“નર્કારોહણ”-૧

 

“નર્કારોહણ”-૧
નરક તરફ પ્રયાણ,,,
  ફ્રોઈડ કહેતો કે દિવસે અતૃપ્ત રહેલી ઇચ્છાઓ માનવી સપનામાં પૂરી કરતો હોય છે. જો કોઈ એવું કહે કે એમને સપના આવતા નથી તો ખોટી વાત છે. હા એવું બને કે એમને સપના યાદ ના રહેતા હોય. ફક્ત  વહેલી સવારે જાગતા પહેલા આવેલું છેલ્લું  સ્વપ્ન જ યાદ રહેતું હોય છે. એ પહેલા જોએલા સ્વપ્નો લગભગ યાદ રહેતા નથી. રાત્રે તમે સ્વપ્નો જોતા હોવ ત્યારે તમારી આંખો  અંદર ઝડપથી ફરતી હોય છે ભલે બહાર આંખોના પોપચાં બંધ હોય. આને રેપીડ આઈ મુવમેન્ટ કહેવાય છે. ટૂંકમાં એને રેમ કહે છે.
    શ્રી મોરારીબાપુ એક ટીવી ઈન્ટરવ્યુંમાં બોલેલા કે એમને સ્વપ્ના આવતા જ નથી. પણ એ ખોટું છે, એમને યાદ રહેતા નહિ હોય. સ્વપ્ના આવે તે ખોટું જરાય નથી, આવતા જ હોય છે. રશ્મીકાંત દેસાઈ સાહેબે અમને એકવાર પ્રેમાળ શબ્દોમાં લખેલું કે નરકમાં જવાના છો, આવું ને આવું લખ્યા કરશો તો. એકવાર હું મારા કંધશુલ એટલે ખભાના દુખાવા માટે થેરાપીસ્ટ પાસે ગયેલો. ત્યાં બેઠેલી રીસેપ્નીષ્ટ નૈયા મને પૂછે કે ક્યારની એપોઇન્ટમેંટ આપું? સંડે કે મન્ડેની? ત્યારે મેં મજાકમાં કહ્યું કે સંડે હો યા મન્ડે રોજ ખાઓ અંડે. તો બાજુમાં એક યુવાન ટીલા ટપકા કરેલા ભાઈ બોલ્યા કે તમારા જેવાને લીધે અમને શાકભાજી સસ્તા મળે છે. મને પુચ્છ્યું પણ નહિ કે હું ઈંડા ખાઉ છુ કે નહિ. મેં કહ્યું એનું પુણ્ય અમને મળશે. તો કહે માંસાહારીઓ બધા નરકમાં જવાના. મેં એમની સાથે દલીલો કરવાનું મુનાસિબ માન્યું નહિ. મૂરખો સાથે શું દલીલો કરવાની? ઘણા બધા મિત્રોનું માનવું છે કે હું નરકમાં જવાનો છું. મને પણ એવું લાગે છે. જોકે મારું સ્વાગત કરવા દેસાઈ સાહેબે મારા પહેલા ત્યાં પહોચી જવાનું વચન આપેલું છે. મેં પણ એમને જણાવેલ કે ત્યાં ઘણા બધા મહાનુભવો હાજર હશે, એમાંથી કોના કોના ઈન્ટરવ્યું લેવા છે તે લિસ્ટ બનાવી રાખશો. બસ આવી વાતોમાં એક રાતે હું પણ ઊંઘમાં નરકમાં પહોચી ગયો. દેસાઈ સાહેબે એમની તતૂડી વગાડી અમારું તડાકાભેર સ્વાગત કર્યું. હું શોધતો હતો પેલાં મોટા તાવડા જેમાં પાપીઓને શેકતા હોય લાખો વર્ષ લગી.
‘મારો કયા તાવડા માં નંબર છે?’
‘અહી તો કોઈ તવા મને દેખાતા નથી.’ દેસાઈ સાહેબ બોલ્યા.
   પણ બધા મહાનુભવો અહી ફરે છે ચાલો તમને બતાવું. અમે તો ફરતા ફરતા પહોચી ગયા શ્રી રામજી પાસે. સીતા મૈયા બાજુમાં જ બેઠાં હતા. મને નવાઈ લાગી. આ લોકો અહી કેમ બેઠાં હશે? આ લોકો તો સ્વર્ગમાં હોવા જોઇને? દેસાઈ સાહેબ વગર મૂછે મુછોમાં હસતા હતા. મને કહે પગે લાગો અને પૂછવા માંડો. પછી ચાન્સ નહિ મળે. હું તતૂડીમાં ઉતારવા માડું છું. સીતાજી ખૂબ રૂપાળાં, અદ્દલ દીપિકા ચીખલીયા જેવા. અને રામજી પણ ખૂબ હૅન્ડસમ લાગે અદ્દલ અરુણ ગોવિલ જેવા. પહેલા તો ચકરાઈ ગયેલો આ અરુણ ગોવિલ અને દીપીકાજી જ હશે. આમ તો ડભોઇમાં એકવાર દીપીકાજીની સભા હતી ત્યારે ખૂબ નજીકથી મંચ ઉપર એકબાજુ ઉભા ઉભા એમનો ભાષણ કરતો વીડીઓ ઉતારવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. ત્યારે હું એમની સુંદરતા જોઇને મોહિત થઈને એકટસ એમને જોયા કરતો હતો. સ્ત્રીઓની સીકસ્થ સેન્સ સારી હોય છે, એ ભાપી ગયેલા કે આ મોહન સતત સામે જોયા કરે છે ઘાયલ થઈ ગયો લાગે છે. મને પણ એમની આંખોના ભાવ સમજાઈ ગયેલા. પછી પ્રયત્નપૂર્વક બીજે જોયા કરતો હતો.
