પરમેશ્વર માટે ના કોઈ શત્રુ છે ના કોઈ મિત્ર. પરમેશ્વર તો ન્યુટ્રલ ગીયર છે. પરમેશ્વર ના તો નિર્બળ છે, ના સબળ. પરમેશ્વર ના તો ક્રૂર છે , ના દયાળુ. પરમેશ્વર તો એક નિયમ છે. નિયમ તોડો તો એના પરિણામો ભોગવો. એમાં કોઈ વહાલા દવલાની નીતિ ચાલે નહિ. આપણે મનુષ્યો છીએ માટે એને વહાલા છીએ અને બીજા પ્રાણીઓ કે જીવો દવલા છે તેવું નથી. એક નાનામાં નાનો જીવ એને માટે સરખો જ છે. મનુષ્યો મહત્વના અને બીજા નહિ, તેવું કુદરત આગળ ના હોય. મનુષ્યોમાં પણ હિંદુ વહાલા કે ખ્રિસ્તી વહાલા અને બીજા ના હોય તેવું પણ નથી. બ્રીટીશર ખરાબ અને ભારતીયો જ સારા એવું પણ કુદરત આગળ ના હોય. એવું હોત તો બસો વર્ષ રાજ કરી ગયા ના હોત. ઘોરી ખરાબ અને પૃથ્વીરાજ સારો તેવું પણ નહોય. એવું હોત તો પૃથ્વીરાજ હાર્યો જ ના હોત. કુદરત આગળ સૌ સરખાજ છે. જે ભેદ ભાવ બનાવ્યા કે ઘડ્યા તે આપણે ઘડ્યા છે. નિયમ આગળ કોઈનું ચાલે નહિ. બની શકે કે નિયમો સમજાતાં નથી, કે સમજવા દેવામાં આવતા નથી. દસમાં માળેથી નીચે પડો અને માથું જમીન પર અથડાય તો ભગવાનનો વહાલો દીકરો પણ ના બચે. હા માથું જમીન પર નાં ભટકાય તો બચી જવાય ભલે હાથ કે પગ તૂટે. હવે અહી બચી ગયેલો સમજે કે ભગવાને બચાવ્યો કે ગુરુજીએ બચાવ્યો તે ખોટું છે. એક્સીડેન્ટ કે માથું ના ફૂટ્યું ને બચી ગયો. અમારા એક સબંધીનો દીકરો નાનો હતો ત્યાર થી ખુબ ભક્તિભાવ વાળો. રોજ મહાદેવને દૂધ ચડાવવા જાય. પણ એકવાર કારમાં એક્સીડેન્ટ થયો. વીજળીનો થાંભલો કારના અથડાવાથી તુટ્યો અને એ જે બાજુ બેઠેલો તે બાજુ પડ્યો ને ગુજરી ગયો. થાંભલો જરા દુર પડ્યો હોત તો બચી જાત. બચી જવાના કારણો હોય છે, નિયમ હોય છે. પણ આપણે માની શકતા નથી. ભારત ખુબ ધાર્મિક હતું અને છે. કાયમ લોકો કથા, વાર્તાઓ, જપ, તપ, યજ્ઞો, ભજન, ભક્તિમાં રમમાણ રહેતા હોય છે. માટે ઈશ્વરભાઈના સૌથી વહાલા હોવા જોઈએ ને? તો મુસ્લિમ ચડી આવ્યા તો હારી કેમ ગયા? ભગવાને મદદ કેમ ના કરી? પછી અંગ્રેજો આવ્યા. નિઝામના હૈદરાબાદ કરતા બ્રિટન નાનું હતું. સ્પેન કેવડું છે? ભારતના એક કે બે રાજ્યો જેટલું? એક સમયે આખું સ્પેન મુસલીમના અંડરમાં આવી ગયેલું. પણ જાતે જ બેઠું થયું. અરે દક્ષીણ અમેરિકા ખંડનાં લગભગ તમામ દેશો કબજે કરી લીધા. જેવા કે પેરુ, ઉરુગ્વે, આર્જેન્ટીના, નિકારાગુઆ, ગ્વાટેમાલા, મેક્સિકો અને બીજા અનેક. બ્રાઝીલ નાનકડા પોર્ટુગલે કબજે કર્યું. નાતો ભારતીયો નિયમ આગળ મોટા છે ના યુરોપિયન નાના. અરે અમેરિકાનોએ આજ બ્રીટીશરો ને ૧૭ મી સદીમાં ભગાડેલા. આજ બ્રીટીશરો પાછા એજ ૧૭ મી સદીમાં ભારત આવ્યા. હારીને બેસી રહ્યા હોત તો? નિયમો સમજો, ના સમજાય તો ચમત્કાર માનશો નહિ. કે ચમત્કારની આશા રાખશો નહિ. માટે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું નહિ અને ગઝની સોમનાથ તોડી ગયો. તમે નબળા પડ્યા. કુદરત આગળ ગઝની અને હિંદુ બધા સરખા જ છે.
