શરાબ..થોડી થોડી પીયા કરો.(નહિ પીવો તો ચાલશે).
ગુજરાતમાં દારૂબંધી છે, પણ ગુજરાતીમાં એના વિષે લખવા માટે કોઈ બંધી નથી. છતાં કોઈને શરાબ વિષે પ્રાથમિક માહિતી ના વાંચવી હોય તો છૂટ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કદાચ છાનોમાનો વધારે પીવાઈ જતો હશે. દારૂબંધીના લીધે પોલીસ ખાતાને પ્રધાનોને બખમ બખ્ખા છે, ખાસ તો ગૃહ પ્રધાનને. આપણે ત્યાં દેશી દારૂ પીવાય છે. જે મહુડા, સડેલો ગોળ વિગેરેનો બને છે. લઠ્ઠો પીને પણ લોકો મરી જાય ત્યારે થોડા દિવસ લોકો ચમકે છે, પછી ભૂલાઈ જાય છે. મહુડાનો શુદ્ધ દારૂ કોઈ વિદેશી શરાબને ટક્કર મારે તેવો હોય છે. આથો લાવવા માટે એને અમુક દિવસ પાણીમાં પલાળીને માટલામાં રાખવામાં આવે છે. યીસ્ટ નામના બેક્ટેરિયા આથો લાવે અને એમાં રહેલી સુગરનું આલ્કોહોલમાં રૂપાંતર કરે. પછી ડીસ્ટીલેશન દ્વારા આલ્કોહોલ જુદો પાડી લેવાય.ગુજરાતમાં દરેક વિદેશી શરાબને લોકો વાઈન કહે છે. પણ વાઈન અને લીકર જુદી વસ્તુ છે. વાઈન ગુજરાતમાં ખાસ મળતો નથી. ગુજરાતમાં જે વિદેશી દારૂ મળે છે તે લગભગ નકલી જ છે, બીજું બોટલ ઉપર બ્રાંડ ભલે જુદી જુદી વ્હીસ્કી, કે વોડકા લખેલું હોય અંદર બધું એક જ હોય છે. છતાં સારો દારુ પણ મળતો જ હશે. વાઈન દ્રાક્ષમાંથી બને છે. છતાં એમાં જુદા જુદા ફ્રુટ પણ વપરાય છે. આર્કિયોલોજીકલ પુરાવા મુજબ ૮ હજાર વર્ષ પહેલા જ્યોર્જીયા અને ઈરાનમાં વાઈન બનતો તેવું જાણવા મળ્યું છે. એના પહેલા પણ ચીનમાં વાઈન બનતો હતો. પણ ગ્રીસમાં લગભગ સાડા છ હજાર વર્ષ પહેલા વાઈન બનતો હતો. વાઈનનાં જુદા જુદા પ્રકાર નો આધાર જેતે દ્રાક્ષ ઉપર છે. જેવાકે Pinot noir , chardonnay , cabernet sauvignon , Gamay અને Merlot છે. રેડ વાઈન લાલ અને કાળી દ્રાક્ષમાંથી બને ,અને વાઇટ વાઈન લીલી દ્રાક્ષ માંથી બને છે. દ્રાક્ષને છુંદીને તેના રગડાને અમુક દિવસ પલાળવામાં આવે એમાં પણ દ્રાક્ષમાં રહેલી કુદરતી શર્કરાને યીસ્ટ આલ્કોહોલમાં પરિવર્તિત કરે છે. વાઈનમાં ૧૦ થી ૧૪ % આલ્કોહોલ હોય છે. કોઈ કોઈમાં થોડો વધારે હોય. પણ લીકર જેટલો આલ્કોહોલ એમાં ના હોય. ઝંડુનો દ્રાક્ષાસવ પણ એક જાતનો વાઈન જ કહેવાય.