   અમે તો જઈને નમી પડ્યા, બંનેને વંદન કરી બાજુમાં ઉભા રહ્યા. રામજી તો અંતર્યામી સામેથી જ કહે,
‘આવી ગયા! સ્વાગત છે, તમે તો સીતાજીનો પક્ષ લઈ ને અમારી સામે પણ ખૂબ બાણ(શબ્દોના) છોડ્યા છે ને કઈ?’
‘હા ભગવન! અમને જરા એમાં અન્યાય જેવું લાગેલું માટે બધું લખતા હતા.’
‘સાચી વાત છે તમારી એમાં અમને કોઈ દ્વેષ નથી તમારા તરફ, અમે ભૂલો કરેલી જ અમે પણ માનવ જ હતા, માણસ માત્ર ભૂલને પાત્ર.’
‘પણ ભગવાન આવું કેમ કરેલું? ત્યાગ અને અગ્નિ પરીક્ષા મને નહિ ગમેલું માટે મેં વિરોધમાં બહુ લખેલું.’
‘સાચી વાત છે વત્સ, પણ એ જમાના પ્રમાણે અમે બધું કર્યું હશે, પણ અમે સમાજ ઉપર નવો દાખલો બેસાડી શક્યા હોત એવું બધું ના કરીને પણ અમે ચાન્સ ગુમાવ્યો.’
‘ભગવન, એમાં ભારતના પુરુષ વર્ગે આપનો દાખલો લીધો અને  હજુ સુધી ભારતની નારીઓને અગ્નિપરીક્ષાઓ આપવી પડે છે. અને ત્યાગ પણ થાય છે. અમારા એક લેખિકા વર્ષા અડાલજા કાયમ બુમો પાડતા હોય છે કે  આ સ્ત્રીઓની અગ્નિ પરીક્ષા ક્યારે બંધ થશે?’
‘હા વત્સ મને જાણીને ખૂબ દુખ થાય છે, હજુ પણ નારીઓને ધરતીમાં સમાઈ જવું પડે છે.’
‘ભગવન, આપે સરયુમાં કેમ જળસમાધિ  લીધી હતી?’
‘વત્સ શેની જળ સમાધિ? અરે ભાઈ સીતાજી ધરતીમાં સમાઈ ગયા, અમે એમને ખૂબ અન્યાય કરેલો એમનું દુખ અને વિરહ અમે સહન કરી ના શક્યા માટે અમે પાણીમાં સમાઈ ગયા. અને જલદી અહી ભેંગા થઈ ગયા.’
     ભગવન રામ ઇમોશનલ થઈ ગયેલા. આંખોમાં પાણી દેખાવા લાગ્યું. એટલે અમે સીતાજી તરફ વળી ગયા.
‘જય હો મૈયા! આપ અયોધ્યા પાછાં કેમ ના ગયા? ભગવાને માફી તો માંગેલી પછી?’
‘વત્સ હું પણ માનવી હતી, મારે પણ ફીલિંગ્સ હોય, મારે પણ સ્વમાન હોય કે નહિ?’
‘સાચી વાત મૈયા, એટલે આપે ભગવનને માફ ના કર્યા.’
‘હાસ્તો વળી, ના જ કરુંને? મન ફાવે તેમ સ્ત્રીઓ સાથે વર્તન કરે તે મારા જેવી કેમ સાંખી લે? અને હું સમાજ પર દાખલો બેસાડવા માગતી હતી કે આવી રીતે વારંવાર ભૂલો કરતા પુરુષોને માફ ના કરશો.’
‘પણ મૈયા સમાજ તો કશું શીખ્યો જ નથી.’
‘વત્સ ક્યાંથી શીખે? ખોટા અર્થ ઘટન થતા હોય ત્યાં? જુઓ ધરતીમાં ખૂબ એનર્જી ભેગી થાય ત્યારેજ ધરતી ફાટે, એમ મારા કહેવાથી ધરતી ના ફાટે.
‘મૈયા આપે ખુદને જ સજા કરી દીધી? સુસાઈડ કરી લીધું એમજ ને?’
‘વત્સ એક તરફ આખો સમાજ હોય અને એક તરફ એક સ્ત્રી હોય તો શું કરે? ખુદને જ સજા કરે, જે મેં કર્યું હતું.’
‘તો મૈયા આપની પડખે કોઈ જ ના હતું?’
