![images[11]](https://raolji.com/wp-content/uploads/2010/07/images111.jpg?w=474)
કાવ્યગોષ્ઠી, મોરારીબાપુના સાનિધ્યમાં, ન્યુ જર્સીમાં…
હમણા અહી ન્યુ જર્સીના એક્સ્પો હોલ, રેરીટન સેન્ટર, એડીસનમાં મોરારીબાપુની કથા ચાલે છે.
ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકા એ આ બધું આયોજન કરેલું છે. કથામાં તો મને રસ પડે નહિ. કથાનું ધૂમ એફ. એમ રેડિયો પર લાઈવ પ્રસારણ થાય છે. આજે શુક્રવારે બાલકાંડ પૂરો થયો. અને હવે શનિ અને રવિ બે દિવસ રહ્યા. બે દિવસમાં તો બાલકાંડથી લંકા પણ જીતાઈ જવાની. બાપુની એ કાબેલિયત છે. સાંજે આજે કવિ સંમેલન હતું. તો હું પણ પહોચી ગયો. સ્થાનિક અમેરીકાના કવિઓ સાથે સુરેશ દલાલ અને રઘુવીર ચૌધરી પણ હતા. ચિનુ મોદી પણ હતા. શ્રોતાઓમાં ભાગ્યેજ કોઈ યુવાન શ્રોતાઓ હતા. જે હતા એ માતાપિતા સાથે આવેલા હોય તેવું લાગ્યું. મૂળ તો આખા અમેરિકામાંથી લોકો કથા સાંભળવા આવેલા છે. એના લીધે નજીકની હોટેલો માં કન્સેશન થી રૂમો ભાડે મળે તેવું પણ ગોઠવાયેલું છે. હવે આ કથાઓમાં વૃદ્ધો સિવાય ખાસ કોઈ હોતું નથી. એટલે કવિ સંમેલનમાં ગયો ત્યારે કોઈ વૃદ્ધાશ્રમમા આવી ગયો હોઉં તેવું લાગ્યું.
કથાની અસરનો એક દાખલો જોયો. એક યુવાન સ્ત્રી ખાદીની સફેદ સાડીમાં સજ્જ ઉઘાડા પગે ત્યાં ફરતી જોઈ. એના હાથમાં રામ નામ લખેલું કપડું ઢાંકીને માળા રાખી રામ નામ જપતી હશે તેવું લાગ્યું. મને તો કોઈ ઓબ્સેશન જેવો દાખલો લાગ્યો. લોકો અભિભૂત થઇ જાય આવું જોઇને. મને રુગ્ણતા લાગે.
ખેર પોણો કલાક તો ઊંચા અવાજે માઈક બુમો પાડતું હતું કે ગમે તેટલું પણ ડોનેશન આપો અને પુણ્ય કમાવો. છેવટે સાત ને બદલે સાડા સાતે બાપુ પધાર્યા એટલે પ્રાથમિક વિધિ બાદ સંમેલન ચાલુ થયું.
સંમેલનની શરૂઆત કરી શ્રી સુરેશ દલાલે. ખુબ હસાવ્યા બધાને. ચાલતા કોઈનો સહારો લેવો પડે છે, પણ એક વાર માઈક આગળ આવે તો કોઈ ના કહે વૃદ્ધ હશે. એજ જોશથી બોલે. કદાચ લખવામાં એટલા હસાવતા નહિ હોય વાચકોને, એટલા બોલવામાં હસાવે. સ્ત્રીઓ વિષેના એમના અનુભવો કહીને હસાવવામાં બહુજ ખીલી ઉઠે. દલાલ સાહેબ ને કોઈ સ્ત્રીએ પૂછ્યું કે તમે કવિતા કઈ રીતે લખો છો? દલાલ સાહેબ કહે હું તો સુરેશ દલાલ છું, તરલા દલાલ નથી કે કવિતાની રેસીપી કહું? છતાં કહ્યું કે ગુલાબી કાગળ લો, લીલા રંગની શાહી લો અને કાગળ ને લમણે ટકરાવો કદાચ દિમાગમાંથી કવિતા ફૂટી નીકળે. બધા ખુબ હસ્યા. એક વાત બહુ સરસ કહી. તમને તારાઓની બારાખડી વાચતા આવડે છે? હા હોય તો લખો. આંખોમાં ધસી આવેલાં વાદળને ના વરસાવીને રોકતા આવડે છે? હા હોય તો લખો કવિતા. તમને ભીડમાં પોતાની જાત સાથે રહેતા આવડે છે? તમને મેઘધનુષના રંગ ને સુક્કી ધરતી પર ઉતારતા આવડે છે? જો હા હોય તો લખો કવિતા. એમને સાભંળવાની મજા આવી. એક વસ્તુ બહુ મહ્ત્વની કહી કે કવિતા સંમેલનોમાં કવિતા એવી રીતે કહો કે સાભંળનારને એવુ લાગે કે કાનમા પીંછુ ફરી ગયુ છે.
