ભારતીય સંસ્કૃતિ સૌથી જુનો સંસ્કૃતિ સ્થંભ. ચીનનો પણ લગભગ એટલો જ જુનો. ઘણી બધી લાંબી મજલ કાપીને ઘડાયેલો આ થાંભલો કોરી ખાવા ઉધઈના રાફડાઓ વળગ્યા છે. જાત જાતનાં રાફડાને ભાત ભાતના રાફડા. જેટલું લાકડું જુનું એટલી ઉધઈ પણ વધારે વળગેલી હોય. પણ પાછું બહુ જુનું લાકડું ઉધઈ ને ગાંઠે નહિ. એમાય વળી શીશમનું હોય તો જરાય ના ગાંઠે.
અહી અમેરિકાના કેલીફોર્નીયામાં એક ઝાડ છે, ૫૦૦૦ વર્ષ જુનું. કદાચ કૃષ્ણની મોરલીના સુર એણે સાંભળ્યા હશે. કદાચ એણે મહાભારતના યુદ્ધમાં થયેલો વિનાશ જોયો હશે. કદાચ એણે દ્રૌપદીના હીબકા સાંભળ્યા હશે.
“મને આટલા બધા જણાંની વચ્ચે નગ્ન ના કરશો ! મને શરમ આવે છે ! !”
કદાચ એણે ભાર્ગવની માતાના પોકાર સાંભળ્યા હશે.
‘બેટા પરશુ પિતા ગુસ્સામાં ખોટી આજ્ઞા આપે તેને પાળવાના મોહમાં મારું માથું તારા નિર્દય પરશુ(ફરશી)થી ના વધેરીસ’.
‘નાં માં ના ભવિષ્યમાં ભારતવર્ષ માં કોઈ બેટો એના પિતાની આજ્ઞાની અવગણના ના કરવો જોઈએ, એનો જડબેસલાક દાખલો આજે મારે બેસાડવો છે, અને પિતાજી પાસે સંજીવની વિદ્યા છે હું કોઈ ઉપાયે એમને તને જીવતી કરવા રાજી કરી લઈશ’
‘બેટા ફીફા ખાંડવા રહેવા દે એવી કોઈ વિદ્યા નથી, ભવિષ્યમાં પણ મરેલાને સજીવન કરે એવી વિદ્યા તો મળવાની નથી, હા દવાઓ ખાઈ કદાચ જીવન લંબાવી શકાશે.’
પણ ભાર્ગવ માને? માતાની આજીજીઓ આ ઝાડે સાંભળી હશે. પરશુનો માથું વધેરતો ખટકો એણે સાંભળ્યો હશે. વિરુદ્ધ ગુણ આકર્ષે, એ ન્યાયે કદી યુદ્ધમાં ના જવા ટેવાયેલા બ્રાહ્મણોના આ સદાય ફરશી લઇ ક્ષત્રિયોના માથા વધેરતા મહા ભાર્ગવ પરશુરામ તમામ બ્રાહ્મણોના આદર્શ મહાપુરુષ બન્યા. ક્ષત્રિયોના અન્યાય સામે લડવું જોઈએ, કેમ ના લડવું જોઈએ? જરૂર લડવું જોઈએ. પણ એક ક્ષત્રીયના પાપે તમામ ક્ષત્રિયો ઉપર વેર રાખવું એમાં મને તો કોઈ ગણિત સમજાતું નથી. અરે! ગર્ભવતી ક્ષત્રાણીઓના પેટ ચીરીને જન્મ પામવાની રાહ જોતા ક્ષત્રિયોને માર્યા. ચાલો ઠીક છે, પણ માતાની હત્યા? ને પિતા કદી ગેરવાજબી માંગણી કરી ના શકે એવું કેમ મનાય? ગેરવાજબી હતી માટે તો બીજા ભાઈઓએ ના માની. પિતાની આજ્ઞાનું પાલન ના કરનાર ભાઈઓને પણ માર્યા. બ્રાહ્મણ મિત્રો કોઈ ખોટું ના લગાડતા. મહાત્માઓએ વિચારવાની બારીઓ, વિન્ડોઝ બંધ કરી દીધી છે. બારી બંધ કરવા સંજીવની વિદ્યાનું તુત ઘુસાડી દીધું છે.
કોઈ ઉપાય જો સુજે વૈજ્ઞાનિકો ને એ ઝાડને સાંભળવાનો તો ગીતાના ઓરીજીનલ શ્લોક કહી બતાવે.