શ્રી સુબોધ શાહ કહે છે Culture Can Kill હું કહું છું Culture Already Killed Us !!!!!!હજુ તો મોહન ભાગવત આજે પણ કહે છે કે હિંદુ ધર્મ અહિંસક છે. હવે અહિંસક બનવું હોય અને તે પાળવું હોય તો ગુલામ બની રહો. આશરે ૯૦૦ વર્ષ ગુલામી ભોગવી દેવોની ભાષા બોલવાવાળા આપણે. જો આપણે જ પવિત્ર અને ધાર્મિક પુણ્યશાળી જ હોત તો ઈશ્વરે કેમ ગુલામીમાંથી મુક્ત ના કરાવ્યા? તમારામાં લડવાની તાકાત કે આયોજન ના હોય તો ભોગવો મારે શું? આ છે ઈશ્વરભાઈનું કહેવું. અને ગુલામીમાં જ સુખ અને આનદ મેળવવો હોય તો પણ એને શું વાંધો? આ તો અંગ્રેજોની ભૂલ કે તમને ભણાવ્યા. બાકી હજુ ગુલામ જ હોત. પરમાત્મા નિર્બળ નથી. એ એનું કામ કર્યે જ જાય છે. તમે ભક્તિ કરશો તો તમારે પડખે ઈશ્વર બેસી જશે એવું માનવું ભૂલ છે. અને ભક્તિ નહિ કરે તેની વિરુદ્ધ જશે તેવું પણ નથી. જગત આખું નિયમથી ચાલી રહ્યું છે. તો આપણી સ્વતંત્રતા શું? બહુ સરસ જવાબ આપ્યો છે મહમદ પયગમ્બરે પૂછનારને. તમે ઉભા છો તો તમે એક પગ ઉંચો કરવા માટે સ્વતંત્ર છો. બીજો નહિ. બંને સાથે ઉંચા કરવા માટે નિયમ એવો છે કે ગબડો અને પડો. પડવું હોય તો ચોઈસ તમારી છે. એમાંથી પણ આનંદ મેળવવો હોય તો ચોઈસ તમારી છે. અંગ્રેજો લુંટી નથી ગયા. આપણને લુંટાઈ જવામાં મજા આવી હશે. ચોઈસ આપણી જ હતી.
શરીરનાં ખાસ નિયમો છે. ૪૨ વર્ષ પછી વળતા પાણી સમજી લેવાના. નવા કોશો ઓછા બને. સારા ખોરાક અને નિયમો થી આયુષ્ય થોડું વધારી શકો. એક સેલ એક કોપી મૂકતો જાય. એક જ પેપરની ઝેરોક્ષ કોપી કાઢો. પછી તે ઝેરોક્ષની ઝેરોક્ષ કોપી કાઢો. આમ ઝેરોક્ષની ઝેરોક્ષ કાઢતા જાવ. શું થશે? ધીમે ધીમે કોપી બગડતી જવાની. બસ ભાઈ શરીરનું પણ એવું જ છે. પણ ૧૪૦૦ વર્ષ જીવવાની લાલચ અપાઈ જાય તો ધંધો આપનારનો સારો ચાલે. મૂર્ખાઈની કોઈ હદ હોય ખરી? શરીરમાં જે દહન ક્રિયા થાય છે તેમાં ઓક્સીજન વપરાય છે, આજ ઓક્સીજનનો એક ફ્રી રેડીકલ બહાર પડે. જે પોષતું તે મારતું. આ ભઈલો જ કોશોનો નાશ કરતો જતો હોય છે. હવે શ્વસન ક્રિયા જેટલી લાંબી અને ધીમી એટલી દહન ક્રિયા પણ ધીમી એટલું ઓક્સીજનનો ફ્રી રેડીકલ જમા થવાનું ઓછું. માટે કાચબો લાંબુ જીવતો હોઈ શકે. તમે કોઈ નવા નુસખા શોધી ને કેટલું લંબાવી શકો? વધારે જીવવા માટે બેસી પણ કેટલા રહો?પ્રાણાયમ એમાજ શોધાયા. અને નિષ્ક્રિય બેસી રહેવાનું પણ એમા જ તપ અને સમાધિ કે ધ્યાનનાં નામે શોધાયું હોવું જોઈએ. કોઈ પણ કર્મ એની સમગ્રતા થી કરવું જોઈએ એ જ ધ્યાન. શારીરિક તંદુરસ્તી માટે યોગા અને પ્રાણાયામ સારા જ છે, પણ એનાથી હજારો વર્ષનું આયુષ્ય મળે તે ઈમ્પોસીબલ છે. કલ્પનાઓના તરંગોમાં જીવતી આપણે મહાન ભારતીય પ્રજા છીએ, વાસ્તવિકતાથી લાખો માઈલ દુર. શ્રી અરવિંદ અતિમનસ ચેતનાનો કોન્સેપ્ટ લઇ આવેલા. એમના મૃત્યુ પછી માતાજી(ફ્રેંચ મહિલા)ની આજ્ઞાથી એમની ડેડ બોડીમાં અતિમનસ ચેતનાનું અવતરણ થશે તેમ માની રાખી મુકેલી. પણ પછી દુર્ગંધ આવવા લાગી અને સમાધિમાં પરિવર્તિત કરી દેવામાં આવી. રીસાયકલીંગ કુદરતનો નિયમ છે.