‘હળવું હાસ્ય(ભલાભાઈ)’

                     *                                 *ભગવાન વિશ્વકર્મા એ પૃથ્વી  ઉપર સજીવો ની રચના કરી.આ વિશ્વકર્મા એટલે બ્રહ્માજીને?અમારા વાડી વિસ્તાર માં એમનું એક મંદિર છે.ખાસ તો સુથાર ને કુંભાર ને એવી બધી કોમો એમને ઇષ્ટ દેવ માને છે.મતલબ કૈક રચના કરતા હોય,પછી ફર્નીચર બનાવતા હોય કે માટલા એ બધાના ભગવાન એટલે વિશ્વકર્મા.એમણે જયારે આ સજીવો રૂપી ફર્નીચર બનાવેલું ત્યારે એક રંધો કામ માં લીધેલો હશે.છેલ્લે માણસ બનાવી હાથ ધોઈ નાખ્યા.પેલા રંધા એ સારું એવું કામ કરેલું ને હવે કશું બાકી ના રહેતા,ભગવાન ને થયું ચાલો હવે આને કૈક રીવોર્ડ આપીએ.ભગવાને રંધાને મનુષ્ય યોનીમાં જન્મ લેવાનું વરદાન આપ્યું.ને એ રંધો અહી જન્મ્યો તે આમારા બચપણ ના મિત્ર જયેશભાઈ જોશી.ઉપર મનુષ્ય ની રચના વખતે બારીક છોલણ કામ કરેલું,તે અહી હવે લોકોના દિમાગ નું છોલણ કરવા અવતર્યા.
    
             * એમના બાપ દાદા ઓને પુનાના પેશ્વાઓએ કશુક આપ્યું હશે તે તેનું માન રાખવા તેમની અટક પેશ્વા જ રાખી લીધેલી.બહુ મોટું સંયુક્ત કુટુંબ.લગભગ ૫૦ નાનામોટા માણસો ભેગા રહે.આ પ્લાનેટ પર મારું જોયેલું છેલ્લું મોટું સંયુક્ત કુટુંબ હશે.જયેશ ના પિતાશ્રી જયેશ બે મહિનાનો હશે ને દિવંગત થયેલા.માતા પણ જલ્દી સિધાવી ગયેલા.મારા પિતાની ઓફીસ નીચે એના કાકાની કપરકાબી ની એક માત્ર વિજાપુરમાં રહેલી દુકાન.રોજ સવારે કાકા દુકાન ખોલવા જાય એટલે બાળ જયેશ ને સાથે જવાનું.શાકભાજી ની જથ્થાબંધ દુકાને થી એક મણ બટેટા લેવાના.૫૦ માણસો માટે રોજ મણ બટાકા નું શાક થાય.બાલ જયેશ એની ચડ્ડી કરતા મોટી થેલી ઊંચકીને ચાલવાના મહાપ્રયત્નો કરતો ઘેર જતો હોય.એના પિતા મારા પિતાના મિત્ર હતા,ને એના મોટા બેન મારા બેન ના મિત્ર હતા.એ ન્યાયે જયેશ આમારા ઘેર રોજ આવે.અમે એને ભલીયો કહેતા.આવે એટલે બોલવાનું શરુ,જાય ત્યારે બંધ થાય.મારા માતુશ્રી ને કામ કરવા લાગી જાય.રીંગણ સમારવા બેસી જાય.શાક વઘારી પણ નાખે. ભાખરી શેકવા લાગે.જમતી વખતે શાક ખૂટે તો ખબર પડે કે સમારતી વખતે જ અડધા રીંગણ તો કાચા જ ચાવી ગયો હોય.જોકે હવેના બીટી રીંગણ તો વઘારેલા પણ ભાવતા નથી.
              
              * રણછોડરાય ના મંદિર ના મહારાજ ને રેડીઓ રીપેર કરતા આવડે છે એવું કહી રેડીઓ બગાડીને આપ્યો તો બાવો પાછળ પડેલો મારવા માટે.હું બરોડા ભણતો હતો ને એક દિવસ આવી પહોચ્યો મારી રૂમ પર.મારા મનમાં એકબે દિવસ માં જતો રહેશે.પણ જવાનું નામ ના લે.પછી કહે હું તો બધું છોડીને આવી ગયો છું.અગિયારમું ધોરણ માંડ પાસ કર્યું હશે.અને કોઈ મરાઠી ની દુકાન માં રેડીય રીપેરીંગ માટે જવા લાગ્યો.વાતો એવી સફાઈ થી કરે કે એને બધુજ આવડે છે.રેડીય રીપેરીંગ ના બદલે બગાડવાનું કામ વધારે કરે.મારે ખાલી મારા પુરતું સીધું સમાન આવે એટલું મનીઓર્ડર ઘરે થી આવે.એમાં બે જણ નું કેમ નું પૂરું થાય?સામટી ભાખરીઓ વણી નાખે,એક પછી એક ચડ્વતો જાય ને ખાતો જાય.છેલ્લી ભાખરી ચડી જાય ને ખાવાનું પણ પૂરું.વાટકો ભરી અથાણું શાક ની જેમ ખાઈ જાય.બહુ રેડિયા બગાડ્યા તો પેલાએ કાઢી મુક્યો.
    
