પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ

પથ્થરમાંથી પાણી ટપકાવતી આ દીકરીઓ
 દીકરીઓ વિષે સહુ કોઈ લખે છે. ભલે મારે દીકરી નાં હોય, પણ હું કેમ નાં લખું દીકરીઓ વિષે?મારી કેટલી બધી ભત્રીજીઓ મને કહે છે કે કાકા અમે તમારી દીકરીઓ જ છીએ ને ? મોટાભાઈના દીકરી ભાગ્યે જ બોલે. નાનપણથી જ ખાસ ના બોલે. મને ઘણી વાર એવું થાય કે આ દીકરી ને જિહ્વા નથી કે શું?આજોલ પાસે સંસ્કાર તીર્થમાં ભણવા મુકેલા. મને થાય કે  આ દીકરી કદી કોઈ ની સામે બોલતી નથી ને સહ વિદ્યાર્થીનીઓ હેરાન કરશે. કોઈ વિચિત્ર શિક્ષક કે શિક્ષિકા તકલીફ આપશે, તો પણ કદી નહિ બોલે. કદી કોઈ ની આગળ ફરિયાદ નહિ કરે. ઘણી વાર ભાઈ ઉપર ગુસ્સો આવે આવો નિર્ણય શું કામ લીધો હશે? સત્ર શરુ થાય એટલે માણસા મૂકી ને જતા રહે. આગળ સંસ્કારતીર્થમાં મૂકી આવવાની જવાબદારી મારી. આજોલ ઉતરી ચાલતા ચાલતા જવાનું. યાદ નથી પણ બેચાર કિલોમીટર હશે. રસ્તામાં વારંવાર કહ્યા કરું કે કોઈ પણ તકલીફ હોય તો મને કહેવાનું. પણ ચુપ જ રહે. ખાલી હા કાકા ! હા કાકા !એમ કહ્યા કરે. પાછો સત્ર પૂરું થાય કે લેવા જાઉં. પાછો પૂછ્યા કરું કે કોઈ હેરાન તો નથી કરતુ ને? પણ નાં કાકા ! એવો જવાબ મળ્યા કરે. મને થાય કે આ પરણી ને સાસરે જશે તો ગમેતેટલા દુખડા પડશે કદી ફરિયાદ નહિ કરે.

એમના લગ્ન સમય ની વાત છે. જાન આવવાની બેત્રણ કલાકની જ વાર હતી ને એમના પિતાશ્રી એટલે અમારા મોટાભાઈશ્રી ને કોઈ કારણવશ હાર્ટ એટેકનો હુમલો આવ્યો. આ દુખદ સમાચાર ભાભીશ્રી ને જણાવવાની કપરી જવાબદારી મારે ભાગે આવી હતી. એક વાર તો ઢગલો થઇ ને બેસી પડ્યા. પણ મૂળ હિંમતવાળો સ્વભાવ, અમે બીજા ત્રણ ભાઈઓ તો પડખે હતા જ, અમારા ભાભીશ્રી એ વિધિ વિધાનની જવાબદારી સફળતા પૂર્વક પાર પાડી અને જાન તથા મહેમાનો વિગેરેની બીજી જવાબદારીઓ અમે બધાએ પૂરી કરી. આ દીકરીના દિલ ઉપર શું વીત્યું હશે? ખરા ટાણે પિતા હોસ્પિટલમાં, થોડું લાગણીયો ઉપર કાબુ રાખ્યો હોત પિતાશ્રીએ તો? જીવનના એક અતિ મહત્વના દિવસે વિદાય વેળાએ હોસ્પિટલની મુલાકાત લઈને વિદાય થવું કેટલું અઘરું લાગ્યું હશે? વિદાય વેળાંએ જાણે એમની રડતી આંખો અને મુક હોઠ બોલતા હતા કે  ‘કાકા ! ! ઓ કાકા મારા પપ્પાને સંભાળજો !!’ આ લખતા પણ મારી આંખોમાં આંશુ ધસી આવે છે.