રેડ વાઈનમાં એન્ટી ઓક્સીડેન્ટ ખૂબ હોય છે. પ્રમાણસર પીવાથી હૃદય રોગમાં ફાયદો કરે છે. વધારે પીવાથી નુકશાન કરે તે સ્વાભાવિક છે. સ્પાર્કલિંગ વાઈનમાં ગેસ ઉમેરવામાં આવે છે સોડાંની જેમ. શેમ્પેન સ્પાર્કલિંગ વાઈન જ કહેવાય. એના પરથી લાકડાનો દાટો ઉડાડો અને હલાવો એટલે જોરથી પિચકારીઓ ઉડે. રેડ વાઈન રૂમ ટેમ્પરેચરમાં પીવાય છે, જયારે વાઈટ વાઈન અને શેમ્પેન ફ્રીજ માં ઠંડા કરેલા પીવાય છે. રેડ વાઈનને પીતાં પહેલા થોડો સમય ખુલ્લો રખાતો હોય છે, જેથી હવામાંનો ઓક્સીજન એમાં ભળે આને બ્રીધીંગ માટે રાખેલો કહેવાય છે. અથવા મેચ્યોર થાય તેવું પણ કહેવાય છે. વાઈનની બોટલના ડાટા કે બુચ પોચા લાકડાના હોય છે. જેને ખોલવા ખાસ પ્રકારના વાઈન ઓપનર રાખવા પડે. આ ખાસ પ્રકારના લાકડાના બુચને બોટલની અંદરનો વાઈન સ્પર્શ પામી શકે માટે બોટલને વાઈન શોપમાં આડી મુકવામાં આવતી હોય છે, જેથી લાકડામાંની અરોમા વાઈનમાં જાય. જો કે હવે ઘણી બોટલોને પ્લાસ્ટિકના બુચ પણ મારવામાં આવે છે. ભોજન કરતા કરતા વાઈન પીવાની મજા કૈક ઓર જ હોય છે.
હાર્ડ લીકરમાં વ્હીસ્કી, બ્રાન્ડી, રમ, વોડકા, ટકીલા અને જીન આવે છે. રમ શેરડી અને મોલાસીસમાંથી બને છે. રમની શરૂઆત ભારતમાં થયેલી તેવું કહેવાય છે. જયારે બ્રાંડી દ્રાક્ષ અને કેટલાક ફ્રુટમાંથી બને છે. જ્યારે વ્હીસ્કી, વોડકા અનાજ જેવા કે ઘઉં, જવ, રાયમાંથી બને છે. કેટલાક વોડકા પોટેટો માંથી બનાવવામાં આવે છે. આમાં ૩૫ થી ૪૦% આલ્કોહોલ હોય છે. ઘણી બ્રાંડમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે પણ રાખવામાં આવે છે. ટકીલા અગેવ નામના પ્લાન્ટમાંથી બને છે. અગેવ પ્લાન્ટમાં જે કીડા પડે તે પણ કોઈ કોઈ ટકીલાની બ્રાંડના શરાબની બોટલ માં નાખેલો જોવા મળે છે. ટકીલા પી ને લોકો મીઠું અને લીંબુ ચૂસતા હોય છે.‘નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ’પણ બોટલ શરાબ પીતી નથી. જુનો શરાબ સારો માટે કાચની બોટલમાં નાં રખાય કારણ બોટલ શરાબ પીતી નથી કે શરાબ કાચ ને પીતો નથી. માટે દરેક વાઈન અને હાર્ડ લીકર ને જૂનો કરવા માટે બનાવીને ઓકટ્રીના લાકડાના પીપમાં ભરી રાખવામાં આવે છે. આને એજિંગ કહેવાય છે. જાણીતી બ્રાંડ જોની વોકર સ્કોચ વ્હીસ્કી રેડ લેબલ જૂનો ના હોય, બ્લેક લેબલ ૧૨ વર્ષ જૂનો હોય, ગ્રીન લેબલ ૧૫ વર્ષ જૂનો, ગોલ્ડ લેબલ ૧૮ વર્ષ જૂનો અને બ્લ્યુ લેબલ ૨૧ વર્ષ જૂનો હોય. એવીજ રીતે શિવાજ(chivas) રીગલ સ્કોચ ૧૨ વર્ષ, શિવાજ ગોલ્ડ ૧૮ વર્ષ અને રોયલ સેલ્યુટ ૨૧ વર્ષ જૂનો હોય છે. આ ૨૧ વર્ષ સ્કોચ વ્હીસ્કીની એક ૭૫૦ ml ની બોટલ આશરે ૧૭૫ થી ૨૦૦ ડોલરમાં વેચાય છે. લંડનમાં બનતા એક જિનનું બ્રાંડ નેઈમ બોમ્બે શેફાયર છે. અને બીજા એક જિન નું નામ(Tanqueray) માં રંગપુરનું નામ ઉમેરેલું છે. આ રંગપુર બાંગ્લાદેશમાં આવેલું છે. રંગપુર લાઈમ એક ઓરેન્જ અને લીંબુની વચ્ચે નું ખૂબ ખાટું ફળ છે. જિન મૂળભૂત રીતે Juniper berries માંથી બને છે. જિનને બનાવતી વખતે તેમાં લીંબુ અને કડવી મોસંબીનો ઉપયોગ થતો હોય છે.

