નર્કારોહણ-૯

નર્કારોહણ-૯

હવે અમારી ઇચ્છા બાજુમાં આવેલા સ્વર્ગમાં ઘૂશ મારવાની હતી. અને ત્યાંથી કશું જાણવા મળે તો રિપોર્ટ લખવો હતો. પણ ત્યાં જવું કઈ રીતે? ત્યાં તો ઠેર ઠેર ઓરેન્જધારીઓ ચોકી કરતાં ઉભા હતા. ત્યાં અમને ચિત્રગુપ્ત(ગુપ્ત ચિત્ત, અચેતન મન) મળી ગયા. બહુ હોશિયાર, બધો હિસાબ રાખે. જે કર્યું હોય છાનું છપનું બધું એમના એકાઉન્ટમાં જમા, કોઈ ભૂલ નાં થાય. એમણે અમને વચન આપેલું કે પેલાં સ્વર્ગમાં લઈ જવાની ગોઠવણ કરીશું, કશું બોફોર્સ જેવું આપવું પડશે. પણ આ કશી કામના વગરનાં અને કામ વગરનાં સાધુઓને શું આપીશું બોફોર્સમાં?

ચિત્રગુપ્ત કહે, ‘વેરી સિમ્પલ હમણાં પેલાં કર્ણાટકવાળા નિત્યાનંદ અને રન્જીથાની સીડી ૧૦૦૦ રૂપિયામાં મળે છે તે કોઈ ચોકી કરતા ઓરેન્જ્ધારીને આપી દેશું. આપણને છાનામાના ઘુસાડી દેશે.’

‘પણ અહીં તો બધાં ઓરેન્જધારીઓ વચ્ચે પકડાઈ જઈશું, મેં કહ્યું.

ચિત્રગુપ્ત કહે, ‘તેની ચિંતા નાં કરો. હું એવી કરામત કરીશ કે આપણે એ લોકોને ઓરેન્જ્ધારીઓ જ દેખાઈશું.’

આમેય ચિત્રગુપ્ત અમારી સાથે માર્ગદર્શન માટે સાથે જ આવવાનાં હતા. પૃથ્વી લોકમાં અમે સીડી માટે એજન્ટને કહ્યું, ‘તો કહે આવી એક શું હજાર સીડીઓ આપી દઉં. બોલો કયા સંપ્રદાય અને કયા ધર્મની જોઈએ છે? દુનિયાનાં તમામ સંપ્રદાયોનો માલ અમે રાખીએ છીએ. ઈમ્પોર્ટેડ માલ પણ રાખીએ છીએ.’

નિત્યાનંદ વાળી લેટેસ્ટ હતી, માટે તેજ મંગાવી લીધી. બસ અમે ચિત્રગુપ્તની કૃપાથી એમની સાથે સ્વર્ગનાં દરવાજે જઈ ને ઊભા. સીડી હાથમાં જોતા વેત દરવાજા ખુલી ગયા અને પેલાં ચોકીદાર જોવામાં  મશગૂલ પણ થઈ ગયા. ભાઈ કહેવું પડે સ્વર્ગ તો એકદમ અફલાતૂન છે. સુંદર વન ઉપવન, થિયેટર સ્લાઈડ શો માટેના. મ્યુઝિયમ અને ઘણું બધું. સંપૂર્ણ વાતાનુકૂલિત. ચિત્રગુપ્ત કહે આ બધી વૈજ્ઞાનિકોની મહેનત છે. કેટલી બધી સગવડ અહીં છે ખરું ને?

મેં ચિત્રગુપ્તને પૂછ્યું કે, ‘આપણે ત્યાં નરકમાં તો સુંદર નારીઓ વિહરતી હતી, રામ સીતા, પત્નીઓ સાથે કૃષ્ણ, ઋષિઓ સાથે ઋષિ પત્નીઓ. અહીં તો કોઈ સ્ત્રી દેખાતી નથી.’

‘ભાઈ હિન્દુઓના સ્વર્ગમાં સ્ત્રીઓને જગ્યા નથી. પણ હવે તમને ફોરડી(થ્રીડી કરતા વધારે પાવર ફુલ) ગ્લાસ પહેરાવીશ. એટલે અહીં વસેલાં લોકોના મનમાં રહેલું બધું પ્રત્યક્ષ  દેખાશે.’ ચિત્રગુપ્ત બોલ્યા.

એક સુંદર ફુવારા આગળ અમે ગયા. ત્યાં લગભગ ૧૫ સોળ વર્ષ સુધીના  નાના બાળકોની પ્રતિમાઓ હતી. થોડા ભગવાધારીઓ ત્યાં ઉભા હતા. એમના મુખ ઉપર ભયંકર અગ્નિમાં સળગતા હોય તેવી પીડાનાં ભાવ હતા. શીતલ જળનાં ફુવારા અને એમાંથી મંદ મંદ વહેતો શીતલ પવન અને આ લોકો જાણે લાખો સેલ્સિયશ ગરમીની પીડા કેમ પામતા હશે? જાણે નર્કનાં પેલાં તાવડામાં શેકાતાં નાં હોય?