પણ અત્યારે તો એક દીકરી ને એક દીકરાની માતા બની ચુકી છે. એમના પતિદેવે એક નાનું સરખું સામ્રાજય જ વસાવી લીધું છે, એના સમ્રાજ્ઞી છે. હવે તો જુઓ તો  ઠસ્સાદાર લાગે. કોઈ એમની સામે બોલી  ન શકે. કેટલું  બધું પરિવર્તન?  માતાને અને પિતાને બંને ને દીકરો બની સાચવે છે.

બીજા મોટાભાઈના દીકરી. બેંગલોરમાં રહેલા ભણેલા ગણેલા પણ ત્યાં. અંગ્રેજી બોલે ફડફડાટ. કન્નડ બોલે કડકડાટ ને  ગુજરાતી બોલે ભડ ભડાટ. નાના ઢીંગલી જેવડા  હતા. મને ઊંધા સુઈ જવાની આદત. ઉપર ઘોડો કરી ને બેસી જાય. એમના મમ્મી  લડે કાકા ને સુવા દે. પણ હું ના પાડું કે બેસવા દો. રમવા દો. એક વાર બરડામાં ભીનું ભીનું લાગ્યું. મને થયું આ શું થયું? કેમ ભીનું લાગ્યું, ઠંડુ લાગ્યું? જોયું તો ઢીંગલી લાળરસ ટપકાવતા ને થપ થપાવી ને આનંદ  લેતા. ઓત્તારીની ! આવું કરવાનું કે જાય ભાગ્યા. આખો દિવસ કાકા ! કાકા ! કરી ને પાછળ પાછળ ફર્યા કરે. હું તો તેડી તેડી ને રમાડતા થાકું નહિ. એકાદ વર્ષ સંજોગોવશાત માણસા રહ્યા  હતા. મારી સાથે ખેતરમાં આવે. સાવ નાની ઢીંગલી, બહુ વહાલી લાગે. કદી ખેતરમાં ફરેલા નહિ. સેન્ડલમાં કશું ભરાય છે, એવું કહ્યા કરે. મને સમજ નાં પડે, કારણ કન્નડ શબ્દ વાપરે. મન્નુ કે એવો કોઈ શબ્દ હતો. હું શું ? શું ? એમ પૂછ્યા કરું. એટલે એમની નાનકડી આંખોમાં મીઠો છણકો દેખાય. આ કાકો સમજતો કેમ નહિ હોય? પછી ખબર પડી કે સેન્ડલમાં રેતી ભરાઈ જતી હતી. બપોરે તો કાકા જોડે જ ગળે વળગી ને સુઈ જવાનું. રાતે પણ મમ્મી જોડે થી ભાગીને ક્યારે કાકા જોડે આવી સુઈ જાય ખબર નાં પડે. બેંગ્લોર થી આવે એટલે કાકા ને ગળે વળગી પડે. કાયમનો નિયમ. લગ્ન થયા કે બાપ દીકરીએ તો વિદાય ટાણે મળતી વખતે  નહિ રડવાનું નક્કી કરેલું. બાપ તો મક્કમ હતા. અંદર થી રડતા હશે, પણ બહાર થી હોઠ ભીડી ને ના રડવાનો અભિનય કરતા હતા. મંડપમાં ગીત પણ કન્યા વિદાય નું કરુણ રસ ફેલાવતું વાગતું હતું. મુજ પથ્થરની આંખોમાં થી પાણી  ટપકવા માંડ્યું, ભાઈ આપણે તો રડી પડ્યા. રડતા જાય ને કહેતા જાય.
‘કાકા નહિ રડવાનું.’
‘ઓ  દીકરી ! ! આજે તો રડવા દે ! પછી કદી નહિ રડું.’