ફ્રાંસનાં cognec એરિયામાં બનેલી બ્રાન્ડી ઉંચી જાતની ગણાય છે. એમાં રેમી માર્ટીન અને હેનેસી પ્રખ્યાત છે. ૩૦ વર્ષ જૂની રેમી માર્ટીનની લુઈ નામની બ્રાંડ ની એક ૭૫૦ ml ની બોટલ આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ ડોલરમાં મળે છે. ‘હુઈ કિતની મહેંઘી શરાબ કે થોડી થોડી પીયા કરો’. નેપોલિયન બ્રાન્ડી ચાર વર્ષ જૂની હોય છે. વોડકાની શરૂઆત રશિયામાં થયેલી. રશિયાની નજીકના યુરોપના દેશોમાં વોડકા વધારે લોકપ્રિય ગણાય છે. જર્મન લોકો બીયર વધારે પીતા હોય છે. બીયર જવમાંથી બને છે. એમાં પાણી વધુ હોય અલોકોહોલ ઓછો. બેલ્જીયમ અને જર્મન બનાવટના બીયર વધારે વખણાતા હોય છે. બધી ઉંચી જાતના શરાબ,વાઈન કે લીકર ને જુના કરવા માટે સેલારમાં મૂકી રખાતા હોય છે.
અહી અમેરિકામાં ભારતીય બનાવટના ઓલ્ડ મન્ક રમ, અને બેંગ્લોરની અમૃત ડીસ્ટીલરીની અમૃત બ્રાંડની વ્હીસ્કી પણ મળે છે. અમૃત વ્હીસ્કી આમ તો મોંઘી છે. ટીપીકલ ઇન્ડિયન ટેસ્ટ ધરાવતી આ વ્હીસ્કી થોડી સ્વિટ પણ લાગે છે. અમૃત વ્હીસ્કીના લગભગ દસેક પ્રકાર છે. ૭૫૦ ML નાં ૫૬ ડોલરથી માંડીને ૧૪૦ ડોલર સુધીનો એનો ભાવ છે. બ્લેક લેબલ વ્હીસ્કીનો સ્વાદ એકવાર ભાવી જાય તો પછી બીજી બ્રાંડ જલદી ભાવે નહિ. એનો અસલી સ્વાદ પામવો હોય તો ઓન રોક પીવાની મજા આવે. પાણી કે સોડા ઉમેરવાથી સ્વાદ હળવો થઈ જાય. અહી સોડા એટલે પેપ્સી અને કોક ને લોકો સોડા કહેતા હોય છે. આપણે ભારતમાં જે સોડા કહીએ છીએ એને અહી ક્લબ સોડા કહેવાય છે. મારું પ્રિય ડ્રીંક બ્લેક લેબલ ઓન રોક, રોક એટલે બરફના ટુકડા પાણી વગેરે કશું ઉમેરવાનું નહિ. ઓછું પીવાનું પણ ક્લાસિક પીવાનું.. વોડકા ફળોના જ્યુસ સાથે પીવાય. ઓરેન્જ જ્યુસ, ક્રેન્બેરી જ્યુસ વગેરેમાં ઉમેરીને વોડકા પીવાય. ટલ્લી થવું હોય તો ૫૦ ML નાં શોટ નીટ મારી લેવાના. 

