અવિસ્મરણીય મુલાકાત,,(શ્રી સુબોધ શાહ સાથે)
આજે સદનસીબે “કલ્ચર કેન કિલ” ના લેખકશ્રી સુબોધ શાહને મળવાનો મોકો મળ્યો. બ્લોગર મિત્ર શ્રી રશ્મીકાંત દેસાઈને ઘેર મુલાકાત ગોઠવાઈ હતી. હું અને શ્રી સુબોધ શાહ બંને સાથે જ ત્યાં પહોચ્યા હતા.કેન્ડલ પાર્કમાં આવેલા રશ્મીભાઈનાં ઘર આગળ અમારા બંનેની કાર સાથે જ પહોચી હતી. પહેલા કદી મળેલા નહિ. પણ ખ્યાલ આવી ગયો કે આજ સુબોધ શાહ છે, એમ તેઓશ્રી ને પણ ખ્યાલ આવી ગયેલો કે આ ભુપેન્દ્રસિંહ છે. રશ્મીભાઈએ ઉમળકાભેર સ્વાગત કર્યું. બંને વડીલો આગળ હું તો ઘણો નાનો કહેવાઉં. ખૂબ વાતો કરી. ભારતીય સંસ્કૃતિમાં રહેલી ગરબડો વિષે વધારે હોય તે સ્વાભાવિક છે. બની બેઠેલા ભગવાન ગણાતા ગુરુઓની બાલીશ વાતો પર ખૂબ હસ્યા. કોઈ ગુરુના પગ ચરણ સ્પર્શ કરાવવાના આદતી થઇ ચૂક્યા હોય તે મૂરખ ચેલાનો પડછાયો જોતાવેંત પેલા પગના તળિયા ઓટોમેટીક અચેતન રૂપે ખૂલી જતાં તે જોઈ મને ખૂબ હસવું આવતું. તે વાત કરતા અમે બધા હસ્યા. તો કોઈ ગુરુ એમના ચરણનો અંગુઠો ચેલાના કપાળે અડાડી પ્લગઇન કરી એમની અંદર રહેલો જ્ઞાનનો કરંટ પેલા અજ્ઞાનીના શરીરમાં વહેતો કરે તેની વાત કરીને પણ ખૂબ હસ્યા. આ ભગવાનો એક્સીડેન્ટમાં કેમ ગુજરી જતાં હશે? અને આ ભાગવાનો ને હાર્ટ એટેક આવે કે બીમાર થતા હોય ત્યારે ડોક્ટર્સ ની સેવા કેમ લેતા હશે?અને આ ભગવાન ભારતમાં જાય એવા થઇ ગયા હોય ત્યારે અમેરિકામાં મંદિરમાં મુકેલા ભગવાન આગળ પ્રાર્થનાઓ કેમ થતી હશે? કે હે પથ્થર કે ભગવાન અમારા પ્રગટ બ્રહ્મ ને બચાવો!!!પણ એ વખતે ખુલાશો શું કરવાનો ખબર છે?અભરાઈએ ચડાવી દીધેલો કર્મનો નિયમ પાછો ધૂળ ચડેલો ખંખેરીને કોફી ટેબલ ઉપર મૂકી દેવાનો.
રશ્મીકાંત દેસાઈ સિવિલ એન્જીનીયર. ગુજરાતમાં ઈરીગેશન વિભાગમાં હતા નાયબ ઈજનેર તરીકે, અને પાછા ક્વોલીટી કંટ્રોલમાં હતા. ત્યાં સરકારનો સરક્યુલર આવ્યો હશે કે દરેકના નામના અને હોદ્દાના સિક્કા ગુજરાતીમાં પણ બનાવો. રશ્મીભાઈ એ સજેસ્ટ કર્યું કે એમના હોદ્દામાં ના ઈ એટલે કેશ કર્તન કળા માહિર?(નાયબ ઈજનેર) લખો. અને વિભાગમાં ખણખોદીયો(ક્વોલીટી કંટ્રોલ) કામમાં ખોટું શું થયું છે તે પહેલું શોધવાનું. હજુ પણ એ જ ચાલે છે, ખાલી ક્ષેત્ર બદલાયું છે. ન્યુ યોર્કના સબવે(ભૂગર્ભ રેલ્વે)માં કન્સ્ટ્રક્સન વિભાગમાં ઈજનેરની લાંબી નોકરીમાંથી હવે રીટાયર થયા છે.