મારા અતિ વહાલા પિતાશ્રીના મૃત્યુ સમયે પણ હું નહિ રડેલો . બરોડા આવે એટલે નિયમ પ્રમાણે ગળે વળગવાનું. દિલ બાગ બાગ થઇ જાય. ને જતી વખતે પણ ગળે વળગવાનું દિલના ચૂરે ચુરા થઇ જાય. પણ એક વાર નિયમ તુટ્યો. દીકરી પોતે એમની નાનલી દીકરી તેડીને આવ્યા. મેં  તો દોડીને નાનલી મારી દીકરીની કોપી ને લઇ લીધા ને રમાડવા લાગ્યો.
કાકા ! ! આ કેવું? દીકરીની દીકરી આવી એટલે મૂળ દીકરીને ભૂલી ગયાં ને?
ઓ ! દીકરા બહુ મોટી ભૂલ થઇ ગયી.
ગળે વળગાડ્યા ત્યારે શાંતિ થઇ. આજે તો એમનો સંસાર વસાવી ને બેસી ગયા છે. પણ અતીતના ઊંડાણમાંથી કોઈ વાર સાદ સંભળાય છે.
 કાકા !  ઓ કાકા ! જુઓને આ સેન્ડલમાં રેતી ભરાઈ ગઈ છે.
ઝબકીને જાગી જાઉં છું. પથ્થરમાંથી ટપકેલા પાણી થી ઓશીકું ભીંજાયા નો અહેસાસ થાય છે.
       * મારા પિતરાઈના દીકરી બરોડા  એમના ફોઈના ત્યાં નાના હતા ને આવેલા. તે હું પણ બરોડા હોવાથી મારા ઘેર લઇ આવેલો. મારા છોકરાઓને છૂંદો ને રોટલી બહુ ભાવે. મારો નાનો દીકરો એમને નાસ્તો કરવા બોલાવે , જીજા ચાલો છૂંદો ને રોટલી ખાવા. આજે પણ ફોન કરું તો પૂછું કે છૂંદો ને રોટલી ખાધા? તરત સમજી જાય કે કાકાનો ફોન છે. હસી પડે હા કાકા ખાધા ! મને કાયમ સ્વીટેસ્ટ અંકલ કહે. માણસા મારા ઘરનું કોઈ રહે નહિ. હું વર્ષ માં બેત્રણ વાર જાઉં. સાફસફાઈ કરાવું. કોઈ લગ્ન પ્રસંગ હોય તો હાજરી અપાઈ જાય. બપોરે મારા કઝન એમના ઘેર આવે એટલે મારું જમવાનું એમની સાથે જ હોય. આ દીકરી નાના હતા ત્યારથી બોલાવા આવે.
‘કાકા જમવા ચાલો, પપ્પા રાહ જુવે છે.’
થોડી વાર લાગે જતા તો પાછા આવે. કાકા જમવા ચાલો. ડાઈનીગ  ટેબલ પાસે જ ઉભા હોય. કાકા લો ખવાશે, ખવાશે કહી પેટ ફાટી જાય તેટલું પીરસ્યાં કરે. એમના પપ્પા  સામે કંઈક ભૂલાય જતું હોય તેમ જોયા કરે. પપ્પા  એમને એક કોળીયો ખવડાવે ત્યારે ખુશ થાય. કાયમનો નિયમ. પપ્પાના હાથનો એક કોળીયો ભરવાનો. મારા જોયેલા સૌથી સુંદર દ્રશ્યોમાનું એક આ દ્રશ્ય. પપ્પા ના હાથ નો કાયમ એક કોળીયો ભરતી આ દીકરી. આખું ગામ ને નગરપાલિકા એકલા હાથે ધ્રુજાવતા એમના પપ્પા  આ દીકરી આગળ મીણ જેવા થઇ જાય.  એમના લગ્ન સમયે હું તો અહીંથી જઈ નહોતો શક્યો. લગ્ન પછી ફોન પર પૂછેલું કે
‘વિદાય વેળાએ પપ્પા બહુ રડ્યા હશે નહિ?’ તો કહે
‘કાકા તમને કેવી રીતે ખબર પડી?’
