पितृ देवो भव:

સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ
 पितृ देवो भव:
ફાધર ડે આવીને ગયો.પિતાશ્રીના ગુણગાન ગવાયા.થયું બધા ગાઈ લે પછી કશું લખીએ.એક ભક્તિ ભાવમાંથી બહાર આવી જાય તો સરખું વાચી શકે નહીતો ભક્તિભાવની અસર પડે વાંચવામાં પણ.માતાને તો ભગવાનની જગ્યા આપી દીધી છે,મેલ ડોમિનેન્ટ સમાજ આવ્યા પછી ભગવાનની જગ્યાએ  પિતાને બેસાડવાનું ચાલુ થયું છે.
      એક દીકરી જન્મે છે તો પિતા તરફ થી ‘X’ ક્રોમોજોમ મળે છે.એક દીકરો જન્મે છે તો પિતા તરફ થી ‘Y’ ક્રોમોજોમ મળે છે.એટલે પિતા વગર પણ જન્મ તો શક્ય જ નથી.માતા અને પિતા બંનેનું સહિયારું સાહસ છે સંતાન.બંનેનું સરખું જ યોગદાન છે.
     સીંગમંડ ફ્રોઈડ અને કાર્લ જુંગ કહે છે કે પિતા એક દીકરા માટે ખુબ મહત્વનું પરિબળ છે,એની ઓળખના વિકાસ નું(Development of identity).એક નાના પુત્ર માટે પિતા એક idol છે.ડેડી બધું જ કરી શકે છે.પરમપિતા પરમાત્મા છે.પિતાની ચાલ ઢાલ,ઉઠવું બેસવું બધાની નકલ કરશે.પિતાની સ્વીકૃતિ જોઈએ છે.કિશોરાવસ્થામાં થોડો પ્રોબ્લેમ પિતાની દલીલો ગમતી નથી.એમનું ગાઇડન્સ વધારે પડતું લાગે છે.પણ યુવાન થતા આ સબંધો એક વિકાસના તબક્કામાં આવે છે.એકબીજાને  ઇગ્નોર કરે છે.પણ માનસિક રીતે જોડાતાં જાય છે.ત્રીસી ને ચાલીસી ના વચ્ચે સમજ આવે છે કે પિતાએ ઘણું કર્યું છે.ઘણા બલિદાનો આપ્યા છે.અને પિતા અને પુત્ર વચ્ચે મિત્રતાના સબંધો બની જાય છે.બસ પછીના વર્ષોમાં વૃદ્ધ પિતાની સેવા કરવાનું મન ના થાય તો સમજવું કે આ વિકાસના બધા તબક્કાઓમાં ક્યાંક ચૂક થઇ ગઈ છે.
              હવે જરા ઇડિપસ ગ્રંથી(Oedipus complex) ની વાત કરી લઈએ.પુત્ર અઢી થી છ વર્ષનો થાય તે તબક્કામાં પિતા પ્રત્યે એક જેલસ એક ઈર્ષ્યાની ગ્રંથી બંધાય છે.કારણ અચાનક માતા તેને છોડીને પિતા જોડે જતી રહે છે,પિતાને પ્રેમ કરવા જાય છે.એ એના અચેતન મનમાં ઘુસી જાય છે કે કોઈ એનો હરીફ છે જે માતાના પ્રેમાં ભાગ પડાવે છે.માતા, પિતાની જરૂરિયાતો પૂરી કરવા જાય છે અને પછી પાછી આવતી રહે છે.જરૂરિયાતો એટલે એમના ખાવા પીવા કે કપડા શોધી આપવા કે બીજી કોઈ પણ ઘરેલું જરૂરિયાતો વખતે માતાને પિતા પાસે દોડી જવું પડે તે એના નાનકડા મનને મંજુર હોતું નથી.પણ મોટા ભાગે આ ગ્રંથી ધીમે ધીમે દુર થતી જાય છે,જો પિતા તરફ થી એને પૂર્ણ પ્રેમ મળતો હોય અને સલામતી મળતી હોય ત્યારે.એક પિતા એના નાનલા પુત્રને ખભે તેડીને ફરે છે તો આ કોમ્પ્લેક્સ દુર થતા શું વાર લાગે?પણ પિતા કઠોર હોય અને વાતે વાતે સજા કરતો હોય તો આ ગ્રંથીનું નિષ્કાસન થતું નથી,ને એવા બાળકો મોટા થઇને પિતાના દુશ્મન બની જાય છે.