જોકે સંમેલનના સંચાલકનુ ગળુ બેસી ગયુ હશે. જેથી કાનમા અપ્રિય લાગતુ હતુ. અને કાનમા જાણે બોમ્બ ફોડતા હોય તેવુ લાગતુ હતુ. શીકાગોથી આવેલ કવિયત્રી બહેને સુરેશ દલાલે કહેલુ તેમ કાનમા પીંછુ ફરી જતુ હોય તેમ એમની રચનઓ બોલી બતાવી. સ્ટેજ ઉપર ચાર તો કવિયત્રી બહેનો હતી. બે નામ યાદ છે, એક હતા જાણીતા પન્ના નાયક અને બીજા હતા પ્રિતી સેન્ગુપ્તા. પન્ના નાયક પહેલી વાર ભારતથી આવ્યા હશે ત્યારનો અનુભવ કહેતા હતા. ન્યુયોર્ક એરપોર્ટ પર સાડી પહેરી ને ઉભા હશે, ભાલ મધ્યે મોટો ચાંદલો કંકુનો લગાવેલો હશે. એક નાનો અમેરિકન બાળક એ જોઇને એની મોમને કહેતો હશે કે મોમ જો આના કપાળમાંથી લોહી નીકળે છે. ત્યારે પન્ના બહેનને લાગેલું કે અરે આ તો ભારત પાછળ છૂટી ગયું. એ વિષય પર એમણે વાર્તા પણ લખેલી છે, અને આજે કવિતા પણ કહી. કોઈ પણ કવિ એની કવિતા સંમેલનમાં વાંચે તો કવિતા કઈ રીતે સ્ફૂરી, એના મનમાં એના વિષે બે શબ્દો કહે પણ ખરો. પણ આયોજક અને સંચાલકને કવિ સમય બગાડતો હોય તેમ લાગે છે. એમ પન્ના બહેનને સંચાલક કવિશ્રી ચંદ્રકાંત ટોકે કે બહેન કવિતા વાચો ત્યારે ખરેખર સારું નાં લાગે. મને તો ના ગમ્યું. અને પોતે દરેક વખતે બે કવિઓ બદલાય એમની કવિતા રજુ કરતા ત્યારે વચ્ચે વચ્ચે ‘મરીજ’ના શેર કહ્યા વગર રહી શકતા નાં હતા. એકાદ ‘મરીજ’ નો શેર નાં કહ્યો હોત અને પન્ના નાયક જેવા વડીલ ઘડાએલા કવિયત્રી ને બે શબ્દો વધારે બોલવા દીધા હોત તો એમનું માન જળવાત અને એમની લાગણીયો સાભળવા મળત. એમણે પોતે બ્લ્યું જીન્સ અને બહેચરભાઈ પટેલની કવિતા કરી ને લોકો ને હસાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે કોઈ કવિએ વ્યર્થ પિષ્ટપેષણ કરીને સમય બગાડ્યો હોય તેવું લાગ્યું નહિ. એક ભાઈએ એમની કવિતા સાજ વિના(તરન્નુમ) ગાઈને સંભળાવી એમાં એમણે એક કવિતા કહેવાની છોડી દીધી. જેથી સમય બગાડ્યાનું કોઈ કહી ના જાય .
હું તો ખાસ ચિનુ મોદી, રઘુવીર ચૌધરીને સાંભળવા બેસી રહેલો. આયોજકો હોશિયાર આ બેને છેક છેલ્લે બોલાવ્યા. ચિનુ મોદી એમની લાક્ષણિક શૈલીમાં બોલ્યા. ખુબ મજા આવી. થોડા હસાવ્યા પણ ખરા. રઘુવીર ચૌધરી તો મારા ગામ માણસાની બાજુના ગામ બાપુપુરાનાં. એમને તો હું ઘણી વાર મારા અભેસિંહનાં માઢ આગળ ઉભો હોઉં ત્યારે બજારમાં જતા આવતા જોતો. ઉંચી પાતળી દેહયષ્ટિ, પાતળું લાંબુ રોમન નાક, લાંબા વાળ કોઈ રોમન યોદ્ધો ઝબ્ભો અને લેંઘો પહેરીને જતો હોય તેવા લાગે. એમણે તો કવિતા કરી જાણે હૃદય પર પીંછું ફરી ગયું, “મેં તો મને કહ્યું હતું પણ તમે સાંભળી લીધું” વાહ ભાઈ વાહ!! રાજસ્થાન વિષે સરસ કવિતા એમણે કહી, પણ બધા સમજ્યા હોય તો સારું. એક ભાઈ એ અમદાવાદ વિષે કવિતા કહી.
છેલ્લે આવ્યા પાછા સુરેશ દલાલ. અહીના ગુજરાતીઓ કેવું ગુજરાતી અંગ્રેજી મિક્સ ગુજરેજી બોલે છે તેની કવિતા કહી બધાને ડોલાવી દીધા. અહીના કોઈ કવિને કવિ શ્રી રમેશ પારેખ એવોર્ડ અપાયો. દિવંગત કવિશ્રી ગઝલકાર આદીલ મન્સૂરી વગરના સંમેલનમાં એમનો ખાલીપો બધાયે અનુભવ્યો. એમના પત્ની અને સુપુત્ર બંને સ્ટેજ ઉપર આવ્યા અને કવિશ્રી આદીલ મન્સૂરીના નામનો એવોર્ડ હવેથી આપશે તેમ જાહેર કરી ને પહેલો એવોર્ડ ચિનુ મોદી ને આપ્યો. ચિનુ મોદીએ વાતાવરણ ને શોકમગ્ન બનાવ્યા વગર પરમ મિત્ર આદીલ સહેબ ને શ્રદ્ધાંજલિ અર્પી. અને આમજ સંમેલન પૂરું થયું. ખુબ મજા આવી. મને થયુકે મારા વાચકોને પણ મારા આનંદમાં ભાગીદાર બનાવું. એટલે આ લખ્યું છે. મને કોઈ અંદાઝ હતો નહિ કે આવી ને આના ઉપર લખીશ માટે કોઈ નોંધ કરેલી નહિ, બાકી સારી સારી પંક્તિઓની મજા પણ માણવાં મળત. જેટલું યાદ રહ્યું તેટલું લખ્યું છે.