અરે ભાઈ ! ભલે મારે દીકરી ના હોય પણ હૃદય તો દીકરીના બાપ નું ધરાવું છું. પછી કહે કાકા પપ્પા  બહુ રડેલા એક કોળીયો  પણ ખાધેલો  નહિ. મને ખબર હતી. ગામમાં કોઈ ચુ કે ચા કરી ના શકે એવો આ મારો ભાઈ અંદરથી સાવ મીણ જેવો છે. વિચારતા હશે કે હવે ડાઈનીંગ ટેબલ પાસે કોળીયો ખાવા કોણ ઉભું રહેશે? અને એક કોળીયો ભરાવ્યા વગર  ગળે કોળીયો કઈ રીતે ઉતરશે? પપ્પા હવે છોડો ને કહી ઉગ્રતા ઠંડી કોણ પાડશે? પહાડ જેવો બાપ દીકરીની વિદાય વેળાએ ભાગી પડ્યો. નાના બાળક ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડ્યો. છાના રાખવા જવા ની પણ કોઈ ની હિંમત નાં ચાલે. હજુય ઘરમાં પેસતા જ નિયમ પ્રમાણે પ્રથમ  દીકરીના નામનો સાદ પડાઈ જતો હશે. સાસરે રહેલી દીકરી ને વ્યથિત બાપનો સાદ અવશ્ય સંભળાતો હશે. એનો અહેસાસ થતો હશે કે પપ્પાને મને કોળીયો ભરાવ્યા વગર ખાવાનું ગળે નહિ ઉતરતું હોય. મને પણ અતીતના અતલ અંધકારમાંથી ઘેરો સાદ સંભળાય છે
‘કાકા જમવા ચાલો પપ્પા તમારી રાહ જુવે છે.’ આંખ ના ખૂણા ભીના થઇ જાય છે.
        * ભાઈ હવે લખવાની ત્રેવડ રહી નથી અત્યાર સુધી લખેલા લેખ  બધા એક ઝાટકે લખેલા છે. કોઈ બ્રેક વગર. પણ આ  આર્ટીકલ લખતા ભારે પડી ગયું છે. બીજી મારી દીકરીઓ વિષે લખવાનું હવે ગજું રહ્યું નથી. મારું  સૌથી અપ્રિય ગીત હોય તો ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ તે છે. આ બધી દીકરીઓ પારકી થાપણ નથી, વસ્તુઓ કે ફિક્સ્ડ ડીપોઝીટ નથી. આતો હૃદયના ટુકડા છે. મને હજુય એમના સાદ સંભળાય છે. આ તો મારા અસ્તિત્વના અંશ છે. દીકરી ને ગાય દોરે ત્યાં જાય? દીકરીઓ શું પશુ છે? એનિમલ છે? મુરખો! એક સ્ત્રી માતા બને છે ત્યારે પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. અને એક પુરુષ જયારે દીકરીનો પિતા  બને છે ત્યારે એનું પિતૃત્વ પૂર્ણ થાય છે.
આ બધી દીકરીઓ એમના નાનકડા સામ્રાજ્યની મહારાણીઓ છે. એમનું માન સન્માન છે. એમનું પોતાનું એક અસ્તિત્વ છે. કોઈ એમની સામે આંખ  ઉંચી કરી ને જોઈ શકે તેમ નથી. ગમે તેવાને ભૂ પાઈ દે તેવી છે. દીકરાઓ કરતા સવાઈ છે. પારકા ને પોતાના કરવાનું મને આ દીકરીઓએ જ શીખવાડ્યું છે.  નિર્મળ પ્રેમના ઝરણા જેવી આ મારી દીકરીઓ માટે અમને ખુબ ગર્વ છે.