‘વત્સ હતું એક માનવી, ઋષિ વશિષ્ટના વિદુષી પત્ની  અરુંધતી દેવીએ પ્રતિજ્ઞા લીધેલી કે રામ વડે ત્યજાએલી સીતા વિનાની અયોધ્યામાં પગ નહિ મુકું.’
‘મૈયા એ પણ સ્ત્રી હતા એકલાં એમની તતૂડી કોણ સાંભળે.’
    સીતા મૈયાના મુખ પર વિષાદ છલકાઈ આવ્યો. એટલે અમે ભગવન સામે મુખ ફેરવ્યું.
‘ભગવન આપ લોગન નર્કમાં કેમ?’
‘વત્સ ૧૪ વર્ષ વનમાં શું ખાઈએ? અને આમેય અમે હતા ક્ષત્રિય શિકાર હરણના કરતા એટલે પહેલા તો અમે સ્વર્ગમાં હતા, પણ હમણાં ટ્રેન્ડ બદલાઈ ગયો છે માટે અહી ટ્રાન્સ્ફર થઈ છે થોડા વખતથી.’
‘ભગવન પણ સીતા મૈયા કેમ અહી?’
‘વત્સ આમતો સ્ત્રીઓ પ્લાન્ટ ગેધરિંગ કરતી અને પુરુષો શિકાર એટલે મૈયા લગભગ શાકાહારી હતા, પણ કોઈ વાર એક્સટ્રા પ્રોટીન માટે  ખાઈ લેતા, પણ વસ્ત્રો એમને સોનેરી ટપકા વાળા હરણના ચર્મના ખૂબ ગમતા એ પાપ.’
       અમે બંને ને સંયુક્ત સવાલ કર્યો,
‘હવે ભારતમાં સ્ત્રીઓનું મૂલ્ય વધી રહ્યું છે, છતાં જોઈએ તેવું નહિ, તો ઉપાય શું?’…બંને સાથે બોલ્યા કે
‘વત્સ પુરુષોને  ખાસ રસ એમાં ના હોય પણ સ્ત્રીઓ એ જ એમનું મૂલ્ય સમજવું પડશે, અને પુરુષોનાં કાન પકડી એ મૂલ્ય સમજાવવું પડશે.’
‘ભગવન બીજો કોઈ સંદેશ?’
‘વત્સ આ બાપુઓએ ખાસ તો મોરારીદાસે મારી કથા હવે બંધ કરી દેવી જોઈએ, હવે સમાજ, પરિસ્થિતિ બધું ચેઇન્જ થઈ ગયું છે, હવે એની જરૂર નથી. છતાં રોટલા રળવા હોય અને બીજું કશું ના આવડતું હોય તો  નવા પરીક્ષેપમાં  કથાઓ કરવી જોઈએ. કે ભાઈ  સ્ત્રીઓ વસ્તુઓ નથી. એમનું  મૂલ્ય સમજો. મેં ભૂલ કરી હતી તેવી હવે ના કરશો.’
‘પણ ભગવાન, આ લોકો તો કહે છે ’રામ કથા જગ મંગલ કરની’(શ્રી ગુણવંત શાહ ઉવાચ)એટલે હજારો વર્ષ થયા પણ બંધ કરતા નથી.’
‘વત્સ, હજારો વર્ષથી મારી કથાઓ ચાલે છે, છતાં જગની વાત છોડો ભારતનું કોઈ મંગલ થયું હોય તેવું દેખાય છે ખરું? સેંકડો વર્ષ લાગી દેશ ગુલામ રહ્યો છે. ઇન્ડોનેશિયામાં પણ રામાયણ ભજવાતી હતી, હવે મોટાભાગનું ઇન્ડોનેશિયા આજે શું છે? સાવ ગરીબડું, પછાત, કંગાળ છે. હું તો મારા અણઘડ સૈનિકો લઈને સેતુ બાંધીને લંકા જીતી લાવેલો. તમે આજે એક મગતરા જેવા દેશોનું પણ કશું કરી શકો છો? ખરેખર રાવણ સામે તો હું મગતરું હતો, પણ મારામાં હામ હતી. મારા સૈનિકોમાં એક હિંમત હતી. અને અમે જીતી ગયા. મારી પાસેથી આ શીખવાનું મૂકીને ના શીખવાનું શીખ્યા.’
‘ભગવાન આપની વાત સાચી છે, આપનો આક્રોશ સાચો છે.’
   કહી અમે તો શરમના માર્યા કશું બોલી ના શક્યા. મિત્રો સવાલો તો ખૂબ હતા અને બીજા મહાનુભવો ને પણ મળવાનું હતું. અને હવે તો અહી જ રહેવાનું હતું. જ્યારે મન થાય ત્યારે સવાલો પૂછી શકીએ તેમ હતું. એટલે અમે બંનેને પાયે લાગી ત્યાંથી આગળ વધ્યા.
નોધ:–નર્કારોહણના બીજા ઈન્ટરવ્યું કહો કે અનુભવો પછીના ભાગમાં.