“ભલે મહાત્માઓ ના કહે!મોહ,મમતા,માયા જરૂરી છે.”

                   *લગભગ બધાજ ગુરુઓ કહે છે મોહ,માયા,મમતા છોડો બધું નકામું છે.નકામું હોત તો મુકત શું કામ?હા!એની લીમીટ હોવી જોઈએ,પણ નકામું તો નથીજ.સાધુઓ બાલ બચ્ચાંનો મોહ છોડી ને ભાગી જાય છે.પછી નવો મોહ વળગે છે.સંપ્રદાય નો,ભક્તો વધારવાનો,મંદિરો ઉપર મંદિરો બનાવવાનો.મોટા ભાગ ના ગુરુઓને એકાદ સ્ત્રી શિષ્યા નો મોહ વળગેલો હોય છે.ઘણા બધા ગુરુઓની શિષ્યાઓ ખુબ નાની ઉમરની હોય છે,તે ગુરુઓ ને આ શિષ્યાઓમાં એમની દીકરીઓ પણ દેખાતી હોય છે.દીકરી પ્રત્યેનો મોહ આ નાનકડી શિષ્યાઓમાં વહેતો હોય છે.આ શિષ્યાઓ મોટી થતા  શિષ્યાઓ તથા એમના મળતિયાઓ દ્વારા ગુરુઓનું  શોષણ થતું હોય છે.બાપ જેવી લાગણી ધરાવતા ગુરુઓ મોહવશ થઇ કશું જ કરી શકતા નથી,અસહાય બની જતા હોય છે.
મોહ,મમતા,માયા વિરુદ્ધ ભાષણો આપતા ગુરુજી પોતે મોહ ના ચક્કર માં ફસાઈ જતા હોય છે.મેં પોતે આવા દાખલા જોયા છે.
        
                      *મોહ,મમતા જરૂરી છે.મમતા ના હોય તો તમે તમારા બાળકોને મોટા કઈ રીતે કરો?બાળકો પ્રત્યે મમતા કુદરતે મૂકી છે.જેથી તમે એમનું રક્ષણ કરો,પાળો,પોષો અને મોટા કરો.તો જ તમારા સંતાનોમાં તમે ટ્રાન્સફર કરેલા જીન્સ વ્યર્થ ના જાય.પ્ર્રાણીઓ પણ આ મોહ મમતા થી પર નથી.દરેક પ્રાણી જગત અને જંતુ જગત એના સંતાનોને બચાવવા જીવ સટોસટ ની લડાઈ લડતું હોય જ છે.એક ચિત્તા ફેમિલીનું જીવન હું ટીવી પર જોતો હતો.(ભારતમાં ચિત્તા નથી,જે છે તે દીપડા છે.) માદા ચિત્તા એના બે બચ્ચાઓ ને પાળતી હતી.હમેશા જીવ ના જોખમે એમનું રક્ષણ કરતી હતી.બંને બચ્ચા હરદમ એની સાથેજ રહેતા હતા.અને બચ્ચા મોટા થયા.એક દિવસ અચાનક બંને ને છોડી ને જતી રહી.હું તો જોતોજ રહી ગયો!આ બચ્ચાઓ માટે પ્રાણ ના જોખમે લડી છે.અને આમ અચાનક છોડી દેવાના?હા!પણ આ બચ્ચાઓ હવે મોટા થઇ ગયા હતા,જાતે શિકાર કરવા માટે સક્ષમ હતા.મને આ ચિત્તા ફેમીલી ના જીવન કવન પરથી શીખવા મળ્યું કે ક્યાં સુધી મોહ જરૂરી છે?ક્યાં સુધી મમતા જરૂરી છે?સંતાનો મોટા થાય એટલે એમની લડાઈ એમને લડવા દો.નહીતો એ કમજોર થઇ જશે.સર્વાઈવલ ના યુદ્ધ માં ટકી નહિ શકે.વધારે પડતી સલામતી એમને અસલામત બનાવી દેશે.મોહ મમતા જરૂરી છે,સંતાનોને મોટા કરીએ ત્યાં સુધી.માનવી નું બચ્ચું સૌથી કમજોર હોય છે.એને લાંબા સમય સુધી માતાપિતા ની સહાયતા ની જરૂર હોય છે.બીજા પ્રાણીઓ ના બચ્ચાઓ બે ત્રણ કલાક માં ઉભા થઇ ને દોડવા લાગે છે.માનવીના બચ્ચાને મોટું કરતા આશરે ૧૫ વર્ષ વીતી જાય છે.બચ્ચાને મોટા કરવા નર માદા ના સહિયારા પ્રયાસો  ની જરૂરત હોય છે.એટલે પક્ષીઓ પણ  જોડી  બનાવે છે.
          
               * દક્ષીણ ધ્રુવ પ્રદેશ માં પેન્ગ્વીન નામના જે પક્ષીઓ રહે છે,તે ઉડતા નથી પણ ચાલે છે અને પાણીમાં તરે છે.ભયાનક શિયાળામાં ૧૦૦ માઈલ(૧૬૦ કિલોમીટર) ની ઝડપે કાતિલ પવન સુસવાટા મારતો હોય ને ભયંકર બરફ વર્ષા થતી હોય ત્યારે હજારો પેન્ગ્વીન ટોળું વળી ને છ મહિના ઉભા રહેતા હોય છે.એમના બે પગ વચ્ચે એક ઈંડુ રાખી  છ મહિના સાચવતા હોય છે તે નર હોય છે,માદાઓ નહિ.માદાઓ તો ઈંડા મૂકી દરિયા ભેગી થઇ ગઈ હોય છે.શિયાળો પૂરો થતા પાછી આવે છે,પેટમાં એમના બચ્ચાઓ માટે અઢળક ખોરાક નો પુરવઠો ભરીને.પ્રાણીઓ ને બીજા સજીવો નો મોહ સમય પુરતો હોય છે.જયારે માનવી નો મોહ સમય વીતી ગયા પછી પણ  ચાલુ રહેતો હોય છે.સંતાનો ખુદ સંતાનો ધરાવતા થઇ ગયા હોવા છતાં આ મોહ ચાલુ રહે તો સંતાનોએ અપ્રિય લાગતો હોય છે.
       
                       *  સ્ત્રીને અને પુરુષ ને એકબીજા પ્રત્યે મોહ મમતા હોય છે.પ્રેમ હોય છે.પરિણામ સ્વરૂપ એમના જીન્સ બીજી પેઢીમાં ટ્રાન્સફર થઇ જીવનચક્ર આગળ ધપે છે. અને બંને ભેગા થઇ ને એમના સંતાનો પ્રત્યે મમતા રાખે છે.જેથી એમણે ટ્રાન્સફર કરેલા જીન્સ નું રક્ષણ થઇ,પાલન થઇ નવા જીવન ને આગળ ધપવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.તમે જીન્સ ટ્રાન્સફર તો કરી દો બીજી પેઢીમાં,પણ એમને મોટા થવા માટે જરૂરી સહાયતા ના કરો તો એનો શું અર્થ?એટલે કુદરતે મમતા મૂકી.આ છે મોહ મમતા. “મોહ મમતા ના હોય તો જીવનચક્ર ચાલે નહિ.”
    
                 *નોધ:-નીચેના ફોટા મેં જાતે ન્યુયોર્ક માં હરતાં ફરતાં ખેચેલા છે.
Single Mother