               ગ્રીક દેવતા Oedipus એ એના પિતા Laiusને મારી નાખીને એની પોતાની માતા Jocasta સાથે લગ્ન કરેલા.એના ઉપરથી મનોવિજ્ઞાનના ભીષ્મ પિતા સીંગમંડ ફ્રોઈડે નામ આપેલું છે ઇડિપસ ગ્રંથી.આના નિવારણ માટે પુત્ર અને પિતા વચ્ચે સોલીડ મજબુત માનસિક સબંધો નું જોડાણ જોઈએ. અને ના હોય તો એવા પુત્રો માનસિક રોગોના શિકાર થાય છે.જેવાકે Neurosis ,pyromania ,Paedophillia ….Hysteria પણ થઇ શકે છે.નાના બાળકોની જાતીય સતામણી કરતા લોકોની આ ઇડિપસ ગ્રંથીનું બરોબર નિવારણ થયું હોતું નથી.
            જે નાના પુત્રો ને પારિવારિક સબંધોની ગરબડને લીધે અને ખાસ તો પિતા પુત્ર વચ્ચે મજબુત માનસિક જોડાણ  હોતા નથી તેથી  તેમની પુરુષ તરીકેની ઓળખ સંપૂર્ણ થઇ હોતી નથી,એવા છોકરાઓ મોટા થઇ ને હોમો સેકસુઆલીટી તરફ વધી જાય છે.પુત્રો ને માનસિક વિકૃતિઓ તરફ ધકેલવા ના હોય તો પિતાશ્રીઓ પુત્રોને પ્રેમ કરો.
                એક દીકરી માટે  પિતા સાથેના સબંધો એ એના જન્મ પછીના સૌ પ્રથમ સ્ત્રી અને પુરુષ વચ્ચેના સબંધો છે.એક નાની બાળકી પોતાના પિતા તરફ થી મળતા  પ્રેમ ભાવના પ્રતિબિંબો વડે પોતાના સ્ત્રૈણ તત્વની ઓળખ પ્રાપ્ત કરે છે. એ એકલી નથી,કોઈ એને સમજી રહ્યું છે,ગણી રહ્યું છે,એક સેન્સ ઓફ સિક્યુરીટીની સમજ આવે છે.પિતા વગરની દીકરી કે પિતાના પ્રેમ વગરની દીકરી half done છે.એ હમેશા ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરે છે.પિતાનું હાસ્ય એના વિકાસનું સાધન છે.પિતાની શિસ્ત એનું માર્ગદર્શન છે.પિતા વગરની દીકરી એકલી અટૂલી છે.દીકરીઓને ટીનેજરમાં ખોટા પ્રેમના લફરાઓથી બચાવવી હોય તો પિતાશ્રીઓ તમારી દીકરીઓને મનભરીને વહાલ કરો.દીકરીઓને પ્રેમ કરવો નથી ને ખોટા પ્રેમના લફરે ચડે તો વાંક તમારો છે.
                   સંતાનો માતા પિતાનો આદર ના કરતા હોય,માનતા ના હોય,ઘૃણા કરતા હોય,સેવા ના કરતા હોય,ધ્યાન રાખતા ના હોય તો ક્યાંક ચૂક એમના ઉછેરમાં છે.આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે.એટલે માતા પિતાનો આદર કરો એવું કહેવા કરતા થોડો મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો તેવું કહેવું બહેતર છે.ચાઈલ્ડ સાયકોલોજી દરેકે ભણવી જોઈએ.આપણે સંતાનોના અચેતન માઈન્ડ માં પ્રેમ ઠાંસીને ભર્યો હશે તો અનાદર કઈ રીતે કરશે?અને આપણે એમના અચેતન માઈન્ડમાં દ્વેષ અને ઘૃણા કે તિરસ્કાર જ ભરેલો હશે તો આદર કઈ રીતે મળશે?
                 સ્વ.પિતાશ્રી રતનસિંહજી રાઓલ વકીલ હતા.થીયોસોફીસ્ટ હતા.એમની નાનકડી લાયબ્રેરીમાં અનેક સારા પુસ્તકો હતા.રાતે જાગીને પણ વાચતા રહેતા.સત્યના પ્રયોગો અમે એમાંથી જ વાંચેલા.સુધારાવાદી હતા.દહેજ અને ચાંલ્લા પ્રથાના વિરોધી હતા.એમના પરમ મિત્રો સ્વ.શ્રી છત્રસિંહજી રાઓલ,સ્વ.દેવીસિંહજી રાઓલ અને બીજા મિત્રો સાથે મળીને માણસા ભાયાત સમાજ નામના કેળવણી મંડળની સ્થાપના કરેલી.જે હજુ આજે પણ કેળવણી વિષયક પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે.વારસામાં સારા બ્રેન આપ્યા છે તે બદલ અમે બધા એમના વારસો એમના ખુબ ઋણી છીએ.એમનો પ્રેમાળ સ્વભાવ અને દીકરાઓને મિત્ર સમાન ગણવાની નીતિ એમની ખૂબી હતી.