ભારતીય સંસ્કૃતિનો સ્થંભ એનાથી પણ જુનો. પણ ૨૫૦૦૦ કરતાય વધારે સંપ્રદાયોની ઉધઈ વળગી છે. અને રોજ નવી વળગતી જાય છે. મૂળ થાંભલો દેખાય નહિ તેમ વળગી છે. અરે આ ઉધઈને જ લોકો સંસ્કૃતિ માનવા લાગ્યા છે. બુદ્ધ ને મહાવીર કંટાળ્યા. ચાલો નવો થાંભલો રોપીએ. જાત જાતની કથાઓ ને ભાત ભાતના પુરાણોની ઉધઈ. બધા પુરાણો સાચા નથી, અથવા એમના નામે ચરી ખાવાનું ચાલે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી કથા શરુ. દરેક કથા પાછા વ્યાસજી ઉવાચ. એમાય પાછા સુતજી કહે મને વિષ્ણુજી એ કહેલી એ હવે તમને કહું છું. દરેક વ્રતનું પણ એમજ સમજવું.
કાલે જરા ધ્યાનથી સત્યનારાયણ કથા સાંભળી. રાજાનું અડધું શરીર રાજાએ કરવતથી કાપીને સત્યનારાયણ ભગવાનને આપ્યું. પછી અડધાનું શું કર્યું તે ના કહ્યું. અને આ અડધું શરીર ભગવાને શું કામ માગ્યું હશે? અડધું વળી શું કામમાં આવે? દરિદ્ર બ્રાહ્મણ દરેકમાં હોય. સાધુ વાણીયો ને લીલાવતીને કલાવતી. પ્રસાદ પડતો મુક્યો તો ખલાસ, ગયા જેલમાં. કથા કરી તો રાજાને ભગવાને ધમકી આપી કે તારો સત્યાનાશ કરી દઈશ સાધુ વાણિયાને છોડી દે. પુરાવે પોતે ને છોડાવવા પાછા ધમકી પણ પોતે જ આપે. કર્મનો નિયમ ગયો ભાડમાં. ખાલી કથા કરાવો ને સર્વ પાપો કર્યા કરો. કોઈ બોધર ના કરે. પ્રસાદ ના ખાધો તો દસ પુત્રો મરી ગયા. છેલ્લે પ્રસાદ વહેચાયો તો મેં કહ્યું ખાઈ લેવા દે ભાઈ મારે તો ત્રણ જ પુત્રો છે. બધા મરી જાય તો ઉપાધી થાય. વાઈફે પાછું બાળકો ના થાય તેનું ઓપરેશન કરાવી લીધું છે. અને હવે આ ઉંમરે બીજું બૈરું પણ ના મળે પુત્રો પેદા કરવા. પાછા કાયદા પહેલાના જેવા નથી. એક બૈરા ઉપર બીજું બૈરું કરીએ તો પાછા સળિયા ગણવા પડે. એના કરતા સારો શીરો બનાવ્યો છે, બેસ્ટ શીરા મેકર વાઈફે તો ખાઈ લેવાદે કોઈ ખોટું જોખમ નથી ખેડવું. મજાક કરું છું.
કેવી કેવી ઉધઈઓ? કોઈ વાર દશામાંનું પુર આવે, કોઈ વાર સંતોષી માતાનું. તો કોઈ વાર વૈભવ લક્ષ્મી. કોઈ વાર સાઈબાબાનું પુર આવે. હમણા સાઈબાબાનું ચાલી રહ્યું છે. પાછા મિત્રો કહેશે લોકોને આસ્થા હોય છે. કોઈ જીભ કાપીને મૂકી દે આવી આસ્થા? આવી આસ્થા વિરુદ્ધ પણ ના બોલાય? ધાર્મિક લાગણી દુભાઈ જાય. વાત વાતમાં ખોટું લાગી જાય.
લગભગ ૭૦૦ વર્ષ મહાન ગુપ્ત રાજાઓએ સજ્જડ રીતે સીમાડા સાચવ્યા. સિકંદર જેવો પણ ઘૂંસ મારી ના શક્યો. બસ પ્રજાને જલસા થઇ ગયા. ના કોઈ યુદ્ધ ના કોઈ હાડમારી. સુવર્ણ યુગ હતો. એજ સતયુગ લાગે છે. તમામ સાહિત્ય ને શાસ્ત્રો એ નવરાશે રચાયા. કવિતાઓ, મહાકાવ્યો રચાયા. પુરાણો રચાયા. પ્રજા ને છેતરવાનું શરુ થયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે કહી ધંધા શરુ થયા. શંકરાચાર્ય આવ્યા. થોડા ફટકા ઉધઈ ખંખેરવા લગાવ્યા. પણ વહેલા જતા રહ્યા. એમના ચેલાઓએ નવી ઉધઈ બનાવી લીધી. નાના મોટા કોઈ કોઈ વચ્ચે ઉધઈ ને ખંખેરવા પ્રયત્નો કરે પણ જેટલો જુનો થાંભલો એટલી જૂની ઉધઈ. પાકી સિમેન્ટ જેવી. ખંખેરવા વાળો જ ઉકલી જાય. દયાનંદ સરસ્વતી આવ્યા, મોરબીના ટંકારા થી. સાલું આ કેવો ભગવાન એના પર ઉંદરડા ફરે ને હટાવી પણ શકતો નથી. ખુબ ડંડા માર્યા, સત્યાર્થ પ્રકાશ નામનો ઘણ માર્યો. પણ ઉધઈ મજબુત. એમને જ લાડવામાં ઝેર આપી દીધું. ખબર પડી તો માંડ્યા દંડ બેઠક કરવા, જે પસીનામાં ઝેર નીકળી જાય તેટલું ઓછું. પહેલાવાનો મોકલાતાં તો સ્વામીજી પણ પહેલવાન હતા. ઉચકીને ફેંકી દેતા. પણ કપટ આગળ લાચાર બન્યા. રસોયાને પૈસા આપ્યા ને કહે ભાગી જા, મારો ભક્ત રાજા તને ફાંસીએ લટકાવી દેશે.