સુબોધ શાહ સાહેબ બી.ટેક થયેલા ટેક્ષટાઇલમાં રીસર્ચની જોબ, અમદાવાદ અને મુંબઈમાં ઉછરેલા. ન્યુ જર્સી અને ટેક્સાસ થઇને હવે રીટાયર થઇને મીજોરીમાં વસવાટ. સંસ્કૃતનાં ખાં, એમાં કવિતાઓ પણ લખે. બંને વડીલોનું સંસ્કૃતનું જ્ઞાન સારું. આપણને સંસ્કૃત ફાવે નહિ. ચબરાકિયા ફેંકવામાં બંને વડીલો માહિર. ખૂબ હસાવે. અમારા ત્રણેની સોચ લગભગ સરખી.સંસ્કૃત વિષે રશ્મીભાઈ નું કહેવું એવું કે લોકભોગ્ય ના રહી માટે ના ચાલી. સુબોધભાઈનું કહેવું કે અતિપ્રાચીન ભાષા છે.પણ બહુ મજાની છે.દેવોની ભાષા છે એ વિષે મજાનો ટુચકો કહ્યો.એક વાર કાકા કાલેલકર અને આચાર્ય કૃપલાની બંને સાથે જતા હતા.કાકા કાલેલકર ને સંસ્કૃત બહુ પ્રિય,અને પેલા સિંધમાંથી આવેલા.કાકા કાલેલકર કોઈ સંસ્કૃતનો શ્લોક બોલવા લાગ્યા.તો કૃપલાની કહે,
મને પણ બંને વડીલો તરફથી ખૂબ સરાહના મળી. અને સારી એવી ઉપયોગી હિંટ્સ પણ મળી. જે મારા માટે ખુશનસીબની વાત હતી. આ રશ્મીભાઈને એક રોગ છે અંજાઈનાં, એટલે પેલો હૃદયનો નહિ. અંજાઈ ના, કોઈથી અંજાઈ ના જાય તેવો રોગ. સમજ્યા પછી ખૂબ હસ્યા. જોકે અમને ત્રણે જણ ને આ રોગ કોમન છે. એ બાબતે ત્રણેમાં સામ્ય છે.
જો કોઈના પ્રભાવમાં અંજાઈ ગયા તો ગયાં,
કોઈનાં ઘેંટા બનતા વાર ના લાગે ભાયા.
સુબોધભાઈએ મોરારીબાપુનો એક દાખલો કહ્યો કે બાપુ કહે શ્રી રામના સમયમાં ભારતમાં લોકશાહી હતી. એની સાબિતી માટે એવો દાખલો આપ્યો કે રામને કશું કામ હોય તે મંત્રી સુમંતને પૂછીને કરતા. કેટલા નાદાન છે આ કહેવાતા મહાત્માઓ?અને એમની વાતો???
છેલ્લે એક રશ્મીભાઈનો સ્વાનુભવ લખું. રશ્મીભાઈ પાલીતાણામાં જોબ કરતા હતા. રોજ સાંજે કોઈ મેડીકલ સ્ટોર આગળ અલ્પ પરિચયે ઉભા રહેતા હશે. ત્યાં એક જૈન યુવાન સાધ્વીજી આવ્યા. થોડી કંઈક દવા લીધી. સ્ટોરવાળા ભાઈએ પૈસા માંગ્યા. તો કહે મારી પાસે તો નથી. રશ્મીભાઈ તરફ ઈશારો કરીને કહ્યું કે આ ભાઈ આપી દેશે. રશ્મીભાઈ ભાવનાશીલ માણસ એમણે બીલ ચૂકવી દીધું. બે ત્રણવાર આવું બન્યું. પેલા મેડીકલ સ્ટોરવાલાને એમ કે આ ભાઈ યાત્રાળુ હશે. પણ બે ત્રણવાર આવું થયું અને રશ્મીભાઈએ સાધ્વીજીઓના પૈસા ચૂકવ્યા તો પેલો કહે તમે અહીં જ રહો છો? ક્યાં સુધી પૈસા આપશો? રશ્મીભાઈ કહે હું કોઈ યાત્રાળુ નથી, જોબ છે. બદલી ના થાય ત્યાં સુધી અહીં જ રહેવાનો છું. પેલા સ્ટોરવાલા ભાઈએ કહ્યું કે હવે તમે આવી રીતે આ સાધ્વીજીઓ માટે પૈસા ના ચૂકવશો, આ તો રોજનું રહ્યું. અને આ યુવાન સાધ્વીજી સાંજે દુકાન બંધ કરતા સમયે આવી ને રોજ તમારા પૈસે ખરીદેલી દવા પછી આપી જાય છે. કાયમ આવું જ થતું હોય છે. રશ્મીભાઈને એમકે દવા રીટર્ન કરીને પૈસા લઇ જતી હશે. પણ પેલો કહે ના, આ દવા રીટર્ન કરીને આ સાધ્વીઓ લઇ જાય છે કોન્ડોમ!!!!!!!