શરાબ વિષે થોથા ભરાય તેટલું બધું જાણવાનું હોય છે, પણ બધું જરૂરી નથી. વાઈન, વોડકા, બ્રાન્ડી બધું રસોઈ બનાવતી વખતે અને ખાસ પ્રકારની કેકમાં પણ ઉમેરવામાં છે. યુરોપિયન સ્ટાઈલની રસોઈ વાઈન વાપર્યા વગરની ભાગ્યેજ હોય છે. જુઇશ અને ક્રિશ્ચિયન ધાર્મિક અવસરે પણ વાઈન વાપરવાનું મહત્વ છે. વધારે પડતા પાકા ફળો ખાઈને વાનરો ખૂબ હાઈપર થઇ જતા હશે તેવું નિરીક્ષણમાં આવ્યા પછી માનવ જાતે શરાબ બનાવવાનું શીખી ને પીવાનું શરૂ કર્યું હશે તેવું મનાય છે. ભલે પુરાવા નાં મળે પણ શરાબની શોધ ભારતમાં જ થઇ હોવી જોઈએ. એટલે શરાબ પીવો તે વાંદરાને નિસરણી આપ્યા જેવું કહેવાય.
એકવાર પીવાનું શરૂ કરો એટલે પછી તેનાથી ટેવાતા જવાય છે. કોઈ પણ ઝેર શરીરમાં નાખો તેનો નાશ કરવાનું કામ લીવર કરે છે. એટલે શરાબીનું લીવર વધારે કામ કરતું થાય છે.
અને શરાબ પછી નશો ઓછો આપે એટલે એનું લેવાનું પ્રમાણ વધતું જાય છે. આ દુષ્ચક્રમાંથી છૂટવું અઘરું છે. જેમ ટોલરેન્સ વધતું જાય તેમ શરાબ લેવાનું પ્રમાણ વધતું જવાનું. પીનારને એમાં બહાદુરીનો અનુભવ થાય કે મને તો નશો થતો નથી. એમ પીવાનું પણ વધતું જાય. શરાબીનું લીવર બીજા કરતા પ્રમાણમાં કદમાં મોટું હોય છે. ડોક્ટર ને ખબર પડી જ જાય કે ભાઈ શરાબી છે. પછી એક દિવસ લીવર કકડભૂસ થઇને તૂટી પડે છે. લીવરનો સોરાયસીસ થઇ જાય છે. લાંબો સમય શરાબ પીવાથી અનિન્દ્રા નો રોગ લાગે છે. શરાબ પીવો તોજ ઊંઘ આવે અને નશો ઉતરી જાય અને શરીરમાંથી શરાબના લીધે પાણીનું પ્રમાણ ઓછું થઇ જવાથી ઊંઘ પણ ઉડી જાય.
અને શરાબ પછી નશો ઓછો આપે એટલે એનું લેવાનું પ્રમાણ વધતું જાય છે. આ દુષ્ચક્રમાંથી છૂટવું અઘરું છે. જેમ ટોલરેન્સ વધતું જાય તેમ શરાબ લેવાનું પ્રમાણ વધતું જવાનું. પીનારને એમાં બહાદુરીનો અનુભવ થાય કે મને તો નશો થતો નથી. એમ પીવાનું પણ વધતું જાય. શરાબીનું લીવર બીજા કરતા પ્રમાણમાં કદમાં મોટું હોય છે. ડોક્ટર ને ખબર પડી જ જાય કે ભાઈ શરાબી છે. પછી એક દિવસ લીવર કકડભૂસ થઇને તૂટી પડે છે. લીવરનો સોરાયસીસ થઇ જાય છે. લાંબો સમય શરાબ પીવાથી અનિન્દ્રા નો રોગ લાગે છે. શરાબ પીવો તોજ ઊંઘ આવે અને નશો ઉતરી જાય અને શરીરમાંથી શરાબના લીધે પાણીનું પ્રમાણ ઓછું થઇ જવાથી ઊંઘ પણ ઉડી જાય.હુઈ ઇતની મહેંઘી શરાબ કે થોડી થોડી પીયા કરો…અથવા નહિ પીવો તો ચાલશે..