વિવેકાનંદ આવ્યા. ૧૦૦ યુવાનો આપો આખો સ્થંભ ઉધઈ વિહોણો કરી દઉં. ભારતનું કમનસીબ યુવાનીમા જ શંકરાચાર્યની જેમ સિધાવી ગયા. રામ મોહનરાય આવ્યા. એમણે પણ ડંડા ઝાપટ્યા, પણ સાલું જૂની ઉધઈ નવા સ્વરૂપ લઇ લે. એકલ દોકલની તતુડી કોણ સંભાળે. ગાંધીજીને થયું નવો પશ્ચિમનો થાંભલો સારો. પણ જુના સંસ્કાર આડે આવ્યા..જૈન રાજચંદ્રને ગુરુ માન્યાં. થોડી સાફસફાઈ શરુ કરી, હરીજન વાસમાં ફરવા લાગ્યા. ભગવી ધજાઓ બગડી. આ વાણીયો તો મંદિરો અભડાવસે. પણ પહેલા આઝાદીનું કામ કરીએ. ઉધઈ વિફરી ધરબી દીધી ગોળીઓ છાતીમાં. છેલ્લે ના મહાવીર યાદ આવ્યા ના જીસસ, યાદ આવ્યો હે!!રામ!!!અચેતન મનમાં રહેલા સંસ્કાર ના જાય તે આનું નામ.
ગુજરાતી વળી ઉધઈને સંસ્કૃતિ માને ને ગાંડા બહુ થાય. દરેક ને ગુજરાત બહુ ભાવે. અહી ધંધો સારો ચાલી જાય. કોઈ યુ.પી.થી આવે કોઈ હરિયાણા થી. કોઈ વળી વ્રજમાંથી આવે તો કોઈ વળી છપૈયા થી. ઘણા બધા સાક્ષરો પણ ગોદા મારી લે. પણ નવી પેદા થયેલી બહુ મોટા ગજાની ઉધઈના લપેટામાં આવી જાય. ઉધઈ ખોતરવા જાય ને ઉધઈમાં ઘુસતા જાય. પણ પાછો ઉધઈને ખોતરવાનો સ્વભાવ, એટલે કલમનો ગોદો મારીલે કે “સાધુઓ તો પરણેલા જ સારા”. એ.સી હોલોમાં ઉધઈઓ વિકસતી જાય. કરોડો રૂપિયા વપરાય. ગંગા મેલી થાય પણ કોઈનું ના ચાલે. સ્વામી સચ્ચિદાનંદ દંતાલી વાલા આવ્યા. ખુબ ડંડા મારે ચાલો અભિગમ બદલીએ, વૈજ્ઞાનિક અભિગમ રાખીએ, પણ કોણ જાગે?
અરવિંદ કાકા(અરવિંદ અડલજા) બુમાબુમ કરે કે અલ્યા ગંદકી નાબુદીની કથાઓ કરો, મંદિરો માં પૈસા ના વેડફો, ઘોંઘાટ વિરુધની કથાઓ કરો. પણ કોણ સાંભળે. મને થયું અરવિંદ કાકાના અભિયાનમાં હું પણ તૂટી પડું. મિત્રો નારાજ થાય. સંસ્કૃતિ ઉપર ઘા કરો છો? રિસાઈ જાય. અલ્યા ભાઈ મૂળ થાંભલી ખોવાઈ ગયી છે એને શોધું છું. હવે આ રાફડા હટાવ્યા વગર પહોચું કઈ રીતે? સંસ્કૃતિ સ્થંભ તો અડીખમ ઉભો છે પણ નજીક જવું કઈ રીતે?