અમે જટ દઈ ને ફોર ડી ગ્લાસ ચડાવી દીધા. ઓહ! માય ગોડ !!! તરત જ ગ્લાસ કાઢી નાખવા પડ્યા. દ્રશ્યો જોવાય તેવા નહોતા. ચિત્રગુપ્ત પૂછે  શું થયું?

‘હવે સમજ પડી, આ અગ્નિ તો કામાગ્નિ છે. ભલે આ લોકો પીડાય પણ પેલાં નાના બાળકોની મહા વ્યથા દેખવી અઘરી છે. આ તો બધા ચાઈલ્ડ અબ્યુઝર લોકો છે.’ મેં કહ્યું.

બાળકોના મુખ પર વસેલી પારાવાર પીડા જોઈ મારી આંખમાંથી અશ્રુ ટપકી પડ્યા. શું આટલાં માટે બાળકોને દીક્ષા આપતા હતા? અબુધ બાળકો અને મૂરખ એમના માબાપ.

ત્યાં થોડે દુર થોડા ભગવાધારીઓ વળી પીઠ ઉપર લેબલ લગાવી ને ફરતા હતા. એમાં લખેલું કે અમે મહાન બ્રહ્મચારી છીએ સ્ત્રીના મુખ કદી દીઠાં નથી. પણ ગ્લાસ ચડાવીએ એટલે એમની અંદર વસેલી કામાગ્નિ ની પીડા દેખાઈ આવે. સતત સ્ત્રીઓ સાથે સહવાસ માણતાં જ દેખાય છે. જાણે ખીલા ભોંકાતા હોય તેવી પીડાઓ પામતા આ બધાને જોઈ ને થયું કે ખરું નર્ક તો અહીં છે. અસલી સુખ કરતાં નકલી સુખ વધુ પીડા દાયક હોય છે. કોઈ કોઈ તો વળી સોનાચાંદીનાં ઢગલા ઉપર બેસીને જાણે ઊકળતા પાણીમાં નાંખ્યાં હોય તેમ તરફડતા હતા. થોડા ત્રાસવાદીઓ પણ જોયા. ચિત્રગુપ્ત કહે મંદિરમાં આ તો પોલીસના હાથે મરેલા. પણ અહીં કેમ? વસુધૈવ કુટુમ્બકમ, મંદિરમાં મર્યા ને અહીં બધા ભક્તો સાથે લાવી દેવાયા, કોઈ પક્ષપાત નહિ. સહુ સરખાં.

હવે અહીં વધુ ફરવામાં સાર હતો નહિ. નર્કની પીડાઓ તો અહીં હતી. આ જ તો નર્ક હતું. તો પેલું શું હતું? જ્યાં અમે ફરતા હતા?

ચિત્રગુપ્ત બોલ્યા, ‘સાઇન બોર્ડ બદલવાનું કામ મારું છે. સ્વર્ગની જગ્યાએ નર્ક અને નર્કની જગ્યાએ સ્વર્ગનાં પાટિયા બદલી નાખું છું સમય સમય પ્રમાણે.’

‘તો પછી સાચું સ્વર્ગ અને સાચું નર્ક કયું?’ મેં પુચ્છ્યું.

‘એકેય નહિ, નાં કોઈ સ્વર્ગ છે, નાં કોઈ નર્ક, બધું તમારા ગુપ્ત ચિત્તમાં જ છે. તમે સ્વર્ગમાં છો તેમ માનીને પણ નર્કની પીડા ભોગવી શકો છો. તેમ ભલે લોકો માને કે તમે નર્કમાં છો પણ સ્વર્ગનો આનંદ પામી શકો છો.’ ચિત્રગુપ્ત બોલ્યા.

‘તો પછી આ મહાપુરુષો જેવા કે મહાવીર અને બુદ્ધ તો નાસ્તિક હતા એ લોકોનું શું માનવું?’ મેં શંકા દર્શાવી.

‘એ લોકો સ્વર્ગનાં મોહતાજ નથી હોતા, સ્વર્ગ એ લોકોનું મોહતાજ હોય છે. એવા લોકો જ્યાં હોય ત્યાં સ્વર્ગ હોય.’ ચિત્રગુપ્તે જોરદાર વાત કરી.

અમે તો પાછાં અમારા જાણીતા નર્કમાં આવવા ભાગ્યા. બહાર આવતા ચિત્રગુપ્તે પેલાં બોર્ડ સામે નજર કરવા કહ્યું.

અરે, આ તો  ‘આલ્ફાબેટધામ’ ! ! ! ! !