’. થોડી કડવી લાગે તેવી કોફી પીવાની મજા આવે. બેંગ્લોરમાં કોફી પીવાની એમને મજા પડી ગઈ. જ્યાં બસ ઊભી રહે ત્યાં કોફી જ પીવે.
આમ મુસાફરી પૂરી કરી ગુજરાત પાછાં આવી ગયા. બેચાર દિવસ પછી અરવિંદભાઈ મળ્યા તો કહે હવે આખી જીંદગી કોફી નહિ પીવું. મેં પુચ્છ્યું કે શું થયું? તો કહે
‘અરે સાલું આ અતિશય કોફી પી ને નીચેનો વાલ્વ જામ થઈ ગયેલો, લગભગ બંધ જ થઈ ગયેલો.’
મને સમજ ના પડી. તો કહે ચામાં એરંડિયું પીધું ત્યારે ખુલાસો થયો. હવે સમજ પડી કે અતિશય કોફી પીવાથી કબજિયાત થઈ ગયેલી. પણ ત્યાર પછી કોઈ દિવસ કેનેરા કોફી હાઉસનું નામ ના લે.
વડોદરા કૉર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી પોલીટેકનીક કૉલેજમાં હતી. ત્યાં એમાંના વૉર્ડના વિજેતા ઉમેદવારને હાથ મિલાવી ને ઘેર આવ્યા ત્યાં સુધી કોઈ ને ખબર નહોતી કે હવે સમય થઈ ગયો છે અરવિંદભાઈની આખરી વિદાય નો. આજે સવારે સમાચાર મળ્યા કે સીવીઅર હાર્ટ ઍટેકમાં સાજાસમા હસતા હસાવતા અરવિંદભાઈ અચાનક ભૂતકાળ બની ગયા છે. મેં એક પરમ મિત્ર ગુમાવ્યો છે. મન બહુ ઉદાસ હતું. આ અરવિંદભાઈને શ્રદ્ધાંજલિ આપવી હતી. થયું કે જેમણે કાયમ મને હસાવ્યો જ છે તેમને એક લેખ લખીને, જુના સંસ્મરણ વાગોળીને શ્રદ્ધાંજલિ અર્પશું.
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः
नचैनं क्लेदयं त्यपो न शोषयति मरुतः
શસ્ત્રો છેદી શકતા અને અગ્નિ બાળી શકતો નથી, ભલે ગીતા એવું કહે પણ જે શરીરમાં આ કહેવાતો આત્મા હોય છે તે શરીરને તો બાળી શકાય છે. હવે શ્રી અરવિન્દભાઈ કે એમનો અમર આત્મા ફરી કદી હસાવી શકવાના નથી.