              *એમાં કોઈ બીજા રેડિયોવાળા ને ત્યાં લાગી ગયો.મને કહે હવે મારા જમવાની ચિંતા ના કરતો,જાણે મારા ઉપર ઉપકાર ના કરતો હોય!જેના ત્યાં કામ કરતો એની દીકરી એના પ્રેમ માં પડી ગયેલી.દેખાવે પાછો રૂપાળો,ને વાતો નો મહા ફેંકુ.પેલી છોકરી એને રોજ જમાડે.મને કહે જમવાની વ્યવસ્થા થઇ ગઈ છે.પેલીનો પ્રેમ એના માટે ફક્ત જમવાની વ્યવ્સ્થાજ હતો.મેં કહ્યું આતો ચીટીંગ કહેવાય.તો કહે ખાવા મફત માં મળતું હોય તો બે શબ્દો મીઠા બોલવામાં શું જાય છે?અને એક દિવસ મુંબઈ ભાગી ગયો.સ્ત્રીઓના હૃદય ની કદર પુરુષોને ખાસ હોતી નથી.
   
             * શું ગરબડ  કરી કે એને ઇસરોમાં નોકરી મળી ગઈ.હું સાક્ષી છુકે એણે રેડોયા રીપેર ના બદલે બગાડ્યા વધારે હશે,પણ ઇસરોમાં કયા સર્ટીફીકેટ થી નોકરી મળી હશે?મને ઈસરોના મેનેજમેન્ટ કે એચ.આર ઉપર શંકા જાય છે.હું પણ એની સાથે ઘણીવાર ઇસરોમાં જઈ આવેલો અમદાવાદ માં.હતો તો ટેકનીશીયન પણ જાણે બહુ મોટો વૈજ્ઞાનિક હોય તેવી જ વાતો કરે.પાછો બેંગ્લોર પણ જાય.જાણે બધી ઉપગ્રહો છોડવાની જવાબદારી એનીજ હોય.અબ્દુલ કલામ સાથે તો રોજ એની મીટીંગ હોય. જયારે કોઈ ઉપગ્રહ એપલ જેવા માં કંઈક ગરબડ થઇ છે ના સમાચાર વાંચું તો મને તરત શંકા જાય કે ભલીયાએ સોલ્ડરીંગ બરોબર નહિ કર્યું હોય.અમે એનું બીજું નામ રન્ધોજ પાડી દીધેલું.મારા વાઈફ તો કાયમ કહે ભલાભાઈ કેટલા છોડિયા પાડ્યા?ફોન કરીએ ત્યારે એવુજ કહે એરપોર્ટ થી ઘેર જાઉં છું.જતો હોય લાલબસ માં ઘેર,પણ એરપોર્ટ થી હાલ જ ઉતર્યો એવુજ કહે.ન્યુયોર્ક,પેરીસ,ફ્રેન્કફર્ટ એવા બેચાર નામ બોલી જાય.અજાણ્યો તો છેતરાઈ જ જાય.વાક્ય શરુ થાય એનું ‘You know’ થી ને પૂરું થાય “છે” થી.
    
           * બેંગ્લોર ઇસરોમાં જાય એટલે બાજુમાં એન.એ એલ માં મારા મોટાભાઈ ના ત્યાં પણ અચૂક જાય.મોટાભાઈ ખુદ વૈજ્ઞાનિક અને ડેપ્યુટી ડાયરેક્ટર પણ એમની સામે પણ છોલવા બેસી જાય.છોલાય કોની સામે?અજ્ઞાની હોય તેની સામે.આપણ ઘેર આવે તો સામેથીજ કહીદે એને શું ખાવું છે.પણ એના ઘેર જો ગયા હોઈએ એના અતિઆગ્રહ થી તો પણ ધણી વહુ  એટલું બધું ઝગડે કે તમે તરત જ ત્યાંથી ભાગી છૂટો.પછી ભૈલાએ ટીવી રીપેરીંગ ચાલુ કર્યું હતું.એક દિવસ મને ડો પટવા જે અમદાવાદ માં જાણીતા ઓર્થોપેડિક હતા તેમના ઘેર ટીવી રીપેર માટે લઇ ગયો.ડોળ બહુ મોટો કરે.સ્ક્રીન સામે મોટો અરીસો મુક્યો ને પાછળ બેસી ચાલુ કર્યું રીપેરીંગ.નાનું સ્ક્રુ ડ્રાઈવર લઇ કલાક સુધી મથ્યો હશે.પછી સ્પેર પાર્ટ લાવવો પડશે એવું બહાનું કાઢી ત્યાંથી ભાગ્યાં.મેં કહ્યું તું યાર માર ખવડાવે તેવો છે.હું અમેરિકા આવ્યા પછી થોડા દિવસ લીકર સ્ટોર માં જોબ કરતો હતો,એવું જાણ્યાં પછી  પોતે રોજ અમરિકા ફરે છે તેવું બતાવવા ફોન કરે ને પહેલું પૂછે ‘કરોના’શું ભાવ રાખ્યો છે?’કુર્સ લાઈટ’ શું ભાવે વેચો છો?હેનીકેન સિક્સ પેક કેટલામાં પડે? આ બધી અહીની બીયર ના નામ છે.હવે એને લાગ્યું છે કે હું અહીંથી એને બહુ કામ લાગુ તેવો નથી એટલે કોન્ટેક્ટ રાખતો નથી.